Pin code - 101 - 92 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 92

પિન કોડ - 101

પ્રકરણ-92

આશુ પટેલ

‘આપણે જ્યાંથી આવ્યા એ જગ્યાએ જ રિક્ષા પાછી લઈ લો.’ સાહિલે રિક્ષાચાલકને કહ્યું. એ વખતે રિક્ષાચાલક ગોળીના છરકાને કારણે તેના કાનમાંથી વહી રહેલું લોહી અટકાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે તેણે શું કરવું જોઈએ. એ જ વખતે સાહિલે તેને ફરી પેલી જગ્યાએ લઈ જવાનું કહ્યું એટલે તે આશ્ર્વર્યચકિત બનીને સાહિલની સામે જોઈ રહ્યો. તેનું ધ્યાન પોતાને થયેલી ઈજા પર હતું અને તે હજી ડરથી ધ્રૂજી રહ્યો હતો એટલે તેણે સાહિલ ફોન પર વાત કરી રહ્યો હતો એ ધ્યાનપૂર્વક સાંભળી નહોતી. તેને ખબર નહોતી કે સાહિલ શા માટે પાછો જવા તૈયાર થયો હતો. તેને લાગ્યું કે આ માણસ પાગલ થઈ ગયો લાગે છે. તે તેની ગર્લફ્રેંડ સાથે માંડ જીવતો નીકળી શક્યો એ જગ્યાએ પાછો જવા માગતો હતો!
સાહિલ અને મોહિની પાસે પેલી જગ્યાએ પાછા જવા માટે કારણો હતા અને એ તેમની મજબૂરી પણ હતી. પરંતુ રિક્ષાચાલક એ જગ્યાએ મોતનો સાક્ષાત્કાર કરીને આવ્યો હતો. તેણે સાહિલના હાથમાં પિસ્તોલ ના હોત તો તેણે તેને રિક્ષામાં બેસાડવાની પણ ઘસીને ના જ પાડી દીધી હોત.
‘અમને ફરી પેલી જગ્યાએ મૂકી જાઓ.’ રિક્ષાચાલક થોડી સેક્ધડ સુધી સાહિલના ચહેરા સામે તાકી રહ્યો એટલે સાહિલે તેને ફરી વાર સૂચના આપી.
એ જ વખતે રિક્ષાચાલકના મનમાં ઝબકારો થયો કે આ યુવાનનો ફોટો તો પોતે ટીવી પર ન્યૂઝમાં જોયો હતો. બીજી સેક્ધડે તેણે મોહિની સામે જોયું અને તે ચોંકી ઊઠ્યો. તેનો ફોટો પણ તેણે ટીવી પર જોયો હતો. આ બન્નેને તો પોલીસ શોધી રહી હતી! અત્યાર સુધી તેને તે બન્નેના ચહેરા ધ્યાનથી જોવાનો સમય નહોતો મળ્યો અને મોહિની રિક્ષામાં બેઠી હતી ત્યારે તો તેનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો. સાહિલે તેને હોંશમાં લાવવા માટે તેના ચહેરા પર પાણી છાંટ્યું હતું એટલે તેનો ચહેરો સ્વચ્છ થયો હતો.
રિક્ષાવાળો હેબતાઈ ગયો. તેને થયું કે પોતે ક્યાં આ ચક્કરમાં ફસાઈ ગયો. તેણે કહ્યું: ‘સાહબ, મૈં વહા નહીં આઉંગા. આપ દૂસરી રિક્ષા પકડ લો.’
સાહિલે રિક્ષાની સીટ પર પોતાની ડાબી બાજુએ મૂકેલી પિસ્તોલ ઉઠાવી. એ જોઈને રિક્ષાવાળો ફફડી ગયો. સાહિલ હજી પિસ્તોલ તેની સામે ધરે તે પહેલા તે રિક્ષામાંથી ઉતરીને જીવ બચાવવા ભાગ્યો. સાહિલ ડઘાઈ ગયો. પોતે શું કરવું જોઈએ એ તેને સૂઝ્યું નહીં એટલે તે રિક્ષામાંથી ઊતરીને રિક્ષાચાલકને અટકાવવા બૂમ પાડવા લાગ્યો. મોહિની પણ ગભરાઈને તેની બાજુમાં ઊભી રહી ગઈ.
સાહિલ અને મોહિની કશું વિચારી શકે એ પહેલા દોડી રહેલા રિક્ષાચાલકે બૂમાબૂમ કરી મૂકી. તેને જોઈને આજુબાજુમાંથી લોકો સાહિલ તરફ દોડ્યા, પણ સાહિલના હાથમાં પિસ્તોલ જોઈને તેઓ થોડે દૂર ઊભા રહી ગયા. એ જ વખતે ત્યાંથી એક પોલીસ વેન પસાર થઈ. પોલીસ કર્મચારીઓએ પણ એ દ્રશ્ય જોયું એટલે વેન ઊભી રાખી દીધી. ચાર-પાંચ પોલીસ કર્મચારીઓ ધસી આવ્યા. તેમણે પણ સાહિલને હાથમાં પિસ્તોલ સાથે બૂમ પાડતો જોયો. એટલે તેઓ સાહિલથી થોડા ફૂટ દૂર ઊભા રહી ગયા. જો કે તેમણે પોતાની રિવોલ્વર્સ અને રાઈફલ્સ તેની સામે ધરી દીધી.
‘પિસ્તોલ નીચે ફેંકી દે નહીં તો ગોળી મારી દઈશું.’ એમાંના એક પોલીસવાળાએ બૂમ મારી.
‘બધા એકબાજુ જતા રહો.’ બીજા એક પોલીસમેને જમા થઈ ગયેલા લોકો તરફ ફરીને બરાડો પાડ્યો.
સાહિલ ગૂંચવાઈ ગયો. તેણે આવી સ્થિતિની કલ્પના પણ નહોતી કરી. પણ તેને એટલું સમજાયું કે તેના હાથમાં પિસ્તોલ છે ત્યાં સુધી પોલીસ કર્મચારીઓ તેની પાસે આવશે નહીં. તેણે તેમને સમજાવવાની કોશિશ કરી કે અમે ગુનેગાર નથી, પણ પોલીસ કર્મચારીઓ તેની વાત સાંભળવા તૈયાર નહોતા. પિસ્તોલ સાથે ઊભેલા સાહિલ અને તેની બાજુમાં ઊભેલી મોહિનીના લોહીથી ખરડાયેલા કપડાં, તેમના શરીર પર ઉડેલું લોહી અને અધૂરામાં પૂરું મોહિનીના ખભામાંથી વહી રહેલું લોહી; એ બધું જોયા પછી પોલીસ કર્મચારીઓના ગળે એ વાત ઊતારવી મુશ્કેલ હતી કે તે બન્ને સીધાસાદા નાગરિકો છે!
સાહિલ પોલીસ કર્મચારીઓને એ સમજાવવાની કોશિશ કરતો હતો કે તે ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને મોહિની વૈજ્ઞાનિક છે. પણ તેણે પોતાનું અને મોહિનીનું નામ કહ્યું એ વખતે જ પેલા રિક્ષાચાલકે પણ બૂમ પાડી કે આ બન્ને આતંકવાદીઓના સાથીદારો છે. એ સાથે પોલીસ કર્મચારીઓ ચોંકી ઊઠ્યા. તેમણે તે બન્નેના ચહેરા ધ્યાનથી જોયા નહોતા, પણ સાહિલ સગપરિયા અને મોહિની મેનન નામ સાંભળીને તેઓ ચોંક્યા. અનાયાસે મુંબઈના આતંકવાદી હુમલાના શકમંદો તેમના હાથમાં આવી ગયા હતા!
એ દરમિયાન સાહિલ અને મોહિનીની પાછળ પણ કેટલાક માણસો જમા થઈ ગયા હતા. તેમણે આતંકવાદીઓના સાથીદારો એવું સાંભળ્યું એટલે એમાંના ત્રણ-ચાર હિંમતવાન યુવાનો પાછળથી સાહિલ અને મોહિની તરફ ધસ્યા. સાહિલ હજી ચેતે એ પહેલા તો મજબૂત બાંધાના એક યુવાને સાહિલને પાછળથી પકડી લીધો. બીજા એક યુવાને સાહિલના હાથમાં જે પિસ્તોલ હતી એ પિસ્તોલવાળો હાથ મજબૂતીથી પકડીને ઊંચો કરી દીધો. સાહિલની આંગળી ટ્રિગર પર દબાઈ ગઈ અને એક ગોળી હવામાં છૂટી. સાહિલે છૂટવાની કોશિશ કરી, પણ એ જ વખતે બીજા એક યુવાને સાહિલના માથામાં જોરથી મુક્કો મારી દીધો. સાહિલને તમ્મર આવી ગયા. એક યુવાને મોહિનીને જકડી લીધી હતી. મોહિની તો જો કે પ્રતિકાર કરવાની હાલતમાં જ નહોતી. ત્યાં સુધીમાં તો પોલીસ કર્મચારીઓ ત્યાં ધસી આવ્યા હતા. મુક્કાના મારને કારણે આવેલા તમ્મર શમે એ પહેલા તો એક પોલીસ કર્મચારીએ તેના નાક પર જોરથી મુક્કો માર્યો એટલે સાહિલને ચક્કર આવી ગયા. એ દરમિયાન બીજા પોલીસ કર્મચારીએ સિફતપૂર્વક સાહિલના હાથમાંથી પિસ્તોલ ઝૂંટવી લીધી.
સાહિલને કાબૂમાં લઈ લીધા પછી પોલીસ કર્મચારીઓએ તેની જડતી લીધી. તેની પાસેથી બીજી બે પિસ્તોલ મળી આવી.
સાહિલ અને મોહિની પકડાઈ ગયા એટલે થોડી ધરપત અનુભવી રહેલા પેલા રિક્ષાવાળાએ કહ્યું કે આ માણસે મને પિસ્તોલની ધાક બતાવીને રિક્ષા ભગાવવાનો આદેશ આપ્યો હતો. આ બંનેને કારણે મારા કાનમાં પણ ગોળી વાગી અને રસ્તા પર બીજા ઘણા માણસોને પણ ગોળીઓ વાગી.
સાહિલ કહેતો રહ્યો કે મારી વાત તો સાંભળો, પણ બે પોલીસ કર્મચારીએ તેને બોચીએથી ઝાલીને પોલીસ વેનમાં ધકેલ્યો. ધ્રૂજી રહેલી મોહિનીને પણ તેમણે વેનમાં બેસાડી દીધી. સાહિલ અને મોહિનીને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઇ રહ્યું છે. તેમની હાલત ઉલમાંથી ચૂલમાં પડવા જેવી થઇ હતી. ડોન ઇકબાલ કાણિયાના અડ્ડામાંથી જીવ બચાવીને ભાગી છૂટ્યા પછી તરત જ તેઓ મુંબઇ પોલીસના હાથમાં ફસાયા હતા. સાહિલને યાદ આવ્યું કે તેના દોસ્ત રાહુલે એવું કહ્યું હતું કે, પોલીસ તેને અને મોહિનીને આતંકવાદી હુમલાઓ સંદર્ભે શોધી રહી છે. પોલીસ એવું માનતી હતી કે ઓટોમોબાઇલ એન્જિનિયર સાહિલ સગપરિયા અથવા વૈજ્ઞાનિક મોહિની મેનને આતંકવાદી હુમલાઓમાં ઉપયોગમાં લેવાયેલી ફ્લાઇંગ કાર બનાવી આપી હતી. પણ હવે મુંબઇ પોલીસને એવું માનવાનું કારણ મળી ગયું હતું કે સાહિલ અથવા મોહિનીએ નહીં, પણ સાહિલ અને મોહિનીએ સાથે મળીને ફ્લાઇંગ કાર બનાવી આપી હતી!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED