સ્થળ :-
હોટેલ માઉન્ટન હિલ [ રૂમ નં. ૧૧ ]
પ્રકૃતિના પેટાળ અને પર્વતના મોટા ખડકીય પથ્થરો દ્વારા ગૂંથાયેલી ગુફા વડે ઘેરાયેલો રૂમ જાણે પર્વત ચીરીને બખોલમાં વહી જતા માર્ગ સમાન હોવાનો અનુભવ અને નઝીકથી વહેતું પાણીનું ઝરણું પણ શુષ્કતા ભર્યા વાતાવરણમાં ભીનાશ ભેળવતું હતું. ખુબજ કાળજીપૂર્વક અને હેતુસભર રીતે આ રૂમની બનાવટ ઉડીને આંખે ચોટે એટલી હદે ભવ્ય હતી. સામાન્ય વ્યક્તિને તો આ પ્રકારનો રૂમ મળવો પણ ભાગ્યની વાત જ ગણી શકાય એટલો અહલાદક અને આનંદ આપનારો અહેસાસ હતો અહી. શાંત વાતાવરણમાં પાછળના છેવાડે બનાવેલી ખડકી માંથી પાણીની બુંદોની ટાઢક રૂમમાં પથરાઈ જાય કઈક એવા પ્રકારે એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એજ ખડકીની જોડાજોડ બેઠકરૂમ જેવી વ્યવસ્થા પણ હતી. વાતાવરણ મનને બહેકાવી મુકે એવું માદક સ્પંદન હતું કદાચ અહી બેસીને કુદરતના ખોળામાં બેસવાનો અનુભવ પણ જરૂરથી માણી શકાય. આ રૂમની અદભુત રીતે કરેલી બનાવટ અને આબુ પર્વતના વાતાવરણના કારણે હવામાં હળવાશ અને વાતાવરણમાં ભીનાશ વ્યાપ્ત હતી.
આ રૂમની મોહમાયામાં ખોવાઈને મારું મન પણ જાણે કેટલાય રાગ રેલાવા થનગની રહ્યું હતું, ત્યાજ સામે છેડે કિંગફિશરના બે કેન અને બે કાચના ગ્લાસ સાથે વિમલ મારી નજીક આવીને બેઠો. એની આંખોમાં મૂંઝવણ હતી અને કદાચ કેટલાય સવાલોના ઝંઝાવાત, પણ અત્યારે એનો ચહેરો તો સાવ શાંત જ હતો. અને સામાન્ય વ્યક્તિની જેમજ એણે અતિથી સત્કાર માટે મને બીયર માટેની ઓફર પણ આપી અને મારી સામેના સોફા પર બેસીને બંને ગ્લાસમાં બરફના કટકા અને બીયર રેડવા લાગ્યો. સામાન્ય રીતે બે સરખી ઉમરના લોકો ભેગા મળે ત્યારે ફોર્માલીટીજ વાળી સીસ્ટમ નહીવત થઇ જાય છે. એણે એક ગ્લાસને મારી તરફ સરકાવતા પોતાની વાત શરુ કરી “મને સમસ્યા માનસિક છે અથવા નહી એની મને ખબર નથી પણ હા, મારે હવે અહીંથી આ રૂમના આંચલમાંથી ક્યાંય પાછા નથી ફરવું. ના તો હું મહેસાણા જવા માંગું છું કે ના પાછો જયપુર...” એ અટક્યો એની વાત હજુ કદાચ અધુરી હતી એણે એક ઘૂંટડો લગાવ્યો અને મારા ચહેરા પરની મૂંઝવણ કળી જતા એ ફરી બોલ્યો “મને બીયર ચડતી નથી એનાથી હવે હું ટેવાઈ ગયેલો છું, પણ મારી વાત વિચિત્ર છે. પણ તમે જરાય ચિંતા ન કરો હું માંડીને આખીયે વાત કરીશ તો બધું સમજાશે.”
“હા બિલકુલ મુદ્દાની વાત કરો” મેં ઘડીક વિચારતા એની વાતનો સ્વીકાર કર્યો અને મારી તરફ સરકાવેલા ગ્લાસમાંથી એક ઘૂંટડો માર્યો. હું આમ સામાન્ય સંજોગોમાં ખાસ કરીને આવા કોઈ પ્રકારના અલ્કોહોલિક નશા કરતો નથી પણ એ વ્યક્તિનો અથીતી સત્કાર, રૂમનું અહ્લાદક વાતાવરણ, માઉન્ટ આબુની હાડ કકડાવતી ઠંડી અને ક્યારેક મારી મરજી મુજબ પી લેવાની આદતના બધા કારણો મિલાવતા મેં એવું કર્યું. એની આંખોમાં આથમતા સુરજ અને ઉગતા ચંદ્રની શીતળતા વ્યાપ્ત થઇ રહેલી હું જોઈ શકતો હતો. જેમ ઘનઘોર વાદળો પાછળથી ચંદ્ર ડોકિયા કરે એમ એની કીકીઓ પાછળ ત્યારે વેદના ડોકિયા કરતી હતી.
“મારી સમસ્યા કદાચ અણધાર્યો પ્રેમ છે.” એણે વધુ એક પેક બનાવીને ઘૂંટડો લગાવી જવાબ આપ્યો અને એ ચુપચાપ મારી સામે જોઈ જ રહ્યો.
“પ્રેમ અને સમસ્યા...” કદાચ એના આ સવાલનો જવાબ આપવા મારે પાંચ એક વિસ્કીના ગ્લાસ ઘટઘટાવી જવા પડે એવું મને લાગ્યું. એનો સવાલ જ કઈક એવો વિચિત્ર હતો મને ગુસ્સોય આવ્યો પણ એની આંખોમાં ઉછળતી ઝંઝાવાત મને શાંત પાડી ગઈ. હું ફરી બોલ્યો “પ્રેમ સમસ્યા નથી હોતી, પ્રેમ કદાપી સમસ્યા હોઈ જ ના શકે. પ્રેમ એજ સત્ય અને પ્રેમ એજ સમાધાન પણ છે.”
“તમે અધ્યાત્મિક વાત કરો છો.” એ હજુય ગ્લાસને હાથમાં લઇ કદાચ રાહ જોતો હતો મારા જવાબની અથવા બીજો ઘૂંટ ઘટઘટાવી જવાની.
“ના હું સત્ય વાત કરું છું.” મેં પણ શાંત રહીને જ જવાબ આપ્યો. કારણ ત્યારે મારે એને બીજું શું કહેવું એનો તો મને પણ ખ્યાલ જ ન આવી શક્યો.
એણે થોડીક વાર મારી સામે જોયા કર્યું અને પછી પોતાની સામેના ટેબલ પરથી બીયરના કેન વડે બીજો ગ્લાસ પણ ભર્યો “પ્રેમ મારી સમસ્યા છે અને એના કારણે જ હું ત્રણ દિવસથી ઘર અને કામકાજ બધું મુકીને અહી ભાગી આવ્યો છું.” એણે કહ્યું અને ફરીવાર ચુપકીદી સાધી પણ મારા મનમાં એનો જવાબ વારંવાર ગુંજ્યો. કોઈ વ્યક્તિ ભાગીને ફાઈવસ્ટાર હોટેલમાં કઈ રીતે રહી શકે એજ વિચારમાં હું ફરી એકવાર હોટલની ભવ્યતામાં ખોવાઈ ગયો.
“તમને ખબર છે મારા પપ્પા યુ.એસ.એ. છે ને માં પણ, પ્રેમ સિવાય એ લોકો મને બધુજ આપે છે એ પણ સુટકેશ ભરી ભરીને કે જે બે હાથે પણ ખર્ચી ના શકાય એટલો બધો પ્રેમ અને આ રૂમની ભવ્યતા એની સાક્ષી પૂરે છે.” મારી ચુપકીદી જોઇને એણે ફરી વાર પોતાની વાત શરૂ કરી અને રૂમની ભવ્યતા તરફ જોઈને અટક્યો. ત્યારે એની આંખોમાં ભેકાર સુન્નતા હતી. એનો ચહેરો નિસ્તેજ હતો એની સંપતિ જાણે એને કોરી ખાવા દોડતી હોય એવુ એનો ચહેરો દર્શાવતો હતો. હું હજુય એની આગળની વાત જાણવા તત્પર હતો પણ હું એમને એમ બેસી જ રહ્યો. આ સમયે એને કઈ કહેવું મને યોગ્ય ના લાગ્યુ. કદાચ આવા સંજોગોમાં એ યોગ્ય ગણાય પણ નહિ.
“પ્રેમના ત્રિકોણીયા સાગરમાં અર્ધડૂબેલો અથવા ડુબી જવાના આરે ઉભેલો વ્યક્તિ જ્યારે પોતાની સમસ્યા કહે તો એને કેવા પ્રકારની સમસ્યા કહી શકાય, માનસિક કે પ્રેમની ?” એના શબ્દોમાં એક પડકાર હતો અને સાથો સાથ સવાલોના ઉઠતા વહેણ પણ. ફરી એક વાર પેલો સનસેટ પોઈન્ટના આભમાં આછો ઝળહળતો ચહેરો મારી આંખો સામે મંડાયો. હસ્યો અને શૂન્યાવકાશમાં વિલીન થઇ ગયો.
