વોઈસલેસ વેદશાખા ૬ Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોઈસલેસ વેદશાખા ૬

વોઈસલેસ વેદશાખા ૬

__________________________________________

પૂજન ખખ્ખર

૬. વોઈસલેસ વોર્મઅપ વીથ વીનર વેદાંત

(સવારે ૧૦:૩૦ વાગ્યે)

'ગુડ મોર્નિંગ..ગુડ મોર્નિંગ..ગુડ મોર્નિંગ.. હું છુ આર.જે. કાજલ અને આપ સૌ માણી રહ્યા છો કાજલ કા કમાલ વીથ લોટ્સ ઑફ ધમાલ....' રેડિયોના ગીતો અને પોતાની ધૂનમાં મસ્ત એવો વેદાંત કમ્પ્યૂટરમાં ચેસ રમી રહ્યો હતો. આવનારી આફતોને ભૂલીને તે પોતાના ધ્યેયને સિધ્ધ તો કરીને જ રહેશે એવું મનોમન નક્કી કરી રહ્યો હતો. આ ઘટી ગયેલું વાંચન તેને નબળા અને નકારાત્મક વિચારો તરફ પ્રેરે છે એવું સાફ એને લાગી રહ્યુ હતુ. તે હવેથી નિયમિત વાંચશે. તેની સ્કૂલમાં તેને વાંચનનું મહત્વ સમજાવતા પ્રોફેસરે કહ્યુ હતુ કે 'વાંચન એ જીવનનો એક ભાગ છે. જો આજના ટેકનિકલ યુગમાં વાંચન નહિં રાખીએ તો અર્ધ ભરેલા ઘડા જેવા થઈ જઈશુ. જે સૌથી વધુ અવાજ કરે. કોઈપણ રીતને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે તેને સમજવી પડે તેને જાણવી પડે. વ્યક્તિનું સમજણ જેમ જલ્દિથી ના કરી શકીએ તો કેવી રીતે આપણે કોઈપણ વિચાર વસ્તુ કે પ્રયોગને સમજી શકીએ?' વિચારોમાં લીન અને ભવિષ્યનો પ્લાન મગજમાં ગોઠવનારો વેદાંતનું ધ્યાન ચેસ તથા તેની ગોઠવણમાં પણ છે. તેની આસપાસ પડેલા કાગળોનો થપ્પો અને નજીકમાં રહેલા વાળેલા કાગળના ડુચ્ચા તે શું કરશે અને શું નહિં કરે એ દર્શાવી જતા હતા.

*****

"આવુ આંટી?"

"હા, આવો ને..કોણ?"

"હું વિશાખા. મહેન્દ્રભાઈ પારેખ સાથે વાત થઈ હતી ને!"

"(હા, શૈલેષભાઈ કેતા'તા એ જ હશે.) આવો ને બેન..પણ એણે તો મને કો'ક સાહેબ આવશે એવું કિધું હતુ."

"હા..પણ એ સાહેબ પ્રમુખ બની ગયા."

"તો હવે એણે ભણાવાનું મૂકી દિધુ?"

"હા.."

"તમને જોઈતા લાગતું નથી કે તમે નોકરી કરતા હશો!"

"અંદર આવીને શાંતિથી વાત કરીએ?"

"અરે..લે..હું ય પણ સાવ ગાંડી..તમને આવો તો કહેતા જ ભૂલાઈ ગયુ. માફ કરજો હો બહેન.."

"ઓહ..કમોન આંટી..બહેન નહિં વિશાખા..મારું નામ તમને કહ્યુને એમ વિશાખા. હું તમારા વેદાંતની ટ્યુટર."

"સરસ..સરસ..બેટા. એને એના જેવા કોઈક ટ્યુટર મળશે તો એને વધુ સારી રીતના સમજી શકશે. તમે કમ્પ્યૂટરમાં ભણેલા?"

"ના..ના..હું તો ડૉક્ટર.."

"પણ શૈલેષભાઈ સાથે તો એમ વાત થઈ હતી કે એને કમ્પ્યૂટરના ટ્યુટર આવવાના છે."

"આ વળી શૈલેષભાઈ કોણ?"

"એ બધુ છોડ બેટા.. તુ અંદર જા..વેદાંત તને જોઈ ખૂબ ખુશ થશે. એને કહેજે તારી નવી ટ્યુટર હું જ છુ. ત્યાં હું શૈલેષભાઈ સાથે આ ડોક્ટર ને કમ્પ્યૂટરનો આ લોચો સમજી લઉ."

વિશાખાએ વેદાંતના મમ્મીની પરવાનગી તો લઈ લીધી પણ એક ડર મનમાં અચાનક જ આવી ગયો. અત્યાર સુધીનો આત્મવિશ્વાસ સહેજ માત્રામાં ડગ્યો. કોઈક એવા છોકરાને મળવાનું હતુ જે મસ્તીખોર હશે કે નહિં એ ખબર નથી. તેની સાથે હકીકતમાં મસ્તી કરાશે કે નહિં એ નક્કી નથી. પોતાને જોઈને તેનો અભિગમ કેવો હશે? તે પોતે તેને જોઈને ડઘાઈ તો નહિં જાય ને! કદાચ, ક્યાંક મારાથી કંઈક તેના વિશે ખોટું બોલાય જાશે તો? એ એને સહન તો કરી શકશે ને? એને ક્યાંક મારા પ્રત્યે અણગમો તો નહિં થઈ જાય ને? 'વિશાખા તુ શા માટે આવું નકારાત્મક વિચારે છે?' મને કંઈ જ નહિં થાય. હું તેની સાથે એક સામાન્ય માણસ તરીકે જ વર્તીશ. હું તે વાચાવિહિન છે એવું તેને ફિલ જ નહિં થવા દઉ. મારે એને એક સામાન્ય અને નોર્મલ પર્સન તરીકે જ લેવાનો છે. હું શા માટે એમ વિચારું છું કે એ એબનોર્મલ છે? અંતે તો એ પણ એક મારી જેમ સ્વીટ સિક્સ્ટીન જ છે ને.ચાલો..કંઈક નવું જાણીએ આજે એના વિશે..એની લાઈફ વિશે..આવુ વિચારતા વિચારતા વિશાખા રૂમનો દરવાજો ખખડાવે છે. વિચારોમાં તલ્લીન વેદાંત દરવાજો હળવેકથી ખોલે છે. અંદરનું દ્રશ્ય જોઈને વિશાખાનું મન તેને હજારો સવાલ કરે છે.

"હાય..આઈ એમ યોર ન્યુ ટ્યુટર..વિશાખા..યુ આર વેદાંત રાઈટ?"

વેદાંત હકારમાં માથું ધૂણાવે છે.

સામે રહેલા ડેસ્કટોપ અને વેદાંતની આજુબાજુનું દ્રશ્ય વિશાખાને કંઈક અજુગતુ લાગે છે. કોઈ મોટા પ્રોજેક્ટ પાછળ કામ ચાલી રહ્યુ હોય એવું એને લાગે છે. સવાલોનો સિલસિલો તેના મગજમાં ચાલુ જ રહે છે. એક મૂક છોકરો આટલું બધુ વિચારી શકે? આમ જોવા જઈએ તો કેમ નહિં! મારે આની સાથે વાતો કેમ કરવી? મને તો એક ભી એક્શન પણ નથી આવડતી. હું ટ્યુટર થઈને અહિં આવી છુ પણ આજે પહેલા લેક્ચરમાં શીખવીશ શું? કમ્પ્યૂટરનું કંઈ નૉલેજ છે ખરું મને? અરે યાર!! આ મને પરસેવો કેમ વળે છે? મારે કંઈક અલગ પ્રવૃત્તિ કરવી પડશે.

પોતાની સામે બેઠેલી છોકરીના ચહેરામાં રહેલા એ પ્રસ્વેદના ટીપાં વેદાંતને ઘણું કહી જાય છે. તે મનમાં વિચારે છે. ઊંમરના અનુભવ પ્રમાણે એ પ્રથમવાર કોઈને ભણાવવા આવી હશે. આ છોકરીના જીવનમાં એકપણ જાતની ખોટ નહિં હોય. તે હજુ સુધી કોઈ જ ખોડખાપણવાળા લોકોને મળી નથી. આ પૈસાથી સમૃધ્ધ અને સુખી પરિવારમાંથી આવનારી છોકરી છે. મને ભણાવીને આની કોઈ જરૂરિયાત પૂરી નથી થવાની. આ માત્ર અહિં શોખ માટે જ આવી હોવી જોઈએ. આ માત્ર અહિં મને જોવા આવી છે કે મારી જીંદગી શું છે. આ જો જરા પણ મારી મસ્તી કરશે કે મને જરા પણ અનુભવ થશે તો હું કાકાને કહીને આની બદલી જ કરાવી નાખીશ. ભલે એ દેખાવમાં અત્યાર સુધીની છોકરીઓ જોઈ એમાં સર્વશ્રેષ્ઠ હોય. મને દેખાવનો મોહ હવે રહ્યો નથી. હા, આકર્ષણ આ છોકરી પ્રત્યે આવવું સ્વાભાવિક છે. ઉંમર જ એવી છે તો! એમાં પણ એનો દેખાવ! કંઈ જ બોલતી નથી છતા એના હોઠ મને કંઈ કહી જતા હોય એમ લાગે છે. એના વાળ અને એનું સુદ્રઢ શરીર પરથી એ જરૂર એના પપ્પા પર ગઈ હોય એમ લાગે છે. તેને આગળ રાખેલા આ લાંબા વાળ એની પ્રકૃતિ ક્યાંક દેખાડો કરવાની છે એમ લાગે છે. કેમ કંઈ બોલતી નથી એ? અરે! હું એના આ સ્તબ્ધ ચહેરા વિશે કેમ આટલું વિચારી રહ્યો છું. મમ્મી ક્યાં છે!!

વેદાંત તેના મમ્મીને શોધવા બેઠક રૂમમાં જાય છે. તે આજુબાજુ જુએ છે પણ તેને તેની મમ્મી ક્યાંય દેખાતી નથી. 'હવે હું આ અજાણી છોકરી સાથે શું કરું?' આવા પ્રશ્ન સાથે વેદાંત તેના રૂમમાં પ્રવેશે છે. પોતે કોઈ બીજા ગ્રહમાંથી આવેલો હોય અને તેનું મોઢુ ગાય કે ભેંસ જેવુ હોય એ રીતે વિશાખા તેની સામે જુએ છે. સામે રહેલા ડેસ્કટોપ પર વેદાંત નોટપેડ ખોલે છે અને તેની સાથે વાતો શરૂ કરે છે.

"કેમ આવી રીતે જુઓ છો? હું કંઈક અલગ લાગુ છુ? આપની જેમ માણસ જ છું."

"અરે..સૉરી..આઈ થોટ.."

"વોટ?? પેલા તો સામે જ નેપકીન છે, ચહેરા પરનો પરસેવો લૂછી નાખો."

"ઓહ..હા.."એકદમ જ બેબાકળી થયેલી વિશાખા ચહેરાને સાફ કરે છે.

"હવે શાંત થઈને માણસની જેમ વર્તીને તમે બોલો."

"અરે..એક્ચ્યુલી આઈ થોટ..તમે એકદમ જ કંઈક વિચિત્ર રીતે જીવતા હશો. તમારે બે ટ્રાન્સલેટર હશે. જે અમારી ભાષાને સાઈન લેંગ્વેજમાં કન્વર્ટ કરતા હશે. ને તમે તો અહિં એકદમ જ અમારી જેમ જ રહો છો! અમેઝિંગ રીતે.."

"હાહાહાહાહાહા.."

"આઈ એમ સૉરી..મને નહિં આવડતુ કમ્પ્યૂટરમાં બહુ કંઈ પણ મને તમારી લાઈફ જોવી હતી. તમને ભણાવવા તો કોઈક બીજુ જ આવશે. હું તો માત્ર અહિં જોવા જ આવી હતી."

વેદાંત આ સાંભળી એકદમ જ ચૂપ રહ્યો. તેને આમાં કંઈ બોલવા જેવુ ના લાગ્યુ. સામે વિશાખા એકદમ જ મૂંજાઈ ગઈ. તેને થયુ મૈં કોઈકના હ્રદયને ઠેસ પહોંચાડી. તેને મનોમન નક્કી કર્યુ કે મને જેટલું કમ્પયૂટરનું નૉલેજ છે એટલું તો કમસેકમ મારે શેર કરવું જ જોઈએ. મારાથી કંઈક ખોટું થઈ ગયુ. વેદાંતનો ચહેરો જોઈ તેને ખોટા વિચારો આવવા લાગ્યા. વેદાંતના મમ્મી ક્યાંક ગયા હતા. તે આવશે અને વેદાંતને આ રીતે જોઈશે તો તેમના પર શું વિતશે? 'તેના મમ્મી મને માફ નહિં કરે તો?' વિશાખાએ બોલવાનું ચાલુ કર્યુ.

"જુઓ હું મને જેટલું આવડે એ તમને શીખવી આપુ.."

"આ મારો ફોન..હવે તમને ઈન્ટરનેટની માહિતી તો છે જ. તો તમારે કંઈ નથી કરવાનુ બસ..લાગી જવાનું છે કંઈક ને કંઈક શોધવા..તમને ગુગલ અને એની માહિતી આપી છે તમારી શાળાએ.. પણ શું ફેસબુક અને વૉટ્સએપની માહિતી આપી છે?"

વેદાંતના જવાબની રાહ જોયા વિના તે ચાલુ થઈ પડી.

"આ ફેસબુક..ધિસ ઈઝ માય પ્રોફાઈલ. તમે પણ આજે આમાં એકાઉન્ટ ખોલાવી મારા મિત્ર બનજો. આ વૉટ્સએપ..હું તમને તમારા ફોન પર મેસેજ મોકલી દઉ."

પોતાની રીતે વેદાંતના ફોનમાંથી પોતાના ફોનમાં ફોન લગાડી તેનો નંબર સેવ કરી તેને મેસેજ કરવા લાગી. આ સાથે ઈન્સ્ટાગ્રામ, ટવીટર, ક્વોરા, સ્ટેકઓવરફ્લો સહિત તેની પાસે હતી એ બધી જ માહિતી તેને આપવા લાગી. એ ઉપરાંત વિવિધ બ્લોગ્સથી લઈને મુવીની સાઈટ્સ વગેરે બધી માહિતી આપવા લાગી. આશરે પંદરેક મિનિટ પછી તે બોલી.."ઑકે ડન..એકેય પ્રશ્ન?"

"આ બધી મને ખબર જ હતી." વેદાંતે એડિટરમાં લખ્યુ.

"ઑહ..શીટ..ફક.."

વેદાંત હસવા લાગ્યો. પોતાની સર્જાયેલી ઉપરાઉપરી ઓકવાર્ડ મોમેન્ટસને વિશાખા હવે સહન કરી શકે એમ નહોતી. તે ગુસ્સામાં ઊભી થઈ ગઈ. વેદાંતે તેનો હાથ પકડ્યો અને તેને ફરી બેસાડી દિધી.

"પેલી વાત..હું વેદાંત બધુ જ કમ્પ્યૂટરનું બેઝિક જાણું છુ. મને સામાન્ય બધી જ ખબર છે. આપનો આભાર કે મારી સાથે નંબર શેર કર્યો. તમે મારા પહેલા મિત્ર છો. તમારા આ રિએક્શનમાં તમારો કોઈ વાંક નથી. બધા એવું જ વિચારે છે મારા વિશે. દુઃખી, દર્દી, સમાજથી કંટાડી ગયેલો અને વિખૂટો આ બધા મારા ઉપનામો લોકો વિચારે છે. ના, એવું નથી. હું આગળ વધવા માગુ છુ. મારા પણ તમારી જેમ સપનાઓ છે. મનેય મારી પોતાની ગાડીમાં બેસવું છે. મારે પણ જાતમહેનતે કમાવીને મારી મમ્મીને સાડી લઈ દેવી છે. મને પણ તમારી જેમ જ મસ્તી કરવી ગમે છે. શા માટે લોકો અમારી પાસે આવે એટલે સિરિયસ જ હોય છે? શું અમારો હક નથી મસ્તી કરવાનો? રખડવાનો? આઉટડોર ફોટોશૂટનો? બહારની ગેઈમ્સ રમવાનો? તમે પહેલા નથી કે જેને મારી સાથે આવુ વર્તન કર્યુ બધા આવુ જ કરે છે. હું જરાક કહુ એટલે મારા ખૂબ જ વખાણ કરે છે. જેવો હું આ વિષય પર આગળ વધવાનુ કહુ છુ તો વાત ફેરવી નાખે છે. શું એ અમારો હક નથી? હવે તમે જ કહો!!"

વેદાંતના આટલું બોલવાથી વિશાખા તેની સામે ને સામે જ જોઈ રહી. તેને પોતાની ભૂલ હવે સમજાણી. નોર્મલ રહેવા જતા જ તે વેદાંત સાથે એબનોર્મલ વાતો કરતી હતી. તેણે તરત જ મહેન્દ્રભાઈને ફોન લગાવ્યો અને તેને જણાવ્યુ કે એ હવે માત્ર વેદાંતની એક મિત્ર છે,ટ્યુટર નહિં. તેને કમ્પ્યૂટરનું બધુ જ બેઝિક નૉલેજ છે સો પ્લીઝ કોઈ એડવાન્સ ફેકલ્ટીને મોકલવા. વિશાખાની આ પ્રવૃત્તિ જોઈને વેદાંત ખૂબ જ ખુશ થયો.

"આપનો આભાર.." એવો મેસેજ સામેની સ્ક્રીનમાં દેખાયો.

"આપણા જેવડા યંગસ્ટર્સ આપ નહિં તુકારે..બોલે..ને હા..વેઈટ..ફરીથી જ આ નવી મૈત્રી આપણે સ્ટાર્ટ કરી. નો ટ્યુટર બટ ન્યુ ફ્રેન્ડસ.. સો..ફ્રેન્ડસ??"

"હા.."વેદાંતે સ્માઈલ સાથે હાથ મિલાવ્યો.

"લે એ છોકરી…… તારી તો શૈલેષભાઈને પણ નથી ખબર..તુ કેવી રીતે ટ્યુટરનું કામ કરીશ..?" અચાનક વેદાંતના મમ્મી પાછળથી આવ્યા.

"હાહાહાહાહા.." વેદાંત અને વિશાખા બંને હસવા લાગ્યા.

વેદાંતના મમ્મી મૂંઝાયા.

"આંટી..વેદાંત તમને બધુ જ સમજાવી દેશે. હું નીકળુ.."

"ભલે.."

"વેદાંત..ઈફ યુ ડૉન્ટ માઈન્ડ કેન વી ટેક સેલ્ફી..?"

વેદાંત મોબાઈલ લઈને ઊભો થયો ને ફોન સામે રાખીને સેલ્ફી પાડ્યો. બંનેના હસમુખા ચહેરા નવી આ મિત્રતાથી કેટલા ખુશ હતા એ કહી જતા હતા. એ જ કલાકે વિશાખાએ વેદાંતને ટેગ કરીને ફેસબુક પર સ્ટેટસ મૂક્યુ..'વોઈસલેસ વોર્મઅપ વીથ વીનર વેદાંત..' વેદાંતે તેના મમ્મીને વિશાખાની બધી ચોખવટ કરી અને વિશાખા પણ તેના વેદાંત સાથેના અનુભવને તેના રૂમમેટ્સ સાથે શેર કરવા લાગી. ફોટો જોઈ વેદાંતના ચહેરાની સ્માઈલથી વેદાંતના મમ્મી તે છોકરીની ઉપસ્થિતિનો ફાયદો સમજી ગયા.

ક્રમશઃ..

વેદાંત અને વિશાખાનો નવો સંબંધ આ વોઈસલેસ સંબંધ ક્યાં પહોંચશે? આજે વાત કરવામાં ગૂંચવાયેલી વિશાખાને શું વેદાંત સાથે આગળ ફાવશે? વેદાંતનો ટ્યુટર કોણ? વિશાખાની એ પોસ્ટની અસર..સાથેના ઘણા બધા પ્રશ્નો આવનારા અંકોમાં..