નગર - 44 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 44

નગર-૪૪

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પહેલા ઇશાનની જીપ આંચલની કાર સાથે ધડાકાભેર અથડાય છે અને તેની થોડીજ મિનિટો બાદ જયસીંહની પોલીસ જીપ પણ એ કાર સાથે ટકરાઇ પડે છે....આંચલનું તેના નાનાભાઇ મોન્ટુ સાથે મીલાપ થાય છે....અને તેઓ નગરનાં ટાઉનહોલ ભણી નીકળી પડે છે....હવે આગળ વાંચો...)

અચાનક નગર ઉપર જાણે કોઇ ભયાનક વાવાઝોડુ ત્રાટકયું હોય એવો જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ટાઉનહોલનાં પરીસરમાં ઉભેલા આસોપાલવનાં વૃક્ષો એ પવનમાં ભયાનક રીતે હિલોળા ખાતા આમથી તેમ ડોલવા માંડયા. ત્યાં એકઠા થયેલા નગરજનો વાતાવરણમાં થયેલા આ ગજબનાક પરીવર્તનને સ્તબ્ધ બની જોઇ રહયાં. હમણાં સુધી ઉત્સવનો માહોલ છવાયેલો હતો એ માહોલમાં હવે અનિશ્ચિતતા અને ડર ભળવા લાગ્યો હતો. લોકો પોતાની ખુરશીઓમાંથી ઉભા થઇ અહી શું બની રહયું છે એ સમજવાની વ્યર્થ કોશિષમાં લાગ્યા હતા. આકાશમાં ઘેરાયેલા ઘટ્ટ વાદળોનાં સમુહમાં એકાએક તોતીંગ વધારો થયો હતો અને એ વાદળો આપસ-માં ભયંકર રીતે ટકરાતા હોય એવા અવાજો આવવા લાગ્યા. કોઇ કશું જ સમજી શકતું નહોતું કે અચાનક આ બધું શું થઇ રહયું છે....

ટાઉનહોલનાં પરીસરની બરાબર વચ્ચોવચ મધ્યમાં બનાવેલો મંડપ ભયંકર રીતે ઝોલા ખાતો હતો. એવું લાગતું હતું કે હમણાંજ તેનાં થાંભલા મૂળમાંથી ઉખડી પડશે અને મંડપ ધરાશાયી થઇ જશે. ભારે પવનમાં મંડપ ઉપર બાંધેલું કપડું વિચિત્ર રીતે ફડફડતું હતું. વૃક્ષોનાં હિલોળવાનો અને મંડપનાં કપડાંનો ફડફડવાનાં ભયાનક અવાજોએ ત્યાંનાં વાતાવરણને ઔર બિહામણું બનાવી મુકયું હતું. ત્યાં ભેગા થયેલા નગરજનોમાં થોડીજ વારમાં નાસભાગ શરૂ થઇ હતી. પહેલાં તો તેમને કયાં જવું, અને શું કરવું એજ ન સમજાયું.

પરંતુ માહોલ વધુને વધુ બગડતો જોઇને લોકોમાં ડર ફેલાવો શરૂ થયો હતો. જોરથી વાતા પવનમાં ધૂળની ડમરીઓ ઉડવી શરૂ થઇ હતી અને તેનાં લીધે પરીસરમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું હતું. મોસમનો માહોલ જોતાં લાગતું હતું કે ભયંકર તોફાન આવશે. એવું તોફાન કે જે નગરવાસીઓએ તેમનાં જીવનમાં કયારેય નિહાળ્યું નહી હોય. આકાશમાં આંધીની માફક ઉમટી રહેલા વાદળોમાં થતી ભયાનક ગડગડાહટ, અને તેમાં વારેવારે તેજ લીસોટાની માફક ચમકતી વીજળીઓ....ચો-તરફ ભયાનક વેગે ફૂંકાતો પવન...એ પવનમાં જોરદાર રીતે વિંઝોળાતા વૃક્ષો અને દુર-દુરથી એકઠી થઇને આકાશમાં ઉંચે સુધી ચડતી ધુળની ડમરીઓનાં કારણે ટાઉનહોલનું પરીસર ભયની ગર્તામાં ધકેલાતું ગયું. લોકો અધ્ધર જીવે આમથી તેમ ભાગતા હતાં. મંડપ વચાળે પ્રજ્વલીત હવનની આગમાં ફુંકાતા પવનનાં કારણે જોરદાર ફફડાટી ઉદ્દભવતી હતી. જે લોકો પોતાનું વાહન લાવ્યા હતાં એ લોકોએ પોત-પોતાનાં વાહનો ભણી દોટ મુકી હતી અને તેમાં ગોઠવાઇને પોતાનાં ઘરભણી વાહનોને દોડાવી મુકયા હતાં. જે લોકો વાહનો નહોતા લાવ્યા અને પગપાળા આવ્યા હતા તેમણે ટાઉનહોલની વિશાળ બિલ્ડિંગની રુખ લીધી. ટાઉનહોલનો ગ્રાઉન્ડફલોર સામાન્યતહઃ હંમેશા ખાલી જ રહેતો હોય છે. આજે મૂર્તિઓનાં અનાવરણનો પ્રસંગ હતો એટલે તેમાં પ્રસંગને લગતો થોડોક સામાન મુકવામાં આવ્યો હતો તેમ છતાં એ હોલ લગભગ ખાલી જ હતો. લોકોએ કાચનો દરવાજો ખોલીને એ હોલમાં શરણું લીધું હતું. બહાર કરતા અહી થોડી શાંતિ વર્તાતી હતી.

જોત-જોતામાં ટાઉનહોલનું પરીસર સંપૂર્ણપણે ખાલી થઇ ગયું. વાતાવરણમાં છવાયેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ બન્યો હતો. એવું લાગતું હતું જાણે કાળનો વિકરાળ પંજો ચારે દિશાઓમાં ફેલાઇ ગયો હોય...

એવા સમયે....માત્ર બે વ્યક્તિ હતી જે આવી ભયાવહ પરિસ્થિતીમાં પણ સાવ સ્થિતપ્રજ્ઞની જેમ હજુપણ પરીસરનાં પગથીયા પાસે લોબીમાં ઉભી હતી. એ વ્યક્તિઓ દેવધર તપસ્વી અને શંકર મહારાજ હતાં. અહી સર્જાયેલી આંધીમાં પણ તેમનાં પીઢ ચહેરાઓ ઉપર સ્થિરતા છવાયેલી હતી. તેમની આંખોમાં એક મક્કમતા દેખાતી હતી.

“ શંકર...! મહારાજ...! તમે તૈયાર છોને....? ” દેવધર તપસ્વીનાં મોં માંથી શબ્દો સર્યા. તેમની આંખો દુર, ટાઉનહોલનાં પરીસરની પેલે પાર તકાયેલી હતી. વેગથી વાતા પવનમાં તેમણે પહેરેલા કપડા ફરફરી રહયા હતાં.

“ હું તૈયાર છું દેવધર...! પણ તને તો બીક નથી લાગતીને....? મેં જે કહયું એ યાદ છે ને...? ” શંકર મહારાજે દેવધરનો તેજસ્વી ચહેરો તાકતા પુછયું. તે બંને બૂઝુર્ગ આદમીઓ વચ્ચે હમણાં થોડીવાર પહેલાંજ ચર્ચા થઇ હતી. નગર ઉપર છવાયેલા અગોચર શક્તિઓનાં વિનાશક નાગચૂડ માંથી નગરવાસીઓને કેવી રીતે બચાવી શકાય તેનો એક વિચાર અનાયાસે જ શંકર મહારાજને સૂઝયો હતો અને તેમણે એ વિશે દેવધરને પુછયું હતું.

“ બીક શેની મહારાજ...! મૃત્યુનાં ભય આમ પણ મને કયારેય સતાવ્યો નથી....અને આ તો આપણાં જ બાળકો માટે કુરબાની આપવાની વાત છે. ઉલટાનું મને તો આનંદ થાય છેકે જે ગુનાહ આપણા વડવાઓએ કર્યો છે તેનું તર્પણ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું. ”

“ તો ચાલ ત્યારે....! આપણે લાઇબ્રેરીમાં જવું પડશે. ત્યાં અત્યારે કોઇ નહી હોય. નવનીતને પણ સાથે લેવો પડશે. એ શક્તિઓ સૌથી પહેલા આપણને જ શોધતી હશે. તેઓ નગરનાં સામાન્યજનને કંઇ નુકશાન પહોંચાડે એ પહેલા આપણે તેમનો સામનો કરવો જરૂરી છે...! પણ, આ નવનીત છે ક્યાં....? ”

“ તે અંદર ગયો. મેં તેને નીચેના હોલ તરફ જતો જોયો....”

“ ત્યાંથી તેને સાથે લેતાં જઇશું. ચાલ હવે, અહી ઉભા રહેવાથી કોઇ અર્થ નહિ સરે....” શંકર મહારાજે લોબીમાંથી ટાઉનહોલની બિલ્ડિંગ તરફ ડગલા ભર્યા. એક આછો નિસાસો નાંખીને દેવધર તપસ્વી તેને અનુસર્યા.

***

એ ધડી નજદીક આવી પહોંચી હતી જે ઘડીમાં ઇશ્વર પોતાનો ન્યાય તોળતો હોય. મનુષ્ય ભલે એમ સમજતો હોય કે તેનાં સાર-નરસા કર્મોનો હિસાબ તેનાં મૃત્યુ બાદ ઇશ્વરનાં દરબારમાં તોળાશે....! પરંતુ હકીકતમાં એવું કંઇજ થતું નથી. જે છે એ બધું અહીયાં જ ચુકવવું પડતું હોય છે. સ્વર્ગ-નરકની કલ્પનાથી પરે મનુષ્યને તેમનાં કર્મોનું ફળ આ ધરતી ઉપર જ ભોગવવું પડે છે. તે નહિ તો તેમની આવનારી પેઢઓ....આ સમયે નહિ તો આવનારા ભવિષ્યમાં....હમણાં નહિ તો કયારેક...પણ હિસાબ તો થાય જ છે. અહી, આ ધરતીની માટી ઉપર જ તમામ ગુનાઓ થાય છે, સારા કામો પણ થાય છે અને....એ તમામ કાર્યોનો હિસાબ પણ આ જ ધરતીની માટી ઉપર કરીને જવું પડતું હોય છે. ઘાત-પ્રતિઘાતનો નિયમ કુદરત સચોટ રીતે નિભાવતી રહે છે. તેમાં કોઇ દલીલ, કોઇ માફી, કોઇ ચાલાકી ચાલતી નથી. જેવું કરો....એવું જ ભરો....આ નિયમથી એક પણ મનુષ્ય બાકાત રહેતો નથી.

વિભુતીનગરમાં પણ એ જ નિયમ લાગુ પડયો હતો. દેવધર તપસ્વી અને શંકર મહારાજ આ બાબત સમજી ચુકયા હતાં. તેમનાં વડવાઓએ વર્ષો પહેલાં ભૂતકાળમાં એક જનધ્ય કૃત્ય આચર્યું હતું. માનવીય ઇતિહાસમાં એ કૃત્ય એક કાળી ટીલી સમાન હતું. નિર્દોષ મનુષ્યોથી ભરેલા એક જહાંજને તેમણે લૂંટયું હતું. ફક્ત લૂંટયું જ નહોતુ, એ જહાંજમાં સવાર એકેએક વ્યક્તિની ઠંડા કલેજે હત્યા તેઓએ કરી નાંખી હતી અને પછી જહાંજને આખેઆખું સળગાવી માર્યું હતું. ખૂબજ બર્બરતાપૂર્વક એ ખેલ ખેલાયો હતો. જહાંજમાં સવાર પુરુષો, સ્ત્રીઓ, નાના બાળકો સુધ્ધાનું નામો-નિશાન કૃરતાપૂર્વક મિટાવી દેવામાં આવ્યું ત્યારે કદાચ ઇશ્વર પણ ચોધાર આંસૂડે રડી પડયો હશે. ચંદ સોના-ચાંદીનાં સિક્કા, ઝવેરાતની લાલચે અસંખ્ય માનવીઓનાં જીવનદીપ બુઝાવી દેવામાં આવ્યા હતા. જહાંજનાં કપ્તાન વિલીમર ડેન અને તેની વહાલી પત્ની એલીઝાબેથ ડેન પણ એ હોનારતમાં માર્યા ગયા હતા. પોતાના દેશ....પોતાની ભૂમી....” સોલોમન ટાપુ ” ઉપર ફેલાયેલા ભયંકર રોગચાળાથી બચવા એ લોકો સમગ્ર ટાપુ ખાલી કરીને નવી દિશા, નવા દેશની તલાશમાં તેઓ સમુદ્રની સફરે નીકળી પડયા હતાં. પરંતુ....ભારતનાં પૂર્વ કાંઠે તેમને શું મળ્યું....? ભયાનક અને બર્બરતાની પરાકાષ્ઠા સમાન મોત. એટલું ભયાવહ મોત કે જેણે કુદરતને પણ તેની નોંધ લેવા મજબુર કરી હતી અને તેનાં પ્રત્યાઘાત રૂપે આજે દોઢસો વર્ષ પછી તેઓ પોતાનો બદલો લેવા પાછા ફર્યા હતાં.

