તમારા વિના - 32 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

તમારા વિના - 32

૩૨

‘હું જીતી ગઈ, હું જીતી ગઈ...’ પત્તાં હાથમાંથી મૂકી નિધિ ઊભી થઈને આખા ઓરડામાં ગોળ-ગોળ ફરતાં નાચવા માંડી. તેના ચહેરા પરનો આનંદ જાઈને કાન્તાબેનના ચહેરા પર આછું સ્મિત આવી ગયું.

‘બા, તમે હારીને એને જિતાડીને? નિધિ બધી ગેમ હારતી હતી એટલે તમે આવું કર્યુંને?’ વિધિએ કાન્તાબેનની સામે જાઈને પૂછ્યું ત્યારે ચોરી પકડાઈ ગઈ હોય એવા ભાવ કાન્તાબેનના ચહેરા પર આવી ગયા. તેમણે વિધિને ખોળામાં લીધી અને તેના માથે હાથ ફેરવ્યો. બન્ને છોકરીઓ એક જ માની કૂખે અને બાર મિનિટના સમય અંતરે જન્મી હતી છતાં બન્નેમાં કેટલો તફાવત હતો એવો વિચાર કાન્તાબેનના મનમાં આવી ગયો. નિધિ તોફાની, જિદ્દી અને જબરી હતી; પણ વિધિ શાંત અને સમજુ હતી. કદાચ એને કારણે જ વિધિને કાયમ અન્યાય થતો હતો.

વિધિની વાત સાચી હતી. નિધિ લગભગ તમામ ગેમ હારી હતી અને વિધિ અથવા તો કાન્તાબેન ગેમ જીત્યાં હતાં એટલે નિધિના ચહેરા પર હતાશા આવી ગઈ હતી. કાન્તાબેને જાણીબૂજીને હાર સ્વીકારી હતી.

દીપકના ઘરેથી પાછા ફર્યા બાદ જે ઘટનાઓ બની હતી એેને કારણે ઘરમાં તનાવનું વાતાવરણ હતું. છેલ્લા બે દિવસથી કાન્તાબેનની તબિયત પણ નરમ હતી. કાન્તાબેન તેમના ફૅમિલી ડૉક્ટર મિસ્ત્રી પાસે જઈ આવ્યા હતા.

‘કાન્તા, તારું બ્લડપ્રેશર બહુ વધારે છે. તારે આરામની જરૂર છે. હું ગોળી લખી આપું છું. થોડા દિવસ એકલા બહાર જવાનું ટાળજે. ક્યાંક ચક્કર-બક્કર આવીને પડીશ તો ઉપાધિ થશે.’ ડૉક્ટર મિસ્ત્રી પાસે તેઓ કેટલાં વર્ષોથી આવતાં હતાં એની હવે ગણતરી પણ યાદ નહોતી. એટલે જ ડૉક્ટર મિસ્ત્રી તેમને તુંકારે બોલાવતા હતા. પોતાને તુંકારે બોલાવનારાઓ હવે બહુ બચ્યા નહોતા. માણસની ઉંમરનો અંદાજ તેને તુંકારે બોલાવનારાઓ કેટલા બચ્યા છે એના પરથી કાઢવો જાઈએ એવો વિચાર કાન્તાબેનને આવી ગયો. તેમને થયું હવે કે ખરેખર તેમની ઉંમર થઈ ગઈ છે.

‘હવે શું ઉપાધિ થવાની હતી ડૉક્ટર? જેટલી થવાની હતી એટલી તો થઈ ગઈ...’ કાન્તાબેન હસતા મોંએ બોલ્યા હતા, પણ એની પાછળનું દર્દ ડૉક્ટરની નજર બહાર નહોતું રહ્યું. ડૉક્ટર મિસ્ત્રી કશું બોલ્યા નહીં. કદાચ શું કહેવું એ તેમને પણ સૂઝ્યું નહીં. કાન્તાબેનની સ્થિતિથી તેઓ વાકેફ હતા. તેમના પરિવારના દરેક સભ્યને તે ઓળખતા હતા.

‘દીપક-વિપુલના શું ખબર?’ ડૉક્ટર મિસ્ત્રીએ પ્રિસ્ક્રિપ્શન લખતાં-લખતાં પૂછ્યું.

‘મજામાં છે.’ કાન્તાબેને વધુ ચર્ચા કરવાનું ટાળ્યું, કારણ કે તેઓ જાણતાં હતાં કે બહાર પેશન્ટસ્ની લાંબી કતાર હતી.

ડૉક્ટર મિસ્ત્રીની સલાહ માનીને કાન્તાબેન ઘરે આરામ જ કરતાં હતાં અને આમ પણ શરીરમાંય સ્ફૂર્તિ નહોતી. મોટા ભાગે તેઓ તેમની રૂમમાં જ રહેતાં અને પડ્યા-પડ્યા કાં તો છાપાં-મૅગેઝિન વાંચ્યા કરતાં અથવા વિચાર્યા કરતાં. વિધિ-નિધિ ઘરમાં દોડાદોડ કરતી રહેતી અને તેમના રૂમમાં આવતી. શ્વેતા ફક્ત બે ટાઇમ જમવા માટે બોલાવી જતી અને ચા આપી જતી.

આજે સવાર-સવારમાં વિધિ-નિધિ હઠ લઈને બેઠી હતી કે બા, અમારી સાથે પત્તાં રમો જ. એટલે નાહીધોઈને કાન્તાબેન સમય પસાર કરવા પત્તાં રમતાં હતાં.

‘બસ, જાઓ હવે તમે બહાર રમો. મારે થોડી વાર આરામ કરવો છે.’ પલંગ પર પડેલાં પત્તાં ભેગાં કરતાં કાન્તાબેન બોલ્યાં. બન્ને છોકરીઓ દોડીને બહાર ચાલી ગઈ. ચાદર ઝાટકીને કાન્તાબેન પલંગમાં લંબાવવા જતાં હતાં ત્યાં જ નિધિ ફરી અંદર ધસી આવી.

‘બા, તમને કોઈ મળવા આવ્યું છે.’ હવાની લહેરખીની માફક નિધિ પાછી દોડી ગઈ.

કાન્તાબેને ઘડિયાળ પર નજર કરી. ઘડિયાળના કાંટા અગિયાર વાગી ને દસ મિનિટ દર્શાવી રહ્યા હતા.

‘અત્યારે કોણ આવ્યું હશે? મને મળવા?’ કાન્તાબેન બહાર હૉલમાં પહોîચે એે પહેલાં તેમના મગજમાં સવાલ આવ્યો.

કાન્તાબેન બેડરૂમમાંથી પૅસેજમાં આવ્યાં. તેમણે હૉલમાં નજર કરી. નીતિનકુમાર હંમેશ મુજબ પગ સોફા પર ચડાવી ટેલિવિઝન જાઈ રહ્યા હતા. હૉલમાં કોઈ દેખાયું નહીં એટલે તે ઓ હૉલ વટાવી ઘરના પ્રવેશદ્વાર તરફ ગયા. દરવાજા ખુલ્લો હતો, પણ બહારનો જાળીવાળો દરવાજા બંધ હતો. તેમણે નજીક જઈ જાળીમાંથી બહાર નજર કરી.

‘તમે? અરે, બહાર કેમ ઊભા છો? અંદર આવોને સાહેબ...’ ડીસીપી પાંડેને અણધાર્યા આવી ચડેલા જોઈ કાન્તાબેન નવાઈ પામ્યા હતા. તેમણે તરત જ જાળીવાળું બારણું ખોલી નાખ્યું.

ડીસીપી પાંડેએ બારણામાં પ્રવેશતાં પહેલાં તેના બૂટ ઉતારવા માંડ્યા.

‘વાંધો નહીં... ચાલશે...’ કાન્તાબેને કહ્નાં. તેમ છતાં તેમણે બૂટ ઉતારી મૂક્યા અને કાન્તાબેનની પાછળ-પાછળ પ્રવેશ્યા. કાન્તાબેન તેમને હૉલ સુધી દોરી ગયા અને સોફચૅર પર બેસાડ્યા. આવનાર કોઈ નવું પ્રાણી હોય એમ નીતિનકુમારે તેના તરફ જાયા કર્યું અને પછી વાંકા વળી પગ પાસે મૂકેલો સ્ટીલનો ગ્લાસ ઊંચકી મોંમાં જમા થયેલો રસ એેમાં થૂંક્યા.

જ્યારથી નીતિનકુમાર અહીં આવ્યા હતા ત્યારથી ઘરની લગભગ તમામ વસ્તુઓ પર તેમની હાજરીની નોંધ લેવાઈ ગઈ હતી. ઓશીકાનાં કવર, ગાદલાંની ચાદરો, સોફાનાં કવર, બારીની બહારની પાળીઓ અને ભીંત, વૉશબેસિન બધે જ તમાકુના ડાઘા હતા. સોફા પર બેસી ટેલિવિઝન જોતાં-જોતાં ઊભા ન થવું પડે એ માટે નીતિનકુમાર સ્ટીલનો ગ્લાસ રાખતા અને એમાં જ થૂંક્યા કરતા. તેમનું ચોખ્ખુંચણક ઘર આ માણસે ગંદું-ગોબરું કરી નાખ્યું હતું. મહેમાનની હાજરીમાં પણ તેમને ગ્લાસમાં થૂંકતા જાઈને કાન્તાબેનને ચીડ ચડી. તેમણે નજર ફેરવી નાખી.

‘હું પાણી લઈ આવું.’ કાન્તાબેન રસોડામાં ગયાં.

કાન્તાબેન પાણીનો ગ્લાસ લઈને પાછાં આવ્યાં ત્યારે તેમને ખાતરી હતી કે આટલી વારમાં ડીસીપી પાંડેએ આખા ઘરનું નિરીક્ષણ કરી લીધું હશે. અને નીતિનકુમારનું પણ. તેમની ગેરહાજરીમાં બન્ને વચ્ચે કોઈ વાતચીત થઈ હોય એવું લાગતું નહોતું, કારણ કે નીતિનકુમાર પગ લાંબા કરી પાંડેની હાજરીની અવગણના કરી ટેલિવિઝનની ચૅનલો સર્ફ કરી રહ્યા હતા.

‘કંઈ કામ હતું સાહેબ?’ કાન્તાબેનથી પુછાઈ જવાયું, પણ પછી આવું પુછાય કે નહીં એવો વિચાર આવતાં તેમણે કહ્યું, 'ના, એટલે કે મને બોલાવી લેવી હતીને....’

‘યહાં સે ગુજર રહા થા તો સોચા આપસે મિલતા જાઉં...’ ડીસીપી પાંડેએ પાણીનો ગ્લાસ લેતાં કહ્યું.

‘સારું થયું સાહેબ તમે આવ્યા તે.’

કાન્તાબેન અને ડીસીપી પાંડે વચ્ચેની વાતચીત કાને પડતાં નીતિનકુમાર તેમની સામે તાકી રહ્યા.

અચાનક ડીસીપી પાંડે પોતાની ચૅર પરથી ઊભા થયા અને નીતિનકુમાર તરફ હાથ લંબાવી બોલ્યા,

‘હલ્લો....આઇ એમ ડીસીપી પાંડે...’

એક ક્ષણ માટે નીતિનકુમાર ડઘાઈ ગયા. તેમની સામે ઊભેલો આ માણસ મોટો પોલીસ અધિકારી છે એેની નીતિનકુમારના મગજમાં નોંધ થતાં સહેજ વાર લાગી, પણ જેવું તેમને આ સત્યનું જ્ઞાન થયું કે સોફામાંથી સફાળા ઊભા થઈ ગયા.

આ આંચકો તેમના માટે એટલો અનપેક્ષિત હતો કે તેમના હોઠના એક ખૂણેથી તમાકુના રસનો લાલ રંગનો રેલો હડપચી પર રેલાઈ આવ્યો. મોંમાં ભરાયેલા રસને તે ગળી ગયા અને મોંમાંથી થૂંક ન ઊડે એની તકેદારી રાખતા ધ્રૂજતા અવાજે બોલ્યા, ‘હલો... હલ્લો...’

‘આપ?’ નીતિનકુમારનો પરિચય માગતા હોય એમ ડીસીપી પાંડેએ ઠંડકથી માત્ર એક શબ્દમાં જ સવાલ કર્યો.

‘મૈં... મૈં... નીતિન...’ ડીસીપી પાંડેના સવાલના જવાબમાં નીતિનકુમાર બોલ્યા, પણ તેમની સામે નજર માંડતાં જ તેમને થયું કે આ કંઈ ઓળખાણ નહોતી. આ તો તેમણે ફક્ત પોતાનું નામ કહ્યું હતું એટલે તરત જ કહ્યું, ‘ઇનકા... કાન્તાબેન કી લડકીનો હસબન્ડ.’ કાન્તાબેન સાથેનો સંબંધ સમજાવવા માટેનો હિન્દી શબ્દ તેમને આ સ્થિતિમાં સૂઝ્યો નહીં.

ડીસીપી પાંડે તેમની સામે જોઈ રહ્યા છે એે ખ્યાલમાં આવતાં જ નીતિનકુમાર ડરથી અસ્વસ્થ થઈ ગયા હતા.

‘બેસો... બેસોને સાહેબ...’ નીતિનકુમારે ડીસીપી પાંડેને એકદમ નમ્ર અવાજમાં બેસવાનું કહ્યું. જોકે તે પોતે અહીંથી ભાગી છૂટવા માગતા હોય એવું નીતિનકુમારના પોતાના ચહેરા પરથી લાગતું હતું.

‘શ્વેતુ... શ્વેતા...’ કહીને તેમણે બૂમ પાડી અને એ બહાને હૉલમાંથી ખસી જવા માગતા હોય એમ ડગલું માંડતા હતા ત્યાં જ વિધિ દોડીને હૉલમાં આવી.

‘પપ્પા, મમ્મી તમને કહીને તો ગઈ કે હમણાં નીચે જઈને આવું છું...’ નિધિએ નિર્દોષ ભાવે કહ્યું.

નીતિનકુમારે નિધિ સામે ડોળા કાઢ્યા, પણ નિધિને તો એ જાવાની ફુરસદ ક્યાં હતી. તે તો ફરી અંદર દોડી ગઈ.

નીતિનકુમાર ફરી પાછા બેઠા, પણ તે નાછૂટકે બેઠા હોય એવું લાગતું હતું; કારણ કે હવે તે સોફાની સીટની કિનારી પર ઉભડક બેઠા હતા અને તેમનાથી અનાયાસ અદબ વળાઈ ગઈ હતી.

‘માજી, ચાય નહીં પિલાએંગે...’ ડીસીપી પાંડેએ કાન્તાબેનને કહ્યું.

‘હા... હમણાં બનાવી લાવું.’ કાન્તાબેન તરત જ રસોડામાં ગયાં.

કાન્તાબેન ચા લઈને પાછાં આવ્યાં ત્યારે હૉલમાં એકદમ સોપો પડી ગયો હતો. ટીવી હજી પણ ચાલુ જ હતું, પણ એેનો અવાજ બંધ હતો. ચા પીતાં-પીતાં ડીસીપી પાંડેએ સાવ સહજ વાતો કરી. કાન્તાબેનનું ઘર જૂની બાંધણીનું હોવાને કારણે કેટલું મોટું અને સરસ છે, કેવા લાંબા પૅસેજ છે, હવે તો બિલ્ડરો એક-એક સેન્ટિમીટર નહીં પણ મિલિમીટરનો પણ હિસાબ કરતા થયા છે એવી બધી સર્વસામાન્ય વાતો.

ડીસીપી પાંડે આ બધી વાતો કરતા હતા ત્યારે સામાન્યપણે દરેક બાબતમાં પોતાનો અભિપ્રાય આપતા અને ડંફાસો મારતા નીતિનકુમાર એકપણ અક્ષર બોલ્યા વિના ચુપચાપ બેસી રહ્યા. ડીસીપી પાંડેએ ચા પી લીધી એટલે કાન્તાબેને તેમને આખું ઘર બતાવ્યું. જાકે આવું અસ્તવ્યસ્ત ઘર તેમને બતાવતાં કાન્તાબેનને શરમ આવતી હતી.

‘મારી તબિયત હમણાં સારી નથી એટલે ઘર આવું પડ્યું છે.’ ડીસીપી પાંડેએ પૂછ્યું નહોતું તોય પોતે કોઈ ભૂલ કરી હોય એમ કાન્તાબેનથી બચાવ થઈ ગયો.

‘માજી, ચિંતા મત કરો. હોતા હૈ ઐસા. સબ ઠીક હો જાએેગા.’ ડીસીપી પાંડેએ તેમની તબિયતના સંદર્ભમાં કહ્યું કે ઘરની સાફસફાઈ બાબત એે કાન્તાબેનને ન સમજાયું.

ઘર જાઈને ડીસીપી પાંડે બહાર દરવાજા તરફ જતાં પહેલાં ફરી એક વાર હૉલમાં ગયા. નીતિનકુમારની નજીક જઈને ક્ષણભર ચૂપચાપ ઊભા રહ્યા. નીતિનકુમારને કદાચ આ એક ક્ષણ એક યુગ જેવી લાગી હોય એવું કાન્તાબેનને તેમનો ચહેરો જાતા સમજાયું.

‘ઓ.કે. મિ. નિતીન... નાઇસ મીટિંગ યુ (તમને મળીને આનંદ થયો).’ ડીસીપી પાંડેએ તેમનું ભારેખમ મૌન તોડતાં કહ્યું.

‘હં... અં... હા... મને પણ. એટલે કે...’ નીતિનકુમારના મોંમાંથી શબ્દો નીકળતા નહોતા.

‘બાય...’ કહીને ડીસીપી પાંડે નીકળી ગયા.

કાન્તાબેન તેમને દરવાજા સુધી વળાવી આવ્યાં. તે લિફ્ટમાં પ્રવેશ્યા ત્યાં સુધી કાન્તાબેનને અપેક્ષા હતી કે ચંદ્રના હત્યારા ઓ વિશે તે કંઈ કહેશે અથવા કેસ સંદર્ભે પોતાને કંઈ પૂછશે કે જણાવશે, પરંતુ ડીસીપી પાંડેએ તેમની સાથે એ વિશે કંઈ જ વાત ન કરી ત્યારે તેમને અચરજ થયું.

તો શું ખરેખર ડીસીપી પાંડે કહ્યું એમ અમસ્તા જ મળવા આવ્યા હતા? ના, એવું તો ન બને. તો પછી? ઘર જોવા કે પછી ચંદ્રની હત્યા સંબંધિત કોઈ કડી મેળવવા? કે પછી કોઈ નિરીક્ષણ કરવા? ડીસીપી પાંડે શા માટે આવ્યા હશે? કાન્તાબેનનું મગજ આખી બપોર ચકરાવે ચડ્યું. આખી બપોર પથારીમાં પડ્યા-પડ્યા તેમણે વિચાર્યા કર્યું, પણ તેમના મનનું સમાધાન થાય એવો કોઈ જવાબ ન મળ્યો.