સૂર - સરિતા Anil Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર - સરિતા

સૂર–સરિતા

સરિતા નદીને કિનારે સરિતાને મળવું એ સૂરના જીવનનો નિત્યક્રમ બની ગયો હતો. જેમકે સૂર્યોદય બાદ સૂરજમુખીનું ખીલવું. સરિતા નદીનું નિર્મલ વહેણ સરિતા અને સૂરના પવિત્ર અને નિર્મલ પ્રેમનું સાક્ષી હતું. સરિતા નદીનું વહેણ બદલાયું અને સાથોસાથ સરિતા-સુરની જિંદગીના વહેણ પણ બદલાયાં. સૂર સરિતા નદીના રમ્ય કિનારે બેઠો હતો. બાજુમાં બેઠેલા પ્રવાસીના ટેપરેકોર્ડર પર “ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હે“ ગઝલ વાગી રહી હતી. કિનારે બેસી વર્તમાનને ભૂલી ભૂતકાળ ખોવાઈ જવાની સૂરને આદત પડી ગઈ હતી. વર્તમાનમાં જીવવું તેના માટે શક્ય નહોતું જ પરંતુ ભૂતકાળ ભૂલવો એ તેના માટે અશક્ય હતું. સૂરનું વ્યક્તિત્વ, વર્તન અને વાણી અતીતની યાદમાં અતિક્રાંત થઇ ગયા હતા. તે વિચારવા લાગ્યો...

સરિતા આપણે સમંતિથી છુટા પડ્યા હતા ? આપણી જુદાઈ-મિલનનું સ્થળ, સમય અને કારણ હજુ મને યાદ છે. તેથીસ્તો હું ક્યારેક ક્યારેક તે યાદોને લીલીછમ્મ કરવા તે સ્થળે જાઉં છું, જ્યાં જ્યાં તારી મારી, મારી તારી અને આપણી યાદો સકળાયેલી છે. જયારે હું પેલા આપણા મનગમતા ગુલમોહર પાસે જાઉં છું ત્યારે ? તેના પાંદડે પાંદડે છવાયેલા ઝાંકળના બિંદુઓ ખરી પડી જાણે રડતા હોય તેમ કહેતાં કે ‘સૂર,ચમનમાં કંટકો પણ હોય છે.’ સરિતા, હું હજુ તને ભૂલ્યો નથી. તેનું સબળ કારણ શું ? તું મારા પાસે નથી. તું નથી તેનો ગમ મને સાલતો નથી એમ કેમ કહું ? કારણ કે આપણી યાદો મારી સાથે જીવે છે,જેમ હું જીવું છું. તે મને જીવાડે છે, હું તેને જીવાડું છું. હું આપણી યાદો ના સહવાસથી સુખી છું કે દુઃખી તે તને ક્યાંથી ખબર હોય ... તને તો ઝાઝ્ળું સ્પર્શી ગયું છે ને ? સૂર પોતાના અતિ વહાલા અતિતને વાગોળતો સરિતા નદીને કિનારે બેઠો હતો .ત્યાં ચાર વર્ષની સપના ‘પપ્પા, પપ્પા ‘કહેતી તેને ચોંટી પડી અને તે વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. પપ્પા, પપ્પા તમે કહેતા હતા કે મારી મમ્મી ભગવાનના ઘરે ગઈ, પણ બાથ મને કહે છે કે મારી મમ્મી મારી ગઈ છે. હે પપ્પા મારી જવું એટલે શું ? મારે પણ મારી જવું છે. પપ્પા તો હું મમ્મી પાસે જઈ શકીશને? આવા શબ્દો સાંભળી સૂર તુરત બોલ્યો :સપના બેટી એવું ન બોલાય .. સપનાને તેડી સૂર ઘર તરફ પ્રયાણ કર્યું. સૂર પોતાન કહેવાતા ઘરના વરંડામાં ખુલ્લા આકાશ નીચે આરામ ખુરશીમાં બેઠો હતો. ઘરથી થોડે દુર સરિતા નદી ખળખળ વહેતી હતી. સરિતાના વહેણને જોઈ સૂરની જૂની રોજનીશી ઓકી રહી હતી.

‘હું તને કેમ ભૂલું, સરિતા ? મેં તને મારા કોમળ ર્હદય વડે પ્રાણથી પણ અધિક ચાહી છે. યાદ છે ? આપણે કદમ સાથે કદમ મિલાવી ચાલતા અને આપણા દિલની ધડકનને તાલબદ્ધ એક સાથે ધબકાવતા ...આ સરિતા નદીની સુંવાળી, લીસી અને ચમકતી રેતી પર આપણે એકજ પગલાની છાપ પર ચાલતા ..દૂર દૂર સુધી ચાલતાં... એક દિવસ આપણે તે રીતે ચાલતા હતા. તું રેતીમાં પડી ગઈ હતી. પડ્યા પછી તેં મને રેતીથી નવડાવી દીધો હતો. ત્યારે મને શો આનંદ આવેલો... અને રાત્રે ? રાત્રે તું કાંસકી લઇ મારા વાળને પંપાળી સાફ કરતી હતી, ત્યારે મારા વાળમાં કેવી ગૂંચ પડી ગઈ હતી ? મને તે ગૂંચ યાદ આવે છે ને હું ગૂંચવાઈ જાઉં છું. તારા ગયા પછી હું ખુબજ સારો તરવેયો બની ગયો છું. અત્યારે વર્ષાઋતુ ચાલે છે. તું ખુબજ યાદ આવે તે સ્વભાવિક છે. બે દિવસ પહેલા ખુબજ વરસાદ વરસ્યો હતો, તેથી આજે બંને કાંઠાની બહાર ઘણે સુધી નદીનું પાણી પ્રસરી ગયું છે . જેમ તું મારી યાદોમાં પ્રસરી ગઈ છો . મને તારા પાસે આવવાની ખુબજ ઈચ્છા થાય છે . પણ આપણી સપનાનું કોણ ? તે વિચારે લાચાર છું . ‘હા, સરિતા.. હું સપનાને ખુબ જ પ્રેમ કરું છું તેને મમ્મીની ખોટ મેં પપ્પા થઈને પણ સાલવા નથી દીધી ..છતા તેના બાલિશ પ્રશ્નો મને ક્યારેક મુંજવે છે , હું તેને કોમળ ફૂલની જેમ ઊછેરી રહ્યો છું . સપનાનો ચહેરો બિલકુલ તારા ચહેરાને મળતો આવે છે. જાણે એજ સરિતા જે સરિતાને આ સરિતા નદીએ મારા પાસેથી છીનવી લીધી હતી . એજ સરિતા જે સરિતા નદીના ઉછળતા મોજાંમાં અદ્રશ્ય થઇ ગઈ , અને સાથે જીવનનાં વચનને મેખ મારી ગઈ...તું મારાથી દૂર ચાલી ગઈ . જો કે તું કદી મારાથી દૂર થઇ નથી, થવાની નથી ..લોકો કહે છે કે આત્મા કદી મારતો નથી. હા, તારું શરીર મારાથી દૂર ચાલ્યું ગયું, તારો આત્મા ? ના .. ના .. તારો નહીં આપણો આત્મા હજુ ધબકે છે હો ... સૂર અતિત સાથે જાણે વાતો કરી રહ્યો હોય તેમ લાગતું હતું. ‘સરિતા, આજે તારો સાથ છુટ્યાની ઘટના પર ચાર ચોમાસાં વરસી ચૂક્યાં છે . અત્યારે હું તારા નામનાં ફૂલ સરિતા નદીમાં અર્પણ કરવા આવ્યો છું . જો કે દરરોજ એક ફૂલ તો હું તને અર્પું જ છું , આજે થોડા વધારે સરિતા .આ સરિતા નદીમાં તારા ગયા પછી મેં કોઈની સરિતાને ડૂબવા નથી દીધી .મેં ઘણી સરિતાઓને બચાવી છે . તે કાર્યથી મારા મનને એક જાતની શાંતિ મળે છે . એકાએક ‘બચાવો .....બચાવો .....’ની બૂમને લીધે સૂર વર્તમાનમાં પછડાયો યુવક કાંઠા પર ઉભો ઉભો બચાવો ...બચાવો ....એવી બૂમો પડી રહ્યો હતો .તેણી પત્ની સરિતા નદીમાં તણાઈ રહી હતી . સૂર તરત નદીના પ્રલય સમા મોજામાં ઝ્મ્પલાવ્યું .સુરે મહા મહેનતે પેલી તણાતી યુવતી પાસે પહોંચી ગયો . તે યુવતીને ખભા પર બેસાડી કાંઠા તરફ આવવા લાગ્યો .કાંઠા પર ઘણા લોકો ભેગા થઇ ગયા હતા .

સપના પણ પપ્પા ... પપ્પા ...નામની બૂમ પાડી પોતાની હાજરી પૂરવાર કરી રહી હતી . ત્યાં તો બે – ત્રણ માણસોએ જાડા દોરડાંનો ઘા કર્યો . સૂરે તરત યુવતીને દોરડું પકડાવી દીધું .પેલા લોકો યુવતીને ખેંચવા લાગ્યા . યુવતી કિનારે પહોંચી ગઈ હતી .તેણી ચોધાર આંસુએ રડતી રડતી તેના પતિ ને વળગી પડી .

સૂર હજુ પણ પાણીની વચ્ચે જ હતો . ત્યાં અચાનક એક જાડું લાકડું તરતું તરતું સૂરના મસ્તક સાથે અફળાયું અને તે ‘સપના ...સપના ....નામની બૂમ પડી ઉઠ્યો .સપના હજુ ‘પપ્પા ...પપ્પ્પા ... ‘ કહેતી રડતી હતી .ફરી લોકોએ દોરડાનો ઘા કર્યો , પરતું માથામાંથી અવિરત પણે વહી જતા લોહીથી સૂરની શક્તિ હણાઈ ગઈ હતી . પેલી યુવતી સ્વસ્થ થઈ ગઈ હતી તેણી સપનાને સમજાવવાની કોશિશ કરી રહી હતી .અત્યાર સુધી વાંઝણી રહેલી માતૃત્વની લાગણી તેનામાં ઊભરાઈ આવી .તેણી એ સપનાને તેડી અને ચૂમી લીધી . સૂરે ડૂબકી ખાતા ખાતા આ દ્રશ્ય જોયું .તે જોઈ તેણે તૃપ્તિ અનુભવી .

સરિતા .....સરિતા ...હું તારા પાસે આવું છું ....કહેતા સૂરની ત્રીજી ડૂબકી આખરી ડૂબકી બની ગઈ અને તે સરિતા નદીમાં ડૂબતો ડૂબતો સરિતાને મળવા ઊપડી ગયો .

અનિલ ભટ્ટ – જામનગર

મો :-૯૪૨૮૦૭૪૫૦૮