Gir : Sorthi Dhartinu Heer (Bhag-3) Kintu Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gir : Sorthi Dhartinu Heer (Bhag-3)

ગીર :

સોરઠી ધરતીનું હીર

ભાગ - ૩

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ગીરનો રસપ્રદ પ્રદેશ એટલે

સાસણ ગીર

સાસણ એક જમાનામાં શિકારના શોખીન રાજાઓ માટે સ્વર્ગ ગણાતું. ઇબ્રટિશ વાઈસરોય લોર્ડ કર્ઝને જ્યારે સિંહના શિકારનો પ્રતિબંધ મુક્યો ત્યારે આ વિસ્તારમાં પ્રથમવાર સિંહની વસ્તી વધારવાનો શ્રેય અંગ્રેજ સરકારને જાય છે. સાસણ ગીરના જંગલમાં બે રીતે સિંહ જોઈ શકાય છે એક તો નજીક આવેલા દેવળીયા પાર્કમાં સિંહને ફેન્સિંગ કરીને રાખવામાં આવ્યા છે. અહીં સિંહને સો ટકા ગેરેન્ટી સાથે જોઈ શકાય છે. એક બસમાં સામુહિક રીતે બેસીને સૌ કોઈ જંગલમાં જ સિંહ દર્શન કરી શકે છે. સાસણ ગીરમાં જ બે કલાકની સફારી દ્વારા પણ સિંહને માણી શકાય છે. જેમાં સિંહ જોવા મળશે જ એવી કોઈ ગેરેન્ટી નથી. મળી જાય તો મળી જાય અન્યથા નિરાશ મને પાછા પણ આવવું પડે. જો કે સિંહ જોવા આવનારા બંન્ને પ્રકારે પૈસા ખર્ચીને પણ સિંહ દર્શન કરે છે. ઘણાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારા ખોટા પ્રલોભનો આપે છે પરંતુ આ રસ્તો કાયદાકીય રીતે અને સુરક્ષાની રીતે જોખમી છે.

સાસણનું જંગલ ગીરનારની પાછળના ભાગમાં આવેલું છે. જો કે ગીરનારની આસપાસ પણ વીસેક જેટલા સિંહ તો છે જ. સાસણનો વિસ્તાર તુલસીશ્યામ અને જામવાળા ગીર કરતાં ઓછો ગીચ છે અને કાંટાળા ઝાડ વિનાનો છે. અહીં સિંહને ફરવા માટેના ખુલ્લા મેદાનો પણ છે. સાસણ પાસે એક અનોખો ગામ છે, જામ્બુર. જામ્બુર સીદીઓનું ગામ છે. મૂળ આફ્રિકાથી આવેલા સીદીઓ જામ્બુર અને શીરવાણ નામના ગામોમાં વસેલા. બાબી રાજાઓએ ખાસ સિંહના શિકાર માટે સીદીઓને આફ્રિકાથી જુનાગઢ બોલાવ્યા હતા. જો કે અહીંના ૧૯ જેટલાં ગામોમાં સીદીઓની વસ્તી છે. જેમાં જામ્બુર અને શીરવાણ ગામ મુખ્ય છે. અહીંના સીદીનું ધમાલ નૃત્ય સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. થોડા સીદીઓ ભરુચ જિલ્લામાં પણ રહે છે. ગુજરાતમાં આ બંન્ને પ્રદેશના સીદીઓ ધમાલ નૃત્ય કરે છે. મોટા ભાગના સીદીઓ અહીં કેસર કેરીના ખેતરોમાં મજૂરીનું કામ કરે છે.

સાસણ ગીરમાં પણ ચારણો અને આહિરોના નેસ છે. દરેક નેસમાં સુંદર ભાતીગળ વસ્ત્રો અને જીવનશૈલીનો અનુભવ થાય છે. આ વિસ્તારમાં પરવાનગી વિના જવું ગેરકાયદેસર ગણાય છે. અમિતાભ બચ્ચને આ વિસ્તારનો પ્રચાર-પ્રસાર કરીને આજે સમગ્ર ભારતના પ્રવાસીઓને અહીં આવતા કરી દીધા છે. આજે આ વિસ્તારમાં ફાઈવ સ્ટાર હોટલોથી માંડીને સામાન્ય હોટલોની પણ સુંદર સુવિધા છે. અનેક લોકો સિંહ દર્શન માટે સવારના પ્હોરથી જ લાઈનમાં ઊભા રહી જાય છે. સાસણમાં ગીરના અન્ય વિસ્તારો કરતાં વધુ ભીડભાડ છે. છતાં અહીં વન વિભાગની વ્યવસ્થાના કારણે સિંહ જોવાના ચાન્સીસ વધુ છે.

સાસણથી લગભગ વીસેક કિલોમીટર દૂર તાલાળા આવેલું છે જ્યાંની કેસર કેરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વખણાય છે. કેસર કેરીની ખાસિયત એ છે કે બહારથી તે લીલા રંગની હોય છે પરંતુ કાપ્યા બાદ અંદરથી કેસરી રંગની અને ગળી મધ જેવી હોવાથી આ કેરીને કેસર કેરીની ઓળખાણ મળી.સાસણ ગીર પાસે જ કમલેશ્વર ડેમ આવેલો છે. આ વિસ્તારમાં ચોમાસુ સોળે કળાએ ખીલે છે. કમલેશ્વર ડેમમાં મગર ઉછેર કેન્દ્ર છે તદ્દુપરાંત અહીં ડેમમાં પણ અનેક મગરો જોઈ શકાય છે. કમલેશ્વર ડેમની આસપાસ પણ સિંહોની વસ્તી છે. સાંજના સમયે અહીં સિંહ પાણી પીવા માટે અચૂક આવે છે. રાતના સમયે અહીં દીપડા પણ દેખા દે છે. ગીરના પ્રત્યેક વિસ્તારમાં સુંદરતા છે. ફૂલોની સુંદર શ્રેણી છે. આ જ ભાગમાં ગીરના એક નાનકડાં વિસ્તારની પણ ચર્ચા કરી લઈએ. ધારીથી ખાંભા જતાં જ ગીરનો એક નાનકડો ભાગ એટલે મીતિયાળા ગીર. વન વિભાગ દ્વારા અહીંના આઠ ચોરસ કિલોમીટર વિસ્તારને વિકસાવવામાં આવ્યો છે. મિતીયાળઆ ગીર પાસે મિતીયાળા ગામ પણ આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા રહેવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે જે માત્ર સરકારી અધિકારીઓ પૂરતી જ સીમિત છે. અહીં ફોરેસ્ટના રેસ્ટ હાઉસ પાસે જ ઘણીવાર રાતના સમયે સિંહ બેઠેલા જોઈ શકાય છે. તો આ વિસ્તારની પક્ષી સૃષ્ટિ પણ વિશાળ અને નિરાળી છે. મિતીયાળા ગીર પાસેથી રાજૂલા શાણાના ડૂંગર પણ જઈ શકાય છે આ વિસ્તાર પણ બૌધ્ધ સાધુઓ માટે એક જમાનામાં જાણીતો હતો. આજથી બે હજાર વર્ષ પૂર્વેની બૌધ્ધ ગુફાઓ પણ અહીં જોઈ શકાય છે. અશોકના સમયમાં અહીં શિલાલેખ પર ભગવાન ગૌતમ બુદ્ધની ગાથાઓ કંડારવામાં આવી હતી. આ પ્રદેશમાં આજથી બે હજાર વર્ષ પૂર્વે બૌદ્ધ સાધુઓએ પુષ્કળ સાધનાઓ કરીને આ ધરતીને પુણ્યથી પુુષ્ટ કરી છે જેના કારણે આ વિસ્તારમાં આજે પણ સંત અને શૂરાઓની ભૂમિનું ગૌરવ ખૂટ્યું નથી. ગીરના અનેક ગામડાંઓમાં અનેક વાતો છે, વૃતાંત છે અને સાચો સહવાસ છે. અહીંની ખમીરવંતી જાતિઓ જેવી કે લેઉઆ પટેલ, કાઠી દરબાર, આહિર અને ચારણોની ગાથાઓ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં સતત ઝળક્યા કરે છે. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યા પછી આ વિસ્તારને માણવો એક અનોખો લ્હાવો છે. જો કોઈ ગીર ફરવા જાય તો તેણે બે વસ્તુ ચોક્કસ વાંચવી જોઈએ એક તો સલીમ અલીનું પક્ષીઓ વિશેનું પુસ્તક અને બીજું ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર. આ બે પુસ્તકોથી અહીંના લોકજીવન અને પક્ષી જીવનનો સાચો અંદાજ આવી શકશે.

ઘણાં પક્ષીવિદોનું કહેવું છે કે ગીરમાં જો સિંહ ના હોત તો આ વિસ્તાર અઢીસોથી વધુ પ્રજાતિના પક્ષીઓથી પ્રચલિત હોય ગીરના નેસ, ગીરના ગીતો, ગીરના ગોહરો અને ગીરના ગોહરમાં આવેલા ચારણ દેવીઓના મંદિરો આ પ્રદેશને છોડવા નથી દેતો. તેમાં પણ જ્યારે ચોમાસુ બેસી જાય અને ગીરના ગોહરોમાંથી મોરલાના ટહૂકાઓ અને સાવજની ડણક સંભળાય ત્યારે અહીંના માલધારીઓના મુખમાંથી વહેતો મલકાટ અને ચળકાટ આપણને અહીં રહેવા માટે મજબૂર કરી દે છે. દરેક પ્રદેશની એક આગવી આભા હોય છે. દરેક પ્રદેશના પોતાના વિવિધ પાસાઓ છે. ગીર પાસે અનેક રંગો છે. માલધારીઓનો રંગ, સીદીઓનો રંગ, સિંહનો રંગ, ફૂલડાઓનો રંગ, નેસનો રંગ, અહીં જોવા મળતા હરણાંઓનો રંગ અને પાંદડે પાંદડે ટપકતાં વરસાદી અમી છાંટણાંનો રંગ. ઝવેરચંદ મેઘાણીએ આ જ વિસ્તારમાં ફરી ફરીને લોકવાર્તાઓ શોધી અને સમગ્ર ગુજરાતને વહેંચી. ગુજરાતનું ખમીર એટલે ગીર અને ગીરના પ્રત્યેક વિસ્તારની આગવી ઓળખાણ છે. ગીરની આસપાસ આવેલા અનેક સંત મંદિરો જેવા કે આપા દાના (ચલાળા), આપા ગીગા ( સત્તાધાર), તુલસીશ્યામ જેવી જગ્યાઓમાં આજે પણ નિઃશુલ્ક મહેમાનગતિની પરંપરા છે. અહીંના બોઘરણાંમાંથી ક્યારેય છાશ ખૂટી નથી અને ખૂટવાની પણ નથી. કોમર્શિયલાઈઝેશનનો રંગ અહીંની પ્રજાને પણ થોડા ઘણાં અંશે લાગી ગયો છે પરંતુ ધીમે ધીમે કુદરતની કમાલ પણ ફરી કામ કરશે.

એક સમયે પોરબંદર પાસે આવેલા બરડાના ડુંગરો અને ભાવનગર સુધી ગીરની સીમાઓ વિસ્તરેલી હતી પરંતુ ધીમે ધીમે આ વિસ્તાર માનવવસ્તી વધવાને કારણે માત્ર અમરેલી અને જુનાગઢ જિલ્લા પૂરતો સીમિત થઈ ગયો.

સાસણ ગીર જવા માટે સીધા જ જૂનાગઢથી જઈ શકાય છે. એ સિવાય પણ સોમનાથ મંદિરથી માત્ર ૪૫ કિલોમીટરના અંતરે આ વિસ્તાર આવેલો હોવાથી અહીંથી પણ જઈ શકાય છે. સાસણ ગીરની સાથે સાથે સોમનાથ મંદિરના પણ દર્શન કરીને લોકો એક જ દિવસમાં આ પ્રવાસ પૂરો કરે છે. અમદાવાદથી સાસણ ગીરનું અંતર લગભગ ૪૫૦ જેટલું છે. જૂનથી ઓગસ્ટ મહિના સુધી આ વિસ્તાર બંધ રહે છે. ચોમાસામાં ગીરના અંતરીયાળ રસ્તાઓ પર વાહનો પણ ચાલી શકતા નથી. ગીરના સિંહોને જોવા માટેનો એક માત્ર વિકલ્પ એટલે સાસણ ગીર. એશિયાયિક લાયનનું આખરી મુકામ એવા ગીરનો આ ત્રીજો અને છેલ્લો હપ્તો પૂર્ણ થાય છે.