વોઈસલેસ વેદશાખા ૧૩
પૂજન ખખ્ખર
13. મિશન ટેન વીથ થ્રી ઝિરોઝ..
"વેદાંત, જો તારે વ્યવસ્થિત કામ કરવું હોય તો પાંચ દિવસમાં મારે પૈસા જોઈએ." અડધી રાત્રે આ વિચાર આવતાં જ વેદાંત ઊઠી જાય છે. થોડાં સમય પહેલાં આવેલો સાહેબનો એ ફોન તેને હચમચાવી ગયો હતો. તેને ભાન થાય છે કે તે વિચારમાંને વિચારમાં જ બેઠા-બેઠા લાઈટ બંધ કર્યા વગર ઊંઘી ગયો હતો. બાજુમાં રહેલા કાગળો સરખા કરે છે. ખૂલી રહેલી બારી અને દારૂડિયાને જોઈને ખુમારી અપાવતો એ વિચાર થોડો ડગ્યો હોય એમ એને લાગે છે. તે સતત વિચારે છે કે કાલે સવારે ઊઠીને તે શું કરશે? દિવસની શરૂઆતમાં કામ કેમ શોધશે? તેને કોઈ કામ આપશે? એવી કઈ રીત છે કે જેનાથી ઓછા સમયમાં વધુ પૈસા મળી શકે? 'પૈસા તો વૈશ્યાઓ પણ કમાય..પૈસા નહિં પરસેવો પાડ..' તેને ફરી પોતાના સાહેબની વાત યાદ આવે છે.
જો હું પરસેવો પાડું તો મને ધાર્યા પૈસા ના મળે! સાહેબ શું કહેવા માંગે છે? કંઈ સમજાતું નથી. શું હું મમ્મી પાસેથી માંગીને સરળતાથી પૈસા ના મેળવી શકુ?" બારીને બંધ કરતાં જ વેદાંતને પોતાની અંદરથી અવાજ આવે છે. "ક્યાં સુધી વેદાંત..ક્યાં સુધી બધા પાસેથી માંગતો ફરીશ? શું તારામાં કંઈ વિશેષ નથી? પણ વિશેષ છે એટલે તો આ કામ કરૂં છુ." વિચારો પણ સામસામા અથડાય છે. એક વિચાર બીજા નવા વિચારને ઉદ્ભવવામાં ફાળો આપે છે. અંતમાં વેદાંત કાલે સવારે જે થશે તે જોયું જશેની ભાવના સાથે લાઈટની સ્વીચ પાડી દે છે.
ખીલતાં આકાશની સાથે જ વેદાંત તૈયાર થઈને બહાર નીકળી ગયો. પોતાના પર ભરોસો ને ઈશ્વર પર શ્રધ્ધા રાખીને ચાલનારો વેદાંત અત્યારે કંઈપણ વિચાર્યા વગર રસ્તા પર નીકળી પડ્યો હતો. તેનો બહારની દુનિયા સાથેનો અનુભવ નહિંવત હતો. તેની ચાલવાની ઝડપ બીજા કરતાં લગભગ બમણી હતી. ચડતો હાંફ અને 'કામ કેવી કઈ રીતે કરીશ?' એનો થડકો માત્રએ તેને નજીકમાં રહેલા બાંકડા પર બેસવા મજબૂર કર્યો.
'શું હું આ સાચું કરૂં છુ? કોઈપણ જગ્યાએ કામ કરવા માટે મને એક મહિનો ત્યાં રહેવું પડશે. મને સાહેબે "પાંચ દિવસમાં પૈસા જોઈએ" એમ કહેલું છે. હવે મારે એવી જ જગ્યાઓ શોધવી જોઈએ જે મને પાંચ દિવસમાં દસ હજાર રૂપીયા આપે. એટલે કે એક દિવસના બે હજાર! શું છે મારી આવડત? હું શું કરૂં તો મને દિવસ લેખે બે હજાર રૂપીયા મળે? મમ્મી આખો મહિનો કામ કરે છે ને તેને આઠ હજાર મળે છે. મારે દિવસના બે હજાર કમાવવાના છે! શું કરવુ?'
પરસેવાથી રેબઝેબ વેદાંત ચીર ઝડપે પોતાનું મગજ દોડાવવા લાગ્યો. પવનની લહેરકી પડતાં તેની નજર નીચે એક ચોપાનિયું આવ્યુ. તેને વિચાર આવી ગયો. તેને તરત જ છાંપાવાળાં પાસે જવાનું નક્કી કર્યુ. એક ભાઈને ત્યાં જોઈને તેને મેસેજમાં ટાઈપ કરીને સમજાવ્યુ. "હું આ ચોપાનિયાં વેંચુ તો કેટલા પૈસા મળે?" "૧૦૦ રૂપીયા આપીશ જો આ હજાર વેંચી નાખીશ તો!" "૨૫૦ રૂપીયા આપી શકશો?" "એક તો મૂંગો છે ને એમાંય પાછાં તાગડધિન્ના! ચાલ ભાગ!"
વેદાંતનો ચહેરો પડી ગયો. તેને લાગણીસભર ઘરની સામે હકીકતની દુનિયા વચ્ચેનો ભેદ સમજાવા લાગ્યો હતો. રસ્તામાં તેને કરિયાણાંની દુકાનમાં ભાવ પૂછ્યો. તેને મહિનાના ૬૫૦૦ રૂપીયા કહ્યુ. સાઈકલથી માંડીને તે સમાચારપત્ર સુધી તે આવક માટે તૂટી પડ્યો. કોઈપણ જગ્યા તેને દસ હજાર દેવા તૈયાર નહતુ. તડકો માથે આવ્યો ત્યાં સુધી એને એકપણ કામ નહોતું મળ્યુ. સાડા ચાર દિવસ જેટલો સમય હવે તેના ગજવામાં હતો. તેને પોતાના મનમાં અહેસાસ થયો કે "શું હું કંઈ જ નથી? જો મને કંઈ જ ના આવડતું હોય તો ઘરમાં હું શું કરી રહ્યો છુ? મારા હાથમાં કંઈ જ નથી?"
'બધુ જ તમારા હાથમાં છે. એક જાત પ્રત્યે મહેનત કરીશ એવો દ્રઢ નિર્ણય જોઈએ ને એ ઊપરવાળા પ્રત્યે શ્રધ્ધા!' પોતાના શિક્ષકની લાઈન યાદ આવી ગઈ. તે કોઈપણ રીતે તેના મગજના વિચારોને મનની સાથે સાંકળવા માંગતો હતો. તેને જે જોઈતું હતુ તે તેની પાસે હતુ, જીવનની કંઈ એવી ખોટ ના સર્જાતા જ તેને કામ નહોતું મળતુ. તેને મન ખબર હતી કે આમ બેઠા રહીને કામ નહિં મળે. શું એવું હતુ જે તેને ઊભા થવા માટે રોકતું હતુ? એવી કઈ પ્રવૃત્તિ હતી જે તેને કરવી હતી પણ થતી ના હતી? તેને મન વાંચેલું બધુ જ યાદ આવતું હતુ પણ તે તેને રોજીંદા કાર્યમાં અજમાવી કેમ નહોતો શકતો? એક ડગલું લેતાં તે ડરતો હતો કે પછી કોઈ સામાન્ય કામ કરવામાં તેને કોઈ આડે આવતું હતુ? અત્યાર સુધીના બધા જ નુસ્ખા તે અપનાવી ચૂક્યો હતો. યુવાનીનો જોરદાર જુસ્સો તેની પાસે હતો. પૈસા કમાવવાની લાલસા હતી. કાગળ ઉપર તે મિશનને ઉતારી ચૂક્યો હતો. પોતે પૈસા માટે ગમે તે કરી શકવા સક્ષમ હતો. આ બધુ હોવા છતાં શું કરવાથી પૈસા મળશે એ ઉકેલ હજુ તેને મળ્યો ના હતો.
વેદાંતના ચહેરા સમક્ષ અઢળક પ્રશ્નો હતા. લાલ થયેલી આંખો, અનિમેષ ચહેરો, બંધ મુઠ્ઠી ને અસમંજસ પરિસ્થિતિના અઢળક વિચારો! ૧૭ વર્ષની ઊંમરમાં તેની સમક્ષ આવું પહેલી વખત થયુ હતુ. 'આપણાં જીવનમાં માં-બાપ પછી જો કોઈનું સ્થાન છે તો એ છે ગુરૂ! તે આપણને સબક શીખવવા ઘણી રીતે પ્રયત્ન કરે છે. તેના એ પ્રયત્નો જીવનમાં એક અલગ અનુભવ અપાવે છે. ઘણી વખત તો જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન આવે છે. તમે જેટલાં હકારાત્મક વલણથી તેને અપનાવશો તેટલો જ ફાયદો તમને થશે.' આવા અવનવાં શિક્ષકે કહેલા ને શાળામાં શીખવાડેલાં સૂત્રો વેદાંતને યાદ આવવા લાગ્યો. તે મોબાઈલમાં લખીને એકબીજાને સાંકળવા પ્રયત્ન કરતો હતો. કદાચ કોઈ કામ મળી જાય! 'જે વસ્તુને તમે તમારી ખામી માનો છો મુસીબતના સમયમાં એને દૂર કરતાં ફાવી જાય તો એ જ તમારી તાકાત બની શકે છે.' વેદાંતે આ સૂત્રને પહેલાં સૂત્ર સાથે સાંકળ્યુને વિચારશીલ વેદાંતે સાહેબ જે સ્કૂલમાં ભણાવે છે ત્યાં મૂંગાઓને ભણાવવાનો નિર્ણય કર્યો. તેને મન પાંચ દિવસમાં કમાવવું અશક્ય હતુ. તે એ બાજુથી હારી ગયો હતો. આ નવો વિચારે તેને ચહેરા પર હલકું સ્મિત આપ્યું હતુ.
"શું હું અહિં નોકરી કરી શકું?" ઈશારાથી સમજાવતો વેદાંત સાહેબને આજીજી કરે છે.
તેના અવઢવની પરિસ્થિતિ સમજી ગયા.
"વેદાંત, હું તને એ જ સમજાવવા માગતો હતો કે શું કામ તુ તારો સમય ને સમજને વેડફે છે? એમ પૈસા કમાવવા સહેલાં નથી. દરેક ફળને જેમ પકવવા માટે સમય આપવો પડે તો જ તેની મીઠાશ અને જરૂરી તેમાંથી મળતું પોષણ મળે. એવી જ રીતે પૈસા કમાવવા પણ પ્રયત્ન રૂપી ઝઝૂમવું પડે. ધક્કા ખાવા પડે ને ધૈર્ય રાખવું પડે."
વેદાંતનો ચહેરો શરમથી ઝૂકી ગયો. પોતાના દ્વારા થતી સમય વેડફવાની ભૂલ તે બરોબર સમજતો હતો. તેને ધારણાં પ્રમાણે તે ગમે તેટલું કરે પણ તેને હકીકતમાં પાર પાડી શકતો ન હતો. 'યુવા હ્રદય પણ કોઈ ધારદાર વાત પડે તો તેની અસર છેક ઊંડે સુધી પડે છે' એવું એના સાહેબ સચોટપણે માનતા હતા. તેને ખબર હતી કે આ પેઢી છે જેને તમે સમય આપશો તો તે કામ નહિં કરે. આ પેઢી ડેડલાઈન પર કામ કરનારી પેઢી છે. દબાણ અમુક સમયે આવશ્યક છે. તેને એવા એક માર્ગદર્શનની જરૂર છે કે જેનાથી તે છકી પણ ના જાય ને ડરી પણ ના જાય. "જોઈએ..ક્યારેક તો વિદ્યાર્થી અવસ્થામાં ઠપકાઓ અને નિષ્ફળતાઓ જોઈએ.." સાહેબ આવું મનોમન બોલી ગયા. પ્રથમ દિવસથી જ વેદાંતની નૈતિકતા, પ્રામાણિકતા, નિખાલસતા અને કામ કરવાની ધગશને સાહેબ ઓળખી ગયા હતા. તે સહજ રીતે સમજાવતા હતા કે યુવાનીમાં કામમાં જરાક સફળતા મળે કે પોતે બહુ જ મોટા હોય એવી ભાવના આવે છે પરંતુ તે આપણી મહાનતા નથી એવું આ પ્રયોગ દ્વારા એમને સમજાવ્યુ.
તે સાહેબના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરતો હતો. તેના શબ્દો પરથી તેને ખાસ લાગતું હતુ કે હવે તેને એવું કંઈક પણ બાજુમાં રાખવું જોઈએ કે જેનાથી જો આ સફળ ના જાય તો પછી શું? તદુપરાંત બધા કામના બીજા પાસાઓને વિચારી નિર્ણયો કરવા જોઈએ. ભરતીની સાથે ઓટ આવશે ત્યારે શું? આ વિચારની સમૃધ્ધિ લાવવામાં તેઓ સફળ થયા હતા. તે સાહેબના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરતો હતો. તેના શબ્દો પરથી તેને ખાસ લાગતું હતુ કે હવે તેને એવું કંઈક પણ બાજુમાં રાખવું જોઈએ કે જેનાથી જો આ સફળ ના જાય તો પછી શું? તદુપરાંત બધા કામના બીજા પાસાઓને વિચારી નિર્ણયો કરવા જોઈએ. ભરતીની સાથે ઓટ આવશે ત્યારે શું? આ વિચારની સમૃધ્ધિ લાવવામાં સાહેબ સફળ થયા હતા. વેદાંત જે રસ્તે પોતાના ઘરે પરત જતો હતો ત્યાં તેને એક બોર્ડ વાંચ્યુ. 'કલર કરનારની તત્કાલમાં જરૂર!' વેદાંતે પણ એક બુક ખરીદી..તેમાં લખ્યુ..'પૈસાની તત્કાલ જરૂર!' આ લઈ તે ભઠ્ઠીના દુકાન માલિક પાસે ગયો.
"જો..તુ આ એક નંગને લીલો કલર કરી દે તો તને પચ્ચીસ પૈસા આપીશ. આવા વીસ હજાર નંગ છે. પાંચ દિવસનો સમય છે જો તુ કરી આપ તો બોનસ આપીશ..પચ્ચીસો બીજા! કામ પાછલી શેરીમાં આવેલા કારખાનામાં કરવાનું રહેશે. બે-ત્રણ ચા મળી રહેશે. આ કામ પછી જો તારે રહેવું હોય તો મહિનાના સાત હજાર..આ તો ઓર્ડરને મોકલાવાનો છે ને ઝૂબાન આપી છે માટે! તારા વેશ પ્રમાણે તને જરૂર પણ છે." વેદાંતની લાલ આંખો ને મેલા થયેલા કપડાંને જોઈને કલર કરવાના નંગને દેખાડતા તે દુકાનનો માલિક બોલ્યો.
કંઈપણ વિચાર્યા વગર સાડાસાત હજાર પાંચ દિવસમાં મળવાની ઝંખનાએ વેદાંતે હા પાડી. પહેર્યા કપડાં સાથે તે કલર કરવા બેસી ગયો. દોઢેક કલાક બરાબર કામ ચાલ્યુ. નજીકમાં રહેલી ભઠ્ઠી અને પ્રથમ વખત શારીરીક પરિશ્રમથી વળતો પરસેવો વેદાંતે લૂછ્યો.
બપોર પડતાં વેદાંત જમવાના બહાને નીકળી જાય છે. તે તેના સાહેબની સ્કૂલમાં પહોંચીને તેને ફરી બોલાવે છે. આંખમાંના આંસુઓ જ સાહેબને સમજાવી જાય છે કે વેદાંતને સમજણ પડી ગઈ છે. તે જેટલું ધારે છે એટલું સહેલું આ કામ નથી. તેને મન યુવાનીમાં પણ જવાબદારીનું ભાન સમજાય છે.
"કંઈ વાંધો નહિં.. એક મહિનો ખમી જા..પછી દસ હજાર આવી જશે. બાકી, ઘણું કામ છે તે પૂરું કર."
આંખો લૂછીને વેદાંત સાહેબને પગે લાગે છે. બંને બાવડાંથી ઊભો કરતા સાહેબને વેદાંતની સમજદારી માટે ગર્વ થાય છે. "તુ તારી મજબૂરીને આવડત બનાવ..મૂંગાઓની શાળામાં ટ્રાન્સલેટર બની જા. તારે બોલતી ભાષાને મૂક ભાષામાં રજૂ કરવાની. આ એ આવડત થશે જે તારી પાસેથી કોઈ ઝૂંટવી નહિં શકે.”
'કાલથી જ ક્યાંક જોડાઈ જઈશ' એવી બાહેંધારી આપીને વેદાંત ત્યાંથી નીકળે છે.
ગુરૂ-શિષ્ય બંનેને એકબીજા પ્રત્યે માન થવાની લાગણી સ્પષ્ટ છે. હવે વેદાંતની સાચી પરિક્ષાઓની શરૂઆત થશે..પોતાના સપના પ્રત્યેની સાચી મહેનત ને વિશાખા સાથે સંબંધોની જાળવણી..વિશાખાનાને પરિક્ષા હોવાથી આ અઠવાડિયુ તો એમનેમ જ નીકળી જશે.