Gir: Sorathi Dharti Nu Heer - 2 books and stories free download online pdf in Gujarati

Gir: Sorathi Dharti Nu Heer - 2



ગીર : સોરઠી ધરતીનું હીર-૨



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ગીર : સોરઠી ધરતીનું હીર-૨

ગીરનો બીજો એક પ્રદેશ જે આજે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્કમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ધારીથી કોડીનાર જવાના રસ્તે દલખાણીયા અને જામવાળા ગીરને જોડતો રસ્તો એટલે ગીરનો મધ્યભાગ. આ વિસ્તાર થોડો કાંટાળો અને ગીચ છે. અહીં પણ સિંહની વસ્તી છે. પરંતુ ગીચતામાં સિંહને જોવા થોડા મુશ્કેલ છે. છતાં ગીરના મધ્યભાગ એવા આ રોડ પર ફરવાનો એક અનોખો લ્હાવો છે. આ વિસ્તારને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હોવાથી અહીં ઉતરવાની સખ્ત મનાઈ છે અને જો કોઈ પ્રવાસી આ રોડ પર ઉતરતો કે ટહેલતો ઝડપાય તો તેના માટે ભારે દંડની જોગવાઈ છે. દલખાણીયાથી આ વિસ્તારનો પ્રવાસ શરુ કરતાં પહેલા દલખાણીયા ગામ વિશે જાણી લઈએ. સૌ પહેલા તો દલખાણીયાના ગાંઠીયા અને પેંડા વખણાય છે.

જે બસમાં કે કારમાં લઈને અથવા તો અહીં થોડીવાર રોકાઈને ખાઈએ તો જંગલમાં જતી વખતે સ્વાભાવિક છે કે ભૂખ કે તરસ ના લાગે. દલખાણીયા પછી થોડા જ અંતરે ગીરનો દરવાજો આવે છે. પ્રવેશતાં જ ઓળખાણ અને ક્યાં જવું છે તેની માહિતી આપવી જરુરી છે. મધ્યપ્રદેશની કટની ગેંગ દ્વારા સિંહોની હત્યા કરવામાં આવી હતી ત્યાર પછી આ વિસ્તારમાં જંગલખાતાની કડકાઈ વધુ છે. પરંતુ લોકલ બસમાં લગભગ ૩૪ કિલોમીટરના આ વિસ્તારને સુંદર રીતે માણી શકાય છે. આપણાં પ્રાઈવેટ વાહનને પણ આ વિસ્તારમાં લઈ જઈ શકાય છે પરંતુ તેના વિશેની તમામ નોંધ કરાવવી જરુરી છે. આ વિસ્તારમાં સાબર પણ સરળતાથી મળી શકે છે. વધુ લીલોતરી હોવાથી અન્ય પ્રાણીઓ જેવા કે ચીતલ અને નીલગાય તો સરળતાથી જોઈ શકાય છે. ક્યારેક દીપડા પણ આંખો સામે ચડી આવે છે. જેવા જેના નસીબ એવા દર્શન થાય. ઘણાંને આ જ રોડ પર સિંહ દર્શન પર થઈ જાય છે.

દલખાણીયાથી અંદર પ્રવેશીએ એટલે આ રસ્તે છોડવડી ચેકપોસ્ટ આવે છે. જ્યાંથી આ વિસ્તારના અતિપ્રાચીન બે દેવસ્થાનોની મુલાકાત લઈ શકાય છે. એક તો બાણેજ જે ડાબી બાજુના રસ્તે આવે છે. જ્યાં રાત્રી રોકાણની સ્પષ્ટ મનાઈ છે. જ્યારે જમણી બાજુએ આઈ કનકાઈનું મંદિર આવેલું છે કનકાઈ તમે રાત રોકાઈ શકો છો પરંતુ રાત્રે મંદિર સંકુલની બહાર નીકળવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. કનકાઈમાં ભોજનની વ્યવસ્થા પણ છે. અહીંંથી સત્તાધાર જવાનો રસ્તો પણ છે. દલખાણીયા અને જામવાળાના ૩૪ કિલોમીટરના રુટ પર બિલિયાટ નેસ, સાપનેસ જેવા સુંદર નેસ પણ આવેલા છે. સાપનેસ પાસે નાળીયેરો જેવો પહાડ છે જ્યાંથી આખા મધ્યગીરનો સુંદર નજારો જોઈ શકાય છે. પરંતુ આજે આ વિસ્તાર પ્રતિબંધિત છે. બિલિયાટ નેસના ચારણ કાનાભાઈ આપાભાઈ મધુડા મળવા જેવા માણસ છે. તેમની પાસે ગીરની અખૂટ વાતો સાથે સાહિત્ય પડેલું છે. ચારણી શૈલીની તેમની બોલી માણવા જેવી છે. આ રુટ પર રસ્તાને સમાંતરે સીંગોડા નદીનું વહેણ સતત વહેતું રહે છે. જે આગળ જતાં એક ડેમના સ્વરુપે આપણને જોવા મળે છે. સિંગોડાના ડેમને જામવાળા ડેમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંની વન્ય સૃષ્ટિને નીહાળવી એક લ્હાવો છે. પરંતુ અહીં જવા માટે જંગલખાતાની મંજુરી જરુરી છે. આ ડેમમાં અનેક મગરો પણ છે. જે ડેમ પર ઉભા રહીને પાણીમાં તરતા જોઈ શકાય છે. નદીના પાણીમાં ઉતરવું પણ થોડું જોખમી છે કારણ કે મગર બહુ જ નજીક કિનારા પર જ સૂતા જોઈ શકાય છે. આ ઉપરાંત પાણીના સ્ત્રોત હોવાના કારણે અહીં અવાર નવાર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ પાણી પીવા માટે પણ આવે છે. ડેમ તરફ જવા માટે મુખ્ય રસ્તાથી બે કિલોમીટર અંદર જવું પડે છે.

પાણીનો અખૂટ સ્ત્રોત હોવાના કારણે અહીં સિંહ અને દીપડા સરળતાથી જોઈ શકાય છે. જામવાળા ડેમથી થોડા આગળ વધીએ એટલે આ વિસ્તારનું જુનું અને જાણીતું એવું જામવાળા ગામ આવી જાય. આ ગામમાં જ જમજીરનો એક સુંદર ધોધ છે. કહેવાય છે કે ભગવાન પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ અહીં તપ કર્યું હતું. આ જગ્યાએ તેમનો આશ્રમ હોવાનું માનવામાં આવે છે. જમજીરનો ધોધ પણ સુંદર છે પરંતુ ઘણો ઊંડો અને રિસ્કી હોવાથી જાળવીને જોવાની સૌને વિનંતી છે. આ વિસ્તારમાં પણ સિંહ અને દીપડા જોઈ શકાય છે. જો કોઈ પરિવારને સ્નાન કરવાની ઈચ્છા હોય તો જમજીર પાસે આવેલા સિંગોડો નદીના વહેણમાં સ્નાન કરી શકે છે. ચોમાસાના થોડા સમય પછી માટી અને કાંપ પાણીના તળીયે બેસી જતાં જ પાણી કાચ જેવું સ્વચ્છ અને પીવા લાયક બની જાય છે. અહીંનો વિસ્તાર પથરાળ હોવાના કારણે પાણીનો સ્વાદ પણ એકધારો મીઠો છે. અહીંથી થોડા અંતરે ગાયત્રીનું સુંદર મંદિર છે. આ મંદિર થોડી ઊંચાઈ પર હોવાના કારણે અહીંથી ગીરના ડુંગરાઓને નિહાળી શકાય છે. એક રીતે જોઈએ તો આ વિસ્તારને નેશનલ પાર્ક તરીકે જાહેર કરેલો હોવાથી અવર જવરની મનાઈ છે પરંતુ આપણે આપણાં વાહનમાં બેસીને ધીમે ધીમે આખા ગીરને માણીને દલખાણીયાથી જામવાળાની બેથી ત્રણ કલાકની સુંદર ટ્રીપને માણી શકીએ છીએ.

જામવાળામાં પણ ઢાબા પ્રકારની હોટલમાં સુંદર કાઠિયાવાડી ભોજન કરીને કોડીનાર તરફ જઈ શકાય છે. કોડીનારથી ફક્ત ત્રણ જ કિલોમીટર દૂર અરબસાગરનો દરિયા કિનારો છે. જેને મૂળ દ્વારકા કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે અહીં કોડી રમતા હતા એટલે આ જગ્યાનું નામ કોડીનાર પડ્યું. કોડીનારના દરીયા કિનારાને મૂળ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. અહીં કૃષ્ણ ભગવાનનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ઘણાં એવું માને છે કે પ્રાચીન દ્વારકા નગરી અહીં આવેલી હતી. તો ઘણાંના મતે અહીંથી ભગવાન કૃષ્ણ એક ભોયરા થકી દ્વારકા ગયા હતા. સચ્ચાઈ જે કાંઈ હોય એ પરંતુ આ જગ્યા પણ ખૂબ જ સુંદર છે. અહીં આસપાસ સુંદર નાળીયેરીની વાડીઓ છે. વળી અહીં નજીકમાં જ એક ગોપી સરોવર આવેલું છે. આ સરોવર દરિયામાં જ છે પરંતુ તેમાં દરિયાના મોજાં ઉછળતા નથી જેને અહીંના લોકો એક ચમત્કાર માને છે.

આમ ધારીથી દલખાણીયા અને દલખાણીયાથી સાપનેસ અને ત્યાંથી કનકાઈ, બાણેજ અને જામવાળાનો પ્રવાસ કરીને જમદગ્નિ ઋુષિના ધોધને માણીને આ જગ્યાનો અખૂટ લ્હાવો લઈ શકાય છે. અહીં જંગલની લીલોતરી છે તો વળી સુંદર ભાતીગળ માહોલ પણ જોઈ શકાય છે. ગીરનો આ મધ્યભાગ પણ ખૂબ રળીયામણો અને થોડો કોલાહલથી દૂર છે. આ રસ્તો ઉબડખાબડ હોવાના કારણે વાહન વ્યવહારમાં પણ ઓછો વપરાય છે. ૩૪ કિલોમીટરના આ રસ્તાને પાર કરવા માટે ખાસ્સો સમય લાગે છે પરંતુ ગીરની સુંદરતા જોતા તો એવું લાગે કે આ રસ્તો હજુ થોડો લાંબો હોય તો વધુ મજા આવે. ટ્રેકિંગ માટે આ રુટ જરાપણ સુરક્ષિત નથી કારણ કે આ નેશનલ પાર્ક છે. ગીરના દરેક વિસ્તારોમાં મને સૌથી વધુ આ વિસ્તાર પ્રિય છે કારણ કે અહીં ચારણોના સુંદર નેસ છે, એકાંત છે, શાંતિ છે અને મારા બાળપણના સંસ્મરણો પણ છે. આજે અહીં સરકારી પ્રતિબંધો આવી ગયા પરંતુ આજથી પચ્ચીસ વર્ષ પહેલા અહીં કોઈ પ્રતિબંધ નોતા. છકડામાં બેઠાં બેઠાં પરિવાર સાથે અમારી આંખો વન્ય પ્રાણીઓને જોવા માટે તલસતી અને સદ્દનસીબ એટલા સારા કે સિંહ પણ જોવા મળતો. રાતના સમયે આસપાસના ગામોમાં ખાટલે બેઠેલા કોઈ વડીલ ભાભાના મોઢામાંથી સાવજ અને દીપડાઓની વાતો કરતાં કરતાં ક્યારે નિંદર આવી જતી તેનો ખ્યાલ પણ નોતો રહેતો. આ રુટ ખરેખર માણવા લાયક છે અને જાણવા લાયક છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED