કોઈ મને સરનામું તો આપો.....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઈ મને સરનામું તો આપો.....!

કોઈ મને મારૂ સરનામું તો આપો...!!

પેલા હાથીના જેવી વાત છે ભાઈ...! પણ હાથી આજે જોવા ક્યાં મળે છે....? ધોળા હાથી એટલા જ, અટવાતા હોય કે, કાળા હાથીને ચાલવાની જગ્યા જ નથી. અંધારામાં જેના નશીબે, હાથીનો જે ભાગ હાથમાં આવ્યો, તેવો એને હાથી લાગવાનો. પૂંછડું હાથમાં આવ્યું તો દોરડી જેવો પતલો, ને ટાંટીયો હાથમાં આવ્યો, તો વલસાડના જ્યોતિ મિનાર જેવો લાગવાનો...! તુંડે તુંડે મતીર ભિન્ના....!

આ લેખના ટાઈટલમા પણ આવો જ લોચો છે. શું લખવાનો છું, એની મને ખબર નથી. અને શું લખાશે, એની પણ કોઈ બાતમી નથી. નાટકના રસિયાને લાગશે કે, બંદા ગુજરાતી નાટકની વાત કરવાના...! ટપાલી તો બેહોશ જ થઇ જવાના કે, આ વળી નવું કંઈ લફરું સરનામાનું આવ્યું....! બિચારાનો આખો દિવસ જ સરનામાં મોઢે કરવામાં જતો હોય, તો બિચારો ‘ સરનામું ‘ શબ્દ વાંચીને ભડકે તો ખરો ને....? પણ સરનામાના સોગંદ ખાઈને કહું કે, લેખમાં નાટક/ચેટકનો પણ વઘાર નથી, ને કોઈએ કોઈનું સરનામું પણ દાન કરવાનું નથી. બીક છે આછકલા મનના માનવીની....! એ તરત ઝંડો કાઢશે કે, માંડ માંડ અચ્છે દિન જોવાના આવવાના ત્યાં, દાળ/ભાતને બદલે સરનામુ માંગવાવાળો આ લેટેસ્ટ ભિખારી ક્યાંથી ફૂટી નીકળ્યો....? તારી ભલી થાય તાર ચમનિયા.....!

કોઈ ટેન્શન નહિ લેવાનું. સુઝ અને સમઝ પ્રમાણે અર્થ કાઢવાની સ્વતંત્રતા આપણને શહીદોએ આપેલી છે. આમાં સરકાર તો વચ્ચે આવતી જ નથી. કોઈને સરનામું આપવાના અધિકાર તો ભગવાન પાસે છે. સરકાર બહુ બહુ તો ઝુંપડાનું સરનામું આપી શકે, માણસનું નહિ....! એ દફતર તો ભગવાને પોતાની પાસે જ રાખેલું....! ભગવાન એટલે આપણો ભગવાનજી નહિ ભાઈ.....! કેમ આમ કરો છો....? ચૌદ ભુવનના નાથની વાત કરૂ....! ગમે એવાં મજબુત પેપરવેઈટ એમની સામે મુકો ને....? એ અંબુભાઈને ત્યાં જ જનમ આપવાના હોય તો ત્યાં જ આપે, પછી મુકેશ અંબાણીના સ્વપ્ના નહિ રાખવાના.....! એટલે તો એ ભગવાન છે. બદનામ પાર્ટીના નેતા નથી કે, પેપરવેઈટ વાળો કારભાર ચલાવે...! ભગવાન એવી ખાખણી પણ નહિ રાખે કે, ‘ ઇસમે ભ્રષ્ટાચાર ધારાની કલમ ‘ ઢીંકણી ‘ નો ભંગ કર્યો છે તો, નાંખો એને કડકા બાલુસ રમેશ ચાંપાનેરીને ત્યાં.....! એણે પણ ખબર પડે કે, હાસ્યના ફાંકા મારવાથી જીવન કેમ જીવાય....!

કવિ મિસ્કીન લખે છે એમ, “ સઘળા દુઃખનું કારણ મન છે, ને સુખનું સરનામું પણ મન છે, જીવન તો ખળખળ ઝરણાં સમ, આ વિઘ્નો આ અડચણ મન છે.....! “ માંકડા મનને જેવી આબોહવા મળે, તેવા પછી તો અરથ નીકળે...!

આ દુનિયામાં એકપણ માણસ ‘ ઠેકાણા ‘ વગરનો નથી. સરનામું એ એની અનમોલ મૂડી કહેવાય. ભિખારી દંપતી જો ઝાડ નીચે રહેતાં હોય, તો પણ એ ઝાડ એનું સરનામું છે. જેનું પાર્સલ જ્યાં પડ્યું, એ એનું સરનામું. એની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, આઇડેન્ટીકાર્ડ, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અને મોટા મોટા નેતાઓના ગ્રીટિંગકાર્ડ હોય કે નહિ હોય, એ મહત્વનું નથી. સબ ભૂમિ ગોપાલકી.....ના સંતોષ સાથે જીવી જાય. જો કે, ‘ સબ ભૂમિ ગોપાલકી ‘ કહેવાવાળા સાધુ સંતો પાસે પણ, આજે તો મહેલ જેવાં આલીશાન ભક્તિધામ હોય...! ભગવાન કદાચ પૃથ્વીના પ્રવાસે આવે તો લંચ/ડીનર લેવા ઉતરે ક્યાં....? એની ચિંતા એમને ભારે હોય....! એમાં આપણે તો રહ્યાં ઠન ઠન ગોપાલ....! સંસારીકો ભલા પૂછત કૌન હૈ.....? સંસારી જીવ પાસે બહુ બહુ તો, રેશનકાર્ડ હોય, ધક્કા ખાય ખાયને કઢાવેલો આધારકાર્ડ હોય....! બાકીના કાર્ડની વાત કરીએ તો, આપણો પરિવાર જ જુદા જુદા કાર્ડ જેવો હોય. ફાધર-મધર એટલે પાનકાર્ડ, દીકરો એટલે આઇડેન્ટીટી કાર્ડ, વાઈફ એટલે મેમરી કાર્ડ (લગન કર્યાને ૫૦ મુ ચાલતું હોય તો પણ એને યાદ હોય કે, પૈણવા ગયેલાં ત્યારે કયા કલરનો લેંઘો ને ઝભ્ભો ચઢાવીને ગયેલાં....! સોલ્લીડ મેમરી એની.....! ) સાળો એટલે ફરજી કાર્ડ, સાળી એટલે રીચાર્જ કાર્ડ, ગર્લફ્રેન્ડ એટલે ડેબિટ કાર્ડ, પડોશણ એટલે ગ્રીટિંગકાર્ડ, ( કદાચ ઘરવાળી આપણને ‘ આવજો ‘ કરવાનો શિષ્ટાચાર ભૂલી જાય, પણ પડોશણ નહિ. જોયાં એટલે આપણને ‘ બાય ‘ કરે જ કરે...! ) ને મિત્રો એટલે ક્રેડીટ કાર્ડ....! પ્રેમ તો હવે દેખાય જ છે ક્યાં....? પોષ્ટકાર્ડની માફક એ પણ સસ્તો ને અદ્રશ્ય થઇ ગયો. રહી વાત સીમકાર્ડની.....! સમઝી લેવું કે, ઘરમાં જેનું ચલણ ચાલતું હોય, એ આપણો સીમકાર્ડ. પછી એ ઘરવાળી પણ હોય, વહુ પણ હોય અને ઘર જમાઈ માટે એની સાસુ પણ હોય....! એક જ વાત મગજમાં રાખવાની કે, મોબાઈલ કીમતી છે, એ મહત્વનું નથી. એનો સીમકાર્ડ જ મહત્વનો છે.....! સીમકાર્ડ વગર તો મૂંગામંતર રહેવામાં જ એની શોભા....!

આ બધી વ્યાખ્યામા મને ચમનિયાએ આપેલી. એની બધી જ વાતો પાયા વગરની હોય, એવું ક્યારેક તો ભ્રમ જેવું જ લાગે. કેજરીવાલની માફક બચારાની છાપ પડી ગયેલી. બાકી બધી જ વખતે એ કોથળામાંથી બિલાડું નહિ કાઢે. ક્યારેક તો કોથળામાંથી એ બિલાડા કાઢવાને બદલે, સુતરફેણી પણ કાઢી નાખે.....! એટલો ઊંડો રાજકારણી નહિ કે, ચૂંટણી પતી, એટલે “ તેરા તેલ ગયાં, ઔર મેરા ખેલ ગયા “ ની જેમ શટર પાડી દે....! મને કહે, લાકડું મસાણનું છે કે, હવનનું, એ નહિ જોવાનું, સળગાવીએ તો ટાઢ ઉડાડે છે કે નહિ, એ જ જોવાનું....! ક્યારેક તો એવું ‘ મસ્ત ભચેડી નાંખે, કે સાલું આપણને ‘ ડાઉટ ‘ જાય, કે આ માણસે ક્યારે અક્કલગરો ખાધો કે, એનામાં બુદ્ધિના ફાંટા પડયાં....?

મને કહે, “ દેવ જેવાં દેવ પણ માણસનો અવતાર લેવા તરસે છે. ને ભગવાન આપણને ઘરતી ઉપર આવવાનો વિઝા આપે છે, એ કંઈ ઓછી મહેરબાની છે....? સારાં સરનામાની અપેક્ષા રાખવી, એતો પહોંચું આપ્યાં પછી, હાથ પકડવા જેવી વાત થઇ....! એ તો સારૂ છે કે, જનમ આપવાનું ખાતું ભગવાન પાસે છે. મામલો રાજકીય પક્ષો પાસે હોય તો, ચૂંટણી ઢંઢેરામા પણ લખ્યું હોત કે, “અમારી પાર્ટીને ચૂંટીને મોકલશો. તો તમને આવતો જનમ, તમારા ગમતા સરનામે અપાવવા અમે ભગવાનને અને કરીના કપૂર કે માધુરી દીક્ષિતને ત્યાં લાઈન લાગી ગઈ હોત. સલમાન ખાન કુંવારો છે, એટલે આપણે એનું નામ નથી લેતાં....! તારી ભલી થાય તારી ચમનિયા....!!

આ તો ગમ્મત ગુલાલની વાત થઇ...! વાસ્તવિકતા તો એ છે કે, જેના માથે એ પડ્યો, એ જ એનું સાચું સરનામું....! પછી જેવો જેનો દેશ હોય, કે ધરમ હોય....! જેવું જેનું સરનામું, તેવી તેની બોલી, તેવો તેનો વેશ, ને તેવો તેનો ભગવાન....! બધ્ધામાં વરણાગી થાય, પણ સરનામામાં વરણાગી નહિ કરવાની. માની જ લેવાનું કે, આ જ આપણું સ્વર્ગ ને આ જ આપણું નરક....! સરનામું હોવું એ માણસની આવતીકાલે મોટામાં મોટી “ શોધ “ કહેવાશે. બાકી આમ જુઓ તો ભગવાનનું પણ ક્યાં કોઈ સરનામું છે.....? એક કવિએ સરસ લખ્યું છે, કે

એક બિચારાએ લખી લખીને લખ્યો પ્રભુને કાગળ

સરનામું એવું કર્યું, મંદિર મસ્જિદ આગળ પાછળ

શેરા સાથે પાછું આવ્યું કે, સરનામું ના ઊકલ્યું છે

ત્યારે એને ખબર પડી કે ઈશ્વરે પણ ઘર બદલ્યું છે

સેક્સપિયર પણ આટલું કહીને અટકી ગયેલા કે, “ વોટ ઈઝ ધેર ઇન એ નેઇમ.....?” એમણે એવું ક્યાંય એવું કહ્યું છે કે, “ વોટ ઈઝ ધેર ઇન એ સરનામું....? “ તેઓ જાણતા હતા કે. નામથી તો માત્ર સો માણસમાં જ માનવી ઓળખાવાનો. જ્યારે સરનામાથી તો વિશ્વમાં સંતાયો હોય તો પણ ગુગલ એને ફંફોળી કાઢવાનો છે.

આજે ભગવાને આપેલા સરનામે જ માણસ અટકે એવું આજે રહ્યું છે ક્યાં....? “ હરી તારા નામ છે હજાર “ ની માફક એનું પોતીકું સરનામું જુદું, ને રહેવાનું જુદું...! એવું જ બાળપણનું નામ જુદું, નિશાળમાં નામ જુદું, બેંકમાં નામ જુદું, વેપારના ચોપડે નામ જુદું, ઘરવાળીના મોઢે નામ જુદું, કંકોત્રીમા નામ જુદું ને મિત્રોના મોંઢે પણ નામ જુદું....!

માથા પર તાજ નહીં હોય તો જીવી જવાય, પણ સરનામુ નહિ હોય તો, મોટી ગરબડ થાય. માનવી ભલે ઉદ્યોગ, શિક્ષણ, અન્ન, કે સમાજ કલ્યાણ ક્ષેત્રે ચિત્તાફાડ છલાંગ મારી શકતો હોય, પણ સાચી સિધ્ધિ ભૌતિકવાદની પ્રાપ્તિમાં નથી, સરનામાની પ્રાપ્તિમાં છે. એટલે જ કહું છું કે, કોઈ તો મને મારું સરનામું આપો.....?

*****