તો તમે પણ આવતીકાલના બાપૂ...!!!
ભણવાથી ચોક્કસ ભલું થાય. માણસે ભણવું જ જોઈએ....! જો ભણવામાં માર ખાય ગયાં, તો કોઈપણ ફેકલ્ટીના બાપૂ બનવાના દિવસ આવે....! બાપૂ બનવામાં ફાયદો એક જ કે,એકવાર ‘ બાપૂ ‘ બન્યા એટલે, પછી જાતે જગતને શોધવાની જરૂર નહિ પડે. જગત જ આપણને શોધતું શોધતું આપણા ચરણોમાં આવે. બસ....! એક ગૌશાળા ખોલી એટલે ઘી, અને વજીફો લીધો એટલે કેળાં...! આખી જીંદગી બાપુને પછી ઘી ને કેળા....! ઢેકાર આવ્યા જ કરે કે, ‘ જીયો તો શાનસે જીયો,....! ‘
ભણવામાં અને ધર્મપુસ્તકો વાંચવામાં, જેને બારમે રાહુ/કેતુ જ ચાલતાંહોય, એના માટે આ ‘ બાપૂ ‘ ની લાઈન, તો પાઈપ લાઈન કરતાં પણ ઉતમ....! ઘણાને તો સત્સંગ સાંભળવા જાય તો, સલમાનખાન દેખાય, અને કથા સાંભળવા જાય તો કેટેરિનાનો કેફ ચઢે. ને નવરો પડીનેમાળા કરવા બેઠો તો, ' ગર્લફ્રેન્ડ ' ની માળા પણ દેખાવા માંડે. ક્યાં તો પછી કોઈના માળા વીંખવાના જ વિચાર કરવા માંડે. એના કરતાં એકવાર ‘ જો અલખ નિરંજન ‘ બોલતાં શીખી જાય તો, ખલ્લાસ....! બેચારબાપુના બાયોડેટાની કોપી/પેસ્ટ મારી એટલે થઇ જવાય બાપૂ....! આજકાલ બાપૂ બનીને જીવવામાં મઝા છેયાર.....! ‘ ઇન્સ્ટન્ટ ‘ ફાયદા માટે આજકાલ લોકો બાપુની જ મઢી શોધતા હોય.....! આપણે માત્ર નામ જ બદલવાનું. લખી દેવાનું કે, ‘ આનંદદ્વારી બાપુની મઢી.....! ‘એટલે જીવનમાં પછી આનંદ જ આનંદ....! એક જ વાત ધ્યાનમાં રાખવાની કે. બોલવામાં સૂર તીવ્ર નહિ રાખવાનો. કોમળ જ કાઢવાનો. કોઈપણ સાથે
વાદ કે વિવાદમાં પડવાનું જ નહિ. એ જે કંઈ કહે, એમાં હાજીહા જ કરવાનું. ને કહેવાનું કે, ‘ સારૂં તો પછી એમ રાખો....! પછી જુઓ પાંસા કેવાં પોબાર પડે છે.....! બે વર્ષમાં ધંધો ધમધોકાર ચાલવા માંડે છે કે નહિ....? આટલું જો આવડ્યું તો ‘ તમે પણ આવતીકાલના બાપૂ.....! ‘
ડોક્ટર શરીરમાંથી માંદગી કાઢી શકે. બાકી લાલસાને સિદ્ધ કરવી હોય તો, ક્યાં તો સંત પકડવા પડે ક્યાંતો બાપૂ....! બાપૂ એટલે સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા....! પ્રેમમાં ભંગાણ પડ્યું છે...? કોઈની મેલી વિદ્યા ઠરવા નથી દેતી....? સંતાન પ્રાપ્તિની સમસ્યા છે....? કોર્ટકેસમાં નાશીપાસ થાવ છો....? કે પાડોશવાળાની છોકરી તમારા છોકરાને લઈને રફુચક્કર થઇ છે, તેનો પત્તો મેળવવો છે....? આ બધાના અકસીર ઈલાજ જેટલા ભુવા-ભગત ને બાપૂ પાસે હોય, એટલાં ભગવાન પાસે પણ નથી. માણસનો અવતાર મળ્યો છે તો, બાપૂ બનવાની ટ્રાય પણ કરવી જોઈએ, એવું લાગ્યાં કરે....! બાકી ગ્રહ તો હવે માંસથી ત્રાસી ગયાં છે. માણસને હવે ગ્રહ તો નડતા જ નથી. કદાચ ગ્રહને માણસ નડતો હશે. એટલે તો લોકો ગ્રહ છોડીને સંગ્રહના રવાડે ચઢ્યા.....! જોયું ને....? ભજીયાવાળાના કેવાં ગોટા વળી ગયાં....? નોટના બંડલના બંડલ નીકળ્યા એ જોઈને તો, એમ થયું કે, આખી જીંદગી કજિયા કર્યા, એના કરતાં તો ભજીયાના રવાડે ચઢ્યા હોત તો....? કહેવાનો મતલબ હવે લોકોને ગ્રહ નહિ, રૂપિયાના સંગ્રહ નડે છે. આવાં કામમાં લોકોને બની બેઠેલાં બાપૂ જ ફાવે. અને બાપૂ પણ એવાં તૈયાર હોય કે, ' સવાલ પણ પેલાનો
અને જવાબ પણ પેલાનો ' એમણે તો એટલું જ બોલવાનું કે, ' હા બરાબર છે, 'સારૂં તો પછી એમ રાખો.....! એકવાર બાપૂ બનવાની હથોટી આવવી જોઈએ. એટલે ‘ તમે પણ આવતીકાલના બાપૂ......! '
બ્રહ્માસ્ત્ર હવે રહ્યાં જ ક્યાં છે....? આજે તો આજ એક સુખાસ્ત્ર કે, “ સારૂં તો પછી એમ રાખો.....! “ એમાં દુખના સરવાળા જ નહિ થાય, સુખના સીધા ગુણાકાર જ થવા માંડે. આજે જીવવા માટે એવી અટપટી ગલીકુંચી કાઢવાની આવે છે કે, માણસ એમાં ને એમાં ઢીલો થઇ જાય. માણહને આખર બીજું જોઈએ શું....? એ હાઈ-વે ઉપર આવવા જ મથતો હોય છે ને....? કોઈને નડવા કરતાં અડવાની જ એણે લુંટ કરવી છે. બારાખડીના બે/ચાર અક્ષર ભૂલી જવાય તો તો ચાલે. આભ તૂટી નથી પડવાનું. પણ આટલું જો ગોખાય ગયું કે, ‘ સારૂં તોપછી એમ રાખો ‘ તો ભયો ભયો....! કારણ આ માત્ર વાક્ય નથી, આજનો મોર્ડન મંત્ર છે....! પથારીમાં સુતા સુતા પણ એકવાર જાપ જપો, તો એ પાવર બતાવે. પછી જુઓ એ કેવોક ફળે છે....? અરે...પાક્કું સમઝી લ્યો કે, આવતી કાલના તમે પણ બાપૂ.....!
આપણે કંઈ રેલવેના ડબ્બા તો છે નહિ, કે ભગવાને સંકટ સમયે ખેંચવા માટે આપણને સાંકળ પણ આપી હોય...! ને આપણી ગાડી તો એવી કે, લક્ષ વગર ને બ્રેક વગર દોડતી જ હોય. એટલે આપણી તો આ જ સાંકળ. કારણ વગર ખેંચાય પણ ગઈ તો એમાં દંડ નહિ થાય, ઉપરથી આપણી ઈજ્જત વધે કે, ‘ માણહ કેટલો વિવેકી છે ..! સોયની અણી જેટલો પણ નેગેટીવ નહિ. તરત કહી દે કે, ‘ સારૂ તો પછી એમ રાખો....! ‘ હવે એવાં ને મુશીબત નડે...? એવાં ને તો મુશીબત પણ ઢગલો થઈને સાષ્ટાંગ પ્રણામ કરવા દોડે બોલો....! પણ એકવાર સિંહ જેવી છાતી રાખીને કહેવું પડે કે, ‘ સારૂં તો પછી એમ રાખો.....! ‘ આપણા જે કોઈ દુખ હોય એ બધાં, પાટલી બદલીને સુખની છાવણીમાં ચાલી જાય દોસ્ત....! પણ આટલું આવડવું જોઈએ. તો પછી, તમે પણ આવતીકાલના બાપૂ....!
માણસ માત્ર, ભૂલને પાત્ર તો રહેવાનો જ....! આપણે કંઈ હરિશ્ચન્દ્ર ના અવતાર નથી કે, સિધ્ધાંત ખાતર સ્મશાનમાં જઈને ધામો નાંખવાના. એક તો ચારેય બાજુ
જુઠ્ઠાણું જ ડોકાં કાઢતું હોય. ને ત્યાં તમે સત્યનું પૂછડું પકડીને બેસો તો, વન-વે માં ડ્રાઈવિંગ કરતાં હોય એવું લાગે. એક તો આપણે અંદરથી સાવ પોકળ હોઈએ. ને પાછા મસમોટી ઠોકવામાં સત્યવાદી હરિશ્ચન્દ્ર નો દાખલો આપીએ, તો એ કેટલો ટકે.....? કોઈ ફેંકુ કહે કે બીજું કંઈ...? ‘ મન ચંગા, તો ક્થરોટમેં ગંગા....! ‘ આપણે મનને જ એવું કેમ મનાવી નહિ લઈએ કે ‘ આપણે જ આપણા રાજા, અને આપણે જ આપણા હરિશ્ચંદ્ર....! ‘ ગુંલાટ મારવાની આદત હોય તો થોડાં દિવસ સાઈડમાં રાખવાની. લોકો ખુશ થઈને સામેથી કહેશે કે, ‘ વાહ....! આ તો હરિશ્ચંદ્રનો પણ ‘ ફાધર ‘ નીકળ્યો....! મગજમાં માત્ર આટલો ડેટા જ ફીટ કરવાનો કે, ‘ સારૂ તો પછી એમ રાખો....! ‘ લોકો સામેથી પછી કહેશે કે, ' તમે પણ આવતીકાલના બાપૂ.....! '
બાકી તોફાનને તો આદત છે કે, એ અણધારેલું ત્રાટકે નહિ તો, તોફાન નહિ કહેવાય. ભરમમાં રહેવું જ નહિ કે, એ નહિ આવે. ચારેયકોરથી આવવાનું જ છે. કયું તીર કયા ખૂણેથી કયા સમયે ક્યાં છૂટવાનું છે, એ તો ભગવાન શ્રી રામ પણ નહિ જાણી શકેલા. તો આપણે કયા ખેતરની પાલકની ભાજી.....? તોફાનના સ્વપ્ના પણ નથી આવવાના, અને અને હવામાન ખાતાવાળાની આગાહી પણ નથી આવવાની. પણ, તોફાનો કોઈપણ આવે, આ એક મંત્ર એવો છે કે, કોઈપણ તોફાનની સામે ટકી જવાય લંકાપતિ રાવણ પાસે જો આ એક મંત્ર હોત તો, કદાચ, રાવણનો ઈતિહાસ કંઈ જુદો જ લખાયો હોત....! રાવણે તો શ્રી રામના ચરણોમાં પોતાનો મુગટ મુકીને એટલું જ કહેવાની જરૂર હતી કે, પ્રભુ, ‘ સારૂં તો પછી એમ રાખો.....! ‘
પણ આપણે જ એવાં તકલાદી કે, ૫૦૦-૧૦૦૦ ની નોટ ખેંચાય ગઈ, એમાં તો, જાણે વિધુર થઇ ગયાં. લગનના વરસો બાદ ઘરડે ઘડપણ વાઈફે છૂટાછેડા લીધા હોય એટલાં દુખી દુખી થઇ ગયાં. જથ્થાબંધ વાઈફ રાખો તો પણ દુખ આવે, અને જથ્થાબંધ રૂપિયા સંગ્રહો તો પણ દુખ તો આવવાનું જ. પત્ની, પૈસા અને પરમેશ્વર....આ બધાની એક જ રાશી....! સાથ છોડી દે તો આઘાત લાગે જ....! જેના કારણે બે-પાંચમાં પૂછાતો થયો હોય, એનો ગૃહત્યાગ થાય તો કોણે અઘરો નહિ લાગે... ? પણ જ્યાં પિયરના જ તેડાં આવ્યા હોય, તો પત્ની જેવી પત્ની પણ ઝાલેલી નહિ રહે તો બીજાની તો શું અપેક્ષા રાખવાની....? . મનોમન મન મનાવી જ લેવાનું કે, ‘ સારૂં, તો પછી એમ રાખો....!
´
આટલું જો આવડી ગયું તો માનજો કે, ‘ તમે પણ આવતી કાલના બાપૂ....! ‘ ( આ કોણ બોલ્યું....? )
*****