ભેટ Yayavar kalar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેટ

ભેટ

મારો જન્મદિવસ મને અને મારા પત્ની સિવાય બીજા કોઈને યાદ રહેતો નથી, અને આમ પણ આ મોંઘવારીમાં આપણો જન્મદિવસ બીજા કોઈ યાદ રાખે તે પોષાય પણ નહિ. તેથી તે દિવસે જયારે ઓફિસમાં મારા બોસે હસીને બીજા બધા કર્મચારીઓ સાંભળે એમ, મારી સામે હાથ લંબાવીને મને ‘હેપી બર્થડે ટુ યુ‘ કહ્યું ત્યારે ઘડી બેઘડી ઓફિસમાં સોપો પડી ગયો, જાણે બધું થંભી ગયું, હું આ આઘાત માટે તૈયાર ન હતો. થોડી ક્ષણો હું અવાચક થઇ ગયો. બોસ મારી સામે હાથ લંબાવીને સસ્મિત ચહેરે ઉભા હતા. પછી મને પરિસ્થિતિનું ભાન થતા મેં તરત બોસ સાથે હાથ મિલાવીને કહ્યું, ‘થેન્ક્યુ સર, થેન્ક્યુ‘. બોસ બોલ્યા, ‘મિ.કલાર, તમને જન્મદિવસના ખૂબખૂબ અભિનંદન, તમને તમારી ‘પ્રેઝન્ટ’ આજે જ મળી જશે’. ‘થેન્ક્યુ સર’ હું આથી આગળ કશું બોલી શક્યો નહિ, પછી બોસ કશું વિચારતા હોય તેમ પોતાની કેબિનમાં રવાના થયા. હું હજી બાઘાની જેમ મારા ટેબલ પાસે ઉભો હતો. મારી નજર મારા સહકર્મચારીઓ તરફ ગઈ, તેઓ મારી સામે દિગ્મૂઢની જેમ જોતા હતા. અમારા માટે આ ઘટના આશ્ચર્યના આંચકા સમાન હતી, ક્ષણ પહેલા જે બીના ઘટી તેને ચમત્કાર જ કહી શકાય. થોડીવારે તેઓને આઘાતની કળ વળતા તેઓ મારી પાસે આવ્યા અને મને જન્મદિવસની શુભેચ્છાઓ આપી, સાથે પાર્ટીની માંગણી પણ ખરી, મારે અનિચ્છાએ ચા અને ફાફડાની મિજબાની માટે હા કરવી પડી. એક સાથે આટલા બધા લોકોએ મને જન્મદિવસની શુભેચ્છા આપી હોય તેવો આ પહેલો મોકો હતો, મને અંદરખાને આ વાત ગમી પણ ખરી.

થોડીવારે બધા પોતપોતાના કામે વળગી ગયા, પણ હું અસમંજસમાં હતો. મારે આ ઘટનાથી ખુશ થવું કે નહિ તે હું નક્કી કરી શક્યો નહિ, કોઈ બોસ સામે ચાલીને પોતાના કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે તે ઓફિસમાં સુમેળ અને સારા વાતાવરણની નિશાની કહેવાય. પણ મારા આ બોસથી અમે બધા રાડ નાખતા. અમારા બોસના નામ માત્રથી જ અમારી આખી ઓફીસ ધ્રુજતી, બેઠા ઘાટનો, મોટી ટાલવાળો, હમેશા ચશ્માની બહાર આવવા મથતી તેની ઝીણી આંખો, ચપટું નાક, અને સદાય ચિંતામગ્ન ચહેરો, અમને લાગતું કે કા તો તે કબજીયાતનો શિકાર હશે ને કા તો તેની પત્ની તેને વાતવાતમાં ફૂટબોલ બનાવતી હશે, કારણ કે અમે બોસને ભાગ્યેજ હસતા જોતા. અમારો બોસ અમારા માટે હિટલર સમાન હતો, નાની મોટી દરેક વાત પર તે અમોને ગાજરમૂળાની જેમ વેતરી નાખતો. અમે બધા તેનાથી દૂર રહેવાની કોશિશ કરતા, બોસની કેબિનમાં ગયેલો અમારો કોઈ કર્મચારી હસતા મોઢે ક્યારેય પાછો ફર્યો નથી ! અમારો બોસ જયારે ઓફીસે આવતો હોય, ત્યારે અમારો પટ્ટાવાળો રામજી ‘એ હિટલર આવ્યો, આંતકવાદી આવ્યો’ એવી બૂમો પાડીને અમને ચેતવી દે. અમે ફટાફટ અમારી જગ્યા ગ્રહણ કરી લેતા. ઓફિસમાં પંદર મિનિટ વહેલા આવવાની અમારી ટેવ પણ બોસને આભારી હતી.

મારો આવો બોસ મારો જન્મદિવસ યાદ રાખે અને બધાની વચ્ચે હસતા મોઢે મને શુભેચ્છા આપે એ વાત મારા મગજમાં બેસતી ન હતી. છતાં આ હકીકત હતી. પણ આ મારો બેટો કોઈ કારણ વગર તો મને અભિનંદન આપે નહિ, નક્કી એ મારા બેમાથાળા બોસના જુલ્મી દિમાગમાં કશું હોવું જોઈએ. હું ગભરાયો ! ક્યાંક આ મારો બોસ મને બલીનો બકરો તો નથી બનાવતો ને !

મારી નજર ઓફિસમાં ફરી વળી, મારા સહકર્મચારી સમયાંતરે મારી સામે વિચિત્ર નજરે જોઈ લેતા અને પોતાના મુખ પર કંઈક ગજબના ભાવ સાથે પોતાના કાર્યમાં લાગી જતા. મારી નજર બોસની કેબિન પાસે સ્ટૂલ પર બેઠેલા પટ્ટાવાળા રામજી સાથે અથડાઈ, તે પણ મારી સામે જ જોતો હતો, તેના ચહેરાનો ભાવ દયામણો લાગતો હતો, જાણે કોઈ અદ્રશ્ય વિનંતીથી મારી સામે જોઈ રહ્યો હતો. મારા સહકર્મચારીઓનું વર્તન બદલાઈ ગયું હતું, જાણે તેઓ મને ઓળખતા જ ન હોય અથવા તો મને સારી રીતે ઓળખી ગયા હોય તેવો કોઈક ભાવ તેઓના વર્તનમાં મને દેખાતો હતો. પરંતુ તેઓનું વર્તન આમ એકાએક શા માટે બદલાઈ ગયું તે મને સમજાતું ન હતું. શા માટે ? અચાનક મારા મનમાં ટ્યુબલાઈટ થઇ, આ બધા મને બોસનો ચમચો તો નથી સમજતા ને ! મને ધ્રાસકો પડ્યો, અમારો બોસ વિના મતલબ ક્યારેય કોઈની સાથે વાત કરતો નહિ, જયારે મને તો બોસે બધાની સામે જન્મદિવસની શુભેચ્છા આપી હતી, એ પણ હસતા હસતા. એટલે તેઓ પાસે મને બોસનો ચમચો સમજવાનું પૂરતું કારણ હતું, જાણે હું ગદ્દાર હોવ એ રીતે તેઓ બધા મારી સામે જોતા હતા. હું મનોમન વધુ ગભરાયો.

મારા બોસે કાઇ કરી છે ને ! હવે મારે શું કરવું એ વિચારે હું વ્યાકુળ બની ગયો. અમે બધા બોસની ગેરહાજરીમાં પોતપોતાની ક્ષમતા મૂજબ બોસને ભાંડતા. આ વાત ચમચાના સ્વભાવ મૂજબ મેં બોસને કહી દીધી હશે અથવા તો કહી દઈશ તેઓ ડર તેઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તેથી જ તો બધા ‘હવે શું થશે !’ ના ભાવ સાથે બોસ પાસે પોતાના બચાવમાં કેવા જવાબો રજુ કરવા તેની ફિરાકમાં લાગતા હતા. અમારો પટ્ટાવાળો રામજી સૌથી વધારે ચિંતિત લાગતો હતો. બોસ માટેના તેના વિશેષણો ‘હિટલર’, ‘આંતકવાદી’ મને યાદ આવ્યા, તેથી જ તે વધારે ડરેલો લાગતો હતો અને મારી સામે વિનંતીથી જોઈ રહ્યો હતો. એ બધાની નજર જાણે ભાલાની જેમ મને ખૂંચવા લાગી, હું એ બધાની નજરથી બચવા કામ કરવાનો લૂલો દેખાવ કરવા લાગ્યો.

પણ મનોમન હું મારા જામ થઇ ગયેલા મગજને દોડાવા પ્રયત્ન કરવા લાગ્યો, આ મારો બોસ કારણ વિના તો કશું કોઈને આપે નહિ, કોઈ કારણ તો ચોક્કસ હશે ! આ અંગેના વિવિધ કારણો મારા મનમાં આંટાફેરા કરવા લાગ્યા. પ્રથમ વિચાર તો એવો આવ્યો કે મારા બોસનું હૃદય પરિવર્તન થયું હોય અને અમો કર્મચારી સાથે સારું વર્તન કરવાની તેની ઈચ્છા થઇ હોય, પણ બીજી જ ક્ષણે મારા મગજે તે વાતનો ઇનકાર કરી દીધો. મારો બોસ સુધરે એ વાતમાં માલ નહિ, અમો કર્મચારી સુધરી નથી શકતા તો મારો બોસ ક્યાંથી સુધરે ? બીજો વિચાર એવો આવ્યો કે અમારા કર્મચારીઓમાં ફૂટ પડાવવાનો પેંતરો હોય, પણ ફૂટ પડાવવા માટે પહેલા એકતા જોઈએ, બિલાડીનું માત્ર નામ સાંભળીને ઉંદરો પોતપોતાના રસ્તે નાશી છૂટે એવી હાલત અમારી હતી, તેથી એ પણ શક્ય ન હતું.

ત્રીજું મારા કામથી હું પોતે પણ ખુશ ન હતો, હું મનોમન મારા પાછલા દિવસોના પોગ્રેસ પર વિચાર કરવા લાગ્યો, પાછલા થોડા વર્ષોમાં મારા કાર્યમાં ક્યાય ગ્રેસ ન હતો, માત્ર ટ્રેસ જ હતો, પાછલા દિવસોમાં મેં ક્યારેય બોસને ખુશ થવાનો મોકો આપ્યો ન હતો. ઉલટું ઘણીવાર કામોમાં લોચા વાળેલા, તેથી બોસ મારા સારા કામથી ખુશ થઈને મને શુભેચ્છા આપે એ વાત પણ શક્ય ન હતી.

મારો બેમાથાળો બોસ ભારે ચતુર અને હોશિયાર છે. અમારી પાસેથી કામ કઢાવવા તે ઘણીવાર નવા નુસખા અજમાવતો. મેં ડેલ કાર્નેગી અને બીજા એક બે જણાને સમજવાની કોશિશ કરેલી પણ તેઓએ મને નાં પાડી દીધેલી. કર્મચારી પાસે સારી રીતે વૈતરું કરાવવા આ મારો બોસ કોઈ નવો પ્રયોગ તો નથી કરતો ને ! ઘડીભર તો મારી નજર સામે દેડકા, ઉંદર તરવરી ઉઠ્યા. મારું બેટું આનું નક્કી નહિ ક્યારે શું કરે ! મને પિંજરામાં પૂર્યો હોય અને મારો બોસ સફેદ ડગલો પહેરીને હાથમાં મોટું ઈન્જેક્સન લઈને મોટેથી હસતો મને દેખાયો, મારા દિવાસ્વપ્નથી હું હલબલી ઉઠયો.

મેં ઘણો વિચાર કર્યો પણ મને સંતોષકારક કારણ ન મળ્યું, બોસે મને બોંબ ઉપર બેસાડી દીધો હોય એમ આખો દિવસ હું ભયભીત રહ્યો. વિવિધ આશંકાઓ વચ્ચે સમય ક્યારે પસાર થઇ ગયો તેની ખબર જ ન પડી. શું થશે અને શું નહિ થાય ! તે વિચારો સાથે હું ઓફિસની બહાર નીકળ્યો.

‘લે આવી ગયા તમે ? તમારા સાહેબે તમારા માટે ‘ગીફ્ટ’ મોકલી છે’ ઘરે પહોચતા જ પત્નીએ કહ્યું,

‘હે ! શું ‘ગીફ્ટ’ ? કોણ આપી ગયું’ બોસે પ્રેઝન્ટની વાત કરી હતી, પણ એ આટલી જલ્દી મોકલી દેશે અને એ પણ સીધી મારા ઘરે મોકલી દેશે તેની તો મને સહેજ પણ કલ્પના ન હતી.

‘તમારા સાહેબે કોઈ રિક્ષાવાળાને મોકલ્યો હતો, તે આપી ગયો’

મેં ઘરમાં આવીને જોયું તો રૂમની વચોવચ એક સ્ટૂલ પર ‘માછલીઘર‘ પડ્યું હતું, તેની અંદર ચાર પાંચ રંગબેરંગી માછલીઓ તરતી હતી. મારા બાળકો અને બે ત્રણ આજુબાજુના બાળકો માછલીઘરને ઘેરીને ઉભા હતા. આ ‘ભેટ’ જોઈને ખુશ થવું કે નહિ તે અત્યારે પણ હું નક્કી કરી શક્યો નહિ. પ્રેઝન્ટની મારી કલ્પનામાં માછલીઘર ક્યાય ન હતું. માણસ ભેટ તરીકે કોઈ પેન, ઘડિયાલ, શો પીસ એવું કંઇક આપે, પણ માછલીઘર ! મને નવાઈ લાગી. જો કે પછી મેં વિચાર કર્યો કે મારો બોસ આ સામાન્ય દુનિયામાં અસામાન્ય વ્યક્તિ છે તે કરે તે અજાયબ જ હોય, માછલીઘર તો માછલીઘર કંઇક તો મળ્યું. બોસ તરફથી કઇંક મળે તે જ મોટી વાત હતી. આવું મનોમન વિચારીને હું પરાણે ખુશ થતા ખુરશીમાં બેસવા જતો હતો ત્યાજ પત્નીએ હુકમ છોડ્યો ‘આ માછલીઘરને રાખવાની વ્યવસ્થા કરો, આમ રૂમની વચ્ચે છોકરાઓ ફોડી નાખશે.’

‘હા’, કહેતા હું તરત ઉભો થયો, ને ઘરમાં આમતેમ નજર દોડાવા લાગ્યો, પત્નીના સલાહસૂચન, બાળકોની ધમાલને અંતે રૂમના ખૂણાની જગ્યા પસંદ કરવામાં આવી, પણ એ જગ્યાએ ‘ગીફ્ટ’ મૂકવા માટે બીજી ઘણી ચીજોનું સ્થાનફેર કરવું પડ્યું, માછલીઘરને ખૂણામાં રાખવા માટે મારબલનો પીસ, બાળકો અને પત્નીની ફરમાઈશને કારણે માછલીઘરની લાઈટ અને બીજી ડેકોરેશનની ચીજવસ્તુઓ, માછલીના ખોરાકનું પાઉચ વગેરેનો ખર્ચો મારા ખીસ્સા પર પડ્યો. એ આયોજન અને મથામણમાં મારી સાંજ પસાર થઇ ગઈ. આમ સવારે ઓફિસમાં ધડાકા સાથે શરૂ થયેલો મારો જન્મદિવસ સાંજે મારા સુરસુરિયા સાથે પૂરો થયો.

સાહેબે ભેટ આપી એટલે આભાર માનવાનો વિવેક તો આપણે કરવો જ રહ્યો, બીજે દિવસે સવારે જ બોસ ઓફિસમાં આવ્યા કે તરત જ હું તેમની કેબિનમાં આભાર માનવા ચાલ્યો ગયો. મને આવેલો જોઈ બોસ થોડા અસ્વસ્થ થયા હોય એવું મને લાગ્યું પણ પછી તરત મને સ્માઈલ આપી. જેમ તેમ આભાર માની હું કેબિનમાંથી બહાર નીકળ્યો ત્યારે બધા સ્ટાફની નજર મારા પર જ મંડાયેલી હતી. મેં એ બધાને સ્માઈલ આપી પણ હું જાણે શ્રીસંત હોવ એમ બધાએ મારાથી નજર ફેરવી લીધી. મારો બોસ તો તીર છોડીને છૂટી ગયો પણ હું અટાઈ ગયો. જેમ તેમ હું મારા ટેબલે આવ્યો અને કામમાં પરોવાયો.

એક બે દિવસો તો ઠીક પસાર થયા, પણ ત્રીજા દિવસે ઓફિસથી આવતા જ પત્નીએ મને ઉપાડ્યો ‘આ માછલીઘરમાંથી દુર્ગંધ આવે છે’ હું માછલીઘર પાસે ગયો, ખરેખર વાસ આવતી હતી, પાણી પણ એકદમ ડહોળું થઇ ગયું હતું. માછલીઓ પણ મુશ્કેલીથી દેખાતી હતી. ‘પપ્પા આનું પાણી એક બે દિવસે બદલવું પડે’ મારી પુત્રીએ ક્યાંકથી સાંભળેલી વાત મને સંભળાવી. મેં પત્ની સામે જોતા કહ્યું ‘પાણી બદલાવી નાખ.’ પત્ની છણકો કરતા બોલી ’નાં હો, હું ના કરું, તમારી ગીફ્ટ છે તમે કરો, આ માછલીઓ ખાય પણ એમાં અને બીજી જીવનજરૂરી ક્રિયાઓ પણ એમાં જ કરે, એવા ગંદા પાણીમાં હું હાથ ન નાખું’ મેં બાળકો સામે જોયું, તેઓ પોતાના હાથ વડે નાક દબાવવાની ચેષ્ટા કરતા દૂર ચાલ્યા ગયા. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એટલે નાં છૂટકે સાવચેતીથી માછલીઘર ઉપાડી, બેલેન્સ કરતો હું ડેલીમાં ગયો, જાણે કોઈ જાદુનો ખેલ હોય તેમ પત્ની અને બાળકો મારી પાછળ ચાલ્યા. મેં હળવેકથી માછલીઘર નીચે મૂક્યું. સૌથી પહેલા તો એક નાના વાસણથી પાણી ઉલેચવાનું ચાલુ કર્યું, અર્ધા ઉપરાંતનું પાણી ખાલી કરી નાખ્યું. હવે માછલીઓને બહાર કાઢીને ડોલમાં રાખવાની હતી, પણ ભૂતકાળમાં આપણને માછલી પકડવાનો કોઈ અનુભવ નહિ, માછલી પકડવાનું માત્ર ફિલ્મો અને ટીવીમાં જોયેલું, કોઈ પ્રત્યક્ષ અનુભવ નહિ, મેં પ્રથમ તો નાના ડબલાથી માછલી પકડવાની કોશિશ કરી, પણ માછલીઓ ચતુર અને ચપળ નીકળી, માછલીઘરના એક ખૂણામાંથી બીજા ખૂણામાં વિજળીવેગે નાશી જાય. માછલીઓને હાથ વડે પકડવાની આવડત પણ નહિ. માછલી પકડવા અનેક પ્રકારની રીતરસમ અજમાવી પણ હું નિષ્ફળ રહ્યો. પત્ની અને બાળકોએ આ જાદુનો ખેલ જોતા જોતા પોતાના સલાહસૂચનનો મારો ચાલુ રાખ્યો હતો, પણ માછલીઓ જાણે ‘તમ સમીપે નહિ આવું’ એવી સ્ત્રીહઠ લઈને બેઠી હોય તેમ મારી પકડમાં આવતી ન હતી. આખરે મેં કંટાળીને પાછું પાણી ઉલેચવાનું ચાલુ કર્યું, સારા પ્રમાણમાં પાણી ઉલેચી નાખ્યું. હવે કદાચ માછલીઓને પણ લાગ્યું કે વધારે ભાગમભાગ કરીશું તો જીવથી જશું, એટલે એક પછી એક એમ બધી માછલીઓ મારી પકડમાં આવી ગઈ. માછલીઓને ડોલમાં નાખીને હું માછલીઘર સાફ કરવા લાગ્યો, ભૂતકાળમાં વાસણ, કપડા ધોવાનો અલ્પ અનુભવ અહી કામ આવ્યો. આખરે અરધા પોણા કલાકની મહેનત મજૂરી પછી માછલીઘરમાં હું નવું અને ચમકતું પાણી ભરી લાવ્યો, માછલીઓને નવા પાણીમાં તરતી જોઈને મને આનંદ થયો, સાથે એ જ્ઞાન પણ થયું કે આ કાર્ય વિકટ છે અને આપણે કરવા યોગ્ય નથી.

માછલીઘરની સફાઈ થઇ જતા મને હાશ થઇ, પણ આ હાશ છાશ જેવી ખાટી થઇ ગઈ, કારણ બે ત્રણ દિવસમાં જ માછલીઘરનું પાણી પાછું ગંદુ અને દુર્ગંધ મારતું થઇ ગયું. વળી પાછો એજ સિલસિલો ચાલુ થયો. ગંદુ પાણી, માછલીઓ પકડવી, દુર્ગંધ, સાફસૂફી વગેરે મારે જ કરવાની હતી. હું થાકી ગયો, કંટાળી ગયો. સાથે મોડે મોડે પણ મને મારા બોસની યુક્તિનો ખ્યાલ આવી ગયો. ગીફ્ટના નામ હેઠળ મારા શાણા બોસે પોતાની મુશીબત મારા માથે મારી છે, અને આ ભેટ મારે માટે ભયાનક સાબિત થવાની છે.

મને પટ્ટાવાળા રામજીએ કહેલી વાત યાદ આવી, અમારા બોસના બોસ(સાહેબના પત્ની)ના સ્વભાવને કારણે બોસના ઘરે કોઈ કામવાળો ટકતો નહિ, એટલે મને ખ્યાલ આવી ગયો આ માછલીઘર મારા બોસને જ સાફ કરવું પડતું હશે તેથી કંટાળીને આ માછલીઘર મારા ગળે વળગાવી દીધું. હું મૂર્ખ બન્યો હતો, મારા બોસને આખી ઓફિસમાં સૌથી બાઘો અને બબૂચક હું જ લાગ્યો હોઈશ તેથી જ મારી પર એ મોરલો કળા કરી ગયો.

પણ હવે શું થાય ! મારા બોસે ભારે બુદ્ધિ વાપરીને મને આ મુશીબત પરણાવી ગયો, બોસની આ ભેટ ઘરમાં મને શાંતિથી જંપવા દેતી નહિ અને ઓફિસમાં બધા મિત્રો મારાથી અંતર રાખવા માંડ્યા હતા, પંદર દિવસમાં તો હું ગોઠણીયે આવી ગયો, ત્રાસી ગયો. હવે આ પરિસ્થિતિમાં વધારે રહેવું મારે માટે શક્ય ન હતું, હું આ મુશીબતથી છુટવાના રસ્તાઓ વિચારવા માંડ્યો. બે દિવસના અત્યંત ગંભીરતાપૂવર્કના વિચારને અંતે મને રસ્તો જડી ગયો, હું અમારા પટ્ટાવાળા રામજીના જન્મદિવસની તારીખ શોધવા લાગ્યો...