Sundartani samasyaoma salaah books and stories free download online pdf in Gujarati

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

મીતલ ઠક્કર

* યુવાનીમાં સ્વચ્છતાની દરકાર રાખવામાં ન આવે તો ઘૂંટણ રુક્ષ તથા રફ થાય છે. તેથી ટૂંકા ડ્રેસીસ પહેરવાનું સારું લાગતું નથી. આ સમસ્યામાં લીંબુના અડધિયા પર એક ચમચી સાકર અને તાજું ક્રિમ લગાડી ઘસવું. સાકર પીગળે ત્યાં સુધી ઘસવું. લગભગ પાંચ-સાત મિનિટ સુધી ઘસવું. ત્યાર બાદ બેબી ઓઇલ મસાજથી ઘસવું. નિયમિત આમ કરવાથી ઘૂંટણ સુંવાળા થઇ જશે.

* ચહેરા પરની રુંવાટી ઘરગથ્થુ રીતથી દૂર કરી શકાય છે. એ માટે ચણાનો લોટ, હળદર, લીંબુનો રસ, દૂધ અને ચંદન પાવડર ભેળવી સ્નાન પૂર્વે ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ગોળાકારે હળવે હળવે ઘસીને કાઢતાં જવું. ચહેરા પરથી સંપૂર્ણ પેસ્ટ દૂર થાય ત્યાં સુધી આમ કરવું. આ સમસ્યામાં રાતોરાત ફાયદો ના થાય. ધીરજ રાખીને ઉપચાર કરવો પડશે.

* મોટા રોમ છિદ્રોને નાના દેખાડવા માટે ચહેરો સાફ કરીને ટોનર લગાડશો. ત્યાર બાદ ઓઇલ ફ્રી ફાઉન્ડેશન લેવું અને બ્લેન્ડ કરતાં એકસાર લગાડવું. અને છેલ્લે તેની ઉપર પફથી પાવડર લગાડવો.

* અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ફેસપેક લગાડી શકાય. ઘણા ફેસપેક એવા હોય છે, જેને તમે રોજ લગાડી શકો. હોમ પેક બનાવતી વખતે ત્રણ ચીજોનો ખાસ ઉપયોગ કરવો. જેમ કે દહીં, ઇંડા, અને મધ. અને બે વાર ઉપયોગમાં લેવાય એટલો જ ફેસપેક બનાવવો. નિયમિત લગાડો તો ઉત્તમ છે. ઝાંય અને ખીલયુક્ત ત્વચા માટે આ યોગ્ય પેક છે. નાની વયમાં યુવતીઓએ ફળ અને મધનો ઉપયોગ વધારે કરવો. મોટી ઉંમરની મહિલાઓએ પેકમાં બદામનો ભૂક્કો અવશ્ય નાખવો.

* ગરદન અને પીઠ પર રેસિષ થઇ જાય અને બળતરા તથા ખંજવાળ આવે ત્યારે ઠંડી ચંદનની પેસ્ટ લગાડવાથી ઠંડક લાગશે. તેમજ ખંજવાળ તથા ઇરિટેશન પણ ઓછા થશે. પાણી, લીંબુ પાણી, નારિયેળ પાણી તથા ફળોનો તાજો રસ પીવાનું પ્રમાણ વધારશો.

* તૈલીય ત્વચા પર ખીલ,પોડલા.ફોડલી વધુ પ્રમાણમાં થતી જોવા મળે છે. તેથી ચહેરાની વિશેષ કાળજી જરૂરી બની જાય છે.આવી સ્થિતિમાં ચહેરાને વારંવાર પાણીથી ધોવો. જેથી ત્વચા પરનું વધારાનું તેલ દૂર થતું જાય. ઉપરાંત એલોવીરાને છોલી તેનો પલ્પ કાઢી મિક્સરમાં વાટી ચહેરા પર પાંચ મિનિટ લગાડી રાખી ધોઇ નાખવું.

* નેઇલ પોલિશને લાકડાના ડબ્બામાં રાખવાથી જલદી ખરાબ થતું નથી. નેઇલ પોલિશનું બ્રશ સુકાઇ ગયું હોય તો તેને એસીટોન અથવા નેઇલ પોલિશ રિમૂવરથી સાફ કરવું. નેઇલ પોલિશ સુકાઇ જાય તો નેઇલ પોલિશ રિમૂવર ભેળવી તેને પાતળું કરવું નહીં. રિમૂવરમાં મોજૂદ રસાયણિક તત્વ નેઇલ પોલિશને ખરાબ કરશે. નેઇલ પોલિશ લગાડતા પહેલાં નખને ધોઇ-લૂછીને ક્રિમ લગાડી મસાજ કરવું. જેથી નેઇલ પોલિશ નખ પર વધુ દિવસ ટકી રહેશે.

* પાંપણના વાળ પાતળા હોય અને તેને ઘટ્ટ કરવા હોય તો જૈતૂનનું તેલ આંગળી પર લગાડી હળવે હાથે પાંપણ પર લગાડવું. અને ધીરે ધીરે મસાજ કરવો. સૂતા પહેલાં આમ કરવું. અને આંખમાં તેલ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

* શિયાળામાં ઠંડીને કારણે હોઠ ફાટી જવાની સમસ્યા સામાન્ય છે. રાતના સૂતી વખતે લીંબુ, ગુલાબ જળ અને ગ્લિસરીનનું મિશ્રણ લગાડવું. મધમાં ગાયનું શુદ્ધ ઘી અને ગુલાબ જળ ભેળવી હોઠ પર લગાડવાથી હોઠ સુંદર અને સુદ્રઢ રહે છે. તો કોઇક વખત મલાઇ અથવા દૂધમાં રૂ ભીંજવી હોઠ પર લગાડવું. નાભિમાં રાતના સૂતી વખતે બે ટીપાં શુદ્ધ સરસવનાં તેલના ટીપાં નાખવાથી પણ ફાયદો થાય છે.

* ખીલમાંથી રાહત પામવા મધને ચહેરા પર લગાડવું. જરા જાડું થર કરવું જેથી તેના રેલા ઊતરે નહીં. ૩૦ મીનિટ પછી તેને હુંફાળા અથવા સામાન્ય પાણીથી દૂર કરવું. ખીલ પર ભાર કે જોર દઇને મધને રગડવું નહીં.

* ચહેરા પરની ત્વચાનો મેલ દૂર કર ત્વચા સાફ કરવા માટે સવારે ઊઠીને કાચું દૂધ ચહેરા પર લગાડવું. તે સુકાઇ જાય બાદ મીઠું ચહેરા પર રગડવું.

* શુષ્ક તેમજ બરછટ ત્વચાને મુલાયમ કરવા તરબૂચ, દૂધી, ખીરાના બિયાંને સમાન માત્રામાં લઈકાચા દૂધ સાથે વાટી પેસ્ટ કરવી. આ પેસ્ટને ત્વચા પર લગાડવું. એક કલાક બાદ ધીરે ધીરે રગડી કાઢી નાખવું.

* સામાન્ય રીતે હોઠ કાળા થવાનું કારણ મુખ્યત્વે સ્મોકિંગ, વિટામિન બી ટુ, ઝિન્ક, કે આયર્નની કમી હોઇ શકે. વારંવાર હોઠ પર જીભ ફેરવવી અથવા તો લિપસ્ટિકની એલર્જી પણ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. તેથી તમારી તકલીફનું કારણ શોધી તેના ઉપાય કરો. દરમિયાન લિપસ્ટિક ઊચ્ચગુણવક્તાયુક્ત વાપરો તથા વપરાશ ઓછો કરી નાખો. હોઠ પર જીભ ફેરવવાની આદત હોય તો તે દૂર કરજો. દહીં અને મધનું મિશ્રણ હોઠ પર લગાડી ૧૫ મિનિટ બાદ ધોઇ નાખશો. આ પ્રયોગ નિયમિત કરજો.

* રાત્રે સૂતાં પહેલાં ચહેરાને કિલજિંગ મિલ્કથી સાફ કરવું ભૂલવું નહીં. કિલજિંગ મિલ્ક છિદ્રોમાં ભરાયેલાં રજકણ તથા મેલને દૂર કરવામાં મદદ કરે છે. જે સાબુથી થતું નથી. થોડું કિલજિંગ મિલ્ક રૂ પર લઈ ચહેરા પર લગાડવું અને ત્યારબાદ ભીના રૂના પૂમડાથી ચહેરો સાફ કરી નાખવો. સૂકું રૂ ત્વચાને ખેંચશે. જેથી સૂકા રૂનો ઉપયોગ કરવો નહીં.

* મેકઅપ કરતાં પૂર્વે ચહેરા પર મિલ્ક પાવડરનો ફેસપેક બનાવી લગાડવાથી ત્વચાની ચીકાશ જળવાઈ રહેશે અને મેકઅપ લાંબા સમય સુધી રહેશે.

* ૫૦ વર્ષ પછી આંખની આસપાસ કાળા કુંડાળા થઈ જાય છે. તેને દૂર કરવા એક બટાટાની છીણ, અડધા લીંબુનો રસ, બે ચમચી ખમણેલી કાકડી તથા એક ચમચી દૂધ લઈ ૧૫ મિનિટ ફ્રિઝ કરી દેવું. કાકડી, બટાટા અને લીંબુ ત્વચાને આછી હળવી કરવાનો ગુણ ધરાવે છે અને આ મિશ્રણને આંખની આસપાસ મહિના સુધી લગાડવાથી ફાયદો થશે.

* તમારા હોઠને લાંબા સમય સુધી કલરફુલ રાખવા તમે રેડ કાર્પેટ આઇડિયાને પણ અનુસરી શકો છો. તમે તમારું લિપ લાઇનર માત્ર હોઠના કિનારે લગાવવાને બદલે આખા હોઠ પર લગાવો. ત્યાર પછી લિપસ્ટિક લગાવો. આવી સ્થિતિમાં લિપસ્ટિક હોઠ પર લાંબો સમય ટકશે. અને જો તે ભૂંસાઇ જશે કે ઝાંખી પડી જશે તોય તમારા હોઠ થોડા રંગીન દેખાશે જ.

* ગોરા વાન ધરાવનારે મેકઅપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેકઅપ વધુ પડતો ન લાગે. કારણકે ગોરા રંગ પર મેકઅપ થોડો પણ વધારે હોય તો ભદ્દો દેખાય છે. પહેલા બેઝ મેકઅપ કરવું. ફાઉન્ડેશન હેવી ન લગાડાય તેનું ધ્યાન રાખવું. નેચરલ લુક માટે ટિન્ટેડ અથવા શિયર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. આંખો ફોકસ કરવી હોય તો લિપ મેકઅપ હળવો અને આંખને સોફ્ટ લુક આપવું. આઇ મેકઅપ માટે મેટલિક કલર્સ બ્રાઉન અથવા કોપર પસંદ કરવો. બ્રાઇટ પિંક રંગની લિપસ્ટિક લગાડવી નહીં. ઓરેન્જ તેમજ બ્રાઉન શેડ્સ હોટ લુક આપશે. કુદરતી શેડ્સની લિપસ્ટિક સારી લાગશે. અંતમાં બ્લશઓન લગાડી ગાલને હાઇલાઇટ કરવા.

* ફાઉન્ડેશનના ઉપયોગ બાબતે એટલું ધ્યાન ખાસ રાખવું કે મેકઅપ લગાડયા બાદ ફાઉન્ડેશન લગાડવું નહીં. ફાઉન્ડેશનને પ્રકાશથી બચાવવું. તેને ઠંડી તથા છાયડામાં રાખવું. નિયમિત ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરતા હો તો નાની બોટલ જ ખરીદવી. ઉપયોગ કરતા પહેલાં શીશીને બરાબર હલાવવી. ફાઉન્ડેશન ફાટી ગયેલું જણાય તો તેનો ઉપયોગ કરવો નહીં.

* પ્લેનની મુસાફરી બાદ ત્વચા રુક્ષ થઇ જાય છે. પ્લેનના એરકંડિશનરની ઠંડી હવા ત્વચાને વધુ પડતી શુષ્ક બનાવી દે છે. આ સમસ્યા વખતે તમે ઊચ્ચ ગુણવત્તાયુક્ત ભારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ખાસ કરીને પ્લેનની મુસાફરી દરમિયાન મોઈશ્ચરાઈઝર લગાડવાનું પ્રમાણ વધારી દો. આ ઉપરાંત મુસાફરી દરમિયાન પાણી વધારે પીવું.

* તુલસી,મેથી,લીમડો અને ફૂદીનાના પાન સમાન માત્રામાં લઇ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે.

* ડાઘરહિત ત્વચા માટે આ માસ્ક અસરકારક સાબિત થાય છે. દાડમના દાણાને ક્રશ કરીને એમાં દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ ફેસપેક લગાવીને ચહેરાને દસ-પંદર મિનિટ સુધી એમજ રહેવા દો. ચહેરો સુકાય જાય ત્યાર બાદ સ્વચ્છ પાણીથી અથવા કોટનથી ત્વચા સાફ કરી લો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED