A Story... [ Chapter -5 ] Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Story... [ Chapter -5 ]

પાછલા થોડાક દિવસો પછી તો હું રોજ માસીના ઘરે જવા લાગ્યો હતો. એના માટે કે પછી એમજ એની મને ખબર નથી પણ હવે મને ત્યાં જવાનું કારણ મળી ગયું હોય એમ લાગવા લાગ્યું હતું. એને જોવી, એને મળવું, એની સાથે વાત કરવી અજાણતા જ મને પણ ગમવા લાગ્યું હતું. એના તરફ નું આકર્ષણ મને સામાન્ય રીતે વિચિત્ર ગણી શકાય એવું લાગતું હતું.

‘મિત્રા ક્યાં છે?’ એ દિવસે પણ એણે મને આવતા વેત પૂછી લીધું.

‘મને નથી ખબર પણ હાલ આવી જશે.’ મેં આટલું કહ્યું અને ત્યાંથી ઊભો થઈ ગયો. છેવટે મારા એ બધા જ વિચારો અટક્યા જેને હું એની ગેરહાજરીમાં બેસીને વાગોળતો હતો એ વિચારોની લહેર સાક્ષાત હાલ મારી સામે હતી. મારે નીકળી જવું જોઈએ એ વિચાર મનમાં ઉદ્ભવતો હતો પણ મારું દિલ એમાં સાક્ષી પૂરવા માટે તૈયાર નાં હતું. એવામાં ખોવાઇને કઈક ન કરવાનું કરી બેસું કે જેનાથી વાત બગડે એના કરતા હું નીકળી જાઉં તો સારું એવો મારો વિચાર હતો.

કદાચ તમે નહિ માનો આગળના દિવસ અને આખી રાતના વિચારમાં મેં એને મારી પાસેથી એ સોનેરી અંધારામાં નીકળીને સીડીઓમાં સરી જતી જોયા કરી હતી. મારા વિચારોની ટ્રેન જે છેલ્લા કેટલાક સમયથી સાવ સ્થિર હતી હવે એના કારણે સતત આજકાલ દોડતી થઇ ગઈ હતી. એનાથી દૂર રહેવાનો વિચાર પણ મને હવે એના અહેસાસની વધુ નજીક ખેંચી જતો હતો.

‘અને ગીતા માસી ક્યાં છે?’ એણે ફરીવાર કઈક મનોમન વિચારી લઇને પૂછ્યું. મારી નજર સપનાની શેરીએથી સીધી જ એની આંખોમાં પડઘાઈ ગઈ. એની આંખોમાં જે ભાવ હતા એ અત્યાર સુધીના ભાવો કરતા સંપૂર્ણ અલગ જ પ્રકારનાં હતા.

‘એ મારા ઘરે ગયા છે, એમને કદાચ કોઈ કામ હશે મારું પણ...’ મેં એમ કહીને ફરી વાર ત્યાંથી નીકળી જવાની તૈયારી બતાવી.

‘તમારે પણ ઘરે કઈ કામ છે?’ એણે સામેના છેડે સોફા પર બેસતા બેસતા કહ્યું અને ફરી વાર કઈક વિચારીને એણે ઉમેર્યું. ‘મારો મતલબ એમ કે, જરૂરી કામ ના હોય તો બેસોને થોડી વાર.’ વિશ્વાશ ન બેસે એ પ્રમાણે નજર ફેરવતા એણે મારી સામે જોઇને કહ્યું. કોઈ છોકરી અચાનક આમ વાત કરે તો કેવું લાગે, કદાચ તમે પોતે પણ આ વાત બરાબર સમજી શકો છો ને? એ પણ એવા વખતે જ્યારે તમારી ખાસ કોઈ ઓળખાણ ના હોય, અને તમે એની સાથે ઝઘડી ચુક્યા હોય. એ દિવસની દરેકે દરેક પળમાં મારા માટે એક વિચિત્ર મૂંઝવણ હતી. જાણે મારી સાથે હું પોતે જ લડી પડ્યો હોઉ એમ તર્કોમાં અટવાતો જઈ રહ્યો હતો. મન નીકળવાં માટે અને દિલ રોકવા જોર કર્યા કરતું હતું.

‘હું...?’ મેં પૂછ્યું અને ફરી કઈ યાદ આવ્યું હોય એમ કામ છે એવું કહી દીધું.

‘હા તમે, બેસો થોડીક વાર કોઈક વાત કરીએ ને? મિત્રા આવે ત્યાં સુધી.’ એણે જવાબ આપ્યો અને મારી દ્રષ્ટિ સીધી એના પર પડે એમ બરાબર મારી સામેજ ગોઠવાઈ ગઈ. એ સમયે પણ એની આંખોની ગહેરાઈ, ચહેરાની હળવાશ અને એના હોવાનો એ રંગીન અનુભવ મને અનેરો આનંદ આપતા હતા. મારા મનમાં એને જોવા જે ઝંખના હતી એ પણ પૂરી થાય એ દિલ મને કહેતું હતું પણ મન... મનનું શું?

‘વાત... પણ શેના વિષે...!’ મારામાં હજુય આશ્ચર્ય ઉછાળો મારતું હતું.

‘સોરી હા, પેલા દિવસ માટે...’ એણે ટૂંટિયું વાળીને સોફા પર બેસીને પહેલા જ આંગળીના ટેરવાને પાછળની દિશામાં હવામાં દર્શાવતા એણે કહ્યું. એની નજર ફરી વખત મારા પર આવીને સ્થિર થઇ ગઈ.

‘સાઇકલ એક્સીડેન્ટ...?’ મેં વિચારીને હવામાં આંગળી ફેરવતા જવાબ આપ્યો.

‘હા... એ દી ખબર નઈ મને...’

‘ઇટ્સ ઓકે હું તો ભૂલી ચુક્યો છું’ ત્યારે મેં સહજતા પૂર્વક જવાબ તો આપ્યો પણ ભલે મેં એને ભૂલવાનું કહ્યું પણ એની ઝલક વખતની એકે એક ક્ષણ મને યાદ હતી. એ દિવસે મને સ્વરાની ઝલક જીનલમાં પ્રથમ વખત જોવા મળી હતી. એજ ચહેરો જે છેલ્લા કેટલાક વર્ષોથી મારા વિચારોના વમળોમાં વલોવાતો રહ્યો હતો.

‘એક વાત પૂછું?’ એણે ટેબલ પરથી એના આવ્યા પહેલા હું જે પુસ્તક વાંચતો હતો એજ પુસ્તક ઉપાડ્યું અને કોઈ પણ જાતની સમજ ન પડતી હોય તેમ આગળ-પાછળ કરીને એ બુક ને જોયા જ કરી.

‘બોલો.’

‘તમે કંઈક’

‘ના પણ, તમને કેમ ખબર’

‘તમે પૂછી શકો છો.’

‘તમે પેલા દિવસે મને શું કહ્યું હતું...?’ મેં એ દિવસને પાછો મનમાં યાદ કરીને વાગોળતો હોય એમ પૂછી નાખ્યું.

‘નથી સાંભળ્યું તમે?’ એ હજુય મારા સામે જોઈ રહી હતી.

‘કદાચ...’ મારે એને કહેવું જોઈતું હતું કે હું તો એ પળે કોઈ નવી જ દુનિયામાં હતો. એની આંખોમાં ખોવાઇને મને જાણે મારી સ્વરા મળી ગઈ હતી અને જાણે એની મોહમાયામાં હું સાવ આંધળો જ બની ગયો હતો.

‘છોડો એ બધું...’ એણે વાત બદલી ને પેલી બુક મારી સામે ધરી આશ્ચર્ય સાથે કહ્યું ‘આ શેની બુક છે?’

‘નોવેલ છે, ધ હાલ્ફ ગર્લફ્રેન્ડ આ અનુવાદિત છે પણ મેઈન અંગ્રેજીમાં ચેતન ભગતે લખી છે.’ મેં એની આંખોમાં વણઉકેલાયેલા ભાવ જોતા કહ્યું.

‘હાલ્ફ ગર્લફ્રેન્ડ એટલે...?’ એણે ફરી પૂછ્યું, એની આંખોમાં ત્યારે આશ્ચર્ય અને ઉત્સુકતાના મિશ્રિત ભાવ હતા. અને સાથે જ દરવાજામાં કોઈકના આવવાની આહટ પણ સંભળાઈ, એ મિત્રા હતી.

‘મિત્રા તું આવી ગઈ’ મેં તરત નજર પડતા જ પૂછ્યું. મારું ધ્યાન અત્યારે જીનલ તરફ હતું પણ નજર દરવાજા પર ઉભેલી મિત્રાની આંખોને વર્ગીકૃત કરવા મથી રહી હતી. અને મારા બોલતાની સાથે જ જીનલ પણ ઊઠીને દરવાજા તરફ જોઈ રહી હતી એના ચહેરા પર પણ એજ સવાલો હતા. કદાચ જે ત્યારે મિત્રાને જોઈ મને અનુભવાતા હતા.

‘હા બસ હમણાં જ’ એણે નજરો ઉછાળતા જવાબ આપ્યો.

‘ઓકે મારે ક્યારનું જવું હતું પણ આ તારી બહેનપણી... ચલ મારે જવું છે.’ હું આટલું કહીને બહાર જવા મિત્રા જ્યા અત્યારે ઊભી હતી એ દરવાજા તરફ વધ્યો.

‘આ બીજી મુલાકાત, કેમ બરાબર ને... ભાઈ?’ મિત્રાએ નજીક આવતા હળવા સાદે કહ્યું.

‘હાલ્ફ ગર્લફ્રેન્ડ એટલે વળી શું થાય એ ના કહ્યું હજુ તમે?’ જીનલે ત્યાં ઊભા રહીને ફરી વખત સવાલ કર્યો. બસ ક્યારેક સમજાવીશ એટલું જ કહ્યું અને હું ત્યાંથી નીકળી ગયો.

***

થોડીક વાર વીતી ત્યારે વિમલે ટેબલ પર મુકેલો બકાર્ડીનો બીજો ગ્લાસ પણ ખાલી કરી ચુક્યો હતો. કદાચ બીયર સાથે પણ બરફના ટુકડા લેવાની એની કાયમી આદત હશે એવું ત્યારે મને લાગ્યું. એની આંખો હજુય એના વીતેલા ભૂતકાળમાં ઘર્કાવ હતી. એના મુખેથી એની આપવીતી સંભળાવતી વખતે એનો વર્તમાન પણ જાણે ભૂતકાળની સાથે ભેળવાઈ જતો હતો. ચહેરા પર એક ચમક અને ઉદાસીના મળતિયા ભાવ હતા. અને કદાચ એના ચહેરા પરની આ જ ભાવાવિશ્વની લહેરો મને એના વિષે વધુ જાણવા મજબુર કરી રહી હતી. મારે એને ઘણું પૂછવું હતું પણ મારા માટે એ જાતે જ બધું કહે તો એમાં આવતી સહજતા મારા લેખન કાર્યની સાર્થકતા માટે વધુ મહત્વની બની જતી હતી. અને હું અત્યારે સામે બેસેલા વિમલમાં મારી બીજી નવલકથાને જીવંત થતી શોધવા લાગ્યો હતો. સ્વરા, જીનલ, મિત્રા જેવા પત્રોમાં મારી આખી એક ભાવવિશ્વની દુનિયા આંખો સામે ઝળહળી રહી હતી.

‘આ સ્વરા કોણ છે...?’ વિમલની વાતોમાં બે ત્રણ વખત આ નામનો થયેલો ઉલ્લેખ અને આ અઢી શબ્દો બોલતી વખતે એના ચહેરા પર છવાતી ઉદાસીન આંખોમાં ચમકના અણસાર જોયા પછી મારે મજબુરી વશ એને પૂછી લેવું પડ્યું હતું. ત્યારે ઘડિયાળમાં સમયના કાંટાઓ પણ કદાચ અમારી તરફ જોઇને સ્થિર બની ગયા હોય એમ જડવત દેખાઈ રહ્યા હતા.

‘સ્વરા... એ જ તો આ કહાનીનું હાર્દ છે...’ આટલા શબ્દો માંડ બોલ્યા પછી સોફા પરથી ઉભા થઈને ફરી રસોડા તરફ એ વળ્યો. થોડીકી વાર પછી બરફની એક નાનકડી વાડકી સાથે એ ઓરડામાં પરત ફર્યો. એના ચહેરા પરના હાવભાવો શૂન્ય હતા. એની પાસે સળગતા તાપણાના સોનેરી પ્રકાશમાં ઝળહળતી આંખોમાં જાણે કે અચંબિત લાગણીઓનું વહેણ વહી રહ્યું હતું.

‘તો આ જીનલ...’ મેં વિસ્મિત ચહેરે કહ્યું.

‘સ્વરાનું વાસ્તવિક દુનિયામાં આંખો સામે ફરતું સ્વરૂપ.’ બકાર્ડીના ગ્લાશને એક પ્રેમિકાને ચુંબન કરતા હોય એટલી લાગણીઓ સાથે હોઠે લગાડીને ઘૂંટ ભરતા વિમલે જવાબ આપ્યો. આ જવાબ પછીનો પડઘો સાવ સુન્નતામાં પછડાયેલો હતો. એની જબાન પર આ શબ્દો પછી જાણે તાળા લટકી જવાના હતા.

ધીરે ધીરે થોડાક સમય સુધી રાત્રિનું મૌન આખાય વાતાવરણને જાણે નીગળી રહ્યું હતું. સામેની દીવાલ ઘડિયાળ પર ફરતા કાંટાઓના ટીક ટીક અવાજો પણ પાસેના ઝરણાના અવાજમાં ભેળવાઈ જઈને સ્પષ્ટ સંભળાવા હતા. માઉન્ટ આબુ પર્વત ધીરે ધીરે અંધકારની ચાદર ઓઢી ચુક્યો હતો. ઠંડીનું પ્રમાણ પણ અત્યારે માઈનસમાં હતું પણ રૂમના ખૂણામાં સળગતા જુના પુરાણા તાપણામાં બળતી આગ રૂમના વાતાવરણને હળવું કરતી હતી.

***

થોડોક સમય શાંત બેસેલા વિમલે ફરી વાતનો દોર સાંધ્યો. પણ છેવટે સ્વરા વિષે કોઈ ખાસ વાતચીત એણે કરી નહિ. પણ વધુ જાણવા માટે મને એમ લાગ્યું, કે કદાચ એનો યોગ્ય સમય હજુ પાક્યો નથી એટલે મેં પણ લીમ્કાનો ગ્લાસ ભરીને બે ચાર ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા અને વિમલની વાતોને ફરીથી ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. હું શાંત થયો પણ મારા મનમાં હજુય એ સવાલ આંખમાં પડેલા કણાની જેમ ઘુમાળાઈ રહ્યો હતો કે ‘સ્વરા નામની આ વ્યક્તિ આખર કોણ હશે...?’ પણ મારી આ મૂંઝવણ દુર કરવાના સ્થાને વિમલે પોતાની જ અધુરી વાતનો દોર સાધ્યો.

‘સંભળાવી દે ચલ... એની વે મને માફ કરજે, આજે પણ હું જરાક ઉતાવળમાં હતો.’ મેં એના ચહેરા પરના બદલતાં ભાવ પહેલા જ મારો જવાબ આપી દીધો. એના સહેજ અમથા સ્પર્શના કારણે મારામાં વ્યાપેલા અનોખા આનંદ સામે એના ભાષણની આજે મને જરા અમથી પણ પરવા ના હતી. સવારના નવ વાગી ચૂક્યા હતા આજે પણ સ્કૂલ જવામાં રોજની જેમ જ મોડું થઇ ગયું હતું. હું ઉતાવળે ઘરની બહાર નીકળી ગયો અને દોડતા દોડતા સ્કૂલ જવા માટે નીકળ્યો હતો. બરાબર એજ જગ્યાએ એ ફરી વાર મને દૂધ લઈને ઘર તરફ જતા ટકરાઈ, અમારા બંનેમાં કદાચ કંઈક તો એવું જરૂર હતું જ જે અમને એક બીજા તરફ ખેંચી લાવતું હતું, આ અમારી ત્રીજી મુલાકાત હતી. એ દિવાલના ટેકે મને અથડાયા છતાં પછડાતા બચી ગઈ હતી પ્રથમ સ્પર્શ ત્રીજી મુલાકાત અને ફરીવાર એક લાંબા ભાષણની તૈયારીઓ, એના ચહેરા પર ગુસ્સો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એની આંખોમાં ઉદભવતા તોફાનો પહેલાના તોફાની વાયરાની જેમ જ ગોટે ચડેલા દેખાતા હતા. એનો ગુસ્સો આજે ફરી વાર પેલા દિવસના જેમ વર્ષી પડશે એવું મને લાગવા લાગ્યું હતું.

‘શું સંભળાવું? અને સમજી શકું કે ઉતાવળમાં પણ...’ એની નજર હજુય મારા તરફ હતી. ‘જોઇને પણ ચાલી શકાય ને?’

‘બોલી નાખ ચલ...’

‘શું?’

‘ઓલા દિવસની જેમ કઈ કહેવાનું હોય તારે એ?’

‘અરે, એ દિવસ માટે સોરી કહ્યું હતું ને મેં.’ એ અટકી અને ફરી સહેજ હસતા ચહેરે બોલી ‘મોડું થાય છે ને, તારે સ્કુલ નથી જવું હવે...?’

‘ઓહ, હા પછી મળીયે’ આટલું કહીને હું ત્યાંથી દોડમદોડ નીકળી ગયો હતો. પાછળ જોયા કરતા એના હાથનો ઈશારો મને થોડોક સમજાયો. આજ પ્રથમ મુલાકાત હતી જેમાં એની આંખોમાં મને કંઈક નવીજ ભાવના દેખાઈ અને એણે કરેલો ઈશારો કદાચ આ કહાનીની એ શરૂઆત હતી જે સમય જતા વિખેરાઈ જવાની પણ હતી.

*****

સુલતાન સિંહ

૯૯૦૪૧૮૫૦૦૭

પ્રતિભાવ જરૂર આપશો...