પિન કોડ - 101 - 51 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 51

પિન કોડ - 101

પ્રકરણ-51

આશુ પટેલ

કોલ ડિસકનેક્ટ કરતાં પહેલાં ગૃહ મંત્રીએ પોલીસ કમિશનર શેખને તાકીદ કરી કે વાઘમારેને તાત્કાલિક નોકરીમાથી બરતરફ કરીને ઘરે નહીં બેસાડી દો અને ડીસીપી સાવન્તને બીજી જગ્યાએ ખસેડી નહીં દો તો મારે તમને ડિરેક્ટર જનરલ પોલીસ હાઉસિંગ તરીકે બેસાડી દેવા પડશે.
ગૃહ મંત્રીના એ શબ્દો સાંભળીને શેખને એક ક્ષણ માટે થયું કે આ સાલા અભણ રાજકારણીને મોઢા પર ચોપડાવી દઉં કે તારાથી થાય એ કરી લે! પણ તેમણે મહામહેનતે પોતાની જાત પર કાબૂ જાળવી રાખ્યો. તેમને યાદ આવી ગયું કે આ માણસ પોતે ઔરંગાબાદ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા એ વખતે આ માણસ તેના પીઠ્ઠુ એવા સ્થાનિક ગુંડાઓને છોડાવવા માટે વાતવાતમાં તેમની પાસે પહોંચી જતો હતો અને પોતાના પક્ષના સ્થાનિક નેતામાથી મંત્રી બનેલા તેના જેવા જ એક ભ્રષ્ટ રાજકીય નેતા પાસે કોલ કરાવીને પોલીસ પર દબાણ લાવતો હતો. અત્યારે તે મહારાષ્ટ્રનો ગૃહ પ્રધાન બની ગયો હતો, પણ તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં સહેજ પણ ફરક પડ્યો નહોતો. ઉપરથી તે વધુ ખરાબ રાજકારણી બની ગયો હતો.
કમિશનર શેખ અપમાનનો ઘૂંટડો પચાવીને સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા હતા એ જ વખતે તેમના મોબાઈલ ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર સેન્ટ્રલ આઈ.બી.ના આઈજીપી પવન દીવાનનું નામ જોઈને તેમણે તરત જ ફોન કાને માંડ્યો.
‘મે વરસોવાના ન્યૂઝ ટીવી પર જોયા. મીડિયાએ બહુ ખરાબ રીતે આખો મામલો ગજાવી દીધો છે. પણ એથી વધુ ખરાબ વાત એ છે કે ઇકબાલ કાણિયાએ આરડીએક્સ કદાચ પેલા મકાનમા જ છુપાવ્યુ છે, જેમાં વાઘમારે પેલી છોકરીની શોધમા ઘૂસ્યા એના કારણે વિવાદ પેદા થઈ ગયો છે! કાણિયાના એક માણસ દ્વારા જ આ માહિતી મળી છે.’ સેંટ્રલ આઈ.બી.ના આઈજીપી પવન દીવાને કહ્યું.
‘ઓહ ગોડ!’ કમિશનર શેખ પોતાના માથા પર જોરથી હાથ પછાડતા બોલી ઉઠ્યા.
* * *
‘જાણીતા મોડેલ કોઓર્ડિનેટર ઓમર હાશમીએ પોલીસ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ કરી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે. ડોક્ટરોએ કહ્યું કે તેને બચાવી લેવાયો છે, પણ તેની હાલત હજી ગંભીર છે. પોલીસ ખુલાસો કરી રહી છે કે અમે તો માત્ર તેને પૂછપરછ માટે જ બોલાવ્યો હતો, પણ આ મુદ્દે મુંબઇ પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ છે. એવી માહિતી મળી રહી છે કે પોલીસે ઓમર હાશમીની ધરપકડ ર્ક્યા વિના જ તેને તેની ઓફિસમાંથી ઊંચકી લીધો હતો. દર્શકોને કહી દઇએ કે ઓમર હાશમી એક નામાંકિત મોડેલ કો-ઓર્ડિનેટીંગ એજન્સી ચલાવે છે. આજ સુધી તેની સામે કોઇ ગુનો નોંધાયો નથી અને ક્યારેય કોઇ વિવાદમાં પણ તેનું નામ ખરડાયું નથી, પણ મુંબઇ પોલીસના અધિકારીઓએ એવી શંકા પરથી તેને ઊંચકી લીધો હતો કે તે નતાશા નાણાવટી નામની એક નવીસવી મોડેલ અને હિન્દી ફિલ્મ્સમાં રોલ મેળવવા માટે સંઘર્ષ કરતી યુવતીના અપહરણનું કાવતરું ઘડી રહ્યો હતો...’ એક ટીવી ચેનલ પર ‘બ્રેકિંગ ન્યૂઝ’ ચાલી રહ્યા હતા.
એ ટીવી ચેનલ જોઈ રહેલા ઇકબાલ કાણિયાના ચહેરા પર સંતોષના ભાવ ઊભરી આવ્યા. તેણે ટીવી ચેનલ બદલાવી. એ ચેનલ પર પણ ઓમર હાશમી વિશે જ ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા: ‘ઓમર હાશમીએ નતાશા નાણાવટી નામની એક નવીસવી મોડેલ સાથે મોડેલિંગ માટે કોન્ટ્રાક્ટ ર્ક્યો હતો. પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે કુખ્યાત સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વાઘમારેને પસંદ નહોતું કે તે છોકરી એ મોડેલીંગ કોન્ટ્રેક્ટ સાઇન કરે. એટલે વાઘમારેએ સામ, દામ, દંડ, ભેદ અજમાવીને તે મોડેલને ઓમર હાશમી સાથે કોન્ટ્રેક્ટ સાઇન કરતાં અટકાવવાની કોશિશ કરી હતી. એમ છતાં તે મોડેલે કોન્ટ્રેક્ટ સાઇન કરવા માટે નિર્ણય ર્ક્યો ત્યારે વાઘમારેએ પોતાના માણસ દ્વારા એ છોકરીને ધમકાવી હતી. વાઘમારેના ડરને કારણે તે યુવતી અજ્ઞાત સ્થળે જતી રહી છે. હવે તેના અપહરણના કેસમાં ઓમર હાશમીને ફસાવવાની કોશિશ થઇ રહી છે...’
ઇકબાલ કાણિયાએ ફરી ચેનલ બદલાવી. ત્યા પણ એ જ ’ન્યૂઝ’ ચાલી રહ્યા હતા: ‘ચોંકાવનારી વાત એ છે કે મોડેલ નતાશા નાણાવટીનું અપહરણ થયું છે એવી કોઇ જ ફરિયાદ આખા મુંબઇના એક પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી. પણ વાઘમારે અને તેમના કેટલાક અધિકારીઓએ તે છોકરીના અપહરણ માટે ઓમર હાશમીને ઊંચકી લીધો છે અને એ પણ તેની ધરપકડ ર્ક્યા વિના જ! વિચાર કરો મુંબઇ પોલીસ કેટલી સક્રિય બની ગઇ છે, ગુનો થયા પછી પણ ફરિયાદ નોંધવામાં ગલ્લાં-તલ્લાં કરતી પોલીસ જ્યારે કોઇ ફરિયાદ વિના આટલી દોડધામ કરી મૂકે ત્યારે સહેજ પણ શંકા પેદા થયા વિના ના રહે. અમારા સૂત્રો કહે છે કે મુંબઈના એક હાઈ પ્રોફાઈલ આઇપીએસ અધિકારીને પણ તે છોકરીમાં રસ પડ્યો હતો...’
કાણિયાના ચહેરા પર એક વિજયી સ્મિત ફરકી ગયું.
* * *
‘મુંબઇ પોલીસનું વધુ એક બ્લન્ડર. મોડેલ કો-ઓર્ડિનેટર ઓમર હાશમીને અંડરવર્લ્ડ અને ત્રાસવાદી સંગઠન સાથે કનેક્શન માટે ગોંધી રાખ્યો. જુઓ આ માણસ તમને ત્રાસવાદી લાગે છે?’ એક ટીવી ચેનલ પર એક પત્રકાર ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપી રહ્યો હતો. ટીવી સ્ક્રીન પર સૂટમાં સજ્જ ઓમર હાશમીનો ફોટો દર્શાવાઈ રહ્યો હતો. વચ્ચે વચ્ચે ઓમર હાશમીના જાણીતા ફિલ્મ સ્ટાર્સ સાથેના ફોટોઝ પણ દર્શાવાઈ રહ્યા હતા.
‘ઓમર હાશમીને વર્ષોથી ઓળખતી સેલીબ્રિટિઝ તેના વિશે શું કહે છે એ જોઈએ.’ ટીવી પત્રકારે કહ્યું અને પછી તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ બોલકા અને સતત સમચારોમાં અને વિવાદોમાં ચમકતા રહેતા ફિલ્મ લેખક-દિગ્દર્શક ઉમેશ પંડ્યા તરફ માઈક ધર્યું.
ઉમેશ પંડયાએ પોતાનો આક્રોશ ઠાલવવા માંડ્યો: ‘ઓમર હાશમી આતંકવાદી હોય તો હું પણ આતંકવાદી છું! તો આ દેશનો દરેક નાગરિક આતંકવાદી છે. કોઇ પણ નિર્દોષ યુવાનોને ફ્રેમ કરી દેવાની પ્રવૃત્તિ મોટે પાયે આ દેશની પોલીસ ચલાવી રહી છે. આની કિંમત આપણા આખા દેશે ચૂકવવી પડશે. મેં વડા પ્રધાનને પત્ર લખીને અરજી કરી છે કે તેઓ આ મામલામાં વચ્ચે પડે, નહીં તો કાલે આવા અનેક ઓમર હાશમીઓ બગાવત પર ઊતરી આવશે. જ્યાં સમજણથી કામ લેવું જોઇએ ત્યાં બળપ્રયોગ કરાઇ રહ્યો છે. ઓમર હાશમીને હું વ્યક્તિગત રીતે ઓળખું છું અને તેણે કેટલાય યુવક-યુવતીઓને મોડેલ્સ બનાવ્યા છે. એમાંથી કેટલાક તો મારી ફિલ્મ્સમાં હીરો-હીરોઇન તરીકે કામ કરી ચૂક્યાં છે. આખું ફિલ્મ જગત ઓમર હાશમીની સાથે છે. અમે પોલીસને આવા નિર્દોષ યુવાનોના જીવન સાથે નહીં રમવા દઇએ. આજે વર્સોવામા જે ઘટના બની છે એના આરોપી પોલીસવાળાઓ ખુલ્લા ફરી રહ્યા છે અને ઓમર હાશમી જેવા સીધોસાદા યુવાન પર પોલીસ બહાદૂરી બતાવી રહી છે! આ સ્થિતિ...’
ડીસીપી સાવંત અકળાઈ ગયા. તેમણે રીમોટથી ટીવી બંધ કરીને તેમની આઈએએસ પત્ની સામે જોતા કહ્યું: ‘આજનો દિવસ જ ખરાબ ઉગ્યો છે! સાલુ બધું ઉંધું જ પડી રહ્યું છે. એમાં આ સાલો પોલીસને ગાળો દેવા મેદાનમાં આવી ગયો. આ બદમાશે પેલા અંડરવર્લ્ડ ડોનની પાકિસ્તાની પ્રેમિકા માટે ખાસ હિન્દી ફિલ્મ બનાવીને તેને હીરોઇનને તરીકે બોલીવૂડમાં બ્રેક અપાવ્યો હતો. અને તેનો ભાઇ એક પાકિસ્તાની ત્રાસવાદી સાથે સબંધ રાખવા માટે પોલીસની ઝપટમાં આવી ગયો હતો, પણ વડા પ્રધાન સુધી વગ લગાવીને તેણે પોતાના ભાઈને બચાવી લીધો હતો. આના જેવા બૌદ્ધિક ગઠિયાઓ આતંકવાદીઓનુય માથુ ભાંગે એ રીતે દેશની પત્તર ઠોકે છે!’
‘રીલેક્સ, ડાર્લિંગ! તુ ગાળો આપીશ એનાથી એ માણસનુ મોઢુ બંધ થઈ જવાનું નથી! અને આજે તારા પેલા વાઘમારેએ જે કર્યું છે એનાથી કોઈ મુંબઈ પોલીસની પ્રશંસા તો નથી જ કરવાનું!’ ડીસીપી સાવંતની આઈએએસ પત્નીએ કહ્યુ.
સાવંતને થયું કે તે પોતાના માથાના વાળ ખેંચીને ચીસો પાડે. મીડિયાએ વરસોવાની ઘટના અને ઓમર હાશમીના આત્મહત્યાના પ્રયાસ વિશે જે હોબાળો મચાવ્યો હતો એને કારણે ખુદ તેમની પત્ની પણ પોલીસને ગુનેગાર ગણી રહી હતી! ડીસીપી સાવંત તેમની પત્નીને કઈ કહે એ પહેલા તેમના મોબાઈલ ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર ફ્લેશ થયેલો નંબર જોઈને તેમણે ઉતાવળે ફોન ઉઠાવીને કાને માંડ્યો. સામેથી કહેવાયેલા શબ્દો સાંભળીને તેમને લાગ્યું કે આજનો દિવસ ખરેખર જ બહુ ખરાબ સાબિત થયો હતો!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Jigna Pandya

Jigna Pandya 5 માસ પહેલા

Dhaval Patel

Dhaval Patel 8 માસ પહેલા

Parul

Parul 1 વર્ષ પહેલા

Kava Prakash M

Kava Prakash M 1 વર્ષ પહેલા