‘અરે હા, તમે ક્યારેય જાગતી આંખે સપના જોયા છે ખરા?’ અચાનક જ કઈક યાદ આવતા બોલીને એ મારી તરફ ફર્યો. અને ઉમેર્યું ‘હા એ પણ પોતાની આંખો સામે જીવાતા? એકવાર તમે પણ, જરાક આ વાત પર વિચાર તો કરી જુઓ. એને તમે ઈચ્છો તો વર્તમાન જીવનમાં સપનાનો સાક્ષાત્કાર પણ કહી શકો છો. સાચું કહું... તો એ દિવસ મારી સાથે પણ કંઈક એવુજ બન્યું હતું.’ એની આંખોમાં એક ચમક અને એ પ્રસંગને આંખો સામે અનુભવતા હોવાની અનુભૂતિ સ્પષ્ટ પણે વર્તાતી હતી.
એ દિવસે એણે મારા માસીના ઘરમાં પ્રવેશ કરતા જ મારી સામે બળતી નજરે પૂછી લીધું ‘તું અહીં શું કરે છે?’. હું તમને અત્યારે બળતી આંખો એટલે કહી રહ્યો છું કે એની આંખોમાં જે ભાવના એ સમયે દેખાઈ હતી એ કદાચ વાઘા બોર્ડર પર ઘુસપેઠ કરીને અંદર આવતા આતંકી પર કોઈ આર્મીનો જવાન કરે એટલી ક્રોધિત લાગતી હતી. એનો પ્રશ્ન ખરેખર એટલો મૂંઝવણ ભર્યો હતો કે સરકારી દફતરમાં મોટા સાહેબની મહેમાન નવાજી થાય એમ જ તરત મારાથી ઊભા પણ થઇ જવાયું. ખરેખર તો, આ સવાલ ત્યારે મારે એને કરવો જોઈતો હતો પણ હું કઈ બોલી શકું એ પહેલા એના મુખેથી શબ્દો સરી ચુક્યા હતા. મારી માસીના ઘરમાં આવીને કોઈ મને પૂછે... ખરેખર, ત્યારે હું પણ વિચારમાં ખોવાયો કે, હું અહીં શા માટે આવ્યો હતો? પણ મેં એ વિષે આજ સુધી વિચાર્યું ન હતું. સામાન્ય જીવનમાં પણ આપણે ઘેરથી નીકળતી વખતે ક્યાંય જવાના કારણો ખાસ વિચારતાં જ નથી. જેમાં હું તો ખાસ ક્યારેય નથી વિચારતો. અને તમે જ કહો કે પોતાના માસીના ઘરે જવા માટે મારે એવું બધું વિચારવું પણ શા માટે પડે.
મધ્યમ દેખાવ, ઓછી ઊંચાઈ (મારી તુલનામાં), કસાયેલું શરીર, ચળકતી ભૂરી આંખો, ખભા સુધી ખુલ્લા બેબીકટ હવામાં ઉછળતા વાળ, બ્લુ ટીશર્ટ અને બ્લેક ટ્રાઉઝર, અને આંખોમાં આંજેલી કાજળ દુનિયાની નજરથી બચાવી લેવાની પ્રતીતિ કરાવતી હતી. આજે એ વિચારસુંદરી મારા કરતા ઘણા છેટા અંતરે ઊભી હતી. કદાચ એટલી જ છેટી જેટલી મને અથડાયા પછી એ દિવસે સાવ નજીક ઊભી હતી. પણ ત્યારે મારે શું કહેવું એ મને સમજાતું ન હતું, અથવા હજુ હું એ બધું સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
‘જીનું, શાંત... શાંત થા યાર... એ ભાઈ બીજે ક્યાંય નહિ પણ એની માસીના ઘેર આવ્યો છે’ મિત્રાએ પાછળના રૂમથી બહાર નીકળતા કહ્યું અને તરત જ મારી તરફ ત્રાંસી નજરે જોઈ રહી જાણે કે એ મૌન શબ્દો દ્વારા મને પૂછતી હતી કે, કાં ભાઈ આખા ગામને પોતાની બોલકી જબાનથી ચૂપ કરવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિ તરીકે આજે જબાને તાળા કાં લાગ્યા છે. મિત્રા હસમુખ અને શાંત સ્વભાવની હતી, મારા માસીની સૌથી નાની દીકરી અને મારી બહેન હાલ એ બરાબર મારી અને જીનલની સામે આવીને ઊભી હતી. એને આપેલા જવાબ પછી મારું મન સહેજ શાંતિ અનુભવી શક્યું હતું. મારા મનમાં ક્યારની જવાબ આપવા અંગેની ચાલતી ગડમથલનો પણ અંત આવ્યો હતો.
‘પણ આ પ્રકારના માણસો છેક ઘરમાં તને અંદાઝ પણ છે...’ જીનલ હજુ પોતાના અંદર સંગ્રાયેલો રોષ મિત્રા સામે ઠાલવી રહી હતી. અને મિત્ર બસ એના શબ્દોને એવી રીતે સાંભળી રહી હતી જાણે કોઈ વકીલ દ્વારા થતી અપીલોને ન્યાયાધીશ સાંભળી રહ્યા હોય. પણ છેલ્લે પ્રતિભાવમાં મિત્રાએ મારી સામે નજર કરી માત્ર મૌનસ્મિત પાથર્યું. હું પણ સહેજ ખચકાતા મરક્યો અને જીનલના શબ્દોના અનુભવતા પડઘા સાંભળી રહ્યો હતો. કેટલું વિચિત્ર હોય છે ને આ પ્રકારનું ગાંડપણ કે જેમાં કોઈ આપણા વિષે મનફાવે એમ બોલ્યા કરતુ હોય છતાય આપણે શાંત રહી કોઈ સુંદર સંગીતની જેમ એને માનતા રહીએ. આ ભાવનાઓની બીમારીનું ગાંડપણ અત્યારે મારા પર ઘેરાઈ રહ્યું હતું.
મૈત્રી એ માસીને સૌથી વધુ લાડકી હતી કારણ કે એકમાત્ર એજ ઘરમાં એવું સમજુ પાત્ર હતું કે જે માસીના સ્વભાવને સંપૂર્ણ પણે સમજી શકાતું હતું. મારા માસાતો સરકારી નોકરીમાંથી રીટાયર્ડ થયા પછી દારૂની આડી લતે ચડ્યા હતા. માસી માંડ મજુરી કરીને ઘર ચલાવતી હતી. મારા પેરેન્ટ્સ પાસે સંપતિ અઢળક હતી પણ દિલની અમીરાઈ કદાચ જ હતી. માસા અને પપ્પા બંને કોઈક વાતે સામાજિક પ્રસંગમાં ઝગડી પડ્યા હતા. અને પરિણામે મારા પપ્પાને, મારા આ માસા એટલે કે મિત્રાના પિતા સાથે જરાય ના બનતું. એટલે સુધી કે મારી મમ્મીએ પણ માસી સાથે અમુક સમયની તક લઈને વાત કરવી પડતી હતી. મારા મમ્મી કદાચ એટલે જ મને અહી રહેવા મળે એવા આયોજનને ધ્યાનમાં લઈને મારા માટે અહી મકાન લીધું હશે. માસી જે મકાનમાં રહેતા એ લાઈનના સાત મકાન મારી મમ્મીએ ખરીદી રાખ્યા હતા. પણ માસાના કરતુત જણતા હોવાથી મમ્મી ક્યારેય માસી પાસે મકાનના વળતળમાં કઈ માંગતી નહિ. અને બાકીના મકાનોના સાચવવાની જવાબદારી પણ માસી ને જ સોપી હતી. મને બંને સમય સમયસર ખાવાપીવા અને રહેવામાં તકલીફના પડે કદાચ એટલે આર્થિક રીતે પણ માસીને આમ એ સહાય કરતી હતી. મારા જીવવાની રીતભાત જરા અલગ હતી એટલે હું છેક છેલ્લા મકાનમાં મારા બે મિત્રો સાથે એકલો જ રહેતો હતો. પણ મારું અહી આવવું જવું દિવસના ૧૨ કલાકમાંથી ૯ કલાક રહેતું.
‘ભાઈ તમે અંદર જાઓ એનું મગજ અત્યારે ઓવરડોઝ લાગે છે...’ મિત્રાએ મારી સામે મલકાતી દ્રષ્ટિએ કહ્યું. અને જીનલને સોફા પર બેસવા કહીને એ સામેના સોફે ગોઠવાઈ ગઈ. હું હજુય ત્યાજ બુથ બનીને ઉભો હતો. મિત્રાના શબ્દો મારા કને બરાબર ઝીલ્યા હોવા છતાં મારું દિલ જાણે મને બાંધી રહ્યું હતું. છતાય મેં ત્યાંથી નીકળી અંદરના રૂમમાં સહેજ થાકના કારણે પલંગ પર લંબાવી દીધું. અને મને ત્યાંથી એમની વાતો સંભળાય એવી પણ આશા હતી.
‘ઓકે ઠીક છે કે એ એની માસીના ઘરે આવ્યો હોય...! તો પણ, મિત્રા એ અહીંયા તારા ઘરમાં શું કરે છે?’ એ હજુય એટલી જ ઉત્તેજના પૂર્વક મિત્રાને કહી રહી હતી ‘તને ખબર છે આ એજ છે જેના વિષે મે તને વાત કરી હતી.’
‘હા બાબા તારી બધી જ વાતો ઠીક છે પણ મારી વાત તો સંભાળ, ક્યારની કહું છું કે એ ભાઈ માસીના ઘેર છે અને બીજું એ કે મારી મમ્મી છે એ જ એની માસી પણ છે.’ આટલું કહીને મિત્રાએ ખડખડાટ હસવાનું શરુ કરી દીધું. મનોમન મને પણ ત્યારે હસવું આવ્યું હતું પણ હું ઉઠીને બાહરના રૂમ તરફ વળ્યો. હું જ્યારે બાજુના રૂમ અને મેઈન હોલની દીવાર સાથે અડકીને ઉભો હતો ત્યારે મિત્રા મારી સામે જોઈને મલકાઈ ‘ચલ હું ઓળખાણ કરવું’ મિત્રાએ જીનલને કહ્યું અને પછી મારા તરફ આંગળી ચીંધતા બોલી ‘જુઓ ભાઈ આ જીનલ શાહ આપણી સોસાયટીમાં નવી જ રહેવા આવી છે. મારી સ્કુલમાં અને સાથેના ક્લાસમાં જ છે. પણ, કદાચ એ તમને હજુ સુધી નથી ઓળખતી’
‘ઓહ નો પ્રોબ્લેમ.’ હું બબડ્યો આજે મિત્રાએ આવીને મને બચાવી લીધો હતો બાકી મારી પાસે તો એને આપવા જવાબ હતા જ નહી. એણે મિત્રા પાસેથી બધું જાણ્યા પછી તો મને સોરી પણ કહ્યું હતું પણ એનો કદાચ હવે કોઈ અર્થ રહ્યો ના હતો.
‘તમે લોકો પહેલા પણ મળી ચૂક્યા છો એમ...?’ મિત્રા પહેલા મારી સામે અને પછી તરત એની તરફ નજરો ગુમાવતા બોલી.
‘હા જેમ તારી બહેનપણી પહેલા અને આવી ત્યારથી અત્યારે પણ કહી ચૂકી હશે ને અમે કેવી રીતે મળ્યા હતા’ મેં કહ્યું ત્યારે એ મનોમન હસતી હતી. કદાચ એ મારા કહેવાનો ભાવાર્થ બરાબર સમજી રહી હતી.
‘હા બસ રસ્તામાં...’ એ બોલીને અટકી પણ હું શાંત રહ્યો. મારે શું બોલવું જોઈએ એ મને જરાય સમજાતું ના હતું. શું મારે એને એમ કહેવું જોઈએ કે મારી સપનાની દુનિયામાં ખોવાઈને મેં જ એને સાઈકલ વડે ટક્કર મારી હતી પણ, જેમ એણે કહ્યું મિત્રાને કે પેલા દિવસે, એટલે કદાચ એણે બધી વાતો કરી જ હશે. સામાન્ય રીતે છોકરીઓ એક બીજાની વાતો કહ્યા વગર રહી નથી સકતી.
‘આ લોકો હમણાં થોડાક દિવસ પહેલા અહીં રહેવા આવ્યા છે ભાઈ’
‘૧૬ દિવસ પહેલા જ’ હું બબડ્યો.
‘હા, એક્જેક્ટલી બરાબર એટલા જ’ એણે મારો બડબડાટ સાંભળ્યો હોય એમ બોલી. હું હજુય એને જોઈ રહ્યો હતો એના બદલતાં ભાવ મને જરાક અમથા પણ સમજાતા ના હતા. આ એજ વ્યક્તિ હતી જે કાલે મને જેમ તેમ સંભળાવીને નીકળી ગઈ હતી. અને આજે પણ એણે જ મને કહેલું કે ‘તું અહીં શું કરે છે?’ આતો ઠીક મિત્રા આવી બાકી મારી તો આવી જ બનવાની હતી.
‘ફ્રેન્ડ્સ...’ થોડીક વાર મિત્રા સાથે એની વાતચિત ચાલુ રહી ત્યારબાદ નીકળતા વખતે એણે મને સોરી કહેતા હાવભાવ દર્શાવી મિત્રતા સૂચક નિશાની સૂચવીને મારી સામે હાથ લંબાવ્યો. મિત્રા બધું જ ત્રાંસી નજરે બધું જોઈ રહી હતી. મારે આવી પરિસ્થિતિમાં એને શું જવાબ અપાવો એ મને સમજાયું નહિ તેમ છતાં મેં હાથ મિલાવ્યો. કદાચ મારા લંબાયેલા હાથ પછી શબ્દોની કોઈ ખાસ જરૂર એને જણાઈ નહિ હોય.
***
એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી લાગતું હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ઘરની બિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે થોડાક અંતરને બાદ કરતા જોડાયેલી જ હતી. બાળપણથી એકલા રહેવાનો અનુભવ મને પ્રકૃતિના વધુ નજીક લઇ આવ્યો હતો. મને માનવીય દુનિયા કરતા પ્રાકૃતિક દુનિયા પ્રત્યે વધુ આકર્ષણ રહેતું. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો લુપ્ત માણવા હું હમેશાં ઘરની છત પર આવતો હતો. સામાન્ય રીતે હું પ્રકૃતિમય સંગીતમાં ખોવાઈ જતો અથવા લહેરાતા પવનને અનુભવ્યા કરતો. ક્યારેક કઈક લખતો, વાંચતો અથવા કાનમાં હેડફોન ચડાવી ગીતો સાંભળ્યા કરતો હતો. પણ આજે એનો સ્પર્શ મારા આ આનંદ બેવડાવતો જઈ રહ્યો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો.
એનું અસ્તિત્વ જાણે કે ધીમી ગતિએ મને પોતાનામાં વિલીન કરી રહ્યું હતું. એ દિવસે હું મોડા સુધી આથમતા સુરજને જોયા અને મારા મમ્મી-પપ્પાને યાદ કર્યા કરતો. આ મકાન અમારું હતું પણ એમાં માત્ર મારા દૂરના ભાઈ-ભાભી અને હું જ રહેતા હતા. એમના ત્યાજ મારે ભણવાનું પતે ત્યાં સુધી તો રહેવાનું હતું. લગભગ બે વર્ષ મારે ત્યાં જેમતેમ કાઢવા હતા પછી મારા મોમ અને ડેડે મારા માટે મોટું આયોજન વિચારી રાખ્યું હતું. મારા મનમાં આ જ વીચારો ઘેરાતા જઈ રહ્યા હતા. ચારે તરફ રાતની કાળી અંધારી ચાદર ધીરે ધીરે ઘેરાઈ રહી હતી સૂરજ અડધો ડૂબેલો અને વિશાળ દેખાતો હતો. મને એ સુંદરતા નરી આંખે જોવી ખુબજ ગમતી પશ્ચિમમાં એ પેલી જીનલની છતની છેલ્લી દીવાલ પાછળ જ ડૂબી જતો હતો જ્યાં ઊતરવાની સીડી હતી કદાચ એ પણ સીડી ઉતરી જતો હોય. થોડીક વાર પછી મને એ વિશાળ સોનેરી પટમાં એક કાળો ઓળો મારી તરફ સરકતો દેખાયો પણ એનો ચહેરો સોનેરી પ્રકાશના કારણે જોઈ શકવો મુશ્કેલ લાગતો હતો.
***
‘તમે અહીં રહો છો?’ કેટલો મધુર અવાજ હતો સાંભળતા ની સાથે જ મને એ અંધારપટમાં છુપાયેલા મારી તરફ આવતા આછા ચહેરાની ઓળખ થઇ ગઈ હતી. એનો અવાજ જાણે સીધા કાનના પડદે અથડાઈને દિલના અંદર ઉતરી જતો હતો.
‘હા, બસ આજ છે મારું ઘર...’ મેં જવાબ આપ્યો કદાચ હું કંઈક બીજું કહેવા ઈચ્છતો હતો પણ,
‘અને આ મારું’ એણે ડૂબતા સુરજના સોનેરી પ્રકાશથી લથપથ ભાગ તરફ ઈશારો કર્યો.
‘સરસ, મને આ આથમતા સુરજના સોનેરી કિરણોને અનુભવવાનો અનેરો આનંદ મળે છે એટલે હું રોજ અહીં ઊભો રહી આ દ્રશ્ય નિહાળું છું.’ મેં આ ‘રોજ’ શબ્દ શા માટે વાપર્યા એ મને આજ સુધી સમજાયું નથી. કદાચ દિલમાં કોઈક એવી લાગણી ત્યારે જન્મી હોય કે આ રોજ શબ્દને કારણે ક્યારેક એ મને મળવા તો જરૂર આવશે.
‘મને પણ ગમે છે, એટલે જ તો આવી’
‘સરસ... મને લાગ્યું કોઈ ખાસ કામ હશે’ એ મારા કરતા ઉંમરમાં પાંચેક વર્ષ નાની હશે તેમ છતાં હું એને આટલું ખચકાઈ ને શા માટે બોલતો હતો એ મને સમજાતું ન હતું. એ હાલના સોનેરી પ્રકાશમાં આહલાદક લાગી રહી હતી એના ચહેરા પર આછો પ્રકાશ હતો અને પાછળ સૂરજનો સોનેરી પ્રકાશ બંનેના કારણે એનો ચહેરો નહિ પણ માત્ર આકાર સ્પષ્ટ નજરે પડતો હતો અને એજ કલા કૃતિને હું બસ ટીકીને જોઈ રહ્યો હતો. કદાચ એ સમયે મને સંજોગો અને સ્થાન બંનેનું ભાન નહિ જ હોય.
‘કોઈની યાદ આવે ત્યારે આવતા હશો...’ એણે હળવેકથી પૂછ્યું
‘એવું તો નથી...’
‘મારે તમને કંઈક કહેવું છે.’ એણે અચાનક મને એકદમ ધીમે સુરે કહ્યું અને મારી સામે જોઈ રહી કદાચ હું શું જવાબ આપું એની રાહ જોતી હોય એમ એ ઊભી રહી.
‘કહો...’ મેં સામાન્ય રહેવાની કોશિશ કરતા જવાબ આપ્યો. અને ફરી વાર એ સોનેરી ચહેરાને જોઈ રહ્યો એ ભાવ, એ આંખો એ નજર અને એ વખતે થયેલો અહેસાસ જાણે મને ઘણું બધું કહી રહ્યો હતો પણ એમાં શબ્દો ના હતા માત્ર અહેસાસ હતા.
‘હું કાલે કઉ...’ એ કઈ બોલે એ પહેલા જ નીચેથી કોઈકની બુમ આવી અને જીનલ તરત આછું સ્મિત આપીને નીચે તરફ દોડી ગઈ. કેટલી પાસે, કેટલી નજીકમાં, કેટલી નિખાલસતાથી એણે કહ્યું હતું કે મારે તમને કંઈક કહેવું છે. હું મનોમન એ સાંભળવા ઉતાવળો પણ હતો પણ મારે એને અનિચ્છાએ આવજો કહી દેવું પડ્યું.
******
સુલતાન સિંહ ‘જીવન’
+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭
વાંચ્યા બાદ આપના અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો...