નગર - 43 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 43

નગર-૪૩

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન વિલીમર ડેનનાં હાથમાંથી છટકી જાય છે....ટાઉનહોલનાં પરીસરમાં મૂર્તિઓનું અનાવરણ થવાને હવે થોડો સમય શેષ છે...ઇન્સ.જયસીંહ અને ઇશાનની જીપો એક-બીજાની સામ-સામે દોડી રહી છે અને એ રોડની વચ્ચે આંચલની કાર બંધ હાલતમાં પડી છે...હવે આગળ વાંચો...)

સૌથી પહેલા એલીઝાબેથે રોડની વચ્ચો-વચ ઉભેલી કાર જોઇ અને તેના હદયમાં ધ્રાસકો પડયો. એકજ ક્ષણમાં તેને પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. “ ઇશાન...સ્ટોપ....! ” તે ચિલ્લાઇ ઉઠી અને સાથો-સાથ સખ્તાઇથી તેણે જીપનાં ડેશબોર્ડ પર પોતાનાં બંને હાથ ટેકવી દીધા. તેનો શ્વાસ અધ્ધર થઇ ગયો હતો. જે સ્પીડથી ઇશાન જીપ ચલાવી રહયો હતો એટલી સ્પીડમાં તુરંત તો જીપ રોકાવી શક્ય નહોતી. કાર અને જીપ વચ્ચે ટક્કર થશે જ, એ નક્કી હતું. તેનું હ્રદય ભયાનક વેગે ધડકવા લાગ્યું હતું અને આપોઆપ તેની આંખો બંધ થઇ હતી.

એલીઝાબેથે બુમ પાડી તેની જસ્ટ, બે-સેકન્ડ પહેલાં જ ઇશાને પણ એ કારને ભાળી હતી. ધુમ્મસનાં આવરણ હેઠળ સાવ નજીક પહોંચ્યા બાદ તેને કાર દેખાઇ હતી અને તેનાં હ્રદયમાં થડકો ઉદ્દભવ્યો. તે પોતે કંઇ વિચારે, કંઇક એકશન લેવાનું નક્કી કરે એ પહેલા તો તેનાં શરીરની સ્વાભાવિક રિએક્શન સિસ્ટમ પ્રમાણે તેનો પગ સખ્તાઇથી જીપની બ્રેક ઉપર દબાઇ ગયો હતો. ભયાનક ચીચૂડાટ બોલાવતાં જીપનાં ટાયરો રોડ સાથે ઘસાયા....અને જોરદાર બ્રેક લાગવા છતાં જીપ રોડ ઉપર ટાયરનાં લીસોટા પાડતી ઢસડાઇ. એક ક્ષણનાં ચોથા ભાગમાં એ બન્યું હતું. ઇશાને સખ્તાઇથી જીપનું સ્ટીયરીંગ પોતાનાં બંને હાથે પકડી રાખ્યું અને લગભગ તે બ્રેક ઉપર ચડી બેઠો. એક જોરદાર ધક્કો આગળની તરફ લાગ્યો અને જીપની પાછલી સીટ ઉપર સુતેલો મોન્ટુ આગળ તરફ લસરી પડયો. તે આગળની સીટ વચ્ચેની ખાલી જગ્યામાં ખાબકયો. તેનું માથું ઇશાનવાળી સીટની પાછળનાં ભાગે જોરદાર રીતે ટકરાયું અને તેનાં કપાળે લોહી નીકળવા લાગ્યું.

પરંતુ, ત્યાં સુધીમાં ઘણુ મોડું થઇ ચૂકયુ હતું. ઇશાનની લાખ કોશીષો કરવા છતાં તેની જીપ એક ભયાનક ધડાકાથી કાર સાથે અથડાઇ પડી. ટૂ-વે રોડની સામેની બાજુ, રોડની અધ-વચાળે ઉભેલી કાર સાથે ઇશાનની જીપનો જમણો ભાગ ભયાનક વેગથી અથડાયો. પોતાના બન્ને હાથે સખ્તાઇથી સ્ટિયરીંગ પકડીને બેસેલા ઇશાનને એક જોરદાર થડકો લાગ્યો. અને એ ઝટકા સાથે તેનો પગ જીપની બ્રેક ઉપરથી ઉખડયો... તેનાથી જીપ એક તફર ફંટાઇ અને જીપને ગતી મળી. તેની જીપની જમણી હેડલાઇટ્સનો કાચ ધડાકા સાથે તૂટયો હતો અને એ તરફનું વ્હીલ હવામાં અધ્ધર ઉંચકાયું હતું. ઇશાન હજુ કંઇ સમજે, કંઇક સંભાળે, જીપને કાબુમાં લેવાની કોશીષ કરે એ પહેલા તો જીપ જમણી બાજુથી ઉંચી થઇ હતી અને ડાબા પડખે ત્રાંસી થઇ એ તરફ ધડાકાભેર રોડ ઉપર પછડાઇ. ઇશાન, એલીઝાબેથ કે મોન્ટુ....ત્રણમાંથી એક-પણને સંભળવાનો, સમજવાનો સહેજે મોકો મળ્યો નહી. જીપ આડા પડખે ખાબકી રોડ ઉપર ઢસડાતી ગઇ. ક્ષણનાં ચોથા ભાગની પળે એ ઘટના બની ગઇ. અદ્દલ ફિલ્મોમાં દર્શાવાતા કોઇ એકશન સીન જેવું એ દ્રશ્ય હતું. આંચલની કાર સાથે જીપનાં બોનેટનો જમણો ભાગ એક ધડાકા સાથે અથડાયો હતો અને એ તરફથી જીપ હવામાં ઉંચકાઇ, હવામાં જ ગુલાટી ખાઇને ડાબા પડખે રોડ ઉપર આડી પડી ગઇ હતી...અને તેજ ગતીનાં કારણે જીપ રોડ ઉપર સો-એક મીટર સુધી ઢસડાઇ હતી. જીપમાં એ તરફનાં પડખે એલીઝાબેથ બેઠી હતી. જીપ ઉલટવાથી તેનાં શરીરનો ડાબો ભાગ એક ધક્કાથી જીપનાં દરવા સાથે અથડાયો હતો અને તેના ગળામાંથી ચીખ નીકળી ગઇ. તેનું શરીર કોઇ ઘઉં ભરેલી ગુણની જેમજ ડાબી તરફ સરકયું હતુ અને તે જીપ સાથે ઢસડાઇ રહી હતી. ગનીમત એ હતું કે તેની અને ડામરનાં ખરબચડા રોડ વચ્ચે જીપનું બંધ બારણું હતું, નહિતર રોડ સાથે તેનું સુંવાળું શરીર ઘસડાયુ હોત અને તેની સુંવાળી ચામડીનાં છોતરા નીકળી ગયા હોત. જીપ ઢસડાઇને ખામોશ થઇ ત્યારે તેનાં માથામાં ઝટકા વાગતા હતાં. તેની આંખો સમક્ષ અંધારુ છવાયું હોય એવું લાગતું હતું. એકાદ મિનિટ તો તે એમજ પડી રહી અને પછી તેણે ઇશાનની દિશામાં નજર કરી. એ સાથે જ તેનું મોં ખૂલ્યું.

ઇશાન તેની ઉપર ઝંળુબી રહયો હતો....હાં, તે રીતસરનો તેની ઉપર ઝંળુબી જ રહયો હતો.....અને એ પણ તેણે પહેરેલા સીટ બેલ્ટનાં સહારે....! જો ઇશાને સીટબેલ્ટ બાંધ્યો ન હોત તો અત્યારે ચોક્કસ તે તેની ઉપર ખાબક્યો હોત, અને ત્યારે તેની શું હાલત થઇ હોત એ તે વિચારી પણ શકતી નહોતી. ઇશાનની આંખો ખુલ્લી હતી, અને સ્થિર થઇને તે હવામાં લટકી રહયો હતો. એલીઝાબેથને ફડકો પડયો, કયાંક તે... ? ઓહ, નહિ...નહિ... ! હું એવું વિચારી પણ કેમ શકું....! તે પોતાની જગ્યાએથી ચસકી પણ શકે તેમ નહોતી. આડા પડયા-પડયા જ તેણે પોતાનો હાથ ઇશાન તરફ લંબાવ્યો અને તેને ઢંઢોળ્યો.

“ ઇશાન...ઇશાન....! આર યુ ઓ. કે...? ” તેણે તેનો ખભો હલબલાવ્યો. એ સ્પર્શથી ઇશાન થોડો સળવળ્યો એટલે એલીઝાબેથને “ હાશ ” થઇ.

બરાબર એ સમયે જ બહાર એક ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો. એ શેનો અવાજ હતો એ બેમાંથી કોઇ સમજી શકયું નહી. ચોક્કસ બીજું કોઇક પણ બંધ પડેલી એ કાર સાથે ભટકાયું હતુ એટલું તો નક્કી હતું.

અને....ખરેખર એવું જ બન્યું પણ હતું. જેનો ખ્યાલ થોડીવાર પછી તેમને આવ્યો હતો. ઇન્સ.જયસીંહ તેની માંદલી લાઇટોનાં સહારે સાવધાનીથી કોહરાનાં વાદળો વચ્ચેથી જીપ ચલાવતો નગર ભણી આવી રહયો હતો. તેને ઇશાનને મળવાની ભારે ઉતાવળ હતી, તેમ છતાં રસ્તા ઉપર અચાનક છવાયેલા ધુમ્મસીયા કોહરામાં તેને જીપ ભગાવવી મુશ્કેલ થઇ રહી હતી. રખેને કોઇની સાથે ભટકાઇ જવાય તો...? એ ડરનાં કારણે તે સાવધાની વર્તતો જીપ ચલાવતો હતો. કોહરાની ચાદર એટલી તો ઘટ્ટ બની હતી કે જીપનાં બોનેટથી આગળ બે-ફુટ દુરનું દ્રશ્ય પણ તેને દેખાતું નહોતું. હેડલાઇટોનાં પીળા શેરડાઓમાં આંખો ફાડી-ફાડીને તે રસ્તા ઉપર તાકી રહયો હતો. પરંતુ....સાવ છેલ્લી ઘડીએ તેને રસ્તાની વચ્ચે પાર્ક થયેલી કારની બેક-લાઇટો દેખાઇ હતી. એ શું છે....? એની કંઇ સમજણ પડે એ પહેલા તો જીપ કારની બિલકુલ નજદી પહોંચી ગઇ હતી. “ હે ભગવાન....” અનાયાસે જ તેનાથી બોલી જવાયું અને ઝડપથી તેણે જીપનું સ્યરીંગ પોતાની ડાબી બાજુ પુરા ફોર્સથી ઘુમડયું. જીપ અને કાર વચ્ચે માત્ર ચાર-પાંચ ફુટનું અંતર જ બાકી રહયું હશે અને જયસીંહે જીપને ડાબી તરફ ઘુમાવી હતી. તેનાં જીગરમાં એક ક્ષણ માંટે થડકો પેસી ગયો હતો. તેની ભરપુર કોશિષ છતાં જીપનું બોનેટ કારનાં પાછલા ડિક્કીનાં હિસ્સા સાથે ટકરાઇ પડયું. “ ધડામ....” એક અવાજ થયો અને જીપ ખચકાઇને રોડની સાઇડમાં ઉતરીને ઉભી રહી ગઇ. ગનીમત એ હતું કે તેની જીપની સ્પીડ સાવ ઓછી હતી એટલે તે બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર ન થઇ અને ખખડીને જીપ ઉભી રહી ગઇ.

“ કોણ છે એ હરામખોર....! ” ભારે ગુસ્સાથી ધમધમતો જયસીંહ જીપમાંથી નીચે ઉતર્યો અને કાર ચાલ્યો. આમ રોડની અધવચ્ચે કાર પાર્ક કરવાવાળી વ્યક્તિ ઉપર તેને કાળઝાળ ગુસ્સો ચડતો હતો. કાર ચાલકને બરાબરનો પાઠ ભણાવવાનાં ઇરાદા સાથે જ તે કારની ડ્રાઇવિંગ સીટે પહોંચ્યો અને ગુસ્સામાં જ તેણે દરવાજાનું હેન્ડલ ખેંચ્યું. બરાબર એ સમયે તેનાં ધ્યાનમાં આવ્યું હતું કે કાર કંઇક વિચિત્ર પોઝીશનમાં રસ્તા ઉપર ત્રાંસી થઇને ઉભી હતી અને તેનાં આગલા ભાગનો કચ્ચરઘાણ નીકળી ચુક્યો હતો.

“ ઓહ ગોડ...આંચલ...! ” હજુ તે કારની સ્થિતીને નીરખે એ પહેલા તેનાં ગળામાંથી શબ્દો સર્યા. કારની ડ્રાઇવિંગ સીટ ઉપર આંચલને જોઇને તે આભો બની ગયો. અધખૂલ્લા દરવાની અંદર માથુ ઘુસાડીને તેણે આંચલને નીરખી. તે બેહોશ હતી. આંચલને આવી હાલતમાં જોઇને તે આશ્ચર્યચકિત થયો હતો. “ આંચલ....આંચલ....” પોતાનાં બંને હાથોથી તેણે આંચલનાં ગાલ થપથપાવ્યા અને તેને ભાનમાં લાવવાની કોશિષ કરી. તેને સમજાતુ નહોતુ કે ખરેખર અહી શું બન્યું હશે....?

“ આહ...! ” અચાનક આંચલનનાં મોં માંથી એક આહ નીકળી અને પછી ધીરેથી તેણે આંખો ખોલી. આંખો ખુલતાં જ તેણે પોતાનાં ચહેરા ઉપર એક ચહેરો ઝળુંબતો જોયો અને બેતહાશા ડરનાં માર્યા તેનાં ગળામાંથી ચીખોની શૃંખલા નીકળવા લાગી. તેને એમ જ લાગ્યું કે કારમાં જે પ્રેતાત્મા પ્રગટ થયો હતો એ પ્રેતાત્મા હજુપણ ત્યાં જ છે. તેની ચીખોથી ઇન્સ.જયસીંહ છળી ઉઠયો અને ઝડપથી તેણે પોતાનું ડોકુ બહાર ખેંચી લીધુ.

“ આંચલ....આંચલ.....! હું જયસીંહ ...ઇન્સ.જયસીંહ છું. પ્લીઝ....કમ ડાઉન...... ” જયસીંહ બોલ્યો. હજુ તે આંચલને કંઇ સમજાવે એ સમયે જ તેને પોતાની પીઠ પાછળ કંઇક ખટખટાહટ સંભળાયો. તે શેનો અવાજ હતો એ જોવા તે ટટ્ટાર ઉભો થયો અને પાછળ ફર્યો. ધુમ્મસનાં ઘેરા આવરણમાં તેને પહેલાં તો કંઇ દેખાયું નહી. અવાજ ઘણે દુરથી આવતો હોય એવું લાગ્યું. એ સમય દરમ્યાન આંચલ થોડી સ્વસ્થ થઇ હતી. તેની આંખોમાં હજુપણ ડરનો ઓછાયો તરવરતો હતો. ચળક-વળક થતી નજરોથી તેણે પોતાની આસ-પાસ જોયું અને સીટબેલ્ટ ખોલી ઝડપથી તે કારની બહાર નીકળી આવી. તેણે પોતાની નજીક જયસીહને ઉભેલો જોયો.

“ ઓહ ગોડ...જયસીંહ...તમે છો.... !” ઇન્સ.જયસીંહને અહી જોઇને તેની આંખોમાં આંસું તગતગ્યા.

“ શીસસ્ ....” આંચલ વધુ કંઇ બોલે એ પહેલા જયસીંહે હોઠ ઉપર આંગળી મુકીને તેને શાંત રહેવાનો ઇશારો કર્યો. ગહેરા અંધકાર મઢયા રસ્તા ઉપર તે ધ્યાન પૂર્વક કંઇક સાંભળવાની કોશીષ કરતો હતો. એ તરફ કોઇ હતું એવો ભાસ તેને થતો હતો.

***

ઇશાન કયારનો તેનાં સીટબેલ્ટને ખોલવાની મથામણ કરતો હતો. તે એ સીટબેલ્ટનાં આધારે જ હવામાં લટકતો હતો. તેનું સમગ્ર વજન સીટબેલ્ટ ઉપર હતું એટલે તેનાં પટ્ટામાં જડેલું બક્કલ ટાઇટ થઇ ગયુ હતુ અને કોઇ રીતે ખુલતું નહોતું. ડ્રાઇવિંગ સીટ ઉપર ઉંધા લટકતા રહીને જ તેણે પોતાનાં બંને પગ જીપનાં સ્ટીયરીંગમાં ફસાવી દીધા, જેથી બેલ્ટ ખુલતા તે નીચે....એલીઝાબેથ ઉપર ન પડે. આખરે ભારે જહેમતનાં અંતે સીટબેલ્ટનું બક્કલ ખોલવામાં તે સફળ થયો હતો અને એ તરફનાં દરવાજાનું હેન્ડલ પકડી તેણે દરવાજાનાં લોક ની ઠેસી ખોલી દરવાજો બહાર તરફ ધકેલી ખોલી નાંખ્યો. ત્યારબાદ તેણે પોતાનાં સમગ્ર શરીરનું વજન બંને હાથ ઉપર નાખ્યું અને સરકસમાં કલાબાજી કરતા કોઇ કલાકારની માફક તે જીપમાંથી બહાર નીકળી આવ્યો.

હવે તે જીપની ઉપર હતો. ડાબા પડખે આડી પડેલી જીપમાં અંદર, નીચે એલીઝાબેથ દેખાતી હતી. ઇશાને વાંકાવળીને અંદર હાથ લંબાવ્યો અને....એલીઝાબેથને બહાર ખેંચી લીધી. પછી તેણે મોન્ટુને પણ બહાર કાઢયો. મોન્ટુ તો કયારનો બઘવાઇને ખામોશ થઇ ગયો હતો. તેનાં નાનકડાં મનમાં કોણ જાણે શું ચાલતું હતું....કદાચ ભયાનક ડરનાં કારણે તે શૂન્યમસ્તક થઇ ગયો હતો.

“ ચાલો અહીથી... ” ઇશાને એલીઝાબેથ અને મોન્ટુનો હાથ પકડયો અને જે કારની સાથે તેમની જીપ ટકરાઇ હતી એ તરફ તેઓ ચાલ્યા. હજુ થોડું જ ચાલ્યા હશે કે....સામેથી કોઇ આવતું દેખાયું. કોહરાનાં વાદળો વચ્ચે બે ધુંધળી માનવ આકૃતિઓ તેમની તરફ આવી રહી હતી. ઇશાન ચોંકીને ઉભો રહી ગયો. કોણ હશે એ....? તે સતર્ક બન્યો. પેલા બે માનવ ઓળા વધુ નજીક આવ્યા અને...એકાએક મોન્ટુમાં જીવ આવ્યો હોય એમ તે દોડયો. ઇશાન તેને જુએ, તેને રોકે, એ પહેલાં તો મોન્ટુએ દોટ મુકી હતી અને એ આકૃતિઓની સાવ નજીક જઇને તે ઉભો રહયો. ઇશાન અને એલીઝાબેથ પણ મોન્ટુની પાછળ દોડયા.

“ દીદી....” મોન્ટુએ બુમ પાડી અને દોડતો જઇને આંચલને વળગી પડયો. ગાઢ ધુમ્મસમાં ચાલ્યા આવતા પેલા બે ઓળા બીજુ કોઇ નહી પરંતુ આંચલ અને ઇન્સ.જયસીંહ રાઠોડ હતાં. હજુ હમણાં જ જયસીંહે આ તરફ કંઇક અવાજ સાંભળ્યો હતો અને આંચલને સાથે લઇને તે આગળ વધ્યો હતો. ઇશાનની જેમ તેણે પણ અંધકાર મઢયા ધુમ્મસીયા વાતાવરણની અંદર કોઇક માનવ દેહને જોયા હતાં. હજુ તેઓ કંઇ સમજે એ પહેલા એ માનવ આકૃતિમાંથી એક ઓળો તેમની તરફ દોડયો હતો અને એકદમ નજીક આવીને અટકયો હતો.

આંચલે પણ મોન્ટુને ઓળખ્યો. મોન્ટુને પોતાની નજરો સમક્ષ સહી-સલામત જોઇને તેનાં ગળે ડુમો બાઝયો. હ્રદયમાં વહાલની સરવાણી ફૂટી. તેનું રોમ-રોમ ખુશીથી છલકી ઉઠયું. તેને મોન્ટુ બહુ વહાલો હતો. જેવો મોન્ટુ તેની નજીક આવ્યો કે તરત આંચલે તેને ઉંચકી લીધો. અનાયાસે...આપોઆપ તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી હતી. તે કોઇ રીતે સમજાવી શકે તેમ નહોતી કે મોન્ટુને સલામત જોઇને તેને કેટલી રાહત ઉપજી હતી. આભારવશ નજરે તેણે મોન્ટુની પાછળ આવતા ઇશાન તરફ જોયુ.

“ ઇશાન....તું છે....? ” જયસીંહ ઇશાનને અહી જોઇને નવાઇ પામ્યો. તેણે ઇશાન અહી હશે એવું સ્વપ્નેય વિચાર્યું નહોતું. તે ઇશાનને મળવા આંચલનાં ઘર તરફ જઇ રહયો હતો. “ આ બધું શું થઇ રહયું છે....? ” તેને આશ્ચર્ય થતું હતું. “ આંચલની કારને કોઇકે ઠોકી અને તે એની કારમાં બેહોશ પડી હતી....અને હવે તમે લોકો અહી....? ”

“ હું અહી કેવી રીતે આવી એ હું તમને કહું....! ” મોન્ટુને પોતાની છાતી સરસો ચાંપી રાખીને આંચલ બોલી. તેણે તેનાં રેડીયો સ્ટેશનમાં પેલા અરીસાવાળી વાત કહી અને કેવી રીતે અહી પહોંચી અને તેની સાથે કેવી ભયાવહ ઘટના ઘટી એ બધુ કહી સંભળાવ્યું. ઇન્સ.જયસીંહ, એલીઝાબેથ અને ઇશાન ખુલ્લા મોં એ આંચલની કથની સાંભળી રહયા. આંચલની વાતો ઉપરથી જયસીંહ અને ઇશાનને સમજાયું હતું કે તેની કાર રોડ વચ્ચે બંધ હાલતમાં શું-કામ પડી હતી. આંચલે જે કહયું તે ભયાનક હતું. ભયાનક અને અસંભવ... પણ હવે કોઇ તેની વાતને જૂઠલાવી શકે તેમ નહોતું. નગરમાં જે ખૌફનાક ઘટનાઓ બનવાનો સીલસીલો શરૂ થયો હતો એ ઇશાન, એલીઝાબેથ અને જયસીંહ....બધાએ પોતાની નજરો સમક્ષ નીહાળ્યો હતો, એટલે આંચલ જે કહી રહી હતી એ સો પ્રતિ-શત સત્ય જ હોવાનું તેમાં તેમને કોઇ સંદેહ નહોતો.

તેઓ હજુપણ રોડની વચ્ચે ઉભા રહીને વાતો કરતા હતાં. ત્યાંના વાતાવરણમાં ઘોર અંધકાર છવાયેલો હતો અને સફેદ ધુમાડાનું આવરણમાં ધીમે-ધીમે વધુને વધુ ઘટ્ટ બની રહયું હતું. વિભૂતીનગરમાં અત્યારે બપોર થઇ હોવા છતાં મધ્યરાત્રી થઇ હોય એવો માહોલ સર્જાયો હતો. આંચલની કાર હવે બેકાર બની ગઇ હતી. એવી જ હાલત ઇશાનની જીપની પણ હતી. એકમાત્ર જયસીંહની પોલીસ જીપ સહી-સલામત હતી. તેઓ હજુ વાતો કરતા હતા કે અચાનક તેમની આજુ-બાજુ છવાયેલા ધુમ્મસનાં વાદળોમાં ખળભળાટ મચ્યો અને તેમાં જીવ આવ્યો. જાણે કોઇનાં જંગી હાથોએ એ વાદળોને ડહોળી નાંખ્યા હોય એમ ધુમ્મસીયા વાદળોએ દોડા-દોડ કરી મુકી. બધા સ્તબ્ધ બનીને એ નીરખી રહયાં. કોઇક હતું જે ત્યાં તેમની આસ-પાસ હાજર હતું અને પોતાની હાજરી નોંધાવવા મથી રહયું હતું. એ હરકતથી બધાની ધડકનો તેજીથી ધડકવા લાગી. સૌથી પહેલા ઇશાન સમજ્યો હતો કે એ ખળભળાટ શેનો હોઇ શકે. તેને અચાનક મોન્ટુનાં કમરામાં જોએલો પેલો ભયાનક ચહેરો યાદ આવ્યો.

“ ભાગો અહીથી....! જલદી....! ” ઉંચા સાદે તે બરાડયો અને પછી એલીઝાબેથનો હાથ સખ્તાઇથી પોતાનાં હાથમાં પકડી લીધો.

“ પણ આપણી પાસે ગાડી નથી...” એકાએક આંચલ બોલી ઉઠી.

“ મારી જીપ તરફ ચાલો....” જયસીંહે કહયું અને તે પોતાની જીપ તરફ દોડયો. બધા તેની પાછળ-પાછળ દોડયાં.

“ પણ....જઇશું કયાં....? ” તેણે પ્રશ્ન ઉઠાવ્યો.

“ ટાઉન હોલ. નગરનાં ટાઉન હોલ તરફ....! “ ઇશાન બોલ્યો.

ધુમ્મસનાં વાદળોને ચીરતા તેઓ જીપ સુધી આવી પહોંચ્યા. જયસીંહ ઝડપથી ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી બેઠો. તેની બાજુમાં આંચલ મોન્ટુને લઇને બેઠી, જીપની પાછલી સીટ પર ઇશાન અને એલીઝાબેથ ગોઠવાયા એટલે જયસીંહે જીપ સ્ટાર્ટ કરી તેજીથી નગરનાં ટાઉનહોલ તરફ ભગાવી મુકી.....

( ક્રમશઃ )