A Story... [ Chapter -11 ] Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Story... [ Chapter -11 ]

‘તમે મને વિમલ વિશે વાત કરી શકો...?’ મેં પૂછ્યું. હું વિમલ વિશે વધુ જાણવાની લાલચે અમદાવાદ સુધી આવ્યો હતો. અત્યારે હોટલ લેમનહટના ડાભી તરફના ત્રીજા ટેબલ પર હું અને મિતેશ બરાબર સામસામે જ બેઠા હતા. મિતેશ વિશે જાણકારી મેળવવા મારે ઘણા અંગત અને અર્થસંગત લોકો પાસેથી પણ માહિતી એકઠી કરવી પડી હતી. આ મહેનતના ફળ સ્વરૂપે જ અત્યારે અમે સામસામે હતા. મિતેશ પાસેથી મને વિમલ વિશે ઘણું ખરું જાણવા મળ્યું. એના સિવાયના બીજા દિવસે હું વિમલની બહેન મિત્રા અને જયંત સોનીને પણ મળ્યો હતો. એક વાત મને હજુ સુધી ખટકતી હતી અને એ વાતો મીતેશના અને વિમલના સબંધોમાં અનબન અંગે જ કઈક હોવાનું હું વાતચીત પરથી માની શક્યો હતો.

***

‘તમને ખબર છે સ્વરાની મુલાકાતો પછી હું જેટલો બદલાયો હતો એના કરતા ચાર ઘણો જીનલથી છુટા પડી જવાના કારણોસર હું બદલાયો હતો.’ સ્કોચનો પેગ હાથમાં લઈને બળબળતો એકાદ ઘૂંટડો ગાળા નીચે ઉતર્યા પછી વિમલે કહ્યું. આજ પ્રથમ વખત જ વિમલ સ્કોચ પી રહ્યો હોય એવું એના ચહેરાના ભાવ પરથી મને લાગી રહ્યું હતું. આ પ્રકારનો લ્હાવો મળવો ગુજરાતમાં આમ તો મુશ્કેલ ગણાય, પણ પછી યાદ આવ્યું કે પૈસાની તાકાત રણમાં ગુલાબ ખીલતું દેખાડી શકે છે. અને આમ પણ અમુક ખાખીના ખોટા ફાયદા ઉઠાવનાર પોલીસ જેટલી ભ્રષ્ટ કદાચ જ કોઈ પ્રજાતી હોય એવું મારું માનવું છે. કારણ કે ગુજરાતમાં ચાલતા દરેક દારૂના ઠેકાઓ વિશે પોલીસતંત્ર સંપૂર્ણપણે માહિતગાર હોવા છતા ગાંધીના ગુજરાત અને નશાબંધીના જુઠ્ઠાણા નીચે બધું ચાલે છે. આટલું વિશાળ નેટવર્ક ક્યારેય બંધ નથી થતુ જેના પાછળ આખેઆખી સરકાર જવાબદાર છે. કોઈ પોલીસ ૧૦માથી એક કદાચ ઈમાનદાર પણ હોય તો ઉપરની ખાદી ભ્રષ્ટ હોય છે. આમ ખાદી અને ખાખીના આ લાલચી રાજ્યમાં બધું જ શક્ય છે. રાજસ્થાનથી છુટા પડ્યા બાદ અમારી કદાચ આ પ્રથમ વ્યવસ્થિત ગણી શકાય એવી મુલાકાત હતી. મહેસાણા શહેરના હોટેલ રોયલ શાનમાં રૂમ નંબર ૩૪ આજે મારી આગળની ચર્ચાનું ગવાહ બનવાનું હતું. આજે મારી સામે સ્કોચના ગ્લાસને હાથમાં ફિલ્મી અદાથી પકડીને બેઠેલો વિમલ આબુના માઉન્ટેઇન હિલમાં મળેલ વિમલ સોની કરતા તદ્દન અલગ લાગતો હતો. કોઈ ઈંગ્લીશ ફિલ્મના શુટિંગ સમયે ચાલતી શરાબ પાર્ટીમાં જેમ ચેઈન સ્મોકર વિલન વર્તન કરે એ પ્રકારે અત્યારે મારી સામે મલકાતો એ પોતાની દાસ્તાન સિવાય કોઈજ સામ્યતા ધરાવતો ન હતો. આથમતી સંધ્યાની વ્યાપ્ત શીતળતા જેવા નિસ્તેજ ભાવો સાથે એ હાથમાં રહેલા ગ્લાસના વ્હીસ્કીની ધારને જોઈ રહ્યો હતો.

‘મને કાઈ જ સમજાતું નથી.’

‘મારી હાલત પણ એ સમયમાં કઈક આવી જ રહેતી હતી. અનંત રાઓ તમને તો માત્ર કલ્પના સૃષ્ટિમાં પ્રતીકારો થાય છે. મેં તો આ બધું જ વાસ્તવિક પણે જીવેલું છે. મારા માટે આ સ્થિતિ તમારા કરતા પણ વધુ પડતી અસહજ હતી.’

‘હા...’ મેં ખાચકાટ સાથે હુંકારો ભર્યો.

‘તમે મહેસાણા...? આઈ મીન ગુજરાત બાજુ...?’ પોતાની વાતમાંથી વળીને અચાનક વિમલ મારી સફર તરફ વળ્યો. અને એના કારણે એની વાતચીતનો દોર અટક્યો એટલે મને સહેજ ન ગમ્યું. પણ એની કહાની જાણવા મારે એને પોત્તાની મેળે જ બોલવા દેવો એ વધુ અગત્યનું હતું. એટલે મેં સ્મિત સાથે હકાર સૂચવ્યું.

‘બસ પુસ્તકના કામથી... તમે તો જાણો જ છો, અમારું કામ જ કઈક આ પ્રકારનું હોય છે.’ મેં મેઈન વાત ત્યારે એનાથી છુપાવી હતી. હું ખરેખર ત્યારે વિમલના વીતેલા ભૂતકાળની નોધ મેળવવા માટે જ આવ્યો હતો. અને એમાં થોડાક અંશે હું સફળ પણ થયો હતો. પણ છેલ્લા પાત્ર તરીકે એણે જેનો ઉલ્લેખ કર્યો હતો એ કામિની વિશે હજુ મને કાઈ ભાળ મળી ન હતી. એટલે સુધી કે એના નામ માત્રથી મીતેશના બદલાયેલા હાવભાવ પાછળની પણ કોઈ વાત મને સમજાઈ ન હતી. આખર કામિની કોણ હોઈ શકે કે જે આશાની છેલ્લી કિરણ જેવી હતી. અને એણે આ શ્રીમંત વ્યક્તિના સંસારમાં ગરીબીની લકીરો ખેંચી નાખી હતી.

‘ઓકે, તો કેવું રહ્યું તમારું કામ...?’ એણે મને ખોવાયેલા હાવભાવ જોઈને પૂછ્યું. ત્યારે મારું મન હજુય એ સ્ત્રી પાત્રનો ચહેરો બનાવવાની નિષ્ફળ કોશિશો કરી રહ્યું હતું પણ વિમલના પ્રશ્ને એ ચહેરાને વિચારોમાં જ વેરી દીધો.

‘બસ ફાઈન.’

‘તો આગળ વધીયે...?’

‘હા હું પણ એ જ વાત પર આવવાનો હતો.’

‘તમે લેશો...?’ એણે કાચના સોનેરી ગ્લાસમાં બરફના બે કટકા નાખીને આદર સાથે સ્કોચની બાટલી સહેજ નમાવી 3 આંગળી ડૂબે એટલો વિસ્કી એમાં રેડયો. એના ચહેરા પર છવાતી મૂંઝવણ આબુ પર્વત કરતા વધુ દેખાતી હતી.

‘ના બસ...’ હું બબડ્યો પણ મારું ગળું સુકાતું હોવાથી મેં ફરી મારા વાક્યને સુધાર્યું. ‘મતલબ પાણી કે કોલ્ડડ્રીંક હશે તો ફાવશે.’

‘બસ હમણાં જ આવી જશે...’ પાસેના ટેબલ પરથી એણે કોર્ડલેસ ફોન પર અમુક સૂચનો કર્યા અને સોનેરી ગ્લાસને હોઠે અડાળી મોટો ઘૂંટડો ભર્યો. ત્રણ આંગળી શરાબમાં સાત આંગળી જેટલો સોડા મિલાવવાની ૭:3ની પરંપરા મને નથી સમજાતી. પણ હા કદાચ વિસ્કી કડવી હોય એને સામાન્ય બનાવવા અથવા ઓછી અસર કરે એ માટે આ માપ ધ્યાનમાં લેવાતું હશે. પણ એનાથી સારું એને પીવાનું જ છોડી દેવું કેટલું ઉચીત છે ને... પણ હું એનો કોઈ ડોક્ટર ન હતો કે એને સલાહ આપું. આમ પણ ભારતમાં વ્યસન છોડવાની સલાહ ખાસ અસરકારક નથી ગણાતી. એટલે હું ચુપ જ રહ્યો અને એણે પોતાની વાત આગળ કહેવાનું શરુ કર્યું.

‘એ અજાણ્યા નંબરના માધ્યમથી મારા ભાવ વિશ્વમાં પ્રવેશનારી છોકરીનું નામ હતું નિષા... નિષા ગુપ્તા. જે જીનલના ગયા પછી મારા ભાવાવેશો સાથે વિચિત્ર પ્રકારે રમત રમી હતી. અને જ્યા સુધી હું જાણું છું મારા અને જીનલના સબંધોમાં મીઠું ઝેર ગોળનાર પણ એ જ હતી. પણ બધું મને સમજાય ત્યાં સુધી મોડું થઇ ચુક્યું હતું.’

‘જીનલના ગયા પછી...?’ મેં વિવશપણે પૂછી લીધું. જેની સાથે લાગણીના સબંધોના જોડવા અંગેની વાતો ચાલતી હતી ત્યાં અચાનક તૂટવાની વાત સાંભળીને હું મારી ઉત્કંઠા રોકી શક્યો ન હતો.

‘ચાલો એ પણ કહું. પહેલા તમે કોલ્ડ્રીંક લો. હું તો સાવ ભૂલી જ ગયો હતો.’ રૂમના દરવાજા માંથી એક યુવાન ડીશમાં ત્રણ ગ્લાસ અને એકાદ લીટર લીમ્કાની બોટલ સાથે અંદર પ્રવેશ્યો. વિમલ એની પાસેથી બોટલ લઈને ગ્લાસમાં ઠાલવવા લાગ્યો હતો. પણ હું જોઈ શક્યો ત્યાં સુધી એ યુવાન ટેબલ પર પડેલા સ્કોચના કોટર અને બનાવેલા પેગ તરફ જોઈ રહ્યો હતો. કદાચ એના માટે અહી આમ બેસીને મોઝ માણવી યોગ્ય લાગતી ન હતી. એ વેઈટર રૂમની બહાર તરફ ચાલ્યો ત્યારે, હું કોલ્ડડ્રીંક પીવા લાગ્યો અને વિમલે સ્કોચનો છેલ્લો ઘૂંટ ઘટઘટાવી વાતનો દોર સાધ્યો.

‘મારી અને જીનલની મુલાકાતોનો ઓચિંતો અંત કરનારી હોળીની એ કાલ રાત્રી મને બરાબર યાદ છે. એ દિવસે પણ એણે મને છેક મારા ઘરે આવીને બોલાવ્યો હતો. યુ નો વોટ આ કઈ પ્રથમ મુલાકાત ન હતી. પણ હા, કદાચ છેલ્લી આત્મીયતા ભરેલી મુલાકાત જરૂર ગણી શકાય એમ હતી. એ દિવસે એક તરફ મહોલ્લામાં ચારે તરફ હોલિકા દહન માટેની તૈયારીઓ ચાલી રહી હતી. બધા જ એક પછી એક પોતાને ઘેરથી થાળીમાં ધાણી અને ખજૂરના ગુચ્છ લઈને સોસાયટીના મુખ્ય મેદાન તરફ જતા હતા. એ દિવસે મને નિષા પણ મળી હતી. કદાચ એ દિવસની મારી અને એની પ્રથમ મુલાકાત જ હતી જ્યારે એણે મને એ અજાણ્યા નંબર પાછળની ઓળખાણ કરાવી હતી. એન્ડ યુ નો વોટ સી વોન્ટ ટુ કિસ મી ઓન ધ ટાઈમ. મને ખરેખર એની ભાવનાત્મક ઉભરા જેવી લાગણીઓ અંગે નવાઈ લાગતી હતી. મને ક્યારેય એના ઓચિંતા ભાવાવેશો પાછળનું કારણ સમજાયું ન હતું. આજ પણ નથી જાણતો. અને મારા લાઇફમાં એવા જ રહસ્યો ભરેલા છે. ત્રણમાંથી એક પણ છોકરીએ છોડવાનું કારણ સ્પષ્ટ પણે મને કદી કહ્યું જ નથી.

એણે ભાવાવેશમાં ડૂબતા અવાજ સાથે ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એકાદ ઘૂંટડો પીધો પછી ફરી વાત શરુ કરી ‘લગભગ ત્યારે ઘડિયાળમાં આઠ વાગ્યા જ હશે. હું તો સોસાયટીના મૂળ ચોકમાં જ ઉભો હતો. મારી આંખો સામે હોળીકા દહનનો કાર્યક્રમ નિર્ધારિત મુહુર્તમાં શરુ થઇ ચુક્યો હતો. સોસાયટીના કેટલાય લોકો મેદાનના મધ્યમાં આયોજનબદ્ધ રીતે ખડકેલા લાકડાના ઢગલામાંથી ઉઠતી પીળી, કેસરી અને લાલ જ્વાળાઓની આસપાસ અધ્યાત્મિક અસ્થાના વર્તુળમાં ગોળ ફરી રહ્યા હતા. દરેકના હાથમાં એ વર્તુળાકાર ગોળાવો ફરતી વખતે પાણીનો રેલો બરાબર વર્તુળાકારમાં જ પડે એમ સહેજ જળના પાત્રને નમાવીને લોકો કોઈ ભેદી મંત્રોના ઉચ્ચારણ સાથે ફરી રહ્યા હતા. સાથો સાથ ગરમીનો પ્રવાહ આસપાસના ભાગમાં વધુ હોવાથી માથે ઓઢણી અને દુપટ્ટા વીંટીને તો કેટલાક લોકો હાથની આડશ વડે પણ ગરમીને રોકવાના નિષ્ફળ પ્રયત્નો સાથે એમજ હાથ જોડીને તથા કેટલાક ધાણીના ચપટી ચપટી છંટકાવ નાખતા ગોળ ફરી રહ્યા હતા. આમ પણ આસ્થા લોકોને અંધ બનાવી દે છે એ વાત સાચી, પણ અધ્યાત્મિક રશ્મો વૈજ્ઞાનિક ફાયદાના અનુસંધાનમાં હોવાથી સાઈન્ટીફીક રીતે પણ યોગ્ય છે, અને જરૂરી પણ ખરી જ. બસ જો કઈ ખોટું હોય તો એને અંધવિશ્વાસ સાથે જોડવાની કુટેવો છે, કે જે ભારતીય ધર્મશાસ્ત્ર સાથે અભેદ રીતે અમુક લોકો દ્વારા વણી લેવામાં આવ્યો છે. બધા લોકો હોળીકા દહનના પ્રચંડ જ્વાળાના ફેકાતા કેસરી લીસોટાઓને જોઈ રહ્યા હતા. એમાનો એક હું પણ હતો જે એ જ્વાળાઓના ઉગ્ર ઓળાઓ વચ્ચે દિલની કેટલીયે લાગણીઓના ઉભરાઓ ભડકે બળતા મહેશુસ કરી રહ્યો હતો. એ ઓળાઓનો અહેસાસ એમાં ઝળહળતો હતો. તડાકા ભડાકા સાથે બળતા અગ્નિમાં જીનલ અને સ્વરાના અહેસાસો એકમેકમાં ઓલવાઈ જતા હતા. એક તરફ સ્વરાનો અહેસાસ હતો બીજી તરફ જીનલના રાત્રે મળવાના અરમાનો તેમજ નિષાના અજાણ્યા નંબરથી મળતા મેસેજો પાછળનું રહસ્ય પણ, આંખો સામે આવી જતું હતું. આ ત્રિકોણીય ખેલમાં હું કોઈ પાત્રોની જેમ વલોવાઈ રહ્યો હતો. હું ક્યાંક વિચારોમાં ખોવાઈ જાઉં એ પહેલા મે બધા વિચારોને સ્મૃતિપટ પરથી ખંખેરી નાખ્યા. અને, નાસ્તિક સ્વભાવમાં આસ્તિકતાના ભાવો પ્રગટાવી લેવાની નાકામ કોશિશ પણ કરી. નાળીયેરના શેકાયેલા ભાગો અને અડધા સળગેલા છાણાઓ લઇ પોતાના ઘરમાં એના ધુમાડા ફૂંકવાની માન્યતાઓ નિભાવવા માટે એ કાઢવામાં પણ કેટલાક સ્વયંભુ લોકો જોડાયેલા હતા.

એક તરફ આસ્તિકતા અને આધ્યાત્મિકતાનું વાતાવરણ હતું ત્યાં બીજી તરફ મારા મનમાં કેટલાય ચહેરાઓ સાથે મૂંઝવણોનું વલોણું વધારે ઝડપી ગતિએ વલોવાઈ રહ્યું હતું. એણે મારી તરફ જ્યારે નજર કરી હતી ત્યારે એના હાવભાવ સામાન્ય હતા. પણ ધીરે ધીરે એના ભાવો વિચિત્ર બનતા જઈ રહ્યા હતા. એની આંખોમાં ટળવળતી ઈચ્છાઓનો પરિવર્તન પામતો ભાવ હું સમજી શકતો ન હતો. પણ એ ચહેરા પાછળના રહસ્યો મારા મનમાં વધુ સમજ ઉપજાવે એ પહેલા જ એક બીજો ચહેરો મારી આંખો સામે આવ્યો. અંધારી શેરીમાં કંટાળીને જ્યારે હું પાછો ઘરે જઈ રહ્યો હતો ત્યારે એ મારી સામે જ આવીને ઉભી રહી ગઈ હતી. ચાંદની રાતમાં એનો ચહેરો હતો એના કરતા વધુ સોહામણો લાગતો હતો. એ કઈ બોલે એ પહેલા ચારે બાજુ મારી આંખો આખાય વિસ્તારનો તાગ કાઢવામાં પરોવાઈ ચુકી હતી.

‘કેમ...?’ મેં એને પૂછ્યું એ સાથે જ પાછળથી કોઈક આવી ગયું હોય એમ એ ત્યાંથી ઝડપથી નીકળી ગઈ હતી.

***

‘તમે આવ્યા કેમ નહી હજુ...’ ઝળહળતી સુરતમાં એણે મને પૂછ્યું ત્યારે લગભગ અંધારા વચ્ચે મારા અને એના સિવાય કોઈ જ ન હતું. હું બીજી વખતે મેદાન તરફ જઈ રહ્યો હતો. ત્યારે ઓચિંતા ફરી એકવાર એણે આવીને પાછળથી મારો હાથ પકડી લઈ મને કહ્યું હતું.

‘હું નથી આવવાનો...’

‘પણ કેમ...? મારે એક વાત કરવાની છે.’

‘તું સમજ જીનલ આ સમય યોગ્ય નથી એ વાત તું પહેલાથી જ જાણે છે. આપણી વાત તારા અને મારા સિવાય પણ હવે ઢગલાબંધ લોકો જાણે છે. અને તારી આ આદતોને કારણે જ મને તારી સાથે આમ વચ્ચે રસ્તામાં વાતો કરવામાં કોઈ રસ નથી. તને ખબર પણ છે સોસાયટીમાં લગભગ બધા આપણા વિશે વાતો કરવા લાગ્યા છે. તારી મોમને પણ...’

‘તને લોકોની પડી છે કે મારી...?’

‘મને તારી પડી છે, એટલે જ આ બધુ ભાષણ આપી રહ્યો છું. આપણા વચ્ચે જે કાઈ પણ છે એને દુનિયા સામે જાહેર કરવામાં તને કોઈ ફાયદો તો નથી જ થવાનો. પણ હા એક સમય એવો જરૂર આવશે જ્યારે તારી આ જ આદત તને મુશીબતમાં મૂકી દેશે.’

‘મને પરવા નથી. મને તો તું ગમે છે અને આપણા બે વચ્ચે જે છે એ ભલે આખી દુનિયાને ખબર પડે તો પણ મને પરવા નથી.’

‘એનો મતલબ એવો પણ નથી જીનલ કે તું જાતે જ આ બધું બીજાને કહ્યા કરે.’

‘બસ હવે... અને બીજી વાત એ કે મેં મારા ફ્રેન્ડસ સિવાય કોઈને કહ્યું જ નથી.’

‘ઓકે તને જે ગમે એ કર...’

‘તું આવીશ કે નહિ...?’

‘કાલે રાખ... રાત વધુ થઇ ગઈ છે.’

‘ના આજે આજે અને આજે જ.’

‘કઈક કરું ચલ અડધો કલાક તો રાહ જો મારે થોડું કામ છે.’ હું એટલું કહીને ત્યાંથી નીકળી ગયો. એ પણ તરત જ એના ઘર તરફ આગળ વધી ગઈ હતી. પણ એના મળ્યા પછીની દશ મિનીટ પછીથી સતત મારા સેલ પર એના પપ્પાના મોબાઈલથી મને મિસકોલ આવવાના શરુ થઇ ગયા હતા. મને ખબર હતી કે બધા ફોન એના પપ્પા નહી પણ એ જ કરતી હતી, અને એજ દિવસે નસીબ જાણે મારી સાથે રહેવા જરાય તૈયાર ન હતા. મારા નસીબે પણ એક ઓચિંતો વળાંક હોળીના શુભ દિવસે જ લીધો હતો. આજની તારીખમાં એ હોળી આવનાર હોળી વચ્ચે પાંચ વર્ષ વીતી ચુક્યા છે.

‘શું થયું હતું એ દિવસે....’ વિમલના ઘેરાયેલા આઘાત વચ્ચે શાંત રહેલા વિમલને થોડીક વાર શાંત રહીને પૂછી લીધું.

‘અંત... અને શરૂઆત.’ વિમલે કહ્યું.

‘સમજાયું નહિ... શરૂઆત પહેલા જ અંત...?’ મારા ચહેરા પરના પ્રશ્નો જરૂર એને સમજાવા જોઈએ.

‘કદાચ વચ્ચેના ત્રણેક મહિના મેં બોલાવામાં બાકી મૂકી દીધા છે...’ એણે મારી સામે વળતું સ્મિત ફેક્યું. અને ફરી ટેબલ પરના બોક્ષમાંથી સિગાર કાઢી બંને હોઠ વચ્ચે મૂકી અને લાઈટર ખિસ્સામાંથી કાઢીને સળગાવી. એની સાથે જ મેન્થોલના સુવાસ વાળો ધુમાડો અમારા બંને વચ્ચે પથરાયો અને ભૂતકાળ ફરી એક વાર એમાં ઝાંખો પડી ગયો.

‘એ રસપ્રદ હશે...?’ મેં પુછી નાખ્યું.

‘હા અને ના પણ...’

‘એટલે...’

‘શરૂઆત કરું ચલો.’ એણે ત્રીજો કસ ખેંચ્યો પછી સિગારને એસ ટ્રેમાં બુજાવી નાખી. કદાચ વાતચીત દરમિયાન વધારાની કોઈ દખલગીરી એને માફક નહિ આવતી હોય એવું મને લાગ્યું.

*****