લિપ્સ માટે લવલી ટિપ્સ
મીતલ ઠક્કર
કોઈપણ વ્યક્તિ અન્યનો ચહેરો જુએ ત્યારે સૌથી પ્રથમ તેની નજર સામેની વ્યક્તિની આંખ અને હોઠ ઉપર પડતી હોય છે. તેથી હોઠ આકર્ષક બનાવવા જો લિપસ્ટિકનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હોય તો હોઠની સુંદરતા ઝાંખી પડી જાય છે. મહિલાઓ દ્વારા ચહેરાને સુંદર બનાવવા ફેશિયલથી માંડી અનેક બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. તેથી ચહેરો તો સુંદર લાગે છે. પરંતુ હોઠની માવજત કરવાનું ઘણી વખત આપણે ચૂકી જઇએ છીએ. હોઠ પર આપણા ડ્રેસને મેચ થાય એવી લિપસ્ટિક લગાવી દીધી એટલે આપણે તૈયાર થઇ ગયા એવું માની લઇએ છીએ. પરંતુ ચહેરાની જેટલી માવજત કરીએ છીએ એટલી હોઠની કરતા નથી. તેથી હોઠ કાળા, શુષ્ક બની જાય છે. તેનું આકર્ષણ ઘટવા લાગે છે. દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેના હોઠ લાલ અને ગુલાબથી કોમળ પણ વધુ રહે. જાણીતા શાયર મીર તકી મીરનો એક મશહૂર શેર સ્ત્રીના નાજુક હોઠ માટે છે. નાજુક ઉસકે લબકી ક્યા કહીએ, પંખુડી એક ગુલાબ કી સી હૈ. જો તમે પણ હોઠને ગુલાબી બનાવવા ઇચ્છતા હો, તો ગુલાબની પાંદડીઓને પીસી એમાં કાચું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાત્રે સૂતાં પહેલા હોઠ પર હળવા હાથે ઘસી રહેવા દો. આ રીતે નિયમિત કરો. આવી અનેક ટિપ્સ આપના લવલી લિપ્સ માટે સંકલિત કરીને રજૂ કરે છે. મને આશા છે કે એ વાંચીને તમે પેલી જાહેરાતની જેમ જરૂર બોલી ઉઠશો કે,''બોલે મેરે લિપ્સ, આઇ લવ મીતલ્સ ટિપ્સ!''
* હોઠ પર પ્રસંગોપાત લિપસ્ટિક લગાવો. જો તમને નિયમિત લિપસ્ટિક લગાવવાનો શોખ હોય તો કોઇ ચીલાચાલુ કંપનીની લિપસ્ટિક લગાવવાને બદલે સારી કંપનીની લિપસ્ટિક જ લગાવો. નહીંતર હોઠ કાળા પડી જશે.
* નવરાત્રિ દરમિયાન લિપસ્ટિક પણ ડાર્ક લગાવવી. રેડ કલર, બ્લડ રેડ કલર, નિયોન કલર્સનો ઉપયોગ તમે કરી શકો છો.
* દિવસે મેટ શેડની અને રાત્રે ક્રીમી અને ગ્લોસી શેડવાળી લિપસ્ટિકનો ઉપયોગ કરો.
* વારંવાર હોઠ ફાટી જતા હોય ત્યારે લિપબામનો ઉપયોગ જરૂરી છે. ફેશન ટ્રેન્ડમાં લિપબામે તેની જગ્યા બનાવી દીધી છે. લિપબામ હોઠોને મોઈશ્ર્ચરાઈઝ રાખે છે. બદલાતી ફેશનને કારણે બજારમાં વિવિધ રંગના લિપ બામ મળે છે. સૂર્યપ્રકાશથી પણ રાહત મળે તેવા બામ મળે છે.
* હોઠ પર લિપ જેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાડી શિયાળામાં પણ નરમ મુલાયમ રાખી શકાય છે
* રાતના સૂતી વખતે દેશી ઘી લગાડવું ફાયદો થશે
* લિપસ્ટિક લગાડતાં પહલા જેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું.
* નીચેના હોઠ પર લિપસ્ટિક ડાર્ક લગાવો અને ઉપરના હોઠ પર લાઈટ.
* કાળી ત્વચા પર ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરો. માત્ર કન્સીલર જ લગાવો. બ્લશર પિંક શેડનું જ લગાવો. દિવસે પિંક લિપસ્ટિક, સાંજે અને રાત્રે મરુન, રેડિશ બ્રાઉન લગાવી શકો છો. લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર લાઈટ કન્સીલર અથવા ફાઉન્ડેશન લગાવો. રાતના સમયે હોઠને ગોલ્ડન અથવા સિલ્વર શેડથી હાઈલાઈટ કરી શકાય છે. આંખો પર આઈશેડોથી ગોલ્ડન, સિલ્વર કરી શકાય.
* ગ્લોસી લિપસ્ટિક અને શાઇની આઇશેડો ઓફિસમાં સારા લાગતા નથી
* લિપ કલર માટે કાજલ જેવી પેન્સિલ પણ મળે છે. જેની સામાન્ય પેન્સિલની જેમ અણી કાઢી શકાય છે. રૉલ પેનના રૂપમાં પણ લિપક્રેયૉન મળે છે. લિપક્રેયોન ગ્લૉસી અને મૈટ બંને પ્રકારના મળે છે. મૈટમાં ગાઢા રંગ મળે છે. ગ્લૉસીમાં લિપસ્ટિક બામ અને ગ્લૉસી ત્રણે એક સાથે મળે છે. જેનો ઉપયોગ લિપસ્ટિકના વિવિધ પ્રકારનું ઊંડું જ્ઞાન ધરાવતી યુવતીઓ દ્વારા વધુ કરવામાં આવે છે.
* જરૂરી નથી કે આપની ફ્રેન્ડ પર લિપસ્ટિકનો જે શેડ સારો લાગે છે, તે તમારા હોઠ પર પણ સારો લાગશે જ. આપ પોતાના શરીરની રંગત તેમજ ચહેરાના હિસાબે લિપસ્ટિક લો. પોતાના ડ્રેસને પણ ધ્યાનમાં રાખો.
* ઘણી વાર છોકરીઓને એવું લાગે છે કે વધુ ગ્લોસી લુક સેક્સી લાગે છે, પરંતુ એવું નથી. બહુ વધારે ગ્લોસી લુક ક્યારેક ખરાબ પણ લાગે છે. એમાં લિપસ્ટિક ફેલાઈ જવાનું જોખમ પણ છે
* હોઠ પર પોપડી બાઝી જતી હોય તો બદામના તેલને હોઠ પર લગાવી ધીરે ધીરે માલિશ કરો. હોઠ પર પોપડી બાઝતી બંધ થઇ જશે.
* લિપસ્ટિક લગાવતા પહેલાં લિપલાઈનર લગાવીને શરૂઆત કરવી. ત્યાર બાદ લગાવેલી લિપસ્ટિક લાંબો સમય રાખવા માટે એક ટિશ્યૂ પેપર લઈ તેના પર ટ્રાન્સ્યુલન્ટ પાઉડર છાંટી, બંને હોઠ વચ્ચે દબાવવું. આમ કરવાથી પાઉડર સેટ થઈ જશે. ત્યાર બાદ ફરીથી લિપસ્ટિક લગાવવી. આ પ્રોસેસ ફરીથી કરવી. આમ કરવાથી લિપસ્ટિક લાંબો સમય રહેશે. એ સિવાય માર્કેટમાં લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક પણ મળે છે. તમે તે ખરીદી શકો છો. લિપ લાઈનરનો ઉપયોગ હંમેશાં કરવો. જેથી લિપસ્ટિક હોઠની બહાર ના જાય અને એ કારણે હોઠ અવ્યવસ્થિત ના દેખાય.
* લિપસ્ટિક જેવું જ દેખાતું લિપસ્ટેન કે જૅલ રૂપે મળે છે. લિપસ્ટૅનમાં આલ્કોહૉલનું પ્રમાણ જોવા મળે છે. જે હોઠોને સૂકા બનાવી દે છે. હોઠને અલગ ‘પ્લપ લૂક’ આપવાની ઈચ્છા હોય તો લિપસ્ટૅન લગાવ્યા બાદ લિપ ગ્લૉઝનો ઉપયોગ કરવો.
* ગરમીમાં હોઠ પર લાઇટ કલરની લિપસ્ટિકનો ઉપયોગ વધારે યોગ્ય રહેશે. હોઠ ઉપર લિપ લાઇનરથી આકાર આપીને મેટ લિપસ્ટિક લગાવો. પછી તેના ઉપર લિપ સીલર લગાવો. પિંક અને લાઇટ બ્રાઉન કલર વધારે શોભશે.
* ઘણી વાર સ્ત્રીઓ ફાટેલા હોઠ પર લિપસ્ટિક લગાવી લે છે કે જે ખૂબ ભદ્દું લાગે છે. જો આપના હોઠ ફાટેલા હોય, તો તેની ઉપર સારી રીતે મસાજ કરો. શુષ્ક ત્વચાને હળવા હાથે કાઢી દો. તેના પર શુગરથી સ્ક્રબ કરો અને તે પછી લોશનથી મસાજ કરો. તેનાથી હોઠમાં કોમળતા આવી જશે અને તે પછી આપ સરળતાથી લિપસ્ટિક લગાવી શકો છો.
* મેકઅપને દૂર કરવા આપણે જેમ મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરીએ છીએ એ રીતે રાત્રે સૂતાં પહેલાં કોટનને ગુલાબજળમાં પલાળી હળવા હાથે લિપસ્ટિકને લૂછી નાખવી જોઇએ. લિપસ્ટિકને દૂર કર્યા બાદ હોઠ પર ઘી અથવા મલાઇ લગાવી દો. એથી હોઠ કોમળ રહેશે.
* દરેક ઋતુમાં હોઠ સૂકા રહેતા હોય તો તાજી મલાઇમાં ચપટી હળદર લગાવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને હોઠ પર લગાવી પંદર મિનિટ બાદ ધોઇ નાંખો.
* લિપસ્ટિક લગાવ્યા બાદ છોકરીઓ એકદમ સાવચેત થઈ જાય છે. આ ચક્કરમાં તેઓ પાણી સુદ્ધાં નથી પીતી. તેથી તેમના હોઠ સુકાઈ જાય છે અને ડિહાઇડ્રેશનના કારણે તેમના હોઠ ફાટવા લાગે છે. હોટ ન ફાટે તે માટે થોડી-થોડી વારે પ્રાઇમર પણ લગાવતા રહો. યાદ રાખો કે હોઠમાં ભીનાશ જળવાઇ રહે એ માટે પર્યાપ્તમાત્રામાં પાણી પીવું જરૂરી છે.
* છેલ્લા થોડા સમયથી વિદેશોની જેમ આપણે ત્યાં પણ લિક્વિડ લિપસ્ટિક અથવા લિપ-ગ્લૉસનો ક્રેઝ વધ્યો છે, પરંતુ મિનિમલ મેકઅપ દ્વારા આપણે આખા ચહેરાને ચમકીલો બનાવ્યો હોવાથી લિપ-મેકઅપ બને એટલો મૅટ રાખવામાં આવે તો ચહેરા પર શાઇનિંગ અને મૅટનું પર્ફેક્ટ બૅલૅન્સ જળવાઈ રહે છે. એથી આ પ્રકારનો મેકઅપ કર્યો હોય ત્યારે હોઠને યોગ્ય આકાર આપવા લિપલાઇનરનો ઉપયોગ કરી એની વચ્ચે આછા ગુલાબી કે પિચ રંગની મૅટ લિપસ્ટિક અથવા તાજેતરમાં બહુ લોકપ્રિય બની રહેલા લિપ-ટિન્ટ લગાડવા જોઈએ. આવા લિપ-ટિન્ટ હોઠ પર જરૂર પૂરતો જ રંગ લગાડી મેકઅપને નૅચરલ દેખાડવાનું કામ કરે છે.
* આઉટફિટ્સને મેચિંગ નિઓન પિંક, રેડ બબલી પિંક કે બ્રાઉન શેડની લિપસ્ટિક કરી શકો છો. જો તમારા ડ્રેસનો કલર લાઇટ હોય તો ડાર્ક લિપસ્ટિક કરવી અને જો ડાર્ક કલરના કપડાં પહેર્યા હોય તો લાઇટ શેડ અપનાવવો. તમારા લિપ્સ ડ્રાય હોય તો લિપ ગ્લોઝનો ઉપયોગ અવશ્ય કરવો અને જો ડ્રાય લિપ્સની સમસ્યાથી ન પિડાતા હોય તો મેટ લિપસ્ટિક લગાવવી.
* લિપસ્ટિક ખરીદતી વખતે તેની એક્સપાયરી તારીખ જુઓ. એક્સપાયરી થયેલ લિપસ્ટિકનો ભૂલથી પણ ઉપયોગ કરશો નહીં. અને બીજાની લિપસ્ટિકનો ઉપયોગ કરવાનું પણ ટાળશો.
* વધારે પડતા ચા-કોફી અને ઠંડા પીણાં પીવાથી તમારા હોઠની સુંદરતા ઓછી થઇ શકે છે.
* હોઠ પરના કાળા ડાઘ દૂર કરવા રાત્રે સૂતાં પહેલાં લીંબુનો રસ લગાવો. કાચા બટાટાને હોઠ પર ઘસવાથી પણ કાળાશ ઓછી થઇ શકે છે.