કુદરત પણ ઢળતા દિવસના ફરતા પડઘાઓ સાથે પોતાના સ્વરૂપને ઢાળી દેવા માટે જાણે કે અભૂતપૂર્વ રૂપે સંકળાયેલી હોય છે. માઉન્ટ આબુ પર્વતના સનસેટ પોઈન્ટની ઢળતી એ સાંજ કે જ્યાં, દેશ-વિદેશથી સહેલાણીઓ કદાચ કુદરતના ખોળામાં સમાઈ જતા સૃષ્ટિના અનુપમ સોંદર્યને નિહાળવા માટે આવતા હોય છે. એક ઊંચા પર્વતની ટેકરી પર ઉભા રહીને સામેના છેડે બંને તરફની ટેકરીઓના વચ્ચે કુદરતે પાથરેલો ખોળો જેમાં સુઈ જવાની તૈયારીઓ કરતો સોનેરી સુરજ આંખો સામે હતો. સુરજની જેમજ દિલમાં ઉગતી લાગણીઓનો અને આથમતા દિવસની જેમ ઓગળતી આશાઓ મનમાં અને દિલમાં સમાઈ જતી હોય છે. આજ પણ હંમેશની જેમ પ્રકૃતિ અને માનવ મનની ગહેરાઈઓ વચ્ચેનો તફાવત સમજાઈ રહ્યો હતો. આથમતા સુરજની એ સોનેરી કિરણો આંખોના આરપાર ઉતરી મનના ઓરતાને ફરી વાર અંધકારમા ઓગાળી દેવા આતુર થઈ રહી હતી. દિલના ઊંડાણમાં હિલોળે ચડેલો એ આકાર જાણે આજે પણ આકાશને બાહુપાશમાં જકડીને બ્રહ્માંડના શૂન્યાવકાશમાં આછા ઉજાશે ઝળહળતો નજરે પડતો દેખાઈ રહ્યો હતો.
ઉનાળાનો સમય અને દિલના પેટાળમાં પ્રગટેલો અજંપો કદાચ આ બંનેના નિદાન માટે હાલના સમયનું માઉન્ટ આબુ પર્વત પરનું આ સ્થળ સંપૂર્ણ રીતે યોગ્ય વાતાવરણ પૂરું પાડનારું હતું. એક ઉત્તમ લ્હાવો ગણી શકાય એવી આ પળ, કે જ્યારે તમે સાઈટ સીન વખતે અહી રોકાઈ સનસેટ પોઈન્ટ પરથી સુરજના વિદાયના અહલાદક રૂપને માણી શકો. આજનો દિવસ મારા માટે આબુ પર્વત ફરવાનો છેલ્લો દિવસ હતો. કાલે સવારની બસથી મારે કામના સિલસિલે ફરી સિરોહી માટે નીકળી જવાનું હતું. મારે હવે નીકળવું હતું પણ હજુય કઈક બાકી રહી જતું હોય એમ મારા દિલમાં અત્યારે બેચેની ઘેરાઈ રહી હતી. સામેના શૂન્યાવકાશમાં પથરાયેલો એ આકાર હજુ સુધી મને અહી જ રોકાઈ જવા મઝબુર કરતો હતો. મારે આજે કુદરત સાથે વાત કરવી હતી, મન ભરીને, દિલ ખોલીને મારા દિલના વહેણો અહી વહાવી દેવા હતા. ખરેખરતો આકાશ અને કુદરત પણ આપણી વાતો સાંભળી શકે છે... બસ દિલને કુદરત સાથે જોડવાની જરૂર હોય છે... દુનિયાના વિચારોથી પર થઈને પરમાત્મા સાથે દિલનો છેડો જોડવાનો હોય છે... કે જ્યાં પરમાત્માનો અર્થ પ્રેમ સાથે વણી શકાય છે.
કદાચ ત્યારે શક્ય પણ હતું અને લગભગ સુરજ સામેના છેડે દેખાતી બંને ટેકરીઓની પાછળ ઢળી રહ્યો હતો. અદભુત દ્રશ્ય અત્યારે હુંમારી આંખો સામે જોઈ રહ્યો હતો, સામે પર્વતના માથા પાછળ જે તેજ એ સમયે પ્રકાશિત હતું એ એની પવિત્રતાની સાક્ષી પુરતું હતું. કુદરતની કળાઓ પણ અદભુત અને નિરાલી હોય છે કે જે માનવ ચિત્રકારની સમજશક્તિ કરતા પર હોય છે. સામેના છેડાનું આકાશ ઘેરા મરુન અને લાલ રંગ સાથે પીળા અને નારંગી રંગોને ભેળવી રહ્યું હતું. દિલના ઉછળાટને રોકી રાખવો પણ મુશ્કેલ હતો, જાણે કે આ એક જ પળ હતી મારા દિલની વાતોને કુદરતના વહેતા વહેણો સાથે વહાવી દેવાની. મેં મારા બંને હાથ હવામાં પહોંળા કરીને આંખો મીંચી દીધી. મારી આંખોના ઊંડાણમાં એક સોનેરી પ્રકાશ અંધકારમાં ઉભરાઈ જતો અનુભવાઈ રહ્યો હતો કદાચ હું ત્યારે પ્રકૃતિમય બની રહ્યો હતો. પણ, ઠંડા પવનની લહેરે મારી આંખોની પાંપણ ફરી સહેજ ઉઠાવી લીધી અને આસપાસની સળવળાટ મારા કાનના પડદા પર પડઘાતા મારી નઝર સહસા ચારેકોર ફરી વળી.
“તમે... અભિષેક ભટ્ટના મિત્ર બરાબર ને... ?” મારી સામે પણ જાણે લગભગ એકાદ મીટર દુર ઉભેલા એ બાવીશ વર્ષના યુવાને મને મૂંઝવણ ભરી નઝરે પૂછ્યું અને કદાચ જવાબ મળવાની અધુરી આશાઓ સાથે એ મને જોઈ રહ્યો હતો.
“હા પણ તમે...” હું હજુ જાણે ખોવાયેલો હતો. છતાં મેં જેમ તેમ જવાબ આપ્યો મને એના પર એ સમયે તો ગુસ્સો પણ આવ્યો. જેના પાછળ કારણ પણ હતું કે એક તો એણે મારી કીમતી પળ મારાથી છીનવી લીધી હતી પણ તેમ છતાં હું શાંત રહ્યો. મારી નઝર મારા ત્રણેક પગલા આગળની ઊંડી ખાઈ તરફ પડી અને મારા પગ જાણે ત્યાજ થંભી ગયા. કદાચ એ વ્યક્તિ અથવા પવનની ઝપાટ મને ના અડી હોત તો અત્યારે હું નીચેના કોઈ ખડક પર પછડાયેલો પડ્યો હોત.
“હું વિમલ સોની...” એણે ફરી વાર મને જાણે બોલાવ્યો અને મારી તરફ અભિવાદન માટે હાથ લંબાવ્યો.
“માફ કરજો પણ...” મેં પ્રથમ એના અભિવાદન ભર્યા મારી તરફ વધેલા હાથને માન આપી હાથ મિલાવ્યા પણ, જાણે હજુય હું એને ચોક્કસ પણે ઓળખી શક્યો નહિ. ત્યારે તો મારે કદાચ એને મારો જીવ બચાવવા બદલ થેંક્સ પણ કહેવું જોઈએ પણ હું ચુપ જ રહ્યો કદાચ બોલીજ ના શક્યો.
“મને અભિષેક ભટ્ટે તમારા વિષે કહ્યું... કે... યુ નો...? અભી જર્નાલીસ્ટ ઇન દિવ્ય ભાસ્કર...” એ અટક્યો એણે પોતાની વાત પેલા અભિની ઓળખાણ આપી કદાચ મારા ચહેરાના બદલાતા ભાવ એને રોકી રહ્યા હતા.
“ઓહ... હા... અભી ફ્રોમ સુરત...” મને અચાનક મારા ફેસબુકના અને ત્રણેક વાર રૂબરૂ મળેલા ફેસબુક મિત્રની યાદ ઝબકી. કદાચ ધીરુભાઈ અંબાણી દુનિયાને મુઠ્ઠીમાં કરવાનું સપનું સેવતા એ આજે મને સાર્થક થઇ જતું પણ દેખાતું હતું. “ એની વે હું અનંત રાઓ... રાજસ્થાન થી...”
“તમે સમસ્યાઓનું નિદાન કરી શકો છો... કદાચ માનસિક રોગના નિષ્ણાંતની જેમ જ...”
“માનસિક...?” મારાથી પુછાઈ ગયું પાછળથી લાગ્યું કદાચ હું વધુ બોલી ગયો હતો.
“કદાચ...” હજુય એના ચહેરા પર મૂંઝવણ તો હતી. કદાચ વ્યક્તિ તરીકે પોતાની માનસિક સમસ્યાને કોઈકના સામે સ્વીકારવી અને જણાવવી અઘરું ઘણી શકાય એવું કાર્ય છે.
“કદાચ...?” મેં પૂછ્યું મારે એને કહેવું જોઈતું હતું કે અરે મૂરખ માણસ તારે મને પેલા બધું કહેવું તો પડેશે ને જો તું પોતે જ કઈ નથી જાણતો તો પછી મને શું કહીશ, અને એમને એમ હું કાઈ મહાભારતનો પાંડુપુત્ર સહદેવ તો નથી કે તારા મનને વાંચી લઉં... પણ ત્યારે તો હું બસ ચુપ રહ્યો.
“વાત જરા લાંબી છે... અને સમય...” એણે પોતાની એક આંગળી આકાશ તરફ કરતા કહ્યું અને જાણે મને સમયનું ભાન કરાવતો હોય તેમ મારી સામે જોઈ રહ્યો.
“તો... નિરાંતે મળીયે ક્યારેક...” કદાચ મારે એને કહી દેવું હતું કે કાલ હું સિરોહી માટે નીકળી જવાનો છું, એટલે હવે ક્યારેક જ મળી શકાશે પણ અજાણ્યા ને બધી માહિતી આપવી મને ઉચીત ના લગતા હું ચુપ રહ્યો.
“મારે તમને ઘણું બધું કહેવું છે...” એણે ફરી વખત એજ વાત મારી સામે જોઇને દોહરાવી.
“મને જ કેમ... પણ... એ પણ અત્યારે...” મને થોડુક વિચિત્ર લાગ્યું હતું એટલે મારાથી પૂછાઈ ગયું. એક તો મારે જલ્દીથી હોટલ પર પહોચવાનું હતું, અને ત્યારે થોડોક ગુસ્સો પણ આવ્યો. એમાય આટલી અંધારી સાંજે ત્યાંથી સાધન મળવું મુશ્કેલ હતું.
“હું તમને ઘર સુધી છોડી શકું... ઓહ આઈ મીન જ્યાં રોકાયા છો ત્યાં... સુધી...” કદાચ એણે મારી રસ્તા પર ફરતી નઝરના આધારે મનની મૂંઝવણ સમજી લીધી હોય એમ કહ્યું “ મારી પાસે કાર છે... ડોન્ટ વરી...”
“ઓહ... શ્યોર... ચાલો... હોટેલ બ્લુ ડાયમંડ....” મેં કાર ક્યાં છે એ ના જાણતો હોવા છતાં અજાણી દિશા તરફ ચાલવાનો ઈશારો કરતા કહ્યું... અને અમે બંને સાથેજ ત્યાંથી ચાલવા લાગ્યા.
“તમે કેટલા દિવસ રોકાશો... ?” એણે કારમાં બેસી એક્સ્લેરેટર પર પગ મુકતા કહ્યું અને અમારી કાર ત્યાંથી નીકળી ગઈ. એ આબુના સર્પાકાર રસ્તાની રાહે...
“આજનો દિવસ...” મેં જવાબ આપ્યો અને બારીમાંથી આછા પ્રકાશમાં એ ટેકરીઓ પરના સર્પાકાર વળાંકો અને સાધનોની ઝાબાઝબ લાઈટો જોવા લાગ્યો. મારે કાલ માટેની પેકિંગ પણ હજુ જઈને કરવાની બાકી હતી.
“આજે જમ્યા પછી આપણે મળીયે તો...” એણે કાર ચલાવતા ચલાવતા ફરીવાર મને પછ્યું અને મારી સામે જોઈ રહ્યો.
“સમય...?” મેં પૂછ્યું તો ખરા પણ એણે હાલ મને જમવાની ઓફર આપી કે પછી બસ સમયનું ભાન કરાવવા પૂરતા જ કહ્યું એ એના શબ્દોના આધારે હું ત્યારે સમજી ના શક્યો.
“હોટેલ માઉન્ટેઇન હિલ... નવ વાગે... તમને વાંધો ન હોય તો આજે ડીનર પણ સાથે જ કરીએ...” એણે મને હોટેલનું કાર્ડ આપ્યું અને મારા પ્રતિભાવ માટે મારી સામે જોઈ રહ્યો. કદાચ આ કાર્ડ પણ એ જ હશે જે હોટેલના મેનેજરે રૂમ બુક કરતી વખતે કોન્ટેક્ટ નંબરના બહાને એને પકડાવી દીધું હશે.
“ઓકે... પણ અત્યારે તો મારે રૂમ પર જવું પડશે... હજુ નવ વાગવામાં તો વાર છે...” મેં ઘડિયાળમાં સમય જોતા કહ્યું અને ફરી એ સુના રસ્તાઓ પર નજર દોડાવી. ઠંડીનો અહેસાસ તો મને ત્યાં ફરતી અમુક લોકોની શારીરિક ધ્રુજારી પરથી જ થઇ ગયો હતો.
“તમે આવશો ને...?” એણે ફરી વાર પૂછ્યું.
“હા જરૂર...” મેં પણ ત્યારે હકારમાં જ ડોકું ધુણાવ્યું.
બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે...? એક નવી દ્રષ્ટીએ દુનિયા...? નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...?
~~~~~~~~