Safaltani Vato books and stories free download online pdf in Gujarati

Safaltani Vato

સફળતાની વાતો

ટ્રેક્ટર પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવની દુર્ગમ બર્ફિલી યાત્રા

કિન્તુ ગઢવી



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ટ્રેક્ટર પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવની દુર્ગમ બર્ફિલી યાત્રા

સાહસ વૃત્તિ દરેક વ્યક્તિમાં ઓછા વત્તા અંશે પડી જ હોય છે પરંતુ ઘણાં વ્યક્તિઓ તેમના જીવનમાં કંઈ વિશેષ કામ કરીને પોતાના હતાશ મનને પૂર્ણ રીતે સાબિત કરીને જીવનને સાચી રીતે જીવી જાય છે. આ લેખમાં જેની વાત છે તે નેધરલેન્ડ જેવા યુરોપિયન દેશમાં રહેતી મેનોન ઉસરવર્ટની છે. ઉસરવુર્ટે તેની યુવાનીનો ઉપયોગ રોમાન્સ કે ગ્લેમરમાં નહીં પરંતુ અપૂર્વ સાહસ માટે કર્યો. મેનોન એક જમાનામાં નેધરલેન્ડની જાણીતી હીરોઈન હતી પરંતુ આજે સમગ્ર વિશ્વના આલા દરજ્જાના સાહસિકોમાં મેનોનનું નામ જાણીતું છે. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવનો દુર્ગમ પ્રવાસ મેનોને એક ટ્રેક્ટર ચલાવીને કર્યો છે. હજ્જારો કિલોમીટરનો ટ્રેક્ટર પરનો પ્રવાસ વિશ્વ પ્રવાસ કરતાં પણ અઘરો કહી શકાય. કારણ કે આ પ્રવાસ મેનોને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ જવા માટે કર્યો છે. જે આજના સાહસિકો માટે પણ એક નવી વાત છે. સામાન્ય રીતે પૃથ્વીની પ્લેનમાં પ્રદક્ષિણા કરનારા અનેક લોકો વિશે આપણે સાંભળતા આવ્યા છીએ. ઘણાં તો પ્લેનમાં વિવિધ પ્રવાસો કરીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો લ્હાવો લઈને સરળતાથી એક સાહસ કર્યાની વાતો વહેતી કરે છે. એક અવકાશયાત્રી પણ સહજ રીતે પોતાની કરિયરમાં સ્પેસક્રાફ્ટમાં બેસીને અનેકવાર પૃથ્વીના ચકકરો લગાવવાની વાત બહુ સહજતાથી કરે છે.

પરંતુ ટ્રેકટર પર બેસીને અનેક દિવસો બાદ પૃથ્વીના ઉપરના બર્ફિલા છેડા (આર્કટિક - ઉત્તર ધ્રુવ )થી નીચેના બર્ફિલા છેડા ( એન્ટાર્કટિકા-દક્ષિણ ધ્રુવ) ઉપરોક્ત તમામ સાહસોની તુલનામાં અનેકગણો કપરો છે. ૩૮ વર્ષીય મેનોન ઉસરવુર્ટે આ પ્રવાસ શરુ કરી દીધો છે અને તે ટ્રેકટર લઈને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જવા માટે પ્રયાણ કરી રહી છે.

એક જમાનાની ડચ હીરોઈન મેનોન તેની યુવાનીમાં તમામ મોરચે સફળ થઈ પરંતુ ગ્લેમરની દુનિયામાં શરૂઆતમાં સફળતા અને પછી નિષ્ફળતા સાંપડવા લાગી ત્યારે મેનોન પણ ડિપ્રેશનના દરિયામાં ગરકાવ થઈ ગઈ. અનેક મહિનાઓ સુધી મેનોન ડિપ્રેસ રહી. આખરે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તેણે સૌપહેલા તો તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડી દીધી અને એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવવાનું શરૂ કર્યું. મેનોનને ડ્રાઈવિંગ કરવું ખૂબ ગમતું હતું અને એ કારણથી તેણે એક દિવસ ટ્રેકટર પર હાથ અજમાવ્યો. મેનોનને ટ્રેકટર ચલાવવાની મજા આવી. તેણે આખા નેધરલેન્ડનો પ્રવાસ ટ્રેક્ટર પર કર્યો. પોતાની સાહસ યાત્રા સાથે મેનોને નેધરલેન્ડની કંપનીઓમાં મોટિવેશનલ પ્રોગ્રામ શરુ કર્યા. તેને સતત લાગ્યા કરતું કે કોઈ મોટું સાહસ કરીને અનેક ડિપ્રેશનના દર્દીઓને એક વાતની સાબિતિ આપવી જોઈએ કે જીવનમાં કશું જ અશક્ય નથી. હોલેન્ડમાં મહિલાઓ પણ ટ્રેકટર ચલાવે છે. અહીં બરફની ઋતુમાં મહિલાઓ ટ્રેકટર લઈને આસપાસનો બરફ સાફ કરે છે. મેનોને પણ ટ્રેક્ટર પર હાથ અજમાવતી અને નેધરલેન્ડના લાંબા પ્રવાસો કરતી. લાંબા પ્રવાસ દરમ્યાન મેનોને એકવાત નક્કી કરી કે કોઈપણ પ્રવાસમાં મિકેનિકને સાથે રાખવો પડે અથવા તો જાતે મિકેનિક બનવું પડે. લાંબા પ્રવાસ પછી ટ્રેકટરને પંચર પડે કે બીજી કોઈ તકલીફ થાય ત્યારે રસ્તામાં એકલા હાથે કામ કરવાની ટેવ પાડવી તેના માટે જરૂરી હતી. આખરે થોડા મહિનાઓ બાદ મેનોન ટ્રેકટર ચલાવવા સાથે સાથે ટ્રેકટર રીપેર કરતાં પણ શીખી ગઈ. હવે મેનોનનું ટ્રેકટર ક્યાંય અટવાતું નહીં. એ સમયે મેનોન તેના એક પાયલોટ મિત્ર ઉસરવુર્ટના સંપર્કમાં આવી. બંંન્નેએ એકબીજાને પસંદ કર્યા અને વાત લગ્ન સુધી પહોંચી. લગ્ન પહેલાં પણ તેના પતિને મેનોનના તમામ સાહસની વાતો ખબર હોવાને કારણે તેણે મેનોને તમામ મોરચે સાથ આપ્યો. હવે એક જ ઘરમાં પતિ પ્લેન ચલાવે અને પત્ની ટ્રેક્ટર. નેધરલેન્ડની રોજબરોજની ખબરોમાં મેનોન વિશે રોજ નવી નવી સાહસ કથાઓ ઉમેરાવા લાગી. સમગ્ર યુરોપને મેનોને ટ્રેક્ટર પર બેસીને જોયું. મેનોનની ઈચ્છા એ હતી કે આખા વિશ્વને લોકો પ્લેનમાં બેસીને જોવે છે. પરંતુ ટ્રેક્ટરની ધીમી ગતિએ વિશ્વને જોતાં જોતાં લોકોની સાચી પરિસ્થિતિ અને સંસ્કૃતિની ખબર પડે. ટ્રેક્ટર એવું વાહન છે જે રસ્તે, રણમાં અને બરફમાં પણ સરળતાથી ચલાવી શકાય. જ્યાં કિચડ હોય ત્યાં પણ ટ્રેકટરના ટાયર સાથે રીંગ ફ્રેમ ભરાવીને ચલાવી શકાય છે. મેનોનનું મન હવે તો મેનોન માટે સ્વિત્ઝરલેન્ડના પહાડો, સ્કોડલેન્ડના ગગનચુંબી મહેલો, ઈટલીના સુંદર ગામો તરફ મિટ માંડતું. તો બીજી તરફ આફ્રિકાના જંગલોમાં પણ મેનોનનું ટ્રેકટર ફરવા લાગ્યું. રોજના દસથી વીસ કિલોમીટરની ઝડપે મેનોન અંદાજે દોઢસોથી બસો કિલોમીટરનો પ્રવાસ કાપતી અને માનસિક આનંદ લેતી. મેનોનનો જીવન જ એક પ્રવાસ બની ગયો હતો. રસ્તામાં આવતી નદીઓ, ઝરણાંઓ, પહાડો અને જંગલો મેનોનનું ઘર બની ગયા હતા. એક પછી એક ગામ આવે લોકો બદલાય, પાણી બદલાય, પર્યાવરણ બદલાય અને મેનોનનું મન આ બધો જ કુદરતનો કરિશ્મા જોયા કરે. અત્યાર સુધી મેનોન હજ્જારો કિલોમીટરની યાત્રા કરી ચૂકી હતી અને નેધરલેન્ડના અખબારોમાં તે ટ્રેક્ટર ગર્લ તરીકે જાણીતી થઈ ગઈ હતી. ૨૦૧૪ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં મેનોને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવનો પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી. ૨૦મી નવેમ્બરના રોજ તેણે આર્કટિકના નોવો બેઝથી પ્રવાસ શરૂ કર્યો અને તે આ પ્રકારનું સાહસ કરનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ બની. અત્યાર સુધીમાં કોઈએ આ રીતે આ પ્રકારનો પ્રવાસ કર્યો નથી. માત્ર આર્કટિકમાં જ તેનો પ્રવાસ ૪૫૦૦ કિલોમીટરનો છે. મેનોનનું શરીર ઘણું કસાયેલું છે. તેણે પ્રેગ્નેન્સીમાં પણ ટ્રેક્ટર ચલાવીને પોતાના મક્કમ મનોબળનો પરિચય આપ્યો. હાલમાં તેનો પતિ તેના પુત્રને સાચવે છે. વચ્ચે વચ્ચે કોઈ મોટું શહેર આવે ત્યારે મેનોનનો પતિ તેના બાળકને લઈને માતાને મળવા માટે લઈ આવે છે. આગામી થોડા જ મહિના બાદ મેનોન એન્ટાર્કટિક પહોંચીને સમગ્ર વિશ્વ સમક્ષ પોતાના સાહસની જાહેરાત કરશે. તેણે ટ્રેકટરમાં બે ટાઈમ કેપ્સુલ પણ રાખી છે. જેમાંથી એક ટાઈમ કેપ્સુલ તેણે ઉત્તર ધ્રુવમાં મૂકી છે જ્યારે બીજી દક્ષિણ ધ્રુવમાં મૂકશે. આ બંન્ને ટાઈમ કેપ્સુલ તે જમીનમાં ડાટશે જેથી આ વિસ્તારમાં ફરીવાર કોઈ આવે તો તેને આ વિસ્તારની તમામ માહિતી મળી રહે. મેનોન ઉસરવુર્ટે જ્યારે પોતાનો દુર્ગમ પ્રવાસ શરૂ કર્યો ત્યારે યુરોપના છાપાઓએ તેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન મેનોને એક જ વાત જણાવી હતી...જીવનની પ્રત્યેક ક્ષણ કિંમતી છે, પ્રત્યેક ક્ષણને માણો, જીવન ફરી નથી મળવાનું, લોકોને મળો, લોકોને પ્રેમ કરો. જીવનમાં લોકોને અનેક તકલીફો છે. આપણે સૌથી સુખી છીએ એવું માનીને કુદરતના આભારી બનીએ. મેનોન પોતાના પ્રવાસમાં ખાસ આફ્રિકામાં આવેલા ઈબોલા વાઈરસની બીમારીથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી. રોગથી પ્રભાવિત લોકો, વિશ્વના શહેરો, વિશ્વની વિશેષતાઓ, ભાષાઓ, આખા વિશ્વમાં રહેતા માનવોની સામાન્ય વાત મેનોનને આકર્ષે છે. મેનોન સમગ્ર યુરોપમાં ટ્રેકટર ગર્લ તરીકે જાણીતી છે આ વાત જાણીને ટ્રેકટર બનાવતી જાણીતી કંપની મેસી ફર્ગ્યુઝને મેનોનને આ પ્રવાસ માટે સ્પેશ્યલ ટ્રેકટર અને સમગ્ર પ્રવાસની સ્પોન્સરશીપ આપી છે.

એક જાણીતી શાયરી છે કે,ખુદ હી કો કર બુલંદ ઈતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે કી બતા તેરી રઝા ક્યા હૈ...મેનોન પોતાની જીવન યાત્રાને સમયસર પરિવર્તિત કરીને આફતને અવસરમાં ફેરવી. એક વ્યક્તિ ડિપ્રેશનના દરિયામાં ડૂબી જાય છે અને પોતાની જાતને અંધારામાં જોવે છે. પરંતુ જો હિંમતથી એક વ્યક્તિ તેના જીવનમાં આગળ વધે તો કશું જ અશક્ય નથી. એક વર્ષના બાળકની માતા મેનોન, એક હીરોઈન રહી ચૂકેલી મેનોન જો સમગ્ર વિશ્વમાં ટ્રેકટર ચલાવીને પોતાની શક્તિનો પરિચય આપી શકતી હોય તો આપણે પણ આ ઉદાહરણને જાણીને આપણી અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને જગાડીને જીવનના સાચા આનંદને શોધવો જોઈએ. માત્ર પૈસાને જ નહીં પરંતુ જીવનને મહત્ત્વ આપવું એમાં જ જીંદગી જીવવાની સાચી સમજદારી છે. આપણે સફળતાને પૈસાના મૂલ્યથી માપીએ છીએ પરંતુ પૈસા એ તો સફળતાની બાયપ્રોડક્ટ છે. પૈસાથી ચોક્કસ ઘણું બધું ખરીદી શકાય છે પરંતુ માત્ર પૈસા આપણને આનંદ આપી શકતા નથી. કદાચ એટલા માટે જ પૈસા અને ગ્લેમરથી છલકતી જીંદગી છોડીને મેનોને ટ્રેકટર પસંદ કરીને વિશ્વનો રાહ અપનાવ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED