Chalo Farie 1 books and stories free download online pdf in Gujarati

ઈડર અને વિજયનગરના જંગલો

ચાલો ફરીએ

ઈડર અને વિજયનગરના જંગલો

ભાગ - ૧

-ઃ લેખક :-

કિન્ટુ ગઢવી


E-mail :- kintugadhvi@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકૃતિ, સંસ્કૃતિ અને પ્રવૃત્તિથી ભરપુર પ્રવાસન સ્થળ

ઈડર અને વિજયનગરના જંગલો

ગુજરાતની ધરા પર સાંસ્કૃતિ પ્રવાસનનો વારસો પણ અનેરો છે. એ માટે વાંચન સાથે થોડી દ્રષ્ટિ કેળવાય તો ગુજરાતમાં સાંસ્કૃતિક પ્રવાસન પણ સુંદર રીતે વિકસી શકે તેમ છે. આજે ગુજરાતના એક એવા વિસ્તારની વાત કરવી છે જે મુખ્ય શહેર અમદાવાદથી માત્ર દોઢસો કિલોમીટરના અંતરે છે છતાં આ વિસ્તારમાં ફરવા માટે ત્રણથી ચાર દિવસ આપીએ તો પણ ઓછા છે. ગુજરાતનો સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર સામાન્ય રીતે પછાત જિલ્લાઓમાં ગણાય છે. ગુજરાતનું પ્રવાસન સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વિકસ્યુ છે. પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ પ્રકૃતિ, સંસ્કૃતિ અને પ્રવૃત્તિથી ભરપુર પ્રવાસના બે રુટ છે જેની વાત આ લેખમાં કરીએ જેથી પ્રવાસના શોખિન એવા ગુજરાતીઓ પોતાના વિકેન્ડમાં આ રુટનો લખલૂટ લાભ લઈ શકે.

અમદાવાદથી હિંમતનગર જવાના રસ્તે ગુજરાતનો સૌથી પ્રાચીન વડ મહાકાળી વડ ચિલોડાથી માત્ર પંદર કિલોમીટરના અંતરે આવેલો છે. આ જ રસ્તે નેશનલ હાઈવે આઠ દ્વારા હિંમતનગર પહોંચી શકાય. હિંમતનગરથી પહોંચીને રોડાના પક્ષી મંદિર અને તેની આસપાસ આવેલા પ્રાચીન મંદિરોની મુલાકાત લઈ શકાય. ખારી નદીના કિનારે આવેલા આ મંદિરો છસો વર્ષ જૂના હોવાનું મનાય છે. આસપાસ દૂર અરવલ્લીના ડુંગરાઓ અને નિરવ શાંતિ આ જગ્યાને વધુ સુંદરતા બક્ષે છે. રોડાના પક્ષી મંદિરની મુલાકાત લીધા પછી ૨૫ કિ.મીના અંતરે ઈડર જઈ શકાય. ઈડર એટલે એક જમાનામાં રાજસ્થાન અને ગુજરાતને અલગ પાડતું રાજ્ય હતું. અહીંના રાજવીઓએ બંંધાવેલ ઈડરિયો ગઢ આજે પણ જર્જરીત હાલતમાં મોજૂદ છે. ઈડરિયા ગઢનું ચઢાણ સરળ છે. અહીં ઈડરના પહાડો પર ચઢ્યા બાદ તમે આખા ઈડરનો સુંદર નજારો જોઈ શકો છો. પરંતુ ખાસ ધ્યાન રહે કે ઉનાળામાં આ જગ્યાએ ખૂબ ગરમી હોય છે. ડુંગર પર ચઢતા જ સુંદર તળાવ અને તેની આસપાસ બે જૈન મંદિરો અને હિંગળાજ માતાનું મંદિર આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. અરાવલ્લીની ગીરીમાળાઓમાં ઈડરના ડુંગરોનું આગવું સ્થાન છે. અહીં પહાડોની એક ટોચ પર રણમલ ચોકી આવેલી છે. જયાં પહોંચીને આખા ઈડરની આસપાસ આવેલા અરાવલ્લીના પહાડોને નીહાળી શકાય છે. યુવાનો અહીં ખાસ ટ્રેકિંગ કરવા આવે છે.

અહીંથી પાંચ કિ.મી દૂર આવેલા લાલોડા નામના ગામે તો સુંદર પથ્થરોના ડુંગરો સૌ કોઈ આગંતુકને આકર્ષે છે. અમિતાભ બચ્ચને જ્યારે પોતાની ફિલ્મ કભી કભીનો આલ્બમ રિલોંચ કર્યો હતો ત્યારે એ આલ્બમમાં ઈડરના ડુંગરોને ફિલ્માવવામાં આવ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કહ્યું હતું. અમિતાભ બચ્ચને આ ડુંગરોની ગુફાઓમાં બેસીને કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ...ગાયું હતું. છેને રસપ્રદ વાત ! આજે પણ રાકેશ ઓમ પ્રકાશ મહેરા આ પ્રસંગને યાદ કરીને ગદગદીત થઈ જાય છે. આસપાસ ગ્રેનાઈટના પહાડો અને દરેક પહાડોના વિશાળ ગોળાકાર પત્થરો અને હાથમતી નદીના કિનારે શ્રુંખલાબંધ પત્થરોની કવિતા એટલે ઈડર. ઈડરમાં દાલબાટી, દાબેલી અને બેકરી આઈટમો સારી મળે છે. કોઈ સ્થાનિક સાથે વાત કરીને પૂછીને આ વાનગીઓનો રસાસ્વાદ માણી શકાય. એક જમાનામાં લાકડાના રમકડાં બનાવતા સંઘાડા કારીગરો માટે ઈડર સ્વર્ગ ગણાતું. ઈડરના સંઘાડા કારીગરો આખા ગુજરાતના બાળકો માટે આકર્ષક રમકડાં બનાવતા. પરંતુ આજે ચાઈનીઝ રમકડાંના આગમન પછી આ રમકડાંનું માર્કેટ ઘટ્યું છે. છતાં આ કારીગરો હાથ બનાવટના સુંદર કલાત્મક રમકડાં બનાવે છે. જેને જોવા માટે દેશવિદેશથી લોકો આવે છે. રમકડાંની સાથે કેટલાંક કારીગરો શોપીસ અને પાટલી વેલણ જેવા ઘરઉપયોગી સાધનો બનાવવા તરફ વળ્યા છે. ઈડર ગામમાંથી લગભગ ચાર કિ.મી આગળ જઈએ એટલે ઘંટીયા પહાડ નામનો એક પહાડ આવે છે. અહીં ગાંંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્દ રાજચંદ્રએ તપસ્યા કરીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. શ્રીમદ્દે અહીં એક પત્થર પર બેસીને આધ્યાત્મની ઊંચાઈઓ સર કરી હતી. આ જગ્યા ખૂબ જ શાંત છે. અહીં પત્થરોમાં અનેક ગુફાઓ આવેલી છે. જ્યાં શહેરથી આવીને લોકો તપશ્ચર્યા કરે છે અને મનની શાંતિ મેળવે છે. શહેરની ચહલ પહલથી દૂર આ જગ્યા એકદમ નિરવ અને પ્રાકૃતિક છે. અહીં રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા છે. પરંતુ આવતા પહેલા અમદાવાદના પાલડીમાં આવેલા શ્રીમદ્દ રાજચંદ્રના કેન્દ્રમાંથી મંજુરી લઈને આવવું જરૂરી છે. આમ ઈડરનો વિસ્તાર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે.

હવે થોડા માનવવસ્તીથી દૂર એટલે કે અહીંથી માત્ર ચાળીસ કિ.મીના અંતરે આવેલા પોળોના જંગલો તરફ પ્રયાણ કરીએ. ઈડરથી અંબાજી જવાના રસ્તે લગભગ બાર કિ.મી પછી ત્રણ રસ્તા આવે છે. આ ત્રણ રસ્તા માથાસુર ગામ પછી આવે છે જ્યાંથી પોળોના જંગલો તરફ જઈ શકાય. પોળોના જંગલોમાં છસો વર્ષ જૂના નગરના અવશેષો આજે પણ મોજુદ છે. આજે પણ મંદિરોના અવશેષો અને સુંદર પહાડોનું કોમ્બિનેશન દક્ષિણ ભારતમાં આવેલા હમ્પિની યાદ અપાવે છે. છસો વર્ષ પહેલા અહીં વિજયનગરની પ્રાચીન નગરી હતી. અહીં મહેલો હતા, કિલ્લાઓ હતા, શેરીઓ હતી અને સુંદર મંદિરો હતો. આ વિસ્તારમાં આજે પણ પાંચ પાંચ મંદિરોથી બનેલા સુંદર સંકુલો છે. વેરાન વડલા વચ્ચે આવેલું સદેવંત સાવળીંગાનું દેરુ તો એટલું સુંદર છે કે વડલાની શાખાઓએ આ મંદિરને પોતાના બાહુપાશમાં જકડી લીધું છે. વિદેશથી આવતા મુસાફરો અને શહેરના યુવાનો પોતાના કેમેરામાં આ દ્રશ્ય ક્લિક કરવાનું ચુંકતા નથી. સદેવંત સાવળીંંગાના દેરાથી થોડા આગળ વધીએ એટલે શારણેશ્વરનું મંદિર આવે છે. શારણેશ્વર આ વિસ્તારનું અતિ પ્રાચીન શિવમંદિર છે. શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની લાંબી ભીડ જામે છે. જંગલમાં અંતરીયાળ ભાગે પોળોના મુખ્ય મંદિરો આવેલા છે. આ અહીં એક મોટુ દેરાસર સૌ કોઈને આકર્ષે છે. ખાસ તો આ મંદિરની જાળીઓ ખૂબ જ આકર્ષક છે. દરેક મંદિરની મૂર્તિઓ આક્રમણખોરો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. આજે પણ જર્જરીત આવસ્થામાં પહાડોની વચ્ચે દેખાતા આ મંદિરો ગુજરાતની ભવ્ય શિલ્પ પરંપરાનો આગવો ઈતિહાસ કહેતા જોવા મળે છે.

આ વિસ્તારમાં ૬૦ જેટલા રીંછ અને થોડા દીપડાઓ પણ છે. રાત્રે રોકાવાની વ્યવસ્થા પણ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે. પરતુ જમવા માટે તમારે અગાઉથી જણાવવું પડે. જેથી જંગલમાં રાત્રીની મજા પણ માણી શકાય. આ બધાં જ મંદિરો હરણાવ નદીના કિનારે આવેલા છે. હરણાવ નદીની આસપાસ સુંદર ઔષધિય વૃક્ષો પણ આવેલા છે. અહીં આવેલા આતરસુંબા ગામે સુંદર ઔષધીવન આવેલું છે જ્યાં ગુજરાતના તમામ પ્રકારના ઔષધીય વૃક્ષો અને છોડનું સંવર્ધન થાય છે. પોળોના જંગલોનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. અકબર સામે યુદ્ધે ચઢેલા મહારાણા પ્રતાપ પણ પોતાના સંઘર્ષના સમયે થોડો સમય આ જંગલોમાં રહ્યા હતા અને અહીં તેમણે એક વિશાળ વડ નીચે આશ્રય લીધો હતો. આજે પણ આ વિસ્તારમાં આ વડ મોજૂદ છે. અહીંથી નજીક આવેલો વણજ ડેમ પણ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે. વણજ ડેમની આસપાસ ફોટોગ્રાફી કરવા માટે તમને સુંદર ઓબ્જેક્ટ મળી શકે છે. જેમ કે દૂર પહાડોમાં રહેતા આદિવાસીઓના નાના નાના ઘર, વિશાળ પહાડો અને હરણાવ નદીનું ખળખળ વહેતું પાણી. સાંજને સમયે ઢળતો સૂર્ય અને માછીમારી કરતા વનવાસીઓને જોઈને આ જગ્યાના દરેક દ્રશ્યોને ક્લિક કરવાનું મન થઈ જાય. આ વિસ્તારમાં પાછા ફરતી વખતે વિરેશ્વર મહાદેવની જગ્યાએ જવાનું ના ચૂકતા. વિરેશ્વર મહાદેવના પહાડ પર એક ઉંબરાના મૂળમાંથી સ્વયંંભૂ ઝરણું વહે છે. જે બારે માસ અસ્ખલિત વહ્યા કરે છે. એવા મનાય છે કે જ્યારે છપ્પનીયો દુકાળ આવ્યો ત્યારે પણ આ વિસ્તારની ગાયો આ પાણી થકી જીવતી રહી હતી. આજે અહીં મોટા પાયે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરેશ્વરની આસપાસ સુંદર મહુડાના વૃક્ષો અને પ્રકૃતિનું અફાટ સૌંદર્ય જોવા મળે છે.

આજે પણ આ વિસ્તાર શહેરીજનોથી ઘણો અલાયદો અને અજાણ્યો છે. એક સમય એવો હતો કે ફરવાના શોખિનોને મોલ મલ્ટિપ્લેક્સ વધુ આકર્ષતા હતા પરંતુ આજે શહેરી પ્રવાસીઓને વનરાજી અને ઝરણાંથી આચ્છાદિત પહાડો અને નદીઓ વધુ પસંદ છે. આ તમામ વિસ્તારમાં ટ્રેકિંગ કરી શકાય તેવી વ્યવસ્થાઓ છે. નદીઓના પાણીમાં વિચાર્યા વિના પડવું જોખમી છે. પરંતુ આંખોને આનંદ આપનારા કુદરતી દ્રશ્યો કોઈપણ પ્રવાસીને આ વિસ્તારમાં રોકી રાખવાનો પ્રયત્ન કરે છે.

અમદાવાદથી માત્ર દોઠસો કિ.મી દૂર અને મિત્રો સાથે એસયુવી કે મોટા વાહનમાં જઈ શકાય તેવા ઈડર અને પોળોના જંગલો ખરેખર કોઈપણ સંસ્કૃતિપ્રેમીએ માણવા જેવા છે. અહીં સંસ્કૃતિ અને પ્રકૃતિનો સુંદર સમન્વય છે. સાથે રસ્તામાં આવતી હોટલોમાં રાજસ્થાની અને ગુજરાતી વાનગીઓનો રસથાળ પણ આપણી જીભમાં વસી જાય તેવો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED