Voiceless Vedshakha - 7 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા ૭

વોઈસલેસ વેદશાખા ૭

પૂજન ખખ્ખર

૭. શેરીંગ વીથ ફ્રેન્ડ્સ

અત્યાર સુધી આપણે જોયુ કે જામનગરી વિશાખા રાજકોટ આવીને સેટ થાય છે. રેગિંગની મુશ્કેલીઓને એન્ટિ રેગિંગમાં કરી નાખનારી આ બહાદુર છોકરી અને તેનું ગૃપ પ્લેટિનમ પાર્ટી કરી અને પરત ફરે છે. વિશાખા વેદાંતને મળવાનું નક્કી કરે છે. ઘણાં સમય પછી તે કંઈક શીખી હોય એવુ લાગે છે. સામે વેદાંત વોઈસલેસ છે. હજુ ઘરે આવ્યો અને એક જ મહિનો થયો છે. તેને થયેલી મુશ્કેલીઓથી લઈને તેની મમ્મી પ્રત્યેની લાગણી જોઈ. હવે તે મુલાકાત પછીનું બંનેનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ જોઈએ આગળ..

(બપોર પછી)

"અરે..યાર!!! મારી તો ફુલ ટુ ફાટી હતી. તેની સામે..એક તો અજાણ્યો છોકરો અને એમાં પણ વોઈસલેસ. તને ખબર છે મને એની સાથે વાત કરવામાં શરૂઆતમાં તો જરાય નો ફાવ્યુ અને પરસેવો વળી ગયો. પછી વેદાંતે મને નોટપેડમાં કહ્યુ કે 'સામે નેપકીન છે પરસેવો લૂછી નાખો.' ધેન વી ટોક વોઈસલેસ બોલ."

"કેવી રીતે??"

"વોઈસલેસ બકા..એ નોટપેડમાં ટાઈપ કરે અને હું એની હારે વાત કરુ!"

"પણ એટલી ઝડપથી એ વાત કરી શકે?"

"મને પણ આ જ ક્વેસ્ચન શરૂઆતમાં થયો હતો. બટ, તુ જો એ ટાઈપ કરતો હોય ને ત્યારે એ શું લખશે એની બેચેની જ આપણને એટલી હોય કે તુ એ વાંચતી રહે અને તને ખબર જ ના રહે કે શું થઈ રહ્યું છે. બીજુ એ એટલો વ્યવહારુ અને ટ્રેઈન્ડ છે કે તેને એકપણ વાતનો અપસોસ નથી. એને પોતાના વોઈસલેસપણા પર ખુમારી છે. યુ નો..એણે મને એમ કહેલું કે મારે મારા પૈસાથી મારા મમ્મીને કારમાં બેસાડવી છે. હું કહુ કે આજનો બોલતો ચાલતો છોકરો પણ આ નહિં વિચારતો હોય! એના સપનાઓના લિસ્ટ છે. કાગળોના પેલા ડુચ્ચા કહી જતા હતા કે એનું મગજ કેટલું ચીરઝડપથી ચાલતુ હશે. પેલી જ મિટિંગ હોવાને કારણે મૈં વધુ પૂછ્યું નહિં બાકિ એ જોરદાર કંઈક કરવાના પ્લાન્સમાં હતો. એના ચહેરો જોઈને કોઈ કહી જ ના શકે કે હિ વોઝ મ્યુટ. એક્ચ્યુલી હિ વોઝ ઈન્સ્પિરેશન ફોર અસ.

તેનો લર્નિંગ ડેસ્ક હતો. તેના રૂમની દિવાલો પર હિરોઈનોના ફોટા નહિં તે ક્યાં ફરવા જશે અને તેની જીંદગીમાં તે શું કરશે એ હતુ. સંબંધોના સમીકરણો તેના કબાટના દરવાજા પર મૈં જોયા. સંદિપ મહેષ્વરીનું ક્વોટ 'આસાન હૈ' તેને તેના કબાટ પર લખ્યુ હતુ. બારીની બાજુની જગ્યા પર ગીતાના શ્લોક તેને લગાડ્યા હતા. રૂમના એ દરવાજા પર 'જે જાય તે મારુ નહિં ને જે મારુ તે જાય નહિં.' આવું લખ્યુ હતુ. તે લોકોના ઘરના આંગણે 'વસુધેવ કુટુમ્બકમ્' એમ લખેલું હતુ. તેની દરેક બુક્સમાં ગણપતિના નામથી શરૂઆત થતી હતી. તેનામાં નહોતુ અભિમાન કે નહોતો દેખાડો. એક જ માણસ આટલી મોટી ખામીનો સામનો આટલી સરળતાથી ને સહજતાથી કઈ રીતે કરી શકે! એવું તો તે શું ભણ્યો હતો કે જેનાથી એને આટલી સમજ આવી ગઈ!! કઈ એની એવી મજબૂરી હશે યાર..જસ્ટ થિંક! આપણે તેના વિશે લોકોને કહેવું જોઈએ. તે લોકો માટે ઈન્સ્પિરેશન બની શકે છે."

"પણ વિશાખા..તેને મોટું ના બનવુ હોય તો?"

"તેણે મોટું નથી થવાનું પ્રિયંકા..મોટો તો તેને હું બનાવીશ."

"પણ વેદાંતને મળ્યા એને હજુ એક દિવસ નથી થયોને તુ આવી વાતો કરે છે. તને શું મજા છે એને મોટો બનાવવામાં?"

"એ બધુ પછી..મારે વેદાંતને રોજ મળવું પડશે. તેના સપનાઓને જાણવા પડશે. તેને સમજવો પડશે. તેનામાં જે ટેલેન્ટ છે એ લોકો સુધી પહોંચાડવું પડશે. હું આગળ તેને વધવામાં મારી બધી જ શક્તિ વેડફી નાખીશ. પ્રિયંકા, તુ આ વિશે કોઈને કશું ના કહેતી."

"આઈ પ્રોમિસ.."

"ઑકે.."

"ઓહ..તુ તો આવી ત્યારની બોલે જ જાય છે. શાંતિ મહોતરમા..શાંતિ..તમે તો જાણે બહુ મજાની વોઈસલેસ ટૉક કરી આવ્યા."

"હા..મજાની પણ યાર..વિચારવા જેવુ તો હતુ એનામાં. કંઈ પણ બોલ્યા વગર આટલું કહી જવું બધાનું કામ નથી. તેને કોઈ રંજ ના હતો તેની પરિસ્થિતિ પર! હું સતત જોતી હતી એ મને કહેતો હતો પણ એક ચમક અને સ્માઈલ તેના ચહેરા પર હતી. તે હારી ગયેલો કે જીવનથી કંટાળી જનાર નહોતો."

"બે યાર..તને શું થયુ? કાલે ફરી મળી આવજે.."

"પ્રિયુડી, હું એમ વિચારુ કે આપણે ૧૦ દિવસના સંબંધનું બ્રેક-અપ થાય તો પણ કેવા મૂડલેસ અને બધાને વળકા ભરીએ છીએ. તેની પાસે જીભ નથી યાર! હું મારી જીદ પૂરી કરાવવા મમ્મી અને પપ્પા સાથે ૨-૩ દિવસ નો બોલતી. લાસ્ટ યર મારી મમ્મી રોવા લાગી ને તો ય હું તો જીદ પૂરી કરીને જ જંપી. તે દિવસે મને થતુ હતુ કે મમ્મી તો રોવે..આજે સમજાણુ કે એના આંસુ વ્યાજબી હતા. આજે ધારુ તો બધી જીદ પૂરી થઈ જાય એમ છે પણ જે વેદાંત પાસે છે એ મારી પાસે નથી 'મમ્મી!' આ એક વોઈસલેસ ટૉક મને ઘણું સમજાવી ગઈ. મારે હવે આગળ કંઈક વિચારવું જોઈએ."

"બે યાર..આ ચસ્કો બે-ત્રણ દિવસનો છે. બધુ ઉતરી જશે. કોણ જાણે કોણે આવું ભૂત ચડાવી દિધુ.."

યુવાની એક એવો કાળ જેમાં માટીનો ઘડો જેમ વાળીએ તેમ નિખરતો જાય. સમયસર અને સારા શિક્ષકો તમને જો મળતા રહે તો તમારુ ભવિષ્ય ધાર્યા બહારનું આવે. અમુક છોકરાઓ પોતે જ પોતાના શિક્ષક હોય છે. વિશાખા એમાંની જ એક હતી. અત્યાર સુધીની મસ્તી, તોફાની અને શરારતો ભૂલીને તેની એક મુલાકાતે કંઈક અંદરથી પસાર કર્યુ હતુ. તેને જીવનની કિંમત તથા હકીકતનો સામનો થયો હતો. પોતે કેટલી સુખી અને સંતોષી હોવી જોઈએ તેનો તેને ખ્યાલ આવ્યો હતો. વડીલો કહે છે કે નાની ઉંમરે જ સમજદારીનું ભાન કરાવવુ હોય તો જવાબદારી સોંપો. જવાબદારી તમને અઢળક નિર્ણયો લેવડાવશે અને આ નિર્ણય સાચા છે કે ખોટા એ તમારે પોતાની જાતે નક્કી કરવાનું છે. જો તમે એમાં પછડાશો તો તમે એમાંથી જરૂર કંઈક ને કંઈક શીખશો. બાકી, જવાબદારી વગરનું જીવન નદીમાં રહેલા પાણી જેવું છે બધા આવીને ડોળું કરે અને પાછું સ્થિર. જીવન તો દરિયા જેવું હોવું જોઈએ કે બહારથી ખારાં પણ ઊંડા ઉતરો તો મોતી મળે.

"એ કેવી જીદ્દી હશે તે તો તેની આ અદા અને લજામણો લુક જ કહી જતો હતો. આ છોકરી ડૉક્ટર બનશે તો હિટ જ છે. કેમકે, લોકો દવાના બહાને ડોક્ટરને જોવા જ આવશે. એની જવાબ આપવાની અદા કંઈક અલગ જ હતી. તેણે માત્ર મિનિટોમાં મને અને મારી મમ્મીને પોતાનામાં લઈ લીધા. તે કેટલું ઓછું અને વિચિત્ર બોલી પણ છતાંય મૈં એને બધી રીતે સમજાવી. આવું તો મૈં કદાચ પેલી વાર જ કર્યુ."

"વેદાંત , તુ અત્યાર સુધીમાં કેટલી છોકરીઓને મળ્યો?"

"એક જ વિશાખા..બસ."

"તો પછી, અત્યારની બધી છોકરીઓ આવી જ હોય છે."

"હવે..હર્ષ તુ તો રહેવા જ દે..છોકરીઓ જોવે છે કે ભાગે છે.."

"બસ..હાં..પ્લીઝ ચેન્જ ધ ટોપીક.."

"ઠીક છે તુ મને કમ્પ્યૂટરમાં બ્લોગ્સ બનાવતા શીખવાડ.."

"ઑકે..લેટ્સ ગો.."

નોટપેડની વિન્ડો બંધ કરીને હર્ષ માઉસ પોતાના હાથમાં લે છે. તે ઈન્ટરનેટ પર ગુગલ દાદાની મદદથી બ્લોગસ્પોટ, વર્ડપ્રેસ અને બીજી વિવિધ માહિતી આપે છે. બ્લોગસ્પોટ એટલે શું? આ પ્રશ્નથી લઈને તેનાથી થતો ફાયદો અને ગુગલ એડસેન્સથી થતી આવક સુધીની માહિતી એ વેદાંતને આપે છે. સૌથી પ્રચલિત હર્ષ અગરવાલના સાઉટમી લાઉડના બ્લોગ્સથી લઈને વરૂણ અગરવાલના સફળતાના વિડિઓ તે યુટ્યુબ પર દેખાડે છે. આ ઉપરાંત બ્લોગ બનાવવાના વિડિઓ પણ તે બંને જોવે છે અને દરેક સ્ટેપ બાય સ્ટેપ શીખીને તેઓ અજમાવે છે. બ્લોગના નામથી લઈને તેના પ્રમોશન સુધીની પ્રક્રિયા ધીમે-ધીમે જુએ છે. સફળ બ્લોગનું વેબસાઈટમાં થતુ કન્વર્ઝન અને તેના માટે લેવું પડતું જરૂરી ડોમેઈનની માહિતી પણ તેઓ મેળવે છે. વેબપેઈજ બનાવવા માટે શીખવી પડતી એ કમ્પ્યૂટરની ભાષાઓનું ઉપરછલું ઈન્ટ્રોડક્શન તેઓને આમાંથી મળી રહે છે. વેદાંત તેનું મગજ પૂર જોરથી આમાં ચલાવી રહ્યો છે. આ વિડિઓની સાથે-સાથે જ બાજુમાં તેઓ તેમને થતા પ્રશ્નો લખી રહ્યા છે. આથી, સરને પણ ઓછો સમય બગડે અને તેઓને શું શીખવવાનું છે એમાં જ ધ્યાન રહે.

"તારો પ્રોજેક્ટ શું છે?"

"હર્ષ, તુ મારો મિત્ર છે એટલે કહું છું કે હું આ કોઈને પણ શેર કરવા માગતો નથી. પ્લીઝ..તુ ખોટું ના લગાડતો."

"અરે..નેવર માઈન્ડ.."

"મને ખબર હતી એટલી તો મૈં તને માહિતી આપી દિધી. હવે કાલે તારા સર આવે એટલે તુ એની પાસેથી શીખી લેજે. આનાથી વિશેષ અને લાજવાબ હજુ અહિં છે એનો પરિચય સર તને આપશે."

"ભલે.."

કમ્પ્યૂટર પર તેઓ આટલી માહિતી જાણીને નવા મુવીઝ તેમજ તેના ટ્રેઈલર્સની વાતો કરે છે. હર્ષના મમ્મીનો ફોન આવતા તે ઘરે જવા નીકળે છે. વેદાંત તેને વળાવી ને પાછો પોતાના કામ પર લાગી જાય છે. તેને મન હવે પોતાને મોટું થવા સિવાય કોઈ ઉપાય નથી. દિવાલો પર રહેલા એ સપનાઓ સાચા કરવાના છે. લખેલા ગીતાના સૂત્રો માત્ર વાંચવાના નથી પણ એનું અનૂકરણ કરીને જીવનને ફલિત બનાવવાનું છે. પોતાની ખામીને જ તેની તાકાત બનાવી તેને આગળ વધવાનું છે. ભગવાન પર શ્રધ્ધા રાખીને ઘરે બેઠા જ પરિશ્રમનો પરસેવો પાડવાનો છે.

લખવું અને વાંચવું એ આ એક મહિનામાં વેદાંતનો શોખ થવા લાગે છે. તેને પુસ્તકો વાંચવા ગમે છે અને હમણાંના આર્ટિકલ પ્રમાણે તે થોડાં દિવસોથી એક ડાયરી મેઈન્ટેઈન કરે છે. કમ્પ્યૂટરથી થાકીને તે પોતાની ડાયરી લખવા માટે ખોલે છે. ચેપ્ટરનું નામ આપે છે. 'વિશાખા'...

"વેદાંત..હાલો બેટા..આજે મૈં ઢોકળીનું શાક બનાવ્યુ છે. તને ભાવશે જ..જોજે.."

વેદાંતના મમ્મી એ ડાયરી ને પેન સાઈડમાં મૂકીને તેને ઢોકળી ચખાડવા લઈ જાય છે. માતાના આ પ્રેમને નકારવો એ દિકરા માટે લગભગ અશક્ય છે. એમાં વેદાંતનો કેસ તો અલગ જ હતો. એક મહિનામાં હમણાં જ હજુ રેગ્યુલર જીવન ચાલુ થયુ હતુ. મા-દિકરો બંને સદમામાંથી બહાર આવી ગયા હતા. વેદાંત પણ હવે ઘરમાં ટેવાય ગયો હતો. તેમનું રૂટીન ગોઠવાઈ ગયુ હતુ. સવારે નાસ્તાથી લઈને રાત્રિના દૂધ સુધીનું વેદાંતનું ધ્યાના તેના મમ્મીની હવે આદત થઈ ગઈ હતી. એક ગૃહિણીને સૌથી વ્હાલી એના દિકરાની સારસંભાળ હોય છે. તેને ઘરકામમાં વ્યસ્ત રહેવું ગમે છે. જમી કરીને વેદાંત અને તેના મમ્મી ટી.વીં. જુએ છે તો વળી, તેને માથામાં તેલ માલીશ કરી આપે છે. થોડીવારમાં જ વેદાંત મમ્મીના એ ખોળામાં સૂઈ જાય છે. 'આખો દિવસ કમ્પ્યૂટર કરીને મારો દિકરો થાકી ગયો..'માથા પર તેના મમ્મીનો હાથ હજુ ય ફરે છે. તેના વાચાવિહિન રહેવાના અપસોસથી તે રડી પડે છે. ભગવાનની મૂર્તિની સામે તે જોયા કરે છે. દિકરાને શક્તિ આપો અને તેને ભવિષ્યમાં કંઈ ના થાય એનાથી વિશેષ બીજુ તો એક માંને શું જોય. તે વેદાંતને ઊંચકીને પથારીમાં સૂવડાવી દે છે. ડાયરીમાં રહેલુ 'વિશાખા' શીર્ષકનું એ પાનું પવનમાં ફરે છે..હજુ તો સંબંધની શરૂઆત જો આટલુ કહે છે કે વેદાંતને લખવાનું મન થયુ તો આગળ આ સંબંધ ક્યાં પહોંચશે એની વેદાંત ને વિશાખા કોઈને ખબર નથી.

ક્રમશઃ..

વેદાંતના ચાલુ થવાના ટ્યુશન્સ અને વેદાંતની ડાયરી પરના વિશાખાના નામના કોરા પાના.. તો વળી, વિશાખાનો કંઈક અનોખો વેદાંતને મોટો બનાવવાનો પ્લાન..તેને વેદાંતના જીવનની વધતી બેચેની..ને જાણવાની તેની તલપ..

શું વિશાખા બીજી વખત મળશે વેદાંતને? વેદાંત પોતાની ડાયરીમાં શું લખશે! કેટકેટલા ટ્વિસ્ટ અને કેટકેટલાં સમીકરણો સાથે જોઈશું આવનારા ભાગો..બન્યા રહો!

વોઈસલેસ વેદશાખા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED