Kale malishu books and stories free download online pdf in Gujarati

કાલે મળીશું

હેપી વેલેન્ટાઈન ....

"ફરી મળીશું" - રેખા વિનોદ પટેલ


હું એટલેકે આયુષ મજમુદાર અને તું એટલેકે આભા મહેતા .....

એકજ ફળિયામાં સાથે રમીને મોટા થયેલા આપણે બેવ સમયની સાથે એકમેકમાં પરોવાઈ ગયા હતા. ક્યારેક હું તારો ચોટલો ખેચતો અને તું બદલામાં મને ચીમટો ભરી દુર જઈ લાંબો જીભડો બતાવતી . દિવસ બહારની બધીજ લડાઈ સાંજે છુટા પડતી વેળાએ આપણે બેઉ જણ આપણી બે ટચલી આંગળીઓ એકબીજાની સાથે અંકોડા જેવી ભીડીને "ફરી મળીશું " કહી હસીને છુટા પડતા . જોકે આપણે આ ગામમાં આવેલા નાટક "ફરી મળીશું " માથી જોઇને શીખ્યા હતા. બસ પછીતો આજ આપણી લડાઈ પછીની જાત મનામણી બની ગઈ હતી..

યૌવનની ની પાંખો ફૂટી ત્યારે અંતરમાં સેંકડો પતંગિયા ઘર કરી ગયા હતા , અવનવા સ્પંદનો રોજ ઇચ્છાઓ બની ઉડાઉડ કરતાં , હું પણ સપના જોતો હતોકે આભા મારી વહુ બનશે પણ એ માટે માટે પગ ઉપર ઉભા રહેવું જરૂરી હતું કારણ બાપાની કમાણી ઉપર જીવન આખું કાઢવું શક્ય નહોતું આથી મેં એન્જીનીયર બનવાનું સપનું પૂરું કરવા પાછળ બધું ઘ્યાન લગાવી દીધું ,પણ આ બધાની પાછળ એકજ આભા ચમકતી હતી તે હતી "મારી આભા ".

કોલેજના ચાર વર્ષ પછી આગળ ભણવા માટે ગામથી દુર વડોદરા ભણવા જવાનું થયું . મામા ત્યાં રહેતા હોવાથી હોસ્ટેલનો લાભ મળ્યો નહિ છતાં બાદ પહેલા ડીગ્રી પછી બીજું બધું વિચારી આભાને હૈયા ઉપર પથ્થર મુકીને અળગી કરી .

છેલ્લી મુલાકાતમાં મારા હાથને પકડીને તે બોલી હતી " આયુષ શું જવું આટલું જરૂરી છે ? તું અહીંથી અપડાઉન પણ કરી શકે છે , તારી કોલેજ માત્ર વીસ કિલોમીટર દુર છે ".

તેના હાથને પસવારતા હું બોલ્યો હતો " આભા મને આ ગામ અને તને છોડતા જીવ કપાય છે પણ હું આ આપણી માટે કરું છુ , બસ એક વખત સારા માર્ક સાથે ઉતીર્ણ થઈશ તો કોઈ પણ સારી ફર્મમાં મને ઝડપથી નોકરી મળી જશે બસ પછી તું અને હુ સાથેજ હોઈશું સમાજ કે માં બાપ આપણને રોકી નહિ શકશે " .

હું ભારે હૈયે ગામ છોડી ગયો હતો. સ્ટડી સાથે મામાના એક મિત્ર સુભોધ રાય જે બિલ્ડર હતા તેમની ફર્મમાં મેં પાર્ટ ટાઈમ નોકરી શરુ કરી દીધી ,જેથી મને અનુભવ સાથે વાપરવા પૈસા પણ મળતા રહે. હવે ગામ જવાનો સમય બહુ ઓછો મળતો હતો છતાં પણ આભાની યાદ સતત મને સતાવ્યા કરતી.

પહેલા ક્યા કોઈ મોબાઈલ ફોન ,ઈન્ટરનેટ કે ફેસટાઈમ જેવી સહુલિયત હતીકે તેનાં દ્વારા સંપર્ક રાખી શકીએ, આથી જ્યારે મને એ બહુ યાદ આવતી ત્યારે હું તેના ઘરે ફોન કરતો. મોટા ભાગે તે ફોન ઉપાડી લેતી છતાં ક્યારેક કોઈ બીજું ઉપાડે તો આડી આવડી વાત કરી આભા ને ફોન આપો કહી તેના અવાજની શીતળતા મારા અંદર ઉતારી બધી ઉદ્વેગતા હું શાંત કરવાની કોશીશ કરી લેતો. છતાં પણ સમાજની બીકે અઠવાડિયે એકાદ ફોન થઇ શકતો, છેવટે મારા મિત્રના ઘરે સીલબંધ કવર મોકલવાનો નવો રસ્તો અમે અપનાવ્યો હતો છતાં પણ જુદાઈ કઠતી હતી.

તરસ્યું મન હો ત્યારે મૃગ જળમાં જળ સમો આભાસ છે
તરસ મનની છીપાવી દે એવો ક્યાં જળ મહી અવકાશ છે?

આમ માંડ દોઢ વર્ષ પૂરું થયું ત્યાતો અચાનક આભાનો ફોન આવ્યો "આયુષ મારા માસીની તબિયત સારી નથી તો હું થોડા દિવસ તેમના ઘરે મુંબઈ રહેવા જાઉં છું.

"પાછી ક્યારે આવીશ ? " મારા મનમાં કેટલીય આશંકાઓ જન્મી ચુકી હતી કારણ હું તેના માસા માસીને બરાબર ઓળખાતો હતો, બંને જમાનાના ખાધેલા હતા .

'ખબર નથી કદાચ બે ત્રણ અઠવાડિયા તો નીકળી જશે પણ હું ત્યાંથી તને ફોન કરીશ ". કહી એણે ફોન ટુંકાવી દીધો.

આ તરફ સુબોધરાયને મારું કામ , મારો સ્વભાવ બહુ અનુકુળ આવી ગયો હતો આથી મને ડીગ્રી મળતાની સાથે તેમની કંપનીમાં કાયમ નોકરી આપશે એવી બાંહેધરી આપી દીધી હતી. બસ હું પ્રભુને પ્રાર્થના કરતો આ છ મહિના શાંતિથી નીકળી જાય, પછી વડીલોના આશીર્વાદ હશે કે નહિ હોય પણ હું આભાને મારી પત્ની જરૂર બનાવી દઈશ .

એક આશા એક વચન ઉપર પ્રેમ ભવસાગર તરી જતો હોય છે. મારે પણ એવુજ હતું મારું સમગ્ર લક્ષ માત્ર મારી કારકિર્દી સાથે જોડાએલું હતું જેનાં થકી હું મારા પ્રેમને પામી શકું, અને આજ કારણે હું મારા બોસ સુબોધરાય સાથે વધારે નજદીકી રાખવા પ્રયત્ન કરતો. ભણવાનો સમય રાત્રે રાખતો , દિવસે કોલેજ પત્યા પછી સમય મળે કે તરત તેમની ઓફીસ પહોંચી જતો અને તેમનું વધારાનું કામ પણ હોંશે હોંશે કરી આપતો જેમાં તેમની એકની એક દીકરી મયુરીને ફ્રેન્ડના ઘરે મુકવા લેવાથી માંડીને ક્યારેક શોપીંગ માં લઇ જવા લાવવાનું કામ પણ આવી જતું હતું.

હમઉમ્ર મયુરીને પણ મારી સાથે હવે ઘણું બનતું હતું ,મયુરી પૈસાદાર પિતાની એક્ની એક દીકરી હતી છતાં નિરાભિમાની અને સ્વભાવે હેતાળ હતી , કોઈનું દુઃખ તે જોઈ શકતી નહોતી અને તેના આ ગુણોએ મને તેની સાથે મિત્રતા બાંધવા મજબુર કરી દીધો હતો . ફાજલ સમયમાં હું તેની સાથે સમય વિતાવતો છતાં આભાને મેં તેની સામે કદી મારા મનના કોચલા માંથી બહાર કાઢી નહોતી .

એક સવારે આકાશ વધારે ધુધળું દેખાતું હતું ,કોણ જાણે મન પણ બહુ ઉદાસી અનુભવતું હતું . કહેવાય છે કે આપણી આજુબાજુ ઘટી રહેલી ઘટનાઓને આપણું મન તાદસ્ય રીતે અનુભવી લેતું હોય છે અને તેની અસર જાણે અજાણે તેની ઉપર છવાઈ જતી હોય છે. બસ બેચેની અનુભવતું મારૂ મન આભાના ફોનની રાહ જોવા લાગ્યું. અચાનક ફોનની ઘંટડી વાગી આભા સામાન્ય રીતે વહેલી સવારે કે મોડી રાત્રે ફોન કરતો કારણ તે જાણતી હતી કે મામા મામી સવારે ચાલવા જતા અને રાત્રે વહેલા સુઈ જતા . મેં ઝડપથી ફોન ઉઠાવી લીધો.


" હલ્લો હા આભા હું તારાજ ફોનની રાહ જોતો હતો " મારું બોલવાનું પૂરું થાય તે પહેલા તો આભાના રડવાનો અવાજ સંભળાયો.


"આયુષ ગઈ રાત્રે મારા લગ્ન નક્કી થઈ ગયા".


"વ્હોટ શું બોલે છે તું? આભા આવી મજાક મને પસંદ નથી " મારો અવાજ લગભગ તરડાઇ ગયો.


આયુષ મસા માસી નો આજ પ્લાન હતો કારણ મને લખેલા પત્રો મારા મમ્મીના હાથમાં આવી ગયા હતા અને મને જાણીને અહી મોકલવામાં આવી હતી ,અહી માસાના એક મિત્રના દીકરા સાથે મારું લગ્ન નક્કી થઇ ગયું તે લોકો સુરતમાં રહે છે અને હીરાના બીઝનેસમાં છે મને નાં પાડવા કોઈજ કારણ જડતું નથી , અને હું ના કહું તો પણ અહી કોઈ મારું સાંભળવા તૈયાર નથી શું કરું ? કહેતા આભા ધ્રુસકે ચડી. હું લાચાર બની મારી આભાના રુદનને મારા મહી ઉતારતો રહ્યો.

મહિના પછી આભાના લગ્નનો દિવસ આવી પહોચ્યો. હું આ મહિનો લગભગ રોજ સવારે જીવતી લાશ બનતો અને રોજ રાત્રે મૃતપ્રાય બની જાગતો પડી રહેતો. છેવટે બે દિવસની રજા લઇ આભાના લગ્નમાં હાજરી આપવા ગામ આવ્યો તે પણ એણે આપેલા સોગંધના કારણેજ વળી..

લગ્નની રાત્રે આભાનાં મમ્મી પપ્પાની શરીર સાથે મનને પણ આરપાર વીંધતી નજરોને પાર કરીને પણ હું આભાના રૂમમાં પહોચી ગયો , મને આવેલો જોઈ તેની બહેનપણીઓ બહાર ચાલી ગઈ અને તે સાથેજ આભા મને વળગીને રડી પડી ,હું માત્ર તેના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો હતો. કઈ પણ બોલ્યા વિના અમે ઘણું બોલી ગયા હતા , આંખો માંથી વરસેલા એક જોરદાર ઝાપટાં પછી અમારા હૈયાનો ભાર હળવો થયો છેવટે હું બહાર નીકળવા ગયો ત્યાં મારો હાથ પકડીને તે બોલી હતી " આયુષ મારી યાદોનું જતન કરજે ફરી મળીશું ".

મારી લાલ આંખોને છુપાવતો હું બહાર નીકળી ગયો હતો અને કદાચ આભાની આંખો ઉપર વધારે મેકઅપ કરી ફરી સજાઈ દેવાઈ હશે. કારણ હું ત્યાર બાદ તેને જોવા રોકાયો નહોતો.

***


કાશ કે અત્યારના જેટલી અગ્રેસીવતા અને આઝાદી તે વખતના અમારા જેવા યુવાનોમાં આવી હોત તો મન મારીને જીવવાના દિવસો આમારે ભાગ્ય નાં આવ્યા હોત. ખેર હું મારી આજમાં દુઃખી નહોતો તે વાતનો મને સંતોષ હતો, પરતું આભા માટે એક કસક કાયમ દુઝતા ધા જેવી રહેતી હતી .

તૂટેલા દિલના સંધાણ માટે હું બેવડા જોરથી વાંચન અને કામ તરફ વળી ગયો કારણ હું જાણતો હતો કે રૂપિયાની ગરમી આગળ મારી પ્રેમ નીચે ઉતારી ગયો હતો ,મારી પાસે આભાના પતિ ઘનેશ કરતા વધુ તો શું તેના પિતા અને ભાઈ મને નકારી શક્યા હોત ? બસ આજ ધૂન મગજ થઇ હતી કે ધનેશ કરતા વધુ યોગ્ય પુરવાર થવું। . મારા દુઃખને મેં મનના તળિયે ભંડારી દીધું હતું છતાં પણ ક્યારેક એકલતામાં તે મન સાથે આંખોને ભીની કરી દેતું .


મારા કામની આવડત અને મારા સ્વભાવની મીઠાસને કારણે સુભોધરાય અને મયુરીના જીવનમાં મારી ખાસ જગ્યા બનતી ચાલી તેના ફળ સ્વરૂપે શેઠની એકની એક પુત્રી સાથે સુખદ આશ્ચર્ય વચ્ચે મારા લગ્ન લેવાઈ ગયા , હું પણ આ લગ્નને નકારી શક્યો નહોતો અને ખાસ કહું તો નકારવાને કોઈ કારણ પણ નહોતું .

મારા આગ્રહને વશ થી આભા લગ્ન સમયે તેના પતિ ધનેશ અને એક વર્ષની દીકરી ને લઈને આવી હતી , મેં તેમની ઓળખાણ મારી ખાસ બાળપણની મિત્ર તરીકે મયુરીને કરાવી હતી અને આભાએ પણ આમજ મારી ઓળખાણ તેના પતિને કરાવી હતી ત્યારે જેમ મયુરીની આંખ માંથી નીતરતો સ્નેહ અમે જોયો હતો તેના કરતા વિરુદ્ધ ધનેશ ની આંખમાં છૂપો અણગમો દેખાતો હતો . આમ પણ સાંભળવામાં આવ્યું હતું કે તેનો પતિ દારુ જુગારની બુરી આદતો ધરાવે છે સાથે ક્લબો અને બીજી ખરાબ આદતોનો શિકાર છે. મનમાં આભા માટે દુઃખ થયું પણ હવે હું તે રસ્તે ફરી જવા માગતો નહોતો માટે મારા પ્રસંગને નિભાવવા બીઝી થઇ ગયો હતો .

સમય સાથે હું સુબોધરાયની કરોડોની સંપતિનો માલિક બની ગયો સાથે સાથે બે જોડિયા બાળકોની પિતા પણ બન્યો , કોણ જાણે મયુરી ક્યાંથી બે નામ શોધી લાવી "આભ અને આકાશ" મારા બંને દીકરા અમારી આંખોના તારા હતા. છતાં પણ મયુરીને એક દીકરી જોઈતી હતી પરતું પહેલી પ્રેગનેન્સી માં પડેલી તકલીફના કારણે હવે ફરી કન્શીવ કરવું રિસ્ક હતું આથી મારી તે માટે સખત મનાઈ હતી. હું મયુરીના જીવન સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવા માગતો નહોતો કારણ તે મારું જીવન હતી.


કામ અને ઘરસંસારમાં વ્યસ્ત રહેતો હું કદી પણ આભાને ભૂલી શક્યો નહોતો ,તેને મારા દિલના એક ખુણામાં છુપાવી ઉપર યાદોના લીલાછમ પાંદડા થી સજાવી દીધી હતી જ્યાં સમયાંતરે હું લાગણીઓના પાણી છાંટી આવતો. આભાની યાદ મારા એકાંતને હર્યોભર્યો રાખતી હતી. એકમેકને આપેલા વચન પ્રમાણે અમે કદી ફોન કે પત્રવ્યવહાર રાખ્યો નહોતો કારણ એક પત્ર ના કારણે અમારી આજે આ સ્થિતિ હતી ,હવે તે ભૂલનું પુનરાવર્તન થાય એવું અમે ઈચ્છતા પણ નહોતા.

આભ અને આકાશ હવે બે વર્ષના થઇ ચુક્યા હતા ,એક સાંજે ગામથી મા નો ફોન આવ્યો અવાજમાં ગભરામણ સાથે દુઃખ હતું " આયુષ બેટા એક ખરાબ સમાચાર છે ,આભાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયુ ".


મારા પગ તળે જમીન સરકી ગઈ લાગ્યુકે ચક્કર ખાઈ પડી જવાશે પણ હું જાત સંભળાતા બોલ્યો ક્યારે થયું આમ " ?


" બેટા આજેજ સવારે અને શનિવારે તેનું બેસણું છે સુરત તેના સાસરીમાં ,તું આવીશને "?


" હું હા કે નાં કીજ કહી શક્યો નહોતો, જે આભાને મેં મારા મનમાં સતત લીલી રાખી છે તેને હું એક ફોટા તરીકે કેમ જોઈ શકું " ?


મયુરીના બહુ ફોર્સ કરવા છતાં પણ હું ત્યારે ત્યાં નાં જ ગયો. હું મારા પ્રેમને મરતો જોઈ શકવાની અવસ્થામાં નહોતો મારે તેને સદા જીવંત રાખવી હતી. મારા દિલનો ખૂણો બહુ કરવા છતાં થોડો થોડો કરમાતો જતો હતો .


છેલ્લા કેટલાક સમય થી અમે બાળકોને દિવાળીના વેકેશનમાં ચાર પાંચ દિવસ ગામ લઇ જતા કારણ તેમને દાદા દાદીનો પ્રેમ મળવો પણ જરૂરી હતો. એ વખતે અમે જ્યારે ગામ ગયા ત્યારે આભ અને આકાશ ચાર વર્ષના થઇ ચુક્યા હતા , ગામ પહોચતાં આખા ફળિયાને માથે લેતા અને બધા પણ આયુષ ભાઈના દીકરા તરીકે બહુ નામ અને પ્રેમ આપતા . પેલી કહેવત છે ને કે "નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ " .

અમે ઓસરીમાં પાથરેલા બે સામસામી પલંગ ઉપર વાતો કરતાં હતા ત્યારે એક સાતેક વર્ષની નાજુક નમણી છોકરી ત્યાં ખુણામાં આવીને ઉભી રહી. કોણ જાણે તેને જોતા મારા મનમાં અનુકંપા સાથે એક ખેચાણ જન્મી ગયું.

"માં આ કોની દીકરી છે ?"


"ભાઈ આ આપણી આભાની દીકરી છે આયુષી " ...... બિચારી છોકરીનું નશીબ બહું આડું છે . પુરતી સમજણ આવે તે પહેલા મા ગઈ, પછી અહી તેની નાની ગઈ. સુરતમાં તેનો શરાબી બાપ ધંધાને અવળે પાટે ચડાવી બધું ધૂળધાણી કરી બેઠો અને વધારામાં બીજું લગ્ન કરીને કોઈ નાત બહારની બૈરી લાવ્યો છે,જેની ખરાબ સંગતમાં ધનેશ વધારે બગડી ગયો અને છોકરીને ઓરમણ માએ અહી ઘકેલી આપી. અને જોને ભાઈ અહી તેની મામીને આ સાપનો ભાર લાગી એટલે નોકર કરતા ખરાબ વર્તન તેની સાથે કરે છે , ઘરમાં થતા કકળાટ થી બચવા બધા ચુપ્પી લગાવી બેઠા છે. મને બહુ દુઃખ થાય છે ગમે તેમ તોય આપણી આભાની દીકરી છે એથી હું કંઈક સારું બનાવું તો તેને કામના બહાને બોલાવી ખવડાવી દઉ છું.

આ વાતથી મારો જીવ કપાઈ ઉઠયો હતો અને તેનું નામ સાંભળતાં હું તો ઠીક પણ મયુરીની આંખમાં ચમકારો આવી ગયો "આયુષી " તે બબડી ઉઠી , મારી મયુરી અલગ માટીની બનેલી હતી તેણે તરત તે દીકરીને પાસે બોલાવી અને સ્નેહથી માથા ઉપર હાથ ફેરવતા બોલી "અંદર તારા જેવા બે ભાઈયો રમે છે તું તેમની સાથે રમીશ ?"
અને મારા તરફ ફરીને બોલી જાવ આયુષ તેને આભ અને આકાશ પાસે મૂકી આવો . અને તે દિવસે મસ્તક અહોભાવથી તેની સામે ઝુકી ગયુ હતું.

હજુ પણ યાદ છે એ વસમી ઘડી મને કે હું તેનો હાથ પકડી અંદરના ઓરડામાં લઇ ગયો હતો બંને દીકરાઓ જ્યાં રમતા હતા ત્યાં લઇ જતા પહેલા તેને માથે હાથ ફેરવી આયુષીને મેં પાસે ખેચીને વહાલ થી નવડાવી દીધી હતી,મારી આંખો માંથી તે દિવસે ફરી આંસુ ટપકી પડયા હતા .

પછી તે રાત્રે મેં મયુરીને આયુષીને સાથે વડોદરા લઇ જવાની વાત મૂકી અને મારા આશ્ચર્ય વચ્ચે મયુરીએ સહર્ષ હા કહી મારી વાતને અમલમાં મુકવા માટે વડોદરા લીગલ ડોક્યુમેન્ટ્સ માટે ફોન કરી દીધો હતો.

થોડી ઘડી અડચણ પછી ધનેશને થોડા લાખ આપીને મેં આભાની દીકરીને મારી અને મયુરીની દીકરી બનાવી લીધી હતી. આજે તે દીકરી આગળ ભણવા માટે અમેરિકા જવા તૈયાર થઇ છે અને હમણાં થોડો વખત પહેલા અહીજ હીચકામાં મારી સાથે બેસી ઠેસ લગાવતા મારા ખભે હાથ મુકીને બોલી હતી ..


" પપ્પા મારી ચિંતા નાં કરશો હું દોઢ વર્ષમાં તો પાછી આવી જઈશ "આપણે ફરી મળીશું " " બસ તમે અને મમ્મી તમારી તબિયતનું ઘ્યાન રાખજો.અને હા આભ અને આકાશને પણ કહેજો ભણવામાં ધ્યાન આપે ,કારણ તેમની બહેની થોડોજ સમય માટે ઘરથી દુર જાય છે પછી આવીને તેમના કાન પકડીશ " કહી મારા હાથને પંપાળી રહી.

તેના એક શબ્દે " ફરી મળીશું" એ મને જાણે આભાને મારી દીકરી તરીકે પાછી મેળવી આપી હોય તેમ લાગ્યું અને હું ઘણા સમય પછી આટલા વર્ષો પાછળ જઈ આંટો લગાવી આવ્યો.

રેખા વિનોદ પટેલ ..ડેલાવર (યુએસએ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED