A Story.... [ Chapter -6 ] Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Story.... [ Chapter -6 ]

‘તું હવે ખાસ મને યાદ પણ નથી કરતો અને મળવાનું તો સાવ જાણે કે ભૂલી ગયો છે... બે ઘડીક પણ સમય નથી તારી પાસે હવે...? એટલી બધી વ્યસ્તતા આવી ગઈ છે એમ...’ એ આંખોમાં ઘેરાતા સવાલો હું સાક્ષાતપણે અનુભવી શકતો હતો. મારે એને કહેવું હતું કે જરાક થોડાસમય માટે જ ભલે હું દુર રહ્યો હોય પણ તારા ખયાલો તો હરહમેશ મારા દિલમાં ફરતા લોઈની બુંદે બુંદમાં વહ્યા જ કરે છે. તારા નામના આધારે જ કદાચ મારું હૈયું પણ હજુ સુધી ધબકારા લઇ રહ્યું છે. ત્યારે પૂનમની રાત્રી જેવો ગોળ ચંદ્રમા મારી આંખોની અડોઅડ સામે આવીને ઉભો હોય એમ દેખાતો હતો. અને એ ચંદ્રના અંદરના કોઈક ખૂણેથી જાણે કે કોઈક મને તાકી રહ્યું હતું, એ મને બોલાવી રહી હતી અને હું દિગ્મૂઢ બનીને બસ નિરંતર પલક પણ ઝબકાવ્યા વિના એને તાકી રહ્યો હતો. એ સ્વરા હતી, એ વારંવાર મને ભેટી પડતી હતી અને આ ચંદ્રમાં આજ પણ એના હોવાનો અહેસાસ મારા દિલમાં જીવંત રાખીને બેઠો હતો. કદાચ મારો પ્રકૃતિ પ્રેમ અને સાંજના સમય પછી છત પર ટીકુર ટીકુર વાતાવરણના બદલાવ જોવાનો શોખ પણ સ્વરાને કારણે જ હોય એમ પણ કહી શકાય. એણે મને હળવેકથી હાથના હથેળી વાળા ભાગે ધીમો સ્પર્શ કર્યો અને મને લપાઈને મારી પાસે બેઠી હોય એમ મને અડોઅડ ગોઠવાઈ ગઈ હતી. ચંદ્રનો અજવાશ સોનેરી પ્રકાશ સ્વરાને ભીંજવી રહ્યો હતો. ઘણા દિવસો બાદ જાણે ચંદ્ર દેખાયો હતો પાછલા ત્રણ દિવસથી એક પણ વાર મારે એને મળવાનું શક્ય બન્યું ન હતું. સતત ત્રણ દિવસ પરીક્ષાના અસાઈમેન્ટ લખવામાં ઘરથી બહાર નીકળવાનો સમય પણ હું કાઢી શક્યો ન હતો. પણ એ દિવસે બધું કામ પૂરું કરીને હું રાતની સુંદરતા જોવા દીવાલની કિનારી પર બેસીને આથમતા સુરજના પૃથ્વી પર પડતા છેલ્લા પ્રકાશને આંખોની કિનારીઓ પર ઝીલતો હતો. મારા જીવનનો આ અમૂલ્ય દિવસ હતો કદાચ, આજ એ દિવસ હતો જ્યારે લાગણીના ફણગામાંથી નીકળી આવેલી લીલી કૂંપળ પર કોઈક અમીરસ છંટાયો હતો. બસ આખરી ઘણું, છેલ્લો ઘણું કે પ્રથમ ઘણું કે સામાન્ય કઈ જ નથી સમજાતું. પણ ત્યારે મારા માટે એ એક પળ જ જીવનનું બધુ બાહોમાં સમેટી લઇ આવી હતી. ચોમાસાના દિવસોમાં આછા વાદળીયાની દોડધામમાં ચંદ્ર સંતાકૂકડી રમવા લાગ્યો હતો, અને એ ચહેરો આજે ક્યાંક ઓજપાયેલો હતો. જેના માટે હું હંમેશા રાહ તાકતો બેસી રહ્યો હોય એવું મને લાગતું હતું. એ બરાબર શનિવારનો દિવસ હતો અને માંડ અઠવાડિયામાં શનિવાર આવતો હોય એવું જ ત્યારે લાગ્યુ, કારણ એ જ બે દિવસ લગભગ સૌથી વધુ સમય અમે લોકો સાથે રહી શકતા હતા. પણ આજે રાતના સાતેક વાગે હું ધાબાની દિવાલ પર ઢળતા સુરજની સોનેરી કિરણોમાં એને શોધતો હતો, અને એ સાચે આવી પણ ખરા.

એ દિવસે એના ચહેરા પર જે ભાવ હતા એ આજ દિન સુધી મને યાદ છે અને કદાચ જીવનના અંતિમ ક્ષણ સુધી હું એને ભુલાવી પણ નહિ શકું. લગભગ સાત તેતાલીસ સમય જોઇને મારા ખિસ્સામાં મુકેલો મોબાઇલ રણકી ઊઠ્યો અને મેં તરત અવાજ વધુ ફેલાય એ પહેલા કાને ધર્યો. સામેથી બસ એટલો જ અવાજ આવ્યો ‘વિમલ ભાઈ, જીનલ તમને કંઈક કહેવા માંગે છે અને તમેં અત્યારે ઘરમાં હોય તો સાત પીસ્તાલીશ પેલા ધાબે પહોંચી જજો... બાય’ આટલું જ મારા કાને સાંભળ્યું અને લાઈન કપાઈ ગઈ, એ અવાજ મિત્રાનો હતો. સામેથી કહેવાયેલા શબ્દોમાં મારા દિલમાં ઘણા પ્રશ્નો આકાર લઇ ચુક્યા હતા એ ખાલીપાના સુન્ન સંસારમાં... સામે કાળું ડીબાંગ આકાશ અને સંસાર માત્ર જાણે એ કાળા અંધકારની ચાદરના નાનકડા ચમકતા છિદ્ર વાળી ચાદરમાં એક સોનેરી પ્રકાશ પુંજની જેમ કોઈ અણમોલ રતન જાણે પ્રકાશને પરાવર્તિત કરીને ઊર્જા જન્માવતું હોય એમ એ ઝળહળતો દીવડો મારી સમક્ષ ધસતો હું અનુભવી શક્યો હતો. એ ચહેરા પરનું તેઝ આજે અદભુત લાગતું હતું, એની સુંદરતા આજે હતી એના કરતા કેટલીય ગણી વધારે લાગતી હતી. એ આંખોમાં આખી સૃષ્ટિ તરતી હતી, એમાં સૂર્યનું તેજ જગારા મારતું હતું તો ચંદ્રની શીતળતા વ્યાપ્ત હતી, એમાં વાયુના સુસવાટા હતા અને સમુદ્રના શાંત પડેલા પાણી ધસમસતા હતા, બળતી જવાળાઓ હતી તો શીતલ ફૂંકાતો પવન એ દુનિયા વાસ્તવિક હતી કે કલ્પના એ સમજી શકવાનો મારી પાસે સમય ના હતો અને એ અદભુતતા જોયા બાદ મારે એ જાણવાની ઈચ્છા પણ નાં હતી.

‘ત્રણ દિવસથી ક્યાં છે?’ એણે આવીને તરત પૂછી લીધું. પણ હું પ્રકાશ પુંજ આંખે અથડાતો હોય એમ એની સામે જોઈ પણ ના શક્યો અને નીચું જોઈ ગયો. મારા મનમાં પેલા શબ્દો હજુય ઘમરોળાઇ રહ્યા હતા કે એ આવાની છે એને તને કંઈક કહેવું પણ છે. પણ શું? એ મને શું કહેવાની હતી એ તો એના કહ્યા વગર મને સમજાય એમ ન હતું છતાય હું એના વિષે જ વિચારે જતો હતો. સામાન્ય રીતે આપણે જે વાત નથી વિચારવાના નિર્ણયો કરીએ એજ બાબત વારંવાર આપણા વિચારોમાં અડગ પણે હાજરી આપે છે. મારા અને એના વચ્ચે ત્રણ દિવસ પહેલા જે વાત થઇ એના પછી હું એનાથી દૂર ભાગતો હતો અને એ કઈ એવું ના કરી બેસે જેનાથી મારા ઘરે કોઈને ખબર પડી જાય એનો ડર મને વધુ વિચારવા પર મજબૂર કરતો હતો. મારે અત્યારે શું કરવું જોઈએ એ મને પોતાને પણ સમજમાં આવતું ના હતું.

અત્યારે લગભગ રાતના ત્રણ વાગી રહ્યા છે વિમલ મેં કહ્યું એની વાતોમાં અનુભવતો અચાનક વળાંક મને બોલવા મજબૂર કરતો હતો. મેં એને માત્ર એક ડ્રીંક માટે જ રોક્યો છે એમ કહ્યું તો ખરા બાકી આમ પણ સમય મારા માટે ક્યારેય બંધન બન્યો જ નથી. પણ જ્યારે આખા દિવસની આબુ પર્વતની રજળપાટ હોય, એક ચહેરો દરેક પળે દિલમાં દોરાતો હોય, આવી સરસ પ્રેમની વાતો થતી હોય અને આંખ ભારે થવા લાગે એટલે કદાચ એકાદ ડ્રીંક કરી લેવું જોઈએ. જેથી કરી વધુ મગ્નતાથી સાંભળવાનો ઉદ્દેશ્ય અને મહેચ્છા પરત મેળવી શકાય, એટલે જ મેં ડ્રીંક માટે એને કહ્યું.

‘તમને ઊંઘ આવતી હોય તો અહીં જ સુઈ શકો છો બાકીની વાતો કાલે કરીશું.’ એણે મારી તરફ નજર ફેરવી અને ભૂતકાળના ઝાળા ચીરતો એ પણ મારી સાથે વર્તમાનમાં આવી ચડ્યો હોય એમ જવાબ આપ્યો.

‘ના મને ગમશે આગળ સાંભળવું.’ મેં ફરી સહજ સ્મિત સાથે કહ્યું પણ એણે ના સાંભળ્યું હોય એમ મેં એને ગ્લાસ હાથમાં લઈને કહ્યું. ‘એક ડ્રીંક મળી શકશે, જામ સાથે પ્રેમની મીઠાશ કદાચ વધુ હોય છે.’

‘યસ શ્યોર, પણ જામ સાથે પ્રેમની મીઠાશ કરતા યાદોના મીઠા વાયરા જરૂર આનંદ આપી જાય છે.’ એ સોફા પરથી ઊઠીને રસોડા તરફ જતા જતા બોલ્યો. થોડીક વારમાં એણે ફરી વાર બે કેન અને આઈસ ટ્રે સામે ટેબલ મુક્યા અને ફરી થોડીક વાર એક ખાલીપો આખા રૂમમાં છવાઈ ગયો. કોઈ કઈ જ બોલ્યા વગર બસ એ ત્રણ ડ્રીંક ગળાની નીચે ઉતરી ગયા પછી જ પાછી જાણવાની ઝંખના જાગી હોય એમ મેં આગળ પૂછ્યું. ‘તો આપણે હવે આગળની વાત શરુ કરીશું ને મી. વિમલ સોની.’ મેં કહ્યું.

‘યા શ્યોર...’ એણે મારી સામે હકાર સૂચવતું સ્મિત કર્યું પણ એના એ સ્મિતમાં એક પ્રશ્નાર્થ ભાવ હતો. એ થોડીક વાર એમજ મારી સામે જોઈ રહ્યો અને મને પૂછ્યું. ‘પ્રેમની સાચી મીઠાશ ક્યારે મળે છે? આઈ મીન ક્યાં હોઈ શકે...? તમે કહી શકો મી. અનંત રાઓ.’

‘યાદોમાં, સ્પર્શમાં, રણકારમાં, ઝણકારમાં, દરેકે દરેક એવી ક્ષણો જેમાં એનો અજાણતા પણ સ્પર્શ અનુભવાતો હોય એવી દરેક પળમાં આહલાદક આનંદની મીઠાશ હોય છે. જ્યારે સૃષ્ટિના દરેક સ્થાને માત્ર એના અવાજનો પડઘો સંભળાય, દરેક સ્થાપત્યમાં એની મુખાકૃતિ દેખાય, દરેક વ્યક્તિમાં એની છબી તરવરી ઉઠે, દરેક આંખે પડતી અને દેખાતી ચીજ-વસ્તુમાં એના જ પ્રતિબિંબ દેખાય, હવા પણ જાણે એની સુગંધ લઈને દોડી આવતી હોય એમ લાગે, પાણી જાણે એના હોઠોના ઓછાયામાં રહેલા વાદળોમાંથી વરસતું હોય એવો આભાસ થાય અને આખા સંસારને ચાદરની જેમ ઢાંકતું આસમાન પણ એના જ ચહેરાને તમારી આંખો સામે પાછું ફેંકે જાણે એ તમારી સામે જ સાક્ષાત વાદળો ચીરતી કોઈ પ્રકાશી કિરણ રૂપે ઊભી હોય, બસ પ્રકૃતિ અને પ્રેમની સમનવયતા જ કદાચ જીવનમાં મીઠાશ ફેલાવી શકે છે.’ હું અટક્યો. એ જે રીતે મારી સામે જોઈ રહ્યો હતો એના ચહેરાના હાવભાવ જોઈ હું અટક્યો. એટલે મારાથી પુછાઈ ગયું ‘શું થયું...?’

‘તમારાથી વધુ કોણ જાણી શકતું હશે નઈ?’

‘કેમ?’

‘આટલી વિશાળ વ્યાખ્યા જેમાં તમે આખી સૃષ્ટિને સમાવી લીધી જાણે પંચ મહાભુતોમાં વિલીનતા એજ પ્રેમ નું સ્વરૂપ હોય એવો અહેસાસ મને પણ થઇ આવ્યો.’ એણે બીયરનો ખાલી ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. અને સહેજ અંગોને તંગ કરી સોફા પર લંબાવ્યા.

‘તમે આગળની વાત કરો તો વધુ મજા આવશે મી. વિમલ’ મેં સોફાના કિનારે સહેજ પડખું નમાવીને કહ્યું.

***

એ દિવસ અવાસ્તવિક જ હતો, સાવ વિચાર અને વાત બંનેમાં સમજાવી શકવું અશક્ય થઇ પડે એટલો જ અવાસ્તવિક પ્રસંગ. જેનું આયુષ્ય ખુબ જ ઓછું હતું અથવા એમ કહો એ દિવસનું કે એ મુલાકાતનું અસ્તિત્વ અમુક સમય અથવા મહિનાઓ માટેનું જ હતું. એણે આવીને મને જે કહ્યું હતું એ સંવાદનો શબ્દે શબ્દ હજુ સુધી જાણે કે મારી સામે જાણે જીવંત બનીને જીવ્યા કરે છે. ઓચિંતો એનો ચહેરો ક્યારેક ક્યારેક મારા સ્મરણ પટ પર આવીને સાક્ષાત બની જાય છે અને જાણે મને કહેવા લાગે છે ‘તું ક્યારેય મને ભૂલી તો નહિ જાય ને...?’ એ સવાલ સમજવો કે છેલ્લો આટલો શબ્દ મુકીને જતા રહેવાની એની પૂર્વતૈયારીઓ એ મને સમજાતું જ ન હતું. હા એ દિવસે રાત્રે હું એમ જ એને જોઈ રહ્યો હતો જાણે ચંદ્રની કલાઓ નિહારતો રહેતો હોઉં. મને એના હોવા પણાનો અહેસાસ પણ જીવનમાં આનંદની હયાતી જેવો લાગતો હતો. સ્વરા એ ફૂલ હતું જે આ ધૂળની ડમરીઓમાં ઘેરાયેલા રણના ઉજ્જડ વિસ્તારમાં સુગંધ ફેલાવવા ફૂટી નીકળ્યું હતું. એજ મારું સર્વસ્વ હતું જેમ ભેંકાર રેતના ઢગલાઓ નીચે દબાયેલા ભૂ-સ્તર માટે એક કાંટાળું વૃક્ષ પણ લીલોતરીનો પર્યાય બની રહે છે એજ પ્રકારે સ્વરાનું સ્થાન મારા ઉજ્જડ જીવનમાં લીલોતરીના પર્યાય જેવું હતું. પણ પ્રકૃતિ અને સર્જનહાર ક્યારેય કોઈને એક જ પરિસ્થિતિમાં રહેવા નથી દેતી એ વાત કદાચ હું પણ ભૂલી જ ગયો હતો જેનો અહેસાસ જલ્દી જ મને પાછો થવાનો હતો.

‘બસ આમ મેન્ટલ વ્યક્તિની જેમ બેસીને ક્યાં સુધી કાઈ પણ બોલ્યા ચાલ્યા વગર જોયા જ કરીશ મને...’ એણે આસપાસન દરેક દિશામાં ઝીણવટભરી નજર દોડાવી લીધા પછી પૂછ્યું.

‘હા...’ મેં અર્ધજાગ્રત અવસ્થામાં જ જવાબ વાળી દીધો જેની જાણ મને એના કહ્યા પછી જ થઇ હતી. એ પણ જાણે એવુંજ સાંભળવા માંગતી હોય એમ એના ચહેરા પર હળવું સ્મિત રેલાવીને કહ્યું ‘ઓકે, તો લે બેસી ગઈ તારી સામે, લે જોયા કર બસ...’ એ સાચે જ મારી સામે દીવાલ પર બેસી ગઈ.

‘ક્યાં સુધી...?’

‘અનંત સુધી... બસ આમજ...’

‘ઓકે.’

‘તું શું કરે છે...?’ મને સહેજ સમજ પડતા મેં જેમ-તેમ કરીને પૂછી લીધું

‘તારી ઈચ્છાને માન આપું છું.’

‘સમજાયું નહિ...’

‘તે જ તો કહ્યું હું તો અનંત સુધી તને જોયા કરીશ.’

‘ઓહ સોરી... હું જરા ...’

‘મને કોઈ જ વાંધો નથી તને એ ગમતું હોય તો...’ એની આંખોમાં વિચિત્ર આકર્ષણ હતું. મંત્રમુગ્ધ કરે એ પ્રકારના મોહિનીમંત્ર જેવું તાંત્રિક. હું એનામાં એટલો ખોવાઈ ગયો કે ક્યારે અમારા બંનેના હોઠ સ્પર્શી ગયા એની મને ખબર જ ન રહી. મને એ પળોમાં જેની અનુભૂતિ વર્તાઈ રહી હતી એ સ્વરા હતી. મેં જેની તરફ મારા વ્યક્તિત્વને ઢળવા દીધું એ પણ સ્વરા હતી. હું એના અહેસાસમાં એટલો ડૂબી ગયો હતો કે શું બની રહ્યું હતું એની મને જાણ ન હતી. બસ સ્વરાના એ શબ્દો જ હજુ સુધી મારા કાને અફળાઈ રહ્યા હતા. ‘તમે મને ભૂલી તો નથી જવાના ને...’. એ હોઠોનો કસાવ સહર્ષ એ પળોને સ્વીકારી રહ્યો હતો.

‘ઓહ નો... સોરી... સોરી...’ હું જયારે વાસ્તવિકતામાં આવ્યો ત્યારે મને એ વાત ખ્યાલમાં આવી કે હું જે કરી રહ્યો હતો એ યોગ્ય હતું. સ્વરા સમજી હું જ્યા ખોવાયો હતો એ વ્યક્તિ સંપૂર્ણ ભિન્ન હતું એ સ્વરાના અહેસાસમાં જીનલ હતી. હું તરત જ ત્યાંથી ઝડપભેર સીડીઓ ઉતરી ગયો. પણ મારા સ્વપ્નાની અને લાગણીઓની એ લહેરોમાંથી છટકીને ભાગી છૂટવું અશક્ય બની રહ્યું હતું. વારંવાર હવે એનો ચહેરો મારી આંખો સામે ઉપસી આવતો હતો.

એ રાત મારા માટે વિચારયાત્રા સમાન બની રહી હતી. એક દ્વંધ હતો મારા મનમાં જે સતત મને ખૂંચતો રહ્યો હતો કે મેં જે કર્યું એની અસર કેવી થશે. મારા વિષે એ શું વિચારશે...? હું એને કઈ પણ કહ્યા વગર... અને એની ઉંમર... મારા મનમાં વિચાર પળે પળ બદલાતા જઈ રહ્યા હતા. જાણે આવેલી ભરતીમાં પાણીના મોઝાઓ તારાજી સર્જે એવા વિચારો અત્યારે લાગણીની આ નહેરમાં તારાજી સર્જતા હતા. વારંવાર એનો ચહેરો અને એના હોઠોનો સપર્શ મારી આંખો સામે દ્રશ્યમાન થતો હતો. “મને વાંધો નથી જો તને એ ગમતું હોય તો...” એના આજ શબ્દો મારી સામે ટળવળતા હતા. એણે મને ફક્ત જોવા માટે કહ્યું હતું અને મેં...? હું એના દિલની મહેચ્છોથી એ સમયે તદ્દન પણે અજાણ હતો. અને મુખ્ય અમારી વચ્ચેનું વિરોધક પરિબળ અમારી વયનો તફાવત હતો. લગભગ ચારેક વર્ષથી વધુનો તફાવત પણ છતાય સંવેદનો અને સ્પંદનો આ બધા તફાવતો ને નથી સમજતો. હું તો મારી જાતને રોકવા છતાં એના હોઠોને ચૂમી લેતા રોકી શક્યો ન હતો. ફાઈનલી એ દિવસે મારા માટે એની વિચારધારામાં જાગરણ સમી બની રહી હતી.

*****

લેખક – સુલતાન સિંહ ‘જીવન’

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આપના અમુલ્ય પ્રતિભાવો જરૂર આપશો...