મને કઈજ સમજાતું ના હતું એની વાણી અને વચન બંને દીશાહીન હતા. અત્યારે એ વિશાળ રણમાં ભટકેલા મુસાફર જેવો ભાસતો હતો. મેં ફરી એક ઘૂંટ લગાવતા પૂછી લીધું “તમે મને આખી વાત માંડીને કરશો તો મને સમજી શકવામાં સરળતા રહેશે.”
“ક્યાંથી શરુ કરું ?”
“સમસ્યાથી”
“એજ તો કહું છું”
“પ્રેમનો ત્રિકોણ... મને સમજાવશો ?”
“હા... ત્રણ વ્યક્તિ વચ્ચેનો પ્રેમ”
“તમે બંનેને પ્રેમ કરો છો ?”
“કદાચ...” એ ઊંડા વિચારોમાં પછડાઈ ગયો કદાચ ભૂતકાળની શેરીઓમાં એ સવાલોના જવાબ શોધવા નીકળી પડ્યો હોય એટલી હદે ત્યારે એ મુંઝાતો હતો “મને ખબર નથી, હું સમજી કે નક્કી કરી જ નથી શકતો”
એણે બહારની વરસતી ચાંદની તરફ નઝર કરી અને લાંબો નિસાસો નાખ્યો ત્યારે ઘડિયાળમાં અગિયાર વાગી ચુક્યા હતા સમયનો કાંટો એની વાત સાથે સરતો જઈ રહ્યો હતો. મારા મનમાં સવાલો હતા પણ એની સમસ્યા એ જાતે કહે એજ મને વધુ ઉચિત લાગ્યું. “આજ સમસ્યા છે એ બંને છોકરી” મેં પૂછી લીધું.
“હા... કદાચ...” એ અટક્યો એના શબ્દોમાં જાણે કેટલાય લાંબા અનુભવોના ખડકલા ખડકાતા હતા પણ એ ચુપ હતો. “એક જેને મેં દિલથી ચાહી અને બીજી એ જેણે મને, પણ એ મારા ખાસ મિત્રની બહેન છે.” એણે ઉભા થઈને બાલ્કનીમાં જવા પગ ઉપાડ્યા. અને સામે દેખાતા ઝરણા અને ખુલા આભના મોહક દ્રશ્યને સામે ઉભેલી પ્રેમિકાની જેમ મુગ્ધપણે તકી રહ્યો.
“તને કોની સાથે વધુ આત્મીયતા છે...” હું અટક્યો કદાચ મારે એને પૂછવું હતું કે કેમ એ તારા મીત્રની બહેન છે એનો અર્થ એવો નથી કે તું એને અથવા એ તને ચાહી જ ના શકે. પણ એના ચહેરા પર છવાયેલી ગંભીરતા જાણે મારા હોઠ સીવી નાખતી હતી. દુનિયા અનેક રંગી છે જયારે તમે કોઈકના પ્રેમમાં પડો ત્યારે કોણ તમને ચાહતું હોય એની તમે પરવા નથી કરતા પણ, જયારે તમારી ચાહત કાચની બાટલીના જેમ પડી ભાંગે, ત્યારે તમને ધીક્કારેલા વ્યક્તિને અપનાવવું અસહનીય બની જાય છે.
“મારી પાસે એનો જવાબ નથી...” એ હજુય સામેના ખુલા આભમાં નઝર ફેરવતો રહ્યો હતો “પણ કદાચ તમે એનો જવાબ આપી શકો” એણે તરત મારી તરફ આશાભરી નઝરે કહેતા કહેતા જોયું. જેમ ડૂબતો વ્યક્તિ કિનારે ઉભેલાને પોતાને બચાવી લેવા વિનવે એવી ભાવના એની આંખોમાં ત્યારે વર્તાઈ રહી હતી.
“મારી પાસે...?” હું અચાનક બબડ્યો. ખરેખર મને નથી સમજાતું કોઈકની સમસ્યાનો જવાબ મારી પાસે કેવી રીતે હોય. હા મારા અનુભવોના આધારે આખી વાત જાણ્યા બાદ કદાચ હું સલાહ કે સુચન જરૂર આપી શકું પણ જવાબ...
“હા, બસ તમેજ...” એ ફરી વાક્યને અધૂરું છોડી જાણે ચુપ થઇ ગયો. એ બાલ્કની છોડીને ફરી મારા સામેના સોફા પર ગોઠવાયો.
“હું પ્રયત્ન કરી શકું. પણ, તમે મને આખી વાત ખોલીને કરો તો”
“હા જરૂર પણ, કદાચ તમારે આજે અહી જ રોકાઈ જવું પણ પડે”
“ભલે, તમે કહો” મેં એના ખભે હાથ મુકતા એને આશ્વાશન આપ્યું.
અત્યારે રાતના અગિયાર અને ચાલીસ થઇ ચુક્યા હતા. ચંદ્ર પણ ખડકીમાંથી ડોકિયા કરીનેઆ રૂમમાં ઉભેલા અમને બંને જણને ઘૂરકી રહ્યો હતો. વાતાવરણની ભીનાશ રાતમાં જાણે જીવંતતા પુરણ કરી રહી હતી. દિલની વાતો અને દિલનો બોઝ આજે વિમલ કદાચ વહેચી લેવા માંગતો હતો. વહેતી રાતની ગતિ વિમલને પોતાની વાત કહેવા માટે ઉશ્કેરતી હતી ત્યા બીજી તરફ એની વાતમાં હું મારે કાલે નીકળવાની વાત તો જાણે ભૂલી જ ચુક્યો હતો. હવે એના હાવભાવ ત્યારે થોડાક સ્વસ્થ લાગવા લાગ્યા હતા. અને ચહેરા પર આજે લાંબા સમયે હળવાશ પથરાયેલી મેં અનુભવી. ત્રીજા ગ્લાસને હોઠે લગાવી અને છેવટે એણે પોતાની કહાની ની શરૂઆત કરી.
***************
લગભગ એ રવિવારનો દિવસ હશે ત્યારે સંધ્યાની વેળા પણ ઢળી ચુકી હતી આકાશ ભૂખરા અને આછા રતાશ પડતા રંગમાં રંગાવા લાગ્યું હતું. આભમાં સોનેરી કિરણો અને મોબાઈલ રીંગટોનમાં પ્રીતના સુર રેલાવતું સંગીત વાગી રહ્યું હતું. મને એક પળ માટે સમજાયું પણ નઈ હોય એટલી ઝડપે બે આંખો મારા અંતરપટ પર છવાઈ ગઈ અને મારી નઝર મળીને લગભગ ક્ષણિક સમય માત્ર માટે એણે મને અને મેં એને જોઈ હશે. હાલના અનુભવો મુજબ દર્શાવું તો આ જીવનની ચોપડીમાં પ્રેમના પ્રથમ પ્રકરણના અધૂરપની કદાચ નવા શિરેથી શરૂઆત ત્યારથીજ થયેલી. જે પુસ્તક માત્ર એના ઓળગોળ જ રચાયું, જેની શરૂઆત આંખોમાંથી ઉપજતો પ્રેમ હતો અને સામાજિક વિકારોમાંથી ઉપજતી અવિશ્વાસની લાગણીઓ જ એનો અંત.
ઓહ, હા કલ્પનાની દુનિયા અને વાસ્તવિકતાની રજૂઆત લગભગ એક સરખી હોય છે. સાંભળનારને તો એવુજ લાગે જાણે આ ભાઈ ક્યાંક ખોવાઈ ચુક્યો છે. એના ભૂતકાળના એ દિવસોમાં અને રજુ કરનાર હળપળ એજ આશા સેવતો બેઠો હોય કે સાંભળનારની આશા સાચી ઠરે.
મેં એને પ્રથમ વખત એટલે ફક્ત એક ઝલક અને પલકાર માત્રની ક્ષણ પુરતી જોઈ. ગણતરી મુજબ કઉ તો પાંચ વર્ષ પહેલા ૨૦૦૧ની સાલમાં જોઈ હતી. મહેસાણા શહેર અને મોઢેરા ચોકડીથી સાતસો મીટર દુર અમદાવાદ હાઈવે પર આવેલી એ લાંબીલચક પુષ્પકુંજ સોસાયટી. હું પણ ત્યાજ રહેતો હતો અને એ પણ ત્યાજ રહેવા આવી હતી નજીકના ઘરમાં. એના વિષે મારે શું કહેવું એજ મને નથી સમજાતું પણ સમય સાથે વ્યક્તિના મૂલ્યાંકનની સ્થિતિ બદલાતી રહેતી હોય છે. સામાન્ય રૂપ, દેખાવ, પરિવાર અને દિલને એક પળ માટે ધડકતું રોકી દે એવું અહલાદક પ્રભાવશાળી વ્યક્તિત્વ. વધુ વખાણ કરવા મારી પાસે શબ્દો નથી મારા માટે તો શૃંગારના બધાજ શબ્દો એના અસ્તિત્વ માટે જ રચાયા હોય એવું લાગે છે. આવા વિચાર અને દિલમાં બદલાતા વિચારો સાથેજ દિલનું ડીપાર્ટમેન્ટ અવળે પાટે દોડવા લાગ્યું હતું.
~~~~~~~~