દોઢસો-દોઢસો વર્ષ એ આત્માઓએ બદલો વાળવાની રાહ જોઇ હતી. કદાચ હજુપણ ઘણા વર્ષો વીતી શક્યા હોત. પરંતુ....એક દિવસ નગરમાં એકાએક એક નિર્ણય લેવાયો. એ નિર્ણયે, એ દિવસે.....એ ઘડીએ નગરની તકદીર બદલી નાંખી હતી. નગરનાં સેક્રેટરી શ્રી નવનીતભાઇ ચૌહાણનાં મનમાં એક વિચાર જનમ્યો, એ વિચારને તેમણે નગરનાં ટ્રસ્ટીઓ સમક્ષ રમતો મુકયો. નવનીતભાઇએ વિભૂતીનગરની પાયાની ઇંટો મુકનાર નગરનાં સંસ્થાપકોને તેમનું યોગ્ય માન-સન્માન મળી રહે, તેમનું નામ હંમેશનાં માટે ઇતીહાસમાં અમર થઇ જાય એ માટે નગરનાં જે ચાર મુખ્ય પરીવારો હતાં તેમનાં વડવાઓની મૂર્તિઓ બનાવડાવી નગરનાં ટાઉનહોલમાં ભારે દબદબાભેર ઉજવણી કરી પ્રતિષ્ઠાન કરવાનો નિર્ણય હતો. આ ચાર પરીવારમાંનો એક પરીવાર તેમનો પોતાનો પણ હતો. ભૂપત ચૌહાણ નવનીતભાઇનાં દાદા થતા હતા એટલે તેમને પોતાનાં પરીવારનું નામ નગરનાં ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે લખાવડાવવાની મહેચ્છાઓ જન્મી હતી. એક ખ્વાહિશ ઉદ્દભવી હતી કે તેમનો ચૌહાણ પરીવાર ઇતિહાસનાં પન્નાઓમાં અમર થઇ જાય. વર્ષોનાં વર્ષો સુધી લોકો તેમનાં ચૌહાણ પરીવારનાં યોગદાનને યાદ કરતા રહે અને નગરમાં પ્રસ્થાપીત થયેલી મૂર્તિઓને અભિભૂત બનીને નમન કરતા રહે....

તેમની એ મહેચ્છાઓ તો ઠીક હતી પરંતુ તેનું પરિણામ અવળું આવ્યું હતું. જે શક્તિઓ અત્યાર સુધી સુષુપ્ત અવસ્થામાં પડી હતી એ શક્તિઓને અજાણતાંજ નવનીતભાઇનાં એક નિર્ણયે પલીતો ચાંપ્યો હતો અને જંગલમાં અચાનક સળગી ઉઠતાં કોઇ દાવાનળની માફક એ શક્તિઓ સજીવન થઇ નગર ઉપર ત્રાટકી હતી.

વિલીમર અને તેની પત્ની એલીઝાબેથ સાથે જીવતા સળગી મરનાર “ એલીઝાબેથ ડેન” નામનાં જહાંજનાં મુસાફરોનાં જીવ અવગતે ગયાં હતાં. તેમને ન તો સ્વર્ગમાં જગ્યા મળી હતી ન તો નરકમાં... પ્રતિશોધની ભયાનક જ્વાળઓએ તેમને પ્રેત યોનીમાં સડવા મજબુર કર્યા હતાં....પરંતુ તેઓ બધા સીધા-સાદા સામાન્ય જીવન જીવનારા માણસો હતાં. પ્રેત યોનીમાં વર્ષો સુધી ભટકવા છતા કયારેય તેમણે વિભૂતીનગર અને તેનાં નિર્દોષ રહેવાસીઓને રંજાડયા નહોતાં.

પરંતુ....જ્યારે તેમનાં જ કાતિલોને નગરમાં ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠાનાં રૂપમાં અભૂતમૂર્વ માન-સન્માનથી નવાજવાનું નક્કી થયું ત્યારે વિલિમર ડેન અને તેનાં સાથીઓનો ગુસ્સો ભભૂકી ઉઠયો હતો. આ આયોજન કોઇ કાળે તેમને મંજુર થાય તેમ નહોતું અને એટલેજ તેમનાં ક્રોધની જ્વાળઓમાં નગર સળગી ઉઠયું હતું. નગરમાં જે અનહોની ઘટનાઓનો સીલસીલો શરૂ થયો હતો તે એ દિવસ બાદથી વણથંભ્યો એકધારો સતત આજ સુધી ચાલુ રહયો હતો.

આજે....મૂર્તિઓની પ્રણ-પ્રતિષ્ઠાનો દિવસ હતો. કદાચ આજનો દિવસ નગરનો આખરી દિવસ બની રહેવાનો હતો.

***

રોશન પટેલે કારને ટાઉનહોલનાં ખુલ્લા પાર્કિંગ એરીયામાં લીધી ત્યારે ત્યાં ભયંકર વાવાઝોડું ફૂંકાઇ રહયું હતું. તે આભો બનીને તાકી રહયો. ઘડીક તો વિચાર આવ્યો કે તે અહીથી પાછો ફરી જાય....પરંતુ તેની સાથે માર્ગીનાં પિતા પિટર ડિકોસ્ટા પણ હતાં એટલે કમને પણ ગાડી બંધ કરીને તે નીચે ઉતર્યો. કારમાંથી બહાર નીકળ્યા બાદ તેને જોરથી ફૂંકાતા પવનની ભયાનક આંધીનો અંદાજ આવ્યો. તેનું ભારેખમ શરીર પણ સૂસવાટા મારતા પવનમાં સ્થિર ઉભુ રહી શકતું નહોતું. અહી ઉભુ રહેવું ખતરાથી ખાલી નથી એ તેને બહુ જલદી સમજાયું હતું અને ઝડપથી દોડીને તે કારની બીજી તરફ પહોંચ્યો હતો. એ સાઇડનો દરવાજો ખોલીને તેણે બુઢ્ઢા પિટર ડિકોસ્ટાને સંભાળીને નીચે ઉતાર્યા અને ઝડપથી ચાલતા તેઓ ટાઉનહોલનાં પરીસરમાં થઇ મુખ્ય બિલ્ડિંગનાં ગ્રાઉન્ડ ફલોર સુધી આવ્યાં..

***

લાઇબ્રેરીનાં દરવાજે તાળું હતું. દેવધર તપસ્વી, શંકર મહારાજ અને નગરનાં સેક્રેટરી નવનીતભાઇ ચૌહાણ ટાઉનહોલનાં ગ્રાઉન્ડ ફ્લોરથી પગથીયા ચઢી પહેલાં મજલે બનેલી લાઇબ્રેરી સુધી આવ્યા હતા. પહેલા મજલે....લાઇબ્રેરીનાં વિશાળ દરવાજા બહાર....મોટા ઝરુખા જેવી અગાશી છુટતી હતી. એ અગાશીમાં અત્યારે સુનકાર વ્યાપેલો હતો. ભારે પવન સાથે ઉડતી ધૂળની ડમરીઓ નીચે જમીન પરથી ઉંચકાઇને આ અગાશીમાં ઠલવાઇ રહી હતી.

“ નવનીત....ચાવી....! ” મહારાજે તેની બરાબર પાછળ ઉભેલા નવનીત ચૌહાણ તરફ હાથ લંબાવ્યા. તેમને ખબર હતી કે નગરનાં સેક્રેટરી હોવાનાં નાતે નવનીત ટાઇનહોલનાં દરેક કમરાની ચાવીઓ તેની સાથેજ રાખતો હશે. નવનીતભાઇએ તેમણે પહેરેલા કોટનાં ખિસ્સામાંથી ચાવીઓનો ઝૂડો કાઢી, તેમાંથી એક ચાવી શોધી....શંકર મહારાજને ઝૂડા સહીત ચાવી પકડાવી. મહારાજે એ ચાવીથી તાળુ ખોલ્યું અને ત્રણેય લાઇબ્રેરીવાળા ખંડમાં પ્રવેશ્યાં.

***

રોડ ઉપર પથરાયેલા ધૂળીયા ધુમ્મસભર્યા ઘટ્ટ વાદળોનાં જથ્થાને ચીરતી જીપ નગરનાં ટાઉનહોલનાં રસ્તે ભાગતી હતી. ઇન્સ.જયસીંહ રાઠોડ ચાહવા છતાં પોતાનાં સ્ટિયરીંગ પકડેલા હાથની ધ્રુજારી છૂપાવી શકતો નહોતો. અહી જે ઘટનાઓ આકાર પામી રહી હતી એ તેની અને જીપમાં સવાર તમામ વ્યક્તિઓ માટે કલ્પનાતીત હતી. તમામનાં મનમાં હવે પછી શું થશે એની અનિશ્ચિતતા રમતી હતી. એકમાત્ર ઇશાન હતો જે આ ઘટનાઓ પાછળનાં મૂળ કારણ વિશે સ્પષ્ટતાથી કંઇક જાણતો હતો. જો કે જાણવા છતાં તે કંઇ કરી શકે તેમ નહોતો, કારણકે સામનો કરવો હોય તો ઇન્સાનનો થઇ શકે, અગોચર વિશ્વમાં ભ્રમણ કરતી શક્તિઓનો સામનો કેવી રીતે થાય....?

ટાઉનહોલવાળા ચાર રસ્તાઓનું ક્રોસિંગ વટાવીને જયસીંહે જીપને સીધીજ ટાઉનહોલનાં પાર્કિંગમાં લીધી અને હમણાં થોડીવાર પહેલાં અહીં પહોંચેલા પિટર ડિકોસ્ટાની કારની બાજુમાં જીપને લાવીને થોભાવી. ધડાધડ કરતા બધા નીચે ઉતર્યા અને ભારે પવનનાં વાવાઝોડાથી બચતા બધા પરીસર વટાવી ટાઉનહોલનાં ગ્રાઉન્ડ ફલોરવાળા હોલમાં કાચનો દરવાજો ધકેલીને અંદર પ્રવેશ્યાં.

ગ્રાઉન્ડ ફલોરનાં હોલમાં ઘણા નગરજનોએ વાવાઝોડાથી બચવા આશરો લીધો હતો. મોટાભાગનાં લોકો અહી એકાએક સર્જાયેલા ભયાવહ માહોલ જોતાં પોત-પોતાનાં ઘર ભણી પોબારા ગણી ગયા હતાં. જે વધ્યા-ઘટયા લોકો બાકી બચ્યા હતા તેઓ આ હોલમાં ઘુસી ગયા હતાં. તેઓને વાવાઝોડુ ખતમ થવાનો ઇન્તેજાર હતો જેથી તેઓ પણ પોતાના ઘરે જઇ શકે. ભયાનક ગતીથી વાતા પવનોમાં પરિસરની વચ્ચે બાંધેલો મંડપ તો કયારનો ધરાશાયી થઇ ગયો હતો, એટલે પરિસ્થિતી જોતાં હવે મૂર્તિઓનાં અનાવરણનો પોગ્રામ આજનાં દિવસ પૂરતો તો રદ્દ કરવો પડે તેમ જ હતો એટલે હવે એ લોકોને અહીં રોકાવાનો કોઇ મતલબ પણ નહોતો.

સૌથી પહેલા જયસીંહ અંદર ઘુસ્યો. તેની પાછળ મોન્ટુને તેડીને આંચલ આવી અને છેલ્લે એલીઝાબેથનો હાથ પકડી ઇશાન હોલમાં દાખલ થયો. અંદર દાખલ થતાં વેંત ઇશાને એક નજરમાં આખા હોલને આવરી લીધો અને તેની નજર એક ખૂણામાં ઉભેલા રોશન પટેલ ઉપર સ્થિર થઇ. રોશનની સાથે બીજું પણ કોઇક હતું એ ઇશાને જોયું. તે પિટર ડિકોસ્ટા હતો જેનો થોડીવાર બાદ ખ્યાલ આવ્યો હતો. ઇશાને રોશન પટેલને જોયો હતો બરાબર એજ ક્ષણે રોશનનું ધ્યાન પણ હોલમાં દાખલ થતા ઇશાન તરફ ખેંચાયું હતું. અને....બધુ મુકીને તે જાડીયો ઇશાન તરફ દોડયો હતો. ધસમસતો, કોઇ ગાંડા હાથીની માફક જ દોડતો આવીને તે ઇશાનને વળગી પડયો.

“ અરે...અરે....! ” ઇશાન કંઇ સમજે એ પહેલાં તો રોશન પટેલનાં ભારેખમ શરીરનાં ધક્કાથી તે થોડો પાછળ ધકેલાયો, તેનાં હાથમાંથી એલીઝાબેથનો હાથ છૂટી ગયો. “ રોશન....! કયાં હતો તું....? ” તેણે પોતાનાં બાળપણનાં દોસ્તને પોતાની બાંહુમાં ભીંસી લીધો. રોશનને સહી-સલામત જોઇને તેને ભારે રાહત ઉદ્દભવી.

“ હું ગભરાઇ ગયો હતો...એટલે માર્ગીનાં ઘરે, તેનાં પપ્પા પાસે ચાલ્યો ગયો હતો. ” સજળ નયને જાડીયો બોલ્યો. આ વાર્તાલાપ ચાલતો હતો એ દરમ્યાન જયસીંહ, આંચલ અને એલીઝાબેથ તે બંનેની નજીક વિંટળાઇને ઉભા રહી ગયા હતા. ઇશાને રોશનને પોતાની બાંહોમાંથી મુક્ત કર્યો.

“ તારે ભાગવાની જરૂર નહોતી. હું તને મળવા હોસ્પિટલે આવ્યો હતો. મારી પાસે તારી બેગુનાહીનાં સબૂત હતાં પરંતુ એ પહેલાં તો તું ત્યાંથી ભાગી ચૂકયો હતો.....” જયસીંહે રોશન પટેલનાં ખભે હાથ મુકતાં કહયું.

“ હું ખરેખર ગભરાઇ ગયો હતો. મેં મારી સગ્ગી આંખોએ “ જલપરી ” માં મારા મિત્રોનાં મોત થતાં નિહાળ્યા હતાં. એ મોતનો ઇલ્ઝામ મારી ઉપર આવ્યો એટલે હું ધરબાઇ ગયો હતો. ” રોશન તેની આંખોમાં ઉભરાતા આંસું લુંછતો રહયો.

“ હવે તારે ગભરાવાની જરૂર નથી. તારી વાત ન માનીને મેં ઘણી મોટી ભૂલ કરી હતી. તારી જેમ મેં પણ મારી આંખોએ જ્યારે નગરની ભયાવહ ઘટનાઓ નિહાળી ત્યારે મને તારી વાતો ઉપર વિશ્વાસ થયો. “

“ પણ....આ બધુ શું કામ થાય છે...? આ છે કઇ બલા...? ”

“ એ હું તને નિરાંતે સમજાવીશ. બહું લાંબી કહાની છે તેની, પણ પહેલા આપણે મારા દાદાને શોધવા પડશે. મને તેમની સખત ચિંતા થાય છે....” ઇશાન બોલ્યો.

“ મેં હમણાંજ તેમને ઉપર જતાં જોયાં. કદાચ તેઓ લાઇબ્રેરીવાળા ખંડ તરફ ગયાં હશે. તેમની સાથે શંકર મહારાજ અને નવનીતભાઇ પણ હતાં. ” રોશન એકાએક બોલી ઉઠયો.

“ વોટ....? યુ મીન કે દાદા ઉપર છે....? ” ઇશાને આશ્ચર્ય ઉછાળ્યું, અને તે દોડયો. તેનાં હ્રદયનાં ધબકારા અસીમીત રીતે તેજ ગતીથી ધબકવા લાગ્યા હતાં. તેનાં માટે તેનાં દાદા જ અત્યારે સર્વસ્વ હતા, અને તે જાણતો હતો કે તેમનો જીવ જોખમમાં હતો. દોડતો તે ઉપર તરફ જતી સીડીનાં પગથીયા ચડયો. પણ...એક ભૂલ તેણે કરી નાંખી...

એલીઝાબેથને તેણે નીચે જ રહેવા દીધી. ખરેખર તેણે તેને સાથે લઇ જવાની જરૂર હતી.

( ક્રમશઃ )