Doni books and stories free download online pdf in Gujarati

દોણી

'' દોણી"

ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય, વ્યાસમાન્ય સંસ્કૃતિ. જગતની અડતાલીસ સંસ્કૃતિ આજે લુપ્તપ્રાય થઈ છે ત્યારે હજારો વર્ષ જૂની એકમેવ સંસ્કૃતિ સેંકડો વર્ષના પરકીય શાસન બાદ અને જબરજસ્ત પ્રહારો બાદ પણ આજે ટકી રહી છે. અને તે એટલે ભારતીય સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે વિચારપ્રણાલી, (way of thinking) જીવન. પ્રણાલી, (way of life) અને ઉપાસના ભક્તિપ્રણાલી (way of worship). સંસ્કૃતીના મહાન વિચારસૂત્રો જ પ્રતિકોમાં પરિણમ્યાં. યોગ્ય અર્થમાં જો પ્રતિકો સમજાય તો સંસ્કૃતિ કોઈપણ કાળે પુનર્જીવિત થાય. પ્રતિકોમાં બુદ્ધિનો વૈભવ દેખાય છે. આજની ભાષામાં કહેવાનું હોય તો પ્રતીકો એ સંસ્કૃતિનું વિચારવિજ્ઞાન છે.

પ્રતિક એ મૌન ની ભાષા છે,શાંતિનું સંગીત છે, સંસ્કૃતિના મહિમાનું મૌન ગીત છે. પ્રતીકોપાસના એટલે બિંદુને સિંધુ માં જોવાની તાકાત અથવા તો ગાગરમાં સાગરને સમાવવાની શક્તિ ! પ્રતિક એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારને વ્યક્ત કરવાની વ્યવસ્થા. આજના કાળમાં ગળાડૂબ પ્રવૃતિમાં ડૂબેલો માનવનો પ્રત્યેક વ્યવહાર ઉપલકિયો થયો છે. એના હાસ્યમાં નથી પસન્નતા કે રુદનમાં દિલની સાચી વ્યથા ! એના સંસારમાં અનુરક્તિ નથી, કે નથી સન્યાસમાં વિરક્તિ! ટૂંકમાં એનો જીવન વિસ્તાર વધ્યો છે પણ એને જીવનનું ઊંડાણ ખોયું છે. આ ઊંડાણ પાછું મેળવવા માટે માનવે પ્રતીકો પાછળ રહેલા દિવ્ય અર્થને સમજવા તેણે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવું જોઈએ.પ્રતીકો આપણા સાંસ્કૃતિક સુત્રો છે. સુત્રો અલ્પાક્ષર હોય છે. એક નાનકડા સૂત્રની અંદર અનંત અર્થ સમાયેલો હોય છે.એક નાનકડા બીજની અંદર વિશાળ વૃક્ષનો વિસ્તાર છુપાયેલો હોય છે.

માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતિક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી એ અગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઇ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો,'રામ બોલો ભાઈ રામ' નો ઉચ્ચાર વાતાવરણને ભારેખમ તેમજ માનવ ને અસ્વસ્થ અને ગ્લાનીપૂર્ણ બનાવી મુકે છે. માનવ મૃત્યુથી ખુબ જ ગભરાય છે કારણ કે તે મૃત્યુને અમાંગલિક ઘટના ગણે છે.જીવન તરફ જોવાની સુયોગ્ય દ્રષ્ટિ કેળવાય તો માનવને મૃત્યુમાં રહેલું માંગલ્ય સમજાય મૃત્યું તો સૃષ્ટિકર્તાની શુભ અને કલ્યાણકારી યોજના છે. હવે માની લઈએ કે મૃત્યું જ ન હોય તો? જીવજંતુ,પશુપંખી અને માણસોના ખખડધજ થઈ ગયેલા ભૂતિયા ખંડેરો જ ચોમેર આમ તેમ ભટકતાં-અથડાતાં હોત. જન્મ અને મરણ એ તો જીવનના ચૈતન્યને હરિયાળું લીલુંછમ રાખે છે. જીવન એટલે શિવનું જીવને મળવા આવવું અને મૃત્યુ એટલે જીવ નું શિવને મળવા જવું. કદાચ એટલે જ આપણા શાસ્ત્રકારોએ ભગવાન શિવજીનું નિવાસસ્થાન સ્મશાન કલ્પ્યું હશે. મરવું -સ્મશાનમાં જવું એટલે ભગવાન શિવજી પાસે જવું! આ રમ્ય વિચાર આપીને શાસ્ત્રકારોએ મરણની ભીતિ ઓછી કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.મરણના દુઃખને કન્યાવિદાયના દુઃખ સાથે સરખાવી શકાય. નવવધુને પતિગૃહે જવાનું દુઃખ નથી પણ આનંદ છે; દુઃખ તો છે પિયર છોડવાનું. તે જ રીતે મરનાર ને જ્યાં જવાનું છે તેનું દુઃખ રહેવાનું કારણ નહિ પણ અહી બાંધેલા ભાવસબંધો છોડીને જવું પડે છે તેથી તેનું હૃદય વ્યથિત થાય છે.મૃત્યુ તો જીવનનું સૌન્દર્ય છે; જીવનનો શણગાર છે. મૃત્યુ ન હોત તો કદાચ જીવનનો આટલો મહિમા જ ન હોત. મૃત્યુના સાન્નિધ્યમાં જ કદાચ અત્યંત ઉત્કટ રીતે જીવનનો પરિચય થાય છે. મૃત્યુ છે તેથી તો જીવનમાં આનંદ છે, જીવનમાં કાવ્ય છે,જીવન રસમય છે ઈશ્ર્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું આ વાત જ્ઞાનદેવ મહારાજ સમજાવે છે:

જીવવાનું દેહ સોંપીને સ્વસ્થ રહેવાથી

મરણ પરભારું જ મરી જ જાય છે.

વસ્તુતઃ સ્વરૂપને

જન્મેય નથી અને મરણેય નથી

સમુદ્રના બુંદબુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું

તો તે ક્ષણમાં જ સુકાઇ જવાનું છે, પણ એને સમુદ્રથી અળગું ન પાડતાં

તે સમુદ્રમય જ છે એમ માન્યું

તો તે કદીયે સુકાવાનું નથી. “

જ્ઞાનીઓ મૃત્યુનું અસ્તિત્વ જ નકારે છે. જગતમાં કઈ જ નાશ નથી પામતું, તેથી મૃત્યુ એટલે જડનું રૂપાંતર અને ચેતનનું વેષાન્તર ! ભક્તો મૃત્યુને જીવ-શિવના મિલનનું મધુર કાવ્ય ગણે છે; જયારે કર્મ્યોગીઓ કહે છે કે મૃત્યુ જીવનનો હિસાબ આપવા જવું.

માનવદેહની નશ્વરતા તરફ ધ્યાન ખેચતી આ દોણી માનવને તુચ્છ સમજવાની નકારાત્મક દ્રષ્ટિ આપે છે એવું નથી; પરંતુ ક્ષણભંગુર દેહથી પણ મનાવે સત્કાર્ય સાધી લેવા જોઈએ, તેના માટે સાવધ કરે છે. માનવજીવન ક્ષણિક છે પરંતુ ક્ષણિક હોવાથી જીવનને તુચ્છ સમજી ફેંકી દેવું એ નરી મૂર્ખતા છે. ક્ષણિક જીવનમાં પણ સુગંધ ભરવાની કળા મનાવે પુષ્પ પાસેથી શીખવી જોઈએ.અલ્પકાલીન જીવનમાં અનેરા રંગો પુરાવાની કળા ઇન્દ્રધનુષ સિવાય કોણ શીખવી શકે ? જીવનની ક્ષણે ક્ષણ જો માનવને જીવતા આવડે તો માનવજીવન ધન્ય બની જાય. માનવાનો દેહ નશ્વર છે એનો અર્થ એવો નથી કે એ નિરર્થક છે. સત્કાર્યો કરવામાં માનવદેહની સાર્થકતા રહેલી છે.જન્મ જન્માંતરના પુણ્યોના પરિપક રૂપે ભગવાને માનવ દેહ આપ્યો છે એટલું જ નહીં પણ એ દેહમાં પોતે પણ આવીને બિરાજમાન છે. આ રીતે જોઈએ તો માનવદેહ એ ઈશમંદિર જેટલો પવિત્ર છે.

માનવ જયારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે તેની જોડે તેના કર્મો સિવાય બીજું કઈ જ સાથે આવતું નથી. તેણે કમાયેલી ધન સંપત્તિ અહી જ રહે છે. પત્ની ઘરના બારણા સુધી વળાવીને પછી વાલે છે. દેહ ચિતા સુધી સાથે રહે છે પણ એથી આગળ કર્મો જ જોડે જાય છે.

માટલીમાં અગ્નિ ઘરેથી લઇ જવા પાચલ પણ એક સુંદર ભાવ રહેલો છે. જે અગ્નિએ મને આજીવન સંભાળ્યો,પાળ્યો,પોષ્યો,પોતે સળગીને મને જીવન આપ્યું તે અગ્નિની જ્વાળામાં જ બાળવામાં જીવનની કૃતાર્થતા છે. એ પાપનાશક અગ્નિ મારા પાપ ધોઈ નાખશે.

“अग्नेय सुपथाराये अस्मान्विश्र्वानि देव दयुनानि विद्वान।

युयोध्यस्मज्जुहुराणमेनो भूतिष्ठां ते नम उक्तिं विधेय।।”

ઉપનિષદના આ મંત્રની યથાથૅતા સમજવા જેવી છે. ‘ અગ્નિને પ્રાર્થના છે કે અગ્નિ, વિશ્ર્વના બધાં તત્વોનો તું જ્ઞાતા છે. અમારો માર્ગ સુપથ થાય, અમને તે આનંદ ભણી લઈ જનારો થાય, અવળે માર્ગે લઈ જનારા અમારાં પાપને તું ભગાડી મૂક. ‘

આજે આપણાં જીવનમાંથી અગ્નિની ઉપાસના ચાલી ગઈ છે. તેથી પરંપરાની જાળવણીમાં વ્યવહારની મેળવણી કરીને ડાહ્યા લોકો એ છાણાંના બે ટુકડા પર ઘાસલેટ નાખી તેને સળગાવી માટીમાં મૂકી લઇ જવા એમ નક્કી કર્યું. આ ક્રિયામાં વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય થયો છે,બન્ને એકબીજાના પૂરક બન્યા છે. એ દોણી અને એની પાછળનો ઈશારો સમજી લઈએ. જીવન કૃતાર્થ કરીએ.

નીતા શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED