Voiceless Vedshakha - 4 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા - ૪

વોઈસલેસ વેદશાખા ૪

__________________________________________

પૂજન ખખ્ખર


૪. દિકરો - દરેક માં નો આશરો

સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઝૂકતો હતો. રસ્તા પર સરકારી કર્મચારીઓ પોતપોતાના ઘરે જતા હતા. મુખ્ય ચોકમાં ટ્રાફિક બરાબરનો થયો હતો. છોકરાઓ પોતપોતાના ટ્યુશન તરફ જઈ રહ્યા હતા. તો સામે ગેરેજવાળો આળસ મહ્યડીને પોતાની દુકાન ફરી ખોલતો હતો. ફ્રુટવાળાઓ પોત-પોતાના સ્થાને ગોઠવાઈ ગયા હતા. કામવાળા બધાના ઘરનું કામ પતાવીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા. રીક્ષાવાળા ફેરાઓ માટે સજ્જ હતા. એવામાં વેદાંત અને તેના મમ્મી બંને આજે લગભગ એકાદ મહિના પછી શાંતિથી સૂતા હતા.

(સાંજે ૫:૩૦ વાગ્યે)

વેદાંતના માથા પર તેના મમ્મીએ હાથ ફેરવીને તેને ઊઠાડવાની કોશિશ કરી. વેદાંત એકદમ શાંત ચિત્તે ઉઠ્યો. તેના મમ્મીને તેની નજર સામે જોઈને ખૂબ જ ખુશ થયો. આજે એક મહિના પછી પહેલો એવો દિવસ હતો કે જેમાં વેદાંતને તેના મમ્મી ઊઠાડવા આવ્યા હતા. તે મનમાં બોલ્યો.. "આજે મને ઘરમાં હું મારી મમ્મી સાથે રહુ છુ એવું લાગ્યુ." તેના મમ્મીએ કહ્યું.."બેટા, ચા તૈયાર છે ચાલ..પી લઈએ.." વેદાંત ઊભો થયો. પોતાના હાથમોં ધોઈ તે બહારે આવ્યો. છ સીટના એ ડાઈનિંગ ટેબલ પર ઘરના વડાની સીટ પર વેદાંત બેઠો. તેના મમ્મીએ ચા ધરી. તેને ચાની ચૂસકી લગાવી. વેદાંતના મનમાં ઘણાં જ પ્રશ્નો હતા પણ તેના મમ્મી તેને એક મહિનાથી ટાળતા હતા. તેને લાગ્યુ કે આજે આ બરાબર સમય છે. તેને પોતાના ખીચામાંથી નાનકડી ડાયરી કાઢીને તેમાં લખ્યું.

"મમ્મી તમે મને હું ત્યાં શું કરતો એ બધુ પૂછ્યું. આ બધુ સમજ્યા પણ તમે અહિં શું કરતા?"

વેદાંતના મમ્મીને આ પ્રશ્ન વાંચીને ચાનો ઘૂંટળો માંડ ગળે ઉતર્યો. વેદાંત તેના મમ્મીના આ ચહેરાને જોઈને મૂંઝાયો. તેણે તેમનો ખભ્ભો પકડીને બીજા હાથે શું થયું એમ પૂછતો હોય એમ ઈશારો કર્યો. વેદાંતના મમ્મી આ ઈશારો સમજી ગયા.

"કંઈ જ નહિં.."

વેદાંતે હકારાત્મક રીતે 'ભલે' કહેતો હોય એમ માથુ ધૂણાવ્યુ.

"બેટા, હું શું કહું.. તારા મૂંગાઓની શાળામાં મોકલવાના નિર્ણયથી હું તારા કાકા સાથે ખૂબ જ ઝઘડી હતી. તેઓ મને સહન કરી લેતા. તેણે ૧૦ દિવસ પછી શાંતિથી મને એક રૂમમાં બેસાડીને સમજાવી. ત્યારે કદાચ હું ભાનમાં હતી. મૈં કંઈક ખાવાનું શરૂ કર્યુ હતુ. તારા કાકા અને કાકીએ મને લગભગ દોઢેક મહિનો સાચવી. રૂપલકાકી તો હંમેશા કહેતા કે 'ભાભી તમે હજુ ૬ એક મહિના અહિં રહી જાવ..' પણ મને થયુ કે આપણે હવે આ સહન તો કરવું જ રહ્યું. તારા પપ્પાની બધી વિધિ પછીના મહિનાના અંતમાં હું ઘરે ફરી આવી ગઈ. આ ઘરનો તમારા બંને વગરનો દિવસ મૈં કદી કલ્પ્યો પણ નહોતો. મને મૂકીને કાકા અને કાકી જ્યારે ઘરે ગયા ત્યારે લગભગ તે દિવસની રાત હું માત્ર રડી. મારા એ રડવાના અવાજ હજુય આ દિવાલોને યાદ હશે. તારી કમ્પ્યુટરની ભાષામાં હજુય તેની મેમરીમાં સ્ટોર હશે. બીજે દિવસના સવારે જ્યારે આપણી પડોશી ઉર્મિલા આવી ત્યારે તે તો મારી આંખના કાળા કુંડાળા જોઈને દંગ રહી ગઈ. તેણે તરત જ રૂપલને ફોન કર્યો. રૂપલ બપોરનું જમવાનું લઈને આવી ગઈ. તેને મને ખૂબ પોતાના ઘરમાં રહેવા માટે આગ્ર કર્યો. મૈં તેને સમ દેવડાવ્યા કે હવે હું તને ફોન ના કરુ ત્યાં સુધી ઘરમાં પગ મૂકતી નહિં. બેટા, રૂપલને જરૂર ખોટું લાગ્યું હશે પણ મને તો એકલા રહેવાની ટેવ પાડવી જ રહી! વધી રહેલી મોંઘવારીની જેમ સવાલો હવે મને દરરોજ સવારે વધતા હતા. તારી ફી થી લઈને તારા લગ્ન માટેનો ખર્ચો એકલીએ કાઢવાનો હતો. તારા પપ્પા બેંકમાં થોડા પૈસા રાખી ગયા હતા અને હજુ એમના ગયાના ૩ વર્ષ સુધી તેમનો પગાર આવવાનો હતો. પછી હું શું કરીશ? આ સવાલ રોજ મને ખાઈ જતો હતો. બપોર પડ્યે ફોન હાથમાં લેતી ને તારા પપ્પા સાથેના એ સંવાદો મને યાદ આવતા. બપોરે સૂવા માટે ઊંઘની ગોળી સિવાય કોઈ ઉપાય નહોતો. હવે ના તો કોઈની રાહ જોવાની હતી કે ન કોઈની પરિક્ષા આવવાની હતી. શનિ-રવિ મહેમાનોની આવક-જાવકથી સમય ઝડપથી પસાર થઈ જતો.

શનિવારની રાત્રિનું આપણું બહાર જમવાનું, તારી ફુગ્ગા અને ચકેડીમાં બેસવા માટેની જીદ..હવે એવું કંઈ નહોતુ. આ રાત્રિઓમાં ન તો તારા પપ્પા મારા વાળમાં હાથ ફેરવતા હતા કે ન'તો હું તેને ચુંબન કરી શકતી હતી. દરરોજ રાત્રે મને તેની જરૂર લાગતી. તેની સાથેની મસ્તી, તારા તોફાનો, તેમને માટે રોજ તૈયાર રાખેલી રસોઈ, નહાવા જતા ટુવાલની યાદગીરી.. આ કંઈ જ નહોતું. જન્મદિવસની શુભકામનાઓ હવે જીવનમાં પૂણ્યતિથિની પૂજામાં પરિણમી હતી. મંગલસૂત્ર અને સિંદૂર પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂક્યા હતા. રંગોનું જીવનમાં સ્થાન ઘટી ચૂક્યું હતુ. આસપાસની બધી જ સ્ત્રીઓ મને કહેતી કે રાજકોટ જેવા શહેરોમાં હવે આ પરંપરા નથી તમે રંગબેરંગી કપડા પહેરો. હું પહેરવા પણ લાગી. બેટા, આ કપડામાં મને ઉપરથી નીચે જોઈને 'મારી રાણી આજે તો એકદમ કુંવારી યુવતી લાગે છે..' આ કહેવાવાળું નહોતુ. પ્રસંગો સિવાય હવે હું બહારનું ખાતી નહોતી. બચતનો સવાલ જ નહોતો કેમકે મારો ખર્ચો જ હવે બહુ ઓછો થઈ ગયો હતો. મને કામ કરવાની ઈચ્છા હતી. એક ગુજરાતી ગૃહિણી બીજું શું કરી શકે? કહેવાય છે કે ગુજરાતી સ્ત્રીઓના હાથમાં વણવાનો જાદુ હોય છે. મૈં પાપડના એક લઘુઉદ્યોગમાં વણવાનું કામ શરૂ કર્યુ. તારી રૂપલકાકીને પહેલા તો ના ગમ્યુ પણ પછી એ મારી લાગણી અને એકલતાને જોઈને સમજી ગઈ. હું દરરોજ તને અને તારા પપ્પાને ઝંખતી. જીવન મુશ્કેલીમાંથી પસાર થતુ હતુ કે મારે જીવનમાં એકેય મુશ્કેલી નહોતી એ ખબર નહોતી રહી. પરિવારમાં માત્ર શૈલેષભાઈ ને રૂપલ સિવાય કોઈ નહોતુ. પડોશ બહુ જ સારો હતો મારો.. પણ.."

રૂમનો દરવાજો ખખડ્યો. વેદાંત તેના મમ્મી જે જુસ્સાથી બોલી રહ્યા હતા તે ખૂબ જ ગમ્યો. વેદાંત હજુ તેના મમ્મીની એ પરિસ્થિતિમાંથી બહાર નહોતો આવી શક્યો. તેને થયુ કે મારા મમ્મીને તો મારા કરતા પણ વધુ મુશ્કેલી વેઠવી પડી છે. મારે તો મારા જેવા કેટલા મિત્રો હતા પણ અહિં તો માત્ર દિવાલો, ખાલીપણું અને અમારી યાદો હતી. વેદાંતના મમ્મીએ આંખોમાંના એ આંસુઓને સાડીના છેડાથી લૂસ્યા અને દરવાજો ખોલ્યો. વેદાંત હજુ માથુ ઢાળીને સૂતો હતો. તેના ખભ્ભા પર હાથ ફર્યો. તેને ઉપર જોયું તો તેના કાકા અને કાકી સામે ઊભા હતા. તે તરત જ ઊભો થયો ને તેમને પગે લાગ્યો. કાકા નીચે ઝૂકતા વેદાંતના હાથ પકડીને તેને ભેટી પડ્યા. વેદાંતની આંખમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. કાકાએ તેને મન ભરીને રડવા દિધો. તે સમજતા હતા કે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કાકી બંને કાકા-ભત્રીજા માટે પાણી લઈ આવ્યા. વેદાંતના મમ્મી સામેના સિંગલ સોફા પર જતા રહ્યા. વેદાંતને મહિનામાં આ રીતના પહેલી વાર ઢીલો પડતા જોઈને તેની આંખો પણ કોરી ના રહી. એક દિકરાના આંસુ જોઈને જો માં ઢીલી ના પડે તો તે માતા ન કહેવાય. રૂપલકાકી તેની બાજુમાં જઈને તેને સમજાવા લાગ્યા.

"ભાભી, વેદાંતની હિંમત તમે છો.. તમારે ઢીલું નથી પડવાનું.."

"રૂપલ, હું બહુ પ્રયત્ન કરું છું.. નથી રહેવાતું.. હું આને આમ કેવી રીતે રાખીશ!"

"એ તો તમને ને એને બેયને ફાવી જશે.."

"અરે.. જો રૂઝાતો ઘા હોય ને તો એ પીડા પણ પ્રસંસનીય છે. આ તો નથી ઘા કે નથી આવાની રૂઝ.. તો કેમ અમે આગળ વધશું.."

"તમે ચિંતા ના કરો.. મારી અહિં આવતા હતા ત્યારે જ શૈલેષ સાથે વાત થઈ છે એને નવો ટ્યુટર રાખ્યો છે એ આવીને એનો જુસ્સો વધારશે."

"જોઈએ.."

રૂમમાં જાણે સન્નાટો છવાઈ ગયો. શૈલેષ પણ પોતે વેદાંતને લઈને સોફા પર બેસી ગયો. તેને તો વેદાંત જન્મ્યો ત્યારથી તેના પપ્પાની ખુશી અને તેને દિધેલી કાંધ બધુ જ યાદ હતુ. ઘરમાં એક મોટાભાઈની ઊણપ મિટાવવી અને નાની ઉંમરે જવાબદારી માથે લઈ ફરવું એ કેટલી અઘરી વાત છે એ એને આજે સમજાતુ હતુ. પૈસા માત્રથી જો બધુ થઈ શકતું હોત તો સંબંધને લાગણી માણસો શું કામ એકબીજા સાથે રાખત! ગુજરાતી પરિવારો ભલે ગમે તેટલા આગળ અને ફોરવર્ડ થયા હોય પરંતુ આજે ય અહિં વ્યવહાર સંયુક્ય કુટુમ્બમાં ઘરના મોટા જ નક્કી કરે છે. તેમનું ઘરમાં ચાલે છે આ શબ્દો ખોટા છે. તેમના અનુભવ પરથી તેમનું માનવું એ અહિંના ઘરોનું તેમના પ્રત્યેનું માન છે. આ મોટાભાઈના અવસાનથી બધા વ્યવહાર સાચવવા અને બધી જ જગ્યાએ હાજરી આપીને તેમની ખોટ પૂરી પાડવી તથા વેદાંત અને તેની માતાનો સહારો આપવો એ શૈલેષભાઈની જવાબદારી હતી. વેદાંતના દાદા અને દાદીનું અવસાન તો વેદાંતના જન્મ પહેલા જ થઈ ચૂક્યું હતુ. પછી તો આખરી નિર્ણય મોટાભાઈનો જ રહેતો. શૈલેષ પણ અત્યારે એકદમ શાંત થઈને વેદાંતના માથે હાથ ફેરવતા બેઠા હતા.

"કહુ છુ..પેલા વેદાંતના ટ્યુટરનું શું થયુ?"

"મૈં એને કહ્યું હતુ તે કાલથી આવી જશે.."

"પણ.. શૈલેષભાઈ આ વેદાંતને હજુ આવ્યા એને એક મહિનો થયો અત્યારથી કૉલેજનું ચાલુ? હજુ તો અમને મા-દિકરાને માંડ કરીને ફાવ્યુ છે."

"ભાભી, હું સમજું છુ પણ તમે જેમ ઝડપ કરશો એમ તમને જ સારું છે. પેલા સાહેબ વેદાંતને અને તમને બધું સમજાવતો જશે."

"ભલે..જેમ તમને ઠીક લાગે એમ.."

અહિં વેદાંતને આ પ્રત્યે વિરોધ કરવાનો મુદ્દો નહોતો. આ જેટલું જલ્દિથી થાય એ વેદાંત માટે જ સારું હતુ. તે પણ બહારના લોકો સાથે કેમ વાતચીત કરવી એ બધુ શીખવા માગતો હતો. ઓછામાં ઓછા પ્રયત્ને તે પોતે જ કહેવા માગે છે તે વધુમાં વધુ લોકો પાસે કેમ પહોંચી શકે તે જાણવા માગતો હતો. વેદાંતની મુખ્ય મુશ્કેલી એ હતી કે તેને પોતાની ભાષામાં બીજા લોકોને કેમ કહેવું એ આવડતું હતુ પણ બીજા તે ન સમજી શકે તો કેમ ઓછી મહેનતે તેને સમજાવું એ આવડતું નહોતું. આ સાથે કાકાએ એ પણ ખાતરી આપી કે એને કમ્પ્યુટરનું જ્ઞાન પણ તે જ સર આપશે. તે તેમાં પણ ખુબ કુશળ છે. વેદાંત પોતાને સ્કૂલમાં શીખવાડેલા સૂત્રોને રોજ પઠન કરતો હતો. અહિં હકીકતની દુનિયામાં રહેવું સહેલું નહોતું. અહિં તો તમને રોજ મહેણા અને ટોણાં મળવાના છે. દરરોજ તમને પેલા કરતા નીચા છો એવો અનુભવ થવાનો છે. લોકો તમને પોતપોતાના માપદંડથી માપવાના છે. તમને હજારો સલાહ મળવાની છે. તમારા કોઈ એક સારા કામને અહિં કો'ક બીરદાવશે તો વળી કો'ક તેને નીચું પાડશે. તમને તમારા કામથી સંતોષ હોવો જોઈએ લોકોના અભિપ્રાયથી નહિં.

સાંજનો નાસ્તો બધાએ સાથે કરીને વેદાંતના કાકા અને કાકી બંને ઘરે ગયા. વેદાંતના મમ્મી રસોઈમાં પરોવાઈ ગયા. વેદાંત પણ મેગેઝીનમાં એક ટેક્નોલોજીનો આર્ટીકલ વાંચતો હતો. વેદાંતના મમ્મીએ તેને બે કિલો મીઠું લાવવાનું કહ્યું. વેદાંત ચાલીને નીકળી પડ્યો. વેદાંતના મમ્મીની હજાર 'ના' છતા વેદાંતને હકીકતની દુનિયાને જોવી હતી. તેને સુપરમાર્કેટમાં જવું હતુ. વેદાંતના મમ્મીએ પોતે સાથે આવશે એમ જણાવ્યું. "ના" એમ ઈશારો કરી તે નીકળી પડ્યો. રસ્તામાં આવતી વાળંદની દુકાન, ફરસાણ પર તળાતા ગરમાગરમ ગાઠીયા, સીવણકામના મશીનથી ધગધગતી એ દરજીની દુકાન, બાળકોને સ્ટેશનરીમાં મળતી નવી પેન્સિલથી તેમના ચહેરા પરનો આનંદ, સોગંદનામા ને કાગળોના થોકડાથી ભરેલી એ વકીલની ઑફિસ, બેગરીપેરીંગની એ દુકાન, કેરોસીનવાળાને ત્યાં કેરોસીનની લાઈનમાં ઊભા રહીને થઈ રહેલો ઝઘડો, મોબાઈલ એસેસરીઝવાળાને ત્યાં જોવા મળતા લોકોના ટોળા, પાનના ગલ્લાઓ પર રહેલા આધેડ વયના ફાકી ચોળતા લોકો, સિગારેટની સાથે પોતાની મુશ્કેલી ઠાલવી રહેલા એ ગાળાગાળી કરતા યુવાનો, સોડાની દુકાન પર મળતી એ ઠેરી વાળી સોડાના અવાજો વેદાંતને ખૂબ ગમ્યા. તેને બધુ જોયું હતુ પણ બારીના કાચમાંથી.. એણે કદી આ રીતે ચાલીને સ્કૂલની બહારે જવાની છૂટ મળી નહોતી. તે એરપોર્ટ ફાટકને વટતા આવેલી શીતલ સુપરમાર્કેટમાં અંદર ગયો. અંદર જતા એક યુવતીએ તેને "વેલકમ સર" કહીને સંબોધ્યો. વેદાંતે તેને હળવી સ્માઈલ આપી.

વેદાંત મીઠું શોધવા લાગ્યો. તે લગભગ બે વખત સુપરમાર્કેટની બંને રો ફરી ગયો. તેને મીઠું ના દેખાયુ. વેદાંતને દુવિધામાં જોઈ ત્યાં ઊભેલી એક સેલ્સગર્લએ પૂછ્યુ "હું તમારી કંઈ મદદ કરી શકું સર?" વેદાંતે નકારાત્મક ઈશારો આપતો હોય એમ માથું ધૂણાવ્યું. એ ત્યાંથી ચાલી ગઈ. વેદાંતએ ખીચામાં તપાસ્યુ તો ખબર પડી કે તે ડાયરી ઘરે ભૂલી ગયો છે. તે સૂપરમાર્કેટમાંથી બહાર નીકળી ગયો. તે હિંમત ભેગી કરીને ફરી ગયો. ફરી એક વખત એક સેલ્સ ગર્લએ પૂછ્યું "હું તમારી કંઈ મદદ કરી શકું સર?" વેદાંતે ના પાડી. સુપરમાર્કેટનો મેનેજર ત્યાંથી બધુ જોઈ રહ્યો હતો. તેને બધાને આ છોકરાથી સાવધાન રહેવા જણાવ્યું. વેદાંત ફરી ત્રણ વખત આંટો મારી આવ્યો. તેને મીઠું ન મળ્યું. આ વખતે મેનેજરે પોતે વેદાંતને પૂછ્યું "હું તમારી મદદ કરી શકું સર?" વેદાંતનો આ નકારાત્મક જવાબ જોઈ મેનેજરનો પિત્તો છટક્યો. "તુ શું લેવા આવ્યો છે? મને કહી દે નહિં તો પુલીસને કહું છુ." વેદાંત એકદમ જ ગભરાઈ ગયો. સામે રહેલી એક છોકરીએ પુછ્યું "કેમ કશું બોલતો નથી? મુંગો છે શું?" વેદાંતનું માથું ધૂણાવથી મેનેજરે તરત જ હાથ લઈ લીધો.

"સોરી..સોરી..સર.. હું તમને હમણાં લીસ્ટ આપુ છું તમે મને કહી દો.. શું જોઈએ છે. આપી દઉ તરત જ.."

એક સેલ્સગર્લ તરત જ લિસ્ટ લઈને આવી ગઈ. વેદાંતે મીઠું પર ઈશારો કરીને બે આંગળી બતાવી.

"બે કિલો વાળું પેકેટ?"

વેદાંતે હકારમાં ડોકું હલાવ્યું.

"ભલે..લાવો ૬૮ રૂપિયા.."

હિસાબ પતાવીને વેદાંત ઘરે જઈ રહ્યો હતો ત્યાં એના મમ્મી એને સામે મળ્યા.

"આટલી બધી વાર હોય!"

વેદાંતને શું કહેવું એ સમજાણું નહિં. છેવટે એના મમ્મી પરિસ્થિતિને ભાળી ગયા. તરત જ વેદાંતને છાંતી સરસો ચાંપી દિધો.

"મારો દિકરો.. એના પપ્પા પર જ ગયો છે. કામ હાથમાં લીધું એટલે પૂરું કરીને જ આવશે. ભલેને પછી ઘરમાં અહિં અમે ગાંડા થઈ જતા હોય."

પોતાના મમ્મીની આંખ ભીની જોઈ વેદાંતે હાથથી આંસુ લૂછી નાખ્યા. "ના, મમ્મી હવે આપણે આ ગમે એમ કરીને સ્વીકારવું જ પડશે અને હું હવે કંઈક થઈને જ જંપીશ.." એમ કહેતો હોય એમ લાગ્યું. વેદાંતના મોઢા પરનું સ્મિત જોઈને તેના મમ્મીની ચમક જ ફરી ગઈ. આજે દિકરોએ માંનો આશરો બન્યો હતો. ભલે, એ ઉંમરમાં નાનો હતો પણ એ જ એની માંનો સહારો હતો. બંને ઘરે ગયા અને ખીચડી ને શાકની મજા માણી. રાતના ટી.વી. પરના મનોરંજન કાર્યક્રમોને માણી બંને આરામ કરવા રૂમમાં જતા રહ્યા. કાલની સવાર, કાલના નવા પ્રશ્નો, મમ્મી સાથેની અઢળક વાતો, નવા ટ્યુટરની મુલાકાતો ને વાતાવરણમાં થતો પલટો.. બધું જ વેદાંત માટે નવું હતુ. સપનાઓ અને ઉમીદોની જીંદગીમાં હવે વેદાંત આવી ચૂક્યો હતો. પોતાની નવી આ યુવાનીને કઈ રીતે માણશે એતો એક રહસ્ય જેવું હતુ.

ક્રમશઃ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED