Shayar - 15 books and stories free download online pdf in Gujarati

શાયર- પ્રકરણ ૧૫.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૫.

ચતુરદાસ ટિકિટચેકર

ગાડી ધમધમાટ આગળ ચાલવા માંડી. ગાડીની અંદર બેઠેલા મુસાફરો પોતપોતાના સ્વભાવ પ્રમાણે સમય ગાળવા લાગ્યાં. બે ત્રણ છોકરાંઓ બારીમાંથી લળીલળીને બહાર જોતાં હતા. ગાય, ભેંસ, બળદ, માણસ, ગાડું, કાંઈ દેખાય તો એકબીજાનું ને પોતાના માબાપનું ધ્યાન ખેંચતાંં હતાં. એક ડોસીમા બેઠાં બેઠાં ભજન કરતાં હતાં. ને પોતાનું ભજન કરતાં કરતાં પોતાનું પોટલું પગતળે દબાવતાં જતાં હતાં.

એક આંધળાના 'ગુરૂ મહારાજ' નું બિરદ ભોગવતા અને એ કારણે ડબામાં પહોળો પલાંઠો વાળવાને પોતાને હકદાર માનતા સાધુ મહારાજ બેઠા હતા. એમના ભૂત ભડકામણા દિદાર જોઈ ને બીજાં બાળકો શેહ ખાઈ ગયાં હતાં. બાવાજી પોતાની ધર્મસાધનાની પ્રતીતિ આપવાને તુલસી રામાયણની ચોપાઈઓ તરડે રાગે આરડતા હતા. ચાર માણસ ગંજીફો ખેલતા હતા. એક ભાઇ પાન ખાતા હતા. વારે વારે ઊઠીને બારીમાંથી થૂંકતા હતા ને વારે વારે નવાં પાન બનાવતા હતા. એક ભાઈ ઊંઘતા હતા. બે માણસો મોટે અવાજે વાતો કરતા હતા.

ગૌતમ એક ખૂણામાં આંખો બંધ કરીને બેઠો હતો. આશા અત્યારે શું કરતી હશે ? પોતે મુંબઈમાં જઈને શું કરશે ? પોતાને લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી ત્યારે મોઢું ધોવા ગયો હતો. હવે એ લક્ષ્મીની સાધના કરવા જતો હતો. એ અભિમાની દેવી પોતાની પહેલી અવહેલના ભૂલશે ખરી ?...... આશા એકલી હશે. પોતે જઈને તરત જ કામ શોધી લેવું જોઈએ. નાનું મકાન રાખીને આશાને તરત બોલાવી લેવી જોઈએ. પાછળ રહી ગયું સુરત...દૂર દૂર, ને પ્રતિક્ષણ વધારે ને વધારે દૂર જતું. ને આજ સુધી આ જગતમાં પોતાનું જે કાંઈ પોતાપણું હતું એ તમામ એ સુરતમાં મૂકી આવ્યો હતો ઃ પોતાનો આત્મા ત્યાં અવસાન પામ્યો હતો. ને પોતાનો જીવ હજી ત્યાં રહ્યો હતો. આ તો જતું હતું એક કઠપૂતળું !ગાડી પૂરવેગથી જતી હતી. સ્ટેશને થોડી રોકાતી, પાવા બજાવીને આગળ વધતી હતી. જાણે કે નવોઢા પિયુને ઘેર જતી હોય એમ મુંબઈ ભણી દોડતી હતી. નદીનાં ધોડાંપૂર જાણે દરિયા તરફ ધસતાં હતાં. એકવાર એને સ્વપ્ન આવ્યાં હતાં કે એની કવિતા પણ લોકસાગર તરફ આમ

જ દોડશે. ને ત્યારે પોતાને બેવકૂફને ભાન ના હતી કે સાગર હંમેશા ખારો જ હોય છે. સાગરમાં

લક્ષ્મી હતી એ વિષ્ણુ લઈ ગયા બીજી રિધ્ધિસિધ્ધિ હતી એ દેવતાઓ લઈ ગયા. માણસને ભાગે તો સાગરનું લવણ ને સાગરધૂમતી સૂસવાટ જ રહી. 'એય મહેરબાન, ઊંઘજો પછી. ટિકિટ લાવો ' ગૌતમને ઢંઢોળીને કોઈએ કર્કશ અવાજે બૂમ પાડી. વિચારતંદ્રામાંથી ગૌતમ ઝબકીને જાગ્યો. એણે જોયું કે ગાડી એક સ્ટેશને ઊભી હતી. સ્ટેશન

મોટું હતું, અને ટિકિટ તપાસનારો એની પાસેથી ટિકિટ માગતો હતો.

ટિકિટ ! ગૌતમે પોતાના ગજવાં ઢંઢોળ્યાં. ટિકિટ ! એને યાદ આવ્યું કે પોતાની પાસે ટિકિટ તો નથી. ' ટિકિટ નથી. '

' તો નીચા ઊતરો. તમારા જેવા ચીનના શાહુકાર કેટલાક આવે છે. ચાલો નીચે ઊતરો. '

' પણ સાહેબ ! '

' નીચે ઉતરોને હવે. નહિતર પૈસા લાવો ! '

'પૈસા તો નથી. '

' તો બાપની શાદીમાં જવા માટે ગાડીમાં બેઠો હતો. ઊતર નીચે. '

' સાહેબ. આપ જરા વિનય ન રાખી શકો ? '

' ઓહો...હો....વિનયવાળી ન જોઈ હોય તો ? ઊતરે છે કે પોલીસને બોલાવું ? '

ડબ્બાના કૌતુકને પાત્ર બનતો ગૌતમ પોતાનો ખડિયો લઈને નીચે ઉતર્યો. ગાર્ડની સિસોટી વાગી. ગાડી ઊપડી. ગૌતમે જોયું કે પોતે વલસાડના સ્ટેશન ઉપર ઊતર્યો હતો. ટિકિટચેકર

ગૌતમને બોચીમાંથી પકડીને સ્ટેશન માસ્તર પાસે લઈ ગયો.

' માસ્તર સાહેબ ! આ એક 'વિધાઉટ' મુસાફર છે. ટિકિટ નથી ને કહે છે કે પૈસા પણ નથી. '

સ્ટેશન માસ્તર ઊભા થયા. ઊભા થઈને એણે ગૌતમને એક તમાચો ચોડી કાઢ્યો. અચાનક પડેલી થપાટથી ગૌતમ લથડી પડ્યો.

' સાલા.... બાપની ગાડી હોય એમ બેસી જાય છે ? ' સ્ટેશન માસ્તરનો અમલદારી તોર એંજિનના ધુમાડા કરતાં પણ વધારે ધૂંધળો દેખાયો. ' ચતુરદાસ ! ' એણે ટિકિટચેકરને કહ્યું . હુકમ કર્યો ઃ ' એનાં ગજવાં વગેરે બધું તપાસો ' સિપાઇનેય બે વાત નવી શીખવે એમ ટિકિટચેકરે ગૌતમનાં

ગજવાંની જડતી લીધી.

' એક કાવડિયુંયે નથી. ' એણે આખરે બહુ જ દેખાઈ આવે એવી આનાકાનાથી ગવાહ પૂરી.

' શું જોઈને આ ગાડીમાં બેસતા હશે ? બાપનો માલ જાણે. '

' સોંપી દઉં પોલીસને ? ' ચતુરદાસે સવાલ કર્યો. ચાર છ આના ચાહ પાણીના ધૂતવાની એની આશા કે ગણતરી સાવ અવળાં પડ્યાં હતાં, ને એની ચીડ એના અવાજમાં હતી.

સ્ટૅશન માસ્તરના મન આગળ રેલ્વે કંપનીનો એક કાગળ જાણે ખડો થયો. જેની પાસેથી ટિકિટના પૈસા ન મળે એવા મુસાફરોને પોલીસમાં સોંપીને રેલ્વેને ખાતર ઉપર દાવો કરવાની એમાં

મનાઈ હતી. એવા માણસોને જ્યાં પકડાય ત્યાં ઉતારી મૂકીને સ્ટેશનમાંથી કાઢી મૂકવાની એમાં સૂચના હતી.

રેલ્વેની એ સૂચનામાં માસ્તરે પોતાની એક રચના ઉમેરી ઃ' આવાને જેલમાં મોકલીએ તો કહેશે રોટલાં મળ્યા. લઈ લ્યો એનો સામાન હોય તે ને ધક્કો મારીને કાઢો બહાર. '

' સાહેબ... ' ગૌતમ બોલવા જતો હતો, ત્યાં ચતુરદાસે ગૌતમનો ખડિયો આંચકી લીધો, ને એને

ધક્કો માર્યો. ' છાનોમાનો ચાલ્યો જા. નહિતર હમણાં પોલીસને બોલાવીને ડંડા મારીને બહાર

કઢાવી મૂકીશ. ઉપકાર માન અમારો કે તને પોલીસને સ્વાધીન નથી કરતા. '

' સાહેબ..... '

' અરે, આ તો કોઈક જળો જેવા લાગે છે ? નકામું માથું પકવે છે. અરે જેરામ ! ' ચતુરદાસે હાકલ મારી.

એ અવાજના જવાબમાં સાંધાવાળાઓનો મુકાદમ હાથમાં લાલલીલી ઝંડીનો વીંટલો બગલમાં મારીને આવ્યો. ચતુરદાસે ગૌતમને જેરામ તરફ જોરથી ધક્કો માર્યો. ' જેરામ ! કાઢ આને

સ્ટેશનની બહાર. તીનપાંચ કરે તો મારજે લાત. '

ગૌતમ ગૂપચૂપ જેરામની આગળ ચાલવા માંડ્યો.

ગૌતમના ગયા પછી ઓફિસની બહાર ઉભેલો પોલીસનો સિપાઈ અંદર આવ્યો. માસ્તર સાહેબના

મેજ ઉપર હાથ ટેકવીને ઝૂલતો ઊભો રહ્યો. ' શું છે એના લબાચામાં જોઈએ તો ખરા ? ' સિપાઈએ હસતાં હસતાં કહ્યું ઃ ' ધણીવાર આવા માણસો ખિસ્સામાં કાવડિયું ન રાખે પણ સામાનમાં લોચો પોટલીએ બાંધ્યો હોય ! '

પરંતુ સિપાઈ અને ચતુરદાસની જાતમહેનતની અને માસ્તરની ચતુર આંખોની ' લોચા' ની શોધ તમામ નકામી ગઈ. હોઠ ધૂત્કારીને ચતુરદાસે કહ્યું ઃ ' આમાં તો બેત્રણ ફાટલ ગાભાં ને બાકી

તો પસ્તીના કાગળો છે કાગળો. ' ' તે તમે જ લઈ જાઓ, ચતુરદાસ ! મુદ્દામાલ નોંધીશું તો નોંધામણીયે માથે પડશે. ' પોલીસ આખા મામલા ઉપરથી હાથ ખંખેરીને ચાલતો થયો. માસ્તરને જાણે આખાયે મામલા સાથે

નિસ્બત જ ન હોય એમ એમણે પોતાના કામમાં માથું નાખ્યું. ચતુરદાસ એકલો ખડિયા સામે જોઈ રહ્યો.

આખરે એ બબડયો ઃ ' ખડિયો શાક લેવા કામ લાગશે. ને પસ્તીના છોકરા સારું દાળિયા તો આવશે ને. ' માસ્તરે કામમાંથી માથું ઊંચુ ન કર્યું કે ચતુરદાસના વિધાનમાં બીજો કશો રસ એમણે

ન બતાવ્યો. ચતુરદાસ ખડિયો લઈને ધેર ગયો. એનું ધર નજીકનાં રેલ્વેના મકાનોમાં જ હતું. ખડિયો એણે એક ખૂણામાં નાખ્યો. એક ભાંગલી ખુરશી ઉપર બેસીને એ પોતાનો સાજ ઉતારવા

માંડ્યો. એમના પત્નીએ એમનાં ખિસ્સા બહારથી દાબી જોયાં. ચતુરદાસે હાથનો અંગૂઠો ચલાવીને ઉમેર્યું ઃ ' આજ શકન ન થયાં. એક કાવડિયુંયે નથી મળ્યું. ' ચતુરદાસનાં બે છોકરાં, એક

છોકરો ને એક છોકરી રેલ્વેની શાળામાંથી આવીને બહાર ગડબડ કરતાં હતાં. એને ચતુરદાસે ધમકાવ્યાં. પોતાની પત્નીને તાડૂકીને એમણે કહ્યું ઃ ' પથારી તો પાથર. આમ સામે જોઈને

ઉભી છે શું ? ' પત્નીએ પથારી પાથરી અને ટિકિટચેકર ચતુરદાસ પથારી પર લોટ્યા, લોટતાં લોટતાં એમણે ક્યાંકથી સાંભળેલું નાટકી ગાયન તરડે રાગે ગાઈ રહ્યા.

એમનાં પત્નીએ છોકરાંઓને નિયમ મુજબની ચેતવણી આપી. ' તમારા બાપા સૂતા છે. જો ગરબડ કરી છે ને તો તમારો બોરકૂટો કરી નાંખીશ. ' એટલું કહીને ઘરનાં બારણાં બહારથી અટકા

ને શ્રીમતી પડોશમાં સમાન ગુણશીલ પડોશણ પાસે બેસવા ચાલ્યાં.

થોડીવારે ચતુરદાસનું ગાયન બંધ થયું ને નાક બોલવા લાગ્યું. થોડીવાર તો એમના ગાયનના અવાજ્માં ને નસકોરાંના અવાજ વચ્ચેનો ભેદ છોકરાંઓને ન કળાયો. બાપા સ્ટેશનેથી ખાલી

હાથે તો ન આવે. કાંઈક ખાવાનું તો લાવે. રોજ તો બાપા ખાવાનું જાતે વહેંચે ને એ વહેંચતા હોય ત્યાં એમનાં પત્ની છોકરાંના ' ખાઉધરાંપણાં'ને ગાળો દેતાં હોય. આજ બાપા વધારે થાક્યા

હશે એટલે વહેંચવાનું ભૂલી ગયા હશે. બાકી આ પોટલા જેવું ખૂણામાં પડ્યું છે, તે સ્ટેશનવાળાનાં પોટલાં તો અખેપાતર હોય અખેપાતર. ઘડીમાં બાપાના નસકોરાં ઉપર કાન માંડતાં,

ધડીમાં પડોશણ સાથે ગપાટા મારતી બાના અવાજ ઉપર કાન માંડતાં છોકરાં, ખડિયો વીંખવા લાગ્યાં.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED