આ પડીકું કોઈએ ખોલવું નહિ....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

આ પડીકું કોઈએ ખોલવું નહિ....!

આ પડીકું કોઈએ ખોલવું નહિ....!

ઘટના એવી બનેલી કે, એક વેલેન્ટાઈન ડે ના દિવસે, પોતાની ‘ જાન ‘ માટે લોકો, દાંડીવાળા લાલ ગુલાબ લઈને ‘ હોટલ ‘ ભરવા જતાં. ( જેમ લોકો પૂનમ ભરવા દેવસ્થાને જાય એમ. ) ત્યારે ગામના જુવાનીયા ચમનિયાના દાદાની બોડી, લાલ ગુલાબમાં વીંટાળીને સ્મશાન ભરવા ગયેલા. કારણ ચમનિયાના દાદાએ ‘ વેલેન્ટાઇન ડે ‘ નું ટાંકણું પકડીને જ દુનિયા છોડી, એટલે બીજું થાય પણ શું....? મૃત્યુ ક્યાં કોઈને કાગળ લખીને આવે છે....?

એ દિવસે ઘરડા કરતાં જુવાનીયા વધારે રડેલા. એટલા માટે નહિ કે, બધાંને દાદા માટે ખુબ હેત હોય. પણ ‘ વેલેન્ટાઇન ડે ‘ ની આખી પથારી ફરી ગઈ એનો જુવાનીયામાં રંજ હતો. ગ્રહણના દિવસે આ ડોસાએ ક્યાં સાપ કાઢ્યો....? એવો અંદરોઅંદર બડબડાટ પણ થયેલો. જેમ વાઈ/ફાઈ બંધ થઇ જતાં, મોબાઈલનો ફાલ અકળાય ઉઠે, એમ બધાંની ‘ વેલેન્ટાઇન ‘ બગડી એણો સૌમાં કકળાટ હતો. ચંચી ચાંપલી તો ત્યાં સુધી બોલી કે, ‘ વેલેન્ટાઈન ‘ જેવાં સપરમાં દિવસે, દેહ છોડીને દાદાએ તો અમારી ‘ એન્જોયમેન્ટ ‘ નો દાટ વાળી દીધો. દાદાએ અમારા અરમાનના અથાણા કરી નાંખ્યા. પાર્ટનર સાથે હોટેલમાં પીઝા/બર્ગર ખાવાને બદલે, ડાઘીયા સાથે અમારે ભાતિયા ખાવાના દહાડા આવ્યા....!

પણ સામાજિક શિસ્ત એવું કે, ‘ પ્રસંગ પ્રમાણે મલાજા તો જાળવવાના જ. રેશનકાર્ડમાંથી આખેઆખું એક, માણસ ઓછું થઇ ગયું હોય, ને હોટલમાં ‘ વેલેન્ટાઇન ‘ ના જલશા કરવા જાય તો ઠીક નહિ લાગે. પોક મુકીને રડવાનું આવે ત્યાં, રડવું પણ પડે. ભલે ખાલી ખાલી, તો ખાલી ખાલી...! પણ સામેવાળાની આંખમાંથી રેલા નહિ નીકળે, ત્યાં સુધી રડવાની ચેનલ તો ફરજીયાત ચાલુ જ રાખવી પડે. પણ કોઈ એવું નહિ બોલ્યું કે, ‘ જાવ જુવાનીયાઓ, આજે વેલેન્ટાઇન ડે છે, તો તમે તમારી રીતે જલશા કરો. દાદાનું અમે સંભાળી લઈશું.....! દાદા તો ઘરડું પાન હતું, અને ખરી ગયું. તમે શું કામ તમારી મઝા બગાડો....? ‘

પણ જેટલા આવે એટલાં બધાં જ ફૂટી ફૂટીને એવાં રડે કે, જુવાનિયાઓનું પણ હૈયું ભરાય જાય. જે કોઈ આવે તે, ‘ દાદા... અમને તમારી સાથે કેમ નહિ લઇ ગયાં....? અમે હવે કોના ભરોસે જીવવાના....? તમે તો લીલીવાડી મુકીને ચાલી ગયાં. હવે અમે તમને ક્યારે જોવાના....વગેરે...વગેરે.....! એ બધાને રડતાં જોઈને આપણને ગભરાટ થાય કે, ‘ રડવામાં ને રડવામાં, દાદા ભેગો આમાંથી એકાદ ટપી ના જાય તો સારું....! ‘ સરકારે તો આવું હૈયાફાટ રડનારાને શાંત કરવાનું કામ પણ પેલી ૧૦૮ વાળી સર્વિસને સુપ્રત કરવું જોઈએ. એવું થાય. યાર....જેટલા નવા આવે, એટલી વખત નવી ડીઝાઈનમાં રડે. અને રડવાના વોલ્ટેજ પણ હાઈ થાય. એમને કોણ સમઝાવે કે, જેના કિલોમીટર પુરા થયાં, એમણે એકને એક દિવસે તો જવું જ પડવાનું હોય. એવું ગંભીર વાતાવરણ કરી મુકે કે, વેલેન્ટાઈન ડે ની વાત તો, હાંસિયામાં જ ચાલી જાય....! પાછા રડે એટલે સાવ ખોટું રડે કે, ‘ દાદા તમે અમને એકલા મુકીને કેમ જતાં રહ્યાં....! ‘ ભલા માણસ, યમરાજા બિચારા એકલા પાડા ઉપર બેસીને આવેલા. લક્ઝરી લઈને થોડાં આવેલા કે, બધાને સ્વર્ગ દર્શને લઇ જાય.....?

અલબત દાદા એટલે ગામના રઈસ કહેવાતા. આમ ભલે એંસીના હતાં, પણ ૧૯૮૦ ણા મોડલ જેવાં જુવાન લાગતાં. એમના મૃત્યુથી મોટામાં મોટી ખોટ ગઈ હોય તો ગામના ડોક્ટરને અને દવા વેચવાવાળા કેમિસ્ટને ગઈ. કારણ કે, મરી ગયાં સુધી તેઓ રોજની એંસી રૂપિયાની તો દવા ખાતાં હતાં. આં જુઓ તો ખરો આઘાત તેમને થવો જોઈએ. અને એકાદ કાણ તેમના ઘરે પણ મુકાવી જોઈતી હતી.. કારણ તેમનું તો કાયમી એક ઘરાક ચાલી ગયું કહેવાય ....!

ચમનિયાને એક વાતની સમઝ નહિ પડી કે, આ બધાં લીલીવાડી મૂકી ગયાં, એમ કેમ કહે છે....? દાદા લીલી મૂકી ગયાં કે, સુકી મૂકી ગયાં, એની ખબર મને પડે કે, એમને પડે....? પણ આ વિધાનથી એના મગજમાં એવી ગાંઠ બંધાય ગઈ કે, માન કે ન માન, દાદા ક્યાંક આંબા/ચીકુની વાડી મુકતા જ ગયાં લાગે છે. અને આ વાત એમણે બધાથી છુપાવીને રાખી છે. એમાં ને એમાં તો ઉત્સાહથી દાદાનું બારમું/તેરમું પણ એણે ભપકાથી ઉજવી નાંખ્યું. રાતે રોજ એકલો એકલો વિચારે કે, બાપાએ વાડીના કાગળો ક્યાંક ને ક્યાંક રાખ્યાં હોવા જોઈએ. નવરો પડે એટલે એકલો એકલો આખું ઘર ફેંદવા માંડે. કે ક્યાંકથી વાડીના કોઈ કાગળો મળી આવે. પંચાયતમાં જઈને પણ પૂછી આવ્યો કે, દાદાના નામે કોઈ વાડી/વજીફા બોલે છે ખરાં...?

ને, થયું એવું કે, આવા ખાંખાખોરા કરવામાં એને એક દિવસ દાદાની પેટીમાંથી બંધ પરબિડયું હાથ લાગી ગયું. કોલંબસને અમેરિકા જડી ગયો હોય, એમ એ રાજીનો રેડ થઇ ગયો. નક્કી આ બંધ કવરમાં જ પેલી વાડીના કાગળો લાગે છે. પાછું કવર પણ ખાસ્સું માતેલું હતું. ને કવર ઉપર લાલ પેનથી મોટા અક્ષરે લખેલું પણ, કે ‘ આ પરબીડિયું કોઈએ ખોલવું નહિ....! ‘ એટલે ઔર શંકા પાકી થઈ. પહેલાં તો એમ પણ વિચાર્યું કે, ‘ લાવ ને કવર ખોલીને હું જ આ મામલો ગુપચુપ પતાવી દઉં....’ પણ પવનને પણ કાન હોય તેમ, આ મામલો ગામના ધ્યાનમાં આવ્યો. ગામના ધ્યાનમાં આવ્યાં પછી, મામલો કંઈ હાથમાં રહે....? વાતનું વતેસર એવું થયું કે, દાદાના બંધ કવરમાંથી સોનાની ગીનીઓ નીકળી. તો કોઈએ એમ પણ ઠોક્યું કે, દાદા તો દેશમાં બેચાર ફેક્ટરીના માલિક પણ નીકળ્યા યાર....! ખલ્લાસ....!

પાછી દાદાની લાઈફ સ્ટાઈલ પણ એવી હતી કે, અફવા કોઈના પણ ગળે ઉતરી જાય. એમના દેખાવનો ભપકો એટલે....? જાણે, ધીરુભાઈ અંબાણી સાથે ઓઈલ કંપનીમાં પાર્ટનરશીપ નહિ હોય....? અને એમની મસોટી એટલે, બીજા મહાત્મા ગાંધીજી જ.....! ફેર એટલો કે, ગાંધીજી બકરીનું જ દૂધ જ પીતા, ત્યારે દાદાએ મર્યા સુધી કોથળીના દૂધનું જ સેવન કરેલું....! પણ ગાંધીજીના એટલાં આશિક કે, કેજરીવાલની માફક, રેંટિયા સાથે આડા/ઉભાં તો એમણે ફોટા પણ પડાવેલા....! ભલે રેંટિયાને બદલે,. રેડિયો ને ટીવી જ ચલાવતાં જ આવડતો. પણ બાપુની જેમ જ જીવતા. બાપુની માફક એ પદયાત્રા પણ કરતાં. પણ ચાલવાનું તો બસમાં જ રાખતાં.....! ને સત્યના તો એવાં આગ્રહી કે, પણ ઇન્કમ ટેક્ષ ઓફીસ સિવાય કોઈ જગ્યાએ જુઠું નહિ બોલતાં. ને એટલે જ એમણે ગામમાં લગન કરીને સ્વદેશી વસ્તુનો જ આગ્રહ પણ રાખેલો.......!

પછી તો બધાની નજર પેલા બંધ કવર ઉપર જ રહી. શું હશે, શું હશે ની ચર્ચાઓ ચોરા ઉપર થવા માંડી. અંતે એવો નિર્ણય લેવાયો કે, તત્કાળ મહોલ્લાના મહાનુભાવો ની એક સંસદ બોલાવવી. ને તેમની હાજરીમાં જ આ કવર ખોવું. એટલે વાતનું વતેસર વધે નહિ. ને તેમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખવો કે, આ કવરને ખોલવું, તો કઈ રીતે ખોલવું....? ખાનગીમાં ખોલવું, જાહેરમાં ખોલવું કે, પછી કોર્ટ/કચેરીમાં જઈને ખોલવું...? ને પછી તો ચર્ચામાં એવાં મસાલા વટાયા કે જુવાનીયાઓને પણ વેલેન્ટાઈન ડે કરતાં, કાકાના આ કવરમાં મઝા આવી ગઈ....! આવો આપણે સંસદીય ચર્ચાઓ તરફ એક પછી એક નજર કરીએ.

૧. વ્યક્તિ-૧ ( ચમનીયો )

ભાઈઓ, મારા દાદા ટોટલી ગાંધી માર્ગે હતાં. પણ એ નહિ પૂછતાં કે, કયા ‘ ગાંધી ‘ માર્ગે....? લોકોએ ગામમાં વાતનું વતેસર કરીને જાત જાતના ફુગ્ગાઓ ઉડાડ્યા છે. એ મારા માટે શરમજનક છે. આ કવર હજી ખુલ્યું જ નથી. એટલે એમાંથી કંઈપણ નીકળ્યાનો સવાલ જ નથી. અફવાઓને ટાઢી પાડવા, અમે જાહેરમાં આ કવર ખોલવાનો નિર્ણય લીધો છે. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. હવે તમે સંમતી આપો તો હું આ કવર ખોલું.

૨. વ્યક્તિ ર : ( મહોલ્લાની પાલીડોશી )

ખબરદાર જો કોઈએ પણ આ કવર ખોલ્યું છે તો....! તમે બધાં મોટી મુશીબતમાં આવી જશો. દાદાએ ચોખ્ખું લખ્યું છે કે, ‘ આ કવર કોઈએ ખોલવું નહિ....! ‘ સંભવ છે કે, દાદાનો જીવ હજી મોક્ષ નહિ પામ્યો હોય. મને તો હજી પણ તેમનો જીવ આ કવરમાં જ લાગે છે. દાદાની આજ્ઞાને ઉવેખીને આપણે આ કવર ખોલવા જઈશું તો, મોટા પાપ અને મોટી આફતમાં ફસાય જઈશું. મારા મતે તો, આ બાબતે આપણે ગામના ભુવા ભીખુ ભગતની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. પછી તમે જાણો અને તમારું કવર જાણે. ક્યાં તો પછી, આ કવરને બંધ હાલતમાં જ દરિયામાં પધરાવી દો. જેથી દાદાના જીવને મોક્ષ મળી જાય.

પણ ચમનિયાને પાલીની વાતમાં દમ કરતાં, તેના પરચા વધારે લાગ્યાં. કારણ આટલું કહેતાં પહેલાં તો એમણે ચારવાર કવરને હાથમાં લઈને ચકાસી જોયેલું કે, એના સાંધા ખુલેલા તો નથી ને....?

વ્યક્તિ : ૩ ( દાદાના ઘરવાળા દાદી )

એમણે તો છડેચોક પૂરી તાકાતથી કહી નાંખ્યું કે, ડોહો જીવતો હતો ત્યારે જ ભૂત જેવો હતો. ને એનો જીવ કવરમાં નહિ મારામાં જ હતો. દાદાને કંઈ બે જીવ નહિ હતા કે, એક જીવ એ કવરમાં રાખે ને બીજો મારામાં રાખે.....! મારું જે થવાનું હોય તે થાય. પણ આ કવર હમણાં જ ખોલી નાંખો. ને તમને ડર લાગતો હોય તો, મને આપો. હું જ ખોલી નાંખું. જેથી કવરના પરચા બહાર આવશે....!

આમ કહેતાંની સાથે દાદીએ ઝપટ મારીને કવર લઇ પણ લીધું, ને બધાની વચ્ચે એમણે ફોડી પણ નાંખ્યું. આ જોઈને પાલીડોશીની આંખ તો ફાટતાં ફાટતાં રહી ગઈ. છેવટે કવરમાંથી વાડી પણ નહિ નીકળી. ને વજીફો પણ નહિ નીકળ્યો. દાદાની ‘ વેલેન્ટાઈન લીલા ‘ નીકળી. યુવાનીમાં કોઈએ દાદાને ‘ વેલેન્ટાઇન ડે ‘ ઉપર લખેલા બધાં પત્રો નીકળ્યા....!

પછી દાદી કંઈ ઝાલેલી રહે....? લખનારને શોધી કાઢવા માટે, સી.આઈ.ડી. વાળા દયાની માફક દાદી જે મંડી પડી છે. જાહેરમાં કહેવા જેવું નથી, પણ કોથળામાંથી બિલાડું નીકળે એમ, એ બધાં પત્રો ઉપર પાલી ડોશીના જ હસ્તાક્ષર હતાં.....! અને એ બધાં પાલીડોશી એ દાદાને લખેલા ‘ વેલેન્ટાઈન પ્રેમપત્રો ‘ હતાં.....!

આ જાણીને જુવાનીયાઓ એટલે હરખાયા કે, માન કે ન માન ‘ વેલેન્ટાઈન ડે ‘ માં દમ તો છે જ. જુઓ દાદાએ જીવ છોડ્યો એ પણ ‘ વેલેન્ટાઈન ‘ દિવસે જ ને...?

ચમનીયો એટલું જ બોલ્યો કે, “ પાલીના કપાળમાં કાંદા ફોડું.....!! “

*****