પિન કોડ - 101 - 77 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 77

પિન કોડ - 101

પ્રકરણ-77

આશુ પટેલ

સાહિલને એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે ઇકબાલ કાણિયા જેવા ખતરનાક ડોન માટે તેનો એકાદ માણસ મરે તો પણ બહુ ફરક ના પડે એટલે કદાચ તેના મોતની પરવા ર્ક્યા વિના એ બધા બદમાશો એકસામટા તેના તરફ ધસી આવે તો તેનું સાહસ દુ:સાહસમાં પલટાઇ જતા વાર ના લાગે. અને એ સ્થિતિમાં તેનું અને નતાશાનું મોત નિશ્ર્ચિત થઇ જાય
હિલે પેલા બદમાશને આગળ ર્ક્યો. તેણે ફરી એક વાર તાકીદ કરી: બિલકુલ ગરબડ ના કરતો. મારા માથા પર મોત સવાર થયેલું છે. હું મરીશ તો પણ તને તો સાથે જ લેતો જઇશ!’
તે બદમાશની ઊંચાઇ સાહિલથી ઓછી હતી. સાહિલને પોતાની છ ફૂટની ઊંચાઇનો ફાયદો શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ મળી રહ્યો હતો.
તે બદમાશ રૂમમાંથી બહાર નીકળીને પેસેજના બીજા છેડા તરફ ચાલ્યો. સાહિલે તેની ગરદન ફરતે હાથ વીંટાળીને તેને સખત રીતે પકડી રાખ્યો હતો એટલે તે બદમાશને શ્ર્વાસ લેવામાં અને ચાલવામાં તકલીફ પડી રહી હતી. નતાશા સાહિલની બાજુમાં ચાલી રહી હતી. સાહિલને નવાઇ લાગી કે નતાશા તેને જોઇને કેમ કશું બોલી નહીં. સાહિલે તેની સામે જોયું. તે હજી ધ્રૂજી રહી હતી. તેનો ચહેરો લોહીવાળો હતો. સાહિલે પેલા બદમાશને ગોળી મારી ત્યારે તેના મસ્તકથી ઉડેલા માંસના લોચાના બે-ત્રણ નાના નાના ટુકડા પણ હજી નતાશાના ચહેરા પર ચોંટેલા હતા. સાહિલને સમજાયું કે તે હેબતાઇ ગઇ હતી. સાહિલને ફરીવાર ઇચ્છા થઈ આવી કે તે એક વાર નતાશાને ગાઢ આલિંગન આપીને કહે કે બિલકુલ ગભરાતી નહીં. જો કે અત્યારે નતાશાને ગળે મળવાનો તો શું તેની સાથે એક શબ્દની આપ-લેનો પણ સમય મળી શકે એમ નહોતો. અત્યારે એકએક ક્ષણ કિંમતી હતી. એક વાર અહીંથી બહાર નીકળ્યા પછી નતાશા સાથે બધી વાતો થવાની જ હતી.
આ દરમિયાન પેલો બદમાશ પેસેજના સામેના છેડેથી જમણી તરફ વળ્યો. સાહિલ એકદમ સતર્ક હતો. ઉત્તેજનાને કારણે તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેના મનમાં ઉચાટ હતો, પણ ભયની લાગણી દૂર થઇ ગઇ હતી તેના હાથમાં પિસ્તોલ હતી એનાથી તેને પાવરનો અહેસાસ થતો હતો. વળી નતાશાને જીવતી જોઇને તેને મોટી ધરપત થઇ ગઇ હતી. બીજી બાજુ પેલા બદમાશે તેના સાથીદારની ખોપરીના ફૂરચાં ઉડતા જોયા એટલે તે પણ ડરી ગયો હતો. અને એટલે જ તેણે બહારથી ધસી આવેલા પેલા બંને બદમાશોને પિસ્તોલ ફેંકી દેવાના સાહિલના આદેશને અનુસરવા માટે કહ્યું હતું.
સાહિલના મનમાં એક ક્ષણ માટે વિચાર ઝબકી ગયો કે પોતે માત્ર થોડી મિનિટોમાં ત્રણ ખૂન કરી નાખ્યા હતા. માણસ મરણિયો બને ત્યારે અકલ્પ્ય કામ કરી શકતો હોય છે એની સાબિતી સાહિલને તેનામાં ઊભરાયેલા ઝનૂન અને આક્રમકતાને કારણે મળી રહી હતી.
પેસેજના છેડાથી જમણી બાજુ વળ્યા પછી પંદરેક ફૂટ દૂર એક બંધ દરવાજો હતો.
‘કોઇ ચાલાકી વિના દરવાજો ખોલ.’ સાહિલે પેલા યુવાનને કહ્યું. તે યુવાને દરવાજાની ડાબી બાજુની દીવાલમાં દેખાતી એક સ્વીચ દબાવી એટલે દરવાજો દીવાલમાં ડાબી બાજુ સરકી ગયો.
તે યુવાન, સાહિલ અને નતાશા એ મોટા હોલમાં પ્રવેશ્યા.
સાહિલને યાદ આવ્યું કે તેને આ હોલમાં લઇ અવાયો હતો. એ હોલમાં ડોન ઇકબાલ કાણિયા બેઠો હતો. એક બદમાશ તેની બાજુમાં ઊભો હતો. એ હોલના એક ખૂણામાં ગોઠવાયેલા ટેબલો સામેની ખુરશીમાં ત્રણ બદમાશો બેઠા હતા. તેઓ કમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા અને બીજા બે બદમાશ તેમની બાજુમાં ઊભા ઊભા આપસમાં વાતો કરી રહ્યા હતા. સાહિલ પેલા યુવાનના લમણે પિસ્તોલ ધરીને નતાશા સાથે એ હોલમાં પ્રવેશ્યો એટલે ઇકબાલ કાણિયા અને બીજા બધા સ્તબ્ધ થઇ ગયા. બીજી બાજુ એ હોલમાં એટલા બધા બદમાશોને જોઈને સાહિલ પણ ચિંતિત બન્યો.
ઇકબાલ કાણિયા ઊભો થઇ ગયો. એ દરમિયાન કાણિયાની બાજુમાં ઊભેલો બદમાશ સાહિલ તરફ ધસ્યો. એ સાથે સાહિલે બરાડો પાડ્યો: ‘કોઇ આગળ આવશે તો આ હરામખોરને ગોળી મારી દઇશ.’
સાહિલને એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે ઇકબાલ કાણિયા જેવા ખતરનાક ડોન માટે તેનો એકાદ માણસ મરે તો પણ બહુ ફરક ના પડે એટલે કદાચ તેના મોતની પરવા ર્ક્યા વિના એ બધા બદમાશો એકસામટા તેના તરફ ધસી આવે તો તેનું સાહસ દુ:સાહસમાં પલટાઇ જતા વાર ના લાગે. અને એ સ્થિતિમાં તેનું અને નતાશાનું મોત નિશ્ર્ચિત થઇ જાય. આ દરમિયાન સાહિલે જેને પકડ્યો હતો એ બદમાશ સાહિલને એ દરવાજા તરફ દોરી રહ્યો હતો.
જો કે સાહિલના આશ્ર્ચર્ય વચ્ચે કાણિયો બરાડ્યો: ‘ઐય્યુબ, રૂક જા. ભાઇજાન કી જાન ખતરે મેં આ જાયેગી.’
સાહિલ ચમક્યો. પોતે જેના લમણે પિસ્તોલ ધરી હતી એ માણસને કાણિયા માનાર્થે બોલાવી રહ્યો હતો! જો કે તેને આશ્ર્ચર્યની સાથે ધરપતની લાગણી પણ થઇ કે આ માણસને પકડીને તેણે અહીંથી બહાર જવા માટેનો માર્ગ મોકળો કરી લીધો હતો.
આ દરમિયાન કમ્પ્યુટર પર કામ કરી રહેલા યુવાન અને તેની બાજુમાં વાતો કરી રહેલા પેલા બંને બદમાશો પણ ઊભા થઇ ગયા હતા. કાણિયાએ તેમના તરફ જોઇને પણ બૂમ પાડી: ‘વહીં ખડે રહો.’
એ બધા જ્યાં હતાં ત્યાં જ જડાઇ ગયા હતા, છતાં સાહિલ એકદમ સાવચેતીપૂર્વક તેમના પર નજર રહે એ રીતે હોલના બીજા દરવાજા તરફ આગળ વધ્યો. અચાનક તેની છઠ્ઠી ઇન્દ્રિયે તેને ખતરાનું સિગ્નલ આપ્યું. ઇકબાલ કાણિયા પેલા યુવાનોમાંથી કોઇને ઇશારો કરી રહ્યો હતો.
એમાંના એક યુવાને પોતાના મોબાઇલ ફોન પરથી કોઇનો નંબર ડાયલ ર્ક્યો. સાહિલને સમજાયું કે કંઇક રંધાઇ રહ્યું છે, પણ તે અહીંથી ઝડપથી બહાર નીકળી જવા માગતો હતો. એ હોલમાં તે અને નતાશા એકલા હતા અને સામે ખતરનાક ડોન કાણિયા સહિત આઠ જણ હતા. સહેજ પણ ગરબડ થાય તો તેની અને નતાશાની જિંદગીનો કાચી સેક્ધડમાં અંત આવી જાય એમ હતો.
સાહિલને એ પણ નવાઇ લાગી રહી હતી કે કાણિયા જેવો ખતરનાક ડોન જેને માનાર્થે બોલાવી રહ્યો હતો તે માણસ તેની સાથે ચૂપચાપ અહીં સુધી આવી ગયો હતો!
આ દરમિયાન પેલા માણસે મોબાઇલ પર કોઇ સાથે વાત શરૂ કરી દીધી હતી. તેણે કોઇને કહ્યું, ‘શિકાર ભાગ રહા હૈ, ભાઇજાન કી જાન ખતરે મેં હૈ. સબકો એલર્ટ કર દો.’
સાહિલ ડઘાઇ ગયો. તેને થયું કે કાણિયાના અડ્ડામાં બદમાશોની સંખ્યા કેટલી હશે. તેણે ત્રણ બદમાશને મારી નાખ્યા હતા, બે બદમાશને એક રૂમમાં પૂરી દીધા હતા અને એક બદમાશના લમણા પર પિસ્તોલ ધરી રાખી હતી. અને સાત બદમાશો તેની સામે એ હોલમાં હતા. તેને અહીં લઈ અવાયો ત્યારે તેણે જોયું હતું કે કાણિયાના અડ્ડામાં ઘણા બદમાશો હતા, પણ બદમાશોની સંખ્યા કેટલી હશે એનો તેને અંદાજ નહોતો.
એ હોલમાં ઉપસ્થિત બધા બદમાશોનું ધ્યાન સાહિલ તરફ હતું એ વખતે મોબાઇલ ફોન પર વાત કરી રહેલા બદમાશની બાજુમાં ઊભેલો એક બદમાશ અચાનક મક્કમ પગલે સાહિલ તરફ આગળ વધ્યો. તેણે પોતાના હાથમાં પિસ્તોલ ખેંચી લીધી હતી.
સાહિલની બાજુમાં ઊભેલી, ડરથી કાંપી રહેલી નતાશા વધુ સહેમી ગઈ. તે સાહિલની પાછળ છુપાઈને તેને વળગી પડી.
સાહિલના પણ મોતિયા મરી ગયા! પણ તેણે પોતાના ચહેરા પર ગભરાટના ભાવ છુપાવવા આક્રમકતાનું મહોરું પહેરી લીધું. એ દરમિયાન ફફડી રહેલી નતાશાના સ્પર્શથી તેને બચાવવાની તેની લાગણી પણ વધુ પ્રબળ બની ગઈ. તેણે પકડી રાખેલા બદમાશની ગરદન પર પોતાના હાથની વધુ ભીંસ આપી. તેની પિસ્તોલ પર પકડ વધુ સખત થઇ ગઇ અને તેણે પિસ્તોલનું નાળચું પેલા બદમાશના લમણામાં જોરથી દબાવતા કહ્યું, ‘કોઇ પણ નજીક આવશે તો હું ગોળી ચલાવી દઇશ.’
સાહિલને ખબર હતી કે પોતે અહીંથી બહાર નીકળવું હોય તો કોઇ કાળે તે બદમાશને ગોળી નથી મારી શકવાનો. પણ સાહિલ ગોળી ચલાવી દેશે એવા ભયથી, કાણિયાએ જેને અય્યુબ કહીને સંબોધ્યો હતો એ બદમાશે પિસ્તોલ સાથે આગળ વધી રહેલા બદમાશને ગાળ આપતાં કહ્યું, અરે! %*! ‘બેવકૂફની ઔલાદ શું કરી રહ્યો છે તું?’
નતાશા વધુ જોરથી સાહિલની પીઠસરસી થઈ ગઈ.
એ પછીની ક્ષણે એ હોલમાં જે દ્રશ્ય સર્જાયું એ સાહિલ, ડોન ઈકબાલ કાણિયા અને બાકીના બધા બદમાશોની કલ્પના બહારનું હતું!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Bhart sadhu

Bhart sadhu 8 માસ પહેલા

Disha

Disha 9 માસ પહેલા

Mv Joshi

Mv Joshi 1 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા