પિન કોડ - 101 - 80 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 80

પિન કોડ - 101

પ્રકરણ-80

આશુ પટેલ

‘સર, જે પહેલી ફ્લાઈંગ કારથી આતંકવાદી હુમલો થયો એ કાર ચલાવી રહેલી છોકરીનો સ્કેચ અને કમ્પ્યુટરની મદદથી બનાવેલો ફોટો ટીવી ચેનલ પર જોઈને પેલા સાહિલ સગપરિયાના ગાયબ થવાની ફરિયાદ લખાવનારા તેના દોસ્તે મને કોલ કર્યો હતો કે તે સ્કેચ અને ફોટો સાહિલની ફ્રેન્ડ નતાશા નાણાવટીના છે!’ ફરી ડેપ્યુટી કમિશનર ક્રાઈમ તરીકે નિયુક્ત થયેલા મિલિન્દ સાવંત પોલીસ કમિશનર શેખને ફોન પર કહી રહ્યા હતા. તેઓ દક્ષિણ મુમ્બઈ તરફ જઈ રહ્યા હતા. એ વખતે તેમને સાહિલના મિત્ર રાહુલનો કોલ આવ્યો હતો. રાહુલ સાથે વાત કરીને તેમણે તરત જ શેખને કોલ લગાવ્યો હતો.
‘સાવંત, તાબડતોબ તે બન્ને વિશે તમામ માહિતી મેળવો.’ કમિશનર શેખે કહ્યું.
‘સર.’ સિનિયર અધિકારીનો આદેશ ઝીલવાની પ્રણાલી પ્રમાણે સાવંતે એક જ શબ્દમાં કહ્યું. જો કે શેખે કહ્યું એ પહેલાં જ તેમણે એ વિચારી લીધું હતું.
* * *
ઇમ્તિયાઝને ખબર નહોતી કે ઇશ્તિયાકને અને ઇકબાલ કાણિયાને પોલીસને હવાલે કરવાનો ઇરાદો વ્યક્ત કરીને મોટી ભૂલ કરી નાખી હતી.
ઇશ્તિયાક અને કાણિયા અત્યાર સુધી એવું માનતા હતા કે ઇમ્તિયાઝ સાહિલને અહીંથી ભાગી છૂટવામાં મદદ કરી રહ્યો છે. અને સાથે મોકાનો ફાયદો ઉઠાવી પોતે પણ ભાગી છૂટવાની વેતરણમાં છે, પણ ઇમ્તિયાઝે કહ્યું કે હું તમને પોલીસને હવાલે કરીશ ત્યારે કાણિયા અને ઈશ્તિયાક ચમકી ગયા હતા.
ઇમ્તિયાઝે એવુ કહ્યું ત્યારે કાણિયા અને ઇશ્તિયાકની નજરો મળી હતી. તેમના મનમાં શું ચાલી રહ્યું છે એનાથી ઇમ્તિયાઝ બેખબર હતો, પણ કાણિયાએ દરવાજો ખોલવા માટે નક્કી કરેલા સંકેતને બદલે અબ્દુલ નામના બદમાશનું નામ લઈને જોરથી બૂમ પાડી એટલે ઇમ્તિયાઝ સમજી ગયો કે કાણિયાએ એ દરવાજાની બહાર રહેલા બદમાશોને ચેતવી દીધા છે કે કોઈ ગરબડ છે.
ઇમ્તિયાઝે બરાડો પાડ્યો: હરામખોર, મેં તને કહ્યું હતું કે કોઈ હોશિયારી ના કરતો! તે ભલે અબ્દુલને ચેતવી દીધો, પણ હવે તારો અને ઇશ્તિયાકનો ખેલ ખતમ થઇ ગયો છે. તમારા બધા નાપાક ઇરાદાનો તમારી સાથે જ અંત આવી જશે.’
એ પંદર બાય ચાલીસ ફૂટ જેટલી જગ્યામાં દરવાજો ખોલનારા છોકરા સહિત આઠ જણા કામ કરી રહ્યા હતા. અને બીજા બે જણા દરવાજો ખોલીને બહારથી આવ્યા હતા. એ દસ જણા જણા અને કાણિયા તથા સાહિલે જેને જકડી રાખ્યો હતો એ ઈશ્તિયાક સહિત એક ડઝન માણસોની સામે સાહિલ, ઇમ્તિયાઝ અને ઇમ્તિયાઝનો સાથીદાર રશીદ એ ત્રણ જ જણ હતા. નતાશા તો કોઇ ખરાબ સપનું જોઇને ડરી ગયેલા બાળકની જેમ થરથર ધ્રૂજી રહી હતી એટલે એની તો ગણતરી કરી શકાય એમ નહોતી.
ઇમ્તિયાઝે સાહિલને કહ્યું, તું એ હરામખોરને લઇને આગળ જા. હું આને લઇને પાછળ આવું છું. રશીદ તું અવળાં પગલે બધાની પાછળ ચાલજે અને આ બદમાશો સામે પિસ્તોલ તાકીને દરવાજા પાસે આવ. બહાર નીકળ્યા પછી દરવાજો બંધ કરી દેજે.’
ઇમ્તિયાઝે સાહિલને દરવાજા તરફ આગળ વધવાનો ઇશારો ર્ક્યો. પોતે જેને પકડ્યો હતો એ બદમાશનુ નામ ઇશ્તિયાક હતું અને તે કાણિયાનો પણ સિનિયર હતો એવું ઇમ્તિયાઝને કારણે સાહિલને સમજાયું હતું.
સાહિલ ઇશ્તિયાકને આગળ કરીને દરવાજા તરફ ચાલ્યો. નતાશા પણ તેની લગોલગ ચાલી રહી હતી. એ ત્રણેય એક સાદી લાગતી દુકાનમાં પ્રવેશ્યા. પચ્ચીસેક ફૂટ લાંબી અને સાતેક ફૂટ પહોળી એ દુકાનના બન્ને છેડા સુધી ગોઠવાયેલા કાઉન્ટર પર બ્રેડના પેકેટ્સ તથા કાચની બરણીઓમાં જાતજાતના પાંઉ અને બિસ્કિટ્સ હતા. કાઉન્ટર અને દીવાલની વચ્ચે ચાલવા માટે અઢી ફૂટ જેટલી જગ્યા હતી. કાઉન્ટરની પાછળ એક વીસેક વર્ષનો છોકરો ઊભો હતો. તે છોકરાની પાછળ લાકડાની ખુલ્લી આલમારીઓ ગોઠવેલી હતી. એમાં પણ જુદાજુદા પ્રકારના પાંઉ અને ખારીઓના, પારદર્શક પ્લાસ્ટિકના, પેકેટ્સ ગોઠવેલા હતા. કાઉન્ટરની પાછળ ઊભેલો છોકરો કંઇક આશ્ર્ચર્યથી અને કંઇક આઘાતની લાગણી સાથે તેમને જોઇ રહ્યો.
સાહિલની પાછળ જ ઇમ્તિયાઝ કાણિયાને લઇને આવ્યો. એ દરમિયાન અવળા પગલે પાછળ ફરી રહેલો રશીદ પણ પેલા દરવાજામાંથી દુકાનમા પ્રવેશવાની અણી પર હતો ત્યાં તેની પાછળ કોઇ ઊભું હોય એવી રીતે જોઇને પેલા બે બદમાશોમાંથી એકે બૂમ પાડી: અરે, રશીદ પે ગોલી મત ચલાના!’
રશીદ ચમક્યો. તેને લાગ્યું કે તેની પાછળથી કોઈ આવ્યું છે. તે એક ક્ષણ માટે પાછળ કોણ છે એ જોવા ફર્યો એ સાથે પેલા બંને બદમાશ તેના પર ત્રાટક્યા. રશીદ કંઇ સમજે એ પહેલાં તો તે ભોંયભેગો થઇ ગયો હતો.
પેલા બેમાંથી એક બદમાશે તેની પાસેથી પિસ્તોલ આંચકી લીધી. એ દરમિયાન બીજાએ તેની પિસ્તોલથી રશીદના માથામાં અને છાતીમાં ગોળીઓ ધરબી દીધી.
ગોળી છૂટવાનો અવાજ આવ્યો એટલે ઇમ્તિયાઝ ચમક્યો. તે દુકાનમા થોડા ફૂટ અંદર આવી ગયો હતો. રશીદની ચિંતાને કારણે તે પાછળ ફર્યો. એ ક્ષણનો ફાયદો ઉઠાવીને પ્રચંડ દેહ ધરાવતા કાણિયાએ ઇમ્તિયાઝે જે હાથમાં પિસ્તોલ પકડી હતી એ હાથ પર ફટકો માર્યો. જો કે ઇમ્તિયાઝે પિસ્તોલ મજબૂત રીતે પકડી રાખી હતી એટલે તેના હાથમાંથી પિસ્તોલ ફેંકાઇ નહીં. પણ કાણિયાએ તરત જ તેનો પિસ્તોલવાળો હાથ પકડીને ઊંચો કરી દીધો. હવે ઇમ્તિયાઝ ગોળી છોડે તો પણ કાણિયાને બદલે છત તરફ ગોળી છૂટે એમ હતી.
એ જ વખતે ઇમ્તિયાઝે જોયું કે પેલા બંને બદમાશ દરવાજામાંથી તેમના તરફ ધસી રહ્યા છે અને તેમની પાછળ બેકરીમાં કામ કરી રહેલા બીજા માણસો પણ આવી રહ્યા છે. એટલે તેણે સાહિલ તરફ જોયા વિના જ બૂમ પાડી: વો હરામખોર ઔર લડકી કો લે કે ભાગ!’
સાહિલને થયું કે પોતાની મદદે આવેલા એ માણસને આ રીતે પડતો મૂકીને ના ભાગવું જોઇએ. સારાં માણસો વધુ દુ:ખી થતા હોય છે એનું મોટું કારણ તેમની નૈતિકતા હોય છે. ખરાબ માણસો માત્ર પોતાનો સ્વાર્થ જ જોતા હોય છે. અને સાહિલ વધુ પડતો સારો માણસ હતો. તેણે બૂમ મારી: એને છોડી દો નહીં તો હું આ બદમાશને ગોળી મારી દઇશ.’
પણ સાહિલ હજી બોલતો હતો ત્યાં ઇશ્તિયાકે સાહિલના હાથમાંથી છૂટવાની કોશિશ કરી. અને બીજી બાજુ ઇમ્તિયાઝે ફરી વાર ગળું ફાટી જાય એવા અવાજે બૂમ મારી, વક્ત બરબાદ મત કર, બેવકૂફ! ભાગ નીકલ.’
એ જ વખતે ઇમ્તિયાઝની આંગળી તેના હાથમાં રહેલી પિસ્તોલના ટ્રીગર પર દબાઇ ગઇ અને પિસ્તોલમાંથી ગોળી છૂટી. એ વખતે તે પિસ્તોલનું નાળચું કાણિયા તરફ ફેરવવાની કોશિશ કરી રહ્યો હતો એટલે ગોળી એક કાઉન્ટર પર ગોઠવાયેલી એક બરણીમાં વાગી.
ગોળી છૂટવાનો અને કાચ તૂટવાનો અવાજ આવ્યો એટલે નતાશા વધુ સહમી ગઇ અને તે સાહિલને જોરથી વળગી પડી. નતાશા પણ પોતાની સાથે છે એ એક ક્ષણ માટે સાહિલ ભૂલી ગયો હતો. તેણે ફરી ઇશ્તિયાકના ગળા પર ભીંસ આપી અને તેની છૂટવાની કોશિશ નિષ્ફળ બનાવી. એ વખતે તે દુકાનના દરવાજાથી ચારેક ફૂટ દૂર હતો. તેની આગળ ઈશ્તિયાક હતો અને પાછળ નતાશા હતી. નતાશાની પીઠ ઇમ્તિયાઝ તરફ હતી અને કાણિયા સાથે ઝપાઝપી દરમિયાન ઇમ્તિયાઝ ફર્યો હતો એટલે તેની પીઠ નતાશા અને સાહિલ તરફ થઈ ગઈ હતી.
મેરી પરવા મત કર. તું ભાગ લે!’ કાણિયાના પડછંદ દેહ સામે ટક્કર લેવામાં હાંફી રહેલા ઇમ્તિયાઝે ફરી એક વાર સાહિલ સામે જોયા વિના જ બૂમ મારી.
ઇમ્તિયાઝની કાણિયા સાથે હાથોહાથની લડાઇ ચાલી રહી હતી એ દરમિયાન કાણિયા સહેજ પાછળ હટ્યો અને બીજી સેક્ધડે તેણે ઇમ્તિયાઝની છાતીમાં માથું માર્યું. આખલા જેવા કાણિયાનું માથું છાતીમાં ઝીંકાવાથી ઇમ્તિયાઝ થોડો પાછળ ધકેલાયો. એ જ વખતે કાણિયાની મદદે ધસી આવેલા પેલા બે બદમાશોમાંથી એક બદમાશે ઇમ્તિયાઝને ગોળી મારી દીધી!
એ બદમાશે છોડેલી ગોળી ઇમ્તિયાઝની જમણી આંખમા ઘૂસી ગઈ અને તેના મસ્તક સોંસરવી પસાર થઈને નતાશાને વાગી!

(ક્રમશ:)