શાયર
શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર"
પુસ્તિકાનું પ્રકરણ -૮.
વંશવેલાની જનેતા
સદર અદાલતની પરસાળમાં પોતાનાં એ જ જૂના ઢાળિયા સામે અતિવૄધ્ધ અને જર્જતીત થયેલો શોભારામ બેઠો હતો. ત્યાં પ્રભુરામ અને ગૌરીશંકર બેય આવી ચડ્યા. પ્રભુરામના ચહેરા ઉપર
ઘૂંઘળો રોષ હતો. ' અરે શોભારામ ! ' એણે લગભગ ચીસ જેવા અવાજે કહ્યું ઃ 'તારા છોકરાને વાર. પછી મારા જેવો બીજો કોઈ ભૂંડો નથી હો. '
ગવરીશંકરે પ્રભુરામનો હાથ પકડ્યો ઃ ' ભાઈ ! જરા ધીરે, નકામું બે માણસ સાંભળે એમાં શું મજા ? '
'સાંભળે તો શું ? શોભારામ ! તારો દીકરો ચોર છે. લબાડ છે, લફંગો છે. કહી દઉં છું કે એને તું વાર. '
બૂમબરાડા સાંભળીને આસપાસનું લોક જમા થયું. શોભારામ પોતાના આસન ઉપર ઊભો થયો. એણે કહ્યું ઃ ' પ્રભુરામ્ભાઇ ! જરા મોઢું સંભાળી વાત કરો. શું બગાડ્યું છે મારા છોકરાએ તમારું ?'
' શું બગાડ્યું છે ? શું બગાડ્યું છે ? તારા છોકરાએ...તારા છોકરાએ..... '
ગવરીશંકરે કહ્યું ઃ 'શોભારામભાઈ ! આમ પંચમાં વાત કરવા જેવું છે નહિ. તમે જરાક બહાર આવો. ને પ્રભુરામભાઈ ! તમે જરામ શાંત થાઓ. શોભારામભાઈ વહેવારની વાત ન સમજે એવું
નથી. શોરબકોર કરવાથી ખાલી ગામને તો જોણું થાય, ને આપણું વગોણું થાય. '
' નહિ નહિ ! 'શોભારામે અણધારી મક્કમતા બતાવી. 'પ્રભુરામે મારા છોકરાને ચોર ને લબાડ કહ્યો છે. હવે તો વાત પંચમાં જ કરવી પડશે. મારો છોકરો બેવકૂફ છે. ગમાર હશે. ધૂની પણ
હશે. પણ એને ચોર કહેનારની જીભ ખેંચી નાંખું સમજ્યા ! બોલો પ્રભુરામ ! કહી દો માર છોકરાની વાત. મારા છોકરાનો વાંક હશે તો ભોંમાં ભંડારી દઈશ એને . ને તમે જો એને ખોટો
ભાંડતા હશો તો... તો...હું ગરીબ માણસ બીજું તો શું કરું. પણ તમને બ્રાહ્મણના શાપ આપીશ. કહો જે કહેવું હોય તે આ પંચની સામે.'ગવરીશંકર વારવા જતો હતો, એને ધક્કો મારીને પ્રભુરામે મોટે સાદે કહ્યું ઃ ' પંચની સામે, હા પંચની સામે. તારો છોકરો મારી છોકરીને ભગવી ગયો છે. '
શોભારામે કહ્યું ઃ ' આ પંચ સાક્ષી છે કે તમે પોતે જ તમારી છોકરીનું સગપણ મારા છોકરા સાથે કર્યું હતું .'
' જા જા બકાલ. તારા છોકરા સાથે મારી છોકરીની શી સગાઈ ? સગાઈ કેવી ને વાત કેવી ? '
' તે એમ કહોને કે તમે બે જાતવાળા છો. ચોર તો તમે છો ને શું મોઢે મારા છોકરા સામે ફરિયાદ કરો છો ? '
' ચોર ? હું ચોર ? મને ચોર કહેનારની જીભ ખેંચી નાંખું સમજ્યાં. બોલતા ફાટયો કે ? '
'તમને તમારી છોકરીનું અભિમાન છે, તો મને મારા છોકરાનું અરમાન છે, સમજ્યા ? ખબરદાર ! જો એક શબ્દ વધુ પડતા બોલ્યા છો તો આંહીને આંહી ભોંમા દાટી દઈશ, સમજ્યા. તમે મારા
છોકરા સાથે તમારી છોકરી સગાઈ કરીને છે. ને જો તમારી છોકરીની હજી પણ ઇચ્છા હશે તો મને તો શું, પણ કોઈ અટકાવી શકશે નહિ, સમજ્યા પ્રભુરામ ! '
'એમ જોઉં છું ત્યારે ? તું કે તારો છોકરો આ ગામમાં કેમ રહી શકો છો તે જોઉં છું.'
' તો જોઈ લેજો ને તમારી આંખો ઠારજો. હું મારા કાંડાની તાકાત ઉપર નભું છું સમજ્યા કે. કોઈની મહેરબાની નહિ. બાકી તો સહુ સાહેદ છે--આંહી જમા થયેલા બધા જ, કે તમે જ તમારી
છોકરીની સગાઈ મારા છોકરા સાથે કરી છે. હવે મારો છોકરો દફતરદાર નથી એટલે તમે સગાઈ રદ કરવા માગો છો. એ કંઈ નાતનો ને ક્યા ધરમનો રિવાજ છે કે છોકરાને અમલદારી ન
મળે કે એની સ્થિતિ સારી ન હોય તો સગાઈ રદ થઈ શકે. ત્યારે તમે ય ક્યાં ચરમબંધી બાદશાહ હતા કે સગાઈ સગપણની વાતમાં નાતના રિવાજ ઉપરવટ મગજમાં આટલી રાઈ રાખો છો?
સગાઈ તોડે તો ય વરવાળા તોડે ને છોકરીના કુટુંબમાં હિણુપત હોય તો જ તોડે. તમારા કુટુંબમાં હિણપ્ત હશે તો સગાઈ તોડીશ તે દિવસ હું તોડીશ સમજ્યા. તમે સગાઈ કર્યા પછી સગાઈ
તોડવાવાળા કોણ ? કોણ છો જાતના તમે ? બ્રાહ્મણ છો કે વરણશંકર ? હિન્દુ કે મુસલમાન ? '
ગવરીશંકરનું કોઈ સાંભળતું જ નહોતું. ન તો શોભારામ કે ન તો પ્રભુરામ. બેમાંથી એકેય એ બિચારાનું સાંભળતા જ નહોતા ને છતાં આ બેનો કજિયો આગળ ન વધે ને બન્ને વચ્ચે શાંતિથી
વાત થાય એમાં જ એ બિચારાનું વધારેમાં વધારે હિત હતું. આ સગાઈના ઉમંગને કારણે જ હજી તો ગઈ કાલે જ એને વૄધ્ધાવસ્થામાં માંડમાંડ આબરૂભર રહેવાય એવી નોકરી મળી હતી.
પ્રભુરામ ને શોભારામને તો આ સગાઈમાં કેવળ આબરૂનો સ્વાર્થ હતો. એનું તો સમસ્ત જીવન હતું એમાં સમાયેલું. ' શોભારામભાઇ ! શોભારામભાઈ ! ' ગવરીશંકરે આર્જવ અવાજે કહ્યું ઃ ' પ્રભુરામભાઈ ઉશ્કેરાયા છે. એમના બોલ્યા સામે ન જોશો. એમની વાતનો રંજ ના કરશો. વાત એમ છે કે આશા બહેન
એમ કહે છે કે એમની ને ગૌતમની તો ગઈ કાલ સગાઈ થઈ છે કે હવે ફોક થશે નહિ. તો તમે આશા બહેનને સમજાવો. ગૌતમભાઈને સમજાવો. તંતે ચડ્યા વગર વાતનો બંધ વાળો તો સારું!'
શોભારામ કહ્યું ઃ ' તંત કહે ના કરું ! પ્રભુરામ એમ કહે કે મારે બે બાપ છે ને બે મોઢાં છે, ને મારા બોલ્યા ઉપર કોઈએ ભરોસો ન કરવો તો જુદી વાત છે. બાકી તો એણે જો એની છોકરીની
સગાઇ જો દફતરદાર જોડે જ કરી હોય તો એની છોકરીને જે દફતરદાર આવે એની સાથે પરણાવવાનું કબૂલ કરે. તો હું માથે રહીને લગ્ન કરાવી આપીશ. ને જે મારા છોકરાં સાથે કરી હોય
તો એમ કહે. વાત તો ઉઘાડી છે કે એણે કાલ રાતે સારા શહેરની હાજરીમાં એની છોકરીની સગાઈ કરી છે ને કહી દ્યો કેની સાથે કરી છે ? બાકી હજી નાત મરી પરવારી નથી ગઈ. હું નાત પાસે
દાદ માગીશ. ને જોઈશ કે નાતને પ્રભુરામની સાહ્યબી વહાલી છે કે નાતનો રિવાજ જાળવ્યો છે ! પ્રભુરામને ભલે ન હોય પણ નાતને તો નાક છે ને ? '
રાવ સાહેબ ને અદાલતના બીજા કારકુનો ને પટાવાળાઓ આ ઊંચા સાદની તરકાર સાંભળતા હતા. ને મનમાં રાચતા હતા ઃ ' જો થઈ છે. '
રાવસાહેબે કહ્યુંઃ ' પ્રભુરામભાઈ ! શાંત થઈને ઘેર જાઓ. મોટા સાહેબને આવવાનો વખત થયો છે. આવી વાતો તો ભલા માણસ ઘરખૂણે પતાવવાની હોય. સદર અદાલતની પરસાળમાં
બાઝવાની ન હોય ? શોભારામભાઈ સમજુ છે. તમે સમજુ છો. નકામું ગામને જાણું થાય એવું શું કામ કરો છો ? '
રાવસાહેબ- ચિટનીસ પોતાને શિખામણ આપે ? ને પોતે સાંભળિ રહે ? એણે આસપાસ નજર કરી. એણે પોતાની આસપાસ લોકોનું મોટું ટોળું જોયું. મોટા માણસે નાના માણસ સાથે, શ્રીમંતે
ગરીબની સાથે વચન એને જાતિરીતિના રિવાજને લગતા ઝઘડા જાહેરમાં ન કરવા જોઈએ એ સત્ય પ્રભુરામને મોડે મોડે સૂઝ્યું.
' ઠીક છે. ઠીક છે. ' પ્રભુરામ ગવરીશંકરનો હાથ પકડીને વેગથી બહાર આવ્યા. એમના ગયા પછી સંધ્યાકાળે કોઈ પુરાણા ખંડેરમાંથી ચામાચીડિયાની વણઝાર નીકળે એમ ચિત્રવિચિત્ર અવાજો થવા માંડ્યા.
'બિચારાને હસવામાંથી ખસવું થયું.' 'જેને કોઈ ન પહોંચે એને એનાં જણ્યાં પહોંચે.'
' શોભારામભાઇનો ગૌતમ શોભારામના કહ્યામાં નથી, તો બિચારા શોભારામને એ શું કામ સતાવે છે ? '
' મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી ? '
' નાત તો ગંગાનો પ્રવાહ કહેવાય. પ્રભુરામથી નાતની વિરુધ્ધ કેમ જવાશે ? '
આવી ચિત્રવિચિત્ર ટીકાઓ કરતાં કરતાં મોટા સાહેબના આવવાના ભણકારા પડવા માંડ્યા ને ટોળું ધીમે ધીમે વિખરાવા માંડ્યું. આખરે બેચાર લહિયા ને ચારપાંચ પટાવાળાના કુતૂહલનો
વિષય માત્ર બનેલા શોભારામ સિવાય ત્યાં કોઈ રહ્યું નહિ. શોભારામ સો શબ્દે પૈસા લેખે પોતાના નકલના કામે લાગ્યો. પણ એનું ચિત્ત કામમાં લાગવું મુશ્કેલ હતું.
પોતે જિંદગીમાં નાનામાં નાના માણસ સાથે પણ નમીને ચાલવાવાળો માણસ. આજ પ્રભુરામ જેવાને પડકારી બેઠો હતો. પણ ધારો કે નાત પ્રભુરામની શેહમાં તણાઈ ? નાતતો મોટો ભાગ
એના અહેસાન તળે હતો ને ? પ્રભુરામ ઘેર જશે ને ગૌતમ સાથે હોંસાતોંસી કરશે તો ? શોભારામનું ચિત્ત સ્વસ્થ થવું ખૂબ જ મુશ્કેલ હતું. આખરે સંકેલો કરીને એ ઊઠ્યો. ધીમે ધીમે એ
પોતાના ઘર તરફ ચાલ્યો.
ઘેર પહોંચતા વેંત એણે એક સદંતર અણધાર્યું દર્શન જોયું. ગૌતમ ખાટ ઉપર હીંચકો હતો ને આશા ઘરમાં સાફસૂફી કરતી હતી ! ક્ષણભર ડોસો સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. પછી એણે
આશાને સાદ કર્યો. ' બેટા ! આમ આવ તો ?' હાથમાં સાવરણિ લઈને આશા આવીને કુલવધૂને છાજે એવી લજ્જામાં એણે પૂછ્યું ઃ ' બાપુ ! મને યાદ કરી ? '
' હા. બેટા. તેં આ શુમ ગાંડાવેડા કાઢ્યા છે ? નકામા તારા બાપને નારાજ કરે છે કેમ ?'
' બાપુ ! તમે એની ફિકર ન કરશો. હું આ ઘરની વહુ છું. ને વહુ તરીકે જ રહેવાની છું. '
' બેટા ! '
' બાપુ ! હું જીવતાં ને મૂવા તમારા પુત્રની વધૂ છું. સમસ્ત ગ્નાતિની સાક્ષીએ, સમસ્ત શહેરની સાક્ષીએ તમારી વાગ્દત્તા છું. આજ અગ્નિની સાક્ષીએ તમારી કુલવધૂ બની છું. '
' શું કહે છે ?'
' હા. બાપુજી ! આજે અગ્નિસાખે અમારાં લગ્ન થઈ ગયા, તાપી નદીને કાંઠે. બાવાજી મૂળભારથીજીએ કરાવ્યાં. '
' હુ શું કહું બેટા ? તેં બોલવા જેવું ક્યાં રહેવા દીધું છે ? પણ તારા બાપુજી નારાજ થશે.'
' તો શું મને ઘરમાંથી કાઢી મૂકશો, બાપુ ? '
' હરિહરિ એ શું બોલી, બેટા ! તું મારા ઘરની લક્ષ્મી છો. મારા આંખમાંથા પર છો. મારા વંશવેલાની જનેતા છો. પણ મારું ઘર ગરીબનું છે. '
'એની તમે ચિન્તા ન કરો. અમે બન્ને અમારી મસ્તીમાં બહુ તાલેવર છીએ. બાપુ ! સાંસારિક ગરીબી અમને મુંઝવશે નહિ. '
ત્યાં પ્રભુરામ આવ્યા, ગુસ્સાથી લાલચોળ. ' ચાલ છોકરી. ' એમણે કહ્યું.
' બાપુજી ! હું આ ઘરની કુલવધૂ. મારા લગ્ન થઈ ગયાં છે. મારા સસરાની રજા વગર મારાથી કેમ અવાય ? '
'એમ ? એમ ? તો યાદ રાખજે છોકરી. ફરીને કોઈવાર મારા ઘરમાં પગ મૂકીશ નહિ સમજી. તારા નામનું હું નાહી વાળું છું. સમજી ? તું મારી દીકરી નહિ. હું તારો બાપ નહિ.'
' બાપુ ! હું....'
પરંતુ આશાની વાત સાંભળવાને રોકાવા જેટલી પ્રભુરામની ધીરજ નહોતી. ' ચાલ ગવરા ! 'પ્રભુરામે પોતાના સાથી ગવરીશંકરનું કાંડું પકડીને ખેંચ્યો. ' આજથી આ ઘરનું પાણી મારે હરામ છે. '
( ક્રમશ ઃ )