Voiceless Vedshakha - 5 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા - 5

વોઈસલેસ વેદશાખા ૫

પૂજન ખખ્ખર

૫. પ્લેટીનમ પાર્ટી

ગઈકાલની એન્ટિરેગિંગ એક્ટની સફળતાએ આજે બધાને એલાર્મ વગર જ ઊઠાડી દિધા. કૉલેજ જવાનો આજનો ઉત્સાહ જ કંઈક અલગ હતો. પોતાના ક્લાસમાં થનારું આગમન આજે કેવું હશે તેના તુક્કાઓ મગજમાં લાગતા હતા. બરાબર ૭ઃ૩૦ વાગ્યે બંને બહેનપણીઓ ક્લાસમાં પહોંચી. હજુ તો ડગલું માંડ્યુ ત્યાં જ ક્લાસમાં રહેલા શિક્ષકે તેમનું સન્માન કર્યું. ક્લાસમાં તાળીઓનો ગડગડાટ તો "લેડી સિંઘમ"ના બિરુદ પણ મળ્યા. આ જોઈ વિશાખા એકદમ જ ખુશ હતી. તેમની ટોળકીની બીજી ચાર છોકરીઓ બેન્ચ પાસે તેમની રાહ જોઈ રહી હતી.

"આઈ હાઈ.. મારી ઝાંસીની રાણી.. ચખાવી દિધીને સિનિયરોને આપણી ચમાટ.."

"કુછ ભી કરને કા લેકિન વિશાખા ઑર ઉસકે ગૃપ કો નહિં છેડને કા.."

નિયતિ, પ્રિયંકાની સાથે આખા ગૃપે તેની પીઠ થબથબાવી. કૉલેજમાં જો તમે કોઈ એક સારું કામ કરો તો આખી જીંદગી તે યાદ રહી જાય છે. કદાચ, અત્યારે ભલે આની મજા થોડા દિવસો કે કલાકોની હોય પણ વર્ષો પછી જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે આવા જ કિસ્સાઓ યાદ રહે છે. આજે તો ડબલ ખુશી હતી. એક તો વિશાખાની જીત અને બીજું નિયતિના પપ્પા પોતે જે સંસ્થામાં કામ કરી રહ્યા હતા તેમાં ચેરમેન પદે નિમણૂંક થયા હતા. કૉલેજમાં દરેક ખુશીની ઉજવણી હોય છે. અહિં તો પાસ થવાની પણ પાર્ટી હોય તો વળી, નાપાસ થયા હોય તો દુઃખ માટેની પાર્ટી. સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા પહેલા રિલેક્સ થવાની પાર્ટી તો પરીક્ષા પૂરી થયા પછીની પણ પાર્ટી. હવે બર્થડેનું તો કહેવું જ શું! બન્ક્સથી થતી ખુશી અને તે સમય દરમિયાન મિત્રોનો ગાળેલો સમય કૉલેજ કાળનો સુવર્ણ કાળ કહેવાય છે. આ એવા દિવસો છે જે કદી પાછા આવવાના નથી. જો તમે આજે એને નહિં માણો તો કદાચ જીંદગીમાં ક્યારેક કોઈ દિવસ તમને એનો અપસોસ રહેશે.

"ચલો યાર આજે હવે લાસ્ટ બે લેક્ચર્સ બન્ક.."

"હા..યાર હવે આ બ્રેક પછી નહિં જવું ક્લાસમાં..બોર થઈ ચૂક્યા છીએ.. છેલ્લા કેટલાક દિવસોથી એકભી બન્ક નહિં માર્યો."

"ના..હવે ચલો ને બે જ લેક્ચર્સ છે ભરી લઈએ.."

"વિશાખા.. તુ જ હવે આ પ્રિયંકાને સમજાવ.."

"અબે ડાર્લિંગ ચલને.. નિયતિને નહિં તો ખોટું લાગશે એના પપ્પા ચેરમેન થયા છે ને આપણે બન્ક નહિં મારીએ તો.."

"અચ્છા! ત્યાં તો આપણે સાંજે પાર્ટીમાં જવાનું જ છે ને..તુ ચલ અત્યારે લેક્ચરમાં.. ૫ મિનિટ છે બ્રેક પૂરી થવાને.."

"અમે ૫ નહિં આવીએ..તુ જા..એકલી.." નિયતિએ વટથી કહ્યું.

"સારું.. ચલો ક્યાં નાસ્તો કરીશુ?"

પ્રિયંકાના આ પ્રશ્નોથી બધા ખિલખિલાટ હસી પડ્યા. બધી જ કૉલેજના ગૃપમાં કોઈને કોઈ આવા વિદ્યાર્થીઓ હોય છે જેને ખેંચીને તેના મિત્રો લઈ જાય છે. ક્યારેક બન્ક મારીને લવ ગાર્ડનની લટાર મારવા તો ક્યારેક નાસ્તા માટે. બાકી મુવી તો છે જ! હસ્તી રમતી ત્રણ સ્કૂટરમાં ગાડી ચાલી પ્રસિધ્ધ હરિ ઓમમાં બટેટા પૌવા ખાવા. હરિઓમના બટેટા પૌવા.. યુવાનોથી લઈને નોકરિયાત લોકોનો સૌથી પ્રિય નાસ્તો. અહિં સસ્તુ, સારું અને તાજું ખાવાનું મળતું હતુ. આ બટેટા પૌવાથી લઈને ખાસ્તા કચોરી તો વળી સમોસા કટકા પણ મળે. એમાં પણ જૈન આઈટમો ખરી. સવારના નાસ્તા માટે કૉલેજિયનોથી લઈને વયોવૃધ્ધની પ્રિય જગ્યાઓમાંની એક હતી. મુખ્ય રોડ પર આવેલી માણસોથી ભરપૂર એવી આ જ્ગ્યામાં છ છોકરીઓનું ટોળું પહોંચ્યુ.

સ્કૂટર પાર્ક કરીને નિયતિએ વિશાખા, પ્રિયંકા, જ્હાન્વી, ઈશા, હિરવાને સંબોધીને પૂછ્યુ.

"શું ખાસો મારી..જાનેમનો..?"

બટેટાપૌવા અને ખાસ્તા કચોરીની માંગો આવી. નિયતિએ પૈસા ચૂકવીને ટોકન લીધા. ૫ થી ૭ મિનિટોમાં બધાના હાથમાં પ્લેટો હતી.

"અરે..નિયતિ તારા પપ્પાને અમારા વતી શુભકામનાઓ આપજે.."

"હા..હો.."

"પણ ઈશા, હિરવા તમે એમ તો કહો તેના પપ્પા કઈ જગ્યાએ ચેરમેન બન્યા?"

"અરે.. વિશાખા હું પણ ક્યાં તારી જેમ રાજકોટની છવ તો મને ખબર હોય!"

"હિરવા, હવે તો તુ જ કહે.."

"એમાં એવું છે ને વિશ.. કે એના પપ્પા એક એન.જી.ઓ. સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાંથી એક બહેરા-મૂંગાની શાળા પણ છે. જે શાળામાં નિયતિના પપ્પા હવે સેવામાંથી ચેરમેન પદ પર આવશે."

"વાહ.. આ બટેટા પૌવા.. અંકલને નામ.."

"અને આ ખાસ્તા કચોરી પણ.."

બધા ખિલખિલાટ હસતા-બોલતાં નાસ્તો કરી રહ્યા હતા.

"નાઉ.. વન મિનિટ સાઈલન્સ.. હું તમને કંઈક કહેવા માગું છું." નિયતિએ બધાને આમ હાથથી દૂર કરી ગોળ બનાવી અને વચ્ચે આવીને કહ્યુ.

"બોલો..રાણીસાહેબા.." વિશાખાએ નિયતિને સંબોધીને પોતે દાસી હોય એમ કહ્યું.

"આજે રાત્રે બરાબર..૭ઃ૦૦ વાગ્યે..મળીએ.. હૉટેલ પ્લેટીનમમાં.

"અરે..વાહ!"

"હા, હેન્ડસમ હન્કથી લઈને સેક્સી છોકરાઓ તો વળી, અતિથિ વિશેષ એવા મારા પપ્પા ને લાજવાબ તેમજ ચટાકેદાર જમવાનું તો ખરું જ.."

"ચાલો..ચાલો.. હજુ તો માથું ધોવાનું છે ને ક્યા કપડાં પહેરવા એ પણ વિચારવાનું છે.. નિયતિ તુ તો પાર્લરમાં જ ને??"

"હાવ.. આપણે તો બુકિંગ છે જ.."

"તો મળીએ ત્યારે..."

એકબીજાને બાય કહેતા બધા ત્યાંથી નીકળ્યા. કોઈને સૂવાનું બાકી હતુ તો કોઈને હેર વોશ તો કોઈને હોમવર્ક. રૂમવાળા રૂમમાં અને ઘરવાળા ઘરે પહોંચી ગયા. આજે તો કંઈક અલગ જ મજા આવવાની હતી. કૉલેજ આવ્યા પછી પ્રથમ વખત વિશાખાના મમ્મી-પપ્પાને મળવાનું હતુ. તો ઘણાને મોટી હૉટેલમાં જવાનો ઉત્સાહ હતો. મોઢું, માથું ને મેક-અપમાં જ સાંજ ક્યાં પડી ગઈ એ ખબર ના પડી. વોટ્સએપ ગૃપમાં નિયતિએ મેસેજ કર્યો.

"આર ઑલ ગર્લ્સ રેડી???"

"યુપ..બેબી.." હિરવાએ રિપ્લાય આપ્યો.

"વિશાખા એન્ડ કંપની તમને મારી કાર તેડવા આવી જશે. હોસ્ટેલની પરવાનગી તો લઈ જ લીધી હશે."

"હા.. મોકલી દે.. અમે તૈયાર જ છીએ.."

હૉસ્ટેલના નિયમ મુજબ તેને અહિંથી બહારે જવા માટે પરવાનગી તેમજ ઘરે વાત કરાવી પડતી હતી. આ બધી ફોર્માલીટી જલ્દિથી પતાવીને તેઓ મુખ્ય ગેઈટ પાસે રાહ જોતા આવી પહોંચ્યા. ગણતરીની મિનિટોમાં ગાડી આવી ગઈ. પિંક વન પીસ અને ગુલાબી ફ્લોર લેન્થનો ડ્રેસમાં સજ્જ આ સુંદરીઓ ઝડપથી જ કારમાં બેસી ગઈ. હિરવા અને ઈશા તો સીધા જ ત્યાં જ્હાન્વી ભેગા પહોંચવાના હતા. નિયતિ પણ તેમના સ્વાગત માટે રેડી હતી.

(સાંજે ૬ઃ૫૦ કલાકે)

શહેરના મુખ્ય રોડની ટચ આવેલી આ હોટેલને બાહ્ય શણગારથી એકદમ સજાવી દિધેલી હતી. પ્રવેશ સાથે જ નિયતિ અને તેના પરિવારનું "વેલકમ ટુ પારેખ પરિવાર" એમ પોસ્ટર રાખેલું હતું. બહાર રાખેલા એક વિશાળ વર્તુળાકાર ગુલાબની પાંદળીઓથી સજ્જ અને વચ્ચે દિવાની જ્યોત ધરાવતો બાઉલ તેમજ ફૂલોથી સજેલા બિંબ વાતાવરણને રાજાશાહી કરતા હતા. નિયતિના મિત્રમંડળનો જેવો પ્રવેશ થયો કે વ્હાઈટ કલરના ગાઉન અને મોતીનો હાર પહેરેલી નિયતિ તેમના સ્વાગત માટે દોડતી આવી. રૂમમાં પ્રસરેલી એ અત્તરની ખુશ્બુ અને જાજરમાન કપડામાં રહેલા મહેમાનો આ બંને માણવા અને અનુભવવા લાયક હતા. નીચે પાથરેલી એ વેલવેટ ચટાઈ અને છત પર ચોંટેલા વળાંકવાળી દોરીયુક્ત એ લાલ અને સફેદ હિલિયમના ફુગ્ગા જાણે દુઃખને ઉડાડી વાતાવરણમાં ખુશીને ફેલાવતા હોય એમ લાગતું હતું. સ્ટેજ પર રહેલા એ લાલ અને સફેદ ફુગ્ગાથી બનાવેલ હ્રદયાકાર અને તેની આજુબાજુ રહેલી ફુગ્ગા અને લાઈટો આ ઈવેન્ટને શોભાવી રહી હતી. રૂમની બરોબર વચ્ચે રાખેલ એ ઝુમ્મર એની પ્રકાશરૂપી દિવ્યતા ફેલાવી રહ્યુ હતુ. સફેદ કાપડથી ઢંકાયેલી ને લાલ રિબનથી બંધાયેલી એ ખુરશીઓ હરોળમાં ગોઠવાયેલી હતી.

"ચલો.. હું તમને મારા પપ્પા સાથે પરિચય કરાવું."

"હા.. નિયતિ અમારે પણ ભાવિ પ્રમુખને જોવા છે."

સામેની બાજુ નિયતિના પપ્પા અને તેના મમ્મી કોઈ બીજા મહેમાનો સાથે ફ્રુટપંચ પીણાની લિજ્જ્ત માણી રહ્યા હતા. આવનારા ભવિષ્યમાં તેમનું આ એન.જી.ઓ કેવા કામ કરશે અને ક્યા શિખર પર પહોંચાડવાનો તેમનો અંદાજ છે તેમ તેના વિચારો રજૂ કરતા હતા.કાર્યક્રમના મોટાભાગના મહેમાનો આવી ચૂક્યા હતા. બધા પોતપોતાની રીતે મગ્ન હતા. બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત વાગી રહ્યુ હતુ.

"પપ્પા.."

"હં..દિકા.."

"આ જુઓ..હું તમને નહોતી કહેતી મારી એન્ટી રેગિંગની ટીમ એ.. આ ઈશા..શી ઈસ વિશાખા.. એ પ્રિયંકા..આ જ્હાન્વી અને આ હિરવા.."

"હેલો..અંકલ.."

પરિચય હજુ તો થતો હતો ત્યાં સ્ટેજ પર કોઈએ આવીને આવનારા સૌનું સ્વાગત અને અભિવાદન કર્યુ. આજે સૌ શુંકામ એકઠા થયા છે અને એમની સંસ્થાના નવા પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રભાઈ પારેખને અભિનંદન પાઠવ્યુ. ત્યારબાદ આજના અતિથિ વિશેષ મહેન્દ્રભાઈ અને તેમના પત્નીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા.

"મહેન્દ્રભાઈનું મનપસંદ કામ એટલે પ્રાર્થના. તો મિત્રો ચાલો, આપણે સૌ આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ."

છવાયેલી શાંતિ મહેન્દ્રભાઈની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતાની પહેચાન હતી. પ્રાર્થના બાદ કાર્યક્રમનો દોર શરૂ થયો કે જેમાં અત્યાર સુધીના આ શાળામાં મહેન્દ્રભાઈનો ભોગ, તેની કાર્ય કરવાની ક્ષમતા અને તેના ભાવિ સપનાઓ આ બધુ કહેવામાં આવ્યુ. મહેન્દ્રભાઈએ પોતે પણ એક પ્રભાવિત સ્પીચ આપી. આ સ્પીચમાં માણસનું રોમ રોમ કહી દે કે મારે પણ કંઈક કોઈકના માટે કરવું છે. હા, મારે પણ આવા લોકોની સેવા કરવી છે. હું પણ તેમને આગળ વધારવાનો પ્રયત્ન કરીશ. મારી આવકના ૧૦% તેમને દાન કરીશ. તહેવારોમાં જ્યારે તેમનું કોઈ નહિં હોય ત્યારે તેમની પડખે હું ઉભો રહીશ. શું બહારના ખર્ચા મારાથી ઓછા ના થાય? સરખામણી એ જ સાચુ જીવન? તેમનો કશો વાંક ખરો? તેમને સુખ અને સમૃધ્ધિ મેળવવાનો હક નથી? નવરાશના સમયમાં તેમને મળવું એ મારી નૈતિક ફરજ છે. આવા કેટલાક વિચારોને સ્પષ્ટ કરતી આ ૩-૪ મિનિટની આ સ્પીચ લોકોના હ્રદયને જીતી ગઈ. અંતમાં મહેન્દ્રભાઈએ સૌને પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ બધા આજથી જ લોકોની સેવામાં જોડાશે. આ જ સંસ્થામાં કરવું એવો કોઈ આગ્રહ નથી કે પછી અહિં તેમનો કોઈ નાણાકિય નફો પણ નથી એવી ચોખવટો સાથે તેમને ડાઈસ છોડ્યું.

"નિયતિ, મને પણ આ સેવામાં ભાગ લેવો છે."

"વિશાખા..તુ ભણીશ કે પછી આવું જ બધુ કરીશ?"

"એ ચિંતા હું કરીશ. તુ રહેવા દે."

જમતા જમતા અચાનક વિશાખા તરફથી મળેલો આ જવાબ બધા માટે આશ્ચર્યચકિત હતો.

"ઓકે ઓકે.. કુલ હું પપ્પાને તારા વિશે વાત કરીશ."

"ક્યારે?"

"તુ કહે ત્યારે."

"તો ચાલ અત્યારે.."

"પણ.."

"મારે કશું નથી સાંભળવું તુ અત્યારે જ ચાલ.. મારી વાત કરાવ તારા પપ્પા સાથે.."

"ઑકે.."

નિયતિએ બે-ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ તેના પપ્પા કોઈકની સાથે કામમાં વ્યસ્ત હતા. વિશાખાએ પણ નિયતિને થોડીવાર પછી પણ ચાલશે એમ કહ્યુ. બધાના મોઢા પર હાંશકારો થયો. વાતાવરણ ઠંડુ પડતા બધાએ આઈસ્ક્રીમ ખાવાનું નક્કિ કર્યુ. કુકીઝ એન્ડ ક્રિમ આ આઈસ્ક્રીમ લગભગ આજના લોકોનો મનપસંદમાંનો એક છે.

મહેન્દ્રભાઈને પોતાની તરફ આવતા જોઈને વિશાખા તેની સામે દોડી.

"અંકલ, મને પણ સેવા આપવી છે તમારી શાળામાં.."

"આપ કોણ?"

"પપ્પા.. આ મારી ફ્રેન્ડ વિશાખા. અમે કૉલેજમાં સાથે છીએ."

"ઓહ! ડૉક્ટરી એમને.."

"હા.. અંકલ."

"તમારે સેવા કરવી એ વાત સાચી પણ તમારે તેની ટ્રેઈનિંગ લેવી પડશે."

"સર, બીજો કોઈ ઓપ્શન ખરો?"

"બીજું તો બેટા..ફિલ્ડ વર્ક એટલે કે સેમિનાર્સ એન્ડ લેક્ચર્સ જેવું મળે."

"ના..ના એ તો બધુ બોરીંગ. આમ પણ મારે માર્કેટીંગ નથી કરવું. મારે તો એવા વિદ્યાર્થીઓની મનોદશા જાણવી છે, સમજવી છે. હું તેમને પ્રોત્સાહન આપીશ."

(મહેન્દ્રભાઈ થોડુક હસ્યા. વિશાખાને સમજાણું નહિ.)

"આપ હસો છો?"

"હા.. તે કહ્યું હું એમને પ્રોત્સાહન આપીશ. બેટા, ચારેકોરથી સુખ ભોગવી લેનારા અને સહેજ જ જાતું કરીને તમે કોઈ અંગના ખોડખાપણવાળાને શું પ્રોત્સાહન આપવાના? હવે તમને પાવરબેન્ક વગર ચાલતું નથી. આ તો બેટરી વગરનો મોબાઈલ ચલવવા જેવું થયુ. જીવી શકીશ?"

"પ્રયત્ન કરીશ."

મહેન્દ્રભાઈને આ જવાબ ગમ્યો. ડર્યા વગર ડરનો સામનો કદાચ આજની નવતર પેઢીની દિકરી જ કરી શકે. તેમના મગજમાં બરાબર એક વિચાર જબક્યો.

"જો બેટા, એક અમારી જ સ્કૂલનો તારા જેવડો જ બાળક અહિંથી મહિના પેલા ઘરે ગયો છે. એ બોલી શકતો નથી. ઈશારાઓમાં વાત કરવાનો ચેમ્પિયન છે. ગઈકાલે રાત્રે જ એમના કાકાનો મને ફોન હતો કે એમના મમ્મી ઈશારાઓ સમજતા વાર લાગે છે. તેમજ તેને એક કમ્પ્યૂટરના ટ્યુટરની જરૂર છે."

"ડૉક્ટર થઈને કમ્પ્યૂટર ટ્યુટર?"

"સેવા નિઃસ્વાર્થભાવે આપણા પદને બાજુમાં રાખીને માત્ર આપણા આનંદ માટે કરાય."

"એ બધુ તો ઠીક અંકલ..પણ.."

"પણ બણ નહિં બોલ.. કરવું છે? બાકી, ત્રણ મહિના પછી આવો લેક્ચરરની જોબ ટ્રેઈનિંગ વગર નહિં મળે."

"ડન..હું આ કરીશ."

"વાહ..શું જુસ્સો છે." વિશાખાનો હકારાત્મક જવાબ સાંભળી નિયતિ વચ્ચમાં જ બોલી.

મહેન્દ્રભાઈએ પીઠ થાબડી અને વોટ્સએપ પર નંબર અને સરનામું મળી જશે એમ કહ્યું. તેમજ પોતાની સંસ્થામાં રજિસ્ટ્રેશન કરાવવા કાલે સવારે ઓફિસે આવી જવા સૂચવ્યુ. ધીમે ધીમે સમાચાર બહાર રહેલા ગૃપને મળ્યા.

"બે યાર..તને આટલો ઊભરો શેનો છે સેવાનો?"

"અરે..ઈશા.. વિચાર તારે જીભ નથી. તો શું કરીશ તુ? કઈ રીતે જીવીશ? એમના મમ્મી-પપ્પાની હાલત શું? અરે! પૈસા ભલેને કરોડો હોય પણ બોલવાનું જ નહિં! તારી સામે આવનારા બધા લોકો બોલે છે પણ તુ નહિં બોલી શક. જસ્ટ થીંક યાર.."

"હું તો મરી જ જઉ."

"મારો ય આજ વિચાર હોત હિરવા.. મૈં પણ એટલે જ હા પાડી. સાલી, ખબર તો પડે કે અંગની અગત્યતા કેટલી છે. જીવન શું છે. આપણે એક ફોનથી હજારો રૂપીયા ખાતામાં આવે છે. તેઓ શું કરતા હશે? આ ઉપરાંત રેગ્યુલર જીંદગી શું? તેમનું ભણતર?"

"હા..મારી માં કાલે જોઈ લેજે..બહુ સેન્ટિ નો થા.."

"પણ નિયતિ.."

"ઑય.. એ છોકરો છે કે છોકરી..?" જ્હાન્વીએ નિયતિને પૂછ્યુ.

"એ બૉય છે નામ છે એનું વેદાંત.."

"વાઉ.. વેદાંતના ટ્યુટર વિશાખા મેમ.."

"જ્હાન્વી તુ પણ ને.. એન્ડ હા, એ આપણા જેવડો જ છે. નો મેમ.."

"હાહાહાહાહાહા.."

હસતા રમતા બધા ઘરે અને હૉસ્ટેલે પરત ફરે છે. વિશાખાના મનમાં અઢળક સવાલો આવી ચૂક્યા છે. તેને હવે કાલે સવારની જ રાહ છે. કેવો હશે વેદાંત અને વિશાખાનો મેળાપ? શું વેદાંતને ટ્યુટરમાં વિશાખા ફાવશે? વિશાખાને આ ડૉક્ટરી સિવાયનું કામ આવડશે? કમ્પ્યૂટર શીખવાડતા વિશાખાને શું ફાવશે? જોઈએ આવનારા ભાગોમા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED