Paan Kharyu-ne Pagla Akbandh books and stories free download online pdf in Gujarati

પાન ખર્યું ને પગલા અકબંધ



પાન ખર્યું ને પગલા અકબંધ

* ઘનશ્યામ ગઢવી *

મુદ્રકઃ ગુજરાતી પ્રાઈડ ઈ-બુક, અમદાવાદ.

ટાઈપ સેટીંગઃ પાર્થવી ગ્રાફિક્સ, અમદાવાદ. મો.૯૬૮૭૧૬૧૦૨૧




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પાન ખર્યું ને પગલા અકબંધ

માણસ નામે ઝેર હવે તો વિસ્તર્યું છે હે ખાંધીયા

ચેત તું ચેત હવે તો હવા પાણીના

પણ પૈસા લેવા લાંબી લાઈનો છે

માટે આંખો ફોડીને જો.

પણ ખાંધિયા -

હવે તો આંખો ફોડીને જોવાની

શક્તિયે તારામાં ક્યાં રહી છે ?

તારી પાંપણનો એક એક વાળ

હવેના યુગમાં બની જતા ચમચા

નામના શબ્દનું વૃક્ષ બની ગયું છે.

તું કદાચ પાંપણ તોડી નાંખે તો તો બેહુદો છછુંદરો લાગે

- છછુંદરો પણ પાંપણ તો તું તોડી જ ન શકે તારે તો રૂપાળા

- સ્માર્ટ દેખાવું છે ને લોકોને ભ્રમામં નાંખવા છે.

માટે હે વાનરમુખા - ખાંધિયા ચેત તું ચેત પણ તું નહિ ચેતે

- તારી ઇચ્છા બોલવાની-બકબક કરવાની છે.

બકીને ભસીને તારે તો એટલું જ કહેવું છે ને કે,

ભાઈ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

પણ પાછી તારી ઇચ્છા ગાવાની પણ ખરી તું તો

ગાવા લાગે ને પાછો કહેવાનો કે,

‘રઘુપતિ રાઘવ રાજારામ...’

પણ ખાંધીયા આમ ગાવાથી કે બોલવાથી

કોયલકંઠા નહિ બની શકાય હોં.

તું તારે બોલ અને ગા

આંખ ફાડવાને બદલે ગળું ફાડ પછી તું જો -

ગળું ફાડવામાંય કેવી મઝા આવે છે.

પણ, ખાંધીયા મને તારી દયા આવે છે દયા

કારણ... કારણ કે

તું હવે મારામાંય પૂરેપૂરું

માણસ નામનું ઝેર બનીને વિસ્તરી રહ્યો છે.

***

ઇતિહાસ રચાય કે ઇતિહાસ ભૂંસાય એમાં

મારા ને તમારા બાપાનું શું ગયું ?

પૃથ્વીને ગોળ થઈને ફરવું હોય

તો ભલે ફરે બાકી ચોપાટ હોત

તોયે

તમે ને હું સુધરત તો નહીં જ.

તો પછી મૂકોને કડાકૂટ ને માથાકૂટ

સીધો જ લોવ સાવ સહેલો હિસાબ એક ને એક બે

બે ને બે ચાર ચાર ને ચાર આઠ

લો કારણ વગર સાચો હિસાબ બતાવીને

જાણે ગંભીર વાત કહેવાનો હોઉં

તેમ સાંભળતાં કરી દીધાને ? બાકી

આપણે તો માત્ર બકવાસ હોં !!

બોલી બોલને બોબડા શબ્દોને દોડતા કરી દીધાં

ને લખી લખીને લંગડા અક્ષરોને ચાલતા કરી

દીધાં પણ આપણે ઊભા ન થઈ શક્યા

ફસ દઈને ફસ... બેસી ગયા

હાથ બાંધી દીધા

મોઢું પાડી દીધું આંખ ઢાળી દીધી

ને ઉતરી પડેલા પેન્ટને ખાલી ખાલી

ચઢાવી દીધું ટાઈમ પાસ કરવા -

લો સીધી જ ગણતરી કે વાત કરીએ આપણે ટાઈમ પાસ

કરવા કંઈ ને કંઈ અવળું સવળું તો બોલવું જોઈએ ને ?

***

ત્યાં - ઝુંપડપટ્ટીના એક ખુલ્લા ભાગમાં

ભજન કીર્તન ગવાતા હતાં ત્યાં એકે ઊભા થઈ કહ્યું આ વ્યર્થ છે.

બે ચારે તેની નજીક જઈ ડરાવી બેસાડી દીધો.

એક સમયે મહોલ્લાની દીવાલો ઉપર સૂત્રો

લખાઈ રહ્યાં હતાં ત્યારે તેણે કહ્યું - આ વ્યર્થ છે.

કેટલાંક તેની નજીક જઈ ધમકાવી ચૂપ કરી દીધો.

એક સાંજે સફેદ વસ્ત્રમાં એક ભાઈ ભાષણ આપતાં હતાં.

ત્યારે તેણે કહ્યું આ વ્યર્થ છે - ઝેર છે

બેચાર તેની નજીક ગયા ને જેલમાં લઈ ગયાં

રાત્રિના આછા અજવાશમાં જેલની દીવાલો પર ચોપાઈ

- સૂત્રો વાંચતાં જે જોરથી બોલવા લાગ્યો

- આ વ્યર્થ છે - નકામું છે - ઝેર છે કેદીઓ ઊભા થયા

- મારવા લાગ્યા પોલીસ આવી પહોંચી - ફટાફટ મારવા લાગી.

ડૉક્ટર આવી પહોંચ્યા - તરત દવા આપી છતાં

તેનો કણસતો અવાજ ધીરે ધીરે સંભળાતો રહ્યો -

આ વ્યર્થ છે, આ ઝે... ર... છે... અવાજ ઓગળી ગયો.

***

અલ્યા ચાંચયા

સમયને કૂતરાપટ્ટો બાંધી ફેરવવાનું બંધ કર

હવે તું તને ખબર નહીં હોય સમય

ઘાંચીની ઘાણીએ બાંધેલ બળદના ટોકરો.

ખીલે બાંધેલ વાછરૂ ને

મોહનની વાંસળીનો છેદ. યુગોથી એ

ઘસાઈ ઘસાઈને વહેતો આવ્યો છે તું અને હું

હું... ને તું ? શું ? એક મગતરુ !

હસી શકાય એવી ક્ષણોમાં રાવણ રોયો હતો

ને રોઈ શકાય એવી ક્ષણોમાં અભિમન્યુ હસ્યો હતો ત્યાં વળી !

તું અને હું હું અને તું... શું ?

છતાંય સમયે સમયને ફેરવ્યો છે

માટે ચાંચિયા સમયને કૂતરાપટ્ટો બાંધીને

ફેરવવાનું બંધ કર હવે તું.

***

શૂન્યનો અવકાશ પકડવા

મીંડું મૂકું છું રોજ -

મારા લાંબા કાળા પડછાયામાં.

***

હવે આંગણામાં રોજ રોજ ગોકુળિયું ઉતરે ને

હળવેથી શબ્દો વાંસળી, ગીત એક ફૂંકે !

***

લીલુડા પાંદે અમે ઠારી જરી આંખ

ને તમે પાંદડામાં પાનખરને મૂકતા ગયા !

***

અહીં રોજ જન્મે ને ફૂટ્યા કરે છે આંસુ,

હું તો બસ, સાવ નફ્ફટ પાણીનું પરપોટું !

***

આટઆટલાં આંસુ પીધા

મારું એક આંસુ.

તને ભીંજવી ન શક્યું !

***

૧૦

આમ સાવ કેડી વાટે ઊગીને

ચાલ્યા ગયા છે એવા પગલાંને શોધી રહ્યો છું.

***

૧૧

આકાશમાં - નજર તરતી મૂકી

ને ભીની ભીની સવાર ઊગી.

***

૧૨

તમારા નામથી ભૂલાય જો દુઃખ તો નામોનું વસાવું મોટું ગામ !

***

૧૩

અંધકારનો પડછાયો શોધવો છે ને

તળાવના ગર્ભમાં રહેલ અજવાશને પામવું છે !

***

૧૪

આ આંસુ

વનવગડે જઈને વરસ્યાં અને

મૂશળધાર વરસાદામં સાવ તરસ્યાં.

***

૧૫

મારી આંખમાંના આંસુઓના બિંદુમાં પલળ્યું છે આકાશ આખું વરસાદ થઈ

તો ક્યારેક

ઝાકળ બનીને પથરાયું છે.

***

૧૬

આ આંસુઓની કબર ઉપર

કેવળ મેં આંખો જ ચઢાવી છે !

***

૧૭

તારા રૂપના આયનાને ટીંગાડ્યો છે

મારી કાચની દીવાલ પર

પણ ચકલીઓ તેને જંપવા દેતી નથી.

***

૧૮

તમે બધાએ ભેગા થઈ

મારા હાડકાનો માળો બનાવી અજાણી ડાળે

આધાર વિનાનો

લટકાવી દીધો છે !

***

૧૯

તારું મૌન

મારા -

લાખ લાખ અક્ષરોના સ્વરનાદને બાળે !

***

૨૦

નમી ગયેલા ઝાડના પાંદડાં ને

પવનના સૂસવાટથી ભીંસાતા બારણા.

ખુલ્લી ટાંકી ને

તરતું રહી ગયેલું પીળું પાન. અધખુલ્લી ચકલીમાંથી નીકળતું પાણી ને

ભસીને શાંત પડેલું કૂતરું.

ભીંસમાં દબાઈ ગયો એક શ્વાસ ને

રૂમમાં અધ્ધર ટીંગાઈ ગયો એક અવાજ કોઈની સાથે.

***

૨૧

હું આકાશ બનીને તારા

સ્મિત પર પથરાઉં તું સ્વર બની

મારા ઓષ્ઠમાં જડાય તારા હાથની રેખાઓ

મને સ્પર્શે અ...ને....

લક્ષ્મણરેખા ઓરંગી તને મળવા જાઉં ને તું

આંગળી પર ઊગેલા સ્પર્શ જંગલોને રમાડ્યા જ કરે

મારા માથા પર તને જકડી લઉં

ને દૂર દૂર લયહીન ધરતી પર આપણે એકાકાર.

***

૨૨

હું તમારા નામ સ્મરણે

એક ગામની જેમ વિસ્તર્યો અને હવે તો

ગામનું તળાવ ગામના ઝાડ સાવ સૂકાઈ ગયા

મંદિરની ફરફરતી ધજા નીચી નમી ગઈ

ને ઘંટારવ વેળાએ ઊડી જતા પંખીઓનો ફફડાટ

નદીની રેતમાં ઝીલાતો રહી ગયો.

***

૨૩

મારા બાપાએ મને બાળપણમાં

ભમરડાની રમત રમતી વેળાએ ટોક્યો હતો

ને કહેલું સાલા સાવ ભમરડા જેવો છે ભમરડો.

ત્યારથી ભમરડાનો ભ થઈને ભટકું છું.

જ્યાં લખોટા રમવા બેઠો ત્યારે કહ્યું

લખોટા રમે છે - બંધ કર બંધ.

ત્યારથી લખોટાનો લ થઈને ગગડ્યા કરું છું.

એકવાર મારાથી કંટાળ્યા બોલાવીને કહ્યું

લે આ માળા ડોકમાં પહેરી રાખ, સારા વિચારો આવશે.

મેં માળા પહેરી લીધી પણ

રાહ જોઉં છું સારા વિચારો ક્યારે આવશે ?

***

૨૪

શેરી દીવે

તેજ ટપાલી

બત્તી ચીસે

વિચાર રંગત

ફૂલ સુગંધે

તરે ગરોળી

અવાજ છેડે

ગૂંજે તમરાં

હૈયા શ્વાસે

કેવળ વિચાર

પાછા આવે

આવે પાછા

ઉંબર ધારે.

***

૨૫

અવાજ... અવાજ... અવાજ...

મુખથી ચવાય અવાજ

શરીર ચોળ્યો અવાજ અંગલિ ટાંગ્યો અવાજ

કાગળ ભીંસ્યો અવાજ

નાકે આવ્યો અવાજ ગટરે ચાલ્યો અવાજ

સડક પર પટક્યો અવાજ

લો વીંઝાયો અવાજ શમણે જાગ્યો અવાજ

હૈયે દાબ્યો અવાજ

ઘેને ફાલ્યો અવાજ

આંખે છલક્યો

અવાજ... અવાજ... અવાજ...

***

૨૬

નિર્જન રસ્તે

નહીં ઝાડવાં

ન કંટક-પુષ્પ

દૂર ક્ષિતિજે

કોક આકૃતિ

ન અવાજ-શ્વાસ

એક આકાશ સ્વચ્છ

વિશુદ્ધ મિલન સુદૂરે...

આ સઘળું

મધુર સ્વપ્ને...

***

૨૭

ખીલ્યા પાંદે

ટપકે બિન્દુ

રણની રજકણ

એ મલયાનિલ

આંખ કલરવે

ભીનો બીનો

રેલે રેલો

પાછું બિન્દુ...

પીળા પાને

પાડે પગલાં રસ્તો -

કાળો કોટ પહેરી દોડે

સૂકાં પાને

દોડે વિચાર

પાડે નીચે

ખૂણે બેઠો

સ્વર રડે છે.

***

૨૮

ઊંચી ઊંચી કુતુબમિનાર જેવી

અને

ઝીણી ઝીણી કીડી જેવી ક્ષણ ધારે તો

કીડીની લાઈનમાં ફરવા માંડે

અને

ધારે તો સિંહ ગર્જનાથી ફફડાવી મૂકે

પણ -

ક્ષણનું કંઈ નક્કી નંઈ ક્યારેક

મીણ બની ઓગળવા લાગે

તો -

મીણની આસપાસ ફરવા લાગે ક્ષણ એટલે ક્ષણ.

ઊંચી ઊંચી કુતુબમિનાર જેવી

અને

ઝીણી ઝીણી કીડી જેવી.

***

૨૯

આમર અમારા રણદરિયાામં છલબલ છલબલ મોતી

મુઠ્ઠી ભરીને લેચી આગ પછવાડે રોતી

આગ પીગળતાં મોતી ચમકે,

શ્વાસ મહીં રણકારો રણકે.

તોય અમારા રણદરિયે તો છલબલ છલબલ મોતી.

પીંપળના ફૂટેલા પાને વાતો એવી ફૂટે,

આંસુના દડદડ દડિયા કોણ ફરીથી જાગે

સપનાં વચ્ચે ચકલી ઊડે

શ્વાસ શ્વાસને લઈને ઊડે

તોય અમારા રણદરિયે તો છલબલ છલબલ મોતી.

અઠ્ઠાવીસ અક્ષરના વૃક્ષે લટકે પીળા પાન

સમય સમયની વાતો સાથે ગાય મીઠા ગાન

સમય દડે, ગોઠમડા ખાયે

અહીં તહીં આ શ્વાસ ભટકે

તોય અમારા રણદરિયે છલબલ છલબલ મોતી.

***

૩૦

ચાલવું દોડવું હાંફવું એ છે રમત

અહીંયા ડૂબવું થાકવું એ જ છે રમત !

સ્મરણન થાય સ્પર્શ માત્ર એ છે રમત

કેવળ ઊંઘને સ્મરણમાં જગાવવી એ છે રમત !

સમયની ટક્કરે અફળાય અહીં એક રમત,

પડઘા સમયના વાગ્યા કરે ને ઠેલાય રમત !

હું ચૂમું સ્મૃતિને પાછી વળે એ જ રમત,

હાથમાંથી છટકી જાય ને પાછી ખેલાય રમત !

***

૩૧

ખાલી ખાલી વલખાં ને ખાલી ખાલી મોભા

જાણ્યું કેવળ અહીંયા આભ વગરના ટેકા !

ખુલ્લા ખમ્મ થાવાના અહીંયા પડ્યાં છે ભાઈ ફાંફાં,

દર્પણમાં ચહેરા ને જોઈ બની ગયા ભઈ બાઘા !

રૂપ બૂપ ને અક્કલ બક્કલ છેવરવાના ચાળા

બાકી અહીં તો જાણ હવે ભૈ અંદર છૈયે નાગા !

‘શ્યામ’ હવે નજરુંની સામે ઊભા ઠાલાં ચહેરા,

પહેરી લ્યો અહીં ખેલ ખેલવા એકમેકનાં મ્હોરાં !

***

૩૨

અંદર અંદર ઊંચું-નીચું ભીનું લસબસ અંતર,

સાચું ખોટું ક્યાંય મળી જાય કોઈક એવું જંતર.

વાત વાત ને ફૂલ ફૂલને ચૌટે ચૌટે ચૂથવું.

અંતર-જંતર વાત ખોટી સાવ બનીને ડૂબવું.

એકમ દસક સો હજાર ગણતરીના પાયા,

સમજણ વિના મધદરિયે સૂકાઈ જતી એક છાયા.

અષ્ટમ ષષ્ટમ અગડમ બગડમ જેવી જેવી વાત,

સળવળ સળવળ આંખ પલકારા ભીંજવે સારી રાત.

***

૩૩

મોત અજવાળા છેદી આવે

મોત અંધકાર કચડી નાંખે.

મોત સવાર સાંજે આવે

મોત અંધારે પણ આવે !

મોત તમે કહો તો ભાગે

મોત મોત ને પણ આવે !

મોત રૂંવે રૂંવે ભેંકાર,

મત હસે હસે ખડખડાટ !

***

૩૪

ખુલ્લા આકાશ નીચે

ભેરૂ !

સમયનો દરિયો પાથર્યો છે મેં.

કઈ ક્ષણે

દરિયો ઉલેચાઈ જાય, ખબર નથી, મારા ભાઈ !

તેમ છતાંય

દરિયાની ક્ષણો પર દોટ મૂકીને હું

થાકી જાઉં છું

પણ આ શ્વાસનો દરિયો

મારા પાથરેલા દરિયાથી બળુકો છે

તેમ છતાંયે

કઈ ક્ષણે, મારા ભાઈ

હાથતાળી દઈ

અગસ્ત્યના શ્વાસથી શોષાઈ જશે

ખબર નથી !

***

૩૫

ભાઈ ભેરૂ,

મૃત્યુનું લાક્ષાગ્રહ અહીં આસપાસ સળગી રહ્યું છે,

ને તેમાં

સહદેવને જ્યાં પૂછવા જઉં છું

ત્યાં જ

સહદેવ મારો લાક્ષાગ્રહ બની જાય છે.

પણ ભાઈ ભેરૂ !

એકાદ ભોંયરું તો બતાવ

જ્યાં મારા સમયના પડઘા સાચવી રાખું !

***

૩૬

આકાશ દૂર દૂર ઊગે છે ને

દરિયો અહીં નજીકમાં જ ડૂબે છે

ભાઈ ભેરૂ

ટેકરીઓ પરની સવાર

ખીણોના અંધકારને તાકી રહી છે ત્યારે

ગાડરિયા પ્રવાહને તાણતા રબારીને કહું છું

જરીક પાછું વળીને તો જો

આકાશ દૂર દૂર ઊગે છે

ને દરિયો નજીકમાં જ ડૂબે છે.

***

૩૭

ભેરુ ! મારા ભાઈ -

પ્રેમની ચોપાટ પર હું રમ્યો’તો ને

ક્યાંય સુધી પડખું બની ચોપાસ વિસ્તર્યો’

તો પણ ભેરુ

આ આંખોમાં રોપેલા આંસુઓને ક્યારેય

કોઈને ઉછેરવા રેલાવ્યો નહોતા.

આજે બાજી હારી ગયા પછી

હું ને મારા આંસુ કેવળ

રમતના દોસ્ત બની

ચાર દીવાલમાં કેદ કરાયેલા મીણના

મારા પડછાયાને કંડારી રહ્યા છીએ...

***

૩૮

ટોળામાં સ્વસ્થ, એકલો સ્વસ્થ,

કેવી જિંદગી ? સાવ અસ્ત વ્યસ્ત !

***

૩૯

સર્વત્ર પ્રેમ, ચાહવાનો દંભ,

કેવી જિંદગી ? સાવ ખોટો ભ્રમ !

***

૪૦

અડધું આયખું લચપચ, પછી કચકચ,

કેવી જિંદગી ? - અંતે રહે બકબક !

***

૪૧

એક આંખમાં કણું પડે સમજી શકાય,

પણ બે આંખમાં પડે તો કોને કહેવું ?

છે ઠેર ઠેર વેચાતું યૌવન તે સમજી શકાય,

ક્યાંક મનગમતું, યૌવન વેચાય તો કોને કહેવું ?

એક માનવી દુશ્મન બને તો સમજી શકાય,

પણ બધા જ દુશ્મન બને તો કોને કહેવું ?

કોઈકને દિલ આપી દેવાય, તે સમજી શકાય,

પણ બધા દિલ ચાહે તો કોને કહેવું ?

***

૪૨

બસ -

ઊભા ઊભા એટલો થાકી ગયો કે

જગા પણ કંટાળી ગઈ.

***

૪૩

જળ જરી જંપ્યા ને

માછલી સરકી ગઈ !

***

૪૪

આંસુઓમાં

સ્મૃતિઓ વહી જાય છે.

***

૪૫

એ સુખ સુખ હતું, બધું વિસરાઈ જતું,

એ દુઃખ દુઃખ હતું, બધું ઊભરાઈને આવતું !

***

૪૬

એવી ક્ષણો હતી -

રાત-દિવસ નહોતાં

સુખ દુઃખ નહોતાં

કેવળ એમની હાજરી અને હું !

***

૪૭

કેવા થયા છે હાલ નયનના

બંધ થતાં જ -

વહેવા લાગે !

***

૪૮

હવે તો સ્વપ્ન પણ કેવાં ?

ઊભા ઊભા રોવે - એવા !

***

૪૯

આ તે કેવી ક્ષણો થયો પરિચય

ત્યાં જ પાંખ ફૂટીને...

ઊડી જાય !

***

૫૦

હું ક્યાં પવન છું કે

તમારી બારીએ

ભટકાઈ કહી દઉં કે પ્રતીક્ષા કરી રહ્યો છું.

હું ક્યાં અક્ષરો છું

તે કાગળમાં ટપકી

તમારા હાથમાં આવી કહી જાઉં કે પ્રતીક્ષા કરી રહ્યો છું.

હું ક્યાં સ્મરણ છું

તે ઊંઘમાં આવી

વિખરાઈને કહી દઉં કે પ્રતીક્ષા કરી રહ્યો છું.

હું ક્યાં ચરણ છું

તે ચાલતો આવી

બારણે ઊભો કહી દઉં કે પ્રતીક્ષા કરી રહ્ય છું.

હું તો આંસુઓનો દરિયો

તમે આવો તો કહું કે ચાલો, ડૂબી જઈએ !

***

૫૧

મંઝિલ ત્યારે તો એક હતી,

હવે તો એનું નામેય નથી !

સ્મૃતિઓમાં હું તું ની વાત હતી,

સ્મરણની ક્યાંય કોઈ યાદી નથી !

ખુલ્લું આકાશ ક્ષિતિજની વાટ હતી,

વિસ્તરતી નદીને કોઈ ઘાટ નથી !

બોલવામાં શબ્દોની વણજાર હતી,

હવે એકેય અક્ષરનો અણસાર નથી !

***

૫૨

તારા ગયાં પછી

મારી

જીવે છે લાશ

મારામાં !

***

૫૩

જો સમયની ખુલે હથેળી તો

ખુશ્બુ લઈ જાવું ચોરી !

***

૫૪

આ પાર અકબંધ સંભારણાં

પેલે પાર અતીતના વાયરા !

***

૫૫

મૌનના ટહુકાએ બાંધ્યો છએ માળો,

આંગળીએ ફૂટ્યો છે સ્પર્શનો છાંયો !

***

૫૬

કેવી એ ભીનાશ ને કેવી એ રતાશ ?

રાત આખી ઝંખે છે અજવાશ !

***

૫૭

આંખની રમતને આપણે

સોયમાં પરોવીએ અને

સોયથી ગૂંથીએ

આપણા જીવનની સુગંધ.

***

૫૮

તેના -

મરી ગયા પછી

પથારી ઉપાડી તો - તેમાં

કંઈ કેટલાંય ઉજાગરાની લાશો

સળવળતી હતી !

***

૫૯

ખબર એટલી જ હતી કે ક્ષણોની મજા છે

જાણું એટલું જ કે ક્ષણેક્ષણ સજા છે !

***

૬૦

મને નહોતી ખબર કે -

મિજાજને પણ સજા હોય છે !

***

૬૧

શ્વાસના તળિયે બેઠું છે એક નામ,

ઉચ્છ્‌વાસના દરિયે ઊમટ્યું છે મોટું ગામ !

***

૬૨

હું એવા નગરનો ચહેરો

મને ગમે અવનવા ચહેરા !

***

૬૩

કેવા દિવસો હતા અણસમજના

શ્રદ્ધા હતી.

આજ સમજણ છે - ને શ્રદ્ધા શોધું છે.

***

૬૪

હથેળીમાં

પાણીની ઢગલીઓ

કરવા મથતી -

કોઈક એવી ક્ષણ

પરપોટા થઈ ફુટી ગઈ !

***

૬૫

બુઠ્ઠી પેન્સિલ જેવી આ જિંદગી,

ધાર કાઢી કાઢી અણી પર જીવું છું !

***

૬૬

કોઈકે તાળી આપી હતી,

તો કોઈકે હાથતાળી,

ચાલ જિંદગી !

હોંશે હોંશે જીવી લઈએ.

***

૬૭

ચઢતા ચઢતા પડી ગયો હતો અનેક વાર,

હવે પડતા પડતા ચઢી જવાય છે ચપટીમાં !

***

૬૮

ક્ષણોની પણ કેવીક મજા છે, પતંગિયા જેવી,

આખે આખા પલળીએ,

ને વળી પાછા કોરાકટ્ટાક !

***

૬૯

વ્યથાઓ સાચવી રાખી છે

અકબંધ ક્યાંક મુકામ

બદલાતા વળી કામ લાગે !

***

૭૦

અમે તમારા કાગળની કરીએ

હોડી ને તરી જઈએ ડૂબી ડૂબી !

***

૭૧

કોઈનું ચૂપકીદું મૌન,

ધીરેધીરે શ્વાસ ભરે.

ક્યાંક હઠીલું ગીત,

સાવ અજાણ્યા સ્વર પૂરે !

***

૭૨

હવે ખાલીખમ પળોમાં સ્મરણ તમારું

નિઃશબ્દ બનીને

ઊડાઊડ આવે, ઊડાઊડ જાયે !

***

૭૩

ડૂબતા ડૂબતા ક્યાંક ફાવી ગયું ને તરી જવાયું છે !

જોઉં છું હવે, કિનારો હાથ લાગે છે કેટલેક ?

અમારાએ અમારી લાગણીઓને છેડી છે ખુલ્લેઆમ,

હોય જો દર્પણ ને કાચ હોય સાચો તો પ્રતિબિંબ બતાવું !

***

૭૪

આંખોની વેદનાને ગાળવા આંસુ મળ્યા

પણ આંસુઓની વેદનાનું શું ?

હૈયાને ટકવાને - મથવા

શ્વાસ મળ્યા

પણ શ્વાસને ટકવાને શું ?

કાળજાંને કોરવાને - ટોચવા કાળજું મળ્યું

પણ કાળજું કોરાય નહિ તેનું શું ?

***

૭૫

નખની ભીતરમાં સળવળ સળવળ

એવા સળવળાટને

નામ આપવું શું ?

ત્વચાના રોમ-રોમ રૂવાંડાં રૂવાંડાં એવા તે ફરફરે,

એવા તે ફરફરે એની ભાષાને - નામ પાડવું શું ?

અંધારી રાતડીને કાળો પડછાયો એકમેકમાં ઓગળે

એના ભીતરમાં આંખ માંડું કેમ ? ને અંતરનું શું ?

લીલાછમ્મ વૃક્ષ પરથી ખરતા પાંદડાં ને પાંદડાની

નસનું ફૂંટવું અને કંપવું એની લાગણીઓનું શું ?

***

૭૬

દુઆઓ કંઈક મેળવી,

દુઆ આખર દુઆ છે,

ઈલાજ એકેય હાથ ના લાગ્યો,

દર્દ તો સાવ જૂનું છે !

***

૭૭

હવાની ન્હોરથી વીંધાતો જાઉં છું,

ને પાણીના નખથી વ્હેરાતો જાઉં છું !

***

૭૮

એક પણ ડગ માંડવા જાઉં ત્યાં તો -

શિકાર થઈ પાંજરે પુરાતો જાઉં છું !

***

૭૯

દરિયાને લાગી

મોટીમસ તરસ ને થયું કે -

લાવ, બધા ઝરણાંને પીઉં પેપર ફૂટે

એમ વાત જાણે ફૂટી ને ઝરણાંએ વાત લીધી જાણી.

ઝરણાં તો ગ્યાં સંતાઈ દરિયાને થ્યું કે હવે શું કરવું ?

સૂરજને વીનવી ને કીધું - આકરા તાપે તમે તપજો

ને પીજો અમારું પાણી.’ પછી -

‘વાદળ બનીને વરસો કે

ભોંયના ઝરણાને લઉં હું ગોતી !’

તરસની પ્રીત કેવી ઘેલી

વાત બની એવી તરસની આપ-લેમાં

ઝરણાંને ઓળખ થઈ દરિયાની !

પ્રીતની હેલીમાં ઝરણાંને ખારાશ ગઈ આભડી !

***

૮૦

કોઈ પૂછે -

લાગણીનો રંગ કેવો ?

તો કહે - આંસુ.

લાગણીને જળનો સંબંધ કેવો ?

તો કહે - દરિયો !

***

૮૧

તો ચાલો -

લાગણીને આપી દઈએ એક નામ

કાળી થાગડ -

થીગડ સડક.

સીધી ખીણમાં ઊતરે ને

પાછી ચઢે હાંફતી ટેકરી !

તો ચાલો -

***

૮૨

તને આપવામાં બાકી શું રાખ્યું ?

આખેઆખું જીવન તો આપી દીધું !

તમન્નાઓના તારલા સાચવ્યા છે

મેં, ચાંદા ને સૂરજ આખેઆખા આપી દીધાં !

ખબર ક્યાં પડવા દીધી છે આગને,

આંખ સામે ઘરને તો બાળી દીધું !

ફરિશ્તાઓને જોયા છે મેં નજરોનજર,

ને તેઓ પણ કહેતા; આટલું બધું લૂંટાવી દીધું !

***

૮૩

હું કોની ?

કયા ભવના

બારાક્ષરી ઓળખી રહ્યો છું,

બોલું ખોટું ને પડે સાચુ ં!

કયા પૂર્વજન્મે વશ કરી

વર્તમાનમાં ધકેલ્યો છે મને.

કોઈનો હાથ જોઉં

ને રેખાઓ આખેઆખી

સળવળ કરતી બોલે સાચું

ને અજવાળાના પડછાયે ઊભો રાખે !

ચહેરો જોઈ તગતગે મારી આંખો

ને વાંચે ઇતિહાસ કોઈ જૂનો !

આખેઆખા દેહને જોતાં

સળગે મારામાં અગ્નિ !

ભાખી નાખે અવળસવળ વાણી

સામેનો પડછાયો મને પકડવા દોડે !

***

૮૪

હું

છૂટવા મથું ને આખેઆખો

પકડી લ્યે હાથ મારો -

મારા અતીત - પડછાયા.

***

૮૫

હું પછડાઉં ને

ઊભો કરે મારા સ્મૃતિ ચિહ્‌નો !

***

૮૬

મારાપણાને હું

ભૂંસું કઈ રીતે

મારામાં તગતગે મારી આંખો !

***

૮૭

મને આકાશ બતાવી છેતર નહિ

પ્રકાશ ક્યાંક ધબકે છે

શ્વાસ ને હજુ છે અવકાશ !

***

૮૮

હું ઉધાર ભર્યું એક ગામ છું,

લ્યો ખાલીખમ જમાનું નામ છું !

***

૮૯

ગરલ સમયનું ઢળે છે પળેપળ અહીં,

મિથ્યા હવામાં એને ઓગળવાનું ના કર !

***

૯૦

દરિયાની વાતમાં છાનું હસે છે સમીર સંબંધ,

તરંગ વર્તુળમાં તૂટે-જૂટે પળેપળ તરંગી સંબંધ !

***

૯૧

કોઈને હવે શું ?

ક્યાં જઈને કહેવું - ડૂબ્યાં છે

ચહેરા ને તરે છે આંસુ !

***

૯૨

તારા નામના સ્મરણ ફૂલો હજુયે મહેંકે છે

ને રોજ રોજ સતાવે છે રોજ જન્મું છું

- મરું છું ઊઠું છું - ઊંઘું છું હસું છું

- રડું છું તારા નામના સ્મરણે.

***

૯૩

પાન ખર્યું ને પગલાં અકબંધ

કોઈક ફોરમ લઈને આવે છે.

આંખ મીંચું સ્મરણો અકબંધ

પડછાયા દોડી આવે શ્વાસ શ્વસું

ક્ષણ ક્ષણ અકબંધ

અંધારાને અજવાળએ

પાન ખર્યું ને પગલાં અકબંધ

કોઈક ફોરમ લઈને આવે છે.

***

૯૪

મારી ચોપાસ પડેલી

ચીજો મને ઊંચકીને લઈ જાય છે.

ખૂણામાં રહેલા દરમાંથી ઊંદરડી નીકળીને મને

ભોંયતળિયાના માનવીની સ્થિતિ દેખાડી જાય છે.

દબાઈ ગયેલા બે બારણાંના ઉંબરા વચ્ચે

મારી કાચી ભૂંતો તૂટી પડીને

મને ઘટી દે છે.

હું આ ઘરની ચીજોમાં ક્યાંય ખોવાઈ જાઉં છું.

દીવાલો કાચી ભીંતો હસતી જાય છે

હું દીવાલ બનીને તૂટી પડતો જાઉં છું.

***

૯૫

હજુ આંખમાં ચમકે તમારાં સ્મરણો કૈંક,

ને ઓગળએ છે આંસુઓમાં યાદો કૈંક !

દરરોજ પીવાયાં અહીંયાં જામ મસ્તીનાં કૈંક,

ને ઢળી જાય છે સ્વપ્નમાં લો કૈંક !

આદતથી થૈ થઈ જાય છે કૈંક,

હાલત નથી કહી શકાતી કૈંક !

આંસુઓ બંધ છે,

ખળભળે વહેવામાં કૈંક,

બંધ આંખે પૂર્યાં છે દરિયા કૈંક !

***

૯૬

માણસને હવે તો એટલું જ પૂછવું છે

- કઈ સોસાયટીમાં

કયા નંબરનું

મકાન થાવ છો ? તો કાગળ

પાકા સરનામે તો મળે !

***

૯૭

હું

ઊભો છું ને જોઉં છું બારી બહાર

રસ્તા પર નિસ્તેજ ચહેરાઓ

લયહીન અવાજ દોડાદોડ

જાણે ઘોડાપૂર... સવાર... બપોર... સાંજ

ખોવાઈ ગયેલ સ્વપ્ન

કોઈની આંખોમાંથી વેરણછેરણ

બની રસ્તા પર ક્યાંક ક્યાં

બત્તીના થાંભલાની જેમ વળી ગયું છે,

પછી મારી આંખ પરથી ચશ્મા ઊતારું છું ને

બોલી નાખું છું

આજ નોકરીએ નથી જવું.

ને જોઉં છું બારી બહાર.

***

૯૮

અંદર વાત છાની,

બહાર વાત પાણી કેવી વહે છે

અહીં મિત્રોની મીઠી વાણી !

***

૯૯

ખોવાઈ ગયેલાં સપનાઓનું ગીત ગાવા મન ચહે,

મળી ગયેલી જિંદગીને ખોવા મથે, ભૈ માણસ છે !

***

૧૦૦

એક અસવાર હતો,

સવારી કરીને ચાલી નીકળ્યો,

ખબર પડી કે ખાલી અમથી માયા હતી,

ફોગટ ફેરો નીકળ્યો !

***

૧૦૧

તાક્યું તીર સોંસરું ઉતરે એવું ન પણ બને,

ને ધારેલું સાવ સામે આવે એવું પણ બને !

***

૧૦૨

એકલા હરવું, એકલા ફરવું,

એકલા એકલા ટહેલવું,

ડગલે પગલે યાદ કરી કરીને

એકલા એકલા ડોલવું !

એકલા ખાવું, એકલા પીવું,

એકલા એકલા ઊંઘવું,

પળે પળે યાદ કરીને એકલા એકલા ઝૂરવું !

એકલા આવવું, એકલા જવું,

એકલા એકલા રહેવું,

વાટે ઘાટે રસ્તે રસ્તે

યાદે યાદે એકલા એકલા તરવું !

એકલા આપણે,

એકલા થઈને એકલા,

એકલા, એકલા,

ધીરા ધીરા મીઠા મીઠા ગીતો

ગાઈ એકલા એકલા વહેવું !

***

૧૦૩

લાવો, તમારી નદી કાગળની હોડીમાં મૂકી

સાવ અજાણ્યા દરિયામાં જઈ ભળીએ !

***

૧૦૪

કોઈ જીવે, કોઈ મરે, એમાં શું વળે ?

જેને લાગે એને વાગે, એનું ઘર બળે ?

કોઈ હશે, કોઈ રડે, એમાં શું ભાસે ?

જેને લાગે એને વાગે હૈયું ભીનું નીતરે !

***

૧૦૫

સાગરની જેમ છલકાવું ના ગમે મને,

‘શ્યામ’ નદી થઈ વહેવું ગમે છે જગમાં.

* ઘનશ્યામ ગઢવી *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED