નગર - 29 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

નગર - 29

નગર-૨૯

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન એલીઝાબેથને આંચલની ડીનર પાર્ટીમાં આવવા મનાવી લે છે. એલીઝાબેથ તૈયાર થઇને જ્યારે નીચે ઉતરે છે ત્યારે ઇશાન તેની સુંદરતા નીરખી સ્તબ્ધતામાં સરી પડે છે.... હવે આગળ વાંચો...)

ઇશાન કાર ચલાવી રહયો હતો. તે હજુપણ સ્તબ્ધ હતો. એલીઝાબેથે તેને સરપ્રાઇઝ કરી નાંખ્યો હતો. આજદિન સુધી તેણે એલીઝાબેથને હંમેશા જીન્સ-ટીશર્ટ થવા શોર્ટી અને શર્ટમાં જ નિહાળી હતી. તે હંમેશા એવા કપડા પહેરતી. જો કે એવા વસ્ત્રો તેને ઓપતા પણ ખરા.... પણ, આજે પહેલીવાર તેણે ગાઉન પહેર્યુ હતું. રેડ કલરનાં ગાઉનમાં તે એટલી સુંદર અને જાજરમાન લાગતી હતી કે ઘડીભર માટે ઇશાન માની શકયો નહોતો કે તેની સામે એલીઝાબેથ ઉભી છે. તે એક અકથ્ય આનંદ, અકથ્ય સંવેદન અનુભવતો એલીઝાબેથને લઇને રેસ્ટોરા તરફ જવા નીકળી પડયો હતો. કાર ડ્રાઇવ કરતી વખતે પણ તે વારે-વારે બાજુમાં બેસેલી એલીઝાબેથને નિરખી લેતો હતો.

“ તું આગળ ધ્યાન રાખીને ચલાવ તો વધુ સારું. આમ વારેવારે મને નિરખવાની કોઇ જરૂર નથી.” આખરે એલીઝાબેથ બોલી ઉઠી. ઇશાનની નજરોમાં આવતા ભાવો તેને ગમતાં હતાં. એ કોઇપણ સ્ત્રીને ગમે એવી બાબત હતી.

“ તું ગજબની સુંદર લાગે છે આજે...” તે સંમોહનમાં બોલ્યો.

“ થેંક્યુ... પણ હું તો એ જ છું. માત્ર વસ્ત્રો બદલાયા છે. તું મને ચાહે છે કે મારા વસ્ત્રોને...?” એલીઝાબેથે મજાકમાં પુછયું.

“ એમ તો તું મને વસ્ત્રો વગર વધુ ગમે....” ઇશાન આંખ મીચકારતા બોલ્યો.

“ ઇશાન...!” એલીઝાબેથની આંખો પહોળી થઇ. “ તું ભયંકર છે.” તેણે ઇશાનનાં ખભે મુઠ્ઠીઓ પછાડી. ઇશાન હસી પડયો અને તેણે કારનાં એક્સિલેટર ઉપર પગ દબાવ્યો.

નગરનાં પહોળા-સુંદરતમ્ રસ્તા ઉપર સાંજ ઢળતાં સ્ટ્રીટ લાઇટો શરૂ થઇ ગઇ હતી. એ લાઇટોનાં પીળાં પ્રકાશમાં નહાઇ ઉઠેલો ડામર રોડ, અને રોડની બંને બાજુએ બનેલા બંગલાઓની હારમાળા ઝડપથી પસાર થઇ રહયા હતા. થોડીવારમાં ઇશાનની કાર નગરનાં ટાઉનહોલ વાળા ચૌરાહા ઉપર આવી પહોંચી હતી. ટાઉનહોલ વાળા ક્રોસિંગને વટતા થોડે આગળ નગરનો એક માત્ર શોપીંગ મોલ હતો. આંચલે જળાવ્યું હતુ કે એ મોલનાં ટેરેસ ઉપર હમણાં જ એક ઓપન રેસ્ટોરાં શરૂ થઇ હતી. આંચલે તેને ત્યાં જમવા આમંત્ર્યો હતો. ઇશાને એ ચાર રસ્તાનું ક્રોસીંગ વટાવી કારને મોલ ભણી લીધી હતી.

***

વિભૂતી નગરમાં ઘણા બધા બનાવો એકસાથે, અથવા તો એક પછી એક બન્યા હતાં.

નીલીમા બહેનનું મોત નિપજ્યું હતું. મોન્ટુ નીલીમા બહેનની લાશ પાસે બેહોશ પડયો હતો. નગરની એક માત્ર પોલીસ ચોકી ઉપર વીજળીઓ ત્રાટકી હતી. જેમાં એક ચા-વાળો મરાયો હતો અને એક કોન્સ્ટેબલ ગંભીર રીતે દાઝયો હતો. હોસ્પિટલમાંથી રોશન પટેલ ગાયબ થયો હતો. માથુર સાહેબ નગરનાં દરિયામાં અચાનક પ્રગટેલા જહાજ ઉપર ઉભેલા ભયાનક આદમીના હાથે મરાયા હતા. દરિયાનાં પેટાળમાંથી નીકળેલી એક સુંદરતમ્ સંદુકમાંથી ચીજો વીખેરાઇને બહાર વેરાણી હતી જેમાંથી એક ઘડીયાળ માથુર સાહેબ પાસે પહોંચી હતી અને એક કલાત્મક અરીસો આંચલનાં રેડિયો સ્ટેશનનાં એક ડેસ્ક પર પડયો હતો. એલીઝાબેથને અજાણતાં જ પેલા ચિન્હોનું રહસ્ય હાથ લાગ્યું હતું જેના વીશે તે નગરનાં મંદિરનાં પુજારી શંકર મહારાજને પુછવા જવાની હતી. શંકર મહારાહ ખુદ સન્નટામાં ચાલ્યા ગયા હતા... અને તેમણે ઇશાનને નગરનાં ભૂતકાળની ઘટનાઓથી અવગત કર્યો હતો. મહારાજની કહાની સાંભળી ઇશાન અવિશ્વાસની ગર્તામાં ડૂબી ગયો હતો કારણ કે તેણે ખુદ એક પ્રેતાત્માના સાયાને નગરનાં ટાઉનહોલનાં પરીસરમાં બનતા મંડપમાં લહેરાતા જોયો હતો. એ મંડપમાં નગરનાં સન્માનનીય બુઝુર્ગોની મૂર્તિઓ સ્થાપિત કરવાની હતી. નવનીતભાઇ ચૌહાણ એ મૂર્તિઓ લઇને સુરતથી વિભૂતી નગર આવવા નીકળી ચુકયા હતાં. નગરનાં આકાશમાં હજુપણ બિહામણા ધુમ્મસના કાળા ધબ્બ વાદળો મંડરાઇ રહયા હતા.

આ ઉપરાંત પણ નગરમાં ઘણીબધી અનહોની ઘટનાઓ ઘટી ચુકી હતી જે એક સામાન્ય માનવીય સમજની બહાર હતી. આવું કેમ બનતું હતું એ કોઇ નગરવાસી સમજી શકયો નહોતો...અને આગળ ભવિષ્યમાં નગર ઉપર કેવા-કેવા સંકટો ત્રાટકશે એ પણ કોઇ જાણતું નહોતું.

દોઢસો વર્ષ પહેલાં સોલોમન ટાપુ ઉપર રહેતા લોકો એકા-એક કયાં ગાયબ થઇ ગયા એ રહસ્ય આજદિન સુધી વણસુલઝેલું હતું. દક્ષિણ ગુજરાતનાં અરબી સમુદ્રનાં કાંઠે વસેલી માછીમારોની એક બસ્તી ખુબ જ ટુંકાગાળામાં વિભૂતી નગર જેવા સમૃધ્ધ ટાઉનમાં કેવી રીતે તબદીલ થઇ ગઇ એ પણ કોઇ જાણતું નહોતું.

રહસ્યોનાં વમળમાં ગોતા ખાતું એક “નગર” એકાએક કેમ દુન્યવી દુનિયાની અગોચર શક્તિઓનું શિકાર બનવા લાગ્યું હતું.....?

***

આંચલ ઘરે જઇને તૈયાર થવાનું વિચારતી હતી. હજુ તે તેના રેડિયો સ્ટેશન પર જ હતી. તેના મનમાં વિચારાનો શંભુમેળો ભરાયો હતો. ઇશાને એકાએક તેની સમક્ષ આવીને તેને ખળભળાવી મુકી હતી. બાળપણનાં નાદાનીયત ભર્યા સહવાસને તે પ્રેમ જેવું રૂપકડું નામ આપી શકે એ પહેલા ઇશાન તેનાથી દુર ચાલ્યો ગયો હતો. તેના જીગરમાં ઇશાનની યાદો સમયનાં વહેણ સાથે ભુલાતી ચાલી હતી...અને, એકાએક એક દિવસ એ તેની સમક્ષ આવીને ઉભો રહયો હતો. એ સમયે તે શું રિએકશન આપે એ તેને સમજાયું નહોતું. તેણે ઇશાનને સાંજે ડીનર પર આવવાનું આમંત્રણ આપીને પોતે સ્વસ્થ થવા થોડો સમય ચોરી લીધો હતો. જોકે એક બાબત એ પણ સ્પષ્ટ હતી કે તે ઇશાનને આજે પણ એટલોજ પસંદ કરતી હતી જેટલો ભૂતકાળમાં કરતી હતી. હવે તે સીરીયસલી તેનાં પ્રેમમાં પડવાનું વિચારતી હતી.

“ ઇશાન...” તેના હૈયામાંથી એક આહ નીકળી. તેણે માથું ધુણાવ્યુ અને ઇશાનનાં વિચારો મનમાંથી ખંખેર્યા. ઘરે જવું કે નહિ એ દુવિધા હતી. દિવાલે લટકતી ઘડીયાળમાં તેણે સમય જોયો. આઠ વાગવા આવ્યા હતા. “ બાપરે...! તે કદાચ આવી ગયો હશે.” ફરીવાર એકલા-એકલા બબડીને તેણે રેડિયો સ્ટેશનમાં ઝગતી લાઇટો બુઝાવવાનું શરૂ કર્યુ. અહીની તે સામ્રાગ્ની હતી. આ તેનું પોતાનું રેડિયો સ્ટેશન હતું એટલે આવી જાહોજલાલી તે ભોગવી શકતી. ઇચ્છા પડે ત્યારે આવતી અને પોતાની મરજી પ્રમાણે તે રજા પાડી શકતી. તેને ટોકવાવાળું કોઇ નહોતું એટલે આજે એક દિવસની છુટ્ટી લેવાનું તેણે મન બનાવી લીધુ હતું. સૌથી મહત્વની વાત તો એ હતી કે ઇશાન અત્યારે તેનાં વિચારોમાં છવાઇ ગયો હતો. જ્યાં સુધી તે ઇશાનને મળશે નહી ત્યાં સુધી તેના હૈયામાં શાંતિ વળશે નહિ એ હકીકત નિર્વિવાદીત હતી.

હવે ઘરે જવાનો કોઇ અર્થ તેને લાગતો નહોતો. ઘરે જઇને કપડા ચેન્જ કરે ત્યાં સુધીમાં ઘણો સમય વહી જાય. એ દરમ્યાન ઇશાન તેની રાહ જોઇને કંટાળીને ચાલ્યો જાય તો...? એટલે તેણે ઘરે જવાનું માંડી વાળ્યું. તેણે આજે ઓપન ગળાનું ગોળ કોલરનું વ્હાઇટ શર્ટ અને ભુખરા રંગનું કોડરોય પેન્ટ પહેર્યુ હતું. શર્ટને ઝડપથી પેન્ટમાં ખોસી તેણે “ઇન” કર્યુ અને ત્યાં લટકતા અરીસામાં પોતાની જાતને નિહાળી...પછી બંને હાથ ભેગા કરીને માથાનાં ખુલ્લા વાળને સરખા કર્યા અને ખભા ઉપરથી ઉલાળી આગળ છાતી ઉપર લીધા. ડાબી-જમણી બાજુ ગોળ ફરીને તેણે પોતાને અરીસામાં સરખી રીતે નિહારી. રાત પડવા છતાં હજુ તે ફ્રેશ લાગતી હતી. “નોટ બેડ...” તે બોલી અને છેલ્લી ઝગતી ટયૂબલાઇટની સ્વીચ બંધ કરી હાથમાં પર્સ ઝુલાવતી તે બહાર નીકળી. રેડિયો સ્ટેશનનાં દરવાજાને લોક કરી તે પોતાની કારમાં ગોઠવાઇ અને કારને નગરનાં મોલ ભણી મારી મુકી.

માત્ર પંદર-વીસ મિનીટમાં તે ત્યાં પહોંચી ગઇ હતી. મોલનાં પાર્કિંગ પ્લોટમાં પોતાની કાર પાર્ક કરી તે લીફ્ટમાં ઘુસી અને ટેરેસનું બટન દાબ્યું. “ ટેરેસ હેવન” રેસ્ટોરન્ટ હજુ હમણાં નવું જ ખુલ્યુ હતું. મોલનાં ટેરેસનાં એક તરફનાં ભાગને કવર્ડ કરીને ત્યાં રેસ્ટોરન્ટ બનાવાયું હતું. રેસ્ટોરન્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ હતુ કે થોડા સમયમાં તે નગરમાં ફેમસ બની ગયું હતું. ખુલ્લા ટેરેસનાં એક તરફનાં ભાગમાં કિચન હતું જ્યાં તરેહ-તરેહની વાનગીઓ બનતી. કિચનની સામેની તરફ ભોજન માટે આરામદાયક સોફા-ટેબલ ગોઠવાયા હતા જ્યા બેસીને લોકો જમતા. રેસ્ટોરન્ટનો આટલો ભાગ “ઇન-હાઉસ” હતો... મતલબકે ટેરેસનાં એટલા ભાગ પુરતો સ્લેબ ભરવામાં આવ્યો હતો અને દિવાલો ચણી તેને “પેક” કરવામાં આવ્યો હતો. તેની અંદર રેસ્ટોરન્ટનું ઇન્ટરીયર પણ અફલાતૂન કરાયું હતું. ત્યાંજ બિલીંગ કાઉન્ટર અને નાનકડો વેઇટીંગ એરિયા પણ હતો. આ સીવાય, ખુલ્લી અગાશીમાં થોડા ટેબલો ગોઠવાયા હતા. જે લોકોને બહાર ખુલ્લી હવામાં બેસીને ભોજનનાં સ્વાદ સાથે કુદરતી વાતાવરણ માણવું હોય એ લોકો આ ટેબલો ઉપર ગોઠવાતા. ટેબલ ઉપર વિશાળ કહી શકાય એવી છત્રીઓ મુકાઇ હતી, અને ત્યાં રંગબેરંગી રોશનીની સીરીઝ પણ લગાવાય હતી. કુલ મળીને આ પ્લેસ નગરવાસીઓનાં હેન્ગઆઉટ માટે એકદમ અનુકુળ સ્થળ સાબીત થઇ રહયું હતું.

આંચલ પહોંચી તેનાં થોડા સમય પહેલાં ઇશાન અને એલીઝાબેથ મોલનાં ટેરેસ ઉપર આવી પહોંચ્યા હતાં.

“ વાઉ ઇશાન...જગ્યા તો બેસ્ટ છે.” એલીઝાબેથને રેસ્ટોરન્ટ અને ટેરેસની જગ્યા ખરેખર પસંદ આવી હતી. “ તારી મિત્ર કયાં છે...” તેણે પુછયું. ઇશાને આંચલને શોધવા નજર ઘુમાવી. રેસ્ટારાંની અંદર માત્ર બે ટેબલ ભરેલાં હતાં જ્યાં ફેમીલી સાથે લોકો જમી રહયા હતા. એ સીવાય બાકી આખો હોલ ખાલી હતો. આંચલ ત્યાં નહોતી.

“ તે હજુ આવી નથી લાગતી...” ઇશાન બોલ્યો.

“ ઓહ...તો આપણે બહાર રાહ જોઇએ....” એલીઝાબેથે સુઝાવ આપ્યો એટલે તે અને ઇશાન હોલમાંથી નીકળી ટેરેસની પારાફીટ તરફ ચાલ્યા. મોલની અગાશી વિશાળ હતી. તેનાં એક કોર્નરમાં, રેસ્ટોરાંમાં બનેલું હતું એ સિવાય બાકીની જગ્યા ખુલ્લી છુટતી હતી.

તેઓ થોડું ચાલીને અગાશીની પારાફીટ પાસે આવ્યા અને ઉભા રહયા. આ તરફ અંધકાર હતો. રેસ્ટોરન્ટની દિવાલે સળગતા બલ્બનું આછુ અજવાળુ અહીં સુધી આવીને ખતમ થઇ જતું હતું. એલીઝાબેથે પાળીનો ટેકો લીધો અને સામે અંધકાર ઓઢેલા લહેરાતા ખેતરો તરફ નજર કરી. ઇશાન ખામોશીથી તેને જોઇ રહયો. ચંદ સેકેન્ડો વીતી...

“ ઇશાન...તને ખબર છે આજે લાઇબ્રેરીમાં શું થયું...?” એકાએક તે બોલી ઉઠી. ઇશાન સતર્ક બન્યો.

“ મને કેવી રીતે ખબર હોય...?”

“ ઓહ...યા...રાઇટ...! તું ત્યાં કયાં હતો. એકચ્યુલી એ સડનલી બન્યું હતું. હું લાઇબ્રેરીની દિવાલે લટકતા પીકચરો જોતી હતી કે અચાનક મને ખબર નહી શું થયું...? હું સીધીજ પુસ્તકોનાં વિભાગ તરફ ચાલી અને તેમાથી એક પુસ્તક મેં ઉઠાવ્યુ. તે પુસ્તકમાં જે ચિત્રો દોરેલા હતા એ અદ્દલ ત્યાંની દિવાલે ટીંગાતા ચિત્રો સાથે આબેહુબ મળતા આવતા હતા. મને એ જોઇને હેરાની થઇ....હું કોઇને કંઇ પુછુ એ પહેલા ત્યાં બેસેલા એક બુઝુર્ગ અંકલ મારી પાસે આવ્યા અને પુસ્તકમાં દેખાતા ચિત્રોનાં ઇતિહાસ વીશે મને જણાવ્યું”

“ શું જણાવ્યું એલી...” ઇશાનનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું હતું.

“ સોલોમન ટાપુ વીશે....” તે બોલી. પછી તેણે વિસ્તારથી લાઇબ્રેરીમાં શું બન્યું હતું એ ઇશાનને કહયું. “ મારે એટલે જ શંકર મહારાજને મળવું હતું. તું કાલે સવારે મને તેમની પાસે લઇ જજે....”

જે વાતથી બચવા ઇશાન એલીઝાબેથને અત્યારે અહી સાથે લઇ આવ્યો હતો એ જ વાત તેણે સામેથી ઉખેળી હતી. હવે તેને કેમ કરીને રોકવી...? આ બધી ઝંઝાળથી દુર કેમ રાખવી એ ઇશાનને સમજાતું નહોતું. રહી-રહીને શંકર મહારાજનું એક વાક્ય તેને યાદ આવતું હતું. તેમણે કહયું હતું... “ જે થવાનું હશે એ થઇને જ રહેશે...”

“ ઇશાન, તું સાંભળે છે ને...?” એલીઝાબેથે તેને સજાગ કર્યો.

“ હેં...હાં...! આપણે સવારે તેમની પાસે જઇશું....” તે બોલ્યો તો ખરો પણ એવી ઇચ્છા તેની સહેજે નહોતી. વર્ષો પહેલા નગરનાં કાંઠે લાંગરેલા “” એલીઝાબેથ ડેન ”” નામનાં જહાજ સાથે આ એલીઝાબેથને શું સંબંધ હોઇ શકે એની કલ્પના પણ તે કરી શકતો નહોતો.

“ કદાચ મને જે સ્વપ્નાઓ સતાવે છે એનું નિરાકરણ પણ એમની પાસેથી મળી રહે...” તે ફરી બોલી. “ આપણે એ બાબતે પણ તેમની સલાહ લઇશું.”

“ હાં....ઠીક છે. પણ અત્યારે તું કયા એ બધી બાબતો ઉખેળીને બેઠી છો. આપણે અહી એન્જોય કરવા આવ્યા છીએ તો લેટસ્ એન્જોય...” ઇશાને સરળતાથી વાત બદલી નાંખી. “ અને હાં, એક વાત તો કહેવાની રહી જ ગઇ...?”

“ શું...?” એલીઝાબેથે ભ્રમરો ઉંચી કરી.

“ એ જ કે આ રેડ ગાઉનમાં તું કયામત વિખેરી રહી છો...” ઇશાન બોલ્યો અને તે એલીઝાબેથની વધુ નજીક સરકયો. “તારા આ લાલ હોઠ મને વિહવળ બનાવી રહયા છે...” તેણે ફુસફુસાતા અવાજે કહયું.

“ યુ નોટી...” અને ઇશાન વધુ કંઇ બોલે એ પહેલા એલીઝાબેથ સામેથી ઇશાનને વળગી પડી અને ઇશાનનાં હોઠો ઉપર એક તસતસતું ચુંબન ચોડી દીધુ.

એ જ સમયે...આંચલ લીફ્ટમાંથી બહાર નીકળી હતી અને ટેરેસમાં આવી હતી. લીફ્ટના કોલાની બરાબર સામે....એકાંત મઢયા અંધકારમાં ઇશાન અને એલીઝાબેથ આપસમાં પ્રણયમાં ગુંથાયેલા હતા. આંચલની નજરો અનાયાસેજ એ તરફ ખેંચાઇ. પહેલા તે કંઇ સમજી નહી...પરંતુ એકાએક તેણે ઇશાનને ઓળખ્યો. સ્તબ્ધ બનીને તેનાં પગ ત્યાં જ થંભી ગયા...

( ક્રમશઃ )

મિત્રો...આ કહાની આપને કેવી લાગે છે...? એ વિશે તમારો અભીપ્રાય જરુર જણાવશો.

મારુ ઇ-મેઇલઃ- Pravinpithadiya33@gmail.com છે.

ઉપરાંત મારુ ફેસબુકઃ- Praveen pithadiya સર્ચ કરશો.

વોટ્સએપ નં- 9099278278.

ધન્યવાદ.