Chalo Farie - 8 Taranga books and stories free download online pdf in Gujarati

તારંગા અને માણેકનાથની ગુફા


તારંગા અને માણેકનાથની ગૂફા

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

kintugadhvi@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

તારંગા અને માણેકનાથની ગૂફા

ઉત્તર ગુજરાતમાં પ્રવાસનની રીતે ઘણાં ઓછા સ્થળો છે છતાં જે છે તેનું મહત્ત્વ ઘણું છે. એક તો ઉત્તર ગુજરાત પાસે શ્રેષ્ઠ કક્ષાના સ્થાપત્યો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત કુદરતી સ્થળોની અછત ધરાવે છે. ઉત્તર ગુજરાતના મુખ્ય રુટની મજા લઈને છેક જેસોર સુધીની સફર આપને બેથી ત્રણ દિવસ સુધી આનંદ આપનારી બનશે.

અમદાવાદથી જેસોરનો રુટ પાલનપુરથી જ ફંટાશે પરંતુ ઉત્તર ગુજરાતના સ્થાપત્યો સાથે આ રુટને ફાઈનલ ડેસ્ટિનેશન બનાવીને સમગ્ર પ્રવાસને સ્થાપત્યો અને કુદરતી જંગલો સાથે રસપ્રદ બનાવી શકીએ. ઉત્તર ગુજરાતમાં પાટણ,મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, તારંગા અને ત્યાંથી મુમનવાસના રસ્તેથી જેસોર જઈ શકાય. જેસોર સીધા જ જવું હોય તો અમદાવાદ- મહેસાણા-પાલનપુર અને ત્યાંથી આબુરોડ પહેલા ઈકબાલગઢથી જેસોર જઈ શકાય.

અમદાવાદથી મહેસાણા જઈએ એટલે ઉત્તર ગુજરાતના સ્થાપત્યોની શરૂઆત થાય. જેમાં મહેસાણાનું સૂર્યમંદિર, પાટણની રાણકી વાવ અને ઉમતાના જૈન દેરાસરો પ્રમુખ છે. સોલંકી વંશના ઉદ્દભવ સાથે જ ઉત્તર ગુજરાતમાં બનેલા સંખ્યાબંધ સ્થાપત્યો આજે પણ ગુર્જર ઈતિહાસના સાક્ષી છે. મોઢેરાનું સૂર્યમંદિર અને પાટણની રાણકી વાવ ૧૨૦૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. જે ગુજરાતના તમામ સ્થાપત્યો કરતા જૂના છે. આ ઉપરાંત વડનગરનું કિર્તીતોરણ પણ સોલંકી વંશની સાક્ષી પૂરતું એક માત્ર અડીખમ સ્થાપત્ય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક નાના ગામડાઓમાં વાવ અને નાના શિવ મંદિરો પણ જોવા મળે છે. આમ ઉત્તર ગુજરાત સ્થાપત્યની દ્રષ્ટિએ ઘણો સમૃદ્ધ વિસ્તાર છે. બનાસ, સરસ્વતિ અને રુપેણ જેવી નદીઓના આ પ્રદેશમાં સામાન્ય રીતે વાતાવરણ સૂકું રહે છે. છતાં ચોમાસામાં ચોમેર લીલોતરી છવાયેલી દેખાય છે. મહેસાણાથી આગળ વડનગર જતાં જ નાગર વિદુષી તાના-રીરીની સમાધિ સ્થળ જોવા મળે છે. ઉપરાંત વડનગરમાં આવેલું હાટકેશ્વરનું મંદિર પણ આ વિસ્તારની પ્રાચીનતામાં ઉમેરો કરે છે. એક જમાનામાં વડનગર ગુજરાતનું પાટનગર હતું અને અહીં બૌદ્ધ ધર્મના અવશેષોથી એ વાતનો ખ્યાલ આવે છે કે આજથી પચ્ચીસો વર્ષ પહેલા બૌદ્ધ સાધુઓના અહીં મઠ આવેલા હશે.

ઉત્તર ગુજરાતના રસ્તાઓ એકદમ મખમલી છે. અહીં વિકાસની વાટ જોઈ શકાય છે. વડનગરથી ખેરાલુથી તારંગ જઈ શકાય છે. તારંગા તિર્થ અરાવલ્લીનો પ્રથમ પડાવ છે. અહીંથી અરવલ્લીના પથરાળ ડુંગરાઓ શરૂ થતાં જોવા મળે છે. અરવલ્લીના ડુંગર અંબાજી અને ત્યાંથી છેક રાજસ્થાનના જયપુર સુધી ફેલાયેલા છે. તારંગાનું પ્રાચીન જૈન દેરાસર પણ જોવા લાયક છે. અહીં રહેવા, જમવાની તમામ વ્યવસ્થાઓ છે. સાથે સાથે આ વિસ્તારમાં સુંદર ઔષધી વન પણ બનાવવામાં આવ્યું છે. દરેક ઔષધીઓને ચોક્કસ નામ આપીને ગુજરાત સરકાર દ્વારા ભારતીય આયુર્વેદની વનસ્પતિઓ અને નક્ષત્રોનું સમાલોચન કરીને સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. તારંગાના મંદિરમાં આવનારા તમામ પ્રવાસીઓ આ વિશાળ બગીચામાં મોજ કરે છે. તારંગાના ડુંગરાઓમાં જોગીડાની ગૂફા નામની એક જગ્યા છે, જ્યાં સદીઓ પહેલા બૌદ્ધ સાધુઓ સાધના કરતા હતા. આ જગ્યાને ગુજરાત સરકારે પ્રવાસનની બૌદ્ધિસ્ટ ચેનમાં સમાવીને એક નવતર વિકલ્પ ઉભો કર્યો છે. તારંગાની ભૂમિ સદીઓથી બૌદ્ધ અને જૈન સાધુઓ માટે તપોભૂમિ બનીને રહી છે. અહીં જૈન ઉપાશ્રયો છે. અનેક યુવાનો અહીં ટ્રેકિંગની મજા માણે છે. જો તમે આ વિસ્તારમાં ગ્રુપમાં જશો આ ટ્રેકિંગથી લઈને ઈકો ટૂર સુધીનું સુંદર આયોજન કરી શકાશે.

દરેક વિસ્તારની જેમ આ વિસ્તારમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નિષેધ છે. ઉનાળાના સમયમાં પહાડના પત્થરો ખૂબ તપવાથી અહીંનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. આ વિસ્તારનું ચોમાસું અને શિયાળો ઘણો રળીયામણો છે. તારંગાથી લગભગ વીસેક કિલોમીટરના અંતરે સતલાસણા નામનું ગામ આવે છે જ્યાંથી મુમનવાસ ગામના રસ્તે માણેકનાથની ગૂફા તરફ જવાનું પાટીયું જોવા મળે છે. આ રોડથી વીસ કિલોમીટર અંદર જતાં જ લોટોલ નામનું રબારીઓનું એક ગામ આવે છે જ્યાં માણેકનાથની ગૂફા આવેલી છે. માણેકનાથની ગૂફા સુધી છેક ગાડી લઈ જઈ શકાય તેવી રોડ વ્યવસ્થા છે. અહીં રબારી સમાજનું સુંદર સ્થાનક પણ આવેલું છે. રાત્રીના સમયે આ વિસ્તારોમાં કેટલીક લૂટારું ટોળકીઓ ફરતી હોવાના કારણે ફરવું જોખમી છે. દિવસ દરમ્યાન આ વિસ્તારનો પ્રવાસ કરવો વધુ હિતાવહ છે. માણેકનાથની ગૂફા ઘણી ઊંડી છે. જેમાં છેક અંદરના ભાગમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. ગૂફાને સારી રીતે જોવા માટે સાથે ટોર્ચ કે મોબાઈલ ફોન વાપરવાથી અંદરના ભાગને જોઈ શકાય છે. અહીંથી થોડા ઉપર તરફ જતાં એક મોટો કુદરતી કુંડ પણ જોવા મળે છે. આસપાસના અરવલ્લીના પહાડોને જોતાં કંઈક અલગ જ અહેસાસ થાય છે. અહીં અભૂતપૂર્વ શાંતિ છે. લોકોની અવરજવર પણ ઓછી છે. માત્ર પત્થરો અને તેની આસપાસ પનપી રહેલું લોકજીવન જોઈ શકાય છે. અરવલ્લીનો તડકો આકરો છે. અહીંના રસ્તે સતત ઘેટાં-બકરાં ચરાવતા મારવાડી રબારીઓના આવન જાવનને જોઈને કેમેરો હાથવગો રાખવાનું મન થાય. અમદાવાદની સ્થાપના પૂર્વે અહેમદશાહ બાદશાહને અમદાવાદ શહેર ન બનાવવા માટે રોકી રાખનાર માણેકનાથ બાબા મૂળ અરવલ્લીની ગૂફામાં રહેતા હતા.તેમણે અહીં એક ગૂફામાં બેસીને તપસ્યા કરી હતી. માણેકનાથ નાથ સંપ્રદાયના સાધુ હતા. નવ નાથમાં એક નાથ માણેકનાથ હતા એવું પણ માનવા આવે છે. માણેકનાથે વર્ષો સુધી આ ગૂફામાં રહીને તપશ્ચર્યા કરી હતી. આજે પણ અહીં તેમનો ફોટો છે. સાથે ગૂફાની અંદરના ભાગમાં હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. ઘણાં લોકોનું એવું પણ માનવું છે કે આ ગૂફાઓમાંથી જ એક ભોંયરું છે જેના દ્વારા માણેકનાથ અમદાવાદ જતાં હતાં. તો ઘણાંનું એવું માનવું છે કે અમદાવાદની સ્થાપના સાથે જોડાયેલા માણેકનાથ સાથે આ જગ્યાને કોઈ સંબંધ નથી.

અહીં ટ્રેકિંગ થઈ શકે તે રીતે સુંદર પ્રાકૃતિક વિસ્તાર છે. પરંતુ ધ્યાન રહે, યોગ્ય બૂટ અને સાધનો વિના ગમે તેમ પત્થરો પર દોડવું થોડું જોખમી છે. કારણ કે ચોમાસાના સમયમાં લીલ બાજેલા પત્થરો પર ચાલવાથી ઘણીવાર લપસી જવાનો ભય રહે છે. ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં આવેલી એક-બે નાની નદીઓમાં સુંદર પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. કોઈ સ્થાનિકની સૂચના લઈને નહાવું હોય તો નહાવાની પણ મજા આવે તેવો આ વિસ્તાર દરેક પ્રવાસીને સંતોષ અને સાહસ બક્ષે છે. આ વિસ્તારમાંથી પાછા વળતી વખતે ધરોઈ ડેમની પણ મુલાકાત લઈ શકાય છે. સમગ્ર અમદાવાદ અને મહેસાણાની પ્રજાને પીવાનું પાણી આપવા માટે ધરોઈ ડેમ બાંધવામાં આવ્યો. ધરોઈ ડેમ જોવા માટે ટિકિટ લેવી પડે છે. ટિકિટ લઈને પોતાના વાહનમાં બેસીને ધરોઈ ડેમ જોઈ શકાય છે. ચોમાસા દરમ્યાન નદી બંન્ને કાંઠે વહેતી હોવાથી આ ડેમનો નજારો અભૂતપૂર્વ હોય છે. જ્યારે ઉનાળામાં ડેમમાં પાણી ન હોવાના કારણે વાહનોની અવરજવર થતી જોવા મળે છે. અમદાવાદથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર અવેલા આ વિસ્તારમાં વડનગરથી લઈને માણેકનાથની ગૂફા અને તારંગ તિર્થના કુદરતી સ્થળોને જોઈ શકાય છે. આ વિસ્તારમાં નિરવ શાંતિ છે. ટ્રેકિંગના શોખીનો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. લગભગ સુરક્ષિત કહી શકાય તેવા આ વિસ્તારમાં માત્ર રાત્રે થોડી સાવધાની રાખવી પડે તેમ છે. જો કે હવે પોલીસના સઘન બંદોબસ્ત અને કડક વલણને કારણે અંબાજીથી લઈને દાંતાની આસપાસના વિસ્તારોમાં થતી ગૂનાખોરીને ઘણાં અંંશે નિયંત્રિત કરીને આ વિસ્તારને ભયમુક્ત કરવામાં આવ્યો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED