Fantastic February
Krupa Bakori
A Rose
કોલેજ પૂરી થયાં બાદ રોનીકા ઘરે જ જતી હતી ત્યાં, અચાનક ઝરમર-ઝરમર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો. મેઘરાજા પણ જાણે મન મુકીને વરસતા હતા. રોડ એકદમ સુમસાન થઈ ગયો હતો. વાહનોની કોઈ જ અવર-જવર ન હતી. રોનીકા બસની રાહ જોઈને બસ-સ્ટોપ પર ઉભી હતી. તેના ચહેરાના હાવ-ભાવ કહેતા હતા કે તેને ઘરે પહોચવાની ઉતાવળ હતી.
ત્યાં અચાનક જ નિરવની નજર રોનીકા પર પડે છે, " વાઊ! વોટ અ બ્યુટીફુલ ગર્લ. પરફેકટ હાઈટ-વેઈટ. તેનો ચહેરો તો જાણે પરેશાનીમાં પણ ક્યુટ લાગે છે. તેના વાળ કોઈ હિરોઈનથી કમ નથી. તેની જુલ્ફો તો જાણે મને પાગલ કરી દેશે. એવું લાગે છે કે આ છોકરી અસંખ્ય પુરુષોની કત્લેઆમ કરતી હશે. 'જો રાત ઇતની રંગીન હૈ, તો સુબહ કિતની સંગીન હોગી !' જેની નજર આ સૌંદર્યની સંગેમરમરી રાજમહેલ ઉપર પડતી હશે તે બધા જ મારી જેમ.......
નિરવ ત્યાં કાર સ્ટોપ કરીને રોનીકાને નિહાળતો હતો. થોડીક વારમાં જ રોનીકાની બધી હદ પૂરી થઈ ગઈ. રોનીકાએ તો આંખમાં આગ વરસાવતા કહ્યું, “શરમ જેવું છે કે નહી તને? શું મને જોયા કરે છે? છોકરીઓને જોઈ નથી ? બેશરમીની પણ હદ હોય કે નહી?”
“ઓહ, એસક્યુઝમી..... તું છો જ એટલી બ્યુટીફુલ કે મારાથી જોવાઈ ગયું. હું તો તમારો ચહેરો જોઈને પાગલ બની ગયો છું. પાગલ માણસ શું બોલી શકે મિસ..... યુ આર બ્યુટીફુલ, માઈન્ડ બ્લોઈંગ, વેરી એટ્રેકિટવ ! જવા દો તમારા રૂપનાં વર્ણન માટે તો પુરો શબ્દકોશ ઓછો પડે. જાણે કયામત છો તું! જો, હું તારી નઝાકત, તારા સૌદર્ય ના વખાણ ના કરત તો શાયદ તારા સૌદર્યનું અપમાન કર્યું હોય એવું લાગત. મારો કોઈ જ ઈરાદો ખરાબ નથી. બસ, તું મને ગમી તો..... તું ના પાડીશ તો ચાલ્યો જાઈશ. ફરી ક્યારેય તારી સામે નહી આવું.”
એક પલ માટે તો રોનીકાના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયા. આખરે બોલે પણ તો તે શું બોલે. નીચી નજર રાખી મનમાં જ હસતી હસતી ચાલી ગઈ. નિરવ તો બસ તેને જ નિહાળતો રહ્યો.
રોનીકા ઘરે તો પહોંચી ગઈ પણ તેનું આ દિલ નિરવ નામનાં અજનબી પાસે જ રહી ગયું. કોઈ પણ સંજોગોમાં તેની યાદ, તે ભૂલાતો નહોતો. રોનીકા ધીરે-ધીરે નિરવને પસંદ કરવા લાગી હતી. કોલેજથી આવતા-જતાં તે નિરવને શોધવાનો પ્રયાસ કરતી. કયારેક તો તે બસ-સ્ટોપ પર કલાકો સુધી તેની રાહમાં બેસતી કે શાયદ નિરવ મળી જાય. એક અઠવાડીયા જેવું થઈ ગયું પણ નિરવનો કોઈ જ અત્તોપત્તો ન હતો.
એક દિવસ અચાનક જ નિરવ રોનીકાની પાસે આવીને ઉભો રહી જાય. તે જ બસ-સ્ટોપ પર જ્યાં તેના પ્રેમની શરૂઆત થઈ હતી. નિરવ બોલવાને બદલે બસ તેને જ નિહાળ્યા કરે છે. તેની ખૂબસુરતીમાં ખોવાઈ જાય છે.
“ઓહ, મજનૂ હવે મને જોતો જ રહીશ કે શું?” રોનીકા હસતા-હસતા બોલી.
“તો મેડમ, પુરા એક અઠવાડીયાથી મારી રાહ જોઈ. આ બસ-સ્ટોપએ આવે છે, અને કલાકો સુધી બેસીને મારી રાહ જોવે છે. હવે, સામે છું તો મિસ.... કંઈ કહેશે નહી. આ તારા ફેવરીટ રોઝ. કહેવાય છે કે કોઈને 36 રોઝ આપવાથી તેની તમામ વિશ પુરી થાય છે. આ રોઝ તારા માટે.”
“ઓહ, થેક્યુ સો મચ. આઈ લવ રોઝ. જાણે તેને જોઈને મને નવી તાકાત મળે. તને કેમ ખબર કે મને રોઝ ગમે એ?”
“હા, બિલકુલ તું પણ તો રોઝ જેવી જ ખુબસૂરત છે. તે પણ તારા જેવું જ છે તો મને શાયદ થયું કે તમે ગમશે. પણ, તને તો ધાર્યા કરતાં જ કાંઈક વધારે ગમે છે તો મારું તીર નિશાના પર જ લાગ્યું. મિસ...”
“ઓકે, મિસ નહી.... રોનીકા!”
“તારા જેવું જ તારું નામ હા.... હાઈ! નીરવ બિરલા.”
“ જો, રોનીકા હું તને પ્રેમ કરું છું. ' અપને હાથોં કી લકીરોં મેં બસા લે મુઝકો, મૈં હૂં તેરા તો નસીબ અપના બના લે મુઝકો' કહી રોનીકાના જવાબની રાહ જોતો રહ્યો.”
“સો, મિ. નિરવ બિરલા. યુ લુક હેન્ડસમ. મને તમને મળવામાં રસ પડશે.”
બસ, શરૂ થયો પ્રેમનો સિલસિલો. બસ-સ્ટોપ, ગાર્ડન, ફિલ્મો આવી અનેક જગ્યાએ મુલાકતો યોજવા લાગી. પ્રેમનાં દરિયામાં બંને પ્રેમીઓ ડૂબતાં જ ગયા. નસોમાં લોહીના બદલે એકબીજાનું નામ દોડે. ત્રણ વર્ષ તો એવી રીતે પસાર થઈ ગયાં જાણે ત્રણ સેકન્ડ. આ ત્રણ સેકન્ડ જેવા ત્રણ વર્ષો તે ખૂબ જીવ્યાં, ફર્યાં, ખૂબ જ મોજ-મસ્તી કરી. પ્રેમની પરાકાષ્ઠાને આંબી ગયા. નિરવ તો કરોડપતિ બાપનો એકનો એક દિકરો હતો અને રોનીકા મિડલક્લાસ ફેમેલિની હતી.
રોનીકા કેટલીયે વાર નિરવને પૂછતી, "નિરવ, તારા ઘરનાં નહી માને તો આપણે શું કરીશું? જુદા કરી દેશે તો?"
નિરવ કહેતો કે, " હું તારો જ છું અને તારો જ રહીશ. કોલેજ પૂરી થયાં બાદ હું ઘરે વાત કરીશ અને મને વિશ્વાસ છે કે પપ્પા જરૂર આપણને સમજશે."
કોલેજ પુરી થયાં બાદ બંને ઘરે વાત કરે છે. બંનેના ઘરે આ લગ્ન સામે કોઈ જ અવરોધ ન હતો. ત્યાં જ લગ્ન બાદ એક ઘટના બની. નિરવના પિતાજીને એક ડીલમાં કરોડોનું નુકસાન થયું. એને કારણે તેઓ હાર્ટએટેકને કારણે મૃત્યુ પામ્યા. અચાનક જ લેણદારોએ નિરવની બધી જ મિલકતો હડપી ગયા. મેનેજરે ષડયંત્ર કરીને બધું જ પોતાના નામે કરી લીધું. બે બંગલાઓ, ફેકટરી, જમીન, બેંક બેલેન્સ બધું જ ખાલીખમ. આ આધાત તેના મમ્મી જીરવી ના શક્યા.તેનું પણ મૃત્યુ થઈ ગયું. રાતોરાત રોનીકા અને નિરવ રોડ પર આવી ગયા. ના તો કાંઈ જમવાનું હતું ના તો કાંઈ રહેવાનું.
“નિરવ આ ભાડાનું ઘર તો આપણને મળી ગયું છે. તું નિરાશ ના થા.”
“તને કાંઈ ખબર પડે છે કે નહી! આપણે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા તો પણ કહે છે કે નિરાશ ના થા.”
રોનીકાએ શાંતિથી કહ્યુ, “જો તારી પાસે દુનિયાની સૌથી વધુ કિંમતી સંપત્તિ તો હજુ છે ને! તો પછી ચિંતા ના કર.”
“કિંમતી સંપત્તિ! એ વળી કઈ?” નિરવે આશ્વર્યથી પૂછ્યું.
“ હું, તમારી પત્ની રોનીકા બિરલા! બધું જ થઈ જાશે નિરવ. હું તમારી સાથે છું. તનતોડ મજૂરી કરીશું. એકબીજાનો સહારો બનીને સાથે ફરી આ ઘરને બનાવીશું”
નિરવ રાત-દિન મહેનત કરીને જોબનો પ્રયાસ કરે છે પણ, કોઈ જ જોબ મળતી નથી. રોનીકા હિંમત આપતી રહે છે અને તે એક પછી એક પ્રયાસો કરતો રહે છે. જમવાનાં પણ હવે તો ફાંફા હતા. તમામ ઘરેણાઓ કિંમતી વસ્તુ વેચીને ચલાવ્યું પણ, હવે કાંઈ જ ન હતું. એક દિવસ નિરવ રોડ પર જતો હતો ત્યાં અચાનક તેને ખબર પડી કે આજે તો રોઝ ડે છે. તેની રોનીકાનો ફેવરીટ ડે. દર વર્ષે તો એ રોનીકા માટે સ્પેશયલ પાર્ટીનું આયોજન કરતો અને હજારો રોઝ આપતો પણ આજે! અચાનક યાદ આવતા તે તેની રિંગ વેચીને રોનીકા માટે 36 રોઝ લે છે.
સાંજે તે હરખાતો ઘરે આવે છે, પણ રોનીકા શાયદ જોબના ઈન્ટરવ્યુ માટે ગઈ હશે એવું સમજીને તે તેની રાહ જોવે છે અને નાનકડી એવી રૂમને રોઝથી શણગારે છે.
જ્યારે રોનીકા ઘરે આવે છે. ત્યારે રૂમમાં ખૂબ જ અંધારું હોય છે. જેવી તે લાઈટ કરે છે ત્યાં તો તે રોઝ જોઈને ઉછળી પડે છે. “વાઊ! નિરવ રોઝ.. આઈ લવ યુ જાન.. લવ યુ સો મચ. તે ખૂબ જ ખૂશ થાય છે. પણ, નિરવ આ રોઝ..... એટલે કે તે મારી ખુશી માટે તારી રિંગને... બોલતા બોલતા જ તે રડી પડે છે.”
“હેપી રોઝ ડે માય બ્યુટીફુલ વાઈફ. રોનીકા તું ચિંતા ના કર. મારી ખુશી તો તારામાં છે. જો તુ ખુશ તો હું પણ, અને મને જોબ મળી ગઈ છે. ભલે આજે મારી પાસે કાંઈ નથી પણ તારી હિંમત હશે તો જરૂર આપણે એક દિવસ કરોડપતિ હશું.”
“હેપી રોઝ ડે ટુ યુ ટુ નિરવ, મને પણ જોબ મળી ગઈ છે.”
સાચા પ્રેમને કોઈ જ આંધી તોડી શકતી નથી. બંને પાસે ના તો પૈસા હતા, ના તો જમવાનું પણ, છતાં બંને ખુશ હતા. પતિ-પત્ની જ્યાં સુધી એકબીજાનો સહારો બનીને ઉભા રહેશે ત્યાં સુધી સંસારજીવનની ઈમારતની એક પણ કાંકરી નહી ખરે.
વેલેન્ટાઇન ડે
હાય, માય જાન! વિલ યુ બી માય વેલેન્ટાઈન? કોલેજના વિશાળ મેદાનમાં લીમડાના વૃક્ષ નીચે ઊભેલા એક હેન્ડસમ યુવાને મસ્ત શૈલીમાં કહ્યું, એ સુંદરતાની રાણી પાસે પહોંચી ગયું. એ રાણી કોઈ બીજી નહી પણ નાયરા મહેતા હતી.
ચૌદમી ફેબ્રુઆરી એટલે યુવાન હૈયાઓમાં રોમાન્સનો રંગ ચડવા લાગે. કોલેજમાં ભણતાં યુવાનો તો ત્રણસો ને ચોસઠ દિવસોથી ‘વેલેન્ટાઇન ડે’ની વાટ જોઇને બેઠા હોય. દરેકને એક પોતાનો ટાર્ગેટ હોય. સામન્ય દિવસોમાં શાયદ પ્રપોઝ કરવાની હિંમત ન ચાલે પણ આ દિવસે ખુલ્લે આમ યુવતીને આવું પૂછી શકાય: ‘વિલ યુ બી માય વેલેન્ટાઇન?’
જો છોકરી ના પાડી દે તો શરમાવાનું કાંઈ પણ ન હોય, કારણ કે એ બધું ‘વેલેન્ટાઇન ડે’ની પરંપરાનો ભાગ બનીને રહી જાય; પણ જો છોકરી હા પાડી દે તો? શું થાય?
જો છોકરી હા પાડી તો...... આસમાન અને ઘરતી એક થઈ જાય. જિંદગીમાં મેઘધનુષના સાતેય રંગો આવી જાય. મનમાં અચાનક જ ગુલાબનાં ફૂલો ખીલે. મૂરઝાયેલા ચહેરા પર નવી જ રોનક આવે.
નવલ રોય પણ આજે પ્રેમનાં સપના રચાવીને નાયરા પાસે પોતાની પ્રપોઝલ કહી. એનાં દિમાગમાં એકસામટા હજારો વિચાર હતા. નાયરા શું કહેશે? ના તો નહી કહે ને અને હા કહેશે તો... ઓહ! કેટકેટલાં વિચારો આવતા હતા. એ તમામ વિચારોનો જવાબ નાયરાએ આપ્યો, “ હું તારી પ્રપોઝલ સ્વીકારું છું. હેપ્પી વેલેન્ટાઇન ડે!”
એ સાથે જ નવલએ હાથમાં રહેલું એક ગિફ્ટ બોક્સ તેને આપ્યું
“ શું છે?” નાયરાએ આંખોમા રહેલી ઉત્સુકતાથી પૂછ્યું
જાતે જ જોઈ લે ને!.... રેપર કાઢીને બોક્સ ખોલ્યું તો અંદર એકદમ ઝગમગ કરતી લાલ રંગના હિરાની રિંગ હતી. નાયરાતો અચાનક જ બોલી ગઈ, ગયા અઠવાડીયે મોલમાં મને આ રિંગ ખૂબ જ ગમી હતી, પણ એ મારા બજેટની બહાર હતી તો.....
“ આજથી તારા માટે કોઈ જ ગમતી ચીજ બજેટની બહાર નહી હોય. બસ તું મારી પાસે રહે તો આ દુનિયાની કોઈ પણ વસ્તુ તારા કદમોમાં લાવી દઈશ.”
ધીમે-ધીમે વાતચીતનો સિલસીલો શરૂ થયો. ક્યારેક લેક્ચરમાં હાજરી ના હોય તો, કયારેક બંને ફિલ્મ જોવા જાય, સાથે લંચ-ડિનર. નાયરા અને નવલ માટે કોલેજ તો સમય પસાર કરવાનું બહાનું હતું.
પૈસે ટકે નવલે શ્રીમંત ઘરનો એકનો એક દીકરો હતો. કોઈ જ કમી નહોતી. પૈસાની રેલમ છેલમ હતી. નાયરા મિડલ ક્લાસ ફેમિલીની દિકરી હતી. નવલે એક સાંજે નાયરાને પોતાના ઘરે ચા પીવા માટે ઇન્વાઇટ કર્યો. પપ્પા-મમ્મી સાથે ઓળખાણ કરાવી. નાયરાનું વિનમ્રતાપૂર્ણ વર્તન સૌને ગમી ગયું. ‘બેટા,અમે તો ઇચ્છીએ છીએ કે તમારો આ સંબંધ કાયમને માટે લગ્ન નામના બંધનમાં ફેરવાઇ જાય. તું કહેતી હોય તો આવતા રવિવારે અમે તારાં પપ્પા-મમ્મીને મળવા માટે તમારે ત્યાં આવીએ.’ નવલનાં પિતાએ વાત મૂકી. નાયરાએ વાતમાં સહમતી આપી.
રવિવાર આવી પહોંચ્યો. બંનેના પરિવારો મળ્યા, ઘણી બધી વાતો થઇ, ચા-નાસ્તાનો દૌર ચાલ્યો, સવાલો પુછાયા, જવાબો અપાયા. નાયરાના માતા-પિતાનો સ્વભાવ પણ ખૂબ જ સાલસ રહ્યો. ત્યારે ને ત્યારે ગોળધાણા ખાઇને બધાં છૂટાં પડ્યાં. કોલેજ બાદ બંનેના લગ્ન લેવાયાં.
10 Year Later
નાયરા તો મનમાં જ સળગી ગઈ. રડી-રડીને અડધી થઈ ગઈ. લગ્નનાં આટલાં વર્ષોમાં તે આટલું કદી રડી નહી હોય તેટલું રડી. ફેસબુકમાં ફોટા જોઈ રહી હતી. સવારથી તે બેચેન હતી. ન્યુઝપેપર પર નજર કરી તો વેલેન્ટાઈન ડે ના પ્રેમનાં કેટકેટલાં લેખો હતો. તે કંટાડીને ટી.વી ચાલુ કરી તો રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધા જ લોકો વેલેન્ટાઈન ડે ઊજવી રહ્યાં હતા. બસ, એક નવલને જ મારી કાંઈ ફિકર નથી. આજે રજા લેવાનું કહ્યું તો પણ મોં મચકોડીને જતો રહ્યો. ફેસબુક, વોટેસ-અપ, ઇન્સટાગ્રામ, ટિવટર જ્યાં જુઓ ત્યાં બસ વેલેન્ટાઈન ડે.....વેલેન્ટાઈન ડે ! નવલ પાસે મારા માટે ટાઈમ જ નથી.
સવારમાં નાસ્તો કરતાં ત્યારે પણ કહ્યું કે, "નવલ આજે તો મને એકલી મૂકીને ક્યાં જાવ છો? આજે તો વેલેન્ટાઈન ડે છે. તને યાદ છે પહેલી વાર તે મને આ જ ડે પર પ્રપોઝ કર્યું હતું. ચલો આજે ફરવા જઈએ. "
"ક્યાં તે એટલે અમદાવાદ. જો નાયરા આજે અરજન્ટ મિંટીગ છે. આજે પોસીબલ નથી પછી કયારેક સાથે જશું."
સવારમાં નવલને તૈયાર થઈને કહ્યું, "નવલ, કેવી લાગી રહું છું? આજ તો મેં તારી ફેવરીટ રેડ કલરની સાડી પહેરી. કેવી લાગી છું?" જવાબ તો દૂર પણ 'બાય' કહ્યા વગર જતો રહ્યો. નાયરા તો પતિદેવનો કડવો ઘૂંટડો ગળી ગઈ પણ, મનમાં રહેલો આક્રોશ બહાર ના લાવી શકી. રાતના દસ વાગ્યે તે ઘરે આવ્યો. નાયરાએ આખો દિવસ પતિદેવની યાદ તો ક્યારેક ફરીયાદમાં પસાર કર્યો. એને એવું હતું કે શાયદ નવલ સાંજે આવીને બહાર જવાનું કહેશે. તેને બદલે નવલે કહ્યું, "જમવાનું પીરસી દે, આજે તો ખૂબ જ થાકી ગયો છું. કાલે પણ વહેલા જવાનું છે." આ બોલતાની સાથે રહી ગયેલી થોડી આશા પણ મરી ગઈ.
જે લોકો લવમેરેજ કરે છે તે બધામાં એકબીજા માટે કેટલો પ્રેમ હોય છે. જ્યારે નવલને તો એ ભલો અને એનું એ લેપટોપ કે એની નોકરી ભલી. શાયદ તેને મારા માટે પ્રેમ જ ખતમ થઈ ગયો. કામમાંથી ફુરસત જ નથી.
મારી બહેનપણીઓના પતિ તો ઘરની બહાર નીકળે ત્યાં જ કહે કે, 'આઈ મિસ યુ જાન' ભલે ને સાંજે તો પાછા આવવાનાં જ હોય. એકબીજા માટેનો પ્રેમ છલકતો હોય. નવલને તો બસ કામ, કામ અને કામ. એવું લાગે છે કે લગ્ન તો મારી સાથે કર્યાં પણ જરૂર હતી કામ સાથે લગ્ન કરવાની. જ્યારે નવો ડ્રેસ લીધો હોય તો જોવાનો સમય જ ક્યાં હોય?
નાયરાની બધી બહેનપણીઓએ જ્યારે ચાર દિવસનાં પ્રવાસમાં જવાનું નક્કી કર્યું ત્યારે બધાના પતિદેવો બસ ઉપડે ત્યાં સુધી ઊભા રહ્યા હતા. નવલતો મુકવા માટે પણ ના આવ્યો. બસ, ઘરેથી નીકળતાં પહેલા કહ્યું, " મારે ઓફિસે જવાનું મોડું થાય છે. પૈસા તારે જોઈએ એટલા લઈ જા. તારી પાસે એટીએમ કાર્ડ, ક્રૅડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું જ છે એ જોઈ લેજે. છતાંય તને કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. તારી તબિયત સાચવજે."
બીજે દિવસે સવારે બધાં આગલા દિવસનો આનંદ વાગોળી રહ્યાં હતાં. બધાં ખુશ હતાં. ત્યાં જ એમની બસ એક ટ્રક સાથે અથડાઈ. બધાંને નાનીમોટી ઈજાઓ થઈ હતી. બધાંનાં સગાંઓને ખબર કરવામાં આવી. પરંતુ નવલ તો સૌથી પહેલાં હાજર થઈ ગયો.
પાંચ દિવસ સુધી બેભાન રહેલી નાયરા સામે નવલ તો આંખનો પલકારો પણ પાડયા વિના બેસી રહયો. પાંચ દિવસ પછી જયારે નાયરાએ આંખ ખોલી ત્યારે નવલને લાગ્યું કે તેના જેટલું આ દુનિયામાં બીજું કોઈ જ ભાગ્યશાળી નથી.
ડૉક્ટરે કહ્યું કે, " નવલ નાયરાનું એક મેજર ઓપરેશન હતું અને એ મરતાં મરતાં બચી છે પણ એના સ્પાઈનલ કોડમાં ખુબ મોટી ઈજા થઈ છે અને અમે શક્ય એટલી કોશિશ કરી છે પણ… તે હમણાં પેરેલાઈઝ્ડ હાલતમાં છે. એનું મગજ, એનું મોં વગેરે કામ કરે છે પણ એ બોલી નહીં શકે તેને બધા જ કામમાં તમારા સહારા ની જરૂર પડશે. તમે સમજો છો ને! દવાઓ, આરામ અને શેક કરવાથી સારું થઈ જશે."
જ્યારે નવલ અને નાયરા ઘરે આવ્યા ત્યારે જ નવલએ કહ્યું કે, 'તું પિયર જવાને બદલે અહીં જ આરામ કરજે.'
નાયરાએ જોયું તો તે આખો દિવસ દરમિયાન તેની સેવા કરતો. તેને જોક્સ કહી કહી હસાવાનો વ્યર્થ પ્રયત્ન પણ કરતો. રહી વાત રસોઈની તો તેને બાજુમાં જ ઘરગથ્થુ ટિફિન બનાવે છે. તે બનાવી આપશે.આખો દિવસ ઓફિસને બદલે ઘરે જ રહેવા લાગ્યો. નાના બાળકની જેમ એની કેર કરી રહ્યો હતો. નિયમિત દવા આપતો. કયારેક તો માથું પણ ઑળી આપતો. લગ્ન બાદ પહેલી વાર તેને નવલનાં પ્રેમનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું.
નવલનું આ નવું જ રૂપ જોઇને વિસ્મય પામતી કે આ એ જ નવલ છે જે કામ સિવાય કયારેય ઘરમાં બોલતો નહી. હમેંશા પોતાના જ કામમાં વ્યસત રહેવાવાળો નવલ આજે બદલાઈ ગયો હતો. આ નવલ એ જ નવલ છે કે કોઇ બીજો.......
મોલ્સ, મુવીસ, બીચ, શોપિંગ નાયરાને ગમતી હર એક જગ્યા પર તેને લઈને જતો. નાના એવા કાચનો ટુકડો પણ તેને ના લાગે એનુ ધ્યાન રાખતો. આવું બધું જોતા અચુક જ રુહી ની આંખમાં આંસુ આવતા કે આ એ જ પતિ છે, જેને એ રોજ રોજ ફરીયાદ કરતી કે એ મને પ્રેમ કરતો નથી. આજે એ જ પતિને દિલની વાત પણ કહી શકતી નથી.
થોડા દિવસોના અંતરાલ બાદ નાયરા પહેલાની જેમ જ હરતી-ફરતી થઈ ગઈ. નવલનો પ્રેમ અને ડૉક્ટરની દવાને કારણે તે જલ્દી સાજી થઈ ગઈ. માલવિકાને સારું થયું એટલે નવલએ કહ્યું, 'હજી પણ બીજા સાત દિવસ હું રજા ઉપર છું. એ દરમિયાન તારી બધી બહેનપણીઓને આપણે મળી આવીશું. તને પણ સારું લાગશે.'
સૌપ્રથમ રુહીને ત્યાં ગયા હતા. રુહીનાતો સૌંદર્યમાંજ ઓટ આવી ગઈ હતી. તેના મોં પરના ટાંકાના ડાઘ હજુ સુધી ગયા નહોતા. તેની સેવા માટે તો તેના પિયરથી તેની મમ્મી આવી હતી. તેના પપ્પાને પણ ત્યાં મુશ્કેલીઓ વેઠવી પડી. પણ, જમાઈનું કહેવુ હતું કે રજા મળે એવું નથી તો તેને રુહી પાસે જ રોકાવું પડ્યું. નાયરાને યાદ આવ્યું કે આ એ જ રુહી છે જેને પોતાના પતિ પર સૌથી વધારે ગર્વ હતો. વેલેન્ટાઈન ડે ના દિવસે સૌથી વધારે ફેસબુક પર ફોટા તો આ જ રુહીના હતા.
રક્ષાને જોઈ નાયરાને ઘણો આનંદ થયો. તેને મનમાં થયું કે રક્ષાનો પતિ તો તેને 'મિસ યુ, મિસ યુ' કહેતા થાકતો નહોતો તો તેને તો પતિની હૂંફ જરૂર હશે. નાયરાને જોતા જ રક્ષા બોલી,' સારું થયું તું આવી પગમાં અને હાથમાં ફ્રૅક્ચર હોવાને લીધે કંઈ પણ કામ જ.... એક કામ કર નાયરા પહેલા તું મને થું ઓળી આપ. કેટલાં દિવસ થયાં માથું આ જ હાલતમાં છે.'
નાયરાને તો તરત યાદ આવ્યું કે નવલ તો મને માથું પણ ઑળી આપતા. રક્ષાને તો વેલેન્ટાઈન ડે પર તેના પતિએ કાર ગીફ્ટ કરી હતી. પણ, બિમાર થયાં બાદ તેની કાળજી માટે ટાઈમ જ નહોતો.
"નવલ આપણે ઘરે જઈએ." નાયરા તો દુ:ખી દુ:ખી થઈ
નાયરા તને તને તકલીફ તો નથી ને ? એવું લાગે તો ડૉક્ટર પાસે જઈએ."નવલએ ચિંતા કરતા કહ્યું.
ના, ના એવું કશું જ નથી નવલ પણ, બાકી બધી બહેનપણીને પછી મળી લેશું. ઘરે જઈએ.
નાયરાની તમામ ફરીયાદ, અભાવ નવલનો પ્રેમ જોઈ ભૂલી ગઈ. અનોખી ગીફ્ટ કે લાલ ગુલાબોના બુકે આપી 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરનારને શું ખબર પડે કે વેલેન્ટાઈન કે ૧૪મી ફેબ્રુઆરીએ દેખાડો કરવાનો નથી હોતો કે વારંવાર પત્ન્નીને 'આઈ લવ યૂ' કે 'આઈ મિસ યૂ' કહીને પ્રેમનો દેખાડો કરવાની જરૂર નથી.
જો પતિ સાચા દિલથી પત્નીને પ્રેમ કરે તો વેલેન્ટાઈન ડે ઊજવવાની જરૂર જ ક્યાં છે ? વેલેન્ટાઈન ડે તો ત્રણસો પાંસઠ દિવસ હોય છે જેને વાચા આપવાની જરૂર નથી.
Promise !
નાઝ અને રાજ બંને એક જ ગામમાં રહે. બાલમંદિરથી લઈને બારમાં સુધી એક જ સ્કૂલમાં, એક જ ક્લાસમાં ભણ્યા. ભણતાં-ભણતાં બંને ટીનેજર્સ પ્રેમનો પાઠ પણ ભણી ગયાં. કહેવાય છે કે પ્રેમમાં પડવા માટે કોઈ જ ઉંમર નથી હોતી બસ, એ તો થઈ જાય છે.
નાઝ હજી સોળ જ વર્ષની હતી, પણ એની ખુબસૂરતી જોઈ એવું લાગતું હતું કે આગળ જતાં તે અસંખ્ય લોકોની ડ્રીમ ગર્લ બનવાની હતી. થોડી કમનસીબ હતી. ગમે તેટલી મહેનત કરે પણ દરેક વર્ષે એનો નંબર બીજો જ આવતો.
જેનો પ્રથમ નંબર આવતો હતો, તે રાજ હતો. એકદમ ડેશિંગ, સ્માર્ટ લાગતો હતો. ભણવામાં પણ હમેંશા અવ્વલ જ આવતો. શાળાની તમામ રમતોમાં એ અગ્રેસર હતો.
એ પછી બંને વચ્ચે પ્રેમ પણ થયો. પ્રેમની અભિવ્યક્તિની પહેલ તો રાજ દ્વારા જ કરવામાં આવી. કોઈ પણ જાતના દેખાવ વગર પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું, 'નાઝ તું મને ખૂબ જ ગમે છે.' નાઝ તો શરમાઈ ગઈ અને કહ્યું, 'તું પણ મને ગમે છે.' રાજ તો એકદમ ખૂશ થઈ ગયો અને બોલ્યો,'ત્યારે આટલાં દિવસથી રાહ કોની જોતી હતી?' હવે તો નાઝ મધપૂડાની જેમ બોલી,'પહેલ તો છોકરાઓ જ કરે ને!.' રાજએ હવે ખરા અર્થમાં મોટો થઈ ગયો એમ પૂછ્યું, 'તો આપણો પ્રેમ પાક્કો સમજું ને!' નાઝ પણ મોટી સ્ત્રીની જેમ બોલી,'હા, હા, યે રિશ્તા પક્કા. પણ, એક શરત છે મારી.'
'હા,હા હવે તારા નખરા ખરા અર્થમાં ચાલું થઈ ગયાં. બોલો મેડમ, શું શરત છે? રાજ એકદમ ગંભીર હતો. 'ના, રે નખરા નહી આ તો... જો હું તારી સાથે જ લગ્ન કરીશ. તને મંજૂર છે. તું મને પિન્કી-પ્રોમિસ કર કે મને મુકીને નહી જા. રાજ પણ વચન આપે છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારો જ રહીશ. તારા સિવાય મારા જીવનમાં કોઈ જ નહી આવે. લગ્ન તારી સાથે જ કરીશ.
બસ, શરૂ થઈ પ્રેમની સફર. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેતા. રોજ સાંજે બંને આસોપાલવના વૃક્ષ પાસે મળતાં. આ વૃક્ષ જ જાણે બંનેના મિલનનું સ્થળ હતું. આખો દિવસ મસ્તી-મજાક કરતા. પણ, એક દિવસમાં વાત-વાતમાં બંને વચ્ચે ઝગડો થઈ ગયો. નાની એવી મજાકએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
નાઝ બોલી, 'મારા જેવી સુંદર છોકરી તારા જેવાને પ્રેમ કરે એ જ મોટી વાત છે! તારી પાસે છે જ શું કે તું મને.... '
રાજને ખોટું લાગ્યું, 'નાઝ એવું ના બોલ! મારી ગરીબીની મજાક ના કર. તારા જેવી અને તારા કરતાં પણ વધુ રૂપવાળી છોકરીને મારી કરી શકું છું. આજે મારી પાસે કાંઈ નથી પણ, એક દિવસ તને હું મહેલોમાં રાખીશ.'
આ વખતે તો નાઝ ઉકળી ઉઠી અને બોલી,' તો શોધી લેજે મારા કરતાં રૂપાળી.'
'તો તું પણ શોધી લેજે મારા કરતાં ધનવાન.'
બંને વટમાં વિખૂટા પડી ગયાં. રાજએ બીજા જ દિવસે ગામ છોડી દિધું. નાનકડી મજાક અહમનો સવાલ બની ગઈ હતી. એકબીજાથી દૂર થઈ ગયા. સમય સમયનું કામ કરતો રહ્યો.
પૂરાં વીસ વર્ષ પછી રાજ મહેરા પોતાની નેવું લાખની ગાડી લઈને ગામમાં આવ્યો. જ્યાં તેના મિલનનું સ્થળ હતું ત્યાંથી પસાર થયો. તે તપાસ કરવાં આવ્યો હતો કે નાઝ ક્યાં સાસરે છે? વર્ષો પહેલાની એની ગરીબીનું અપમાન હજી યાદ હતું. આજે એ બતાવાં આવ્યો હતો કે કેટલો ધનવાન થઈ ગયો છે.
આસોપાલવના વૃક્ષ પાસે તે ઉભો રહ્યો. ગામમાં જવાની તેની ઈચ્છા નહોતી. ત્યાં એક સ્ત્રી લાજ કાઠીને નીકળી. રાજે તેને પૂછ્યું, 'આ ગામમાં એક પરી જેવી છોકરી હતી. ભલભલાના રૂપને આંજી નાખે તેવી હતી. તેનું નામ નાઝ હતું. એ અત્યારે ક્યાં સાસરે છે તે જાણો છો?'
પેલી સ્ત્રીએ લાજ યથાવત રાખીને બોલી, 'સાહેબ, એવી તો કોઈ છોકરી આ ગામમાં થઈ જ નથી. નાઝ તો હતી જ કદરૂપી એટલે તો તેને તેનો પ્રેમી છોડીને ચાલ્યો ગયો.'
તેનો અવાજ સાંભળી રાજ બોલ્યો, 'નાઝ તું!..... હજી અહીં! મતલબ કે તે.....'
'હા, તમારી રાહ જોતી હતી. મારા જેવી રૂપાળી છોકરી તમને મળવાની નહોતી...... આખરે પિન્કી-પ્રોમિસ કર્યું હતું.'
રાજ તો ગળ-ગળો થઈ બોલ્યો ,'મને પણ ખબર હતી કે મારા જેવો ધનવાન તને નથી મળવાનો એટલે જ તને મળવા આવ્યો છું.' બંને ભેટી પડ્યાં. થોડાક દિવસ બાદ બંને લગ્ન કરી જીવનભર સાથે રહેવાનું પ્રોમિસ નિભાવે છે.