શાયર
શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું
પ્રકરણ -૧૬.
ખોડું ઢોર
વલસાડના રેલ્વે સ્ટેશનથી જેટલે દૂર જવાય તેટલે દૂર જઈને ઓરંગા નદીને કાંઠે ગૌતમ બેઠો. એના ઉર્મિલ હ્રદયને અસાધારણ આંચકો લાગ્યો હતો. જગતમાં આટલી બધી નઠોરતા ભરી
હશે એનો એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. આટલા દયાહીન બનેલા સમાજને સુધારવાને પોતાના
કંગાળ પ્રયાસ કાંઈ કામયાબ થવાના નથી એની પણ એને શંકા રહી નહિ. ગરીબમાં ગરીબ
મુસાફરનાં છેલ્લા લૂગડાં પણ ઉતારી લેનારી ધોળા દિવસની આ વૄત્તિએ સમાજના અંગેઅંગ ભયાનક નાગચૂડમાં જકડી લીધાં હતાં, એની કવિતા પથ્થર ઉપર પાણી સમી હતી. એની શક્તિ
પરિમિત હતી. જગતમાં હમદર્દ માનવીને રહેવાનું સ્થાન જ નથી. જમાનો આદિયુગના ગુફાવાસી માનવીનો જ આવ્યો હતો. વાંદરાને પહેલવહેલું જ્યારે સારાસારનું ભાન જાગ્યું હશે ત્યારે
એના અંતરમાં ગભરામણ થઈ હશે એવી ગભરામણ ગૌતમને થઈ આવી.
સાચે જ પ્રાચીન ૠષિમુનિઓ જરાયે ગાંડા નહોતા, જરાયે વેદાભ્યાસે જડ નહોતા. જરાયે બવકૂફ નહોતા. તેઓ પોતાના સામગ્નાન માટે, પોતાના મંત્રદર્શન માટે, પોતાની તપસાધના માટે
દૂર દૂર માનવીની પગદંડીથી દૂર દૂર, ઘણે દૂર જંગલમાં રહેતા હતા એ સમજીને જ રહેતા હતા. તેઓ માનવી કરતાં વાઘવરૂનો પાડોશ વધારે પસંદ કરતા હતા, એમાં પણ તેઓ વ્યાજબી
જ હતા. આ જગતમાં જેમ ઉત્તમમાં ઉત્તમ પ્રભુકૃતિ માનવી છે તેમ. ખૂની વાધ સ્મશાનનાં મુર્દાં ચીરનાર ધોરખોદિયાં કે ફણીધર નાગ કરતાંયે નેષ્ટમાં નેષ્ટ કૃતિ પણ માણસ જ છે. જગત માત્રની પશુસૄષ્ટિનું દર્પણ માનવીનું હૈયું છે. જંગલમાં પણ જેમ હરણાં, ગાય, નીલગાય, ભેંસ, સસલાનું સરજત વાધ ને વરૂનાં મોઢાંથી ચૂંથાવાનું જ છે તેમ માનવ સમાજમાંય જેની દાનત બીજાને ચૂંથવાની નથી એનું સરજત બીજાને હાથે ચૂંથાવાનું જ છે. જવા દો. મિથ્યા વાતો જવા દો. મિથ્યા તર્કો જવા દો. જવા દો. ઉર્મિઓની આળપંપાળ જવા દો, કવિતા જવા દો. સેવા પણ જવા દો. હવે તો કવિતા માત્ર એકજ- મહિને પગાર આવે એના રૂપિયાનો રણકાર. હવે સેવા એક જ કરવી છે પોતાની જાતની, આશાની. અગર આશા ન હોત...... પોતે એકલો હોત..... ફ્કીર બનીને લૂગડાં પહેરીને એ ગુજરાન કરી શકત.... પણ એ
પણ મિથ્યા તર્ક ! આશા છે, નક્કર હકીકત છે. આશાને જરાયે દુઃખ પડે એવું એનાથી વિચારાય કેમ ?આશાનો પોતે પ્રેમી.... ને શહુર વગરનો પ્રેમ શા કામનો ? શહુર સાચું તો પ્રેમિકાને દિપાવામાં છે. પ્રેમિકાને અન્ય નારી વર્ગમાં ઊંચુ નહિ તો સમાન સ્થાન આપવામાં છે. પોતાની બેવફફીમાં પોતે મસ્ત રહે. ને એ મસ્તી ને એ મૂર્ખતા ઉપર પ્રેમિકાનું શરીર લોહીના ટીપેટીપે શોષાય એ પ્રેમ ક્યાંનો ? એ વાસના છે. સાચા પ્રેમીને પ્રેમિકા સિવાય બીજું આ સકળ સંસારમાં હોઈ જ શું શકે ? ચાલ, ભાઈ જીતવા ! આમ વિસંવાદ કર્યે કાંઈ દહાડા વળશે નહિ. એની કવિતા ગઈ. કવિતાની શેષ રૂપ એના લખેલા કાગળો પણ ગયા. ભલે ગયા. ઉપાડવા ટળ્યા. હૈયા ઉપરથી બોજો ગયો.
દેખવું યે નહિ, દાઝવું યે નહિ ! ફરીને એ કવિતા લખવાનો જ નથી છતાંય કદી એને એ મૂર્ખતાનું પુનરાવર્તન કરવાની મરજી થઈ જાય તો વલસાડના સ્ટેશન માસ્તરની ઓફિસની યાદ એની
રૂકાવટ કરવાને માટે પૂરતી હતી.
મુંબઈ...ચલો મુંબઈ. ત્યાં નોકરી શોધવી. આશાને બોલાવી લેવી. આશાએ કષ્ટો ખુબ ભોગવ્યાં છે, એનું વળતર આપી દેવું ને પોતે....પોતાને હવે કાંઈ નથી.પોતાને તો જીવંત મ્રુત્યુ થયું છે.
આશાને જીવાડવા ખાતર પોતે જીવતાં રહેવું છે....ચલો મુંબઈ....ચલો મુંબઈ ! '
ગૌતમ ઊભો થયો. નદીની રેતમાંથી એ રેલની સડક ઉપર આવ્યો, ચાલવા માંડ્યો. પહેલાં એ ખૂબ ઉતાવળો ચાલવા માંડ્યો. અપરિચિત પરિશ્રમનો થાક તરત જ લાગ્યો. એ ધીમો પડ્યો--થાક્યો. પાછો બેઠો. અરે જીતવા, આમ મુંબઈ ક્યારે પહોંચશો ? ને આ સિવાય બીજો કોઈ માર્ગ મુંબઈ જવાનો એની પાસે નથી.
ધીમે ધીમે એકધારી ચાલે એ રસ્તા ઉપર રોપાયેલી માઈલોની ખાંભીઓ વટાવતો ચાલ્યો. હવે એના મનમાં થાક સિવાય બીજી કાંઈ વાત નથી. હવે એના અંગમાં કળતરની વેદના સિવાય બીજી કોઈ વાત નથી. ચાલવું, બેસવું, ચાલવું ઃ એ જ એનો ક્રમ હતો. એ ક્રમને જ એ વળગી રહ્યો હતો. જાણે જગત પેદા થયુંં ત્યારથી એ ચાલતો જ હોય, ને જગતના અંત આવતાં સુધી એને ચાલતું જ રહેવાનું છે, એમ એને હૈયામાં વસી ગયું.
સૂરજ નમ્યો ત્યારે એ ચાલતો હતો. સૂરજ ડૂબ્યો ત્યારે એ ચાલતો હતો. રાત અંધારી થઈ ત્યારે એ ચાલતો હતો. આકાશની આતુર આંખો જેવા ચમકતા તારાઓના તેજમાં એ ચાલતો હતો. હવે જાણે નર્યા નીતર્યા થાકનું જ એનું ક્લેવર બન્યું હતું. હવે એની છાતી હાંફતી હતી. એનો શ્વાસ ઘુંટાતો હતો. એની કમર પાકેલાં ગુમડાં જેવી શૂળ કરતી હતી. એના પગમાં ખાલ ઉતરી જઈને તળિયાં આળાં બન્યાં હતાં. એક સ્થળે એ બેઠો. પોતાના ધોતિયામાંથી એણે બે લીરા ફાડ્યા.
પોતાના પગના તળિયા ઉપર બાંધી દીધાં. હવે પગમાં કાંકરીઓ વાગતી ન હતી એમ નહતું, પરંતુ ઓછી વાગતી હતી. હવે એના આળાં તળિયાં નહોતાં એમ ન હતું , પ્રત્યેક પગલે એ આગની પાટ ઉપર ચાલતો હતો એ ભ્રમણા દૂર થઈ. એને ભૂખ લાગી હતી. રસ્તામાં એણે થોડાંક પાંદડાં ચાવ્યાં હતાં. વહેળાનાં પાણી પીધા હતાં. વધારે પાણી હવે પીશે તો એને વમન થશે એવી એને ભીતિ લાગતી હતી.
રસ્તે એને માણસો મળતાં ન હતાં એમ ન હતું ઃ પરંતુ અરધા ગાંડાની જેમ રેલને પાટે ચાલ્યા જતા માણસ સાથે વાત કરવાની કોઈને જરૂર નહોતી દેખાઈ. કોણ જાણે કેમ ગૌતમ પણ માણસગંધો થઈ ગયો હતો ! ને રાતે ચાલ્યા જતા મવાલી જેવા દેખાતા માણસને કોઈ બોલાવે એવો જમાનો પણ ન હતો. એક સૂકા નાળાના રેતાળ પટમાં એ થાક ખાવા બેઠો. ને એમ ને એમ જ ઊંધી ગયો. સવારે સૂર્યનારાયણે જાણે એને તીર ભોંકી જગાડ્યો. એનું અંગે અંગ સવારની ઝાકળથી ભીનું થઈગયું હતું. આખે શરીરે એવી પીડા થતી હતી કે કયો ભાગ શેનાથી દુઃખે છે એની તારવણી કરવા બેસવું એ કેવળ કાળક્ષેપ સમું હતું. એના પગના તળિયામાં જાણે અંગારા ચંપાયા હતા.
અર્ધ બેભાન, અર્ધ બેધ્યાન ને સૂકા હોઠથી કેવળ મુંબઈના નામનો જ જાપ જપતો એ આગળ વધ્યો. ધમધમાટ કરતી ગાડી. ધુમાડા કાઢતી, વગડો ગજાવતી, રેલપાટા ધ્રુજાવતી ચાલી ગઈ-
ને સડકથી જરા નીચે ઊતરીને એ મહાકાળીને પસાર થવા દેવા એ ઊભો રહ્યો. ગાડી પસાર થઈ ગઈ ને એની કોલસાની રજથી એનું અંગ છંટાઈ ગયું.
વહી જતી ગાડીનો છેલ્લો ડબ્બો જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એના ઉપર આંખ માંડીને એ આગળ ચાલ્યો. હવે ક્યાંક ક્યાંક પાટા ફરી ફરીને બાંધવા પડતા હતા. હવે એને અવારનવાર પાટા
ફરી ફરીને બાંધવા પડતા હતા. હવે એને ઓછા ને વધારે ઓછા થતા અંતએ થાક ખાવા બેસવું પડતું હતું. એમ ને એમ બીજા દિવસના છેડે સંધ્યા કાળને સુમારે એ વસઈના પૂલ ઉપર
આવ્યો. એ રાત એણે વસઈના ખંડેરમાં ગાળી. ખૂબ વહેલી સવારના એ ચાલવા માંડ્યો.
મોડી બપોરે એ માધવ બાગના દરવાજા આગળ આવીને ઊભો રહ્યો. એના કપડાં જર્જરિત થયાં હતાં એના વાળમાં ધૂળ ભરાઈ હતી. એનો ચહેરો પરસેવાથી ઊતરી ગયેલી કેરીના રંગ
જેવો થઈ ગયો હતો. એની કાયામાં થાક રોમરોમમામ જાણે ભાલાં ભોંકીને પોતાની યાદ ભૂલવા નહોતો દેતો. ને બરાબર બે દિવસના ઉપવાસથી એના જઠરમાં અગન લાગી હતી. માધવ
બાગના દરવાજા ઉપર અભ્યાગતોને મૂઠી ચણાનું સદાવ્રત અપાતું હતું. એણે ચણા લીધા. ખાઈ લીધા. વધારે મળે એમ નથી એમ જોઈ લીધું. પાણી પીધું ને પછી ઢગલો થઈને પડ્યો.
ઊંઘ પણ ન આવે એવાં થાકનાં કળતર હતાં. મીંચી શકાય જ નહિ એટલી આંખમાં બળતરા હતી. ઠેરવીને રાખી પણ ન શકાય, એવાં એનાં તળિયાં જાણે જલતાં હતા. એ પડ્યો હતો,
માત્ર પડ્યો જ હતોઃ ને પડ્યા રહેવા સિવાય એના મનમાં અત્યારે કોઈ કરતાં કોઈ બીજો વિચાર સરખો યે નહોતો.
સામે હતો એક પડથાર. ને પડથાર ઉપર બેઠાં હતાં બે માનવી. એકના મોઢા ઉપર ઉછીનો લીધેલો તોર હતો. બીજાના અંગમાં પોતાની જીવનસાથી બનેલી પામરતા હતી.
' આ શું બાફ્યું છે ? ' ઉ્છીના રૂઆબ સાથે ઠપકો આપવાની ભાષા પણ ઉછીની લીધી હતી. ને ઉછીની લીધેલી ભાષામાં હંમેશા તિખાશ વધારે પ્રમાણમાં હોય છે.
' કાં સાબ ? 'પામર માનવીનો અવાજ પણ પામર હતો.
'પચાસ ગાયને રોજ દશ શેર ઘાસ હોય તો રોજનું કેટલું ઘાસ થાય ? ને આમાં તેં કેટલું સળગાવ્યું છે ? '
પામર માનવીએ એક ઘણા મેલા કાગળનો ટૂકડો રૂઆબદાર માણસના હાથમાંથી સરપ પકડતો હોય એમ પકડ્યો, ને એમાં જોયું.
' સાત મણ થાય. ને સાત મણ લખ્યું છે આમાં. '
' કપાળ તારું સાત મણ થાય ! ગાયનું નાણું આમ જ ઉડાવવું છે ? '
' ત્યારે કેટલું થાય ! '
' જોને. પચાસનો પા કેટલો ? '
'સાત. '
' ચણા વેચ ચણા. જાણે ચાલીસે પા...ચાલીસે પા...એ ચાલીસના જેટલા પા થાય ને માથે દશના પા થાય એટલું થાય સમજ્યો ? '
' સાડાબાર મણ થાય. ' ગૌતમે કહ્યું. એન લાગ્યું કે આ બે માણસોનો કાળો કકળાટ એના થાકની આડે આવે છે.
' હા, બસ.' રૂઆબદારી માણસે કહ્યું ઃ ' આ સદાયવ્રતિયાને આવડે એટલું તને ન આવડે. કોણે તને આ હિસાબમાં બેસાર્યો ? '
' તો બીજાય હિસાબ એની પાસે કરાવોને ? મારું શું કામ માથું ખાઓ છો ?'
રૂઆબદારી માણસે ગૌતમના હાથમાં કાગળ આપ્યો. ' આ બોતડાથી તો થાક્યો. રોજની લમણાંઝીક, તમને હિસાબ આવડતો હોય તો આટલું જોઈ દ્યો. જોઈએ. '
ગૌતમને તો ' આવ બલા પકડ ગલા ' જેવું થયું. એણે કાગળ લીધો, થોડીવારમાં સીસાપેન માગી. હિસાબ તપાસી સુધારીને પાછો આપ્યો. પેલા માણસે હિસાબના આંકડા જોયા. ' આ હવે
કાંઇક ઠીક. તે તમને હિસાબ કિતાબ આવડે છે ? '
' આવડે તો ખરા ને.'
' કાગળ લખતાં ય આવડે ? '
' આવડે તો ખરાને ? '
' ભણ્યા લાગો છો ?'
' ભાઈ, ભણ્યો તો ઘણુંય છું પણ મારે ' મૂવા નહિ ને પાછા થયા' જેવું થયું છે.'
' ભણ્યા હોય તો આમ ભીખ કેમ માગો છો ?'
' ભીખ તો કાંઇ નથી માગતો, ભાઈ ! નોકરી શોધવા મુંબઈ આવ્યો હતો. પૈસા નહોતા તે પગે ચાલીને આવ્યો. ' ગૌતમે પોતાના પગ બતાવ્યા.
' તે તમારે નોકરી કરવી છે ?'
'નોકરી કરવા તો હું આવ્યો છું ને ભાઈ.'
' પગાર શું લેશો ?'
'ભાઈડા બાયડીનું પૂરું થવું જોઇએ. '
' અમારે ત્યાં ખોડા ઢોરને અમે રાખીએ છીએ ને ખોડા માણસને નહિ રાખીએ ? એમ કરો. પાંજરાપોળનો તમે હિસાબ રાખો. આ નરસી રોજ તમારી પાસે ટ્બ્બા આપી જાય એના ઉપરથી
તમારે હિસાબ લખવાનો. રહેવાની ઓરડી આપશું ને ત્રીસ રૂપિયા પગાર આપશું. કેમ થાય છે મરજી ?'
'મારી મરજી શું કામની ? આપની મરજી જોઈએ. '
' પછી કામ જોઈને જોશું આગળ ઉપર. નરસી ! આને મહેતાજીને રહેવાની બેવડી ઓરડી બતાવી દે. તમેય શુકન જોઈને આવ્યા ભાઈ ! અમારા જૂના મહેતાજી મરી ગયા ને જગ્યા ખાલી
છે. ને આ બિચારો નરસી રોજ માથાફોડ કરે પણ એ તો જેનાં કામ તે કરે. '
રૂઆબદાર માણસ ચાલ્યો ગયો. નરસીએ ગૌતમને કહ્યું. ' ચાલો, મારે માથેથી પીડા ટળી. મને તો હિસાબ ન આવડે પણ એનેય નથી આવડતો. પણ શેઠનો ધરનો ગુમાસ્તો એટલે પોલ
ચાલી જાય. તમતમારે લહેર કરો ને જોઈતું કારવતું મને કહેજો. '
તે સાંજે ગૌતમ પોતાની ઓરડીમાં સ્થિર થયો. રાતે નરસી આવી ગયો ને કંઈક અવળાંસવળાં માથાં ને લેખાં લાવ્યો. વળતે દિવસથી પાંજરાપોળના હિસાબકિતાબ સીધા ચાલવા લાગ્યા.
એનો નવો મહેતાજી આવી ગયો હતો. ખોડાંઢોરથી પાંજરાપોળમાં ખોડું માનવી આવી ગયું હતું .
(ક્રમશઃ)