ઓહ નયનતારા
પ્રકરણ – 22
'થોડી ઈશ્કબાજી કર લે !'
'હે હિન્દુ પુરુષ ! હવે તો છોડ મને, મારા શ્વાસને કાજ,
હજી તો છે લાંબી મજલની વાટ કરી લેજે પછી પ્રેમ,
અન્નજળ ખૂટશે, મારો પ્રેમ તો છે અનરાધાર, વરસે છે તારી પર ધારેધાર,
પ્યાસ બુઝાવી લે હોઠોની આજ, ઈંતજાર છે તારા શ્વાસોનો આજ,
મારા કામને માયા છે તારે કાજ, કાળજા કાપીને દીધા છે આજ,
ભરી પી લે વસંતને આજ, તહેવાર છે મનાવી લે દિવાળી ને હોળી આજ,
આજે પુનમ ને કાલે અમાસ, નહીં આવે આવા દિવસો વારંવાર,
ઉન્નત અંગોની તેં બૂઝાવી છે પ્યાસ, ને કરે છે સંતૃપ્તિનો અહેસાસ,
બાણશૈયાનો નથી અવકાશ, લંબાવી દે તારી કાયાને મુજને પાસ,
પોઢી જા પ્રાણનાથ થાકને કાજ, મારી કાયા છે તારી પથારી આજ.
હે નેત્ર તું ત્રાટક બંધ કર, પોઢી ગયો છે સ્વામી કેવા સુખથી આજ.'
આંખો ખૂલે છે. સજળ નેત્રે વાફાનું મુખ મારી આંખોની ઉપર છે. જાણે પ્રેમની દેવીની ગોદમાં પ્રેમાળ હાથોથી સ્પર્શ થતો હોય તેવું લાગતું હતું.
'ઓલ રાઈટ માય બેબી ?' વાફા ધીરેથી મારી આંખો પર ઝૂકીને બોલે છે.
'યસ ! સ્વીટ હાર્ટ.' કહીને તેના ગાલ ખેંચું છું.
હજુ પણ મારી જાત પર વિશ્વાસ આવતો નથી. આગલા જન્મમાં મેં કેટલા કેટલા પુણ્ય કર્યા છે, જેનું ભાથું આજે પણ ભરેલું ભરેલું છે. માતા, પિતા, બહેન, મિત્રો અને નયનતારા અને વાફા બધા મને કેટલો દિલથી પ્રેમ કરે છે !
જે માણસને કદી પણ દગાખોરીનો અનુભવ થયો નથી તેને દુનિયા હંમેશા ઈમાનદાર લાગે છે. કદાચ મારી ઈમાનદારીના કારણે નયનતારા અને વફાને ભેદ સમજી શકતો નથી. જયારથી બિઝનેસ સંભાળ્યો ત્યાંથી નયનતારાને મળ્યો ત્યાં સુધી એ સમયગાળામાં કેમ કોઈ છોકરી પ્રત્યે આસકિત જાગી નહીં ? એ સવાલ હજુ પણ મનમાં ઘૂમરાયા કરે છે. કદાચ લક્ષ્મીની માયાને કારણે સાંસારિક માયા પ્રત્યે આસકિત નહીં જાગી હોય, મને તો એવું જ લાગે છે. 'પૈસો મારો પરમશ્ર્વર અને હું પૈસાનો દાસ' આ કહેવત ફકત ગુજરાતીઓ માટે જ બનાવી છે.
ફરી પાછો એ જ ઘટનાક્રમ, એ જ પ્રવીણભાઈની ઑફિસ, એ જ બેકસ્ટ્રીટ અને એ જ લંડન શહેર છે.
પ્રવીણભાઈની ઑફિસમાં હું, પ્રવીણભાઈ અને વાફા બેઠા છીએ. પ્રવીણભાઈને ટર્કીથી બાંધકામ માટેના સળીયા ઈમ્પોર્ટ કરવાના છે. એટલે તેની આગળની કાર્યવાહી માટે કંપની તરફથી કોઈકને ઈસ્તંબુલ જવાનું છે. એટલે પ્રવીણભાઈ મને પૂછે છે, 'તું, વાફા અને ડગલાસ સર અને પેલી પાર્ટી તરફથી આવતી ઈન્સ્પેકશન એજન્સીના કોઈ એક માણસ ને એમ ચાર લકોએ ઈસ્તંબુલ જવાનું છે.
મારા પાસપોર્ટમાં ટકી સહિત સમગ્ર યુરોપના વિઝા હતા એટલે મને જામાં કોઈ વાંધો ન હતો અને પ્રવીણભાઈને પહેલેથી જાણ હતી કે મારી પાસે ટર્કીના વિઝા છે.
પ્રવીણભાઈ કહે છે, 'આવતા જ રોમાંચિત થઈ ગયો. ઈતિહાસમાં મારા બે પ્રિય પાત્રો છે. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને મુસ્તફા કમાલપાશા આતાર્તુક. ફકત ટર્કીના વિઝા કમાલપાશાના નામ ઉપર લીધા હતા.
આ બન્ને ઈતિહાસ પુરુષે બધા મહાપુરુષોની વચ્ચે અલગ ચીલો ચીતરીને પોતાનો અલગ ઈતિહાસ રચ્યો છે. સામા વહેણે તરીને ચાબૂકના ફટકાની જેમ ઈતિહાસના મહાપુરુષોની વ્યાખ્યા બદલી નાખે છે. એક આધુનિક હિન્દુસ્તાનનો જન્મદાતા અને એક આધુનિક ઈસ્લામનો જન્મદાતા છે.
પરિવર્તનની ગતિને પોતાની ચાબૂક ફટકારી પૂરપાટ વેગે કેમ દોડતી કરાય તેનો દાખલો જગતભરમાં આ બે લોખંડી પુરુષે દુનિયાને બદલાવીને દેખાડયો છે.
સરદાર પટેલે જે અશકય કામ બીજા રાજનેતાઓને શકય નહોતું લાગતું એવું કામ જે હજારો વર્ષોથી ભારતવર્ષના ટુકડા કરી કૂપમંડુક જેવી રાજાશાહીને શાસનપદ્ય્રતિને ચપટીમાં બદલી નાખી રાજાઓને લોકશાહીના ગુલામ બનાવી નાખ્યા, હિન્દુસ્તાનની આઝાદીમાં ઘણા ભાગ પડી શકાય છે. પણ આજની એક તાકાત જે હિન્દુસ્તાનની છે તે માત્ર અને માત્ર સરદાર પટેલની દેન છે.
મુસ્તફા કમાલ પાસા આતાતુર્ક જેને આઠસો વર્ષથી ધૂળ ખાતી અરબી જગતની અંધકારભરી ઠોકી બેસાડેલી, સ્ત્રીઓને ગુલામ બનાવતી રસમોને પોતાના પગ તળે કચડી નાખી દુનિયાને આધુનિક ઈસ્લામની એક નવી છબી પેશ કરી હતી. વર્ષોથી બુરખા પાછળની ખૂબસૂરતીને ઢાંકનાર બુરખાને તિલાંજલિ આપી, ટકીઁ નારીઓના સૌંદર્યની ચકાચૌંધ દુનિયાની નજર સમક્ષ આવા, એકાએક આ બુરખાબાનુઓ મધ્યયુગીન સંસ્કૃતિમાંથી આધુનિક યુરોપની સડકો પર ગોરી મેડમો સાથે ખભેખભા મીલાવીને ચાલવા લાગી હતી. ઈસ્લામમાં જેના પર પ્રતિબંધ હતો તેને કલા બનાવી આધુનિક ટર્કીને દુનિયાનું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવી દીધું હતું. આતાતુર્ક એટલે તુર્કોના પિતા જે તેને સાચા અર્થમાં સાબિત કરીને બતાવ્યું હતું.
પ્રવીણભાઈની ઑફિસની બહાર નીકળતા જ સામેથી આવતી માઈકાની આંખો મને જવાબ આપવા માટે કહેતી હોય તેવું મને લાગ્યું. એટલે વાફાએ મને પોતાની કોણી મારી માઈકા તરફ જોવાનો ઈશારો કરે છે.
'પ્રેમ ના જુએ નાત, જાત, વરણ અને વાન
ભજી લે તું ભજન, પ્રેમ સમજીને આજ.'
હજારો વર્ષો પહેલાં પણ પ્રેમની જે વ્યાખ્યા હતી તે આજે પણ અકબંધ છે. કયાં મનિલાની માઈકા અને કયાં સુરેન્દ્રનગરનો જીત ! વાહ રે ! કાના તારી લીલા છે અપાર અને હું પણ કયાં બાકાત છું...? નયનતારા ઉચ્ચ અને સંસ્કારી નાગર કોમની છોકરી અને મારી લુહાર જાતિ...જમીન આસમાનનો તફાવત છે. પ્રેમ એક મુકતમિજાજી અહેસાસ છે.
નાત, જાત, વાન અને વરણ આ બધાને પ્રેમમાંથી મુકિત મળી છે.
માઈકાનો વિચાર આવતા જ આપણા ગુજરાતી સમાજની સાસુઓની આદર્શ વહુની કલ્પના મારા મગજમાં દોડવા લાગી હતી. લંડન હોય કે મુંબઈ આ ગુજરાતી સાસુઓની માનસિકતા હજુ બદલી નથી.
આ સાસુઓને કેવી વહુ જોઈએ એ જરા વિચારવું પડે છે :
(1) ગુણિયલ અને સંસ્કારી.
(2) સુંદર, દેખાવડી અને શિક્ષિત.
(3) પુત્ર કરતા પોતાના કહ્યામાં રહે તેવી.
(4) સારા ખાનદાનમાંથી આવવી જરૂરી છે.
(5) વહુનું ખાનદાન બરોબરીયું હોવું જોઈએ.
(6) ટાપટીપને બદલે જરૂર પડતો મેકઅપ કરતી અને ઘરેલું હોવી જોઈએ.
(7) થોડુંઘણું ધર્મધ્યાનમાં માનતી હોવી જોઈએ.
(8) કરકસર કરવાની આદત ધરાવતી હોવી જોઈએ.
આ વિચાર કરતા માઈકાની ખૂબી અને ખામી શોધવાની કસરત શરૂ થાય છે અને બીજો વિચાર પણ આવે છે કે વેસ્ટર્ન કલ્ચરના રંગે રંગાયેલી માઈકા ગુજરાતી સાસુઓના આદશૉના વર્તુળમાં થોડી આવી શકે ? છતાં પણ આશા અમર છે. માઈકાને થોડી ધીરજથી સમજાવીએ તો તેની મૂંઝવણનો અંત આવી શકે છે.
માઈકાની નજર મારા પર પડતા જ તેને હાથના ઈશારાથી મારી પાસે બોલાવું છું અને તેની સાથે વાર્તાલાપ શરૂ કરું છું :
'તને ભારતીય અને ગુજરાતીઓની ફેમિલી લાઈફમાં રસ છે ?'
'બહુ નહીં ! પણ જીતના ઘરે આવવા-જવાથી તમારી લાઈફ સ્ટાઈલ જોવા મળી છે.'
'જીતની મમ્મીની પસંદગી શું છે તેની જાણ છે ?'
'હા ! તેને ઈન્ડિયન છોકરીનો મોહ છે અને આવતા વર્ષે કદાચ જીત માટે છોકરી જોવા ઈન્ડિયા જવાના છે !'
'ત્યારે જીતનો પ્રતિભાવ શું હતો ?'
'થોડો ગભરાયેલો લાગતો હતો. તેના ચહેરા પરથી લાગે છે કે હજુ નક્કર વાત પર આવી શકયો નથી.'
'તમે બન્ને એકબીજા વિના રહી શકશો ?'
'ના...! જીત પણ આવું ઇચ્છતો નથી.'
'મને માઈકાના સ્વભાવની ખબર છે. આમે પણ ફિલિપિન સ્ત્રીઓ કામની બાબતમાં બહુ ચીવટ રાખે છે અને ચોખલિયાપણું તેની ખાસિયત છે. ઑફિસમાં હંમેશા પેન્ટ અને શર્ટ પહેરીને આવે છે. વધારે સમય ગંભીર બનીને કામમાં ડૂબેલો હોય છે અને કયારેક મારી સાથે અથવા વાફા સાથે થોડી ગપસપ કરવા આવે છે.
આપણી ગુજરાતી મમ્મીઓ થોડી ભોળી છે અથવા આપણો સ્વભાવ જ એવો છે. કદાચ એટલે જ ગુજરાતમાં આજે પણ કુટુંબભાવના એટલી મજબૂત છે અને સંયુકત કુટુંબની બોલબાલા છે.
અહીંયા ઈંગ્લેન્ડમાં પણ ગુજરાતી ફેમિલીનાં છોકરાઓ અને છોકરીઓ પૂરેપૂરા પશ્રિમી સંસ્કૃતિથી રંગાયાં નથી એવું મને લાગતું હતું.
ફરી માઈકા સાથે વાતૉનો દોર આગળ વધે છે : 'તું જીતના ઘરે એક વીકમાં કેટલીવાર જાય છે ?'
'બેથી ત્રણ વખત અને દર રવિવારે તો જવાનું પાકું હોય છે.'
'તું નોનવેજ ખાય છે ?'
'બહુ નહીં, મને રેડમિટની એલજીઁ છે એટલે કયારેક ચિકન અથવા સી ફૂડનો સ્વાદ માણું છું.'
'જીતનું ફેમિલી જૈન હોવાથી સૌથી વાંધો આ બાબતમાં પડવાનો છે. મારી વાત ધ્યાનથી સાંભળી અને તેનો અમલ કરશે તો માનવા મુજબ જીતની મમ્મીને ખુશ કરી શકે છે.'
'ઓ.કે., જલદી કહેવા માંડુ. ' માઈકાની આંખોમાં ઈંતેજારી સ્પષ્ટ દેખાય છે.
'હવેથી જયારે જીતના ઘરે જવાનું થાય ત્યારે જીતની મમ્મીને તારે જણાવવું પડશે કે મેં નોનવેજ ખાવાનું છોડી દીધું છે.'
'પછી?'
કયારેક કયારેક શકય હોય તો ગુજરાતીઓ છોકરીઓ પહેરે છે તેવા ડ્રેસ પહેરવાના અને કદાચ તારી પાસે હોય નહીં તો જીતને વાત કરી બે-ત્રણ ડ્રેસનો ખચૉ કરવો પડશે અને કયારેક કપાળે ચાંદલો કરીને જીતને સરપ્રાઈઝ આપવી, એટલે જીતને પણ તારા પ્રત્યે થોડી પોતીકી લાગણી જન્મશે.'
'ઓહ ઈન્ટરેસ્ટીંગ.' માઈકા આંખો પહોળી કરીને બોલે છે.
'જયારે તું જીતના ઘરમાં હોય ત્યારે તેની મમ્મીને કામમાં મદદ કરવી અને તેનાથી પણ આગળ વધીને તેના ઘરના રસોડા સુધી ઘૂસી જવાનું અને ગુજરાતી ફૂડના પ્રિપરેશન પર વધુ ધ્યાન આપવાનું અને એકાદી રેસિપીની બુક ખરીદી તેમાંથી થોડી વાનગી બનાવવાની કળા જાણીને વાનગી જીતના ઘરે બનાવી તેની મમ્મીને સરપ્રાઈઝ આપવાની રહેશે.'
'જીતને નોનવેજ ફૂડનો શોખ છે ?'
'સમ ટાઈમ ! પણ કયારેક જ, ફકત ચિકન અને એ પણ 'મેકડોનાલ્ડ' નું ફ્રાઈડ ચિકનનો ટેસ્ટ કરે છે. કારણ કે તે લોકો જૈન હોવાથી તેના ઘરમાં નોનવેજ ફૂડની સખત મનાઈ છે.'
ઇંગ્લેન્ડમાં આવી વાતો કરવી પાગલપણાની નિશાની છે. પણ કયારેક સાવ નજીવી બાબતની બહુ મોટી અસર સર્જાય છે.
'તારા કહેવા મુજબ દર રવિવારે જીત અને તેની મમ્મી વેમ્બલીના દેરાસરે અચૂક જાય છે. એટલે કયારેક તારે પણ જીદ કરીને દેરાસરે જવાનો આગ્રહ રાખવો અને કદાચ તેની મમ્મી માની જાય તો દર રવિવારે તેની સાથે તારે દેરાસર જવાનો સિલસિલો ચાલુ રાખવાનો છે.'
'હા !' એકદમ ધ્યાનમગ્ન થયેલી માઈકા જવાબ આપે છે.
'હવે છેલ્લે, તારે મને એક વાતની ચોખવટ કરવી પડશે કે તું તારી રીતે તૈયાર છે ? ગુજરાતી જૈન ફેમિલીમાં તું તારી જાતને સેટ કરી શકે છે ?'
'મારી પૂરેપૂરી તૈયારી છે અને આખરે મારી જિંદગીનો સવાલ છે. કારણ કે હું અને જીત એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છીએ.' માઈકા ભાવુક બની જાય છે.
'માઈકા, જો આ ઉપાયોના લીધે તારું કામ થઈ જશે તો જીવહિંસાનાં વિરોધી આ પરિવારની વહુ બનવાની વાર લાગશે નહીં.'
'થેંકસ માય ફ્રેન્ડ.' માઈક મારા વાળમાં હાથ ફેરવીને ચાલતી પકડે છે.
'થેંકસ માય બ્રધર.' આ શબ્દ પણ મને સાંભળવા ગમે છે, કારણ કે આવતી કાલે રક્ષાબંધનનો તહેવાર છે. પ્રવીણભાઈના ધેર પ્રિયાએ મોકલેલી રાખડીનું કવર પ્રવીણભાઈ પાસેથી ઑફિસમાં લેવાનું યાદ આવ્યું એટલે તેની કેબિન તરફ રવાના થયો. રાખડીનું કવર મારા ખિસ્સામાં રાખી મારા ટેબલ તરફ રવાના થયો. પ્રિયા સિવાય અહીં લંડનમાં પણ એક રાખડી બંધાવવા માટે બહેન રહે છે તેની યાદ પણ આવી ગઈ છે. આપણા હિન્દુઓના તહેવાર ઉત્સવો છે. આ ઉત્સવો અને તહેવારો થોડા થોડા સમયે તમારી લાગણીઓ પુનર્જીવિત કરે છે.
એક બાજુ એ વિચાર આવે છે કે આધુનિક વિચારો ધરાવતાં સંતાનો એક વાતને ભૂલી ગયા છે કે તેના માતા પિતાના સ્વભાવ બદલી શકવાનો નથી, છતાં પણ લગાતાર આ કોશિશ જારી રાખે છે. નિઃસંતાન માબાપને સંતાન દત્તક લેવા માટે અનેક સંસ્થા છે, પણ અનાથ બાળકોને મા-બાપને દત્તક લેવાની એક પણ સંસ્થા નથી. માબાપ સાથે થોડું સમાધાન કરીને માબાપના વિચારો બદલાવવાની બદલે પોતાના વિચારો બદલી શકે તો આ 'જનરેશનગેપ' નામની વાડ કદી માબાપ અને સંતાનો વચ્ચે બાધારૂપ બનશે નહીં. કારણ કે આપણા ગુજરાતી માબાપોનો ઉછેર મોટેભાગે આપણીગ્રામીણ સ્સ્કૃતિ વચ્ચે થયેલો હોવાથી અહીં ઈંગ્લેન્ડમાં આવ્યા પછી બહુ બદલાવ આવતો નથી, જે મને જોવા મળ્યું છે.
આ સાંસ્કૃતિક વારસો આપણા દરેક ગુજરાતીઓને દુનિયાના કોઈ પણ દેશમાં તેના વાતાવરણમાં પોતાની જાતને સુરક્ષિત ગોઠવી નાખે છે અને એક વાત ખાસ ધ્યાનમાં આવી કે, કોઈપણ દેશની સંસ્કૃતિને એક લિમિટ સુધી જ અપનાવે છે અને આ લિમિટ પૂરી થાય એટલે આપોઆપ ફરીથી ગુજરાતી સંસ્કૃતિનો માણસ બની જાય છે.
ઑફિસેથી છૂટયા પછી વાફા મને વેમ્બલી આશાને ઘેર મૂકવા આવે છે. આશા સાથે સવારે વાત થયા મુજબ રક્ષાબંધન હોવાથી રાખડી બંધાવવા સાંજે જવાનું નક્કી કર્યુ હતું.
સાત વાગ્યાનો સમય છે. હું અને વાફા આશાના ઘરે પહોંચી ગયાં. અહીં આશા અને શૈલેષ અને તેનાં બે સંતાનો રહે છે.
વાફાને જોઈને આશાની આંખોમાં પેદા થયેલા આશ્વર્યનો ભાવ સ્પષ્ટ દેખાય છે, એટલે હું સામેથી આશાને જાણ કરું છું કે, 'અમારી ઑફિસમાં મારી સાથે નોકરી કરે છે.'
પ્રિયાએ મોકલાવેલી રાખડી અને આશાની રાખડી મારા હાથમાં બાંધેલી છે. તે જોઈને વાફા મને પૂછે છે કે, 'આ રાખડી શા માટે બાંધવામાં આવે છે?'
મારી બદલે આશા જવાબ આપે છે : 'આ રાખડી ભાઈને રક્ષા માટે બાંધવામાં આવે છે, જેથી દુનિયાની બૂરી નજરથી તેનો ભાઈ બચી જાય અને કોઈપણ સંકટના સમયમાં આ રાખડી તેની રક્ષા કરે છે અને આ લંડન શહેરમાં આ રક્ષાની બહુ જરૂર રહે છે.' આશા મારી સામે જોઈને હસે છે.
'આ છોકરી તારી ફ્રેન્ડ છે કે બીજું કાંઈ ચક્કર છે ?' આશા સૂચક ભાષામાં મને પૂછે છે.
'અહીં લંડનમાં તું કેમ આવાં સવાલ પૂછે છે ?'
'એટલે તો આ સવાલ પૂછવો પડે છે ?' આશા કંઈક જાણવાના આશયથી પૂછતી હોય તેવું લાગ્યું.
'તે ફિંચલી રોડ પર રહે છે એટલે રોજ તેની સાથે બેકર સ્ટ્રીટથી તેની કારમાં ઘરે પહોંચવા મને સહેલાઈ રહે છે.'
'આ લંડનની છોકરીઓનો ભરોસો કરવા જેવો નથી, તું આવ્યાને હજુ માંડ દોઢ મહિનો થયો છે, એટલે તને બહુ ખબર નહીં પડે, વિક એન્ડમાં તારા ખિસ્સા ખાલી કરાવી નાખશે અને આ છોકરી બ્રિટિશ લાગતી નથી, મને તો કોઈ બીજા દેશની લાગે છે ?' આશા ગુજરાતીમાં બોલતી હોવાથી વાફાને આશા શું બોલે છે તેની સમજમાં આવતું નથી.
'તારી વાત સાચી છે ! આ અરબસ્તાની છોકરી છે અને તેના માબાપનાં બંનેનાં બીજાં ઘર થયા હોવાથી એકલી રહે છે
અને તેના પિતાએ તેના નામે બે મકાન અને ચાર લાખ જેટલા પાઉન્ડ કરી દીધાં છે.'
'ઓહ ! ફોર હન્ડ્રેડ થાઉઝંડ પાઉન્ડ અને બે મકાન આ એકલી છોકરી પાસે છે ?' આશા આશ્વર્ય સાથે બોલે છે.
'તારે મારા માટે કોઈ ચિંતા કરવી નહીં, અહીં દોઢ મહિનો રહીને અહીંના માહોલનો હું પૂરેપૂરો જાણકાર બની ગયો છું.'
'આ લંડન શહેર જ એવું છે. ભલભલા અહીં આવીને લપસી પડે છે. બહુ ધ્યાન ન આપીએ તો આપણો હસબન્ડ પણ આપણાં હાથમાંથી છટકી જાય છે.' આશા હસતા હસતા કહે છે.
વાતોનો દોર ખતમ થાય છે, એટલે આશાને હું મારા ખિસ્સામાંથી ત્રણસો પાઉન્ડ આપું છું. એટલે આશા કહે છે, 'તું ગાંડો થઈ ગયો છે. આ ત્રણસો પાઉન્ડ બહુ વધુ છે.'
એટલે મેં કહ્યું કે, 'તું શા માટે ચિંતા કરે છે ? તારો ભાઈ અહીંયા માલદાર બની ગયો છે.' મારા ખિસ્સામાં પડેલા પાઉન્ડ બહાર કાઢી અને આશાને બતાવ્યા ત્યારે તેને થોડી રાહત થઈ હતી.
આશાને ઘેર રાત્રે જમીને હું વાફા રવાના થયાં. આવતી કાલે ટર્કી જવા નીકળવાનું છે એટલે મારો અને વાફાનો સામાન પેક કરવાનો છે.
વાફાના ઘરે પહોંચ્યા પછી ખરીદી કરેલાં નવાં કપડાં અને બીજો સામાન એક જ બઁગમાં પેક કરી દીધો અને હું વાફાના મકાનમાં પહેલા માળે તેના રીડિંગ-રૂમમાં પ્રવેશ કરું છું.
ઉપરના રૂમમાં વાફાએ પણ મારી જેમ પુસ્તકોની પોતાની અલગ લાઈબ્રેરી બનાવી છે. ઈંગ્લીશ સાહત્યિનાં પુસ્તકોથી સમૃદ્ર લાઈબ્રેરી જોઈને વાફા પ્રત્યે માન વધી ગયું. લગભગ ત્રણસોથી ચારસો જેટલા પુસ્તકોમાંથી કોઈ સારું પુસ્તક શોધવાની કસરત શરૂ થાય છે.
'હેલો...! ચોરીછૂપી અહીંયા શું કરે છે ?' વાફાનો મધુર સ્વર કાને પડે છે.
'કોઈ સારા લેખકોનું પુસ્તક શોધું છું.' પુસ્તકની થપ્પીઓ જોતા જોતા જવાબ આપું છું.
'તારી નજર સામે જ દુનિયાનું ખૂબસૂરત પુસ્તક જીવંત ઊભું છે.' વાફા લહેકાથી જવાબ આપે છે.
'આ પુસ્તક તો અરેબિક ભાષામાં લખાયેલું છે એટલે મને વાંચતા થોડું આવડશે ?'
'નીચે આવી જા, ટર્કીથી આવીને પુસ્તકો વાંચવા હોય તેટલા વાંચજે, થોડી ગપસપ થઈ જાય એટલે તને ઘરે મૂકી જઈશ.'
પુસ્તક વાંચવાનો વિચાર પડતો મૂકીને નીચે ડ્રોઇંગ રૂમમાં સોફા પર લંબાવું છું.
'આટલી સંખ્યામાં તારી લાઈબ્રેરીમાં પુસ્તો વસાવ્યાં છે, તું કયારે વાંચે છે ?'
'આ પુસ્તકો નથી પણ રાત્રીના મારા સ્વપ્ન પુરુષોની હારબંધ કતાર છે અને દર અઠવાડિયે બે કે ત્રણ દિવસ કોઈ એક સ્વપ્ન પુરુષ મારી છાતી પર સૂઈ જાય છે, પછી જ મને ઘસઘસાટ અંદર આવે છે. મારી એકલતાના સાચા સાથીદાર છે,
જેને કદી મારી સાથે બેવફાઈ કરી નથી. મારી જિંદગીમાં તાજગી બક્ષતાં તમામ તત્વો આ સ્વપ્ન પુરુષમાં મોજુદ છે.
' વાફાના અવાજમાં એકલતાનો દર્દભર્યો અવાજ ટપકતો હતો.
વાફાની વાત એકદમ સાચી લાગતી હતી. જિંદગીમાં પુસ્તકો તમારા માટે રાહબર, મિત્ર, પ્રેમિકા અને વડીલ જેવું કામ કરે છે. કોઈપણ એક પુસ્તક તમારી જિંદગીને બદલી નાખવાની તાકાત ધરાવે છે. મારા પુસ્તકોને કારણે મને કદી પણ દસ ધોરણ પાસ હોવાનો અહેસાસ થયો નથી, આપણા ગુજરાતી સાહિત્યના પુસ્તકો એટલા સમૃદ્ર છે કે જેના થકી મેળવેલા જ્ઞાનથી મોટી કંપનીઓના ઑફિસરો સાથે આંખથી આંખ મિલાવીને વાત કરી શકું છું. કોઈની ખૂબસૂરત જિંદગી માટે ખૂબસૂરત પુસ્તક પણ જવાબદાર હોય છે. એટલે જ વાફાની બધા વિષયો પર જાણકારી જોઈને તેના ઉપર વાચનની કેટલી અસર છે, તે જાણ થઈ જાય છે.
દુનિયામાં સારા માણસ બનવા માટે સારું વર્તન, સારા વિચારો, સારી ભાષા અને સારા પુસ્તકોનું વાચન અત્યંત જરૂરી છે.
અમુક લેખકોનાં પુસ્તકો પ્રત્યેનું આકર્ષણ એટલું જ જલદ હોય છે, જે સારી અને સુંદર છોકરીને જોઈને આકર્ષણ થતું હોય તેવું...!
યુવાનોને આકર્ષિત કરે તેવા લેખકોની તો પાંચે આંગળીઓ જાણે ઘીમાં બોળેલી હોય છે.
વાફાની વિદાય લઈને હું ઘરે પહોંચું છું. સવારે સાડા બાર વાગ્યાની કતાર એરલાઈન્સમાં ઈસ્તંબુલની ફલાઈટમાં અમારે ચારે જણા એટલે હું, વાફા, ડગ્લાસસર અને ઈન્સ્પેકશન માટે આયુકત ઑફિસર રોજર સ્કોટની ટિકિટ અને હૉટલ બુકીંગની બધી તૈયારીઓ આગલા દિવસે જ પૂરી કરી દેવામાં આવી હતી.
આજે પહેલી વખત ઈંગ્લેન્ડમાં આવ્યા પછી રાત્રીના અગિયાર વાગ્યે સૂવાનો વારો આવ્યો છે. નયનતારા ના વિચારો આવતા જ બે કલાક સુધી પથારીમાં પડખા ઘસવા પડે છે. પ્રેમમાં પડેલા માણસને અનિદ્રાનો ભોગ બનવાની તૈયારી રાખવી પડે છે.
બીજા દિવસે બપોરના ત્રણ વાગ્યે અમારી ફલાઈટ આતાતુર્ક કમાલપાશા એરપોર્ટ પર ઊતરે છે. કસ્ટમવિધિ પતાવી એરપોર્ટ બહાર નીકળીને ટર્કીની કંપનીએ મોકલાવેલી કારમાં અમારો ઈસ્તંબુલનો પ્રવાસ શરૂ થાય છે. આ દેશનો નેવું ટકા જમીની હિસ્સો એશિયાખંડમાં છે અને દસ ટકા જેટલો હિસ્સો યુરોપ ખંડમાં છે.
અમારી કાર શેરટોન ઈસતંબુલ હૉટલમાં પહોંચે છે. ટર્કીની કંપનીના બે ઑફિસર અમારી સેવામાં હાજર છે. તેમાંના એક ઑફિસરના જણાવ્યા મુજબ અમારે અડધી કલાક પછી તેની ફેકટરીએ જવા નીકળવાનું છે.
ઇસતંબુલથી લગભગ પાંત્રીસ કિલોમીટરદૂર આવેલી એસ.એન.ટી. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે અમારી કાર પહોંચે છે, જે સળિયા અમારી કંપનીમાં મોકલવાના છે. તે બધા વ્યવસ્થિત રીતે બેંચમાર્ક ટેગ લગાવેલા અલગ જથ્થામાં પડેલા છે.
બ્રિટિશ કંપની તરફથી આવેલા રોજર પોતાનું કામ શરૂ કરે છે. બેંચ પ્રમાણે દરેક બંડલના ચેકિંગ કરીને રિપોર્ટ ભરવામાં આવે છે. એક એક કામ ચોકસાઈથી કરવામાં આવે છે. સળીયાના બેન્ડ ટેસ્ટ, રીબેન્ડ ટેસ્ટ, એલોગેશન, કાર્બનની ટકાવારી માટે તેના સેમ્પલ કંપનીની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. રિપોર્ટ આવવામાં હજુ એક કલાકની વાર છે એટલે કંપની વિઝિટ માટે અમો રવાના થયા.
આ બધી વિધિ પૂરી થતા લગભગ આઠ વાગી ગયા. અમારી કાર ફરી પાછી શેરેટોન ઈસ્તંબુલ હૉટલ પર પહોંચે છે. કંપનીનો એક માણસ અમોને એક કલાક.પછી ફ્રેશ થઈ તૈયાર રહેવાનો હુકમ આપે છે. એસ.એન.ટી. કંપનીના મેનેજમેન્ટ તરફથી ગાલાટા ટાવરમાં અમારા માટે એક ડીનર મીટિંગ ગોઠવી છે.
ટર્કીની અઠાણું ટકા વસતિ મુસ્લિમ છે પણ અહીંનું વાતાવરણ જોતાં જાણે યુરોપમાં જ હોય તેવું લાગે છે. વાફાની પ્રતિકૃતિ સમી ટર્કીશ છોકરીઓ એરપોર્ટથી લઈને હૉટલના પેસેજ સુધી જોવા મળી. કમાલપાશાની કમાલ પૂરા ઈંસ્તમ્બુલમાં જોવા મળી હતી. પૂરેપૂરી પશ્રિમી અસરની રંગે રંગાયેલો આ દેશ પહેલી નજરમાં દિલમાં વસી જાય છે.
રાત્રીના દસ વાગ્યાની આસપાસ અમો ચારે જણા ગાલાટા પહોંચી ગયા. કંપનીના ઑફિસરો સાથે ઓળખાણ વિધિ પૂરી થયા પછી ટર્કીની રંગનિયતનો માહોલ બને છે. ટર્કીશ ફોલ્ક સંગીતનો કાર્યક્રમ શરૂ થાય છે. એકાએક શરીરમાં કંપનો પેદા થાય છે. ના સમજાય તેવું અરબી સંગીત જેવું સંગીત કાયાને કાયનાતમાં ઓગળી જવા મજબૂર કરે છે.
બાવીસ વર્ષની ઉંમરમાં પહેલીવાર આવો હસીન માહોલ, ચમકતાં કપડાંઓમાં ટર્કીની હસીનાઓ જોઈને યુવાન હૈયાંઓ અરમાનોની બૌછારો ઉડાડવા મજબૂર બની જાય છે. કાતીલ સૌંદર્ય અને માદક યૌવન જોઈને તુર્ક સુંદરીઓને ઉઠાવી જવાનું મન થઇ જાય છે. અચાનક મારા હાથને વાફાનો સુકોમળ હથેળીનો સ્પર્શ થાય છે. વાફાના ચહેરાના નકશાને જોઈને એક વાત પાક્કી થઈ ગઈ કે વાફાનો પિતા તુર્ક જ હોવો જોઈએ. વાફાના સૌંદર્યને ટક્કર મારે તેવી નૃત્ય કરતી તુર્કી નર્તકીઓ, ઑફિસરોની પત્નીઓની હાજરી માહોલને મદમસ્ત બનાવે છે.
શરબોના ગ્લાસના ટકરાવ, આંખોમાં નશો, રંગીન તબિયત અને વાફા જેવી હસીનાનો સાથ, ઉડતાં જિસ્મો, થીરકતા નિતંબો અને વ્હીસ્કીનો ચોથો પેગ કીક મારે છે. વાફાનો ડ્રેસ પણ ભલભલાને પાગલ બનાવે છે. વાફાની ઘુંઘરાળી લટો પણ શરબી બનીને આમથી તેમ ડોલે છે. રોજર અને ડગ્લાસ સર એક જગ્યાએ સ્થિર થઈને શરાબી મસ્તીમાં મસ્ત બનીને નઝારો જોવામાં મશગૂલ છે.
એ ગાલીબ શરાબ કી પ્યાલી છોડ દે
એ ગાલીબ ગઝલ કો છોડ દે,
અરબી હુશ્ન કી કલિયા, ઈસ્તંબુલ કી
ગલિયાં, અરબી ફૂલો કી કલીયોં કે
ચમન મેં આજ તેરી જરૂરત હૈ,
ગઝલ છોડ દે યાર, આજ થોડી ઈશ્કબાજી કર લે.