પિન કોડ - 101 - 68 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 68

પિન કોડ - 101

પ્રકરણ-68

આશુ પટેલ

વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયકો જયા વાસુદેવન અને બાલક્રિશ્ર્ન પિલ્લાઈ ચેન્નાઈના ડોક્ટર રાધાક્રિશ્ર્નનગર પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇંસ્પેક્ટર કે. વેંકટરમનને મોહિનીના કોલ વિશે કહી રહ્યા હતા એ વખતે વેંકટરમનની કેબિનમાં ગોઠવાયેલા ટીવી પર મુંબઈમાં ફ્લાઈંગ કારથી થયેલા આતંકવાદી હુમલાના બ્રેકિંગ ન્યુઝ શરૂ થયા એ જોઈને જયા અને બાલક્રિશ્ર્ન ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ઇંસ્પેક્ટર વેંકટરમને પણ એ ન્યૂઝ જોઈને આઘાતની લાગણી અનુભવી, પણ મોહિનીના સહાયકો ખુરશીમાથી ઊભા થઈ ગયા એ જોઈને તેમને નવાઈ લાગી.
તેમનું એ આશ્ર્ચર્ય શમે એ પહેલા તો જયા તરડાયેલા અવાજે બોલી ઉઠી: ‘આવી ફ્લાઈંગ કાર પર તો મોહિની મેડમ સંશોધન કરી રહ્યાં હતાં!’
તેના એ શબ્દો સાંભળીને ઇંસ્પેક્ટર વેંકટરમનને આંચકો લાગ્યો. મોહિની મેનનના સહાયકો કહી રહ્યા છે કે મોહિની મેડમ અજબ રીતે વર્તી રહ્યાં છે, ભેદી રીતે ઘણા દિવસથી મુંબઈમાં હતા અને ત્યાથી અચાનક અમેરિકા જતા રહ્યા હતા. પણ હવે મુમ્બઈમા જે આતંકવાદી હુમલો થયો એમાં તેઓ જેના પર સંશોધન કરી રહ્યાં હતાં એવી ફ્લાઈંગ કારનો ઉપયોગ થયો. આટ્લા બધા જોગાનુજોગ તો ના જ હોઈ શકે!
તેમણે જયા અને બાલક્રિશ્ર્ન પર સવાલોની ઝડી વરસાવી દીધી. જયાએ કહ્યું કે મોહિની મેડમે કારનું નાનું મોડેલ બનાવીને પ્રયોગ પણ કરી જોયા હતા.
ઇંસ્પેક્ટર વેંકટરમને તે બન્ને પાસેથી શક્ય એટલી માહિતી મેળવીને પોતાના સિનિયર અધિકારીને કોલ લગાવ્યો.
* * *
‘આ વૈજ્ઞાનિક ઔરતે જે કામ કરી આપ્યું એ સો ટકા પરફેક્ટ છે. અમે અનેક વાર ખાતરી કરી લીધી. માન્યામાં ના આવી શકે એવી વાત છે, પણ સપના જેવી લાગતી આ વાત વાસ્તવિકતામાં પલટાઈ ગઈ છે.’ આઈએસની ભારતની પાંખનો ચીફ કમાન્ડર ઇશ્તિયાક આઈએસના સુપ્રીમો અલતાફ હુસેનને ફોન પર કહી રહ્યો હતો.
‘અલ્લાહની રહેમ છે આપણા સૌ પર. એટલે તો આપણા બધા જ કામો આસાન થઈ રહ્યાં છે.’ અલતાફ હુસેને કહ્યું.
‘હવે આ મુલ્કને તબાહીથી કોઈ નહીં બચાવી શકે. આ જંગમાં ફતેહ નિશ્ર્ચિત છે.’ ઇશ્તિયાક બોલ્યો.
‘એ ઔરતે કામ કરી આપ્યું છે તો તો હવે તેને ખતમ કરી નાખો.’ અલતાફે આદેશ આપ્યો.
‘અત્યારે તેને મારી નાખીએ તો આપણને નુકસાન થઈ શકે એમ છે.’ ઇશ્તિયાકે કહ્યું.
‘હવે આપણને શું નુકસાન થઈ શકે? તેણે કામ કરી આપ્યું એ પ્રમાણે તું અને આપણા માણસો આગળ વધી શક્શો. ઊલટુ તે છટકી જાય અને પોલીસને કે સરકારને માહિતી પહોંચાડી દે કે તેણે આ ફ્રોર્મ્યુલા આપણને આપી છે તો ગડબડ થઈ શકે.’
‘અહીંથી બચીને બહાર નીકળવાનું તેના માટે અશક્ય છે. અને તેને બચાવવા માટે બહારથી કોઈ અન્દર આવી શકે એ પણ અસંભવ છે. આ ઈલાકામાં ઈકબાલ કાણિયાના સંખ્યાબંધ વફાદારો છે એટલે પોલીસ પણ અહીં આવી શકે એમ નથી.’
‘એ તો બરાબર છે, પણ હવે તે ઔરતનુ કામ શું છે આપણને? આપણે જે ઇચ્છતા હતા એ તો તેણે કરી આપ્યું!’
‘આપણે જ્યાં સુધી આ કામને અંજામ ના આપી શકીએ ત્યાં સુધી એ ઔરતની જરૂર છે. છેલ્લી ઘડીએ કોઈ ગડબડ થઈ તો તેના સિવાય કોઈ જ આપણી મદદ નહીં કરી શકે. આખા જગતમાં આ એક જ વૈજ્ઞાનિક છે જે આ કામ કરી શકે છે.’ ઇશ્તિયાકે મોહિનીને હમણાં શા માટે ન મારી નાખવી જોઈએ એનું કારણ સમજાવ્યું.
‘ઠીક છે. જેમ તને યોગ્ય લાગે એમ કર. પણ બાકી બધુ ગોઠવાઈ ગયું છે ને?’
‘બીજુ બધું તો સરળ છે આ મુલ્કમાં. હા, એક કામ થોડું અઘરું છે, પણ એનોય રસ્તો મે વિચારી રાખ્યો છે.’
‘મુંબઈના શું હાલ છે હવે? જો કે હું ટીવી પર ન્યૂઝ જોતો રહું છું. ઇસ્લામ મનાઈ ફરમાવે છે ટીવી જોવાની, પણ અલ્લાહ સાક્ષી છે કે આપણે નેક કામનાં પરિણામો જાણવા માટે જ ટીવી જોઈએ છીએ.’
‘મુંબઈને થાળે પડતા ઘણો સમય લાગશે. અત્યારે કાફરોએ લશ્કર બોલાવવું પડ્યું છે. એક બાજુ લશ્કર શહેરમાં ઠેકઠેકાણે પડેલા કાટમાળને હટાવવા માટે ફાયર બ્રિગેડ જેવું કામ કરી રહ્યું છે અને બીજી બાજુ આપણા માણસોએ શરૂ કરાવેલા કોમી રમખાણોને કાબૂમાં લેવા માટે લશ્કરના જવાનો પાગલ કુત્તાની જેમ મુંબઈ અને આજુબાજુનાં શહેરોમાં રાતદિવસ દોડી રહ્યા છે!’
‘ટીવી પર દર્શાવાયું હતું કે કેટલાક વિસ્તારોમાં લશકરને ‘શૂટ એટ સાઈટ’નો આદેશ અપાયો છે.’ અલતાફના અવાજમા થોડી ચિંતા વર્તાતી હતી.
‘હા, મુંબઈના ઘણા વિસ્તારોમાં માણસોને ઘર બહાર ક્યાંય પણ દેખો ત્યા ઠાર કરો એવો આદેશ લશ્કરને અપાયો છે, પણ એની સામે આ મુલ્કના સંખ્યાબંધ બૌદ્ધિકો મીડિયાની મદદથી અવાજ ઉઠાવી રહ્યા છે અને ઘણા બૌદ્ધિકો રાષ્ટ્રપતિને મળીને ફરિયાદ કરી આવ્યા છે કે લશ્કરના જવાનો એકદમ શાંત વિસ્તારોમાં પણ ઘરોમાં ઘૂસીને લઘુમતી કોમના નિર્દોષ લોકોને ગોળીઓ મારી રહ્યા છે. આ મુલ્ક્ના મોટા ભાગના મુસ્લિમો આપણને મદદ કરવા તૈયાર નથી થતા, પણ આ બૌદ્ધિકોની જમાતના ઘણા મુલ્કદ્રોહીઓ આપણા વફાદાર સાથીઓની જેમ વર્તી રહ્યા છે!’
‘લશ્કરના જવાનો ખરેખર ઘરોમાં ઘૂસીને લોકોને મારી રહ્યા છે?’ અલતાફે પૂછ્યુ.
‘આપણા કેટલાક માણસોએ એકદમ શાંત મુસ્લિમ વિસ્તારોમાં લશ્કરના જવાનોના સ્વાંગમા ધસી જઈને થોડા માણસોને મારીને એના વીડિયો શૂટ કરી લીધા હતા એ આપણે ફેલાવી દીધા છે!’ ઈશ્તિયાકે કહ્યું અને એ સાથે તેણે અને અલતાફે એકસાથે અટ્ટહાસ્ય કર્યું!
* * *
‘મને હવે તો જવા દો.’ મોહિની મેનને ફરી એક વાર ઇશ્તિયાક સામે આજીજી કરી.
‘મેડમ, બસ હવે બે-ચાર દિવસનો જ સવાલ છે. પછી અમે તમને સામેથી જવા માટે કહીશું.’ ઈશ્તિયાકે કહ્યું.
‘તમે જે ઇચ્છતા હતા એ બધુ જ મેં કરી આપ્યું. તમે મને કહ્યું હતું કે હું આ કામ કરી આપું એટલે તમે મને જવા દેશો અને તમારા માણસો મારા માતાપિતાને પણ છોડી મૂકશે.’
‘હા. અમે કહ્યું હતું અને અમે ચોક્કસ જ તમને છોડી મૂકીશું, પણ તમે જે કામ કરી આપ્યું છે એ બરાબર છે એની અમારા માણસો હજી થોડી વધુ ખાતરી કરવા માગે છે.’
‘તમારી નજર સામે મેં તમને એનો પ્રયોગ કરી બતાવ્યો. હવે આનાથી વધુ તમે મારી પાસેથી શુ ઇચ્છો છો?’ મોહિનીનો અવાજ એકદમ થાકેલો હતો. ચિંતા, માનસિક તનાવ, અસલામતી અને ભયને કારણે તેની આંખો નીચે કાળા કુંડાળાં થઈ ગયાં હતાં.
‘બસ. માત્ર બે-ચાર દિવસ. પછી તમે છૂટા.’ ઇશ્તિયાકે પોતાના શબ્દો દોહરાવ્યા.
તેના શબ્દો પર ભરોસો ના બેસતો હોય એ રીતે મોહિની તેની સામે તાકી રહી.
***
નતાશા અને પોતે ખતરનાક અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાના અડ્ડામાં ફસાયાં હતાં એ સમજાયું એટલે સાહિલને ધ્રૂજારી છૂટી ગઈ. ઈકબાલ કાણિયાએ તેને અને નતાશાને મારી નાખવાની યોજના શા માટે ઘડી કાઢી હશે એ વિચારથી તે ગૂંચવાઈ ગયો. જો કે ત્રીજી સેક્ધડે સાહિલે એ વિચાર ખંખેરી નાખ્યો. તેને થયું કે ડોન કાણિયા તેની અને નતાશાને શા માટે મારવા માગતો હતો એ વિશે વિચારવાનો કોઇ અર્થ નહોતો. એના કરતા અહીથી કઈ રીતે બચીને બહાર નીકળી શકાય એ દિશામાં વિચારવું જોઈએ.
પણ ડોન ઇકબાલ કાણિયાના અડ્ડામાંથી બચીને બહાર નીકળવું એ સહેલી વાત નહોતી. તેણે બહારથી આવતી વખતે જોયું હતું કે અહીં ઘણા બધા માણસો હતા. અને પોતે કોઇ હિન્દી કે દક્ષિણ ભારતીય ફિલ્મનો હીરો નહોતો કે પચ્ચીસ-પચાસ ગુંડાઓને એકલા હાથે ઠમઠોરી નાખે અને એ બધાને એક એક લાત કે મુક્કા સાથે હવામાં ફંગોળીને અધમૂઆ કરી નાખે અને પછી નતાશાનો હાથ પોતાના હાથમાં લઇને બાપુજીના બગીચામાં ટહેલવા નીકળ્યો હોય એ રીતે આરામથી બહાર નીકળી જાય!

(ક્રમશ:)