Zindagi pyar kaa geet hai books and stories free download online pdf in Gujarati

ઝીંદગી પ્યારકા ગીત હૈ

જિંદગી પ્યાર કા ગીત હે...

રેખા વિનોદ પટેલ

‘‘વિનોદિની’’

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારી આ વાર્તા કાલ્પનિક છે છતાય હકીકતની સાવ નજીક છે, કારણ ક્યાંકને ક્યાંક વાર્તાનાં આ ટુકડા ઘટતાં રહે છે,અને પાત્રો જીવંત થતા રહે છે સાથે લાગણી ભર્યા દિલ તૂટતા ,સંધાતા રહે છે ...... માટે,

મારી આ વાર્તા હું એ દરેક પ્રેમીઓને અર્પણ કરું છું જેમણે પોતાના માતાપિતાની આબરૂ અને સંસ્કારોને જીવંત રાખવા જીવનના પ્રથમ મહામુલા પ્રેમને હસતા મ્હોએ અંતરની દાબડીમાં સદાને માટે સાચવીને ઉતાર્યો હશે.

‘‘પ્રેમ એ જીવન નું એવું રત્ન છે જે ભાગ્યમાં હોય તો સાવ આસાની થી મળી આવે છે, નહીતર તેની શોધમાં જીવન આખું રખડી પડે છે.’’

રેખા વિનોદ પટેલ (વિનોદિની)

ડેલાવર (યુએસએ )

કલમકાર વૃંદ

રેખા વિનોદ પટેલ.

નરેશ કે ડોડીયા

હેમા બહેન પટેલ

ડો. ઈન્દુબહેન શાહ

પ્રભુલાલ ટાટારિઆ ’’ ધુફારી’’

પ્રજ્ઞા દાદભાવાલા

વિજય શાહ

પ્રવિણાબહેન કડકીયા

રાજુલબહેન શાહ

ચારુશીલા વ્યાસ

અનુક્રમણિકા

૧.દોસ્તીનો પહેલો પડાવ ( રેખા વિનોદ પટેલ )

૨.અજબ રંગ ઘુંટાતો હતો ( રેખા વિનોદ પટેલ )

૩.અનકહી લાગણીઓ ( નરેશ કે ડોડીયા )

૪.આગવી દુનિયા ( હેમા બહેન પટેલ )

૫.સ્વપ્નાનો મહેલ ( ડો. ઈન્દુબહેન શાહ )

૬.ચુપ્પી એક ભૂલ ( પ્રભુલાલ ટાટારિઆ )

૭.આગણાનો માંડવો ( પ્રભુલાલ ટાટારિઆ )

૮.ફંટાતા રસ્તા ( પ્રજ્ઞા દાદભાવાલા )

૯.સપ્તપદીના બંધન ( પ્રજ્ઞા દાદભાવાલા )

૧૦.સહજીવન ( વિજય શાહ )

૧૧.ડાયરીનું એક પાનું ( વિજય શાહ )

૧૨.સૂર્યને સંગાથે ( પ્રવિણાબહેન કડકીયા )

૧૩.ખુશીનું આગમન ( પ્રવિણાબહેન કડકીયા )

૧૪.બહાવરું મન ( રાજુલબહેન શાહ )

૧૫.કાળજે મુક્યો પથ્થર ( રાજુલબહેન શાહ )

૧૬.શંકાનો કીડો ( ચારુશીલા વ્યાસ )

૧૭.સુર્યાસ્ત ચારુશીલા ( વ્યાસ/રેખા પટેલ )

૧૮.પ્રેમનું મુલ્ય ( નરેશ કે ડોડીયા )

૧૯.જીવનની સાચી ખુશી ( રેખા વિનોદ પટેલ )

મારો પરિચય રેખા ( વિનોદ પટેલ )

આભાર

આ સર્જન નાં તમામ લેખક મિત્રોની હું આભારી છું કે મારી એક ટુંકી વાર્તાના નાનકડા ઝરાને ક્યાય પણ તુટવા દીધા સિવાય સળંગ પ્રવાહિત લેખની દ્વારા એક લાગણીની વહેતી નદીના સ્વરૂપે આખી નવલકથા’’ જીંદગી પ્યાર કા ગીત હૈ ’’ માં રૂપાંતરિત કરવા માટે મહત્વનો ભાગ ભજવ્યો તે માટે હું સહુની દિલથી આભારી છું .ટાઈટલ ચિત્ર માટે ગૂગલ અને તેના ફોટોગ્રાફરની પણ દિલથી આભારી છું

રેખા પટેલ

૧) દોસ્તીનો પહેલો પડાવ

રેખા વિનોદ પટેલ

સોનપુર જેવું નામ તેવું જ ગામ. બહુ મોટું શહેર પણ નહી તેમજ નાનું ગામડું પણ નહી. સુંદર મજાનું એક સુવિકસિત ગામ. આઝાદી પહેલા અંગ્રેજોના વખતમાં આ હેડ ક્વાટર હતું. સૌરાષ્ટ્‌રનાં ગોંડલ ગામની જેમ, રસ્તાની બંને બાજુ કાસ્ટીંગ પાઇપનાં લીલા રંગનાં વિજળીની લાઇટના થાંભલા હતાં.એ વખતમાં અહી ભારે સુધારા થયા હતા. મોટા ભાગનાં રસ્તાઓ પહોળા હતા. રસ્તાની બંને બાજુ ચાલવા મઝાની નાની સડક બનાવી હતી. તે સમયના અંગ્રેજ અમલદારોએ અહીંયા ચાર મોટા બગીચા બનાવડાવ્યા હતા. ટુંકમાં સોનપુર ખૂબ દબદબા ભર્યું ગામ હતું. આજે કોઈ પણ આધુનિક શહેરને શરમાવે તેવી પ્રગતિ અને ચોખ્ખાઈ અહીં દેખાતી હતી. જાણે એકવીસમી સદીનું સ્વપ્ન સમું ગામ ન હોય આ સોનપુર !

ઉગમણી દિશાએથી વહેતી સોન નદી, ચોમાસામાં બન્ને કાંઠે છલકાતી, રૂમઝુમ કરતી લહેરાતી. ઉનાળામાં સોન નદીનાં પાણી સુકાતા નહી. તરવાના શોખિન ગામના યુવાનો, તેમનો શોખ અહીંયા પૂરો કરવાં આવતા હતાં. આથમણી દિશાએ નાની મોટી ટેકરીઓથી છવાએલો લાંબો સીમાડો હતો. ચોમાસામાં ચારે બાજું લીલી ચાદર બીછાવી હોય એવો નજારો દેખાતો. એમાં બરાબર વચ્ચેની ટેકરી ઉપર કાલકા માતાનું પુરાણું પણ અડીખમ મંદિર શોભતું હતું. કાળા પથ્થરનું મદિર, તેની સોળગજની લહેરાતી ધજા જાણે આખા આકાશને આંબવા ઉછળતી હોય તેમ ઉડતી હવામાં ફરકતી. ત્યાં ઉભા રહી નજર માંડીએ તો આખું ગામ હારમાળામાં બંધાએલું હોય તેવું લાગતું હતું. આજુ બાજુ દૂર દૂર સુધી નજરે પડતાં લીલાછમ ખેતરો અને ઇશાન દિશામાં બે ત્રણ નાના કારખાના હતા. જે ગામની સમૃધ્ધિમાં વધારો કરતા હતા. ગામની વચ્ચોવચ કન્યા શાળા, થોડે છેટે કુમાર મંદિર અને જરા આગળ જતાં એક કોલેજ હતી. કોલેજની પાછળ હાલમાં બંધાએલી આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ હતી. ટુંકમાં’ આ સોનપુર એટલે બસ સોનપુર.’

અહી મોટે ભાગે ઉજળીયાત પ્રજાની વસ્તી હતી. ખાસ પટેલોનું આ ગામ હતું. અંહી મુખીની ખડકીમાં મહેન્દ્રભાઈ મુખી રહેતા. આ મહેન્દ્ર મુખી એટલે પંચાયતના પ્રમુખ સાહેબ. નાત જાતમાં પાંચ જણ પૂછતાં આવે, તેવું નામ હતું. ગામની પ્રજાના નાના મોટા ઝઘડા હોય કે કોઇનાં ધરમાં કંકાશ હોય! મહેન્દ્રભાઇ એની સમજ અને ક્યારેક કડપથી ચપટી વગાડતાં આવા ઝઘડા સુલઝાવી નાખતા. આવડત અને હોંશિયારીને કારણે તેમની પહોંચ જીલ્લા પંચાયતથી લઇ જિલ્લા મથક સુધી હતી. એ હમેશાં ગામની ભલાઇ માટે કાર્યરત રહેતા હતા. ગામના નાના પ્રશ્નોનું નિરાકરણ પણ સહેલાઇથી લાવી શકતા હતા. તેમનું માન લોકોમાં પણ ખાસ્સું એવું હતું.

વાડી, ખેતર અને પોતાનો ધંધો હોવાથી મહેન્દ્રભાઇ ખાધે પીધે સુખી કુટુંબના. વસ્તાર બહુ બહોળો ન હતો. મહેન્દ્રભાઇ અને તેમના ધર્મપત્ની સ્મિતાબેન, દીકરી બીના અને નાનો ભાઈ યશ. બસ ચાર જણાનો સુખી પરીવાર હતો. મહેન્દ્રભાઈ આખો દિવસ ખેતી અને પંચાયતમાં મશગુલ રહેતા તેથી બાળકોને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સ્મિતાબેન બખૂબી નિભાવતા હતા. સ્મિતાબેનનો સ્વભાવ પણ દયાળુ અને મળતાવડૉ હતો. મહેન્દ્રભાઇની શાખને કારણે મહિનામાં પંદર વિસ દિવસ તો ઘરે કોઇને કોઇ મહેમાન હોય જ. પતિ પત્ની જીવના ઉદાર એટલે મહેમાનગતીમાં ક્યારેય કચાશ ના જણાતી. એમાં પણ સ્મિતાબેનના હાથની રસોઇ જે મહેમાને ચાખી હોય એ તેમની રસોઇનાં વખાણ કરતાં થાકે નહી.

સ્મિતાબેન અને મહેન્દ્રભાઈની સહાય તેમજ હાજરી વિનાં ગામના એકેય ઘરનો પ્રસંગ પૂરો ના થાય. લગ્નથી લઇને નાના મોટા દરેક પ્રસંગ, મહેન્દ્રભાઇ અને સ્મિતાબેનથી સોહે.

મહેન્દ્રભાઇ અને સ્મિતાબેનના ઘરે આજથી દસ વર્ષ પહેલા રૂપકડી અને જોતાં વ્હાલી લાગે એવી ફૂલ જેવી દિકરી બીનાનો જન્મ થયો હતો. જ્યારે બીનાનો જન્મ થયો ત્યારે ગામની હોસ્પીટલની નર્સે વધામણા આપતા કહ્યું,’ દીકરી આવી છે’. ત્યારે તેના અવાજમાં ઉત્સાહ ઓછો ભાળી મહેન્દ્રભાઇએ તુંરત જ કહ્યું ,કેમ કાન્તાબેન .આવા મોળા મોઢે દીકરીનાં જન્મનાં વધામણા આપો છે? એમ કહો કે’ ઘેર લક્ષ્મી પધારી છે’.

‘‘મારી ઘરે લક્ષ્મી પધારી છે.’’બોલીને ખુશીથી ઉછળી પડ્યા હતા. ત્યાં આવેલા સગાઓને ખુશી ખુશી કહેતા હતા કે,’’અમારા કુંટુંબમાં બે પેઢી પછી પહેલી દીકરી જન્મી છે.’’મહેન્દ્રભાઇને ફોઈ ન હતી. ના તો મહેન્દ્રભાઇને બહેન હતી. તેથી તાજી જન્મેલી દીકરીનું ગોરું મુખ અને ચન્દ્ર જેવી ચમક જોઈ તેમના મુખમાંથી નામ સારી પડ્યું ‘‘બીના’’

બીનાની નામકરણ વિધિ ધામધૂમથી થઇ ગઈ .જેમ જેમ બીના મોટી થતી ગઇ એમ એની વાંચાળતા અને વાન ખિલતાં ગયા.બીના નાનપણથી બહુ રમતિયાળ અને પરાણે વ્હાલી લાગે તેવી હતી.લાંબા કાળા વાંકડિયા વાળને ઝૂલાવતી આખો દિવસ ઘરમાં દોડાદોડ કરતી હોય. બીનાને શોધવામાં તકલીફ ન પડે તેથી સ્મિતાબેને એનાં પગમાં ઝાંઝર પહેરાવી રાખ્યા હતા. બરાબર ચાર વર્ષ પછી યશનો જન્મ થયો. પછી પંચાયતમાં દાખલો બેસાડવા મુખીએ બે બાળકો બસ નું સૂત્ર અપનાવી લીધું.

બીના અને યશનાં ઉછેરમાં કોઇ કચાશ ના રહે એવી પૂરેપૂરી તકેદારી મહેન્દ્રભાઇ અને સ્મિતાબેને રાખી હતી. પહોંચતું પામતું ઘર હોવાથી બીના અને યશને મોટા શહેરનાં છોકરાઓને જે સુવિધા મળતી હોય બિલકુલ એવી જ સુવિધા બંને ભાઇ બહેનને મળતી હતી. ઇલેકટ્રોનિકસ રમકડાથી લઇને બાળકોને શીખવા માટેના આધુનિક બાળ પુસ્તકો મહેન્દ્રભાઇ શહેરમાં જાય ત્યારે અચુક લઇ આવતા.

બીનાં પાંચ વર્ષની થતાં એને સ્કુલમાં દાખલ કરવામાં આવી.પહેલે દિવસે સ્કુલના ડ્રેસમાં બીના પરી જેવી લાગતી હતી. માથાનાં ઘુંઘરાળા કાળાવાળમાં તેલ નાખીને સ્મિતાબેને એનો ચોટલો વાળ્યો હતો .ડ્રેસમાં સેફટીપીનથી એક રૂમાલ ભરાવી આપ્યો. ગોરી, નમણી, નખરાળી બીના સ્કુલડ્રેસમાં ઢીંગલી જેવી લાગતી હતી. ત્યાં બાજુવાળા કમળામાસી આવ્યા અને એની નજર બીના પર પડતા તરત જ સ્મિતાબેનને કહ્યુ, ‘‘આ છોડીને કપાળે આંજણનંમ ટીકો કરી દો,પહેલી વાર નિશાળે જાય છે કોઇની નજર ન લાગી જાય.’’

મહેન્દ્રભાઇ અને સ્મિતાબેન આમ તો આધુનિક વિચારસરણી ધરાવતાં હતા. છતાં પણ માબાપનું મન છે. તરત કમળામાસીની સામે બીનાના કપાળની ડાબી બાજુએ કાજળનો ટીકો લગાડી દીધો. સ્મિતાબેને વહાલથી બીનાનું કપાળ ચુમી લીધુ. સ્કુલમાં જવાના ઉત્સાહને કારણે બીના સતત ખિલ ખિલ હસતી હતી. જ્યારે અન્ય બાળકો સ્કુલનાં પ્રથમ દિવસે રડતાં હોય

રવિવારનો દિવસ બીનાનો ખૂબ માનીતો . સવારના પહોરમાં મમ્મી તેના લાંબા કાળા વાળમાં શેમ્પુ કરી નવડાવે. પછી બસ તાપમાં વાળ સુકવવાના બહાને બહાર ફળીયામાં જઈ બીજી બહેનપણીઓ સાથે ખુલ્લા ઘુંઘરાળા વાળ લઇને અવનવી રમત રમવામાં એવી મશગુલ થઇ જાય કે વાળ સુકાયા બાદ સ્મિતાબેન એને કેટલી બુમો પાડે, ચાલ તારા વાળ ઓળી આપું. રમતમાં મશગુલ સ્મિતાબેનની વાત પર ધ્યાન ના આપે. બીનાને પકડવાં સ્મિતાબેનની દોડાદોડી શરૂં થઇ જાય.

જ્યારે બીનાનો નાનો ભાઈ યશ સ્વભાવે એકદમ શાંત. બીના ખૂબ ચબરાક અને બટક બોલકી હતી. મીઠી મીઠી ભાષા બોલતી આ છોકરી પરાણે વહાલી લાગતી. જેટલી મીઠા બોલી હતી એટલી જ જીદ્દી અને મનનું ધાર્યુ કરનારી હતી. કોઈની તાબેદારી સ્વીકારવી તેના સ્વભાવમાં નહોતું. આથી સ્કૂલમાં પણ સહુની આગળ રહેતી. ઉંમરના પ્રમાણમાં વહાલા પપ્પાની જેમ સમજદારી એનામાં ભરપુર હતી. પપ્પા જેવી એ પરોપકારી સ્વભાવની હતી. સ્વભાવની મીઠડી હોવાથી ગામમાં બધાની માનીતી બની ગઈ હતી

આજુબાજુ રહેતી ડોશીઓ તો કહેતી પણ ખરી કે,’’મુઈ! આ છોકરી આખો દહાડો જો ટહુકે નહિ, તો લાગે આજે દીવસ કંઈક મોળો ગયો.’’ એમાં પણ કાઠીયાવાડથી બાજુમાં રહેવા આવેલાં મંજુબેન અને હરીશભાઇને કોઇ સંતાન ના હોવાથી બીના સાથે મન એવું ભળી ગયું હતું કે જાણે બીના એની સગી દીકરી ન હોય એમ લાડ લડાવતા.

બીનાનાં રૂપ અને ગુણ શુક્લપક્ષના ચંદ્રની જેમ સતત વિકસતા રહેતા હતા. દસમું વર્ષ પૂરૂ થયું. પોતાની ઉમર કરતાં એક બે વર્ષ મોટી લાગતી હતી.

તોફાન મસ્તી કરતી એક ચંચલ હરણી સમી ઊછળતી કૂદતી રહેતી આ દસ વર્ષની નાનકડી બાળાનું રૂપ એકદમ નિખાલસ અને નિર્દોષ લાગે. હસે ત્યારે ગાલોમાં સહેજ ખંજન પડે. અવાજ જાણે એક કોયલ ટહુકતી હોય. એકદમ રૂપાળી, રૂપ નિખરતું જતુ હતું. બીનાની એક ખાસ ઓળખાણ, એના હોઠની ઉપર બિરાજમાન તલ. આ તલ હવે પાકો રંગ પકડતો હતો.

મુખીની ખડકીમાં બીના જેવડા ઘણા બાળકો હતા. ઉનાળાનું વેકેશન હોવાથી બધા ભેગા મળી આખો દિવસ ઘમાલ ચકડી મચાવતા. રોજ મગજના ગોખલામાથી અવનવા તુક્કા શોધી લાવતા. એકવાર તો બન્યું એવું કે મિત્રો સાથે ભેગા મળી ગામની સોન નદીમાં નહાવા ગયા. દર વરસ કરતાં, આ વરસે ચોમાસુ ભારે ગયું હતું. નદીમાં પાણી સારા પ્રમાણમાં વહેતું હતું ,બાળકોને વડના વાંદરા જેવા તોફાની કહ્યા છે. તેમાંય બીના સ્વભાવે ભારે ચંચળ અને પાણી જોઈ ઘેલી થતી હતી

અહીં નદી પાસે પહોંચતાની સાથે, લાવેલો રૂમાલ જમીન ઉપર ફેકી સીધી પાણીમાં દોટ લગાવી. કોઈ કઈ કહે કે વિચારે તે પહેલાં જરાક વધારે આગળ જતા ડૂબવા લાગી. સાથે આવેલા મિત્રોએ બુમાબુમ કરી મૂકી અને આ સાંભળી નજીકમાં માછલાં પકડતા માછીમારો દોડી આવ્યા અને સમય સર તેને ડૂબતી બચાવી લીધી.

જ્યારે આ વાત સ્મિતાબેન અને મહેન્દ્રભાઈને કહી ત્યારે તેમનું લોહી જાણે સુકાઈ ગયું. બસ ત્યાર પછી બીનાને નદીએ એકલી ન જવા દેવાનું ફરમાન મહેન્દ્રભાઈએ ઘરમાં જાહેર કર્યું. પણ બાળ હઠ અને તેમાય લાડકી દીકરી કોઈનું ક્યા માને તેમ હતી એતો ચોરી છુપી દોસ્તો સાથે પહોચી જતી આમને આમ વેકેશન પૂરું થવા આવ્યું હવે બીના ચોથા ધોરણમાં આવી ,સ્કૂલ ખુલી જતા સ્મિતાબેનને હાશ થઇ !!

એક દિવસ ઉછળતી કુદતી, કંઇક ગણગણતી બીના રાબેતા મુજબ ઘરમા પ્રવેશતી હતી. અચાનક તેની ગણગણાટ થંભી જાય છે. તે જુએ છે કે બહારના દીવાન ખંડમાં મમ્મી પપ્પા સાથે બીજા પાંચ જણ બેઠા હતા. એ લોકોને જોઇને કંઇ બોલ્યા વિના અંદરના રૂમમાં ચાલી જાય છે. છતા કુતુહલવશ બીનાની નજર આવનાર મહેમાનો પર ફરી વળે છે. જેમાં મમ્મી પપ્પાની વયના સ્ત્રી પુરુષ સાથે ત્રણ બાળકો હતા.

થોડીવારમાં સ્મિતાબેન બીનાની પાછળ અંદર રૂમમાં આવે છે. બોલ્યા ‘‘બીના,આવી રીતે મહેમાનને નમસ્તે કર્યા વિના અંદર ના આવી જવાય.ચાલ મારી સાથે બહાર આવો અને મહેમાનોને નમસ્તે કરો.’’

‘‘પણ મમ્મી, હું તો આ કોઈને જાણતી નથી.’’બીના નિર્દોષતાથી બોલી.

‘‘બેટા, સાચી વાત છે. તું એ લોકોને જાણતી નથી પણ આ તારા પપ્પાના બચપણનાં મિત્ર શ્યામ અંકલ અને તેમના પત્ની તોરલ આન્ટી છે. જે વર્ષોથી ઘંધા માટે બહાર રહેતા હતા હવે અહી ગામમાં રહી તેમનો ધંધો આગળ વધારશે. આપણી બાજુમાં ખાલી પડેલા ઘરમાં રહેવાના છે. તને તેમની સાથે ઓળખાણ કરાવું, ’’ કહેતા સ્મિતાબેન દીકરીનો હાથ પકડી બહારના ખંડમાં લઇ આવ્યા.

સ્મિતાબેને કહ્યુ,’’ આ અમારી દીકરી બીના છે. બીના બેટા જો,આ આપણા નવા પાડોશી છે અને તારા પપ્પાનાં જુના મિત્ર છે. તેમને તારી અને યશની ઉંમરના ત્રણ બાળકો છે.’’ જો આ બકુલ તે બરાબર તારી ઉંમરનો છે. આ છે સ્નેહા,જે તારાથી બે વર્ષ નાની અને આ શિલ્પા છે. એ યશની ઉમરની છે.’’ સ્મિતાબેનની વાત સાંભળીને બીના ખુશ થઇ ગઈ તેને વારાફરતી બધાની ઉપર નજર ફેરવી અને વિચારવા લાગી કે સારૂં થયું હવે મને નવા દોસ્તો મળશે.

૨) અજબ રંગ ઘુંટાતો હતો

રેખા વિનોદ પટેલ

એક અઠવાડીયા પછી ઘરવખરી ભરી એક ટ્રક આવી બાજુના ખાલી ઘરમાં ટ્રકનો બધો સામાન ખડકાતો જતો હતો બીના અને યશ અચરજ ભરી નજરોથી આ બધું જોયા કરતા હતા,છેલ્લે ટ્રકમાંથી એક મઝાની સાયકલ ઉતારી આ જોતાજ બીનાની આંખોમાં એક ચમક આવી ગઈ

બરાબર આવીજ સાયકલ માટે તે કેટલાય દિવસથી તેના પપ્પાની પાછળ પડી હતી પણ મહેન્દ્રભાઈ બીના ને વાગી જશે એ બીકથી આનાકાની કરતા હતાં.આજે આ નવીનક્કોર સાયકલ જોઈ બીના ખુશ થઇ ગઈ.

સ્મિતાબેન આખો દિવસ તોરલબેનને ઘરવખરી ગોઠવવામાં મદદ કરતા રહ્યા અને બાળકો ધીમેધીમે એકબીજા સાથે ભળવા લાગ્યા. સાંજ થતા અડઘી રસોઈ સ્મિતાબેન તેમના ઘરેથી બનાવી લાવ્યા અને તોરલબેને કંસાર રાંધ્યો, પછી બંને કુટુંબે સાથે મળી ભોજન કર્યું. ત્યાર બાદ આ લગભગ રોજનું થઈ ગયું. કોઇ પણ ઘરનાં એક જ રસોડામાં રસોઇ બનતી બંને પરિવાર એક ઘરના સભ્યોની સાથે ભોજનનો આંનદ માણતા. બંને પરિવાર અઠવાડિયામાં ચાર દિવસ સાથે જમતા. મહેન્દ્રભાઈ અને શ્યામ અંકલ વચ્ચે બે ભાઈઓ જેવો સ્નેહ બંધાઈ ગયો.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ પાંચે બાળકો ખૂબ નજીક આવતા ગયા.

બે દિવસ પછી બકુલ અને એની બહેનોને બીનાની સ્કુલમાં દાખલ કર્યા. થોડા દિવસોમાં તો બીના અને યશનું મન બકુલ અને એની બંને બહેનો સાથે બહુ હળી મળી ગયુ હતું. ક્યારેક તો બીનાને ઘરમાં ભાવતું જમવાનું ના હોય તો સીધી તોરલકાકીના ઘરે ચાલી જતી અને ત્યાં જમી લેતી.

બકુલની બંને બહેનો બીનાથી નાની હોવાંથી બીનાને બકુલ સાથે વધુ બનતું હતું. શાળાએ સાથે જવાથી માંડી લેસન સુધ્ધા તે બકુલ સાથે કરતી હતી. લેસન પુરુ કર્યા બાદ બીના અને બકુલ બંને બીજા બાળકો સાથે જાત જાતની રમત રમવામાં મશગુલ થઇ જતા.

બીના છોકરી હોવા છતાં બકુલનાં દોસ્તો સાથે ક્રિકેટ રમતી હતી. આ જોઇને સ્મિતાબેન કહેતા કે બીના આ બેટ બોલથી છોકરીઓએ ના રમવું જોઇએ. એ છોકરાઓની રમત છે. પણ બીના તો પોતાને જે ગમે એ જ કરવામાં માનતી હતી.

રમત રમતમાં ક્યારેક બાળકો ઝઘડી પડે ત્યારે બીના હમેશાં બકુલનો પક્ષ લેતી હતી. બીનાને કોણ જાણે હવે બકુલ વિના ચાલતું નહોતું. ક્યારેક મહેન્દ્રભાઇ બીના માટે શહેરમાંથી ચોકલેટ લઇ આવતા ત્યારે બીનાં પોતાનાં ફ્રોકના ખિસ્સામાં બકુલ માટે રાખી દેતી અને જ્યારે બકુલ મળૅ ત્યારે એને આપતી. એ જ પ્રમાણે બકુલનાં ઘરે કાંઇ વસ્તું આવે તો એ બીના માટે ચોક્કસ જુદી રાખતો બીનાને આપતો.

બકુલ હવે તેની નવી સાયકલ ઉપર બીનાને બેસાડી શીખવતો હતો. એક વખત બીના સાયકલ શીખતા પડી ગઈ ઘરે આવીને તે બહુ રડી. આ જોઈ શ્યામકાકા બહુ ગુસ્સે થઇ ગયા તેમણે બકુલને એક થપ્પડ લગાવી દીધી. ત્યારે કોણ જાણે બીના તેનું દુઃખ ભૂલી ગઈ અને બકુલ માટે રડવા લાગી, ’’ કાકા તેની કોઈ ભૂલ નથી હુ જાતે જીદ કરતી હતી અને પડી ગઈ છું ‘‘

દસ વર્ષની વયમાં એક નિર્દોષ મૈત્રીભાવના તાંતણે બંધાયેલો લાગણીનો તંતુ દિવસો જતાં વધુને વધું મજબૂત બનતો જતો હતો. બાળકોની ઉમર વધતા દોસ્તી અને પ્રેમ પણ ઘટવાને બદલે વધતો ગયો. બચપણની એક આગવી દુનિયા હોય છે.

હવે બીના અને બકુલને બારમું વર્ષ બેઠુ. હવે બીનાનું રૂપ બાલ્યાવસ્થા પાર કરી કિશોરી બનવાં તરફ મંડાણ કરી ચુક્યુ હતું.

બીના વિજાતીય આકર્ષણનો અનુભવ કરતી હતી . મન બળવો કરતું હતું કે આ તો માત્ર મિત્ર છે! મારા શ્યામ કાકાનો દીકરો છે. છતાં પણ તે સતત બકુલનો સહેવાસ ઝંખતી હતી. બકુલ પણ બીનાને ના મળે તો તેને કેમેય ચેન પડતું નહી.

બીનામાંથી બચપણ ધીરે ધીરે સરકી રહ્યું હતું. જ્યારે યૌવન પ્રવેશ કરે છે ત્યારે બાળપણ ખુશી ખુશી પીછેહઠ કરે છે. એકવડા બાંધાની બીનાનો ચહેરો નાજુક નમણો હતો. બીના હવે વધુ સુંદર દેખાતી હતી. એના ચહેરા પર યૌવનની લાલાશ ઉભરી આવી હતી. વિજાતિય સ્પર્શ અને લાગણીની ભાષા એનું શરીર સમજવા લાગ્યું હતું. એ હવે સપનાઓમાં આવતી રાજકુમારી સાથે પોતાની સરખામણી કરતી હોય એમ અરીસા સામે ઉભી રહેતી. આ ઉંમરનો એક એવો પડાવ હતો કે જ્યાં બધું સ્વપ્નવત લાગતું હતું.

હવે સ્મિતાબેન વારેવારે બીનાને ટોકતા રહેતા ’’ બેટા, તું હવે મોટી થઈ ગઈ છું તું આમ આખો દિવસ ઉછળકૂદ ના કર ,પગ ઘરતી ઉપર મૂકીને ચાલતા શીખ. આમ ઠેકડા ના ભર ’’ બાપરે કેટ કેટલી શિખામણો મા આપતી !

પરંતુ આ કિશોરાવસ્થા એક એવી અવસ્થા છે, કે જેમાં દરેક ના ગમતી બાબતને સાંભળ્યા વગર આગળ વધી જવું હોય છે! ના ગમતી સમાજની રીત, રસમ, માન્યતાઓની તેમને પરવા હોતી નથી. તેમને તો બસ પોતાના આગવા વિચારો અને મસ્તી હોય છે. ફાટ ફાટ થતી યુવાની નો અલગ નશો હોય છે.

મુગ્ધાવસ્થા એ જીવનનો એવો તબક્કો હોય છે કે તે વખતે આખી દુનિયાને વ્યક્તિ પોતાની નજરથી જોવા ચાહે છે. બીના પણ વિચારતી બધું સુંદર છે. સઘળું પોતાને અનુરૂપ રહેવું અને હોવું જોઈએ.

હવે તેને બકુલનો સાથ વધુ ગમતો ! પરંતુ ક્યારેક તેનાથી દુર રહેતી, ક્યારેક વધુ નજીક જતી તો ક્યારેક શરમાતી. આ એક જ તબક્કો એવો છે જ્યાં મનગમતી યાદો મમળાવવી ગમે છે. જે નથી હોતું તેની ઈચ્છાઓ કરાવી ગમે છે. વસ્તુની કે વ્યક્તિનું હોવાપણું ગમે છે. હોવું, ના હોવું,ગમવું, ના ગમવું બધું એક મુંઝવણ ભર્યું હોય છે. આજ અવસ્થા એ મુગ્ધાવસ્થા !

બીના હવે સ્કુલની એક બાલિકામાંથી ટીનેજરની અવસ્થામાં પહોચી ગઈ હતી. બરાબર આવી જ સ્થિતિ બકુલની હતી. બંનેની દોસ્તીમાં એક અજબ રંગ ઘુંટાતો હતો.

સમય સરતો જતો હતો. સાથે રમતા બાળકો ક્યારેક લડતા, ક્યારેક મનાવતા, સમય સાથે ઉડતા હતા. કોઈ એક દિવસ એક નાની રકઝકમાં બંને મિત્રો રિસાઈ ગયા. બંને જીદ્દી સ્વભાવના હતા. આજે આટલા વર્ષોમાં પહેલી વાર તેઓએ આખો દિવસ એકબીજા સાથે વાતચીત વિના પસાર કર્યો. જીવનનો આ એક દિવસ તેમને એક ભવ જેવો લાગ્યો. આખો દિવસ બીના મ્હોં ફુલાવી ફરતી હતી. એ સાંજે જમવામાં સ્મિતાબેને સમોસા અને ચટણી બનાવ્યા હતા. આજે બધા સાથે જમવાના હતા. જમવાનો સમય થયો પણ બકુલ દેખાયો નહી આથી સ્મિતાબેન બીનાને કહેવા લાગ્યા ’’ જા તો બેટા જરા બકુલને બોલાવી લાવ આજે કેમ હજુ ડોકાયો નથી ‘‘?

ચુપચાપ ફરતી બીના બાજુના ઘરે ગઈ બકુલ અંદરના ઓરડામાં ચાદર ઓઢી સુઈ ગયો હતો. તેથી બીના તેની પાસે ગઈ ચાદર ખાસેડી તેને કહેવા લાગી. ’’ ચાલ મમ્મી તને જમવા બોલાવે છે ,મારો ગુસ્સો તું જમવા ઉપર ના બતાવીશ’’

‘‘ગુસ્સો ? ગુસ્સો તો તું કરે છે મારી ઉપર .આજે આખો દિવસ મ્હોં ફુલાવી તું ફરી છે .’’ ચાદર ખસેડતી હતી ત્યારે બીનાનો હાથ પકડી બકુલ બોલ્યો.

આખો દિવસ તું મ્હો ચડાવી ફર્યો છે. તું મારી સાથે નથી બોલતો, હું જાણું છું તારા સ્વભાવને, તું જીદ્દી છે એકવાર નક્કી કરે કે કોઈ સાથે તું નથી બોલવાનો તો ફરી તેને મનાવવામાં બહુ વખત કાઢી નાખે છે.’ કહેતા બીનાનો અવાજ રુંધાઈ ગયો. બોર બોર જેવા આંસુ બીનાના ગોરા ગાલ ઉપરથી ટપકી પડ્યા. તેણે મ્હોં ફેરવી લેતા કહ્યું તું નથી બોલતો.આ સાંભળતા બકુલના હોઠો ઉપર તેનું સદાયનું જીવંત હાસ્ય ફેલાઈ ગયું અને સ્નેહથી બોલ્યો ’’ એ દિવસ જીવનમાં કદી નહી આવે કે હું તારી સાથે ના બોલું.’ગમે તે પરિસ્થિતિ હશે પણ હું તારી સાથે રહીશ. હું જે બીજા સાથે કરી શકું તેવું તારી સાથે કદી ના કરી શકું ’’ અને પળવારમાં ઝગડો બાસ્પ બની વિખેરાઈ ગયો.

બસ હવે બાળપણ ટાટા બાયબાય કરી રહ્યું હતું. આવી અજબ કશ્મકશમાં બીનાએ ચૌદ વર્ષની નાજુક ઉંમરમાં બકુલને પહેલો પત્ર લખ્યો. જેમાં તેણે સાવ સામાન્ય રીતે પોતાના મનની મુઝવણ વ્યક્ત કરી હતી

પ્રિય મિત્ર બકુલ,

આજે હું તને મારા મનની વાત લખીને બતાવું છું. કેટલાક સમયથી મનમાં ના સમજાય તેવી લાગણીઓ ઉત્પન્ન થાય છે.

કારણ સમજાતું નથી પણ તારો સાથ વધુ ગમે છે. તારા માટે અજબ લાગણી થાય છે. મમ્મી હંમેશા કહે છે તમે બધા ભાઈ બહેન છો . પણ હું કઈ સમજી શકતી નથી કે ભાઈ તરીકેની લાગણી છે, કે દોસ્તી, કે કઈક બીજું છે. જે મને તારા તરફ ખેચે છે. જો તું આ સમજી શકે તો મને સમજાવજે! તારા જવાબની રાહ જોઇશ. ‘‘

બીના ચાર દિવસ સુધી બકુલના જવાબની રાહ જુએ છે. બકુલ કઈ જવાબ આપતો નથી. આથી બીનાને બહુ લાગી આવે છે . આ તરફ બકુલની મનોસ્થિતિ અલગ હતી તેને બીના માટે જે લાગણી હતી તે સ્પષ્ટ હતી કે તે તેને પસંદ કરે છે. એક દોસ્ત અને તેનાથી કંઈક વિશેષ, પણ બીનાના પત્રનો તે અલગ અર્થ તારવે છે. બીના તેને કદાચ ભાઈ તરીકે પણ જોતી હોય? તેનું પ્રેમ ભર્યું હૈયું નંદવાઈ જાય છે અને તે પત્રનો કોઈ જવાબ આપતો નથી.

એક નાનકડી ઘટના બંનેના હોઠો ઉપર ચુપ્પીના તાળા લગાવી ગઈ .

બધું ઉપરથી બરાબર દેખાતું હતું. પરંતુ બીનાના મનમાં એક તિરાડ પડી ગઈ હતી.તેણે માની લીધું કે આ બસ દોસ્તીથી વિશેષ કઈ નથી ! બકુલ પણ આજ વાતને સમજી ગયો હતો . રોજરોજ ની મુલાકાત અને પારદર્શિત સબંધોની એકરૂપતા બંનેને નજીક લાવતી જતી હતી. બહારથી સામાન્ય લાગતી લાગણીઓ અંદરખાને ઘુંટાતી જતી હતી. આવી કેટકેટલી સોનેરી ક્ષણોની ઝાંય હેઠળ બચપણ જવાનીના ઉમરે આવી ઉભું રહ્યું.

૩) અનકહી લાગણીઓ

નરેશ કે. ડૉડીયા

બીનાની અને બકુલની દોસ્તીમાં હવે યૌવનની અનકહી પણ અનુભવી શકાય એવી મીઠી અને મનગમતી લાગણીઓનું આગમન થયું. અવ્યકત રહેતી લાગણીઓ હવે બંનેની આંખોની અસંજસની ભાષા બોલતી હતી. દોસ્તીના ક્યારામાં હવે પ્રેમનું અંકુર ફૂટી ચુક્યુ હતું. બીના અને બકુલના સ્વભાવના કારણે બંનેમાથી કોઇ બોલવાની હિંમત નહોતું કરી શકતું .પ્રેમની લાગણીઓ એક બીજા માટે આટલી બળવત્તર હોય ત્યારે ‘‘આઇ લવ યુ’’ કે ‘‘હા હું તને પ્રેમ કરૂં છુ,’’ એ શબ્દોની જરૂર પડતી નથી. આખરે દિલની પણ એક ભાષા હોય છે.

‘‘હૈયામાં સંઘરેલા સબંઘો પણ જીવંતતા માગે છે

દરેક સબંધો લાગણીનું ખાતર અને પાણી માગે છે.’’

બીના કે બકુલ એક બીજા સામે અંતરની લાગણી વ્યક્ત ન કરી શકયા પણ વણકહ્યે એક બીજા ઉપર હકનો વધારો કરતા ગયા. એક બીજાનાં સાનિધ્યમાં જવાનીના પગથીયા એક પછી એક ચડતા ગયા!

હવે બંને યુવાન હૈયા કોલેજમાં આવી ગયા. બીના રોજ કોલેજ બકુલ સાથે જાય અને પાછી પણ બકુલ જોડે આવે.

પેલા પત્રનો બકુલ તરફથી પ્રત્યુતર ના મળતા બીના અને બકુલ વચ્ચે કોઇ મનમાં ભેદ જણાયો નહી. બીના એમ માનતી બકુલ મને એક સારી મિત્ર સમજે છે. છતાં પણ જ્યારે બીના બકુલની પાછળ બાઇક પર બેસીને કોલેજ જતી ત્યારે એને એક અજબ પ્રકારનો અહેસાસ થતો રહેતો. બીનાને આ રીતે બકુલની નજદિકતા ગમતી હતી. યુવાનીમા વિજાતિય આકર્ષણનું એક ગુઢ રહસ્ય હોય છે. એ રહસ્યના કારણે છોકરા અથવા છોકરીનું મન અને હૃદય એક બીજા તરફ ખેચાંણ અનુભવતું હોય છે. બસ આવું જ કંઇક બીના અનુભવી રહી હતી.

ઘણી વખત કોલેજ છુટયા બાદ સાંજે સમય મળતાં બીના અને બકુલ સોન નદીને કિનારે બંનેની પસંદગીની જગ્યા એ બેસતા. જ્યાં એક વડનું ઘટાદાર ઝાડ હતું, ત્યાં એક નાનો બાંકડો હતો. ત્યાં જઇને સાથે સમય વિતાવતા હતા. કલાકો સુધી હાથમાં હાથ લઇને બેસતા ત્યારે બીનાને બકુલ બહુ વહાલો લાગતો હતો.

એવામાં બીનાના પિતાના એક મિત્ર વિદેશથી આવ્યા ત્યારે એક ટેપરેકોર્ડર લાવ્યા. બકુલ અને બીનાને જુના ગીતો અને ગઝલનો બહુ શોખ હતો. જ્યારે બીના તો ક્યારેક એની નોટબુકમાં નાની કવિતાઓ ટપકાવી લેતી. એ પછી જ્યારે સોન નદીના કિનારે બેસતા ત્યારે બીના ટેપરોકોર્ડર સાથે લઇને જતી હતી. બંને કલાકો સુધી ફિલ્મી ગીતોની ધુન પર પોતાની કલ્પનાની દુનિયામાં ખોવાઇ જતાં હતા. બકુલની વિચારસરણી થોડી વાસ્તવિકતા ભરેલી હતી. જ્યારે ચંચળ બીનાની કમ ઉમરને કારણે કલ્પના શકિત બહુ ખીલેલી હતી. જે ગીત સાંભળતી હોય એમાં સાથે બકુલ હોય એવી કલ્પના કરતી રહે અને રાચે.

એક દિવસ કોલેજમાં રજા હતી. બપોરેનો સમય હતો. બંનેનાં ધરમાં બધા આરામ ફરમાવતા હતા. બીના એની આદત મૂજબ રોજ બકુલના ધરની બારીને તાક્યા કરતી હોય. એવામાં બકુલની નજર બીના પર પડી. બકુલે ઇશારો કરીને પુછયું કે,’ હું ઉપર આવુ’. બીનાએ સંમતિ આપી. બંને ઘર વચ્ચે એવા ગાઢ સંબધો હોવાથી ઘરનાં સભ્યો કોઈ પણ સમયે આવ જા કરતા હતા. જેવો બકુલ ઉપર આવ્યો કે તરત જ બીનાને કહ્યું,’’ચાલ આજે આપણે બંનેની પંસદગીનાં ગીતો લખીએ’.

વારાફરતી બંનેને જેમ જેમ યાદ આવતા જાય એમ બીના એની નોટબુકમાં ગીતોની યાદી ટપકાવતી રહી. કુલ ચાલીસ જેટલાં બંનેની પંસદગીનાં ગીતોની યાદી બની એટલે બકુલે બીનાને કહ્યું. ‘આ યાદી મને આપી દે’.

એટલે બીનાએ કુતુહલવશ પુછ્યુ,’’તારે આ યાદીને શું કરવું છે’ ?

બકુલે કહ્યું,’ એ તને બે દિવસ પછી ખબર પડી જશે’.

બીનાને એ ખબર નહોતી કે બે દિવસ પછી એનો જન્મદિવસ છે

બીનાના જન્મદિવસે બંને ધરનાં પરિવારે મળી સાથે ઉજવણી કરી. બીનાના પપ્પાને બહું દેખાડૉ કરવો ના ગમતો હોવાંથી બીનાનો જન્મદિવસ હમેશાં ઘરમેળે જ ઉજવતા. બીનાના જન્મદિવસે એ અચુક બાજુના ગામમા આવેલાં વૃધ્ધાશ્રમમાં રહેતાં વૃધ્ધોને જમાડતાં હતાં.

જન્મદિવસની ઉજવણી પૂરી થતાં બીના જેવી એનાં રૂમમાં ઉપર ગઇ. પાછળ પાછળ બકુલ પહોંચી ગયો. સીલ્વર રેપર વીંટેલા બોકસ ઉપર બીનાને જ્ન્મદિવસની શુભેચ્છા આપતું દિલ આકારનું એક સ્ટીકર લગાડેલું હતુ. આ રીતે બકુલે આપેલી ભેટથી બીનાનો ઉત્સાહ સમાતો નહોતો. જેવું બકુલે એને બોકસ આપ્યું એટલે ઉત્સહિત બીના એને ખોલવાં લાગી. તરત જ બકુલે એને રોકી અને કહ્યુ, ‘‘હું જાંઉ પછી તું એકલી હોય ત્યારે ખોલજે.’’ જેવો બકુલ રવા્‌ના થયો કે તરત બીનાએ બોક્સ ખોલ્યું. ખોલીને જોયું બંનેએ સાથે મળીને જે ગીતોની યાદી બનાવી હતી તે બધા ગીતોનું રેકોર્ડીંગ કરેલી સોનીની ત્રણ કેસેટ હતી. ત્રણે કેસેટમાં જે ગીત હોય એની યાદી બકુલે પોતાનાં હાથે લખી હતી. બકુલ તરફથી મળેલી ભેટ જોઈ બીનાની ખૂશી સમાતી નહોતી. તરત બારી ખોલીને જોયું તો બકુલ એ્‌ના ઘરની બારી સામે ઉભો હતો. બંનેની આંખો મળી અને નજરોથી બીનાએ બકુલનો હૃદયપૂર્વક આભાર માન્યો.

એમાંથી બીનાએ એક કેસેટ ટેપરેકોર્ડરમાં ચડાવી અને પ્લેનું બટન દબાવ્યું . ગીત વાગવાં માંડયુ.

‘‘આધા હૈ ચંદ્રમાં,રાત આધી

રહે ના જાયે તેરી મેરી બાત આધી.’’

ગીત સાંભળીને બીનાને લાગ્યુ કે આ ગીતમાં કેટલી સચ્ચાઇ છે. રોજ બકુલ મળે છે છતાં પણ છુટી પડતી વેળાએ એમ જ લાગે છે કે બંનેની વાત અધુરી રહી ગઇ. પ્રિયજનની સમિપતા એક નશાં જેવી હોય છે. એક આદત બની જાય છે. જેમ સવારનાં ચા જોઇએ. જેમ શરાબીને સાંજ પડતાં શરાબ જોઇએ. બસ આવુ જ કાંઇક બીનાને બકુલ માટે હતું. બકુલને જ્યાં સુધી મળે નહી ત્યાં સુધી બીનાના મનને રાહત મળતી નહોતી.

હવે જ્યારે પણ બંને સોન નદીના કિનારે સાંજે બેસવા જતા ત્યારે પ્રિય ગીતો સાથે સાંભળતા હતા.ક્યારેક બીના એની સાથે લખેલી પોતાની નાની કવિતાઓની નોટ લઇ જતી અને બકુલને પ્રેમથી સંભળાવતી હતી. બકુલને પણ બીનાં જ્યારે કવિતા બોલતી હોય ત્યારે બહુ ગમતી હતી .ધણી વાર બકુલ મને સમજાયું નહી કહીને બે કે ત્રણ વાર એકની એક કવિતા બોલાવતો હતો. બીના જાણતી હતી કે આ બધું બકુલ જાણી જોઇને કરે છે. બકુલને એનો સુરીલો અને મીઠો અવાજ બહું ગમતો હતો. ઘણી વાર કોઇ ગીત ગાતી હોય તો બકુલ કહેતો ફરીથી ગાઇને સંભળાવ.મને તારો અવાજ બહું ગમે છે. યુવાન હૈયાઓ આવી મીઠી મીઠી ક્ષણૉમાં પોતાની નાની ખુશીઓનો ઉત્સવ મનાવતા હતા.

બકુલની વાતમાં જરા પણ અતિશયોકતિ નહોતી. બીનાના અવાજમાં એક કસક હતી. પ્રિય પાત્ર માટેની આરત ઘુંટાતી હતી. જાણે કોઇ પંખી એના સાથીને ટહુકાઓ કરી આહવાન આપતું હોય . રણકાર એના કંઠમાથી નીકળતો હોય એવું લાગતુ હતુ.

નવરાત્રી દરમ્યાન સોનપુરમાં ગરબી થતી. એ ગરબીમાં નવે નવ દિવસ બીના એનાં સુરીલા કંઠ દ્વારા માતાજીનાં ગરબા ગાઇને ગામના લોકોને મંત્રમુગ્ધ કરી દેતી હતી. ગામનાં લોકો મહેન્દ્રભાઇને કહેતા પણ ખરા કે તમારા ઘરે સાક્ષાત શારદાનો જન્મ થયો છે. કારણકે બીનાં ભણવામાં ખૂબ હોશિયાર હતી. કોઇ પણ પ્રકારના ગીતો હોય બીનાને બધા ગમતા હતાં. ક્યારેક એની મમ્મી સાથે લગ્નમાં જતી ત્યારે લગ્નગીતો પણ એના મધુર સ્વરે ગાતી

જ્યારે કોઇ પણ પ્રસંગમાં જવાનુ થાય ત્યારે બીના બકુલને નજરમાં રાખીને ખાસ તૈયાર થતી હતી. તૈયાર થયા બાદ બકુલને અચૂક પુછતી,’ હું કેવી લાગું છુ’? ત્યારે બકુલ શરમાઇને કહેતો,’’એક તું અને એક પેલી મધુબાલા.’ કહીને વાક્ય અધુરું છોડતો. બકુલને મધુબાલા અને રાજકપુર બહુ પ્રિય હતાં.એક વાર બકુલે બીનાને કહ્યું કે તું વાળમાં વચ્ચે પાંથી રાખે છે એની બદલે સહેજ જમણી બાજુ પાંથી પાડશે તો બહું સરસ લાગશે. તે દિવસથી બીના એના વાળની પાંથી જમણી બાજુ રાખતી થઈ ગઈ. બીના જાણતી હતી કે એનાં જાડા અને ઘટ વાળ બકુલને બહુ ગમતા હતા.

બીનાને વાળામાં ફૂલ નાખવાનો શોખ હતો.જ્યારે કોઇ પ્રસંગમાં જવાનુ હોય તો બકુલને ખબર હોય અને બીના માટે અચુક લાલ કાશ્મીરી ગુલાબ લઇને આપી દેતો. ઘણી વાર બીના કહેતી કે ચાલ તારા હાથે મારા વાળમાં નાખી દે. તો બકુલ શરમાતા શરમાતા બીનાના વાળમાં લાલ ગુલાબ ખોસી આપતો. આવી નજદિકતામાં બંનેની આંખો મળતી ત્યારે બીનાં અચુક બકુલની આંખોમાં પોતાની કલ્પનાની કવિતા વાંચવાની કોશિશ કરતી. એકીટશે તેને નિહાળતી ત્યારે બકુલ શરમાઇને આંખો નીચી ઢાળી દેતો.

બે યુવાન હૈયા દોસ્તી અને પ્રેમની લક્ષ્મણ રેખાનો મનમાં ખ્યાલ લાવ્યા વિના માત્ર એક બીજા માટે કંઇક કરી છુટવાની ભાવનાને કારણે સમિપ આવતા રહેતા હતા. કારણ વ્યાજબી હતું.વાંચાળ અને હોશિયાર બીના પણ આ અતિ નાજુક ભાવનાને હોઠ પર લાવી શકતી નહોતી. એ મનોમન બકુલ પ્રત્યે અગાઢ આકર્ષણ ધરાવતી હતી પણ યુવાનીમાં દુનિયાદારીનો અનુભવ ના હોવાથી એ આકર્ષણ કહો કે લગાવ કહો એને પ્રેમ કે ચાહત જેવું નક્કર નામ આપી શકતી નહોતી. કારણકે બકુલનો એના પ્રત્યેનો ભાવ જ્યારે હૃદયથી જોતી ત્યારે ચોક્કસ લાગતું કે બકુલ હજુ એને દોસ્તીથી આગળ સમજતો નથી. કારણકે પુરુષગત કુદરતી સ્વભાવ થોડૉ નફિકરો હોય છે. ક્યારેક કારણ વગર હેત વરસાવી દે તો ક્યારેક અચાનક દૂર સરી જાય .આવું જ દોસ્તીમા પણ બનતું હોય છે. પણ એક વાત હતી.જ્યારે જ્યારે બીનાને બકુલની જરૂર હોય ત્યારે બકુલ ખુશી ખુશી હાજર થઇ જતો.

એવામાં કોલેજમાં દ્રારકા,સોમનાથ અને જુનાગઠનો બે દિવસનો પ્રવાસ નક્કી થયો . આ ખબર જ્યારે બીના અને બકુલને પડી ત્યારે બંનેએ નક્કી કર્યું કે આપણે પ્રવાસમાં જવું છે. બીનાને આમે પણ કૃષ્ણ પ્રત્યે બહુ માયા હતી. જ્યારે રાધા કૃષ્ણની વાતો સાંભળતી ત્યારે કલ્પનામાં ડૂબી બીના પોતાને ‘રાધિકા ગૌરી’ સ્વાંગમાં ડુબાડી દેતી. બીનાએ કદી દ્રારકા જોયું નહોતુ. તેથી એને દ્રારકા હોવાથી મનોમન નક્કી કર્યું કે મારા કૃષ્ણના ગામમા જવું છે. એ ગામ જ્યાં કદી રાધા આવી ના શકી. મનોમન કૃષ્ણને બીના કહે છે ભલે તારા યુગમાં તારી સખી રાધા દ્રારકા ના આવી શકી પણ,પણ કળયુગની રાધિકેગૌરી તારા દ્રારકામાં આવવાની છે .’’ મનોમન હસી પડી, એના રૂમમાં રાખેલી કૃષ્ણ ભગવાનની છબી સામે ટગર ટગર જોવા લાગી. જોરથી બોલી પડી,’’આવુ છું હો મારા કાન,તને મળવાં તારી દ્રારિકા નગરીમાં.’’

એક અઠવાડીયાં પછી સોનપુરથી બે બસ ભરાઇને કોલેજના છોકરાઓ અને છોકરીઓની દ્રારકાની વાટ પકડે છે. શિયાળાનો સમય હતો અને રાતના એક વાગ્યે બસ ઉપડી હોવાથી બધા પોતપોતાની મિત્ર મંડળી સાથે જગ્યા રોકીને બેસી જાય છે. બીના અને બકુલ બે જણની સીટ પર બેસી ગયા . ઠંડીની મૌસમ અને બીનાની આંખોમાં થોડી ઉંધ ભરી હતી. ગરમ શાલ ઓઢીને બકુલના ખભે માથું રાખી, બસ અંદર ચાલતા મસ્તી મજાના શોરબકોર વચ્ચે સુવાની કોશિશ કરતી હતી. આ રીતે કોલેજનો પહેલો પ્રવાસ હોવાથી બીના ઉત્સાહ સભર હતી. ખાસ ઉત્સાહ એ કારણે હતો કે એને બકુલ સાથે પુરા બે દિવસ વિતાવવાં મળશે.

વહેલી સવારે આઠ વાગ્યે બસ દ્રારકાં પહોચે છે.નવ વાગ્યે નાસ્તો ચા વગેરે લઇને બધાં જગત મંદિરનાં પરિસરમાં પહોચે ર્છેીંજગત મંદિરને જોઇને બીનાં અને બકુલ બંને ભાવુક બની જાય ર્છેીં

બીના અને બકુલ જગત મંદિરમાં પ્રવેશે છે.બીના પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો હતો.મંદિરમાં પહોચીને બીનાએ દ્રારિકાનાથની સામે દુપ્પટો માથે ઓઢી લીધો. બીના અને બકુલ હાથ જોડીને દ્રારિકાનાથના દર્શનમાં લીન થઇ ગયા. બકુલે આંખ ખોલી તો બીના હજુ આંખો બંધ કરીને હાથ જોડીને ઉભી હતી.બકુલ બીનાના આ રાધામય રૂપને જોતો જ રહી ગયો. રોજ કરતાં શ્રી કૃષ્ણની પનાહમાં બીનાના ચહેરા પરની આભા કંઇક જુદી જ દેખાતી હતી.

દ્રારકા બધા બપોરે જમીને સોમનાથ જવા ઉપડે છે. સોમનાથ પાસેનાં હોલિડે રીસોર્ટમાં બધાનો રાત્રી મુકામ હતો. હોલિડે રીસોર્ટ દરિયા કિનારે આવેલો હતો.સુંદર અને આરામદાયક સગવડ ધરાવતાં રૂમ અને ખુલ્લો દરિયા કિનારો આ રીસોર્ટને શાનદાર બનાવતા હતા. રાતનાં બધાએ જમી લીધું પછી રીસોર્ટના દરિયા કિનારે તાપણું કરીને બધા છોકરાઓ અને છોકરીઓ ભેગા થાય છે. શોર બકોર અને ધીંગા મસ્તીનો માહોલ હતો. એવામાં કોઇએ અંતાક્ષરી રમવાનું સુચન કર્યુ. તાપણાની બંને બાજુ બે ટીમ પડી ગઇ.

ગીત અને ગઝલનાં શોખિન બીના અને બકુલને અંતાક્ષરીમાં મજા પડી ગઇ.બીનાનો વારો આવ્યો ત્યારે બીનાએ ગીત ગાયુ,’’તુમ્હે દેખતી હું તો લગતાં હૈ ઐસે,કે જૈસે યુગો સે તુમ્હે જાનતી હું.

બકુલનો વારો આવ્યો ત્યારે બીનાને કલ્પના પણ નહોતી અને બકુલે એની મસ્તીમાં ‘‘મે શાયર તો નહી, મગર એ હસીન જબસે દેખા મૈને તુજ કો,મુજ કો શાયરી આ ગઇ.’’

આમ મસ્તી અને ધમાલમાં રાતનાં બાર વાગ્યા ત્યારે બધા છુટા પડ્યા.છોકરીઓ પોતાના રૂમ તરફ વળી.

છોકરાઓ પોતાની રૂંમ તરફ ચાલવા લાગ્છુયા. છૂટા પડતી વેળાએ બકુલ અને બીના એક બીજાને જોતા રહ્યા. બીનાએ હળવુ સ્મિત આપ્યું અને બકુલે હાથ ઉંચો કરીને અભિવાદન કરતાં ગુડનાઇટ કર્યુ.

બીજે દિવસે સવારે બધા જુનાગઢ જવા માટે નીકળ્યા. જુનાગઢ જેવા સ્થળની મુલાકાત લેવાં માટે બે દિવસ ઓછા પડે. સવારે પહોચતાની સાથે ગીરનાર જેને ચડવું હોય એને ગીરનાર પર્વતની તળેટીએ ઉતાર્યા. બાકીનાને શહેરમાં ઉપરકોટ,સક્કરબાગ,દામોદર કુંડ જેવા સ્થળૉએ લઇ જવામાં આવ્યા.

બીના અને બકુલે ગીરનાર પર્વત ચડવાનું નક્કી કર્યુ.યુવાની અને જોશનાં કારણે બંને ગીરનાર ચડતાં તો ચડી ગયા. પણ ઉતરતી વેળાએ બીનાને પગમાં દુખાવો થવા લાગ્યો. એક જગ્યાએ બેસીને બકુલે બીનાના પગને ધસી દીધા. માંડ માડ બીના બકુલના ટેકે ગીરનાર પર્વત ઉતરી. સાંજનાં પાંચ વાગ્યે બધાં તળેટીએ ભેગા થયા અને બસમાં બેસીને સોનપુર રવાનાં થયા. રસ્તામાં રાત્રીનું ભોજન લઇને વહેલી સવારે બધા સોનપુર પહોચ્યા.

આખી મુસાફરી દરમિયાન બકુલે જે રીતે બીનાનો ખ્યાલ રાખ્યો હતો. એ કારણે બીનાને બકુલ પ્રત્યે ઔર માન વધી ગયુ. જેને કારણે બીના ભાવીની કલ્પનામાં ખોવાઇ ગઇ.

આવીને બે દિવસ આરામ કર્યાં બાદ આજે કોલેજે જવાનો વારો હતો. બીનાના ધરની બહાર બકુલની બાઇકનો હોર્ન સંભળાય છે. ખુશખુશાલ બીના ઉછળતી કુદતી હરણીની માફક બકુલની પાછળ ગોઠવાઈ ગઈ.

આજે બકુલની પાછળ બેસવાનો બીનાને કંઇક ઔર આંનદ આવતો હતો. ખબર નહી બીનાને આજે એમ થતું હતું કે પ્રેમી યુગલની જેમ આજે બકુલની કમર ફરતે હાથ વિટાળીને બેસે. મન તો ઘણું થતું હતુ પણ લોકલાજની બીકે બીનાએ પોતાની જાતને આમ કરતાં સંભાળી લીધી. બાઇક પરના પ્રવાસ દરમ્યાન બકુલના સ્પર્શમાં બીનાને કંઇક રોમાન્ચ આવતો હતો. યૌવનની ખુશ્બૂમાં એક નવો અણસારો દેખાતો હતો. આજે બીનાના ચહેરા પર સુરમઇ ગુલાબી ઝાંય દેખાતી હતી.

એ દિવસે સાંજે બીના અને બકુલ કોલેજેથી ઘરે પાછા આવે છે. બીનાનાં ધરમાં બંને પરિવાર ભેગા થયા છે. બધાનાં ચહેરા પર ખુશાલી દેખાઇ આવે છે. બીના અને બકુલને જોઇ બકુલની માતા તોરલબેન બીનાને બાથમાં લઇને બોલ્યા,’’બીના,આજે હું એકદમ ખુશ છુ,તું મારા ઘરમા જ આવવાની છે.તોરલબેનની વાત સાંભળીને બંને યુવાન હૈયામાં આંનદની હેલી ઉછળી આવી.બીના તો શરમની મારી નજરોને ઝુકાવીને એના રૂમમાં દોડીને ચાલી ગઇ . બકુલ ચુપચાપ એના ઘર તરફ વળી ગયો.

-નરેશ કે.ડૉડીયા

૪) આગવી દુનિયા

હેમા બહેન પટેલ

સામાન્ય રીતે એવું કહેવાય છે પ્રેમ આંધળો હોય છે. અહિંઆ તો બીના અને બકુલની વાત કંઈ જુદી છે. બંને એક બીજાને ખૂબ ચાહે છે. પરંતુ હજુ સુધી પ્રેમનો એકરાર નથી કર્યો! એવું લાગે જાણે તેમનો પ્રેમ મુંગો થઈ ગયો છે. હૃદયમાં શબ્દો છે, તે શબ્દોને વાચા નથી આપી. ‘હું તને પ્રેમ કરું છું’, એ શબ્દો હજુ સુધી હોઠ પર નથી આવ્યા. બંને હવે હૃદય અને આંખોની ભાષા સમજે છે . જો દિલને બરાબર સમજવું હોય તો દિલની અંદર જે શબ્દો વર્ષોથી દબાવીને રાખ્યા છે તે બહાર આવવા જોઈએ ! સાચે જ દિલની અંદર શું ચાલી રહ્યું છે તે વાચા વીના ન સમજાય. હૃદયના ભાવો વ્યક્ત કરવા માટે તો પ્રભુએ આપણને વાચા આપી છે. બેમાંથી એક જણે પહેલ કરવી જ પડે. બંને મૌન સેવીને બેઠા છે. હરવા ફરવા જાય છે. દુનિયાભરની વાતો કરે છે . પરંતું જે સૌથી અગત્યનુ છે તેમાં ચુપકીીદ સેવી છે. ભવિષ્યમાં તેના પરિણામ માટે બંનેએ તૈયાર રહેવું પડશે. બંનેને ક્યાં ખબર છે કદાચ આ મૌન માટે કેટલી મોટી કિમત ચુકવવી પડશે. આપણે જાતે ન બોલીએ, તો બીજાને શું ખબર પડે અંદર દિલમાં શું ચાલી રહ્યું છે ? પ્રિયતમને જ ન ખબર હોય તો પરિવાર ક્યાંથી જાણતો હોય? બાળપણથી સાથે મોટા થયાં છે. ગહન દોસ્તી સિવાય બીજું કંઈ નથી એમ માને. સાથે મોટા થયા હોવાથી એકબીજા માટે પ્રેમભાવ છે ? શંકાની દ્રષ્ટીએ કોઈ જુએ નહી.

બંનેના જીવનમાં બાલ્યાવસ્થા દરમ્યાન પ્રેમના અંકુર ફુટ્યા. બે પરિવાર વચ્ચેના ઘાઢ સંબધોએ દરેક સદસ્યને એક બીજા સાથે પ્રેમ અને લાગણીની દોરથી બાંધી દીધા .આત્મિયતા રૂપી આ ફળદ્રુપતામાં બીના અને બકુલના પ્યાર રૂપી અંકુર એક કળીમાંથી ફુલ બની મહેકી ઉઠ્‌યા. તેમના જીવનમાં ખુશી અને આનંદ વ્યાપી રહ્યો છે. પ્યારની ભાવુકતામાં બંનેએ રૂપ, રંગ ઉંમર કંઈ જોયું નથી. બસ પ્યાર થઈ ગયો છે. જાણે આગલા જનમનુ કંઈ બાકી રહી ગયું હોય એમ ગાઢ સંબધ બંધાઈ ગયા છે. પ્રેમ રસ એવી લાગણી છે તેનાથી કોઈનુ મન ભરાતું નથી. જેટલો પ્રેમ કરો તેમાં વધારો થતો જાય છે. બીના અને બકુલ એક બીજાને અનહદ પ્રેમ કરે છે. ભલેને એકરાર ન થયો હોય બંને એક બીજા માટે જ જાણે બનેલા હોય એવું લાગે છે. ભવ ભવના બંધન બંનેને એક કરે છે કે નહી તે જોવાનુ છે

રજાનો દિવસ છે. આજે બધા ઘરમા છે. સહુ રજાના મુડમાં છે. ગામમાં એક બ્રાહ્મણ પંડિત આવ્યા છે તે ફરતા ફરતા મહેન્દ્રભાઈને ઘરે આવી પહોંચ્યા. મીતાબેને ઘરની અંદર બોલાવીને બેસાડ્યા. કુતુહલ પૂર્વક બાળકો પણ આવીને બેસી ગયાં. મીતાબેને કહ્યું પંડિતજી મારી દિકરી બીનાની કુંડળી જોઈને તેનુ ભવિષ્ય બતાવશો ? આપને ખબર હશે માતા અનેપિતાને દિકરીની કેટલી ચિંતા હોય છે? ખાસ કરીને તેને સાસરીનુ સુખ કેવું હશે તેની ચિંતા સતત રહેતી હોય.પંડિતજીએ કહ્યું કુંડળીની જરુર નથી દિકરીનો હાથ જોઈને ભવિષ્ય બતાવીશ.

’’ બીના બેટા અહિંયાં પંડિતજીની પાસે આવીને બેસ,એટલે તેમને હાથ જોવાનુ અનુકુળ પડે ‘‘

બીના પંડિતજીની નજીક જઈને બેઠી. તેમણે બીનાની હાથની રેખાઓનુ નિરિક્ષણ કરવા માંડ્યું. હાથની રેખાઓ બરાબર વાંચી લીધી પછીથી પંડિતજી બોલ્યા, બેન આપની દિકરી તો ગુણિયલ, હોંશિયાર અને બહુજ સમજ્દાર છે. માતા-પિતાની આજ્ઞા માનશે.પરિવારના સુખે સુખી અને પરિવારના દુખે દુખી. ભગવાને તેને રૂપની સાથે ગુણ આપ્યા છે. તેના લગ્નનો સમય નજીક આવી રહ્યો છે. પરદેશથી મુરતિયો આવશે, તે તમારી દિકરીને પરણીને પરદેશ લઈ જશે. તમારી દિકરી ત્યાં સુખેથી રાજ કરશે.

પંડિતજીએ બીનાને ખાસ વાત સમજાવી બેટા, જન્મ, લગ્ન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. દરેકની જોડી ઉપર બને છે. ઉપર વાળો જોડીયો બનાવીને આપણને મોકલે છે. બીજુ આપણા ભાગ્યમાં જે લખેલું હોય તે પ્રમાણે થાય, વિધીના લેખ કોઈ ટાળી ન શકે. દરેક મનુષ્યએ ભાગ્યમાં લખેલા વિધીના લેખ ભોગવવા પડે. તેમાંથી હજુ સુધી કોઈ બાકાત નથી રહ્યું. કોની સાથે, કયા જનમના કેટલાં અને કયાં લેણ દેણ ચુકવવાના હોય છે તે કોઈ નથી જાણતું. તેને ચુકવવા પડે છે માટે તો જુદી જુદી વ્યક્તિઓના સંપર્કમાં ભગવાન આપણને મુકે છે. જેથી તેનુ ૠણ અદા કરી શકીએ.પંડિતજી હસ્ત રેખાના પ્રખર જ્ઞાની હોવાથી તેમને બીનાના હાથની રેખાઓ જોઈ અને તેના જીવનનો ખ્યાલ આવી ગયો.

મીતાબેન અને મહેન્દ્રભાઈ પંડિતજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા.પરંતું બીના વિચારે છે પંડિતજી ગપ્પાં મારે છે. બકુલ મારો મુરતિયો છે એતો અહિંયાં બેઠો છે.મીતાબેને પંડિતજીને જમાડીને દ્રક્ષિણા આપી ખુશી ખુશી વિદાય કર્યા. બંનેને પંડિતજીની વાત સાંભળીને નિરાંત થઈ. ચાલો બીનાને સારુ સાસરુ મળશે અને તેને ઘરે સુખી રહેશે.મા-બાપને બીજું શું જોઈએ ?

એક દિવસ રાત્રી ભોજન પતાવીને બેઠા હતાં. મીતાબેને મહેન્દ્રભાઈને જણ્યાવ્યું આપણો સુખી સંસાર છે, પંડિતજીએ પણ સારા સમાચાર આપ્યા છે. મારી ઈચ્છા છે ઘરમાં પૂજા કરાવીએ, ભજન સાથેમહાપ્રસાદ લેવડાવશું.મહેન્દ્રભાઈ તરત બોલ્યા ચોક્ક્‌સ ગોઠવો, ધરમના કામમાં ઢીલ નહી. પ્રોગ્રામ નક્કી કરી દીધો.મીતાબેને ઘરમાં પૂજાનુ આયોજન કરીને સગાં સબંધી અને મિત્ર મંડળમાં આમંત્રણ મોકલ્યું. નક્કી કરેલા દિવસે પૂજા, ભજન અને પ્રસાદની મઝા સહુએ માણી. ભજનમાં નાના મોટા સૌ જોડાયા વાતાવરણ ભક્તિમય બની ગયું. બીના અને બકુલે પણ ભજન ગાયા. બીનાના સુરીલા અવાજે સૌને મુગ્ધ કરી દીધા.ખુશીનું વાતાવરણ છે, છતા બીના પંડિતજીના શબ્દો વાગોળ્યા કરે છે. તેને શંકા છે જો પંડિતજી સાચા હોય તો? પંડિતજીની ભવિષ્ય વાણી સાચી પડે તો ?બીજી જ ક્ષણે વિચારે છે, પંડિતજી કોઈ ભગવાન નથી તે કહે તે બધું સાચું હોય! બીનાનુ મન માનવા તૈયાર નથી. તેના પ્યાર પર તેને પુરો ભરોસો છે.

બંને પરિવાર વચ્ચે ઘાઢ સંબધ બંધાયેલા હતા. બાળકો પણ બહુજ હળી મળી ગયેલા હતા. બે અલગ અલગ પરિવાર હતા, લોહીની સગાઈ હતી નહી પરંતું સગા ભાઈઓ અને સગી બહેનો જેવું મમમ્ત્વ હતું.ચારે વચ્ચે સુખ-દુખની બધી વાતો થતી. સુખ-દુખમાં બંને એક બીજાને સાથ આપે છે.એક બીજાના પરિવારની ચિંતા સાથે મળીને કરે. મહેન્દ્રભાઈ અને મીતાબેને તોરલબેન અને શ્યામ ને વાતા કરી, કોઈ સારો છોકરો હોય તો મારી બીના માટે બતાવજો. અમારી ઈચ્છા છે બીના તેના સાસરે સુખી રહે. સારુ સાસરુ અને સંસ્કારી મુરતિયો જોઈએ છે.અજાણ્યામા પડીએ તો દિકરી દુખી થવાનો ભય રહે ? માટે જાણીતામાં થાય એવી અમારી ઈચ્છા છે.તોરલબેન તરત જ બોલ્યાં મીતાબેન તમે બંને બીનાની જરાય ચિંતા ના કરશો બીના મારી પણ દિકરી જેવી જ છે. મારી પણ ઈચ્છા છે તેને સારુ સાસરુ મળે.તોરલબેને બીનાની જન્મ કુંડલીની બધી વિગત અને ફોટો લઈ લીધો.શું ભણે છે, તેનો સ્વભાવ બધું તોરલબેનને ખબર છે.તેમાં તો કંઈ જોવાનુ નથી.

ઘરે જઈને તેમના ફોઈને લંડન ફોન જોડ્યો અને વિગતવાર બધું પુછી લીધુ, બીના માટે વાત ચલાવી બીનાની બધી વિગત આપી દીધી. અને કહ્યું ફોટા પોસ્ટ કરું છું જે તમને મળી જાય એટલે હું તમારા જવાબનો ઈન્તજાર કરીશ. તોરલબેને ખાસ કહ્યું આવી છોકરી દીવો લઈને શોધવા નીકળશો તો પણ નહી મળે. તોરલબેનના ફોઈએ સામેથી કહ્યું, મને મારી ભત્રીજી ઉપર પુરો ભરોસો છે. તે ગમે તેવી છોકરી મારા સૂર્ય માટે ના બતાવે. મારો સૂર્ય પણ લાખોમાં એક છે તે તૂ જાણે છે. તોરલબેને પણ કહ્યું ફોઈ આ છોકરી બીના પણ લાખોમા એક છે તેના જેટલા ગુણલા ગાઈએ એટલા ઓછા પડે, તેના માતા પિતા, આવું સંસ્કારી ખાનદાન શોધ્યું નહી મળે.

બે દિવસમાં તો તોરલબેનને જવાબ રૂપે લંડનથી ફોન આવી ગયો બધાને બીના ખુબજ પસંદ આવી છે. તોરલ તૂં આગળ વાત ચલાવ. અમને હવે ધીરજ નહી રહે.

એક દિવસ બકુલ અને બીના કૉલેજથી પાછા ઘરે આવ્યાં. બકુલ પણ સીધો બીનાને ઘરે જ આવ્યો તો તેઓએ ઘરની અંદર બંને પરિવારને સાથે બેઠેલા જોયા. બધા જ બહુ ખુશ દેખાતાં હતાં ત્યાંજ તોરલબેન બંનેને જોઈને બોલ્યાં આવ બીના હું તારીજ રાહ જોતી હતી કહીને તેને એક આલીંગન આપીને બોલ્યાં બીના હું આજે એકદમ ખુશ છું બીના તૂં મારા જ ઘરમાં આવવાની છું.

તોરલબેને જ્યારે બીનાને કહ્યું તૂં મારે ઘરેજ આવવાની છું, વાત સાંભળીને બીના શરમથી નત મસ્તક બની રૂમમાં ચાલી ગઈ તોરલબેનની વાતથી તેના શરીરમાં જાણે જોરમા વીજળી દોડી ગઈ,ગાલ પર લાલી છવાઈ ગઈ, આનંદ વિભોર મનનો મોરલો નાચી ઉઠ્‌યો.દિલની ધડકન તેજ થઈ ગઈ. કોઈ મને સંભાળી લો, મારો શ્વાસ અટકી જશે. તેની આંખોમાં એક અજીબ સી ચમક આવી ગઈ. તેણે રૂમની બારી જરા ખોલીને બકુલના ઘર તરફ એક નજર કરી જોયું , તેના સાસરીયાની કલ્પના કરવા લાગી વિચાર કરતાંજ દિલની અંદર રોમાંચ થયો અને શરમાઈને બારી બંધ કરીને પલંગ પર આવીને આડી પડી, શરમની મારી મલકતા મુખડાની ઉપર તકિયો મુકીને મૉ છુપાવતી વિચારોમાં ખોવાઈ ગઈ, જાગતી આંખે સુન્હેરા સ્વપ્ન જોવા લાગી.,સ્વપ્નની દુનિયામાં પહોચી ગઈ. સામે બકુલ ઉભો છે,શેરવાની ,માથે સાફો, પગમા ચમચમતી મોજડી, હાથમાં ફુલનો હાર બકુલને વરરાજાના રૂપમાં જોયો.પોતે દુલ્હનના રૂપમાં સજીને હાથમાં ફુલોનો હાર છે. તેણે પોતાનુ ડોકુ નીચું કર્યુ બકુલ હાર પહેરાવવા જાય છે ત્યાંજ કોઈએ તેના મૉઢા ઉપરથી તકિયો હઢાવ્યો બીનાએ સામે જોયું તો તોરરલબેન ઉભા હતા. તેની સ્વપ્નની દુનિયા જાણે છીનવાઈ ગઈ.મીઠુ-મધુર સ્વપ્ન જોઈ રહી હતી.બીના સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી. તેના દિલ અને દિમાગમાં બકુલ સિવાય કોઈ હતું જ નહી. હજુ પ્રેમરસનો નશો ઉતર્યો નથી ત્યાં તો તોરલબેન બીનાની બાજુમાં બેઠા , વ્હાલથી તેને વાંસે હાથ ફેરવતાં બોલ્યાં મારી દિકરી સુખી થાય એવું હમેશાં ઈચ્છું છુ.તૂં મારી નજરમાં વસી ગઈ છે. બીના તો સાંભળતાં ખુશ થાય છે.જે સ્વપ્ન જોયાં છે તે સાકાર થવાનાં છે એવું વિચારવા લાગી.તોરલબેનની વાતો સાંભળી રાજી થાય છે ત્યાં તો તોરલબેને આગળ તેને કહેવા માંડ્યું

તોરલબેન —’’ બીના લંડનમાં મારા ફોઈનો દિકરો સૂર્ય વેલ સેટલ છે, તેની સાથે તારા લગ્ન માટે વાત ચલાવી હતી, મેં તેઓને તારો ફોટો મોકલાવ્યો હતો તું બધાને બહુ જ પસંદ આવી છે. કેમ પસંદ ન આવે મારી દિકરી છે જ એટલી સુંદર અને ગુણીયલ. જોતાં જ પસંદ આવે એવી મારી દિકરી છે. તને કોઈ ના ન પાડી શકે’’

બીનાને તો જાણે પગ નીચેથી ધરતી ખસી ગઈ, માથા ઉપર આસમાન તૂટી પડ્યુ હોય એમ તેને લાગ્યું. તેના સ્વપ્ન વેર વિખેર થઈ ગયાં, એક જ ઝટકામાં દિલના ટુકડે ટુકડા થઈ ગયા બીના સ્તબ્ધ બની ગઈ. મૉઢાની અંદર કહેવા માટે એક શબ્દ નથી. તેણે ધાર્યુ ન હતુ જીવનમાં આવી પણ પરિસ્થિતીનો સામનો કરવો પડશે. પોતે એકદમ ખામોશ થઈ પત્થર બની, શુન્ય બની સાંભળતી રહી. તોરલબેન સમજ્યાં શરમની મારી બીના કંઈ બોલતી નથી.તોરલબેનને ક્યાં ખબર છે, તેમણે હજાર વૉલ્ટનો શૉકનો ઝટકો બીનાને આપ્યો છે.

બકુલ પણ મમ્મીની વાત સાંભળીને ખુશ થયો, તે પણ સ્વપ્નની દુનિયામાં ખોવાઈને બીના સાથે સુખી દાંપત્ય જીવનની કલ્પના કરવા લાગ્યો. મીઠો અહેસાસ પણ હૃદયને પુલકિત કરી દીધું. તેને ખબર નથી મમ્મીના મગજમાં શું છે અને બીનાને શું કહેવાની છે.

હજુ તો બીજા છોકરા સાથે પોતાના લગ્નની વાત ચાલી એટલામાં તો બીનાના જીવનમાં જાણે દુખનો પહાડ તૂટી પડ્યો, તે વિચારે છે પલ ભરમાં આ શું થઈ ગયું? મારી તો દુનિયા ઉજડી ગઈ, મેં શું વિચાર્યુ હતુ અને શું થઈ ગયું ? બીના તોરલબેનની વાત સાંભળીને પોતાની જાતને કોસવા માંડી, મારી જ ભુલ છે મેં કેમ કોઈને મારા અને બકુલના સબંધની વાત ન કરી. આ પરિસ્થિતી માટે બકુલ પણ એટલો જ જવાબદાર ગણાય તેણે પણ ક્યારેય અણસાર ન આવવા દીધો. અમે બંને કેમ મુંગા રહ્યા ? અમે બંને મુંગાં રહ્યાં પરંતું અમારા પરિવારને અમારા વડીલોને પણ આમારા બે માટે ક્યારેય વિચાર ન આવ્યો ? ચારેવ જણા દુનિયામાં છોકરો શોધવા નીકળ્યા છે આંખોની સામે જે છોકરો છે તે તેઓની નજરમાં નથી આવતો. અમે બંને કુલની મર્યાદા, અમારા સંસ્કારને કારણ બોલી ન શક્યા , પંરતું આ મોટાઓને શું થઈ ગયું છે.’બગલમાં છોકરું અને ગામમાં ઢંઢેરો પીટે’ એવી હાલત છે.તેઓને મારા માટે બકુલ દેખાતો નથી ? બીના તેની હૈયા વરાળ બહાર કાઢે છે પરંતું તેના માટે હવે બહુ મોડું થઈ ગયું છે.બંનેને મુંગા રહેવાની આ મોટી સજા મળી છે. તેમનુ ભાગ્ય કહો કે પછી સજા તેઓએ સ્વીકારવી જ રહી.

બીના ભગવાનને પુછવા લાગી હે પ્રભુ ચુપ રહેવાની આટલી મોટી સજા તેં આપી ? હું બકુલ વીના કેવી રીતે જીવી શકીશ ? બકુલ મારા હૃદયમાં બેઠેલ છે તેનુ સ્થાન બીજાને કેવી રીતે અપાય ? બીજાને કેવી રીતે હું મારા હૃદયમાં બેસાડી શકીશ ? હે ભગવાન મને માર્ગ બતાવજો. બીના પ્રાર્થના કરે છે ત્યાં જ તેને પંડિતજીના શબ્દો યાદ આવ્યા. બેટા ભાગ્ય્માં જે લખ્યું હોય તે દરેકે ભોગવવું પડે, તેમાંથી કોઈ બાકાત ન રહે. વિધીના લેખ કોઈ મિટાવી ન શકે., તો શું મારા ભાગ્યમાં બકુલ નથી ? હું તો માનતી હતી મારો અને બકુલનો પ્યાર જન્મો જનમનો છે, અને હું મહેસુસ પણ કરું છું અમે જન્મો જન્મના સાથી છીએ તો પછી બીજા સાથે દાંપત્ય જીવન ? એ કેવી રીતે શક્ય બને ? બીનાના મનની અંદર વિચારોનુ ઘમસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. તે બકુલને પણ આ વાત કેવી રીતે કરી શકે, કેમકે એકબીજાને પ્યાર કરવા છતાં બંને આ વસ્તુ માટે અનજાન છે. બંનેએ એકરાર નથી કર્યો. બીના વાત કરે તો કોને કરે ? તેણે હવે આગળ જે બનવાનુ છે તેનો સ્વિકાર કરવા સીવાય છુટકો નથી. તેની પાસે બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો જ નથી .કાલે સવારે શું થવાનુ છે તે કોઈ નથી જાણતું !

૫)સ્વપ્નાનો મહેલ

ડૉ. ઇંદિરાબહેન શાહ

દિવાનખાનામાં થયેલ વાત સાંભળી, તોરલબેને પ્રેમથી બીનાને આલિંગન આપ્યું, જે તેને બહુ ગમ્યું. તેને તો મનમાં એમ જ થયું જાણે તેની ભાવી સાસુ તેને આનંદથી તેમના કુટુંબમાં આવકારી રહી છે. બીના અને બકુલ એકબીજાને ખૂબ ચાહતા હોવા છતા, એકરાર કરી નહીં શક્યા બન્નેના સંસ્કાર તેમને રોકી રહ્યા હતા? કે પછી બન્નેના મનના ઊંડાણે એક ભય હતો, કદાચ મારો પ્રેમ એક પક્ષી હશે ? ના, ના એવું કેમ હોઇ શકે ? કહેવાય છે, આંખોમાં હૃદયના ભાવ જરૂર ઉભરાય. વ્યક્તિની આંખ જોઇ કહી શકાય, વ્યક્તિ ખુશ છે કે નારાજ. ભાવ તો બન્ને અનુભવતા દિલમાં અરમાનો જાગતા, છતાં કદી વાણીમાં પ્રગટ ન કર્યા. બન્ને એકબીજાની પસંદગીનું ધ્યાન રાખતા, ગમતી વસ્તુઓની ભેટ આપતા, તેમ છતા પોતાની લાગણી જાહેરમાં કે ખાનગીમાં વ્યક્ત નહોતા કરી શકતા. બન્ને પહેલે આપ, પહેલે આપ મનમાં ઇચ્છતા રહેતા, બેમાંથી કોઈની લાગણીને વાચા ના ફૂટી. બન્ને જણા સોનનદીને કિનારે કલાકો ગાળતાં એક દિવસ એકબીજાના હાથ પક્ડી બેઠા હતા ત્યારે બીનાથી કવિતા દ્વારા કહેવાઇ ગયું,

પ્રિયતમ રાધા જુએ છે તારી વાટ

ક્યારે તું લઇ જશૅ યમુનાને ઘાટ

છંછેડ તું રાધાને કરી તારા તોફાન

કંઇક તો બોલ રાધા જુએ છે વાટ

બકુલ તો બીનાનો મધુર કંઠ માણી રહ્યો. તેને દ્વારિકાધીશની સામે ઊભેલી બીના રાધિકા બની ગાતી દેખાઇ. પુરુષ ઘણી વાર સ્ત્રીને સમજી નથી શકતો. સ્ત્રી શરમ, મર્યાદામાં સ્પષ્ટ બોલી નથી શકતી. આમ બન્ને એક સારા દોસ્ત તરીકે જ વર્તતા રહ્યા. કહેવત છે ને માંગ્યા વગર મા પણ ના પીરશે. સ્કુલ કે કોલેજથી ઘેર આવીએ તરત પહેલું વાકય,’ મમ્મી બહુ ભૂખ લાગી છે’ અને મમ્મીનો જવાબ,’ બેટા રસોઇ તૈયાર છે’. હાથ પગ ધો હું થાળી પિરસુ, મમ્મી પાસે માગીએ ત્યારે જ થાળી પિરસાય. તેમ એકબીજા પ્રેમનો એકરાર કરે તો જ પ્રેમ પરિણયમાં પલટાય.

બીના, અને બકુલ સાથે મોટા થયા, બન્ને કુટુંબના સભ્યો જાણે, એક સંયુકત કુટુંબના સભ્યો હોય એ રીતે સારા માઠા પ્રસંગે એકબીજાને ત્યાં ખભેખભા મીલાવી કામ કરે. અજાણ્યાને તો એમ જ લાગે જાણે સ્મિતાબહેન અને તોરલબહેન સગા દેરાણી જેઠાણી છે.મહેન્દ્રભાઇ અને શ્યામભાઇ પણ સગાભાઇની જેમ રહે. પાંચે બાળકો સગા ભાઇ બહેન જેમ, સાથે રમે, યશને ત્રણ પૈડા વાળી સાયકલ ફેરવતા જોયો, કે તુરત શિલ્પા આવી શ્યામ પાસે, પપ્પા મને યશભાઇ જેવી સાયકલ અપાવોને. શ્યામભાઇએ સમજાવવા પ્રયત્ન કર્યો બેટા તું હજુ નાની છે, તારા પગ ના પહોંચે, પપ્પા મારા પગ પહોંચે છે. ય્શભાઇએ મને ટ્રા્‌ય કરાવડાવી. યશને સાયકલ ફેરવવામાં શિલ્પાની કંપની જોઇતી હતી. તુરત બોલ્યો કાકા, શિલ્પાના પગ પહોંચે છે, અપાવી દોને અમે બન્ને સાથે જ ચોકમાં ફેરવશું. રોડ પર નહી જઇએ. હું શિલ્પાનું બરાબર ધ્યાન રાખીશ.આ રીતે બાળકોનો ઉછેર સાથે થયો. નાના મોટા એકબીજાનું ધ્યાન રાખવા તત્પર.

બીના કોલેજના છેલ્લા વર્ષમાં આવી અને તોરલબેનને ચિંતા થવા લાગી, એક દિવસ સ્મિતા એ મહેન્દ્રભાઇને વાત કરી ‘‘તમને નથી લાગતું હવે આપણે બીના માટે સારું ઠેકાણું જોવાનું શરું કરવું જોઇએ’’, ‘‘હા હા મારી ક્યાં ના છે, તું તોરલબેનને વાત કર તેમના ઘણા સગા પરદેશમાં રહે છે, અને હાથ જોવાવાળા મહારાજ સાચા હશે? આપણી બીનાના નસિબમાં લખાયું હશે, તો જરૂર આપણી બીના તેમને પસંદ પડી જશે. દીકરી પરદેશમાં સુખ સાહેબી ભોગવતી થઇ જશે. શ્યામ પાસે ઘણી વાર સાંભળ્યું છે ત્યાં જરાય ધુળ નહીં, રસ્તા બધા ચોખ્ખા, સ્વછતાનું નાના મોટા સહુ ધ્યાન રાખે’’. ‘આજે જ હું તોરલબેનને વાત કરું છું’’ શુભસ્ય શીઘ્રમ, સ્મિતાએ તોરલબેનને વાત કરી. તેમને તો બીના ખૂબ ગમતી હતી. બોલ્યા ‘‘સ્મિતા આજે જ મારા ફોઇને લંડન ફોન જોડું છું, તમે, મને બીનાનો નવરાત્રીમાં ચણિયા ચોળી ડ્રેશમાં પડાવેલ ફોટો અને તેની કુંડળી આપો હું કાલે એર મેલમાં લંડન મોકલાવી દઉ’’.

બીના અને બકુલ કોલેજથી સાથે ઘેર આવતા. બીના બકુલની પાછળ મોપેડ પર બેસતી. ઘણી વાર બીનાને બકુલની કમરે બેઉ હાથ વિટાળી બેસવાનું મન થતું ? મનને મારતી આજે મનને પરાણે માર્યું ,‘‘ના ના ગામમાં લોકો જોઇ જાય. ગમે તેમ મારા માતા પિતા વિશે બોલે, મારા વર્તનથી મારા મા બાપ વગોવાય. બિલકુલ નહીં, આમ બન્ને વાણી તેમજ વર્તનમાં હંમેશા સજાગ રહ્યા. ઘરમાં પ્રવેશતા વાત સાંભળી.

બીના રૂમમાં ઓશિકા નીચે મોં છુપાવી રોમાંચ અનુભવી રહી. તેના આખા શરીર, મનમાં અનોખી લાગણીના તાર ગુંજી રહ્યા! તંદ્રામાં દિવાસ્વપ્ન જોઇ રહી. કાનમાં શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. બકુલ સરસ શેરવાની પહેરી માંડવે ઊભો છે. પોતે સરસ પાનેતર પહેરી બકુલને હાર પહેરાવા જઇ રહી છે, અને ઓશિકુ ઊંચકાયું સામે તોરલકાકી દીકરી, હું તને કહેવા આવી છું. મેં જે નીચે વાત કરી તે મારા ફૈબાના દીકરા સૂર્ય માટે છે. તેઓએ મને સૂર્ય માટૅ છોકરી જોવા કહેલું, મારે તો મારી બીના મારા ઘરની જ પછી બહાર ક્યાં ગોતવા જઉ ? તારા જેવી રૂપાળી ગુણીયલ છોકરી કોઇ ન મળે. તું તો મારી આંખમાં નાની હતી ત્યારથી વસી ગઇ છે. તોરલબેને બેઉ હાથે બીનાને બેઠી કરી વાંસા પર સ્નેહ નીતરતો હાથ પ્રસરાવ્યો. તેની હડપચી ઊંચી કરી, આગળ બોલ્યા, ‘‘બેટા સૂર્ય તારાથી પાંચ વર્ષ મોટો છે, તેથી શું, તે તને ખૂબ સાચવશે, તેમના ચારથી પાંચ સ્ટોર છે. તેને તું પસંદ પડી ગઇ છે. મારી બીના કેટલી રૂપાળી ગુણીયલ મીઠડી, બોલે તો જાણે ફૂલડા ઝરે. હવે તો મારી ભત્રીજી પરદેશમાં રાણી બનશે, હવે બેટા તારી હાની રાહ છે, તેઓ ડીસેમ્બરમાં આવશે લગ્ન કરવા બસ હવે તો તું થોડા દિવસ અમારી સાથે છે. જતા જતા બોલ્યા મારે તો હવે ડબલ સગપણ ભત્રીજી અને ફૈબાના દીકરાની વહુ’’.તોરલબેને અજાણતા હજાર વોટ વિજળીનો શૉક આપ્યો, પછી રમુજ કરી ‘‘જોજે હો લંડનવાસી રાણી બની કાકીને ભૂલી નહીં જતી’’.

બીનાએ મુંગે મોઢે સાભળ્યા કર્યું. મૌનનો અર્થ તોરલબેન સમજ્યા શરમ, સંસ્કાર. મૌનને હા માની મનમાં ખૂશ થતા ગયા.

સાંભળી બીના સ્તબ્ધ બની ગઇ, જાણે પાષાણની મૂર્તી, તેને આ રમુજ શું અસર કરે? નહીં આંખમાં આંસુ, કે નહીં મોઢામાં શબ્દ બધુ જ થીજી ગયું, તેનું સ્વપ્ન સાકાર ન થયું, બીના વિચારે ચડી, આ શું બની ગયું, આવું બનશે તેનો કદી મને ખ્યાલ પણ નહતો વાંક કોનો મારો પોતાનો,ના ના મારી એકલીનો તો ના કહેવાય, બકુલનો પણ વાંક ગણાય ? મેં તો કેટલીય વાર મારી કવિતા દ્વારા મારી લાગણીના આછા અણસાર આપ્યા, પણ એણે તો કદી મને એવો કોઇ અહેસાસ નહીં કરાવ્યો. હા એ મારું ખૂબ ધ્યાન રાખતો પણ એ તો જાણે મોટૉભાઇ નાની બહેનનું ધ્યાન રાખે તેમ ! જોકે અમારા માતા પિતાનો પણ વાંક કહેવાય ? એ લોકોની નજર સામે અમે મોટા થયા, બાળપણમાં અમને લડતા ઝગડતા જોયા, યુવાનીમાં લડીએ, એકબીજાથી રિસાઇ જઇએ, તે દિવસે મમ્મીએ જ મને મોકલી ‘‘જા બકુલ બે દિવસથી ડૉકાયો નથી, આજે તેને ભાવતી દાળ ઢોકળી બનાવી છે, તારાથી જ રિસાયો હશે, તું જ મનાવી લઇ આવ’’! હું મનમાં હરખાતી ગઇ, બકુલના ઘેર, ‘‘સારુ થયું તું આવી, આજ હું બકુલને મોકલવાની હતી તને બોલાવવા, બે દિવસથી સરખું જમતો નથી, તને જોશે ને એનો મુડ સારો થઇ જશે’’ ?‘‘કાકી મને મમ્મીએ મોકલી, આજે દાળ ઢોકળી બનાવી છે એટલે બકુલને લેવા આવી’’,’’ અમારે ઘેર બકુલ સિવાય કોઇને દાળ ઢોક્ળી ભાવે નહીં એટલે હું ન બનાવું ‘‘જા જલ્દી ઊપર’’ હું ગઇ બકુલ ચાદર માથે ઓઢી સુતો ‘તો મેં ચાદર ખેંચી ચાલ મમ્મીએ દાળ ઢોકળી ખાવા બોલાવ્યો છે, ગુસ્સો જમવા પર નહીં રાખવાનો ‘‘હું ગુસ્સે થયો જ નથી, તું મારી સામે મોઢું ચઢાવી ફરે છે,’’આપણે બન્ને જીભા જોડી જ કરતા રહીશું તો દાળ ઢોકળી ઠંડી થશે, તો મારો વાંક નહીં’’, હું તારો વાંક કદી ન જોઊ તું તો રાધા જેવી ભોળી’’. ‘‘તો તું આખી જીંદગી મારો વાંક નહીં જુએ’’? ‘‘અરે સાત ભવમાંય તારો વાંક ન જોઊ’’. આ બધું ચારેય વડિલો જોતા હતા, સાંભળતા હતા, અમે બેઉ જણાએ તમે સીંચેલ સંસ્કારની મર્યાદા સાચવી, મુંગા રહ્યા, તમને કેમ અમારી લાગણીને વાચા આપવા કદી પુછવાનું સુજ્યું નહીં ? હશે મારા નસિબ, લગ્નતો જન્મ સાથે લખાઈ ગયા હોય છે. મારા લગ્ન સૂર્ય સાથે થવાનું લખાયેલ હશે ? જોષી મહારાજ ના કહેવા પ્રમાણે લખ્યા લેખ કોઇ મિથ્યા ન કરી શકે, મારે હવે સ્વીકારવું જ રહ્યું. હે ભગવાન જેની સાથે સાત જન્મ સુધી સાથે રહેવાના સ્વપ્ના જોયા એનો આવો કરૂણ અંત ! હવે પ્રભુ હજારો માઇલ દૂર તું મને મોકલી રહ્યો છે, તો મારી અરજ સાંભળ. ત્યાંના વાતાવરણમાં હું બધા સાથે સહજતાથી રહું, સૂર્યનો મારા પતિ તરીકે સ્વીકાર કરું, મારો બકુલ સાથે ગુજારેલ ભૂતકાળ હું ભૂલી જાઉ.

આ બાજુ બકુલ પણ માની સ્પષ્ટતાથી એટલો જ દુઃખી થયો. વિચારે ચડ્યો મેં આટલી મોટી ભૂલ કરી, હું બીનાથી મોટો, એતો ભોળી રાધા, મારે શરમ છોડી મારા મમ્મી પપ્પાને વાત કરવી જોઇતી હતી. મારા મૌનનો ભોગ અમે બન્ને બન્યા. ભગવાન અમારા મૌનની સજા આટલી મોટી હોઇ શકે! ખેર, આવી ખબર હોત તો મૌન રાખત જ નહીં. મને જ મારા પૌરુષત્વનું અભિમાન નડ્યું. પહેલે આપ, પહેલે આપ કહેવામાં ગાડી નીકલ ગઇ. ઇન્ડીયા છોડકર લંડન. દોષ કોઇનો નહીં મારી મમ્મી મારફત જ નક્કી થયું . હવે અમારે ભૂતકાળમાં સેવેલ સ્વપ્ના ભૂલી જવા રહ્યા, હકિકતનો સ્વીકાર કરવો રહ્યો.

આમ બન્ને જણા પોતાની જાતને કોસ્યા કરે છે, બન્ને સાથે કોલેજ જાય છે. જરૂર પુરતું જ બોલે છે. સોન નદીને કિનારે જવાનું, સાથે બેસવાનું બન્નેને મન થાય છે. બન્ને મન મારે છે, બીના તો ભણવામાં વધારે મન પરોવે છે. ડીસેમ્બરમાં કોલેજ પૂરી કરવાની છે. વાંચવામાં સમય પસાર કરે છે,

શુક્રવારના દિવસે અચાનક મોપેડ ઘર તરફ ને બદલે સોન નદી તરફ વળ્યું. બન્નેને ખબર ન રહી મોપેડ નદીના પટ પર પાર્ક થયું, જાણે બધું યંત્રવત બની ગયું. બીના જાણે ઊંઘમાંથી જાગતી હોય એમ બોલી ‘‘અરે બકુલ આપણે અહીં કેમ આવ્યા? ‘‘સોરી મને ખબર ન રહી આ બાજુની સાઇડ મળીને આ બાજુ વાળી દીધું’’. હવે પાછું વાળો મારે પરીક્ષાની તૈયારી કરવાની છે’’. હા મને ખબર છે, પણ તું સંતોષીમાના શુક્રવાર કરે છે, માના દર્શન કરવા આવશે એટલે મેં આ બાજુ લીધું. તારે પાછું રીક્ષામાં આવવું નહીં. બીના મનમાં, હજુ પણ મારું કેટલું ધ્યાન રાખે છે, આવું ધ્યાન સૂર્ય રાખશે ? ‘‘સારું હું દર્શન કરી આવું છું. ‘‘તું દર્શન કરી આવ હું અહીં બેઠો છું’’. બન્ને કેટલા બધા સજાગ, મંદિરમાં કોઇ બન્નેને સાથે જોઇ જાય અને બન્ને નાના ગામના ચોરે નવરા લોકોનો ચર્ચાનો વિષય બની જાય. આવો ચાન્સ કદી કોઇને મળ્યો નહીં. બન્ને ખૂબ સજાગ રહેતા, માતા પિતાની આબરૂને જરા પણ આંચ આવે એવું કોઇ વર્તન ભૂલમાં પણ થાય નહીં, તેનો સતત પ્રયત્ન કરતા.બે પ્રેમી પંખીડા માટે આ સહેલું નથી પણ આ બન્ને તો પોતાના કરતા પોતાના માતા પિતાના સંસ્કાર, આબરૂને વધારે મહત્વ આપતા !

૬) જિંદગી પ્યારકા ગીત હૈ

પ્રભુલલ ટાટારિઆ ‘‘ધુફારી’’

‘‘બીના,આજે હું એકદમ ખુશ છુ,તું મારા ઘરમાં જ આવવાની છે.’’બહુજ ઉત્સાહમાં બોલાયેલા તોરલબેનના આ શબ્દોએ બીનાને કેવી ભાવ વિભોર કરી દીધી હતી.ભલે તે બકુલને પોતાના પ્રેમનો અણસાર ન આપી શકી પણ બકુલની મમ્મીએ પોતાના અને બકુલના મનની વાત કેવી સમજાઇ ગઇ.બકુલ ભલે એની આંખની ભાષા વાંચી ન શક્યો પણ આન્ટી અમારી આંખોમાં ઉભરાતા પ્રેમના ઉભરાતા પૂર જોઇ સમજી શક્યા હતા ત્યારે જ પોતાને પોતાની પુત્રવધુ બનાવવા તૈયાર થયા હશે અને એટલે જ એને પોતાના ઘેર લઇ જવાની વાત સામેથી કહી એનો અનેરો આનંદ બીનાને થતો હતો.

કદાચ મારી મમ્મી અને બકુલની મમ્મીએ ખાનગીમાં મસલત કરીને નક્કી કર્યું હોવું જોઇએ.આવી વાતની અમારી હાજરીમાં ચર્ચા કરવાનું એમને યોગ્ય નહીં લાગ્યું હોય. કદાચ મમ્મી અને આંટી બંને મને અને બકુલને સરપ્રાઇઝ આપવા માંગતા હશે એટલે જ વાત છુપાવી હશે.પેલા પંડીતે ભલે કહ્યું કે તમારી દીકરી પરણીને પરદેશ જશે.એવા પંડીતો તો દ્રક્ષિણાની લાચમાં આપણે ખુશ થઇએ એવી જ વાત કરે એવું ન બને? કદાચિત એની આગાહી સાચી હોય તો એવું પણ બને કે બકુલને પરદેશમાં સારો જોબ મળે અને તે ત્યાં જાય તો પછી તે એને પરણીને અહીં મુંકીને કેમ જાય? એ તો જ્યાં વર ત્યાં વધુ એટલે તે પણ બકુલ પાછળ પરદેશ જ જાય ને?

તોરલબેન જેવી સાસુ અને બકુલ જેવો ભરથાર તો નશીબદારને જ મળે.શ્યામ અંકલ ભલે પપ્પાના મિત્ર રહ્યા પણ મને સગી દીકરીથી વિશેષ માનતા આવ્યા છે. આવા સસરા પણ નશીબદારને જ મળે.પોતે કેવી ખુશ નશીબ છે.

લગ્ન પછી પણ પોતાને ક્યાં દૂર જવાનું છે એક જ આંગણામાં માવતર પણ છે અને સાસરું પણ થશે. લગ્ન પછી વિદાય વખતે પોતે કોઇને રડવા નહીં દે.પહેલાથી જ મમ્મી અને પપ્પાને કહી રાખીશ કે,ચીલા ચાલુ દીકરીની વિદાય વખતે રડવું નહીં ખુશી ખુશી વિદય આપવાની નહીંતર શું?એક ખોરડામાંથી બીજામાં જવાનું છે તેમાં રડવાનું શું હોય?

અરે! હા એ બકુલને કહેશે એક બ્લેન્ક કેસેટ લાવી આપે એમાં એ પોતાના લગ્નના ગીત રેકોર્ડ કરી મમ્મીને આપશે અને લગ્ન વખતે ખાસ વગાડવાનું કહેશે.આ કેવો પ્રયોગ હશે? કોઇ કન્યાએ પોતાના લગ્નના ગીતો નહીં ગાયા હોય પણ એ ગાશે.આન્ટી પણ કહેશે વાહ! આ ખરું સુઝ્‌યું આ છોડીને.

વેવિશાળ થઇ ગયા પછી બકુલ સાથે સોન નદીના આરે ફરવા જશે ત્યારે પેલું એને ગમતું ગીત એ ગાશે અને બકુલને પણ સુર પુરાવવાનું કહેશે કહી ગાવા લાગી..

જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ)

એવી પણ ઉતાવળ શું છે થોડું બેસી લઇએ )(૨)

થોડું મોડું થયતો બા ખિજાય છે)

જયાં જયાં બાનું નામ આવે એવું થાય છે)(૨)

ટીખળ નહીં કરવાની)

જરૂર શી ડરવાની )(૨)

ખોટા ઊંઠા નહીં ભણાવા સમજ્યો?.હા સમજ્યોજોને રાત

જાતા વેળા થઇ જશે તો બસ વહી જશે )

રીક્ષા કરશું નહીં મળે તો છકડો લઇ જશે )(૨)

નહીં બેસું છકડામાં)

નખરા મુક નકામા )(૨)

છકડામાં ઉછાળા આવે સમજ્યો?.હા સમજ્યોજોને રાત

મન તો એવું થાય છે કે ચાલી નાખીએ)

ચાલવાનું આજે છોડો કાલે રાખીએ )(૨)

આજનું કરીએ આજે)

ખોટી જીદ ન છાજે )(૨)

‘ધુફારી’ પણ એ જ કહે છે સમજી?.હા સમજીજોને રાત

ભલે ગીતમાં આવે છે તેમ સોનપુરમાં સીટી બસ નથી તેથી શું થયું ગમે તેમ પણ આ ગીતની મજા કંઇક ઓર જ છે.બકુલને સોન નદીના કિનારા પરથી ઘણી વખત ઊભા થવાનું મન નથી ત્યારે આ શબ્દો કેવા સાર્થક થશે? હવે પાછા વળતા બકુલનો હાથ પકડીને હક્કથી એના ખભે માથું મુકી ચાલી શકશે.

હા હવે જરા રિસ્પેકટીવ થવું પડશે.આટલો વખત શ્યામ અંકલના ઘરમાં એબકુલ એબકુલ પણ નહીં કરાય અને બકુલ પાછળ દોડાદોડી કરતી હતી એ નહીં થાય.નવોઢાની જેમ હળવે પગલે ચાલવું પડશે.પહેલા તો ઘણી વખત ખુલ્લા વાળ ફગફગાવતી ચાલતી હતી હવે પોની નહીતર અંબોડો લઇ માથે ઓઢીને રહેવું પડશે.બીનાએ માથા પર દુપટ્ટો રાખીને આયના સામે ઊભી રહી પાછળ પગલા ભરીને આગળ ડગલા માંડયા અને પછી પોતાને જ કહ્યું બ્રાવો બીના યુ લુક્સ ગ્રેટ.

બકુલને બોલાવવા એ તું તું કરતી હતી તે ઘરની આમન્યા ખાતર તમે કહેવાની ટેવ પાડવી પડશે અને તો પછી.સાસરે આવ્યા પછી આન્ટી અને અંકલ નહીં કહેવાય એટલે મમ્મી અને પપ્પા કહેવાની ટેવ પાડવી પડશે.

આ તોરલ આન્ટી શ્યામ અંકલનું ક્યાં નામ લે છે અને મમ્મી પણ પપ્પાનું નામ નથી લેતી એતો ‘એસાંભળો છો?’ કહી વાતની શરુઆત કરે છે તો મારે પણ એવો જ કોઇ નુકશો બકુલને બોલાવવા અજમાવવો પડશે.આ સ્નેહા અને શિલ્પા બહેનોમાંથી વ્હાલી નણંદો થઇ જશે અને હું એમની ભાભી.

હવે છાનામાના એક બીજાને બારીમાંથી જોવાનો રોમાંચ પુરો થઇ જશે ભલે ને થઇ જતો એના કરતા પણ વધુ રોમાંચ બકુલની બાથમાં થશે.આટલો વખત મર્યાદામાં રહીને બકુલ સાથે બાઇક પર બેસતી હતી પણ લગ્ન પછી તેને બાજીને બેસવાનો હક્ક મળી જશે.એ રોમાંચ કેવો હશે?એની કલ્પના ક્યાંથી થાય?પણ એ રોમાંચ અનેરો તો હશે જ.હવે પોતાને રસોઇમાં જે નથી આવડતું એ મમ્મી પાસેથી શિખવાનું શરૂ કરી દઇશ અને બકુલને કહીશ કે તે નવી નવી વાનગીઓ બનાવવાની બુક લાવી આપે પછી એમાં જોઇને બકુલને તેને ભાવતી મનગમતી વાનગીઓ બનાવી બનાવી ને ખવડાવશે.

બકુલ ને કે અંકલને કહી એક ઇઝીચેર લેવડાવશે અને પેલું ટેપરેકોર્ડર હવે આન્ટીને સરસ ભજનની કેસેટ સાથે આપશે અને કહેશે હવે મમ્મી તમે આ ઇઝીચેર પર બેસીને આમાંથી સરસ ભજન સાંભળો યા તો તમને ગમતા ટીવીના કાર્યક્રમો જુવો ઘરની ફિકર નહીં કરતા હું બધું સંભાળી લઇશ એ સાંભળી તેઓ કેવા ખુશ થશે કદાચ મમ્મીને કહેશે પણ ખરા આ બીનાએ તો મને નવરી ધૂપ કરી નાખી કશું કરવા જ નથી દેતી એ સાંભળી મમ્મી કેટલી હરખાશે એને તો શેર લોહી ચઢશે

રોજ સવારે સૌથી વહેલી જાગીને અંકલ અને આંટીને સરસ ચ્હા બનાવીને પિવડાવશે અને આંટીને પૂજાની થાળી તૈયાર કરી આપશે.આંગણામાંના તુલસી ક્યારામાં સવાર સાંજ દીવો કરશે. હવે આંગણામાં સરસ ફૂલના છોડ વાવશે અને સવારે ઓલિયું મમ્મી ગાય છે જાગને જાદવાએ પ્રભાતિયું ગાતા તુલસીની પૂજા કરશે અને ફૂલો ચુંટશે.

આવી બધી કરી રાખેલી કલ્પનાઓ પરદેશ પરણાવવાના વંટોળની ફૂક લાગતા પત્તાનો મહેલ ધરાશાહી થાય તેમ તેની સપનાઓનો સુંદર મહેલની બધી દિવાલ કડડભુસ થઇ ગઇ.તોરલબેનની વાત સાંભળીને થોડી વાર સુધી તો બીના અવાચક અને જડ થઇ ગઇ તોરલબેન તો એમ જ સમજયા કે,બીનાને આ સમાચાર તેની કલ્પના બહારના છે તેથી રોમાંચની અકથ્ય લાગણીથી જડવત થઇ ગઇ છે એટલે મલકીને બીનાના ખભે ધબ્બો મારી જતા રહ્યા. બીના અચાનક એના પંલગ પર ફસડાઇ પડી અને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી, બીનામાં એટલી હિમ્મત નહોતી કે એના પરિવારના નિર્ણયની સામે થઇ શકે.

આ બાજુ બકુલ પણ બધી હકિકત જાણ્યા પછી સાવ ઉદાસ થઇને ફરતો હતો..એની પરિસ્થિતિ પણ બીના જેવીજ હતી.એણે પણ બીના સાથે લગ્નની અને એને સુઘડ ગૃહિણી તરિકે જોવાની કેટલીય કલ્પના કરી રાખી હતી.પોતે નોકરી પર જશે ત્યારે બીના પોતાનું લંચ બોક્ષ તૈયાર કરી આપશે.સાંજે નોકરી પરથી ઘેર આવતા એ બીના માટે મોગરાની વેણી જરૂર લાવશે અને લંચબોક્ષના ખાનામાં મુકીને બીનાને આપશે.જમ્યા પછી બંને બાઇક પર લોંગ ડ્રાઇવ પર ફરવા જશે નાનાબાઇક ઉપર લોંગ ડ્રાઇવની મજા ન આવે એ બેન્ક લોન લઇને કાર ખરિદશે અને બીનાને બાજુમાં બેસાડીને લોંગ ડ્રાઇવ પર જશે.આવી બધી કલ્પનાઓના ઘેરાયલા વાદળ વાયરાની ફૂક લાગતા વગર વરસે વિખરાઇ જાય એમ વિખરાઇ ગયા.

ખુદ એની માતાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો..પ્રેમનો એકરાર ના કરી શકવાના અવઢવની આવી ભારે કિંમત ચૂકવવી પડશે.એ બીના કે બકુલને ક્યાં ખબર હતી..એક બીજાના આંખમાં ઉમડતા ઘોડાપૂરને બંને એકરાર સમજીને ચાલ્યા હતા.આ આખોમાં દેખાય છે ત્યારે ‘આઇ લવ યુ’’ જેવો ઘસાઇ ગયેલો શબ્દ પ્રયોગ કરવાનું એમને ગમ્યું નહોતું.બંનેની આંખમાં ઉમડતા પ્રેમના ઘોડાપૂર શું મમ્મીને કે આન્ટીને દેખાયા નહીં

કદી પણ એક બીજાની સામે કોઈ વાત છુપાવતા નહિ કશુજ ખાનગી રાખતા નહી પરંતુ આ એક વાત એકબીજાને જાણ છે માની કદીયે કહી નહિ અને તેનું પરિણામ આટલું દર્દનાક આવશે તેની જાણ આ ભોળા જીવોને નાં હતી

ઘરના લોકોના નિર્ણય પ્રમાણે ડીસેમ્બર મહિના પહેલા બીનાને અભ્યાસ પૂરો કરવાનો હતો..બીના એની પરિક્ષાની તૈયારીમા ગળાડુબ હતી..ક્યારેક વાંચતા થાકી જતી ત્યારે એના ભાવી ભરથારના વિચારે ચઢી જતી.કેવો હશે તેનો સ્વભાવ? તેના મમ્મી પપ્પા આન્ટી અને અંકલ જેવા જ પ્રેમાળ હશે? જેણે પ્રવાસમાં જુનાગઢ,સોમનાથ જેવા શહેર પહેલી વખત જોયેલા તેણે આટલા દૂર જવાનું થશે? ત્યાં એ કોને પોતાના મનની વાતો કે સુખદુઃખની વાતો કરી હૈયું હળવું કરશે?બધા અજાણ્યા લોકો ઓ ભગવાન આ કેવી વિટંબણા છે?

કોલેજે હજુ બંને સાથે જ જતા હતા.કોલેજે જતી વખતે અને આવતી વખતે પણ બકુલ બીના સાથે પહેલા જેમ એકદમ ઓતપ્રોત થઇને વાત નહોતો કરતોહવે બીના મારી થવાની નથી તો સબંધ ઘાઢ કરવાનો મતલબ શો એમ મન વાળીને ખપ પુરતી વાતો જ કરતો.બીના પણ બકુલ માટે કરેલી બધી કલ્પના હવા થઇ જતા બકુલ સાથે વાત કરતા ઓછપાઇ જતી એ પહેલાની જેમ આંખોમાં આંખ પરોવીને વાત કરવા અસમર્થ હતી. એક બીજાની પીડા સમજતા બંને જીવો તે છતાય એકબીજાના સાનિઘ્ય માટે ઝંખના રાખતા ,બંને ભારે સમજુ હતા અને પોતાના પરિવારના હિત જોખમાય એવું કશું કરવા માગતા નહોતા , ખાસ બીના એના પિતાની એકદમ વ્હાલસોયી દીકરી હતી એના પિતા એક આબરુદાર પંચાયત પ્રમુખ હતા.એની દીકરી કોઇ અવિચારી પગલું ભરે તો પપ્પાની વર્ષોથી જે ધાક અને શાંખ છે તેને ધબ્બો લાગી જાય અને આ જોયા મહેન્દ્રભાઇ બીજાના ઝઘડા ચપટીવારમાં પતાવતા હતા તેના પોતાના ઘરનો દીકરી અને માવિત્રો વચ્ચેનો અંટસ પતાવવામાં સાવ નપાણિયા સાબિત થયા. બીનાના સ્વભાવમાં અને વર્તનમાં પણ એના પિતાની અસર દેખાઇ આવતી હતી તેના પાતાની સામે કે તેના પપ્પા સામે કોઈ આગળી પણ ચીંધે તે એને મંજુર ન હતું.(ક્રમશ)

૭) આગણાનો માંડવો

પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’.

રોજના ક્રમ પ્રમાણે બીના બકુલની બાઇક પર કોલેજ જતી આવતી હતી. બંને વચ્ચે ઔપચારિક વાતો થતી હતી. હવે પહેલાની રમતિયાળ બીના નહતી અને ન તો પેલો બોલકો બકુલ ! બંનેના મજાકના ઝરણાં સુકાઇ ગયા હતા. જાણે ભુતકાળમાં ભંડારી તેના પર અઢીશેરના અલીગઢના તાળા લાગી ગયા હતા.

બીના પોતાના અભ્યાસના પુસ્તકો વાંચતા કે નોટ્‌સ તૈયાર કરતા અચાનક શુન્યમનસ્ક થઇ જતી, અથવા અતીતમાં ખોવાઇ જતી. જ્યારે અતીતની અટારીએથી બહાર આવતી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડતી. એ મનોદશામાંથી બહાર આવ્યા પછી એનું મન અભ્યાસમાં ચોટતું નહીં . જુની આદત પ્રમાણે બારી પાસે જઇ ઊભી રહેતી અને એની બારી પાસે આવવાની રાહ જોતો બકુલનો હસ્તો ચહેરો ન દેખાતો ત્યારે વધુ ઉદાસ થઇ જતી.

પોતાની મમ્મીના નિર્ણયથી અંદર અંદર બકુલ ખૂબ પસ્તાતો. પોતાના અવિચારી પગલા માટે, ખોટા નિર્ણય ને કારણે પોતાને ભાંડતો હતો. બીનાએ તો ચીઠ્ઠી લખવાની હિંમત કરી પણ બકુલ જવાબ આપવાની હિંમત નકરી શક્યો ! બીનાને એ ભલે રૂબરૂમાં ‘આઇ લવ યુ’’ ન કહી શક્યો ! બીનાની ચીઠ્ઠીના જવાબમાં બે શબ્દો લખ્યા હોત, તો બીનાએ ચીઠ્ઠી એની મમ્મીની નજરે ચડી જાય એમ મુકવાનું એને સમજાવ્યું હોત! બંનેના પ્રેમ પ્રકરણની એની મમ્મીને જાણ થઇ હોત ? ‘મારી મમ્મીએ જે પેલા એન.આર.આઇના માંગાની વાત કરી ત્યારે બીનાની મમ્મીએ તેમને પેલી ચીઠ્ઠી બતાવી હોત અને એનું પરિણામ અલગ જ આવ્યું હોત !

ઘણી વખત વિચારોના વમળમાં અટવાયેલી બીના ઓશિકું ખોળામાં મૂકી ભાવવિહીન આંખે છતને તાક્યા કરતી. સ્મિતાબેન, બીના કદાચ અભ્યાસ દરમ્યાન થાકી ગઇ હશે એમ માની એના રૂમમાં જોઇ જતા રહેતા. એક દિવસ કોલેજમાંથી આવતા બકુલે બાઇક સ્ટાર્ટ કરતા કહ્યું.

‘હવે તું તો થોડા દિવસની મહેમાન છે. પછી મારી બાઇકની પાછળ બેસનારું કોઇ નહીં હોય તું ત્યાં લંડનમાં કારમાં ફરશે’

’બીનાએ આ માણસ કઇ માટીમાંથી ઘડેલો છે. એમ વિચારી શુન્યમનસ્ક તેના તરફ ટગર ટગર જોઇ રહી.

તે દિવસે કોલેજેથી આવી ઉદાસ બીના રૂમમાં બેઠી હતી ત્યારે એની માતા સ્મિતાબેન ત્યાં આવ્યા અને માથા ઉપર હાથ ફેરવીને પૂછવા લાગ્યા,

‘બેટા તું ખુશ તો છે ને ? હું અને તારા પિતાજી બહુ જ ખુશ છીએ.’

તોરલબેનના નિર્ણયથી શરણાગતિ સ્વિકારી લીધેલ બીના શું બોલે ! જેના લાડકોડમાં ઉછરી હતી એવા પ્રેમાળ માતા અને પિતાની ખુશી સામે એક સુશીલ અને સમજુ પુત્રી શું જવાબ આપે ? છતાં તેમના માન ખાતર માથુ હલાવી સંમતિ દર્શાવી તો સ્મિતાબેને બીનાને બાથમાં લઇને ચુમતા કહ્યું,

‘હું જાણુંને મારી દીકરીને..’

સ્મિતાબેનના શબ્દો સાંભળી બીનાનું મન બળવો પોકારતા બોલ્યું,’ તું જ તારી દીકરીને સમજવામાં થાપ ખાઇ ગઇ મમ્મી. કદી સાહજીક પણ ન પુછ્યું, કે દીકરી તારા મનમાં શું છે ‘? જો પુછવાની ફિકર કરી હોત તો આજે વિશાદના વમળમાં અટવાયેલી તારી દીકરીનું જીવન આનંદ અને ઉલ્લાસમય થઇ ગયું હોત ! એ પ્રેમ સરિતામાં તરતી હોત. તોરલ આન્ટીએ કહ્યું અને તેં સ્વિકારી લીધું .તારા મ્હોંમાંથી એટલા શબ્દો પણ ન સર્યા કે નક્કી કરતા પહેલા આપણે જરા બીનાનું મન જાણી લઇએ ? પપ્પા ભલે પંચાયત પ્રમુખ રહ્યા પણ ઘરની પંચાયતની પ્રમુખતો મમ્મી, તું જ છે .તું જે કંઇ કહે તેમાં પપ્પાએ ક્યારે પણ દખલ અંદાઝ નથી કરી. તોરલ આન્ટીના નિર્ણયને મમ્મીએ લીલી ઝંડી દેખાડી અને પપ્પાએ સ્વિકારી લીધી.

કોલેજના પ્રાંગણમાં બાઇક સ્ટાર્ટ કરતા બકુલના મોઢે સરેલા શબ્દો બીનાના કાનમાં ગુંજતા હતા જાણે ચારે તરફથી અફળાઇને પડઘા પાડી રહ્યા હતા એવા દુઃસ્વપ્નમાંથી એક રાત્રે બીના અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી ગઇ.બાથરૂમમાં ગઇ અને સ્વસ્થ થવા વોસબેસીનમાં ચહેરા પર પાણીનો છંટકાવ કરી પલંગ પાસે મુકેલ પાણી પીધા પછી,ઓશિકું ખોળામાં રાખીને વિચારે ચઢી ગઇ.

પોતે બકુલને ચીઠ્ઠી લખેલી તેનો જવાબ ક્યાં બકુલે આપેલો જો મારા મનમાં જે પ્રેમ ભાવ તેના પ્રત્યે છે એ જ પ્રેમ ભાવ તેના મનમાં મારા પ્રત્યે હોત તો તેણે જરૂર જવાબ આપ્યો હોત.મારી ચીઠ્ઠીને તેણે મારું ગાંડપણ ઘણી લીધું હશે! મતલબ આ એક તરફી પ્રેમ હતો. મને તેના પ્રત્યે પ્રેમ હતો, તેને નહોતો ! જુના દિવસોને પ્રેમના દુરબીનથી જોવાનું હવે બંધ કર !

‘અગર એ મમ્મી અને તોરલ આન્ટીના નિર્ણય સામે થઈ પોતાને બકુલથી પ્રેમ છે એવું જાહેર કરત અને બકુલ ત્યારે,’ વી આર જસ્ટ ફ્રેન્ડ’ એવું કહેત તો સોનાની જાળ પાણીમાં નાખ્યા જેવું થાત ! ગામ આખાના આબરૂદાર અને પંચાયત પ્રમુખને, દીકરીના આ ધડાકાથી કેટલી બદનામી વહોરવી પદત ? લોકો કહેતે, જોઇ આ આપણા પંચાયત પ્રમુખની છોડી કેવી ગાંડી થઇ? સાંભળ્યું છે કે, છેક લંડનથી એના માટે માંગુ આવેલં અને આ છોડીએ ગાંડપણ કરી ને નકારી કાઢ્યું, બોલો!

બીના, હવે તો જે પરિસ્થિતી સર્જાઇ છે તેને પ્રેમે સ્વિકારી લેવામાં શાણપણ છે. બકુલના અસ્વિકાર પછી જો એ લંડનથી આવેલ માંગુ સ્વિકારે અને સૂર્યના મગજમાં એની કેવી છાપ પડે કદાચ સૂર્ય એને સતત શંકાની નજરે જોયા કરે તો ઘરસંસાર સળગી જાય અને વતનથી આટલે દૂર એ પોતાના હૈયાની વરાળ કોના પાસે ઠાલવે.અહીં મમ્મીને ફોન પર જણાવે તો મમ્મીની મનોસ્થિતી કેવી થઇ જાય? આવા વિચારો કરતા છેવટે બીનાએ મન માનવી લીધું. હવે બીના બકુલ વીષે ઝાઝુ વિચારતી ન હતી. જ્યારે બંને સામસામે આવી જતા ત્યારે બીના, બકુલને એક સારા પડોશી તરીકે જોવા લાગી જેમાં કોઇ સંબંધ ન હતો.

લગ્નની તૈયારી રૂપે વડીઓ, ગુવાર અને કોટીંબાની કાચરી બનાવીને સુકવવામાં આવી રહી હતી. મંગળ ગીતોના ધ્વનિ સાથે પાપડ અને ખાખરા વણાતા. ગામમાંથી આ કામ જાણતી સ્ત્રીઓ વગર આમંત્રણે સહર્ષ પહોંચી ગઇ હતી.

મહેન્દ્રભાઇ અને શ્યામભાઇએ પસંદ કરેલી કંકોતરી છપાઇને આવી ગઇ હતી. મહેન્દ્રભાઇએ બકુલને પાસે બેસાડી સરનામાની ડાયરી આપી કહ્યું,

‘આ ડાયરીમાંથી નામ વાંચતો જા અને કોને કંકોતરી મોકલવી કોને નહીં,કોને પોસ્ટમાં મોકલવી અને કોને કુરિયરથી એનું લિસ્ટ તૈયાર કરીને તે પ્રમાણે કંકોતરી રવાના કરી દે. આ લે લિસ્ટ એના પર ફકત નામ લખીને અલગ રાખજે અને મને આપજે તો હું રૂબરૂ જઇને હાથો હાથ આપી આવીશ’

બકુલ નામ વાંચતો જતો હતો અને મહેન્દ્રભાઇ સુચના આપતા જતા હતા બપોર સુધી રવાના કરવાની અને રૂબરૂ આપવાની કંકોતરી પર નામ સરનામા થઇ ગયા.રૂબરૂ આપવાની કંકોતરીઓ એક પ્લાસ્ટિકની થેલીમાં નાખી બકુલે મહેન્દ્રભાઇને આપી અને પોસ્ટ કરવાની અને કુરિયર કરવાની કંકોતરીનો થોકડો લઇ એ બહાર નીકળી ગયો.

સ્મિતાબેને સાંજે ગોરમહારાજને બોલાવ્યા, માણેક સ્થંભ રોપવાની વિધિથી વિદાય સુધી કઇ અને કેટલા પ્રમાણમાં ચીજ વસ્તુઓ જોઇશે તેનું લિસ્ટ બકુલને પાસે બેસાડીને તૈયાર કરાવ્યું અને તોરલબેનને સાથે લઇ બંને બજારમાં ગઇ અને ખરીદીની પતાવટ કરી પાછા આવ્યા ત્યારે મુખી બાપુની દીકરીના લગ્ન છે એ જાણી હરખથી આવેલ કુંભાર ચોરીના માટલા સાથે અને સુથાર પોંખણા સાથે તેમની રાહ જોતા હતા.

બીજા દિવસથી લગ્ન માટે પહેરામણી અને દાયજામાં જોઇતી ચીજ વસ્તુની ખરીદી શરૂ થઇ ગઇ. ત્રણ દિવસ બજારમાં ફર્યા બાદ એ પણ પુરી થઇ ગઇ.દાગિનાની ફિકર સ્મિતાબેનને નહતી એ તો બીના કોલેજમાં આવી ત્યારથી જ્યારે સોની બજારમાં જતા ત્યારે પોતાને પસંદ આવેલ જણસ તેઓ ખરીદી લાવતા અને આ બીના માટે કહી અલગ રાખતા આવ્યા એમ એ પણ ક્યારની થઇ ગઇ હતી.

મુખી બાપુની દીકરીના લગ્ન, સોનપુરમાં એક ઉત્સવ હતો. શેરીથી ઘરના આંગણા સુધી આડીઓ ખોડાવાનું શરૂ થયું અને તેના પર સરસ મજાના ચંદરવા બંધાવા લાગ્યા હતા.મહેમાનોને જ્યાં ઉતારો આપવાનો હતો એ મકાનની સાફ સફાઇ અને જોઇતી ચીજ વસ્તુ યાદ કરી મુકવાની અને સજાવવાનું પુરું થઇ ગયું હતું.

ઘરના આંગણા વચ્ચે સરસ માંડવો રોપાયો હતો અને તેના પર અલગ અને સૌથી સુંદર ચંદરવો બાંધવામાં આવ્યો હતો. કુંભારે લાવી આપેલા માટલા પર સરસ ચિતરામણ કરી અને ચોરી બંધાઇ ગઇ હતી. ત્યાર બાદ શેરીથી ઘરના આંગણા સુધી ખોડાયેલી આડીઓ પર જગામગા કરતી લાઇટો મુકાઇ હતી જ્યાં જરૂર હતી ત્યાં ટ્યુબ લાઇટો બંધાઇ હતી જેના પ્રકાશમાં બધે અજવાળું અજવાળું પથરાઇ ગયું હતું

આખર જે દિવસની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી એ આવી પહોંચ્યો અને સૂર્ય અને તેનું ફેમીલી આવી ગયું. બે માળના જે મકાનમાં મહેન્દ્રભાઇએ સરસ ઉતારાની સગવડ કરી હતી અને ત્યાં બે માણસને હાજર રાખ્યા હતા કે,કોઇ ચીજ વસ્તુ મહેમાનને જોઇતી હોય તો તરત હાજર કરી દે.લગ્નના ર દિવસ પહેલા સૂર્ય અને બીના મળ્યા ત્યારે આ છ ફૂટ લાંબો અને સરસ દેખાવડો સૂર્ય સ્વભાવે બહુ સાલસ અને પ્રેમાળ હતો..એવો અનુભવ બીનાને તેની વાણી અને વર્તણુક પરથી થઇ ગયો.સોન નદીના કિનારે એકાંતમાં બંને મળ્યા ત્યારે સૂર્ય સામે બીના બહું બોલી ના શકી

લગ્નના દિવસે માલણ સુંડલાઓ ભરીને હજારીના અને મોગરા જુઇ અને કંમળના ફૂલો સાથે આસોપાલવના પાંદડા લાવી હતી.ગામની સ્ત્રીઓ મંગલગીતો ગાતી ફૂલની માળાઓ ગુંથવા લાગી હતી.તો પુરૂષો આસોપાલવના તોરણ બનાવતા હતા.જ્યાં આડીઓ બંધાઇ હતી તેને આસોપાલવના પાંદડાથી મઢવામાં આવી હતી અને શેરીના નાકાથી ઘરના આંગણા સુધી બંધાયેલ આડીઓ પર આસોપાલવના અને ફૂલની માળાઓના તોરણ બંધાયા હતા.

છેલ્લો વારો હતો લગ્ન મંડપ સજાવવાનો ત્યાં હજારીના ફૂલથી આડીઓ શણગારાઇ હતી તેની વચ્ચે કમળના ફૂલ મુકવામાં આવ્યા હતા અને આસોપાલવ મોગરાના ફૂલ માળાના તોરણ બંધાયા ત્યારે આખું વાતાવરણ મોગરાની મહેકથી સુગંધિત થઇ ગયું.

આ બાજુ સ્કૂલના મકાનના આંગણમાં સુખડિયાઓ મિઠાઇઓ બનાવવામાં મશગુલ હતા.જુદી જુદી જાતના ફરસાણ બનતા હતા જેની સુગંધ ગામના પાદર સુધી આવતી હતી.

૮) ફંટાતા રસ્તા

પ્રજ્ઞા દાદભાવાલા

આ બધા કામમાં બકુલે સૌથી વધારે મહેનત કરી હતી,એમ વિચારીને કે તેની પ્રિયને માટે કરવાનું આ છેલ્લું કામ છે.પ્રેમ એટલે સમર્પણ ,પ્રેમમાં બધું પામવાનું જ હોતું નથી.’’.’આપણો પ્રેમ આત્માનો પ્રેમ છે, શરીરનો નહીં પણ ત્યાગનો પ્રેમ છે કાંઈ મેળવવાનો નહીં. બકુલ મનોમન જાણે સમાધાન કરતો હતો ,મન તો કહેતું હતું કે બીના જ મારી પત્ની બને ,પણ હોઠ ઉપર ક્યારે ન આવ્યું, અને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે બીનાએ પત્ર લખ્યો પણ મેં જવાબ ન આપ્યો તો સામેથી કેમ ન પુછ્યું ?ફરી પ્રેમી હૃદય પોકારી ઉઠ્‌યું સંબંધો, પ્રેમ અને લાગણી જ્યારે ગિવ એન્ડ ટેઈકની પરંપરા થઈ જાય છે, ત્યારે એ સોદાબાજી થઈ જાય છે. સંબંધોનું વિનિમય ન હોય. સંબંધો તોલી, માપી કે જોખીને ન રખાય. કોઈ મુઠ્ઠી ભરીને આપે તો આપણે ખોબો ભરીને આપવું જોઈએ. બીના સાથે જેટલી જિંદગી જીવ્યો એ ખુબ લીલીછમ હતી..

બીના શા માટે મને ગમે છે એનાં કોઈ કારણો મળતાં નથી. બસ, એનો સાથ ગમેં છે. બીના નજીક હોય ત્યારે આસમાન પણ પહોંચી શકાય એટલું નજીક લાગે છે.. .બીના તું નજીક હોય ત્યારે મેઘધનુષ્ય ઘરના તોરણ જેવું લાગે છે. પંખીઓ આપણા માટે જ કલરવ કરતાં હોય એવી અનુભૂતિ થાય છે.પણ હવે બીના સાથેની એક એક ક્ષણ હું મારા દિલમાં એક બંધ રાખીશ ,બીના એ મને ખોબો ભરીને પ્રેમ આપ્યો છે તો હું દરિયો બનીને આપીશ . ફૂટપટ્ટી અને વજનકાંટાની શોધ પ્રેમ અને લાગણી માટે નથી થઈ, બધું જ માપનારા સરવાળે કંઈ પામી શકતા નથી.

હા હું બીના ને ખુશ થતી જોઇશ બીના મારું માત્ર આકર્ષણ નથી મારે પારા જેવું થવું છે પારો તો એકમેકમાં ઓગળી જાય છે ને !. બીના તું કે હું એક બીજાને કહીકે ન કહીએ આપણાં સંબંધો પારા જેવા રહેશે. બીના પ્રેમને સીંચતા રહેવાનો હોય છે. પ્રેમને રોજ તાજો રાખવાનો હોય છે. બે જીવનું મળી જવું એ પ્રેમની મંઝિલ નથી, બે જીવનું જીવવું અને જીવતા રહેવું એ પ્રેમ છે મારો પ્રેમ તારું બળ બનશે અને તારો પ્રેમ મને સદાય બળ આપશે તોજ આજે આટલી હોંશે તારા લગ્નની તૈયારી કરી શકું છું ને બસ આમ મન માનવતા બકુલે બારણે તોરણ સાથે હૃદય ની ઝબુકતી લાઈટ પણ ગોઠવી દીધી

અંદર દુલ્હનના જોડામાં સજેલી બીના બહુ ખૂબસૂરત લાગતી હતી.અદલોઅદલ જાણે કોઇ પરી સજી હોય એવી લાગતી હતી.બીના કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની તાકાત બકુલમાં નહોતી તો આ તરફ સજાવટ અને શણગારમાં પણ બીનાની આંખોમાં અજબ ઉદાસી દેખાતી હતી, એને પોતાના મનને મનાવતા ન આવડયું અને એટલેજ ચહેરા પર ઉદાસી ઉપસી આવી આ જોઈને તેની સખી તેની પાસે આવે છે અને પૂછે છે કે,’’હવે શું દુખ છે તને કશું ખૂટે છે ?

બીના જવાબ આપી ન શકી અને મનમાં જ બોલી મારા નસીબ તો જુવો . કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે મારા માબાપ ખાતર પણ લગ્ન કરવા જ પડશે. ..મારા સ્વજનો મારો પહેલો પ્રેમ છે. .કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે.અને કદાચ મારો પ્રેમ એક તરફી જ હોય બકુલ મને પ્રેમ કરે છે કે નહિ એ પણ ખબર નથી ને ! ..પણ બહુ કોશિષ પછી પણ બકુલ મનમાંથી ખસતો કેમ નથી ?આ ઉદાસી શેની છે ?જો આવું જ રહેશે તો શું હું મારા પતિને સ્વીકારી શકીશ ?બસ આટલું પુછતાની સાથે આંખમાંથી બોર બોર જેવડા આંસુડા ખરી પડે છે .પરાણે આંસુ ખાળતા જવાબ આપે છે,’’જરા જઇને બકુલને અહી બોલાવી લાવ!’’

એની સહેલી બહાર ગઈ કે ફરી મન વિચારે ચડ્યું, જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કર્યો ,માં કહેતી જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. બેટા આપણાં સુખ અને દુઃખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. બકુલને માત્ર મિત્ર તરીકે જ જોવો પડશે, આપણે નાના હોઈએ ત્યારે સાથે રમતા હસતા કુદતા ‘‘મારા’’પણા ના ભાવ જાગે એ સ્વાભાવિક છે પણ હવે આપણે મોટા થયા ...

પણ બકુલનો પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું. અરે ભગવાન આજે હું કેવા જીવનના ફાંટા પર આવીને ઉભી છુંશું આ માત્ર મિત્રતા જ છે પણ બકુલની મારા માટેની કાળજી, જવાબદારી, આદર, માન, મારા માટે કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના ઉત્કર્ષની ઝંખના એ પ્રેમનો સંકેત નથી ?

ભલે એણે પત્રનો જવાબ ન આપ્યો હોય પણ મને હંમેશા પ્રેમના સંકેત મળ્યા છે. હે ભગવાન મને મદદ કરો આ લગ્ન એ મારો ખોટો નિર્ણય તો નથી ને ? નાના હોઈએ ત્યારે આપણે નાના નિર્ણયો લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે. લગ્ન પણ એક મારો મોટો નિર્ણય છે. આજે આટલી મુંઝવણ કેમ ? દર વખતે મારા નિર્ણયમાં મને બકુલનો સાથ હતો આજે જાણે હું એકલી થઇ ગઈ.

પ્રેમ એટલે શું? .જે આપણી બધી ખામીઓને અવગણી આપણને પોતાના બનાવે. હા, બકુલે હંમેશા આમ જ કર્યું છે. દરેક પરિસ્થિતિમાં મને સાથે આપ્યો છે. આજે મારા લગ્નની તૈયારીમાં પણ કેટલી મહેનત કરે છે. તો બીજી તરફ બુદ્ધિ કહે છે, બીના તું હવે બકુલને ભૂલી જા. મન કહે છે અમે નાનપણથી સાથે મોટા થયા. એક દિવસ પણ મળ્યા વગર અમે રહ્યા નથી. આતો જળ વડે પથ્થર ઉપર કોતરેલું બકુલનું નામ છે તો એને ભુસવું કઈ રીતે ?

થોડીવારમાં તેનો સૌથી વહાલો મિત્ર બકુલ અંદર આવે છે. હસતું મોઢું રાખી કહે છે, ‘‘અરે તું કેટલી સુંદર લાગે છે. જોજે મારી નજર તને ન લાગે, તને ખૂબ ખૂબ અભિનંદન. બકુલે બીનાનો હાથ પકડી લીધો ! બકુલ હાથ છોડી નથી શકતો અને બીનાની આંખો બોલ્યા વગર જ સંકેત આપતી હતી કે હવે આ હાથ પકડ્યો છે તો છોડતો નહિ. કાશ તેં મને મારા પત્રનો જવાબ આપ્યો હોત ?

આ તરફ બકુલ પણ વિચારતો હતો કે હજી સમય છે બોલી નાખ સમય પાછો નહિ આવે. કાલ પછી બીના કોઈની થઇ જશે! બકુલ એની આંખોમાં જોઇને મનમાં બોલ્યો .

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;

તને ભીંજાવું ગમશે કે કેમ ?

બીના વળતો મનમાં જવાબ આપે છે .’’ બકુલ, એમ પૂછી ને થાય નહીં’’ પ્રેમ.બકુલ તમે પ્રણયનાં ફૂલ છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. બકુલ બોલો, હવે નહિ કહો તો ક્યારે કહેશો ?

બન્નેની આ કદાચ છેલ્લી મુલાકાત હતી. બંને એકબીજાના હાથ ક્યાંય સુધી પકડીને બેસી રહ્યા બંનેની આંખોમાં દુનિયા આખીનું દર્દ હતું.

‘‘પ્રેમ છિપાયા ન છીપે, જો ઘટ પ્રગટ હી હોય,

જો કી મુખ બોલે નહી, નયન દેત હૈ રોય ‘‘

અચાનક બકુલ બોલી ઉઠે છે, ‘‘બીના લગ્ન મંડપમાં નહી આવું શકું. તું કોઈ બીજાની થયા કેવી રીતે જોઈ શકું ? ‘‘આટલુ બોલતા તો બકુલ જાણે અંદરથી તૂટી ગયો. જાણે શરીરમાંથી અત્મા નીકળતો હોય એવું અનુભવવા લાગ્યો. બીનાની આંખોમાં એક ચમકારો થાય છે .એના પત્રનો જવાબ મળી ગયો તે સમજી જાય છે. બકુલ મને પ્રેમ કરે છે. મારો પ્રેમ એક તરફી નથી! મારા જેવી જ સંવેદના બકુલ પણ અનુભવે છે. પણ હવે શું ?

ચાલ ભાગી જઈએ એવો વિચાર બંનેને એક ક્ષણ માટે આવે છે બીનામાં એટલી હિમ્મત નહોતી કે એના પરિવારના નિર્ણયની સામે થઇ શકે. આ જુદાઈનું દુખ બંને પક્ષે સરખું છે. બીના વિચારે છે, મેં મારી બધી જ સમસ્યાઓના ઈલાજ તરીકે લગ્નને સ્વીકાર્યું હતું. માબાપ ને સમાજને કોઈને ખરાબ નહિ લાગે કે આપણે કેટલું બધું સારું લગાડવા માટે અથવા તો ખરાબ ન લાગે એટલા માટે કરતા હોઈએ છીએ? પણ મારા પ્રેમનું શું ?. પણ એક જિંદગીમાં બે જિંદગી જીવનારો માણસ જ જિંદગીથી થાકી જતો હોય છે તો હું પણ સૂર્યને કેવી રીતે અપનાવીશ. આપણી એક તરફ પ્રેમ હોય છે અને એક તરફ પરિવાર.

૯) સપ્તપદીના બંધન

પ્રજ્ઞા દાદભાવાલા

સ્ત્રીને બંને વચ્ચે એકસરખું અને બરાબરનું બેલેન્સ જાળવવું પડતું હોય છે. મા, બાપ ,વહેવાર, સમાજ ને સારા લગાડવા માટે મારે મારા પ્રેમનો ત્યાગ કરવો જ રહ્યો. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. બીના અને બકુલના મનમાં અનેક વિચારો થોડી ક્ષણ માટે આવી ગાયા. વણ ઉકેલ્યા પ્રશ્નનો ઉત્તર તો મળ્યો પરંતુ કોયડો બની ઉભો રહ્યો હવે શું ? આ કોયડાને ઉકેલવા બન્ને સ્વયં પોતાને પ્રશ્ન કરે છે. તારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તું કોને પહેલી જાણ કરો છો? બધા સવાલનો જવાબ બીના માટે બકુલ અને બકુલ માટે બીના જ છે. હવે બન્ને ખાતરી થાય છે કે જીવનમાં એકબીજાની વગર રહેવું અશક્ય છે.

બકુલને બીનાને કાયમ દિલથી જકડી રાખવી છે . બકુલ ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ. હું જાણું છું સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જીરવવા છે પણ તું મારા લગ્ન જોઈશ. જો બકુલ સાથે હોવું પૂરતું નથી, સાથે જીવવું જ જરૂરી હોય છે,તું સદાય મારી સાથે જ છો તો મારી વિદાય વખતે પણ સાથે જ રહ્‌જે, હાલાત થી ભાગી ન જવાય બકુલના દિલમાં વેદના ઊઠે છે .

વેદનાનાં વાદળો ઊમટે છે,અને તોફાન મચાવી દે છે બકુલ પણ છાના ખૂણે રડયો જ હોય છે. કેટલાંક આંસુ કોઈને બતાવી શકાતાં નથી. આવાં આંસુઓમાં માત્ર ડૂબવાનું હોય છે. આ આંસુ બકુલને ડૂબવા પણ નથી દેતાં અને તેમાં તરીને બહાર પણ નીકળી શકાતું પણ નથી. બકુલને અને બીનાને દૂર સુધી કોઈ કિનારો દેખાતો નથી ત્યારે વેદનાને સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી!

વેદના બકુલને વેરણછેરણ કરી દે છે. પોતાની અંદર કંઈક તૂટતું હોય તેવો અહેસાસ અનુભવે છે . પ્રેમને જ્યારે પરીક્ષા પર ચડાવાય ત્યારે વેદના વિકરાળ અને અસહ્ય બની જાય. બકુલ પોતાની જાતને પુછે છે.. .નક્કી કરી લે કે તારે શું કરવું છે? બીના કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની તાકાત બકુલમાં તારામાં છે ?ના ના નથી.

હૃદયે ફરી થી ઉથલો માર્યો એ ‘‘કોઇ’’ મારો ભાઇ છે.એ સૂર્ય છે . એ લંડનમાં છે મારા કરતા વધુ તેને સુખ આપશે અને આને જ તો પ્રેમ કહે છેને? પોતાની પ્રિય વ્યક્તિને આપણે આપવા ધારતા હોય તેથી વધુ મળે ત્યારે કેવી રીતે સ્વાર્થી થવાય? પ્રિય વ્યક્તિને મળતુ સુખ જોઇને પ્રિય વ્યક્તિ તરીકે રાજી થવાનું.. મારું સુખ લુંટાઇ જાય છે તે સ્વાર્થી વલણ છે.તેની ખુશી બમણી અને ચોગણી થાય તેવી દિલથી દુઆઓ દે.

મન ફરી થી વકર્યુ -પણ મને તો જુદાઇનું દુઃખ મળે છે ને?હું બીનાને કેવી રીતે જોઇશ ? મારે મારા દિલના જ ટુકડાઓને ભેગા કરીને લગ્નમાં હાજર રહેવાનું ?પ્રિય વ્યક્તિએ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. બીના હવે આપણે એકબીજા વગર કેમ રહી શકશું ,ભગવાન આ કેવી સજા ? બંને પગ એટલા ભારે થઈ જાય છે કે નથી આમ જવાતું કે નથી તેમ જવાતું! બકુલને પોતાનુજ વજન લાગવા માંડે છે! મનમાં થાય છે બીના ચાલ ભાગી જઈએ

રૂમમાથી બહાર જવાને ડગ ભરતા બકુલનો હાથ પકડીને બીના કહે છે,’’હવે આ શક્ય નથી મારી વિદાઈ વખતે છેલ્લી ઘડી સુધી હું તને જોવા માગું છું હું જાણું છું..તું મારો બોલ કદી નહી ઉથાપે અને બકુલ મનમાંજ કહે છે નાં હું જઈશ કારણ બીના એ કહ્યું છે..આજે બંને પાસે એક બીજાને કહેવા માટે કોઈ પાસે શબ્દો નહોતા..બસ વહેવાને આંસુનો ખારો દરિયો હતો’’ બીનાની વાતનો મૌનસુચક જવાબ ‘‘હા’’નો બકુલની આંખોમાથી બીનાને મળી ગયો ત્યા તો ગોર મહારાજનો અવાજ બંનેના કાને પડયો..’’કન્યા પધરાવો સાવધાનએક વાર બે વાર.અને ત્રીજો સાદ પડે એ પહેલા તો બીનાની સહેલીઓ બીનાને લેવા આવી પહોચીબીના બકુલ સાથે નજર મિલાવ્યા વગર જ પગલા માંડ્યા. .ઉદાસ બકુલ બીના સાથે હળવે પગલે ચાલવા લાગ્યો.બાજોઠ પર બીના બેસી ત્યારે એની નજર બકુલ પર પડી.બીનાની નજરમાં પોતાના અસ્તિત્વની ઝાંખપ સહન ના થતા બકુલ બીનાની નજરથી દૂર સરી ગયો.

આ તરફ બીનાની સાસુનો હરખ અને ચહેરા પર વર્તાય છે મારા સૂર્યની વહુ રમઝુમ કરતી આવશે અને દીકરાના ઓવારણા મનોમન લઇ લે છે આ તરફ બીના માતા અને પિતા બન્ને ખુશ છે આમતો લગ્નનો અવસર ખુશીનો અવસર હોય છે. પણ દીકરીના માબાપના મોં પર અનેરો આનંદ છવાયેલો હોય છે. આ દિવસ તેઓની દીકરીનો જિંદગીનો સૌથી ખુશીનો દિવસ છે. દીકરીનું ભાવિ જાણે સોનેરી આશાઓથી ચમકી રહ્યું બન્ને ના મુખપર દીકરીનું ઉજ્વળ ભવિષ્ય વર્તાઈ રહ્યું છે અને બીના એમને જોઇને પોતાના મનને સાંત્વન આપતા માના દુધનો ૠણ ચુક્વ્યાનો સંતોષ માને છે

બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન છે ગોરમહારાજ બોલતા હતા પણ બીનાનું મન જાણે હાજર ન હતું.મનમાં ફેરા ફરતા એક જ વાત ઘૂમતી હતી કે આવું કેમ થયું,પણ અંતે છેલ્લા ફેરે મન મનાવતા મનમાંજ બોલી પ્રભુ મારા જીવન નો તમે આવોજ નિર્ણય લીધો છે. તો મને મજુર છે હું આજ થી આપના નિર્ણયનો સ્વીકાર કરી સૂર્ય ને અપનાવીશ.આજ મારું ભાગ્ય છે મારા માબાપના સ્વપ્નો પુરા કરીશ... સ્પતપદીના બોલતા જાણે ભાર લાગતો હતો. ..લાગણીનું યુધ્ધ એક દીકરીના પીતાપ્રેમ સામે હારી ગયું હતું...બીના એ જોએલા બકુલ સાથેના સપના હવે એ યજ્ઞમાં અહુતી દે છે પણ આ અંત નથી એ જાણે છે કે હકીકતમાં લગ્ન એ અંત નહિ, બલ્કે શરૂઆત છે.

રંગેચંગે લગ્નવિધિ પૂરી થઇબીના હવે સપ્તપદીના બંધન તળે સૂર્ય સાથે બંધાય ગઇ હતી પ્રસંગ આનંદથી ઉકલી ગયો .લાગણીનું યુધ્ધ એક દીકરીના પીતાપ્રેમ સામે હારી ગયું હતુંબીના વિચારે છે આપણે સ્ત્રી આવા કેટલા બધા સમયે આપણે આપણા મનને મનાવતાં હોઈએ છીએ? મન અને મગજ, દિલ અને દિમાગ, વાસ્તવિકતા અને અપેક્ષા ઘણી વખત આપણી સામે સવાલોનાં ઝૂંડ લઈને આવી જાય છે..એક રેખા જે હથેળીમાંથી સરકીને બીજાની હથેળીમાં સ્થાયી બની ગઇ હતીઆપણા હાથની વાત હશે ત્યારે આપણે આપણાથી જે થઈ શકશે એ કરીશું. અત્યારે તો તું કે હું કંઈ કરી શકું એમ નથી. આપણું આપણી જાત સાથે જ ઘર્ષણ થતું રહે છે, આ ઘર્ષણમાં છેલ્લે તો આપણે જ ઘાયલ થવાનું હોય છે. કેવું છે, આપણા હાથે જ આપણે ઘાયલ થઈએ છીએ અને પછી આપણી સારવાર પણ આપણે જ કરવી પડે છે! મનને મનાવી, પટાવી, બહેલાવી અને ક્યારેક છેતરીને આપણે આશ્વાસન મેળવતા હોઈએ છીએ. આપણે આપણી પાસેથી જ આશ્વાસન મેળવતા હોઈએ છીએ.

બકુલ માટે એના હૃદયની રાણી સૂર્યના અંતઃપૂરની પટરાણી બની ગઇ હતી..વરરાજાની ગાડીનું પૈડું નાળીયેર થી સીચાય છે બકુલ દુરથી જોઈ રહ્યો છે અને મનમાં વિચારે છે કે એ જાન તો આવી વાજતે ગાજતે પણ મારી જાન (બીના )ને લેતી ગઈ આંસુ દળદળ હાલ્યા જાય છે પછી મન મનાવતા વિચારે છે કે બધું આપણું ધાર્યું થતું નથી .દિલ રડતું હોય ત્યારે એને છાનું રાખવું બહુ આકરું હોય છે, બકુલની સ્થતિ પણ આવી છે કારણ કે સવાલ પણ એની પોતાની પાસે જ છે અને જવાબ પણ પોતાની પાસે જ છે. મન જવાબને સાચો મનાતો નથી. જવાબ સાચો હોવા છતાં બકુલ કંઈ કરી શકતો નથી.

આપણી સમજદારી જ ઘણી વખત આપણાં પર ભારી પડતી હોય છે. આપણે હાથ ખંખેરી શકતા નથી, આપણે પીછો છોડાવી શકતા નથી. તમારી નજર સામે બધું થતું હોય છે અને તમે કંઈ જ કરી શકતા નથી. કંઈ જ કરી ન શકે ત્યારે માણસ મનને મનાવે છે બકુલ પણ આ વિધિના લેખને આંસુ સારતા સ્વીકારે છે. બીના ની મા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે એ એમ કહે છે કે હે દીકરી તેં તારી સેવા, સુશ્રુષાઅને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અઝવાળજે.અને એક ડૂસકું નીકળી પડે છે માં માટલું ગાડીમાં મુકાય છે બીનાની માતા વિદાય વેળાએ ખુબ રડે છે અનેમહેન્દ્ર ભાઈ પિતા બોલ્યા વગર આંસુ સારે છે પાછળ દીકરી તો પારકી થાપણ કહેવાય વિદાયનું ગીત વાગી રહ્યું છે. અને સૂર્યની ગાડી બીનાને લઈને આગળ વધે છે

૧૦) સહજીવન

વિજય શાહ

લગ્ન પછી સૂર્ય અને બીના પાંચ દિવસ માટે માલદિવ હનિમૂન માટે ઉપડી ગયા..

એરોપ્લેનનાં સ્ટાફને ખબર હતી કે લવ બર્ડ પ્લેનમાં છે. બેસતાની સાથે નાની કેક પહેલા સર્વ થઇ. કેક ઉપર બે લાલ ચટ્ટ્‌ક હૈયા કથ્થાઇ ચોકલેટ સપાટી ઉપર હતા. અંગ્રેજીમાં લખ્યુ હતું,’વેલકમ,જસ્ટ બીગિન મેરીડ લાઇફ વિથ લવ’. ઉપર એર કંપનીનો સુંદર લોગો હતો. સૂર્ય એકદમ પ્રસન્ન થઇ ગયો.’’ હની આ બે હૈયામાંથી કેટલું વહાલ વરસે છે! કેક કાપવાનો જીવ નથી ચાલતો !ત્યાં ગુલાબનાં આકારની કેંડલ લઇ બે એર હોસ્ટેસ આવી. સુખી જિંદગીની કામના કરતુ એક ગીત ગાયું અને કેંડલને બુઝાવવાની વિનંતી કરી. બીના શરમાની મારી લાલ લાલ થઈ ગઈ. સૂર્યએ હાથમાં હાથ લઈ કેંડલને બુઝાવી કેક કાપી ત્યારે આજુબાજુનાં સૌ મુસાફરો એ તાળી અને કીકીયારીથી વાતાવરણમાં આનંદ ફેલાવ્યો.

સૌને નમ્રતાપૂર્વક થેંક્યુ કહી સૂર્ય નીચે બેઠો ત્યારે રોમાંચ અને આનંદનો અનુભવ માણી રહ્યા.મુંબઇથી પ્લેન ખૂબ દુર નીકળી ગયુ હતું. સૂર્ય હળવેથી વાઇનની ચુસકી લેતો હતો અને બીનાની સામે અજીબ લિજ્જતથી જોતો હતો. સાથે ગણગણતો હતો

भंवरेकी गुंजन है मेरा दिल..

कबसे संभाले रख्खा था ये दिल

तेरे लीये.तेरे लीये.तेरे लीये

બીના હસતી હતી. સફર અને સંગાથ માણતી હતી. ક્યારેક હૈયુ ઉદાસિનતા પકડવા મથતુ તો સૂર્ય તેની લંડન ની ગોરીઓની વાતો કરી તેને હસાવતો હતો.તેનું ગુજરાતી થોડું કાલુ હતું તેથી બીનાને દુઃખ થતુ હતુ પણ મન ને મારી લેતી લંડનમાં કોને ગુજરાતીની પડી છે. એ સૂર્યને જોતી અને વારંવાર બકુલની સાથે તેને સરખાવતી.પછી તો તેના મને વિદ્રોહ જ કર્યો.મામા ફોઇનાં ભાઇઓ એટલે સિકલ સરખી લાગે તેનો અર્થ એ નથી કે સુર્ય એ બકુલ છે ! છોકરી થઇને મર્યાદા મુકીને ચીઠ્ઠી લખી તો હતી જને? પણ મર્યાદાનાં બંધનો જેમને નડતા હોય તેમને યાદ કરીને શું કામ? પ્લેનની સફરમાં માત્ર સુર્ય બોલતો રહ્યો અને બીના ખાલી હા અને ના જ કરતી હતી .એક તબક્કે સૂર્ય અટક્યો અને બોલ્યો

’’ બીનાડી તુંતો જબરી ખાલી સાંભળ્યા જ કરે છે..તું પણ કંઇ બોલને?’’

’’ અરે પણ તમારો કોટા ખૂટે તો હું કંઇ બોલુંને’’

’’ ઍટલે હું તને બોલવા જ નથી દેતો એમ?’’

’’ ના ના એવું નહીં તમારી વાતો સાંભળવી મારે માટે જરુરી છે. હું સાસરે જવાની છું તમે નહીં. એટલે જેટલી લંડન ની વાતો હું સંભળું તેટલી મારે માટે તો નવી અને અગત્યની.’’

’’ તો ઠીક પણ મને સોનપુરની વાતો ગમશે હંકે’’

’’ સોનપુરની વાતો તમને ગમશે એ તમારી ભલમનસાઇ છે પણ ગામડા ગામમાં શું હોય? અમારે તો ગામની વાતો..ગામનું તળાવ અને ગામની શાળા અને ગામઠી વહેવારો..’’

‘‘તું તારી ગામઠી વાતો કર મને તો ગમશે આમેય લંડન ની વાતો બહુ થઇ..’’

’’ વાતોનો વિષય બદલવો હોય તો ભલે પણ હું માનું છું કે હનીમૂન નો સ્થૂળ અર્થ તો એજ કે એક મેક્નાં વધુ પરિચયમાં આવવું..’’

’’ વિષય સરસ બદલ્યોલે તો તને દઉ કારણો કે હું આખી જિંદગી તારી સાથે કેમ વિતાવવા માંગુ છું.’’

બીના મલકી તેથી સૂર્ય કહે ‘‘આ હોઠો પર આવું જ સ્મિત આખા જીવન માટે રહે..તે મારી દીલી ખ્વાહીશ છે. હું કવિ નથી પણ એટલું તો કહીશ કે પત્ની દુઃખી હોય તો તેનું કારણ પતિ અને પત્ની બંને હોય છે. અને ઘરમાં સુખ ફેલાવવા હસતી પત્ની એક જ જવાબદાર હોય છે.. મને સુખી થવું છે તેથી સૌથી પહેલું કામ તને હસતી રાખવાનું કરવાનો છું. ‘‘

‘‘વાહ! મારો સાહ્યબો તો ગુલાબ નો છોડ.. ભર્યુ ભર્યુ અને ગમતુ ગમતુ કહે છેને?’’

‘‘ફક્ત કહે છે નહીં કરે છે પણ’’ કહેતા તેણે ગલગલીયા કર્યા અને બીના હસી પડી ખડખડાટ

પહેલી વખત નો સ્પર્શ સાજન અને સજની નો એ કંઇ લખવાની વાત નથી.. તે તો માણવાની વાત છે. બીના હજી સૂર્યની ગમ્મત માણતી હતી..ત્યાં સુર્યે એક નવો ધડાકો કર્યો.. બીના તારે કોઇ બોય ફ્રેન્ડ હતો? બીના અસંમજસમાં સૂર્યને જોવા લાગી.. સૂર્યે વાત આગળ વધારતા કહ્યું.. અરે આટલી સુંદર અને રૂપાળી છોકરીને લાઇનો તો આખી દુનિયા મારે કેમ ખરુંને? પણ તે ભૂતકાળ હતો.. જેના ઉપર મારો કોઇ અધિકાર નહીં પણ હવે એટલેકે લગ્ન પછી બધો જ અધિકાર મારો હું જ તારો બોય ફ્રેન્ડ

બીના ક્ષણભર માટે તો થડકારો ચુકી ગઇ..શું બકુલની વાત તેને ખબર છે? પણ બીજા વાક્યે તેન હલકી ફુલ કરી દીધી.. હવે ક્યાં ગામ છે? અને આમેય હું તો એક તરફી હતીમુક્ત હાસ્ય સાથે તે બોલી ’’ અમારા નાના ગામ માં બોય ફ્રેન્ડ રાખો તો ગામ ના જુવાનીયાઓ અને લોકો ટૉના મારી મારી અધમુઆ કરી નાખે.. એટલે અમારા ઘરમાં એવું કરવાની કોઇ શક્યતા જ નહીં.. હાપણ તમારે કોઇ ગોરીયણ હોય તો હવે સૌ બંધ હં કે?’’

‘‘અરે ગોરીયણો જોઇતી હોત તો સોનપુરા સુધી ધક્કો જ શું કામ ખાતે? મને તો બસ હૃદય્ની સાથીદાર જોઇતો હતો.. જે મને સમજે.. હું ભુલ કરતો હોય ત્યાં મને સમજાવે અને બધે મારી જોડીદાર બની ને રહે..ગામમાં કે વનમાં જાણે એક જીવ બે દેહ’’

સૂર્યની વાતો ગમતી થઇ એટલે તેના તરફનો અજાણ્યા હોવાનો ભય દુર થતો ગયો.. અને હનીમૂન નો રીવાજ પાડનારે આ મનનાં મેળ વધે માટે જ તો આ યોજના કરેલી..લોકો ભલેને ગમે તે કહે.. પણ જ્યાં સુધી મન નો મેળ ન થયો હોય ત્યાં સુધી તન મળેજ કેવી રીતે?

સૂર્યને પણ ચિંતા તો હતી જ..ગામડાની છોકરી.. ભણેલી પણ લંડન અને ગામડા વચ્ચેનો તફાવત બહુ ઝાઝોપણ મન મક્કમ હોય તો માળ્વે જવાય અને સૌથી અગત્યની વાત એ હતી કે સંસ્કારી છોકરી લંડન ની સોસાયટીમાં ભળવા જેવી બનાવવા થોડુંક એટીકેટ અને અંગ્રેજી શીખે તે ખુબ જ જરૂરી છે.

માલ્દીવ્ઝ એર્પોર્ટ ઉપર ઉતર્યા અને ફોર સીઝન્સ હોટેલનાં સ્ટાફે તેઓને જાણે સેલીબ્રીટી હોય તેવું સ્વાગત કર્યુ.. દરેક ને માટે અલાયદો ટાપુ હતો અને સફેદ રેતી નો બીચ જોઇને બીના તો અચંબામાં જ પડી ગઈ.. પાણી પણ એટલું સ્વચ્છ કે એ નીચે ફરતા જળચરો શાંતિ થી જોઇ શકાય.

બીના ને પહેલી વખત અહેસાસ થયો જિંદગી સુખમય રીતે કરવટ બદલી રહી છે.તેનો રૂમ ખાસો મોટો હતો.. ફ્રીઝ મીઠાઇ, ચોકલેટ, ફળો અને જુદા જુદા પીણાઓથી ભરેલૂ હતું.. સાંજ પડી ગઇ હતી.. સૂર્ય કહે ‘‘બહાર કુદરતનો નજારો જોવો છે કે સ્નાન કરી હળવું કંઇક જમીયે?’’

’’ તમે કહો તેમ પણ મને તો પહેલા સ્વચ્છ થવું છે.’’

‘‘ચાલ દરિયામાં ધુબકા મારીયે? તને તરતા આવડે છે ને?’’ બીના એ દોડીને સૂર્યનો હાથ પકડી લીધો અને કહે તમે સાથે હો પછી ડરવાનું શું કારણ?’’

’’ આ ‘‘તમે’’ કોણ છે? મારું નામતો ‘‘સૂર્ય’’ કે ‘‘સુરીયો’’ છે ‘‘તમે’’ નહીં? જોરથી તેન ભીંસમાં લેતા સૂર્ય બોલ્યો.અપરિચિતતાનાં આવરણો સરતા ગયાસમય અને સ્થળની માદકતા બન્નેને મદહોશ બનાવતા ગયા..

આમ તો શરાબ અને મદીરા થી દુર રહેતો સૂર્ય એપલ જ્યુસમાં એક પેગ શેમ્પેન મિક્ષ કરી બીનાની સાથે સાંજે બેઠો.તેને થોડુંક અંદરથી ખુલવું હતું અને બીના ને પણ હળવી કરવી હતી.

પહેલા ઘુંટે બીના બોલી ‘‘આ એપલ જ્યુસ બગડેલો છે’’.

સૂર્ય કહે ના એમાં મે સોમરસ મેળવ્યો છે સ્વર્ગમાં છીયે તો અમૃત તો પીવું જોઇએ ને?

‘‘એટલે તમે વ્હીસ્કી પીઓ છે અને મને પીવડાવવાની વાત કરો છૉ? ‘‘

‘‘વ્હીસ્કી નહીં શેમ્પેન.. લંડનમાં જ્યારે ખુબ ઠંડી પડે ત્યારે આવું કરવામાં કોઇ નાનમ નથી.’’

‘‘સૂર્ય! હુંય નહીં પીઉ અને તમને પણ નહીં પીવા દઉં.’’

’’ અરે ગાંડી ગુલાબી સાંજ સાજન ની સાથે માણવા મર્યાદા તોડવી જરુરી છે..’’

’’ ના. એટલે ના.’’.સત્તાવાહી અવાજે ઘાંટો પાડી બધુ પીણું ગટરમાં ઢોળી દીધું ત્યારે સૂર્યા તાળિઓ પાડતો અને બહુમાન થી બીનાને વધાવી રહ્યો.

‘‘સંસ્કાર’’ એ વાતો નથી..સચ્ચાઇ છે અને તે સચ્ચાઇની કસોટીમાં બીના ઉત્તિર્ણ થઇ.’’

‘‘શું તમે પણ?’’ હળવેક થી સૂર્યની બાંહોમાં સમાતા બોલી.

’’ જો બીના લંડન ફ્રી સોસાયટી છે અને હું આ બધુ નથી કરતો એટલે ઘણાની ઇર્ષાનો તથા મજાક્નો ભોગ બનું છું પણ આપણે ધારેલા માપદંડ આપણા છે તે કોઇના કહેવાથી બદલવાની જરૂર નથી તે વાત તને હું સમજાવીને એટલું જ કહેવા માંગતો હતો કે માંહ્યલો સદાય સાબૂત હોય તો દેશ શું કે વિદેશ શું?

તે રાતે સર્વ બંધનો છુટી ગયા .બીના પતિનાં સહવાશે સજ્જ અને પુખ્ત સ્ત્રી બની ગઈ.

હનિમૂનમાથી પાછા ફરીને સૂર્ય બીનાને પીતાને ઘરે મૂકીને લંડન રવાના થયોઅને જતા જતાં બીનાને જોરથી બાથ ભીડીને કહ્યું,’’મારી વ્હાલી!બસ થોડા મહિના રાહ જોવાની છેપછી તું અને હું લંડનમાં સાથે રહીને જિંદગીની મૌજ માણીશુ’’

એરપોર્ટ ઉપર વિદાય કરતા તેની આંખોમાં આંસુ સુકાતા નહોંતા.સૂર્ય લોલીપોપને બતાવી કહેતો.. મારી પણ તાર જેવીજ હાલત છે તું તો રડી શકે છે પણ હું? હું તો આ લોલીપોપને મમળાવીશ અને તારી સાથે માણેલા સુખમય દિવસો યાદ કરીશ.

સાસરવાસી બીના સૂર્યનાં ગયા પછી પીયરવાસી થઇ

હવે બીના રોજ સેથીમાં સીંદુર પૂરતી હતીબકુલ સામે જ્યારે આવતી એકદમ સહજ બની જતી..એ લોકોની વાતો નો વિષય સૂર્ય લંડન કેવું સરસ સાસરુ છે તેજ રહેતી અને બકુલ પણ બને ત્યાં સુધી અંદરની ભળભળતી વેદનાંને હોઠોનાં સ્મિત તળે છુપાવી રાખતો હતો લગ્ન નાં આલ્બમો અને વીડીયો જોતા માબાપને પણ શાંતિનો અનુભવ જણાતો હતો. બકુલને ક્યારેક ઉદાસીન જોતી ત્યારે તેનું હૈયુ ઉદાસીનતાથી ભરાઇ જતુ છાનો છાનો જાણે દ્રોહ કર્યો હોય તેમ હૈયુ રડતું. પછી એ દ્રોહ નો વિદ્રોહ કરતા બોલતી પણ ખરી કે મેં તો મારું મન ખોલ્યું જ હતું ને? તે બોલી ના શક્યો તો એમા મારો શું વાંક?

બકુલ આગળ ‘‘માસ્ટર’’ કરવાનો હતો તેથી લાઇબ્રેરી અને રીસર્ચનાં બહાના હેઠળ બીનાથી દુર રહેવા મથતો. હવે તો ભાભી છે બીના. ભૂતકાળમાં જેને પ્રેયસી બનાવી હતી તે આજે ભાઇની પત્ની હતી.. અને મોટી ભાભી તો મા સમાન કહેવાય એમ વિચારી વિચારીને પોતાની જાતને ગમનાં જંગલોમાંથી બહાર ખેંચી લાવવા મથતો હતો. જાતે કરીને લક્ષ્મણ રેખા દોરી દોરી ને મથતા મનને હૃદય કહેતું મિત્ર તો તું છે જ. મિત્રને શુભેચ્છા સાચા હૃદયની આપકે તે તેના સંસારમાં સુખી થાય.

પણ રહી રહીને તેને રડવુ આવતું હતું કે પ્રભુએ તો તક આપી જ હતી.. પણ જ્યારે ગેરસમજુતી દુર થઇ ત્યારે મમ્મીને કહેતા હિંમત કેમ ન કરી? તેજ ચુપકીદિની સજા ભોગવજે આખી જિંદગી.. પાછળ ગીત વાગતુ હતું

उल्झन सुल्झे ना रस्ता सुझे ना जाउं कहां मै जाउ कहां,

मेरे दिलका अंधेरा हुआ ओर घनेरा जाउं कहां मै जाउ कहां

૧૧) ડાયરીનું એક પાનું

વિજય શાહ

બકુલ પોતાની જાતને પ્રશ્ન પુછતો હતો. હવે શાની રાહ જુએ છે? તારી ઉલઝન તો તારા મૌન સાથે શત શત સ્વરૂપે વધી ગઇ. હવે કયા ઉજાલાની રાહ જુએ છે? તું એકલો રહેવા સર્જાયો છે અને રહે એકલો.બીના સૂર્ય સાથે વિદેશ ઉડી જશે !ઝાકળનો ભેજ ઉડી ગયા પછી તેની ભીનાશ કેવી રીતે માણવાનો?

જિંદગીએ જુદાઇ આપી છે તો જીરવી લઇશ પણ હરફ કાઢવાનો નથી. પ્રેમિકા ના થઇ શકી તો કશો વાંધો નથી. એક ઉત્તમ દોસ્ત તો બની શકીશને? સંગમ ચલ ચિત્રમાં રાજેન્દ્ર કુમારનો રોલ એટલે તેને બહુ ગમતો હતો. બલિદાન આપવા સીવાય હવે કોઇ ઉપાય પણ ક્યાં છે? ત્યાં મિત્ર હતો અને અહીં મિત્રથી અદકો ભાઇ!

દિવસો જતા હતા.બીના હવે એટલી જલ્દી નજરે પડતી નહોંતી. મમ્મી પાસે બધી રસોઇ શીખવા માંડી હતી. વાતો વાતોમાં મમ્મી કહેતા હતા કે પતિને કાયમ રીઝાયેલો રાખવો હોય તો ભાણૂં ભરપુર રાખવું કચુંબર, અથાણા અને જાત જાતનાં વ્યંજનો બનાવતા શીખી રહી હતી. અને નવી વાનગી બને તે અચૂક બકુલને ઘરે પહોંચે .

બકુલ ડાયરી લખતો પણ ક્યારેય બીનાનું નામ કે ઉલ્લેખ કરતો નહી. જ્યારે લખે હે ડાયરી, ત્યારે મહદ અંશે તે ઉલ્લેખ બીના નો જ હોય. પણ આ વાત એકલો બકુલ જ જાણે અને પોતાને સખાથી સંબોધતો.

આજે તેણે ડાયરીમાં પોતાનો હાલ લખવાનો શરુ કર્યો. હે ડાયરી, તું હવે પતિગૃહે જઇને સમાવાની તારા આ સખાનું અહીં શું થશે?

પછી જાણે ડાયરી કહેતી હોય તેમ અવતરણમાં ’’ સખા જીવન તો ઉપરવાળાએ લખેલું નાટક છે આપણે તો મહોંરા. તે જેમ કરે કે કહે તેમ વર્તવાનું. આપણો ભાગ ભજવાય અને જવનિકાનાં પતન સાથે સ્ટેજ ઉપરથી નીકળી જવાનું. ફરી એનો હુકમ હશે તો બીજા અંકમાં કે ત્રીજા અંકમાં ફરી દેખાશું . જિંદગી બહું લાંબી છે. તેણે જુદાઇ પહેલા લખી હશે તો વિયોગ પહેલા અંકમાં છે. બાકીના અંકોમાં ક્યાંક વિરહ પછી મિલન તો હશે ને?’’

’’ હે ડાયરી, પણ મને કહે કે તું મારી મિત્ર તો રહેશેને?’’

’’ સખા મૈત્રીથી ક્યાંય ઉંચે એવું તારું સ્થાન મારા હૈયે છે.’’ આટલું લખ્યા પછી તેની પેન જાણે અટકી ગઈ. તેનૂં મન ફરી આર્દ્ર બની ગયું.બચપણમાં કેવી ધીંગામસ્તી કરતા હતા. ઘર ઘર રમતા હતા ત્યારે પણ બીના મમ્મી બનતી અને બકુલ પપ્પા.બીના નાના પીત્તળનાં રમકડામાં રસોઇ બનાવે અને તે રસોઇ બકુલને જમાડતી. પ્રસંગોની હારમાળા કાયમ ચાલુ રહેતી અને અંતે બેમાંથી કોઇ રીસાતુ અને રડતું ઘરે જતું.બસ આજે ૨૪ વર્ષે પણ એવું જ ડાયરી! મારે ભાગે રડવાનું જ રહ્યું.

આખરે એ દિવસો પણ આવી ગયા કે જ્યાં બ્રીટીશ વિઝા અને પાસપોર્ટ આવી ગયા. સૂર્યનાં ફોન પણ વધી ગયા. હવે રહેવાતું નથી એવી વાતો સાંભળતો બકુલ વધુ ને વધુ વિરહાગ્નિમાં શેકાતો રહ્યો. તેનું મન કહેતું હતું કે તેનાથી બીનાને આવજો નહીં કહેવાય અને બીના પણ કયાં મારા જેવા રોતલ સાથે રહેવાની છે. તેને કંઇક એવી ભેટ આપું કે જે તેને સાસરે ક્યારેક એકલતા નડે ત્યારે ઉપયોગી થાય તેવું કંઇક આપું.

બહુ વિચારનાં અંતે તેને ડાયરી આપવાનું જ યોગ્ય લાગ્યું. ક્યારેક બીના ઘરે આવતી પણ તેની માંગમાં સિંદુર અને કુમકુમની રાતી બીંદીયા ના ઇચ્છવું હોય તો પણ બકુલને તેની ભુલ યાદ દેવડાવી દેતી હતી.

આજે તો તે ઉંધીયુ અને જલેબી લઇને આવી હતી. તેણે બકુલનાં રુમમાં બારણે ટકોરા મારીને પુછ્યુ. ‘‘બકુલભાઇ આવું કે?’’

બકુલે સહેજ ગળગળા અવાજે કહ્યું,’’ બીના આપણે બચપણથી સાથે રમીને ઉછર્યા છે. તને દિયરપણું દેખાડવા ભાઇ લગાડવાની જરૂર નથી’’

‘‘ભલે બકુલ પણ તું અસ્વસ્થ દેખાય છે તબિયત તો સારી છે ને?’’

’’ હા એક દિલેર મિત્ર મારાથી દુર જવાની તે વાતનો ભાર તો છે જ.’’

’ તો શું મને પણ તેની અસર નહીં હોય?’’ બીનાએ પ્રતિ પ્રશ્ન કર્યો

’’ જો સૂર્ય જેવો જીવન સાથી મળ્યો હોય પછી ખોવાનો અહેસાસ ના પણ હોય..’’

પણ હવે ભૂતકાળને ડહોળવાને બદલે એટલું તો જરૂર કહીશ કે,’ તુ મારી સમજણનું પહેલું પ્રિય પાત્ર હતો. તે તુ જાણે છે ને કે પહેલી પ્રીત ભુલાતી નથી હોતી.’’

’’ આજે રહી રહીને એક વાત જરૂર કહીશ ભૂતકાળ એ ભુલવા માટે છે. તું આર્દ્ર બની મને વધુ ગુનેગાર ન બનાવ. મારા મૌને આપણ ને બંને ને વ્યથીત કર્યા છે. જો તને વાંધો ના હોય તો તારી જવાની આગલી એક સાંજ મને આપીશ?

જરૂર પણ એક વાત તો કહીશ જ કે સૂર્ય પણ બડો અચ્છો દોસ્ત પહેલા બન્યો છે, અને પતિ પછી. તમારા કુટુંબ માટે મારું માન સૂર્યને જાણ્યા પછી ઘણું વધ્યુ છે.

બકુલ જોતો રહ્યો.તેની નજરમાં બીના માટે માત્ર વહાલ હતુ.

’’ તને ખબર છે તેની કઈ વાતે મને જીતી લીધી?’’

બકુલને જાણવાની ઇંતજારી તો નહોતી પણ બીનાને કંઇ ના કહેવાય?

’’ તેણે મને કહ્યું બીના તારો કોઇ બોયફ્રેંડ છે? હું કંઇ બોલુ તે પહેલાં જ તેણે સ્પષ્ટતા કરી. અરે આટલી સુંદર અને રૂપાળી છોકરીને લાઇનો તો આખી દુનિયા મારે કેમ ખરુંને? પણ તે ભૂતકાળ હતો. જેના ઉપર મારો કોઇ અધિકાર નહીં પણ હવે એટલે કે લગ્ન પછી બધો જ અધિકાર મારો. હું જ તારો બોય ફ્રેન્ડ. કેવી સરસ વાત નહીં?

બકુલે હકારો તો ભણ્યો પણ હવે તે સૂર્યની વાતો સાંભળવાનાં મૂડમાં નહોતો. તેણે ફરી કહ્યું ‘‘આપણે ફરીથી મળીએ તેનો તને કંઇ વાંધો નથીને?’’

’’ ના વાંધો તો શું હોય? પણ આપણે રીક્ષામાં જઇશું તારા સ્કુટર પર નહીં.’’

‘‘ભલે એમ તો એમ.પણ મારે તને તારા લગ્ન ની ભેટ આપવાની છે. હા મારે સૂર્યની પત્ની ને નહીં મારી બચપણની સહેલી ને મળવુ છે. જેની સાથે છેલ્લુ કેટલુંક ઝઘડવાનું બાકી છે તે હિસાબ બરોબર કરવાનો છે.’’

’’ હા હવે લાગે છે ભાર ઘટી રહ્યો છે .’’

થોડોક સમયના મૌન પછી બીના બોલી . ’’ બકુલ તું પણ સારું પાત્ર જોઇને સ્થિર થઇ જજે.’’

’’ હા તારા જેવું કોઇક પાત્ર મળે તો મને બતાવજે.પણ હાલ તો ભણવાનું છે તેથી ચોપડીઓ જ મારી સાથી અને મિત્ર છે,

ભલે પણ કહે છે ને કે બંધ બારણા સામે તાકીને બેસી રહેનારાને બીજા ૧૬ નવા બારણા ખુલ્યા હોય તે દેખાતા નથી. હવે મને યાદ કરવાને બદલે તારી જિંદગીમાં આવનારી બીજી તકને જવા ના દઇશ. એતો તુ જાણે છે ને કે એક બસ ચુકી જવાય તો ચિંતા નહીં કરવાની પાછળ બીજી બસ આવતી જ હોય છે.

જવાની આગલી ઢળતી સાંજે બીના, બકુલ સાથે ગામની પાછલી કોર નદીના ઢોળાવ પાસે પોતાની ગમતી જગ્યાએ લટાર મારવા ગઇ.એક કલાક સુધી બંનેએ ભારે મનથી આંખોમાં દુઃખ છુપાવતા વાતો કરી. છુટા પડતી વેળા બકુલે એક નવીનક્કોર ડાયરી અને ગોલ્ડન પેન બીનાને હાથમા આપતા કહ્યું,’’બચપણથી લઇને અત્યાર સુધી તારી સઘળી ખૂશી અને દૂઃખ મારી સાથે વહેચ્યા છે.હવે હું તારી નજરથી દૂર સાત દરિયા પાર રહેવાનો છું, હવે જ્યારે પણ મારી યાદ આવે ત્યારે તારી ખૂશી અને દુઃખની વાતને આ ડાયરીમા લખતી રહેજે.

જેવી બીના ડાયરી ખોલે છે,પહેલા પાના પર બકુલનાં સુકાએલા આંસુના બેચાર ટીપા ઉપર નજર પડે છે.આ જોઇને બીનાની આંખોમાંથી બીજા ચાર ટીપા ટપકી પડે છે પેલા સુકા પાનને ફરી ભીનાશ આપવા. બીનાના આંસુ અને બકુલનાં આંસુનું ડાયરીના પહેલા પાને મિલન થયું. જતી વેળા બીના એના હાથને બકુલના હાથની મજબૂત પકડમાથી ધીરે રહીને છોડાવે છે. હજુ થોડે દૂર ગઇ ત્યાં તો અચાનક દોડીને બકુલને ભેટીને મન મુકીને રડવા લાગી. બકુલે એને સધિયારો આપીને માંડ છાની રાખી અને ઘર સુધી વળાવી આવ્યો.જ્યાં સુધી બકુલ આંખોથી દૂર ના થયો ત્યાં સુધી બીના એના ધરના દરવાજા પાસે ઉભી હતી.બકુલ નજરથી ઓઝલ થયો હોવા છતા, બીનાનો એક હાથ બકુલને આવજો કહેવા ઉંચો થયો હતો એ કેટલીય વાર સુઘી એમને એમ યથાવત રહ્યો.

બીજે દિવસે બીનાએ પોતાની સાથે પહેલી દોસ્તી કે પ્રીત કશું ના સમજાય એની યાદોનો સામાન, અણકથ્ય અધૂરી કહાનીના પ્રકરણના અનેક હિસ્સા અને મા બાપ તરફથી મળેલી પૈઠણનો સામાન લઇને રનવે પરથી બ્રિટીશ એરવેઝના વિમાનમાં લંડન તરફ પ્રયાણ કર્યું.

મન કેવું વિચિત્ર હોય છે જ્યારે ભારતનો દરિયો છોડ્યો નહોંતો ત્યારે આખું સોનપૂર ગામ મન પર છવાયેલું હતુ.પપ્પા મમ્મીની આંખમા ઉદાસીનતા હતી અને સાથે એક અણક્લ્પ્ય ભય પણ હતો. દીકરી સાસરે સાકરની જેમ ભળી જાય તેવા સર્વ સંસ્કાર અને તાલિમ આપેલી હતી. પણ પિયર તે પિયર અને સાસરી તે સાસરી ! બકુલ પણ સ્વસ્થ હતો કે સ્વસ્થ રહેવાનો ઢોંગ કરતો હતો તે સમજાતુ નહી! હવે જે છે તેને સ્વિકારવામાં જ ગનીમત છે.હેંડ બેગમાં કેડબરીની એક્લેર ચોકલેટો બકુલની યાદ આપતી હતી જેવું મુંબઈ છુટ્યું અને તે એક્લેરની ચોકલેટ લોલીપોપ બની સૂર્યની યાદ તાજી કરી ગઈ

હા, હવે તો સૂર્યનો ૨૪ કલાક્નો સાથ.લંડન ની બર્ફીલી સવાર અને ધુમ્મસ ભરી રાતોનો વિચાર બીના ને એક્દમ પ્રફુલ્લિત કરી ગયો.એ સહેજ મલકી અને બાજુમાં બેઠેલો અને એને તાક્તો રહેતો પ્રવાસી બોલ્યો ’’ હાય! માય નેમ ઇઝ સૂર્ય !’’

એ ચમકી અને જરા વિસ્ફારિત નજરે જોયું તો લાગ્યુ તેને ભ્રમ થયો હતો. બાજુમાં બેઠેલો પ્રવાસી સૂર્ય તો હતો જ પણ તેનો સૂર્ય નહીં અને તે વધુ મલકી..’’ હાય આઇ એમ બીના. એક્ચુઆલી આઇ વૉઝ થિંકીંગ ઓફ સૂર્ય ઓનલી. માય હબી,હુ ઇઝ કમીંગ ટુ પિક મી અપ એટ લંડન એરપૉર્ટ.ને સૂર્યની અદાથી વાક્ય પુરુ કર્યુ,યુ સી.’’

ઓહ ધેટ ઇઝ ગ્રેટ.આઇ એમ વિઝિટીંગ લંડન ટુ સી માય વાઇફ એન્ડ રેજીના. અવર ન્યુ બોર્ન ફર્સ્ટ બેબી ગર્લ.

‘‘કોંગ્રેટ્‌સ,આઇ એમ સ્યોર યુ આર એક્ષાઈટેડ ટુ સી રેજીના એન્ડ આઇ એમ લીટલ સ્કેર્ડ સિન્સ ગોઈંગ ટો મીટ માય ઇનલૉઝ !

’’ વ્હાય? આર ધે વિયર્ડ ?’’

’’ નો, નો, આઈ એમ ગોઈંગ ફોર ગુડ આફ્‌ટર મેરેજ.’’

’’ ઓહ ફાઇન, યુ હેવ સૂર્ય વીથ યુ. સો યુ વીલ બી ફાઇન.દક્ષીણ ભારતીય લઢણોમાં બોલાયેલા શબ્દો એને રમુજ પાડતા હતા.

પ્લેન ૩૫૦૦૦ ફૂટની ઉંચાઇ પકડી ચુક્યુ હતુ. લંચ સર્વ થઇ રહ્યુ હતુ.બાજુમાં બેઠેલો પ્રવાસી ચીકન ખાઇ રહ્યો હતો. બીના ને વેજીટેરીયન લંચમાં પાલક પનીરનું શાક સોઢાતુ હતુ. આમ તો ચીકનની વાસથી તેને ઉલટી થવા જેવુ થવા માંડ્યુ હતુ પણ મન મક્કમ કરી તેની પ્લેટમાં આવેલું ગુલાબ જાંબુ તેણે મોં માં મુક્યું.

૧૨) સૂર્યને સંગાથે

પ્રવીણા કડકિયા

ખાનદાન અને સુખી કુટુંબની બીના સુર્યની સાથે ચાર મંગળફેરા ફરી આજે આભમાં ઉડી રહી હતી. અવનવી લાગણીઓના સ્પંદન માણી રહી. કળવું મુશ્કેલ હતું કે આ અહેસાસ મનભાવન હતો કે મનને વીતેલી યાદોની સફર કરાવી રહ્યો હતો ? જ્યાં થનગનતું બાળપણ અને ચડતી જુવાનીના વર્ષો પસાર કર્યા હતાં એ બધું પાછળ છોડી કોઈ અણધારી દુનિયામાં લઈ જતું વિમાન પૂર ઝડપે લંડનની દિશામાં આગળ ધપતું હતું. બીના ત્રણેક વાર પહેલાં વિમાનની મુસાફરી કરી ચૂકી હતી. આજની મુસાફરી ઘણી લાંબી અને રોમાંચક લાગી. સ્થળ અને સનમ બંને નવિન હતાં. બીનાના સદભાગ્ય કે મુંબઈથી ઉપડેલું વિમાન સીધું લંડનના ‘હિથરો એરપૉર્ટ’ જઈને થંભવાનું હતું.

પરિવારને પાછળ છોડી સૂર્યને મળવાની ઉત્કંઠા કરતાં લંડન જઈ રહી છે તેનો થોડો ઉમંગ જણાતો લાગ્યો. લડંન, નામ સાંભળતાં દિલમાં તરંગો દોડે ! ખૂબ વેસ્ટર્ન કપડાંનુ શોપિંગ કર્યું હતું. દોડધામને કારણે થાકેલી બીનાએ વિમાનમાં સુંદર ઉંઘ ખેંચી. જેને કારણે મુસાફરી ચપટી વગાડતાં પૂરી થઈ અને પ્લેનમાંથી હિથરોના એરપૉર્ટ પર ઉતરી. ભારતની બહાર વિદેશમાં જવાનો આ પ્રથમ અનુભવ હતો.

‘બાપરે’ આટલું મોટું એરપૉર્ટ, હવે ક્યાં જવાનું ‘? . બીનાને મુંઝવણ, ઉત્સુકતા કે ગભરામણ હતી એ કળવું મુશ્કેલ હતું. હનીમુન પર માલદિવ ગઈ હતી પણ ત્યારે તો સૂર્યનો રંગીલો સાથ હતો. માત્ર તેની પાછળ ચાલતી, અંહી બધું આપમેળે કરવાનું હતું.

સારું હતું કે સૂર્યએ બધી ઈન્ફર્મેશન આપી બીનાને તૈયાર કરી હતી. જ્યારે હકિકત નજર સમક્ષ આવે ત્યારે એમંથી પાર ઉતરવું એ એક ચેલેન્જ જણાય ! ખેર, શાંતિ જાળવી બધા પેસેન્જર્સની પાછળ ધીરે ધીરે ચાલવા માંડ્યું. ચબરાક બીના બધી સાઈનો વાંચવાનું ભૂલતી નહી. તેને મનમાં થયું કેટલી વ્યવસ્થિત રીતે બધી સાઈન અને એરો માર્ગ સૂચવે છે. ઈમીગ્રેશનમાં પાછી ગુંચવાઈ ત્યાં સૂર્યની સલાહ યાદ આવી. વિચાર કરીને હળવાશથી બધા પગલાં ભરતી. અત્યારે તેના દિમાગમાં ધ્યેય નક્કી હતો. સામાન લઈને બહાર નિકળવાનું. બીનાને ખાત્રી હતી આ દરવાજાની બીજી બાજુ કોઈ ખૂબ પ્રેમ પૂર્વક તેનું સ્વાગત કરવા થનગની રહ્યું છે !

બધી વિધિ પૂરી થઈ. લગભગ કલાક નિકળી ગયો. સામાન ટ્રોલીમાં ભર્યો. બેગ બન્ને વજનદાર હતી. સારા નસિબે એક બ્રિટીશરે હેલ્પ કરી. થેન્કસ કહેવાનું તે ભૂલી નહી. ટ્રોલીને પુશ કરવાનું પણ તેને ભારે લાગ્યું. ભારતમાં મમ્મી તેને ‘શેકેલો પાપડ’ પણ ભાંગવા દેતી નહી. એ માતા અને પિતાએ તેને ક્યાંથી ક્યાં મોકલી ! બીના સાવધ બની. જાતમાં વિશ્વાસ મૂકવાનું આ પ્રથમ ચરણ ઉઠાવી આગળ વધવાની તૈયારી કરી રહી !

દરવાજો ખુલ્યો, સામે હાથમાં બીનાને ગમતાં લાલ ગુલાબનો બુકે લઈ સુર્યનો હસતો ચહેરો દેખાયો. બીના દોડીને ભેટી નહી પણ સૂર્યએ તેને બાથમાં ભીડી અને ઉષ્મા ભર્યું ચુંબન તેને હોઠ પર આપ્યું. બીના લજમણીના છોડની માફક શરમાઈ. સૂર્ય તાળી પાડીને જોરથી હસવા લાગ્યો.’ ડાર્લિંગ, આ લંડનમાં કોઈ વાતની શરમ નહી’. છતાં બીનાની નજર ઉંચી ન થઈ. સૂર્યએ તરત તે્‌ના ત્રણેક ફોટા પાડી લીધાં અને બતાવ્યા. બીના ખિલખિલાટ હસી પડી. ડાર્લિંગનું સંબોધન નવું લાગ્યું. આ શબ્દ એકવાર પણ બકુલે ઉચ્ચાર્યા હોત તો ? તેનું મન બકુલના વિચારમાં ૨૪ કલાક ઘેરાયેલું રહેતું.

સૂર્ય, હવે તેનો પતિ હતો. તે એ બરાબર જાણતી હતી. બકુલને પાછળ છોડીને આવી. તેની યાદ હૈયામાંથી અળગી કરવા અથાગ પ્રયત્ન કરવો પડશે ! બીના માહિતગાર હતી. સૂર્ય સવાલ પૂછીને થાક્યો, જર્ની કેવી રહી ? ખાવાનું સારું હતું ? ઉંઘ મળી કે નહી ? બીના માત્ર ’ હા કે ના’ માં ઉત્તર આપતી. સૂર્યને તેથી સંતોષ થતો નહી. સૂર્ય તેને જોવામાં તલ્લીન હતો, જ્યારે બીના લંડનના વિશાળ રસ્તા અને ગાડીઓ જોતી હતી. લંડન આંખે ઉડીને વળગે તેવું ભવ્ય શહેર છે.

સૂર્ય સાથે સોહાગ રાત મનાવી ચૂકી હતી. માલદિવમાં માણેલું હનીમુન યાદ આવી ગયું. એકમેકની બાહોંમા સમાઈ માલદિવમાં સૂર્યાસ્ત અને સૂર્યોદય નિહાળ્યા હતા. છતાં દિલમાં હજુ તેને માટે પ્યારના અંકુર ફૂટ્યાં ન હતાં. માલદિવમાં, સૂર્યને બીના થોડી ઉષ્મા વિહોણી લાગી હતી. કોઈ સવાલ યા ચર્ચા ન કરતાં મૌન સેવવું ઉચિત માન્યું હતું. નવો પ્રેમ, નવી દુનિયા, નવી નવેલી દુલ્હન સૂર્યને ધિરજ ધરવાનું યોગ્ય લાગ્યું.

સૂર્યએ ખૂબ ઇમાનદારીથી કહ્યું હતું, ‘હવે તું, તન અને મનથી મારી.’ આમાં કોઈ ભાગ ન પડાવી શકે ! બીનાને ખરેખર તેની પ્રમાણિકતા સ્પર્શી ગઈ હતી. તે પ્રમાણિક હતી ખરી ? કેવો વિકટ અને ગહન પ્રશ્ન હતો. સૂર્યને કઈ રીતે ઉત્તર આપે ? દિલની ધડકન ‘બકુલ’ના નામની માળા જપતું હતું. જ્યારે બીના સૂર્યની બાહોંમાં સમાઈ તેના પ્રેમની ઉષ્મા માણવાનો ઠાલો પ્રયાસ કરતી હતી.

અંહી લંડનમાં પણ એ જ શિતળતા! સૂર્યને અકળાવી રહી હતી. ઘર એરપૉર્ટ પરથી ૪૦ માઈલ દૂર હતું. ટ્રાફિકનો સમય ન હોવાથી લંડનના મોટર રૉડ પર ગાડી સરકી રહી હતી. સૂર્યને ઘરે પહોંચવાની કોઈ ઉતાવળ ન હતી! ઉતાવળ હતી તો બીનાને જાણવાની, તેની નજીક સરી તેને ઉરમાં સમાવવાની. ગાડી કૉફી શૉપ પાસે ઉભી રાખી. તે જાણતો હતો બીનાને કૉફી ખૂબ ભાવે છે. જેને કારણે તેણે પણ કૉફી પિવાની શરૂ કરી હતી. બન્ને ગાડીમાંથી ઉતર્યા.

’ આપણે ક્યાં જઈએ છીએ?’

‘અરે યાર, ઘર તો હજુ બહુ દૂર છે.’ ઘરે તારા સ્વાગતની તૈયારી મમ્મીએ ખૂબ જોરદાર કરી છે. ત્યાં એકાંત નહી મળે. કાંઈ વાત નહી થાય. થોડીવાર કૉફી પાર્લરમાં બેસીએ. એકબીજાને નજર ભરીને નિહાળીએ. થોડો પ્યાર સભર સમય પસાર કરીને ઘરે જઈશું. તને ભાવે એવી પેસ્ટ્રી પણ લીધી છે. ચાલ આપણે બન્ને મીઠો સહવાસ માણીએ. સૂર્ય બીનાને એકદમ અડીને બેઠો. તેના અંગોની ઉષ્મા માણતો હતો. ખાવાનું તો એક બહાનું હતું. ઘરે ગયા પછી બીના રાત સુધી એકાંતમાં મળે એવા કોઈ ચાન્સ ન હતા.

બીનાને સૂર્યની ચેષ્ટા ગમી, પણ યાદ બકુલની આવી. નત મસ્તક હા, ભણી બન્ને ગોઠવાયા. સૂર્ય ઉમળકો અને આનંદ જતાવી રહ્યો હતો. જ્યારે બીના હા માં હા મિલાવી રહી હતી. તેના માનવામાં આવતું નહી કે અત્યારે બકુલ સાથે નહી સૂર્ય સાથે લંડનમાં છે. વિચારો પીછો છોડતાં ન હતા. ગમે તેમ કરી મુખ પર બનાવટી હાસ્ય લાવીને સૂર્યનો સહવાસ માણી રહી હતી.

‘ચાલોને હવે ઘરે જઈએ’ !

‘કેમ આટલી બધી ઉતાવળ છે?’

‘બધા મળે તો ગમે.’

‘કેમ, હું નથી ગમતો?’

‘ના, એવું નથી એમ કેમ કહો છો? તમને પરણી, ત્યારે તો લંડન આવી !’

‘ઓહ, યાદ છે આપણે પરણ્યા હતાં?’ આઈ થોટ યુ ફરગોટ, વી આર મેરીડ’? બહુ વખતથી ગુજરાતી બોલતો હતો અંતે અંગ્રેજીમાં જવાબ અપાઈ ગયો.

હવે બીના ચમકી. તેણે મનોમન નક્કી કર્યું. વર્તન સરખું કરવાની જરૂર છે. તેણે પહેલી વખત સૂર્યનો હાથ પકડ્યો અને ધીરેથી ચૂમ્યો. સૂર્યને ખૂબ ગમ્યું. ચાલ હવે જઈએ કહી બન્ને જણા ગાડીમાં ગોઠવાયા. બીના ખરેખર ઉંઘમાંથી જાગી. તેણે નક્કી કર્યું, વાણી અને વર્તન ખૂબ સાચવીને કરવા પડશે.

દિલમેં કુછ દિખાના કુછ, યે બાત અચ્છી નહી

સનમ કે આગે પર્દા ખુલે તો બાત બનતી નહી

દિલકી બાત દિલમેં રહે યે બાત ભૂલની નહી

પતિકો પ્યારસે અપનાના યે કામ આસાન નહી

સૂર્યની પ્યાર ભરી વાતો સાંભળતાં ઘર ક્યારે આવ્યું ખબર પણ ન પડી. ઘરને દરવાજે તોરણ બાંધ્યા હતા. આખા બંગલાને લાઈટથી શણગાર્યો હતો. બીનાને સાસરીના કુટુંબની જાહોજલાલીનાં દર્શન થયા. ક્યાં સોનપુર અને ક્યાં લંડન? ગાડીમાંથી ઉતરતાં પહેલાં સૂર્યએ તેનો દરવાજો ખોલ્યો. હાથ ઝાલીને ઘરને દરવાજે આવી જયારે વરઘોડિયા ઉભા રહ્યા ત્યારે બન્નેને મમ્મીએ પોંખ્યા. કુમકુમના પગલાં પડાવ્યા. સૂર્યની અને બીનાની આરતી ઉતારી. સાસુમાએ ખાસ આગ્રહ કરીને જમણા પગના અંગુઠા દ્વારા ચોખા ભરેલા કળશિયાને ઠેલવાનું કહ્યું. ઉપર સુંદર નાળિયેર પણ સજાવીને મુકયું હતું. આ બધા પ્રસંગની વિડિયો લેવાઈ રહી હતી. આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું.

હસતાં મુખે બીનાએ સૂર્ય સાથે ગૃહ પ્રવેશ કર્યો. ખૂબ મોટી પાર્ટી રાખી હતી. બીનાને જણાવવામાં આવ્યું કે કલાકમાં તૈયાર થઈને આવે. સૂર્ય તેને હાથ પકડીને બેડરૂમમાં દોરી ગયો. અંદરની સજાવટ જોઇ બીના આશ્ચર્ય ચકિત થઈ ગઈ. પાછું અવળચંડુ મન બકુલની યાદમાં ખોવાઈ ગયું.

‘બીના, આ જો બાથરૂમ’.

‘હં’.

‘અરે ક્યાં પહોંચી ગઈ. બરાબર ધ્યાન રાખ કેવી રીતે શાવર ચાલુ કરવાનો નહિતર દાઝી જઈશ’.

બીના પાછી ભોંય પર પટકાઈ, ‘સૂર્ય તમે શાવર બરાબર ચાલુ કરી આપો ‘!

‘અરે, હાં શેમ્પુ અને કન્ડિશનર બધું ત્યાં છે. તું ફ્રેશ થા. હું જરા નીચેની બધી અરેંજમેંટ ચેક કરી આવું. આજે, મારી દિલની મલ્લિકાના આગમનની રાત છે. જરા પણ કમી નહી ચાલે’ ! ધુનમાં ને ધુનમાં ગમતા હિન્દી ફિલ્મના ગીતની લઈન ગાતો બેડરૂમની બહાર નિકળ્યો.

‘બહારોં ફુલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ, મેરા મહેબુબ આયા હૈ.’

બીના સૂર્યનું ગાંડપણ જોઇ રહી . આનંદ થયો કે નહી તે જાણવાની કોશિશ પણ ન કરી. બકુલ, તું ત્યાં હું અંહી. તારું મુખ મારી નજર સમક્ષથી ખસતું નથી. પ્લિઝ મને સહાય કરજે. અંહી ગુલાબની પાખડી પાથરેલ છત્ર પલંગ પર મને કાંટાનો અહેસાસ ન થાય તેની કાળજી લેજે. સૂયને અન્યાય નહી કરી શકું. આ પરિસ્થિતિ સર્જવામાં તારો ફાળો નાનો સૂનો નથી ! સૂર્ય દિલનો સાફ છે. મારાથી પાપ નહી થાય. બકુલ મને માફ કરજે !’

પાર્ટીએ રંગ રાખ્યો. લગભગ ૭૦ માણસોની હાજરીમાં બીનાએ સંયમ જાળવ્યો. તેનું વર્તન ખૂબ સભાનપણે કરતી. બકુલ મનમાંથી બહાર સરી ન આવે તેનો ખ્યાલ રાખ્યો. પ્લેનની મુસાફરીનો થાક આનંદ વિભોર વાતાવરણમાં અદૃશ્ય થઈ ગયો. સૂર્યનો રંગીલો મિજાજ જોતાં બીના તેને નારાજગી ન થાય તેનું ધ્યાન રાખતી. બકુલ જેવો યાદદાસ્તમાં ઉભરાઈ આવે કે તરત સૂર્યનો હાથ જોરથી દબાવતી. સૂર્યને તો મન ભાવન લાગ્યું. ખૂબ ફોટા પાડ્યા અને મોજ કરી. આખરે સહુ વિખરાયા.

સૂર્યએ બીનાને બેડરૂમના દરવાજામાંથી ઉંચકી લીધી અને બેડ પર સુવડાવી. તેમનો બેડરૂમ કૉર્નરમાં હતો. દરવાજો બંધ થયો. પેલો નઠારો ચાંદ વાદળની પાછળથી અવારનવાર ડોકિયું કરી જતો. બીના ભલે ને ક્યાંય પણ હોય સૂર્યને સંમતિ અને સહકાર આપતી.સૂર્યની પ્રમાણિકતા તેના હૃદય સોસોંસરવી ઉતરી ગઈ હતી. બીજા દિવસથી લંડન ઘુમવાનો ભવ્ય પ્રોગ્રામ ચાલુ થયો હતો.

બકુલ સોનપુરમાં બીનાના ગમને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતો. બન્ને જણાંએ જ્યા સમય વિતાવ્યો હતો ત્યાં દિવસ રાત પડી રહેતો. કોઈને એક શબ્દની જાણ ન કરતો. બીના બકુલને બરાબર જાણતી હતી. તેને જાણે ટેલીપથી ન પહોંચતી હોય. દિલ પર ઉદાસી છાઈ જતી. બકુલના મુખેથી બે શબ્દ સાંભળવા તે તલપાપડ થતી. હાય રે નસિબ એવું ભાગ્ય ક્યાં હતું ! બીનાના બધા પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા.

બકુલ અવારનવાર યાદોમાં આવતો. બીનાથી તેનો ચહેરો ભૂલાતો નહી ! અંહી સાહ્યબી માણતાં તેનું અંતર ડંખતું. અસહાય બીના ગુંચવાતી, પણ શું કરે? બકુલે આપેલી ડાયરીમાં એવું લખતી વાંચનાર કળી ન શકે. સૂર્યને જરા પણ ગંધ ન આવે તેનો ખ્યાલ રાખતી. હવે સૂર્ય સવારથી સાંજ સ્ટોર પર જતો. બીના એ ડ્રાઈવિંગના લેસન શરૂ કર્યા. ઈંગ્લીશ શિખવાના ક્લાસમાં જવાનો વિચાર કર્યો. કામમાં તો ખાસ કાંઈ હોય નહી. ઘરમાં કુક હતો અને મેઈડ પણ હતી. એકલી પડે ત્યારે બકુલ તેના દિલોદિમાગ પર કબજો જમાવતો.

ઘણીવાર તેને થતું, પોતે કેટલી સ્વાર્થિ છે. અંહી રંગરેલિયા મનાવી રહી છે. સોનપુરમાં તેનો પહેલો પ્યાર કેવી હાલતમાં જીવી રહ્યો છે. તેને ગળા સુધી ખાત્રી હતી , બકુલ તેના વિયોગે ઝુરે છે. ભારત ફોન કરતી બધાના ખબર પૂછતી તેનામાં હિંમત ન હતી, બકુલના સમાચાર કોઈને પૂછવાની. એકાદ બે વાર તેના સેલ ફોન પર ટ્રાય કરી. હમેશા સ્વીચ ઓફનો મેસેજ મળતો. આગ બન્ને બાજુ બરાબર લાગી હતી. બીનાની આગના દેવતા પર રાખ હતી તેથી માત્ર દેખાતી નહી. બકુલ આગમાં બળીને ભડથું થતો હતો. બોલાય પણ નહી અને સહેવાય પણ નહી !

યાદોંની બારાતમાંથી ભાગી છૂટવા બીનાએ સ્ટોરમાં જવાનું ચાલુ કર્યું. બીનાનો આ અંદાઝ સૂર્યને બહલાવી ગયો. આવી સુંદર જીવન સંગીની પામવા માટે પોતાને લકી માનવા લાગ્યો ! ધીરે ધીરે લંડનના જીવનમાં ગોઠવાઈ, દિલથી કે દેખાડાથી ?

૧૩) ખુશીનું આગમન

પ્રવીણા કડકિયા

મધુરજનીના દિવસો દરમ્યાન મનદુખ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં હોય તેવું ન લાગે. પતિ, પત્નીને એમ થાય કે સ્વર્ગ જો ક્યાંય હોય તો તે અંહી જ છે. હા, સાસરીમાં બધાની સાથે તાલ મિલાવતા જરૂર થોડો સમય લાગે. પરિવાર અલગ, રીતરિવાજ જુદા, વાતાવરણ ભિન્ન અને અંહી તો દેશ પણ જુદો! જ્યારે કોઈ વસ્તુ બીનાને ન ગમતી કે તરત ડાયરીમાં ટપકાવતી. વાત કોની સાથે કરવી? સૂર્ય સાથે હજુ દિલ મળ્યું ન હતું ! લંડનમાં સૂર્ય લગ્ન જીવનના રંગીન દિવસોની મોજ માણી રહ્યો હતો.

મેઘધનુના રંગ સૂર્ય પૂરતો અને આનંદમાં મહાલતો. બીના ખાલી આકાશની માફક વિસ્તરી રહી હતી. સવાર, સાંજ આકાશને ક્યાં કદી સ્પર્શે છે ? તડકા અને છાયાથી અલિપ્ત. વાદળ ઉમટે, ઘનઘોર વર્ષાની ઝડી પડતી હોય આકાશ કદી ભિંજાયું છે ? જયારે પણ સૂર્યને બીના લાગણી યા ઉષ્મા વિહોણી લાગતી ત્યારે પાછો પડતો. મનને મનાવતો ભારત છોડીને મારો હાથ ઝાલીને ચાલી આવી. સહુની ‘યાદ’ કદાચ તેના આ વર્તનનું કારણ હોઈ શકે. તેને ક્યાં ખબર હતી એ યાદ બીનાના પહેલા પ્યાર બકુલની હતી ! જેને કારણે ઉષ્મા વિહોણી બીનાનો સંગ તેને મળતો ! ક્યાં સોનપૂર અને ક્યાં લંડન ? બીના ઘડીભર બકુલને વિસારે પાડી શકતી નહી ! બકુલ તેના શ્વાસમાં સાથે હોય. અંતરની આરસીમાં તેનું પ્રતિબિંબ હોય. કેવી રીતે છાયો અને પડછાયો અલગ કલ્પી શકાય? બહારથી સહુને લાગે કે બીના લંડનવાસી બનતી જાય છે ! દિલ કોને આપ્યું હતું ને સહવાસ કોનો માણતી હતી? સૂર્યને તન, મન વિહીન સમર્પિત કર્યું તેમાં શંકા નર્હી. ગમ્યું કે ગમાડ્યું એ પ્રશ્ન અનુત્તર છે.

‘આજે સવારે મને સ્ટોરમાં જવાનો કંટાળો આવે છે. પેલો બ્રાયન તેને ખોલશે અને ચલાવશે.’ કહી સૂર્ય પડખુ ફરી માથે મોઢે ઓઢી સૂઈ ગયો.

‘પપ્પાજીને પૂછ્યું હતું !’’

‘કેમ હું માલિક નથી !’

‘પૂછી જો તારા દિલને તું માલિક કે પપ્પા? અરે, તું મારો પણ માલિક નથી?’

બોલતાં બોલાઈ ગયું પણ પછી ચમકી ગઈ અને સાવધ બની. કેમ એમ કહે છે, ડાર્લિંગ. સૂર્ય દર બે વાક્યે એક વાર ડાર્લિંગ શબ્દ વાપરતો. હવે બીના તેનાથી ટેવાતી જતી હતી. છૂટકો પણ ક્યાં હતો? બકુલ દિલના મંદિરમાં દેવ સ્થાનેથી હટવાનું નામ ન લેતો. ખૂબ ગમતું પણ, અંતરમાં બીનાને બેવફાઈઅનું શૂળ ઉઠતું ? ‘અરે એ તો મશ્કરી કરતી હતી‘. કહી બીનાએ વાતને બીજે રસ્તે વાળી લીધી. સૂર્ય બોલ્યો કાંઈ નહી. તેને લાગ્યું બીના અંહી સુખી તો છે ને? મને ચાહે છે તો ખરી ને? તે બીનાના દિલો દિમાગમાં પ્રવેશી કેવી રીતે જાણી શકે ?

પરદેશમાં બાળકોનો ઉછેર ખૂબ સીધો હોય છે. આંટીઘુંટીમાં તેમની ચાંચ ન ડૂબે. ખેર, બીનાને કહે ચાલ આજે પિકનિક પર જઈએ. ઘણા દિવસ પછી આજે ગગને સૂરજ પ્રકાશી રહ્યો હતો. હવામાન ખૂબ ખુશનુમા હતું. બીનાએ પિકનિકની તૈયારી કરવા માંડી. લંડનવાસી બીના ચોકઠામાં ગોઠવાઈ ગઈ જાણે , ‘ગોળ કાણામાં ચોરસ ખીલાની માફક ! પિકનિક પર બકુલે પીછો ન છોડ્યો. વેદના ભોગવતી રહી અને સૂર્યને સેંડવિચ પર ડબલ બટર લગાવી આપતી રહી.

‘અરે, માત્ર બટર જ લગાવીશ કે પછી મેયો, ચટણી અને મસ્ટર્ડ પણ લગાવી આપીશ. તારું મન નહોતું તો ના પાડવી હતી. ‘સૂર્ય જરા બગડ્યો. ‘

‘મને તો ખૂબ ગમે પિકનિક પર જવાનું.’ બીના બોલી ખરી પણ કોની સાથે તે ઉત્તર મનમાં ગણગણી. દિવસ આખો પાર્કમાં સ્પેન્ડ કર્યો. બૉટિંગની મઝા પણ માણી. થાકીને રાતના ઘરે આવ્યા. બીના માત્ર ગરમ દૂધ પીને સૂવા આવી. સૂર્યએ ડબલ પેગ બનાવ્યો .આજે તે ખૂબ મુડમાં હતો. યે તો હોના હી થા.

અઠવાડિયા પછી સવારે મને અસુખ લાગે છે કહી બીના બેડરૂમની બહાર ન આવી. સૂર્ય સ્ટોર પર જવા નિકળી ગયો. ‘આજે, હું સ્ટોર પર હેલ્પ કરવા નહી આવું‘. એકાંતમાં બકુલે આવી દિલ અને દિમાગ પર કબજો લઈ લીધો.

બીનાએ ડાયરીમાં લખવાનું શરુ કર્યું. સંબોધન ડાયરીને કરતી જાણે મિત્ર ન હોય ! વાંચનાર માત્ર ભાવ તારવી શકે તેમાં રહેલું દર્દ અને દાસ્તાન સાથે તાળો મેળવવો મુશ્કેલ થાય. એ બહાને દિલની વાતો નિઃસંકોચ પણે લખતી. ઘરમાં કોઈ વસ્તુ ગમે કે ન ગમે ડાયરીને જઈને ફરિયાદ કરે. દિલની વાત સૂર્યને કહેતા અચકાય પણ ડાયરી બધું સાંભળે અને વિચારોમાં જાણે બકુલ જવાબ આપતો હોય એમ તેને લાગે ! બકુલ આગળ હમેશા હૃદય ઠાલવવાની તેની આદતનો સિલસિલો આમ ચાલુ રહ્યો.

હેલ્પ ન કરવા જવાનું કારણ જ્યારે સૂર્યને જાણવા મળ્યું ત્યારે તે પાગલ થઈ ગયો. બીના ધર્મ સંકટમાં આવી ગઈ. પ્યારની વર્ષા કરતો સૂર્ય તેને ગુંગળાવતો હોય એવું લાગ્યું. ઘરમાં બધાએ કોઈ પણ કામ કરવાની મનાઈ ફરમાવી. બીના ખુશ હતી કે નહી એ કળવું સહેલું ન હતું. હા, માતા બનવાની હતી એ ખૂબ આનંદના સમાચાર હતા એમાં બે મત નહી. બાળક હતું સૂર્યનું, તેના પતિના પ્યારની નિશાની !

ખરેખર તેનો પ્રિતમ કેણ હતો ? કયા મોઢે તેને આ વાત જણાવશે? તેનો પ્રત્યાઘાત કેવો સાંપડશે. અરે, એ વાત તો બાજુએ રહી બે વર્ષ થયા લંડન આવ્યાને એક વખત પણ બકુલનો પ્રેમાળ અવાજ સાંભળવા મળ્યો ન હતો. આમ બકુલના પ્રેમમાં વિહવળ બનતી અને સૂર્ય સાથે સંગનો રંગ માણતી.

‘‘બાપરે, આટલા બધા ઉબકા આવે ?’’ બીનાને નવાઈ લાગી. મૉર્નિંગ સિકનેસ તેને ખૂબ હેરાન કરતી. ઘરના બધા તેને હથેળીમાં સાચવતાં. ઘરમાં ઘણા વર્ષો પછી પારણું બંધાવાનું હતું. બીનાને ફરસાણ અને ખાટું ખાવાનું ખૂબ મન થતું. રોજ નવી વાનગી બનતી. તેનો પડ્યો બોલ ઝિલાતો. લગ્ન કર્યાને બે વર્ષ પૂરા થયા હતાં.

સૂર્યના આગ્રહને લઈને પેરિસ ફરી આવ્યા. બાળક આવ્યા પછી થોડો વખત પગ બંધાઈ જશે તે બીના જાણતી હતી. તબિયત નાજુક રહેી. પાંચમો મહિનો પુરો થવા આવ્યો ત્યારે ડોક્ટરે મુસાફરી કરવાની મનાઈ ફરમાવી. ઘણો વખત તેને બેડ રેસ્ટ પણ કરવો પડતો હતો. નસિબ સારા હતાંકે બાળક હેલ્ધી હતું. બીના ખાઈ શકતી નહી. જેને કારણે અચાનક બીનાના ભાઈના લગ્ન લેવાયા ત્યારે બીના હાજરી ન આપી શકી. છોકરી પક્ષવાળાને ઉતાવળ હતી. રખેને લગ્ન લંબાય તો કોઈ વિઘ્ન આવે એ કારણે બીનાની ઈન્ડિયા આવવાની રાહ જોયા વગર લગ્ન લેવાયા. પિતા અને માતાને દુઃખ થયું પણ બીજો કોઈ ઈલાજ ન હતો. સૂર્ય ,બીનાની નાજુક તબિયત ને કારણે એકલી મૂકીને જવા તૈયાર ન થયો. આમ લંડન આવ્યાની પહેલી સજા ભોગવી.

ભાઈના લગ્નમાં વહાલી બહેનીની ગેરહાજરીની સહુએ નોંધ લીધી. ‘મમ્મી મને ડૉક્ટરે પ્લેનની જર્ની કરવાની ના પાડી છે‘. બીના રડતાં રડતાં મમ્મીને કહી રહી. મને બધાને મળવાનું બહુ મન છે પણ શું કરું? મમ્મી તું મારો ખોળો ભરવાના મંગલ પ્રસંગે જ્રરૂર આવજે.

‘બેટા લગ્ન માંડ્યા છે છતાં પ્રયત્ન કરી જોઈશ‘. ‘મમ્મી બહુ નહી રોકાતી ચાર દિવસમાં જતી રહેજે.’ ‘

તારા પપ્પાને પૂછીને જવાબ આપીશ,’

બીના બકુલ વિષે એક હરફ કોઈની પાસે ઉચ્ચારતી નહી. બકુલના વિચારોને કારણે બીનાની તબિયત વળતી ન હતી ? દિલની વાત કોને કહે? સૂર્ય, બીનાને ઉલ્લાસમાં રાખવાના અથાગ પ્રયત્ન કરતો. ઉપરથી હસતું મોઢું રાખતી. દિલની વાત હોઠ પર ન આવે તેનો ખ્યાલ રાખતી.

બીનાની વર્ષગાંઠને દિવસે સૂર્યએ કમાલ કરી.’ આજે તને સુંદર સરપ્રાઈઝ આપવાની છે. યાદ રાખજે આવતે વર્ષે આપણે બે ના ત્રણ હોઈશું‘. સૂર્યના મુખ પર આનંદનો સાગર લહેરાતો જોઈ બીનાએ મુખ મલકાવ્યું. તેને ખુશ કરવા બોલી ‘આજે રાજા તારી મરજી મુજબનો દિવસ પસાર કરીશું. બીનાને સાતમો મહિનો ચાલતો હતો. હવે બધી સિકનેસ ગચ્છન્તિ કરી ગઈ હતી.

સૂર્યએ ગાડીમાં બીનાને બેસાડી ખૂબ સુંદર ‘અરિસા મહાલ’ નામની રેસ્ટોરન્ટમાં લંચ લેવા લઈ ગયો. બે જણા માટે ખાસ નાનો રૂમ બુક કરાવ્યો હતો. સૂર્ય ખૂબ રોમાન્ટીક હતો. સામેવાળું પાત્ર તેને દિલથી સહકાર આપવામાં નાકામયાબ રહેતું !

લંચની મોજ માણીને ગાડી સીધી હંકારી ગયો ‘પૉટરી બાર્ન’’ જ્યાં નાના બાળકોનાં સુંદર કપડાં મળે અને એક્સ્ક્લુઝિવ ફર્નિચર હોય. અદા પૂર્વક બોલ્યો, મેમ સાહેબ આજે ‘બેબી રૂમ‘નું બધું શૉપિંગ કરવાનું છે. નવાંગતુકના આગમનની સઘળી તૈયારી આજે તારા જન્મદિવસની ભેટ સમજી લે જે. બીના સૂર્યનું પાગલપણ નિહાળી રહી. તેના અંતરમાં આવનાર બાળક માટે અનેરા સ્વપનો હતા. જે સાકાર કરવા સૂર્ય આજે તેને લઈને આવ્યો, ‘પૉર્ટરી બાર્ન‘. સોનોગ્રાફીને કારણે ખબર હતી, ‘લક્ષ્મી’ રૂમઝુમ કરતી આવશે. નાનપણમાં જે વસ્તુઓ બીનાને ગમતી તે બધી આંખ સમક્ષ હાજર જણાઈ. બન્ને જણાએ સાથે મળી બેબી રૂમની બધી વસ્તુઓ ખરીદી. સૂર્ય પૈસાપાત્ર હતો એ બીના પહેલેથી જાણતી હતી. આજે જ્યારે બન્ને જણા સાથે સજાવટની વસ્તુઓ ખરીદી રહ્યા હતા ત્યારે બકુલે આવી ખલેલ ન પહોંચાડી. તેને બીનાના આનંદમાં ઉમેરો કરવાનું યોગ્ય માન્યું. નાની વસ્તુઓ કારમાં ભરી અને મોટી વસ્તુઓની ડિલિવરી બે દિવસ પછી મળશે એમ નક્કી થયું.

આજે પહેલીવાર સૂર્યને લાગ્યું બીના દિલથી ખુશ છે. આનું મુખ્ય કારણ ધરતી પર આવનાર બાળક હતું. આવતા અઠવાડિયે સાત મહિના પૂરા થાય એ પહેલાં ‘સિમંત‘નો (બેબી શાવર) ભવ્ય કાર્યક્રમ હતો. બીનાનો આગ્રહ હતો ઘરમાં આ પ્રસંગ ઉજવાય. સૂર્યના મમ્મીએ લીલી ઝંડી બતાવી. ઘરમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. આનંદનો અવધિ સીમા તોડી ઉઠ્‌યો જ્યારે બીનાની મમ્મી માત્ર પાંચ દિવસ માટે લંડન આવી. સૂર્યએ વાત બીનાથી છુપાવી. આ ‘કૉડાક’ મૉમેન્ટ તેણે કેમેરામાં કંડારી લીધી. સિમંતનો પ્રસંગ ખૂબ સુંદરતા પૂર્વક ઉજવી મમ્મી પાછી સોનપુર રવાના થઈ. જતાં પહેલા એક રાતે મા દીકરી વાતો કરી રહ્યા હતા.

આખરે બીનાથી ન રહેવાયું. ‘મમ્મી, બકુલ કેમ છે‘? બીનાની મા શું જવાબ આપે. હકિકત છુપાવતાં બોલી,’બેટા હવે બહુ એ આવતો નથી. સાંભળ્યું છે, તે ભણવામાં રચ્યો પચ્યો રહે છે.’બાકી કશું બીનાની મમ્મી જાણતી ન હતી. સિમંતનો પ્રસંગ હતો તેથી દીકરી માટે વસાણા અને દેશી ઘીની ખાવાની વાનગી લઈને આવી હતી. આવનાર બાળક માટે નાનાએ ખાસ ભેટ મોકલી હતી. મામાએ તો બેગ ભરીને નાના બાળકના કપડાં અને રમકડાં મોકલ્યા હતા. બીના સહુનો પ્યાર માણી રહી. મા, આવી તેનો આનંદ અને ગઈ તે્‌નો ગમ, જેવી મિવ્રિત લાગણીઓ અનુભવી.

દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ ગયા. દીકરીએ ધરતી પર અવતરણ કર્યું. માતાના ઉદરમાંથી આ જગે ડગ માંડ્યા. તેનું ઉંવા ઉંવા બીનાને આનંદમાં ડૂબાડી રહ્યું. સૂર્ય તો બીજી બીના જોઈ ખુશ થયો. દાદા, દાદી અને સૂર્યના ભાઈ, બહેન બધા તેનું આગમન વધાવી રહ્યા. દાદીમાને ‘પૂજા’ નામ ગમ્યું. કેવું સુંદર નામ. બોલનાર અને સાંભળનાર બન્નેનું મનભાવન. સૂર્યના મમ્મીએ બીનાનું ખૂબ ધ્યાન રાખ્યું. તેને માની ખોટ ન સાલવા દીધી. બીના જાણતી હતી,’ તે મારી નહી પણ સૂર્યની મા છે. તેને પણ દીકરી ખૂબ વહાલી કેમ ન હોય. સૂર્ય મારા પર જાન છીડકે છે. તેથી હું પણ તેને વહાલી છું’.

આ ઉષઃકાળ સ્ત્રીના જીવનમાં ખૂબ નાજુક સમય છે. જેમ બાળક જન્મે છે, ત્યારે એક માતાનો પણ જન્મ થાય છે. બકુલ, ડાહ્યો ડમરો થઈ બીનાની ખુશીનો ભાગિદાર બન્યો. બીનાને માનસિક રીતે ખૂબ સહાય કરી. પરેશાન કરવાનું છોડી, શાંત રહી તેના હૃદયના ખૂણામાં અડ્ડો લગાવી બેસી ગયો. બીના જ્યારે તેને યાદ કરતી ત્યારે કહેતી,’હું તને ભૂલી નથી. કેવી રીતે ભૂલી શકું?’

પૂજામાં દિન રાત વ્યસ્ત રહી માતૃત્વના અહેસાસને માણતી. સૂર્ય તો પૂજાને ઘડીભર દિલથી અળગી ન કરતો. ભારતમાં નાનાજી દીકરી જોવા ઉત્સુક હતા. બેટા, હવે દીકરીને લઈને આવ . ઘરનું આંગણ પાવન કર.’ આ સંદેશા્‌ના નિતરતા પ્રેમને બીના અવગણી ન શકી. પૂજાને આપવાના બધા ‘શૉટ્‌સનો’ કોર્સ પૂરો કરી ભારત જવાની ઈચ્છા દર્શાવી. સૂર્ય તથા ઘરના વડીલોની સંમતિ મેળવી બીના પૂજા સાથે ભારત આવવા નિકળી.

દિલમાં જોમ, હાથમાં ખુશી અને મનોમન ‘બકુલ‘ને મળવાની ઝંખના !કયું કારણ પ્રબળ હતું એ કહેવું મુશ્કેલ છે. આવશ્યક્તા પણ નથી ? બ્રિટિશ એરવેઝનું વિમાન ભારતની દિશામાં વેગભેર ઉડી રહ્યું હતું. કોની ઝડપ તેજ હતી, વિમાનની કે બકુલને મળવાની બીનાની ઉત્કંઠાની ?

૧૪) બહાવરું મન

રાજુલ શાહ

લંડનના હિથ્રો એરપોર્ટ પરથી બ્રિટીશ એર વેયઝ ઉડ્ડાન ભરવાની તૈયારીમાં હતું પણ બીનાનુ મનતો ક્યારનીય ઉડ્ડાન ભરી ચુક્યુ હતુ. બીના લગ્ન કરીને આવી પણ જાણે હજુ ય એનું મનતો કુંવારુ જ હ્‌તુ. બીનાના નામ પાછળ સૂર્યનું નામ ઉમેરાવાથી જ જો એને લગ્ન કહી શકાતા હોત તો હા ! બીના પરણીતા હતી. સૂર્ય સાથેના ફિઝીકલ રિલેશનને જ જો લગ્ન કહી શકાતા હોય કે જેનો દિવસ સૂર્યના ઘરમાં ઉગીને સૂર્યના બેડરૂમમાં આથમતો હોય અને એને જો લગ્ન કહેવાય તો હા! એ પરણીતા હતી. મન અને તનના ધર્મ જુદા હોય એવો વિચાર મનમાં ઉદભવે કે મન એને સમજે એ પહેલા જ મન તનથી વિખુટુ પડીને ક્યાંય જોજનો દૂર સોનપુરમાં જ રહી ગયુ હતુ. આજે એ મન એના માણીગરને મળવા બહાવરુ બન્યુ હતુ.

‘‘પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ મેમ.’’ બકુલના વિચારોમાં ગરકાવ બીનાના કાને સીટ બેલ્ટ બાંધવાની સુચના પણ મગજ સુધી પહોંચતી નહોતી. પરિચારિકાએ પાસે આવીને અત્યંત નમ્રતાપૂર્વક બીનાનું ધ્યાન દોર્યુ અને એ સાથે પૂજા માટે પણ સુચના આપી. બીના જરા સભાન બનીને પરિચારિકાની સુચનાને અનુસરી રહી.

એક દિવસ એવો હતો કે જ્યારે એ સૂર્યને પરણીને લંડન જઈ રહી હતી એ દિવસ અને આજના દિવસ વચ્ચે કેલેન્ડરના ઘણા પાના ફેરવાઇ ગયા હતા. ૠતુઓ બદલાઇ ગઈ હતી. વચ્ચે કેટલા સ્પ્રીંગ, ઑટમ કે ફોલ પસાર થઈ ગયા? પણ બીનાના મનની સ્થિતિ તો એવીજ અધુરી , એટલીજ વ્યાકુળ હતી. એના મનની તપ્ત ધરતી પર એ આજે ય બકુલના પ્રેમનુ અમી ઝંખી રહી હતી.

કેટલીય વાર એ પોતાની જાતને મનોમન સૂર્યની અપરાધી માનતી હતી. જે રીતે સૂર્ય બીનાને જાળવતો, સંભાળતો , પ્રેમ કરતો એ જોઇને બીનાને અત્યંત સંકોચ થઈ આવતો. કેટલીય વાર સૂર્ય અને બકુલ વચ્ચે સરખામણી થઈ જતી. જે પ્રેમની ઉત્કટતા એ બકુલ પાસે ઝંખતી એ સૂર્યમાં જોવા મળતી પણ એ પોતે સૂર્યને ગમે એવો કે સૂર્ય ઇચ્છે એવો પ્રતિભાવ આપી શકતી નહી ત્યારે એને ખુબ વસમુ લાગતું. સૂર્ય પણ બીનાની આવી ઉમળકા વગરની વર્તણુક જોઇને અકળાઇ જતો ત્યારે ઘણીવાર તો એવી પ્રબળ ઇચ્છા થઈ આવતી કે સૂર્યને સાચી હકિકત જણાવી દે. મન બેધારી તલવાર પર ચાલતુ. ઘડીક વારમાં વિચાર બદલાઇ જતો કે સૂર્યને કહીને ય શું ફાયદો જ્યાં બકુલ તરફથી જ એના પ્રેમની સ્વીકૃતિના સંકેત મળ્યા ન હોય .

બકુલ..બકુલ..બકુલ

મન જાણે બકુલને જોવા મળવા અધિરુ બન્યુ હતુ. લંડનથી સોનપુરનો આ પ્રવાસ કેમ કરીને પુરો થશે? સાથે જો પૂજા ન હોત તો બીનાને એક એક પળ લંબાઇને એક યુગ સમાન લાગતી હતી. પણ એમ કંઇ વિચારે થોડું બકુલ પાસે પહોંચી જવાનુ હતુ?

બકુલ કેવો લાગતો હશે? એને છોડીને ગઈ ત્યારે જેવો દેખાતો હતો એવો જ કે એનામાં કોઇ ફેરફાર થયા હશે. પોતે જે રીતે બકુલને યાદ કરતી હતી એવી જ એટલી ઉત્કટતાથી એ બીનાને યાદ કરતો હશે? સવાસ સાંજ પોતાના ઘેર દોડી આવતો બકુલ હજુય એવી રીત દોડી આવતો હશે? મમ્મીના હાથે બનાવેલી કેટલીય વસ્તુ બકુલને કેટલી પ્રિય હતી અને એટલે જ તો મમ્મી પણ બીનાને બકુલ માટે આપવા મોકલતી ને? આજે પણ મમ્મી એવી જ રીતે યાદ કરીને બકુલ માટે મોકલતી જ હશે ને? પણ આપવા કોણ જતું હશે?

‘‘બીના , આ કચોરી એટલે એટલી સ્વાદિષ્ટ લાગે છે કે એ લઈને તું આવે છે બાકી તો આવી કચોરી તો બધે ય બનતી હશે ને!’’

બકુલની આ પ્રશસ્તિ એને મમ્મીની કચોરી કરતા પણ વધુ ટેસ્ટી લાગતી હતી ને? પોતે જશે એવો જ બકુલ એની પર વરસી પડશેકેટ કેટલી ફરિયાદો ભેગી થઈ હશે? કેટલો તો ગુસ્સો કરશે સાહેબજાદા અને કેટલા તો મનાવા પડશે એમને.

મ્હોં ફુલાવીને કહેશે ‘‘તું તો પરણીને લંડન શું ગઈ જાણે અહીં અમને બધાને તો ભુલી જ ગઈ ને? એકવાર ફોન પણ ના કરાય ? જાણે લંડનની ક્વીન તને કોઇની યાદ નહોતી આવતી? આવા તો કેટલાય સવાલો બકુલના હશે અને એના જવાબો આપવા ભારે પડશે. પણ વાંધો નહી એને તો હું આમ મનાવી લઈશ. અને જેટલો સમય સોનપુરમાં છું ત્યાં સુધી એને સાથે ને સાથે રહેવા સમજાવી લઈશ.

આવા તો કેટલાય શેખચલ્લીના વિચારોમાં અટવાયેલી બીના નિંદરમાં સરી ગઈ. પણ સપનામાં ય બકુલ ક્યાં કેડો મુકે એમ હતો?

લગ્ન પછી પહેલી વાર બીના સોનપુર જઈ રહી હતી અને એ પણ પૂજાને લઈને એટલે સ્વભાવિક રીતે અંદરથી ખુબ ખુશ હતી. મમ્મી- પપ્પા , તોરલકાકી —કાકા , નાનપણથી માંડીને કોલેજ સુધીની સૌ સહિયરો બધાને મળવાનું થશે. બીનાએ એની અંતરંગ સખીઓને તો પોતે આવી રહી છે એ અગાઉથી જ જણાવી દીધું હતુ અને વધુમાં વધુ મળી જવાનુ અલ્ટીમેટમ પણ આપી દીધું હતુ. મમ્મી પપ્પા માટે સ્વેટર, તોરલકાકી અને કાકા માટે પરફ્‌યુમ, એમ યાદ કરીને સૌ માટે ગિફ્‌ટ લીધી હતી. એ બધા માટે કેટલું સરળ હતું શોપિંગ કરવાનું પણ બકુલ માટે કેટલીય વાર એ શોપિંગ મોલમાં જઇને પાછી આવી પણ મનમાં કોઇ વસ્તુ જચતી જ નહોતીને. ઓક્સફર્ડ સ્ટ્રીટના લગભગ બધા જ શો રૂમમાં એ ફરી વળી હતી. માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ, પ્રાઇમાર્ક , ગૅપ કયો સ્ટોર બાકી રાખ્યો હતો?

અંતે ઘણું વિચારીને એણે એક રિસ્ટ વોચ પસંદ કરી. એમાં એણે એક સરસ મઝાનું કુકુના રણકારવાળુ એલાર્મ ગોઠવી દીધુ. સમય સવારના આઠ વાગ્યાનો

આ સમય હતો જ્યારે એ અને બકુલ સાથે કોલેજ જવા નિકળતા હતા .એ રીતે બકુલને હંમેશા એની યાદ આવશે..

છટ્‌ એમ કંઇ એ એને ભુલી થોડો ગયો હશે તો પાછી યાદ અપાવી પડે? બકુલ પણ પોતાની જેમ સ્તો એને દિવસ રાત — ઉંઘતા જાગતા હરદમ હરપળ યાદ તો કરતો જ હશે ને? પણ આ તો એમના સાથે ગુજારેલા સમયનું પ્રતિક કહેવાય.. બકુલને જરૂર ગમશે જ. અને કહેશે પણ ખરો કે

’’ અરે વાહ! બીના તને હજુ પણ આ બધુ યાદ છે? મને તો એમ કે લંડન જઈને સૂર્યની સાથે રહીને અમને સૌને વિસારે પાડી દીધા હશે.

પણ હાય રે! કિસ્મત. જેને એ એટલી ઉત્કટતાથી , આતુરતાથી મળવાની ઝંખના કરતી હતે એ ક્યાં?

બીના સોનપુર પહોંચી.. લગ્ન પછી અને પૂજાના જન્મ પછી એ પહેલી વાર પિયર પધારી હતી ને! મા એ ઓવારણા લીધા . ઘરની અંદર ઉંબરા પાસે ઉભી રાખીને બીના અને પૂજાના માથેથી પાણીનો લોટો ઉતારીને ઘરની બહાર રેડી આવી. બીના અને પૂજાને લલાટે કંકુનુ તિલક કરી ચોખાથી વધાવીને ઘરમાં લીધી. પાણીયારે ઘી નો દિવો કરી બીના પગે લાગી. એ દિવસે મા એ લાપસીના આંધણ મુક્યા અને બીનાને ભાવતું ભરેલા ભીંડાનું શાક અને ભજીયા ઉતાર્યા. પૂજા માટે પણ કેટલી તૈયારી કરી હતી મા એ?

જમવા બેસતાની સાથે બીનાને વિચાર આવ્યો કે ક્યારે મા આ ભજીયા અને કંસાર લઈને બકુલને આપવા મોકલે? સીધુ જ બકુલ માટે પુછવું યોગ્ય ન લાગતા આડી અવળી વાતો કર્યા કરી.

મા અને બાપુએ પણ કેટલા સવાલો કર્યા?

લંડનમાં ફાવે તો છે ને? ઘરમાં સૌ સાથે ગમે તો છે ને? સૂર્ય સાથે સ્ટોર પર જાય છે તો હવે ત્યાંની સિસ્ટમ ફાવી તો ગઈ છે ને? અહીંથી ગઈ તો લંડનની ઠંડી સહન તો થતી હતી ને? બાપરે કેવી ઠંડી હોય છે ત્યાં તો? કાતિલ પવન અને પાછો ક્યારેક તો સ્નો પણ પડે ને? હેં બીના, ત્યાં તો કહે છે કે શિયાળામાં તો સાવ વહેલુ ચાર વાગ્યામાં અંધારુ થઈ જાય? અને ઉનાળામાં તો રાત્રે દસ વાગ્યા સુધી અજવાળુ હોય? આ બધામાં તું ગોઠવાઇ તો ગઈ ને?

’’ હા મા હા ,બધુ બરાબર છે અને હું પણ બરાબર છું અને ગોઠવાઇ પણ બરાબર ગઈ છું.તું અને પપ્પા મારી જરાય ફિકર ના કરતા.’’ બીના બધા સવાલોના જવાબની સાથે મા અને બાપુને સધિયારો ય આપતી જતી હતી. પણ મા બાપુના અગણિત સવાલો હતા અને બીના ,સૂર્ય ,પૂજા અને એના પરિવાર વિષે બધું જ કહેતી ગઈ. મા બાપુને જાણવું હતુ એ બધું જ.

જીભેથી અસ્ખલિત વાણીનો વેગ ચાલતો રહ્યો અને એની સાથે મનનો વેગ પણ એટલો જ અસ્ખલિત ચાલતો રહ્યો.

સાંજ સુધીમાં તો આજુબાજુમાંથી સૌ આવીને મળી ગયા. તોરલકાકી પણ બીનાની ભાવતી પુરણપોળી લઈને હાજર થઈ ગયા.

’’ બીના, હવે તો મારે તારી સાથે બેવડું સગપણ થયું કહેવાય ને? તારા બધાજ ખબર અંતર હું પુછતી રહેતી હતી હોં કે ! વગેરે વગેરે.. તોરલકાકીનો ઉત્સાહ પણ બેવડા સગપણની જેમ બેવડાઇને છલકાતો હતો. આજ સુધીમાં તો કેટલીય વાર એ બીના માટે રાજાના કુંવર જેવો વર શોધી આપ્યો એનો ઉલ્લેખ કરી ચુક્યા હશે પણ આજે બીના સામે વ્હાલસોયી નજર નાખી અને ફરી એકવાર પોરસ કરી લીધો.

પણ હવે આ બધી વાતથી પરે બીના મનોમન અકળાવા માંડી હતી. એને તો આ બધી વાતો સાંભળવા કરતાં બકુલને સાંભળવાની વધુ તાલાવેલી હતી. કેટલીય વાર જીભે બકુલનું નામ આવીને પાછું વળી જતું હતું. રખેને એના મનનો ભાવ કોઇની નજરે ચઢી જાય તો? પણ હવે તો હદ આવી ગઈ હતી. સામેથી તો કોઇ બકુલની વાત કાઢતુ નહોતુ કે નહોતા બકુલના થતા દર્શન..

‘‘પણ કાકી, આખી વાતમાં બકુલ ક્યાં? એક ક્ષણે તો એની ધીરજનો અંત આવી જ ગયો અને લાગલું કાકીની વાત કાપીને પુછી લીધું.

‘‘અરે ! તને ખબર જ નથી? બકુલ તો એના બિઝનેસના કામે ચાયના ગયો છે.’’

‘‘હેં? જાણે મૂઢ માર માર્યો હોય એમ બીનાની સંવેદનાઓ જામી ગઈ. મૂઢ મારના તો ચકામા ઉપસી આવે આ મારના લીલા સોળ તો કોને દેખાવાના? મનના આવેગોને તમ્મર ચઢી ગયા અને બીના દિગ્મૂઢ , હતપ્રભ બની ગઈ. તોરલકાકી કોણ જાણે કેટલીય વાતો કરીને ગયા પણ એ પછી તો કોઇની એકે વાત કાનથી વધીને મન સુધી પહોંચી જ નહી ને. અને હવે આગળ કોઇની સાથે વાત કરવાની હામ સુધ્ધા બચી નહીં.

આ ઘર, આ ગામ, સૌ સગા સંબંધીબધું જ અચાનક બીનાને અકારુ લાગવા માંડ્યુ. જે ઉત્સાહ ,જે વેગ, જે તાલાવેલી હતી અહીં સુધી આવવાની એ બધી જ જાણે વ્યર્થ બની ગઈ. શરીરમાંથી જાણે પ્રાણવાયુ ઓસરી ગયો હોય એમ બીના આત્મા વગરના નિશ્ચેષ્ટ તન જેવી બની ગઈ. આ પહેલાની પળ સુધી સૌને મળવાનો ઉમંગ મનમાં હતો ,જે આનંદ તનમાં હતો એ ભરતીના પાણી ફીણ ફીણ બની પાછા વળી જાય એમ ક્ષીણ ક્ષીણ થઈ ગયા.

માંડ માંડ એ એટલું પુછી શકી ‘‘કેમ ? એને ખબર નહોતી કે હું આવવાની છું?’’

‘‘ખબર હતી ને ,સૂર્યે સૌથી પહેલા તો એને જ ફોન કરીને કહ્યું હતુ કે તું આવવાની છું. એને ખબર હતી કે તું ક્યારે આવવાની છું અને ક્યાં સુધી રોકાવાની છું’’

’’ તો પણ?’’

’’ એજ તો સમજણ પડતી નથી કે ગઈ કાલ સુધી તો ક્યાંય કોઇ જગ્યાએ જવાની વાત સુધ્ધા નહોતી અને આમ રાતોરાત એને શું કામ આવી ગયું કે એ બધું જ ઉભાભઠ મુકી ને નિકળી ગયો.’’

‘‘ક્યારે આવશે?’’ માંડ માંડ જીભેથી શબ્દો સર્યા.

‘‘બસ, તું જઇશ એના બે દિવસમાં..’’

હવે બીનાના મનમાં કોઇ પ્રશ્નો ન રહ્યા કે ન કશું જાણવાની ઇન્તેજારી. એ એક ઝાટકે સમજી ગઈ કે જેને મળવાની આશ લઈને આવી હતી એની પર તો બકુલ ઠંડુ પાણી રેડીને ચાલતો થયો હતો. જેની યાદોના સહારે એ ટકી રહી હતી એ ટેકણ લાકડી જ ખેસવીને બકુલ દૂર ખસી ગયો હતો. આ ક્ષણ સુધી જેની સાથે મૂક સંવાદો રચ્યા હતા એણે ચીનની દિવાલ કરતા પણ વધુ અભેદ મૌનની દિવાલ રચીને એની અને બીના વચ્ચે ન તોડાય એવી સરહદ આંકી દીધી હતી.

જેનામાં એક ધસમસતી નદીની જેમ સમાવા આતુર રહેતી એ સાગર તો મૃગજળ સાબિત થઇને રહ્યો હતો.

એને તો એમ હતુ કે બકુલની સાથે પહેલાની જેમે જ એમની પ્રિય જગ્યાએ જઈને બેસશે અને બકુલની એક એક પળનો હિસાબ લેશે. આટલા દિવસ બકુલે કેવી રીતે વિતાવ્યા , કેટલી વાર એને યાદ કરે એ બધું જ પુછશે. વરસાદની મોસમમાં પલળતા પલળતા શેકેલી મકાઇ ખાવાનો લ્હાવો લીધો કે એ ય બીના ગયા ભુલાઇ ગયો? જો કે મન તો એવું સાંભળવા આતુર હતુ કે ’’ બીના, એ મકાઇ કે એ વરસાદમાં પલળવાની મઝા તારા વગર ક્યાંથી?’’

પણ આ બધું જ એક ઝાટકે કડડડ ભૂસ થઇને તુટી પડ્યું જાણે પત્તાનો મહેલ. એક જ ફુંકે ધરાશાયી થઈ ગયો. આ ક્ષણ સુધી સેવેલા સપના પર ખરેખર આ કઠુરાઘાત હતો.કશું જ બોલ્યા વગર બકુલે એ બંને વચ્ચે એક ન ભુંસાય એવી લકીર ખેંચી હતી.

બકુલ માટે તો એ પરણી ત્યારથી પરાઇ થઈ હતી આજે બકુલ પણ એના માટે પરાયો બની ગયો હતો.

૧૫) કાળજે મુક્યો પથ્થર

રાજુલ શાહ

બીના અને બકુલ.

બકુલ અને બીના.

નાનપણથી જ મનમાં આ બે નામ કાયમી થઈ ગયા હતા. એ બે નામ કદાચ દુન્યવી દ્રષ્ટિએ જુદા હશે પણ બીનાને એમ હતું કે એના મનની જેમ જ બકુલના મનમાં પણ આ નામ કાયમ માટે અંકિત થઈ જ ચુક્યા હશે. એના પ્રેમનો તો બકુલે ખુલ્લે આમ સ્વીકાર કર્યો નહોતો પણ બીનાના મનમાં ઉંડે ઉંડે એવી ખાતરી હતી કે બકુલના હૃદયના કોઇક ખુણે બીનાનું નામ ધબકતુ તો હશે જ. એટલે તો આટલો સમય વહી જવા છતાં એ લગ્ન માટે જરાય ઉત્સુક નહોતો ને? બીના એને લઈને એમની પ્રિય જગ્યાએ જઈને બેસશે. અખૂટ વાતોનો જે ભંડાર આજ સુધી મનમાં ભરી રાખ્યો હતો એ બકુલ આગળ ઠલવીને હળવી થશે. જે ક્ષણ બકુલ ચુકી ગયો હતો એનો એના મનમાં વસવસો તો ભરપૂર હશે જ પણ એ ભૂલીને હવે નવેસરથી જીવન ગોઠવવાનું કહેશે.

તોરલકાકી પણ જેટલી વાર વાત થતી એટલી વાર હૈયા બળપો કાઢતા’’ જો ને આ બકુલને તો અમે સમજાવીને થાક્યા પણ કોઇની ય વાતે એ કાને ધરતો જ નથી ને. કોણ જાણે એના મનમાં શું ચાલી રહ્યું છે કે પછી આસમાનથી કોઇ પરી ઉતરી આવે એની રાહ જોઇને એ બેસી રહ્યો છે? બીના તું એને સમજાવી તો જો. એ તારુ માનશે. પહેલા ય ખબર છે ને સાહેબજાદા રિસાતા તો મનાવવા કેટલી વીસે સો થતી અને ત્યારે ય તું જ એને સમજાવી શકતી હતી ને?’’

આવું તો તોરલકાકી કેટલીય વાર બોલી ગયા. અરે! બીનાને ક્યાં નહોતી ખબર બકુલના મિજાજની. લંડનની આવતા પહેલા પોતે પણ વિચાર્યુ નહોતું કે એ બકુલને સમ દઈને સમજાવશે. એને ખાતરી હતી કે બકુલ એની વાત ટાળી નહી શકે. એક વિશ્વાસ એક અહંમ પોષ્યો હતો બીનાએ. ભલેને બકુલે બીના સમક્ષ પોતાનો પ્રેમ જાહેર નથી કર્યો પણ એ પ્રેમ જ એને હવે બીજા કોઇ સાથે જોડાવા સંમતિ નહી આપતો હોય . પોતે એ પ્રેમનો વાસ્તો આપીને બકુલને પોતાની વાત માનવા મજબૂર કરશે.

બકુલ કહેશે ’’ બીના તારી વાત સાચી છે પણ મારું મન માનવું જોઇએ ને? મનમાં કોઇ જચવી જોઇએ ને? હવે મારા મનમાં , દિલમાં કોઇના માટે જગ્યા જ ક્યાં બચી છે?’’

પોતે બકુલને સમજાવશે ,કહેશે કે ‘‘બકુલ જે થવાનું હતું એ થઈ ચુક્યુ. જે સમય વહી ગયો છે એ પાછો તો નહી આવે ને? તારી એકલતા મને કોરી ખાશે અને મને ત્યાં બેઠા અજંપો રહ્યા કરશે એનો વિચાર કર્યો છે?’’

આવા તો કેટલાય ખયાલી પુલાવ બીના મનમાં પકવે જતી હતી. પણ હાય રે ! બકુલે તો એક જ ઝાટકે એનો એ આશા મિનાર જમીનદોસ્ત કરી નાખ્યો. બીનાને મળવા પણ ન રોકાયો? જાણી જોઇને બીનાની હાજરી હોય ત્યાં સુધી પોતે ગેરહાજર રહેવાનો પ્લાન કરી નાખ્યો?

વિજળીનો ઝાટકો લાગે અને શરીરમાં જે કંપ પેદા થાય એવો કંપ બીનાના મનને લાગ્યો. મન બધિર બની ગયુ. આટલા બધા વચ્ચે પણ એ પોતાની જાતને એકલી મહેસુસ કરવા લાગી .બહારથી એ સ્વસ્થ રહીને સૌની સાથે સામાન્ય રહેવા પ્રયત્ન કરતી પણ મનથી એ સમજતી હતી કે એ પ્રયત્નો કેટલા વાંઝીયા હતા. મા- બાપુ સૌને મળીને કેટલી ખુશ હતી એ દેખાડો કરવામાં સફળ બીના પોતાના મનને સમજાવવા કેટલી અસફળ હતી?

રહ્યા સહ્યા દિવસો પણ એને દોહ્યલા લાગવા માંડ્યા. શું કરવા એ અહીં આવી. એના કરતા તો એ જે ભ્રમમાં જીવતી હતી એ જ બરોબર હતું. કેટલાક કડવા સત્ય સ્વીકારવા કરતા સુંવાળા અસત્યો કેટલી હદે જીવન ટેકા બની રહ્યા હતા? જાણતી હતી એક વાર પણ બકુલ ઘરની વિરૂધ્ધ જઈને બીનાનો સાથ આપી શકવા તૈયાર નહોતો થયો તો હવે તો એના હૃદયની પાટી પરથી એનું નામ ભુસી નાખવું જ હિતાવહ હતું પણ એ ક્યાં કરી શકી હતી એવું?

બસ એને તો એકવાર મન ભરીને બકુલને મળી લેવુ હતું. ભવિષ્યમાં કોને ખબર આવી તક મળે કે કેમ મન ભરીને બકુલ સાથે વાતો કરી લેવી હતી. લંડનમાં , સૂર્ય સાથે ,એના પરિવાર સાથે ગોઠવાતા કેવી અજાયબ લાગણી થતી હતી એની માંડીને વાત કરવી હતી. એને તો એમ હતું કે બકુલ પોતે જ કેટલો ઉત્સુક હશે એના વગર જીવાતા જીવન વિશે જાણવા. કેટલાય સવાલો કરીને એ બીનાને મુંઝવી નાખશે.

‘‘બીના, સૂર્ય સાથે ફાવે તો છે ને? એ તને બરાબર સાચવે તો છે ને? કોઇ પ્રોબ્લેમ હોય તો કહી દે જે એ સૂર્યને તો હું સીધોદોર કરી દઈશ.’’

પોતે બકુલને જરા ચિઢવી લેશે’’ અરે! તારા કરતા તો લાખ દરજ્જે સારો છે સૂર્ય. હથેળીના છાંયે રાખે છે મને. કોઇ વાતની ઉણપ નથી. ખોબો માંગુ ને દરિયો દઈ દે એવો સૂર્ય છે.’’ આવી તો કેટલી જાતજાતની વાતો કરીને બકુલને અકળાવશે અને અંતે કહેશે કે બધુ જ છે બકુલ પણ તારા વિના બધું અધુરૂ.

‘‘તારા વિના શ્યામ મને એકલડું રે લાગે..’’પણ એનો શ્યામ ક્યાં? જાણે ફરી બકુલે એની અવહેલના કરી હોય એવી રીતે એ છટપટતી રહી. હવે એને કશામાં રસ જ ન રહ્યો , ન કશામાં સ્વાદ. રંગબેરંગી દુનિયા અચાનક બેરંગી, માત્ર શ્વેત અને શ્યામ ,ધુંધળી લાગવા માંડી. સાતમા આસમાને વિહરતી બીનાને કોઇએ અચાનક ધક્કો મારીને ઉંડી ગર્તામાં હડસેલી દીધી. કેમે કરીને કળ વળતી નહોતી. બધુ જ અભરે ભર્યુ હોય અને તેમ છતાં એક વ્યક્તિ વગર બધું જ સુનુ સુનુ લાગતું હતું. હવે આ સોનપુરમાંથી જ મન ઉઠી ગયુ જાણે સોનપુર એટલે બકુલ અને બકુલ એટલે જ સોનપુર ન હોય! કોઇ એક વ્યક્તિ વગર બધું આમ ઉજ્જડ બની જાય? ચોપાસ સાત સમુંદર લહેરાતા હોય અને ઓચિંતા ત્યાં ખારોપાટ છવાઇ જાય? ચારેબાજુ છવાયેલી હરિયાળી આમ બાવળિયા કાંટા જેમ સુકીભઠ બની જાય? બકુલ વગર તરફડતા મનને એ કેમે કરીને શાંત પાડી શકતી નહોતી.

સમજણ નહોતી પડતી કે આ બકુલ વગર અનુભવાતી લાગણી હતી કે બકુલની અવહેલનાનો આઘાત? પણ એટલું તો જરૂર બન્યુ કે આ આઘાતે એને સૌ આપ્તજનો વચ્ચે પણ એકાકી કરી મુકી. હવે એ ક્યારેય સોનપુર નહી જ આવે. હવે બકુલનો સામનો કરવાની કે બકુલની અવહેલના સહન કરવાની ક્ષમતા જ રહી નહોતી કે નહોતી રહી હવે બાકીના દિવસો પુરા કરવાની હામ. પૂજા ન હોત તો એ સાવ તુટી જ ગઈ હોત. પૂજા એના દિવસો આગળ ધકેલવાનું બળ બની રહી. દિવસો પણ જાણે ગોકળગાયની ગતિએ આગળ વધતા હોય એમ એની ગતિ ય ધીમી લાગતી હતી.જો કે હવે તો મનથી સોનપુર હોય કે લંડન બધુ જ અર્થવિહીન લાગતું હતું અને પોતે દિશાવિહીન.. ખબર નહોતી કે કોઇ એક જણ જીવનમાં આટલું બધુ મહત્વ ધરાવતુ હશે કે જેના વિના બધુ જ નિરર્થક લાગશે.

જવાના દિવસો પાસે આવતા ગયા એમ બીનાને મળવા આવનાર સ્વજનો મહેમાનોની અવર-જવર વધવા માંડી . જવાના દિવસો પાસે આવતા હતા ત્યારે એવુ કશું હેવી ખાઇને હેરાન નથી થવું એવા બહાના હેઠળ એણે કોઇના ય ઘેર જમવા જવાની ના પાડી દીધી. તોરલકાકીના ત્યાં પણ નહી ને!

‘‘અરે વાહ ! જોઇ મોટી લંડનવાસી. અહીં ખાઇ પી ને તો મોટી થઈ અને હવે બધુ નોન-હાઇજેનિક લાગવા માંડ્યુ?’’

એ કેમ કરીને કાકીને સમજાવે અને શું સમજાવે? છેવટે એમનું મન રાખવા એ ઉભાઉભ જઈને મળી આવી અને સાથે બકુલ માટે લાવેલુ ઘડીયાળ આપતી આવી.તોરલકાકીએ એના અને પૂજાના ઓવારણા લઈ પૂજાના હાથમાં ચાંદીનો ઘૂઘરો મુક્યો અને બીનાને લક્ષ્મીજીનો સિક્કો આપ્યો. બીના વાંકી વળીને પગે લાગે એ પહેલા જ કાકીએ એને બાથમાં લઈ લીધી.

‘‘તું તો મારી દિકરીદિકરી તો હૈયાનો હાર. એને તો પગે નહી ગળે લગાડાય..ખુબ ખુશ રહેજે અને સૌને ખુશ રાખજે. ઇશ્વર તને સદાય સુખી રાખે. તું તો મારા સૂર્યના ઘરની લક્ષ્મી કહેવાય. તારા સંસ્કાર અને એનું ઘર ઉજાળજે..’’

બીનાના હૈયાના બંધ છુટી ગયા. આટલા સમયથી ભરી રાખેલો ડુમો બંધ તોડીને છલકાઇ ગયો. બીના કાકીને વળગીને હિબકે ચઢી. આટલું તો એ એના વિદાય ટાણે પણ નહી રડી હોય.

હવે ગણતરીનો સમય હતો. આવી હતી તો એ મન ભરીને રહેવા પણ જ્યાં મન જ તુટી ગયુ ..પણ છેવટે તો ઘર હતું ને જ્યાં એનું બાળપણ વિત્યુ હતુ. જ્યાં બાળપણનો ઉંબરો વળોટીને યૌવનમાં પ્રવેશી હતી. જ્યાં યૌવન હિલોળે ચઢ્યુ હતુ અને મનનો માણીગર મળ્યો હતો. અને આ એ જ ઘર હતું જ્યાં એના બદન પર પીઠીનો રંગ ચઢ્યો હતો. ભીંતો પર હજુ એના થાપાની નિશાની સચવાઇ હતી. જ્યાં મા એ એના કંકુવાળા પગલાની છાપ લઈને એના કબાટમાં સાચવી રાખી હતી. આ એ જ તુલસી ક્યારો હતો જ્યાં સવારે પૂજા પછી પાણીની અંજલી અપાતી અને સાંજ પડે દિવો પ્રગટાવવામાં આવતો હતો.

આ એ જ ઘરની બારી હતી જ્યાંથી બકુલના રૂમની બારીમાં ઉભેલા બકુલને એણે નિરખ્યા કર્યો હતો. કેટલી યાદો હતી આ ઘર સાથે. એ બધુ જ એના શ્વાસમાં ભરી લેવા માંગતી હતી. આ જ તો એની પોતાની ખરી મુડી હતી ને? એ મુડીને એણે હૈયાની દાબડીમાં જતનથી ભરી લીધી. કોને ખબર હવે ફરી ક્યારે એને આ બધુ જોવા મળશે. જાણે આ એની છેલ્લી સફર હોય એમ બધી માયા સમેટીને મનની મંજૂષામાં ભરવા માંડી હતી.

અને એ પળ પણ આવી ગઈ. ભારે હૈયે મા-બાપુ સૌની વિદાય લઈને એ નિકળી. હજુ ય મનમાંથી આશા છુટતી નહોતી. મન બહાવરુ બનીને આમતેમ ભટકતુમ હતુ. પેસેન્જર લોંજમાં બેઠેલી બીનાના મનમાંથી હજુય બકુલને જોવાની આશા છુટતી નહોતી. ભગવાન કરે ને આ પળે અહીં જ બકુલનો ભેટો થઈ જાય. કાકી કહેતા હતા ને કે એ આજકાલમાં આવવો જ જોઇએ. મન કહેતું હતું કે એ આ ઘડીએ જ આવવો જોઇએ. કસ્ટમ અને સિક્યોરીટી ચેક માટે અંદર જવા મન માનતું નહોતુ. રખેને એ અંદર જાય અને બકુલ આવે તો? રહી સહી આશા પણ એ તુટવા દેવા માંગતી નહોતી..

પણ .અંતે તો એ ક્ષણ આવી જેને એ ટાળવા માંગતી હતી. મન મારીને એ ઉભી થઈ. હવે તો પાછુ વળીને જોવુ પણ નથી અને હવે તો બકુલ આવે તો એને મળવું પણ નથી.અને સડસડાટ એ સિક્યોરીટી ચેક તરફ ચાલી નિકળી. બસ જાણે સૌ સાથેનો નાતો તોડી નાખ્યો હોય એમ પાછુ વળીને કોઇની સામે પાછુ વાળીને પણ જોયું નહી. આંખના ખુણા છલોછલ- હૃદયનો ખુણો ખાલીખમ

ૂૂૂૂ

બીનાનું પ્લેન લંડન તરફ ગતિ કરતું હતું ત્યારે બકુલનું પ્લેન લેન્ડ થવાની તૈયારીમાં હતું. બીનાના પ્રેમનો અંગીકાર ન કરી શકવાની સજા આજીવન પોતે પોતાના માટે લખી દીધી હતી અને એમાં હવે ફરી અપીલની પણ ગુંજાયેશ રાખી નહોતી.

ચાયના જવાનું કારણ સાચે જ બીઝનેસ ક્યાં હતો? બીના પ્રેમનો સ્વીકાર ન કરી શકવાની હિણપત મનમાંથી ખસતી જ નહોતી ને! એક છોકરી ઉઠીને પ્રેમ પ્રગટ કરી શકે તો પોતે ક્યાં પાછો પડ્યો? બે ઘર વચ્ચે પણ સરસ મઝાના સંબંધો હતા, કોઇ સામાજિક સમસ્યા ય આડે આવવાની નહોતી તો એ કેમ ક્ષણ ચુકી ગયો? મમ્મીએ જ્યારે સૂર્ય માટે બીનાના સગપણની વાત મુકી ત્યારે પણ એ બોલી જ શક્યો હોત અને મમ્મીએ એની વાતને ટકોરાબંધ ઝીલી લીધી જ હોત. પણ મમ્મી એ કેમ આમ કર્યું. કાખમાં છોરું અને એ ગામમાં કેમ શોધવા નિકળી. ઘરમાં જ મુરતિયો હતો તો એણે લંડન સુધી નજર દોડાવાની જરૂર જ ક્યાં હતી?

આવા તો કેટલાય મનોમંથનો મનમાં ચાલ્યા કરતા હતા. છેલ્લે બીનાને મળીને જે ડાયરી આપી હતી એવી એક ડાયરી પોતાની પાસે પણ રાખી હતી . આજ સુધીની કેટ કેટલી મનોવ્યથાઓ એમાં ઠાલવી હતી. પણ એ બધાનો કશો જ અર્થ હતો? બીના સાથે વાત કરવા કેટલી વાર ફોન હાથમાં ઉઠાવ્યો હશે પણ છેલ્લી ક્ષણે એ પરસેવા વળેલા હાથમાંથી ફોન સરી જતો અને એના વાંઝીયા પ્રયત્નો માટે પોતાને કોસતો રહેતો. બીનાનો તો એ માફ ન કરી શકાય એવો ગુનેગાર હતો. અરે! ક્યારેક લંડનથી સૂર્યનો ફોન આવતો તો એ આઘોપાછો થઈ જતો. રખેને પાછું મમ્મી એના હાથમાં ફોન પકડાવી દે.

બીનાની યાદ આઘી હડસેલવા કામમાં રચ્યો પચ્યો રહેવા માંડ્યો હતો. માંડ શ્વાસ લેવાનો ટાઇમ મળે એટલી હદે પોતાની જાતને કામમાં ખુંપેલી રાખતો. ઘરમાં સૌને થતું કે

‘‘નવો બિઝનેસ છે અને નવું જોમ છે, આ સમય છે દોડી લેવાનો, અત્યારે જેટલું વાવશે એટલું ભવિષ્યમાં લણશે.’’ પણ સાચી વાત તો માત્ર એ પોતે જ જાણતો હતો ને!

બીના વગરના શુષ્ક દિવસો જીરવાતા નહોતા. બીના સાથે જીવન જીવવાની ઇન્દ્ર ધનુષી કલ્પનાઓ પર પોતે જ પોતાની નાદાનિયતનો કાળો ધબ કુચડો ફેરવી દીધો હતો અને હવે એ એટલો તો અકારો લાગતો હતો કે એનો મુંઝારો પોતાના શ્વાસ રૂંધી ન નાખે એટલે જાતથી પણ ભાગતો રહેતો હતો. બીના જેવી તો શું બીના કરતાં ય ચઢિયાતી છોકરીઓ મમ્મી એ બતાવવાનું શરૂ કર્યું હતું પણ મન ક્યાં માનવાનું હતુ?

બીજા કોઇની સાથે તો એ ઝાઝી વાત કરતો નહીં પણ ક્યારેક એનો અંગત મિત્ર અનિલ સમજાવવા પ્રયત્ન કરે તો સ્પષ્ટ કહી દેતો, ’’ જો દોસ્ત, તારી સાથે મેં ખુલીને બધી જ વાત કરી છે .હવે મારા જીવનમાં બીજા કોઇ માટે જગ્યા જ નથી. એરૂ આભડી ગયો હોય એમ મનમાં ઝેર વ્યાપી ગયું હોય ત્યાં બીજાના જીવનમાં હું શું અમૃત રેલાવાનો? એક નિર્જીવ વૃક્ષ કદી કોઇને છાંયો આપી શકવાનું છે? મારા મનમાં કાયમી પાનખર ધામા નાખી ગઈ છે ત્યાં કોઇની હરિયાળી વેરાન બનાવવાનો શો અર્થ?

પહેલા તો એમ હતું કે દુઃખનું ઓસડ દહાડા પણ બકુલ સાથે એવું ન બન્યું. એ તો વળી વધુ ને વધુ ઉદાસીન અને એકાકી બનતો ચાલ્યો. બીના સોનપુર આવવાની છે એની જાણ થઈ એની સાથે એના હૃદયની કંપ વધી ગઈ હતી.

કેમ કરીને બીનાનો સામનો કરી શકીશ? સૂર્યના નામનું મિંઢળ બાંધેલી બીના, સૂર્યનું નામ મહેંદીમાં ચિતરાવતી બીના, સૂર્યએ પહેરાવેલું મંગળસૂત્ર ગળામાં પહેરેલી બીના, સૂર્યના નામનું પાનેતર ઓઢેલી બીના..

બીનાના અનેક સ્વરૂપ એની નજર સામેથી પસાર થઈ ગયા .ફરી એકવાર બીનાને નજર સામે જોવાની કલ્પના જ એને થથરાવી ગઈ. પળ વારમાં વિચારી લીધું કે એ બીનાનો સામનો નહીં જ કરી શકે. અહીં રહેશે તો એને ટાળવી મુશ્કેલ બનશે. એણે નક્કી કરી લીધું કે બીના અહીં હશે ત્યાં સુધી એ અહીં નહીં રહે. મનને કામમાં ગુંથેલુ રાખવા છતાં રાત્રીના ઓળા ઉતરી આવતા જ એક ન સમજાય એવો ખાલીપો એને ગુંગળાવી મુકતો અને તેમ છતાં એ એકલતાની નાગચૂડમાંથી બહાર આવવાનું મન પણ નહોતું થતું. લગ્ન કરવા એટલે આ એકલતાના એકદંડીયા મહેલમાં કોઇનો અધિકારપૂર્વકનો પ્રવેશ. ’’ ના , કોઇ કાળે એ તો નહીં જ બને’’ જેમ બધા સમજવતા એમ એ વધુને વધુ પોતાની જાતને સંકોરતો ગયો. લાખ સમજાવવા છતાં એની ના પરણવાનું પણ કોઇ તોડાવી શક્યા નહી.

બંને બહેનો પણ પરણીને સાસરે ગઈ. જતા જતા ભાઇને સમજાવતી ગઈ કે હવે ઘરમાં ખરેખર એમની જગ્યા લે એવી કોઇ વ્યક્તિની જરૂર છે જે મમ્મીના મનનો સધિયારો બને પણ વ્યર્થહારી થાકીને મમ્મી એ પણ બકુલને સમજાવવાના વિફળ પ્રયાસો પડતા મુકી દીધા. બિઝનેસનો તમામ દોર બકુલના હાથમાં સોંપીને પિતા તો નિવૃત્ત થઈ ગયા પણ મમ્મીનું શું?

સોનપુરને ક્યાંય પાછળ મુકીને લંડન પહોંચેલી બીનાના જીવને ક્યાંય ચેન નહોતું પડતું. રહી રહીને બકુલની યાદ અને બકુલની અવહેલના એના જીવને જંપવા દેતી નહોતી.

‘‘પિયર જઈને આવેલી દિકરી તો કેટલી ખુશ હોય! બીના તારા ચહેરા પર તો ક્યાંય મહિયર માણીને આવી એની ખુશી દેખાતી જ નથી ને! મને તો એમ કે તારી વાતો જ નહીં ખુટે ને! આટલા દિવસ શું કર્યુ? પૂજાને કેવું રહ્યુ? કશું જ તું તો કહેતી નથી કે પછી મારા વગર ગમતું નહોતુ? કેમ સાવ આવી નખાઇ ગયેલી દેખાય છે? મને તો એમ કે બે દિવસ મમ્મી-પપ્પાની યાદમાં તું આવી અબોલ થઇ ગઈ હોઇશ પણ આ તો અઠવાડીયું થવા આવ્યું અને મેમસાહેબ તો મુંગા-મંતર થઈ ગયા છે ને કે પછી ત્યાં કોઇએ જંતર-મંતર તો નથી કર્યું ને?’’

સૂર્યના પ્રશ્નો અને અકળામણ વધતા જતા હતા અને બીના પરાણે પરાણે બે-ચાર શબ્દોમાં જવાબ આપીને વાત પતાવી દેતી હતી. ક્યારેક તો સૂર્યના સવાલો ટાળવા પૂજાના ઓઠા હેઠળ આઘી પાછી થઈ જતી.

‘દિવસો જુદાઇના જાય છે એ જશે જરૂર મિલન સુધી

મારો હાથે ઝાલી લઈ જશે મારું મન મને બકુલ સુધી’

સોનપુર જતા પહેલાં બીના પોતાની મસ્તીમાં પોતાની રીતે જ ગણગણતી રહેતી,ચહેકતી રહેતી પણ સોનપુરથી પાછી આવીને એ ઉદાસીના એવા જડબેસલાક કિલ્લામાં બંધ થઈ ગઈ હતી કે એની આ ઉદાસીની ઘેરી છાયા સૂર્યને ગ્રહણ જેવી નડતી હતી.

‘‘તને મારી કે આપણા સાથે વિતાવેલા દિવસોની યાદ આવે તો આ ડાયરીને તારી સખી માનીને એની સાથે વાત કરી લે જે.’’

છેલ્લા દિવસે બકુલે ડાયરી આપતા કહ્યું હતું, આજ સુધી બીના એના બકુલ સાથેના મસ્તીભર્યા દિવસોને યાદ કરીને એ ડાયરીમાં કશું ક ટપકાવતી રહેતી. આજે ઘણા સમયે એને એ ડાયરી યાદ આવી. જીવની જેમ જતનથી સાચવેલી ડાયરી કાઢીને બીના એ બકુલ સામેનો રોષ ઠલવવા માંડ્યો. આટલા દિવસથી મનમાં સંઘરી રાખેલી વ્યથા શબ્દો દ્વારા ડાયરીમાં વહેતી મુકી.

‘બીના..આ પૂજા કેમ રડે છે જરા જો તો.બહારથી આવતો અવાજ સાંભળીને જાણે તંદ્રામાંથી જાગી હોય એમ એની ડાયરી બેડ સાઇડના ડ્રેસર પર પડતી મુકીને સફાળી બીના રૂમની બહાર દોડી..

૧૬) શંકાનો કીડો

ચારુશીલા વ્યાસ

જયારે બીના અને મિત્ર કોલેજમાં ભણતા ત્યારે બેઉએ એક સાથે ડાયરી ખરીદી હતી તેઓએ

નક્કી કર્યું હતું કે રોજ તેઓ ડાયરી લખશે જે વિચારો આવે તે અને જેવી લાગણીઓ એકબીજા

માટે જાગશે તે લખશે કોલેજ જવા આવવાનો ક્રમ કળીએ તૂટશે નહી એવી કલ્પનામાં વિહરતા

આ પ્રેમીઓને ક્યાં ખબર હતી કે તેઓ તોફાની પવનના ઝપટમાં ક્યાય ખોવાઈ જશે

જયારે તેના સગપણની વાત આવી ત્યારે તેને વિનોદે તો સમજાવી હતી તે ખુબ ઉદાર હતો બીનાના ઘરવાળાની આબરુ બચાવવા પોતાનું બલિદાન આપ્યું હતું

બીના મિત્ર ના પત્રો , ભેટ સોગાત બધું છોડીને પતિ સાથે લંડન આવી ગઈ હતી પણ એ ડાયરી ન છોડી શકી શરુઆત ના સમયમાં ખુબ અણગમતું આવતું ત્યારે એ એમાં લખતી અને જૂની વાતો યાદ કરતી સૂર્ય તેનો ઘણો ખ્યાલ રાખતો ઘર અને અશોઆરમ ની જિંદગી મળતા મન થોડું મોકળુ થય ક્લબ અને પાર્ટીઓમાં મન રમવા લાગ્યું કોઈ વાર એકલી પડે ત્યારે તેનાથી ભૂતકાળ માં ડોકિયું થઈ જાય ત્યારે દિલમાં ચુભન થતી

મિત્રને મળવાની આશા ભાંગીને ભુક્કો થઇ ગઈ જૂના સ્મરણો તાજા કરવા તે દુર થી દોડી આવી હતી પણ ‘હાય રે કિસ્મત —- મિત્રની માએ તેને કહ્યું હતું કે એ હમણાં આવવાનો નથી તોય એ રોજ એની રાહ જોતી તેને સૂઝતું નહોતું કે શું કરે તેણે વિચાર્યું કે જેના માટે તે અહી આવી હતી તે તો જતો રહ્યો તેનો પ્રેમ સુકાઈ ગયો બહુ મોટી મોટી પ્રેમ ની વાતો કરતો હતો કેટકેટલા વચનો આપ્યા હતા તે બધું ભૂલી ગયો હવે અહી રહીને શું કરું? લાંબો સમય લઈને તે આવી હતી હું મારી ટી કીટ વહેલી કરાવી દઉં માં ને પણ મારે મનાવવી પડશે એ કેટલી ખુશ છે પૂજા સાથે કેવી ખુશ છે અને પાપા તો તેની સાથે કાલી કાલી ભાષા માં વાતો કરે છે

પણ હવે અહી ગમતું નથી. રાતે જમીને બધા બેઠાં હતાં ત્યારે બીનાએ વાત કાઢી

’ માં હું જલ્દી જવાનો વિચાર કરું છું ‘

‘‘કેમ બેટા ?’

‘‘બસ એમજ સુર્ય ને પૂજા વગર નહી ગમતું હોય એનો ફોન આવ્યો ?’

હા ,એ કહેતો હતો કે મેં બહુ લાંબુ વેકેશન લીધું ,પૂજા વગર તેને ગમતું નથી ‘

‘અમને પણ નહી ગમે ,પણ એ તારું ઘર છે તારી દુનિયા છે ,તારી મરજી ‘

પાપા , હું વહેલી જાઉં ?તમને ખરાબ નહી લાગેને ?’

ના ,બેટા ,તું તારા ઘરે સુખી તો અમે રાજી ‘

મમ્મી ,તો ટીકીટ બદલાઉ ને ?’

પૂજા ,તારે તારી બહેનપણીઓ ને નથી મળવું?તારે હજી ખરીદી પણ બાકી છે

હા મમ્મી ,આજે જ હું મીના અને મૃગા ને મળી આવીશ ,કાલે તેમની સાથે જઇને ખરીદી કરી આવીશ આમ તો મારે બહુ કઈ લેવું નથી પણ ગીફ્‌ટ આપવા માટે જે જોઇશે તારે ગીફ્‌ટ કોને આપવાની?

સૂર્ય ના મિત્રો ને આપવા માટે બાકી બધું ત્યાં મળે છે

પાપા , તમે મને મીનાને ઘરે મૂકી જશો?મારે પૂજાને મંદિરે પણ લઇ જવી છે

પૂજા , તો હું પણ આવીશ મંદિરથી હું ને તારા પાપા પૂજા ને લઈને ઘરે પાછા આવી જઈશું

બરાબર પણ મમ્મી તું સાચવી શકીશ?હું જલ્દી જ આવી જઈશ

તને જે ગમે તે કર ,પૂજાને જોવાનું મન થશે તો અમે ત્યાં આવી જશું ‘આમ પણ તારા સાસુ એ પણ આમંત્રણ આપ્યું જ છે અને સુર્ય એ પણ કહ્યું હતું ‘

બીનાએ એક અઠવાડિયું વહેલી ટીકીટ કરાવી થોડા વધારે પૈસા ખર્ચવા પડ્યા પણ એને ત્યાંથી ભાગી છૂટવું હતું તેને સૂર્ય ને મેઈલ કરી દીધો કે તે વહેલી આવે છે. સૂર્ય ને નવાઈ લાગી કોઈ છોકરી પિયર થી જલ્દી પછી ન આવે તે ખુશ થયો મારો પ્રેમ તેને ખેચી લાવેછે તે અનાદમાં આવી ગયો

તેણે તેની મા ને બીનાના આવવાની જાણ કરી તેને વેલકમ કરવાની તૈયારી કરવામાં પડી ગયો

જ્યારથી બીના ભારત થી પાછી આવી ત્યાર થી થોડી નિરાશ અને દુખી લાગતી હતી જયારે તે ગઈ હતી ત્યારે ખુબ આનંદ માં હતી મિત્ર ને ન મળી શકાયું તેનું તેને દુખ હતું વધારે દુઃખ એટલે વધારે થયું કે એના આવવાના સમાચાર સાભળીને જતો રહ્યો તે મોટી આશા લઈને ગઈ હતી તેને લાગ્યું કે તે તેને ભૂલી ગયો છે તે તો હજીય તેને છૂપો પ્રેમ કરતી હતી તેની આશા પર પાણી ફરી વળ્યું તે નિરાશા માં ગરકાવ થઈ પણ નાનીશી પૂજા એ તેની જિંદગી માં ફરી રંગ ભરવા લાગી તેના ઘરે પણ ફોન કરે તો પણ તે મિત્ર ના ખબર નહોતી પૂછતી પોતાના ઘરમાં બીના વ્યસ્ત રહેવા લાગી છતાં ક્યારેક મન મુંઝાતું ત્યારે પોતાની ડાયરી પોતાની મનની વાત લખતી નાનપણ થી જ તે ડાયરી લખતી રોજ તેમાં લખતી પણ પછી છુપાવી દેતી. પણ એક દિવસ તેને ભૂલથી ડાયરી પોતાની પથારી પાસેના ટેબલપર મૂકી દીઘી અને પૂજા ને લઈને પાર્કમાં ગઈ

સાંજે સૂર્ય ઘેર આવ્યો બીના કે પૂજા નહી દેખાતા તેની મા ને પૂછ્યું ’ માં બીના ક્યાં ગઈ ?’’ ‘એ તો પૂજા ને લઈને બહાર ગઈ છે ,તું ફ્રેશ થઇ જા હું તારે માટે ચાબ નાવી આપું ’’

તે વિચારવા લાગ્યો કે હમણાં હમણાં બીના બહુ ઉદાસ રહેતી હતી એવું શું બન્યું હશે? મેં તેને પૂછ્યું પણ હતું પણ તેણે બરાબર જવાબ ન આપ્યો

રોજ તો તે આવીને પૂજા સાથે રમતો તેથી તેને આ વાત ભૂલી જતો કદાચ અણજાણ કરતો હતો આજે તે એકલો હતો તેથી વિચારો ના વમળ મા અટવાઈ ગયો હતો. તે પોતાના બેડ રૂમ માં ગયો ત્યાં તે બેઠો

અચાનક તેની નજર ટેબલ પર પડેલ ડાયરી પર પડી કૌતુકવશ તે હાથમાં હાથમાં લીધી ખોલી

તેને ગુજરાતી તો વાચતા બહુ વાચતા નહોતું આવડતું પણ થોડો વખત ગુજરાતમાં રહ્યો હતો તેથી થોડુંઘણું વાચતા આવડતું હતું જે વાચ્યું અને અને સમજી ગયો કે તે મારી સાથે ખુશ નથી તેનું હૃદય ક્યાંક અટવએલું છે તે પરણી ને આવી ત્યારે પણ ઘણી વાર તેને તે ઉષ્માહીન લગતી ખોવએલી લાગતી પણ એને એમ કે નવો દેશ છે નવા લોકો છે એટલે કદાચ નહી થઈ શકી હોય પછી તો એ એના કામમાં આવો ગરકાવ થઇ ગયો કે એને કઈ વિચારવાનો સમય જ ન મળ્યો.

પહેલા વાક્યે જ તેનું માથું ભમવા લાગ્યું તેણે વાચ્યું ’ હું ને મિત્ર આજે નદી કિનારે જઈને બેઠા હાથમાં હાથ હતો ને મનમાં સાથ હતો ‘-

સૂર્ય નું મગજ ચકરાવા લાગ્યું પાછા થોડા પાના ફેરવ્યા તેમાં પણ મિત્ર અને તેની ગમતી વસ્તુઓ ,ની યાદીઓ હતી ,પિક્નિક નું વર્ણન હતું સૂર્ય હવે ગુસ્સાથી કાપવા લાગ્યો તેને ચીસો પાડીને રડવાનું મન થયું તેણે બેડરુમ નું બારણું બંધ કર્યું બા સાંભળી ન જાય તે માટે આમ તો બે માળ નું મકાન હતું છતાય ,બાથરુમ માં જઇને નળ ચાલુ કરી ને પોક મુકીને રડવા લાગ્યો એના પિતા ગુજરી ગયા ત્યારે રડયો હશે થોડી વારેપછી બહાર આવ્યો

બારી બહાર જોતો ક્યાય સુધી જોતો રહ્યો પોતાના નસીબને કોસતો રહ્યો પોતાના સાચા પ્રેમ નો આ બદલો?ત્યાં નીચેથી બા નો સાદ સંભળાયો ’’’’’ આવું છું ’ કહીને ફરી ડાયરી હાથમાં લીધી

તેને થયું કે એ ઇન્ડિયા ગઈ ત્યારે શું થયું હશે ?મને ખબર પડવી જોઈએ અને તેણે વાચ્યું કે ‘તે જવાની હતી એટલે મિત્ર ઇન્ડિયા છોડીને બીઝનેસ અર્થે જતો રહ્યો તે અફસોસ બીનાને થયો હતો મનમાં થોડી શાંતિ થઇ પછી તે નીચે ગયો પૂજા ને લઈ બીના પછી આવી ગઈ હતી બધા જમી પરવારીને સુવા ગયા સૂર્ય બોલ્યા વગર બીજી બાજુ ફરીને સુઈ ગયો બીનાએ પૂછ્યું

‘‘તમારી તબિયત તો સારી છેને ?’’

‘‘હા ,મને શું થવાનું છે ?’’

આખી રાત તેણે વિચાર કર્યો કે શું કરું?

છૂટાછેડા આપી દઉં? ના એમ કરવાથી તેના માં બાપ ને દુઃખ થશે મારી માં ને પણ સમાજમાં મારું નામ ખરાબ થશે મારી પૂજાનું જીવન બરબાદ થઇ જશે બીનાને શું કહું ?

તેણે પરાણે મારી સાથે માતા પિતા માટે લગ્ન કર્યા મારું ધ્યાન પણ રાખે છે મારી બાને માન પણ આપેછે તો મારે તેને તેનો ત્યાગ નથી કરવો અને પ્રેમ પણ નથી દર્શવવો. જિંદગી આમ પણ પૂરી થવાનીછે પૂજા મારા દિલ નો ટુકડો છે તેના માટે હું બધું કરીશ. બીના પણ વિચારતી હતી કે સૂર્ય નો મૂડ આવો કેમ હશે ?

સવારે ઉઠતાં તેની નજર ટેબલ પર પડી ને એ બધું સમજી ગઈ

જયારે પૂજા આવી ત્યારે જાણે બેઉને જાણે નવજીવન મળ્યું આનંદ આનંદ થઈ ગયો.હતો બીનાની વર્તણુક પણ બદલાઈ ગઈ હતી એટલે સૂર્ય પણ બધું ભૂલી ગયો હતો આજ બધું ફરી યાદ આવી ગયું તેનું મન ખાટું થઈ ગયું તે ખૂબ સંસ્કારી હતો એટલે તેણે કોઈ જવાબ ન માંગ્યો કે ન ઝગડો કર્યો ન કોઈ પશ્ન પૂછ્યો પણ તેનો આત્મા દુભાયો તે અળગો અળગો રહેવા લાગ્યો બીના પણ સમજી ગઈ ક્રે ભૂલથી બહાર મુકેલી ડાયરી સૂર્ય એ વાંચી છે એટલે તે પણ ચુપચાપ રહેવા લાગી તેના માતાપિતા પણ બે વાર આવી ગયા દીકરી નો સંસાર જોઇને તેઓ ખુશ થયા બહાર તો બધાને થતું કે કેવા સુખી છે ઘણા ને એમની ઈર્ષા થતી સૂર્ય ની મા પણ મનમાંહરખાઈ જતા કોઈની નજર ન લાગે મારા દીકરા ના સંસાર પર મનોમન નજર ઉતરતી અને આશિષ દેતી

પૂજા ના ઉછેરમાં બેઉ જણાં ખૂબ રસ લેતાં તેને યોગ્ય માર્ગદર્શન આપતા તેના જીવન માં કોઈ કમી ન રહે તેનો ખ્યાલ રાખતા માતા પિતા નો પ્રેમ તેના પર સતત વરસતો એ પ્રેમ ના સીંચન વડે તે એક સુંદર અને હોશિયાર બની પણ બીના અને સૂર્ય વચ્ચે ની દુરી ઓછી ન થઇ શયનખંડ ની ચુપકીદી ખંડિત ન થઇ.

સૂર્યને લગ્ન પહેલાનાં બીનાનાં ભૂતકાળમાં ક્યરેય રસ નહોંતો પણ વર્તમાનમાં તેનો પગપેસારો જ્રુરુર ખુંચ્યો. તે વર્તમાનમાં જીવનારો માણસ હતો. તે માનતો હતો તેણે આ વાત બહુજ સ્પષ્ટ રીતે બીનાને કહી હતી. તેમના હનીમૂન દરમ્યાનઅને તે માનતો કે મનથી પણ પોતાના ભૂતકાલીન પ્રેમી ને યાદ કરવો તે પાપ છે. આમેય ભૂતકાળની શીકસ્ત કે વિજય કશું ય યાદ કરવા લાય્ક નથી હોતું તો પછી બીના કેમ તેના મિત્રને ભુલી નથી શકતી? તેના મનમાં આ પ્રશ્ન વારંવાર ડહોળાતો અને જવાબ ન મળતા તે ઉદાસીનતાની ગર્તામાં ડૂબી જતો.

૧૭) સુર્યાસ્ત

ચારુશીલા વ્યાસ /રેખા વિનોદ પટેલ

છેવટે બા એ મનોમન કશોક નિર્ણય કર્યો અને પૂજાને થોડા દિવસ અહી બોલાવી લીધી ,પુજાના અહી આવવાથી પણ પરીસ્થીમાં ખાસ કશોજ ફર્ક પડ્યો નહિ ,દિવસે દિવસે બીના તેના જીવન પ્રત્યેનો લગાવ ગુમાવી રહી હતી ,દાદી અને પુત્રીએ છેવટે નક્કી કર્યું કે બીના બહુ નહીતો થોડો વખત સ્મિતાબા પાસે ઇન્ડિયા મોકલવી જોઈએ જેથી તેનું મન અને વિચારો બદલાય ,કારણ પૂજા પણ તેની વ્હાલી મોમ ની આવી દયાજનક સ્થિતિ જોઈ સકતી નહોતી.

લંડન થી ઇન્ડિયા સૂર્યના કરીબી મિત્ર સોહન અને શાલીની સાથે બીનાને ઇન્ડિયા મોકલી આપી. આવતી વેળાએ બીનાઈ ઇન્ડીયા નાં જવા સામે વિરોધ નોધાવ્યો હતો

’’ બા હું તમને અને સૂર્યની યાદો ને છોડી ક્યાય જવા માગતી નથી .મારા લીધે તમને કોઈ તકલીફ નહિ પડે ,બા મને અહી રહેવા દ્યો ’’ રડતા રડતા બીનાએ કહ્યું

બીનાને ઘણો પસ્તાવો થતો હતો કે સૂર્યના પ્રેમ સામે તે સૂર્યને તેના જેટલો નિર્મળ પ્રેમ આપવામાં ઉણી રહી અને તેજ દુઃખ આજે સૂર્યનું સમય પહેલાનું મોત બની સહુના જીવનને ખારો પાટ બનાવી ગયું’’ તેના આવા વિચારોના કારણે તે ઊંડા દુઃખ અને ડીપ્રેશનમાં ઘકેલાઈ રહી હતી

‘‘બીના તું મારી દીકરી પહેલા છે અને વહુ પછી છે ,બેટા હું તને મારાથી ખ્યાય દુર મોકલવા નથી માગતી ,બસ તું થોડા દિવસ તારા માતાપિતાને મળીને પાછી આવજે,ત્યાં જઈસ તો તેમના દિલને પણ કંઈક અંશે રાહત થશે . તે લોકો પણ સૂર્યના અવસાન ને કારણે બહુ દુઃખી છે ,તું એકવાર તેમની માટે પણ ઇન્ડીયા જઈ આવ .

છેવટે બા, પૂજા અને શાલીનીની સમજાવત કામમાં લાગી ,અને બીના સોનપુર પાછી આવી .

આજે બીનાને એરપોર્ટ લેવા મહેન્દ્રભાઈ સાથે બકુલ પણ હાજર હતો .બીજો કોઈ સમય હોત તો બકુલને એરપોર્ટ ઉપર જોતા બીના ખુશી થી ઉછળી પડી હોત પરંતુ આજે તેને કોઈ ઉમળકો બતાવ્યો નહિ ,માત્ર ‘‘કેમ છે ‘‘નાં ટુકા વાક્યનો ઉપયોગ કરી આખા રસ્તે લગભગ ચુપ રહી

બીજો કોઈ દિવસ હોત તો બકુલાને આટલા વર્ષો પછી અચાનક સામે જોતા બીના ઉછળી પડી હોત અને ખુશીમાં કદાચ તેને વળગી પડી હોત. પણ આજની બીના કઇક અલગ હતી ,જાણે ભાવ લાગણીઓ થી દુર કોઈ એકાંતવાસની રાણી જેવી ભાસતી હતી ,મહેન્દ્ર ભાઈનો હાથ સતત બીનાના માથે ફરતો હતો ,એક બાપ દીકરીની વેદના જોઈ સાવ લાચાર બની ગયેલો જણાતો હતો. બાપની એક માર્યાદ હોય છે, માની જેમ તે દીકરીને સોડમાં ભરાવી નથી સકતો પણ તેની લાગણીઓ ને તે રોકી નથી સકતો અને તેના કારણે બધા દુઃખ પોતાની અંદર ચુપચાપ ઉતારી દેતો હોય છે ,બસ આવીજ સ્થિતિ આજે મહેન્દ્રભાઈની હતી એક ભડવીર અંદરથી તુટતો જતો હતો .

આ તરફ બકુલ થી બીનાનું આ દુઃખ આ હાલત જોવાતી નહોતી મનમાં ઘણું થતું બીનાને વળગીને પોતે પણ સાથે રડી દુઃખનો ભાર હલાવો કરી લે ,જે બીનાના સુખ માટે પોતે તેનાથી દુર રહી આટલી આકરી જીવન પરીક્ષા આપી હતી અને આજે તેને આમ તૂટી પડતી જોઈ પોતે પણ તૂટી પડ્યો હતી. પહેલા તો વિચારતો કે બીનના સુખે તે સુખી છે અને જીવનભર રહેશે પણ આજે શું ? હવે પ્રેમે ને દુખી જોઈ શું પેલા છલ સાથે જીવી શકાશે ?

આગળની સીટ ઉપર બેઠેલો બકુલ વારેવારે પાછળ જોઈ આંખોમાં ઘસી આવતા આંસુઓ ને પાછા આંખોમાં ઘકેલતો હતો.

એરપોર્ટથી આજે ઘરનો રસ્તો પણ બહુ લાંબો લાગ્યો ,છેવટે સોનપુર આવતા બધાને એક રાહત લાગી ,બીના પણ કઈક અલગ રીતે ઊંડા શ્વાસ ભરવા લાગી ,જાણે તેના તન મનને જે ઓક્સીજન ની હતી તે આજે તેને મળતો હતો

ગાડીનો અવાજ સંભાળતા સ્મિતાબહેન બહાર દોડી આવ્યા ગાડી માંથી નીચે ઉતરતી બીનાને તે ગુંગળાઈ જાય તે હદે વળગી પડયા અને માં દીકરીની આંખોમાં આંસુઓ નો ધોધ ઉમટી પડયો ,

‘‘બસ કરો સ્મિતા દીકરીને અંદર આવવા દ્યો ’’ આંખના આંસુને રૂમાલ થી લૂછતાં મહેન્દ્રભાઈ બોલ્યા ,બકુલની આંખો પણ ચુપચાપ નીતરતી હતી , બીના પણ તેના બધા આંસુઓને જાણેકે આજના દિવસ માટે સંભાળીને બેઠી હતી.જાણે માળથી વિખૂટું પડેલું એક બચ્ચું આજે વરસો પછી પાછુ માળામાં આવી ભરાયું હતું ,કોણ જાણે કશીક યાદ આવ્યું હોય તેમ બીના સીધી એક વખતના તેના પોતાના ગણાતા કમરામાં ચાલી ગઈ અને તેના રૂમમાં આવેલા પલંગ ઉપર કોકડું વળી સુઈ ગઈ.

બહાર થતો અવાજ સાંભળી તોરલબેન અને શ્યામભાઈ દોડતા આવ્યા ,તોરલબેને રડતા સ્મીતાબેનને બરડે હાથ ફેરવતા પૂછ્યું

’’ ક્યા છે આપણી દીકરી? અને જવાબમાં સ્મિતાબેને રૂમ તરફ આગલી ચીધી

લગભગ દોડતા તોરલબેન તે તરફ ભાગ્યા પણ થોડીક ક્ષણોમાં તે પાછા બહાર આવી ગયા અને ચુપચાપ રૂમનો દરવાજો બંધ કરી દીધો

‘‘કેમ મમ્મી શું થયું ?‘‘બકુલ વ્યાકુળ થઈ બોલ્યો બધાની નજર તેમની ઉપર ચોટી ગઈ

કઈ નથી થયું બીના ઘસઘસાટ સુઈ ગઈ છે , જર્નીનો થાક અને માનશીક તાન નાં કારણે થાકી ગઈ લાગે છે ,વધારા માં આહી તેને પોતાનું ઘર અને હૂફ લાગતા તે સુઈ ગઈ છે ,તોરલબેન બોલ્યા

‘‘ભલે સુવા ધ્યો ,કોઈ તેને જગાડશો નહિ’’ મહેન્દ્રભાઈએ ફરમાન કર્યું ,પાછો બોલ્યા ચાલો સ્મિતા બઘા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. . બીનાના અહી આવવાથી બઘા ને રાહત હતી

બીનાને સોનપુર આવ્યાને હવે ખાસા પંદર દિવસ વીતી ગયા ,પરંતુ તેના વર્તન માં ઝાઝો ફેર નહોતો જણાતો. હા કાયમ ચુપ રહેતી બીના હવે ક્યારેક ટુકા વાક્યો વાપરતી હતી છતાં પણ ઝાઝો વકહ્‌ત માથું દુખે છે કહું તેના રૂમમાં ભરાઈ રહેતી હતી ,

એક દિવસ તેની આવી દશાથી વ્યથિત થયેલા મહેન્દ્ર ભાઈએ શ્યામ ભાઈ સાથે મસલત કરી ,ભાઈ હું વિચારું છું આપણે કઈક પીકનીક જેવું રાખીએ જેથી બીના આપણી સાથે બહાર આવે અન એઆમ ઘીમેઘીમે તે એકાંતવાસ છોડે તોજ તેને આ દુઃખ માંથી બહાર નીકળી શકાશે

છેવટે એક દિવસે પ્રોગ્રામ નક્કી થયો કે કાલે આપણે એક રાત માટે આબુ જવું ,નવેમ્બર ડીસેમ્બરની શરૂવાત હતી ગુલાબી ઠંડી ચારે બાજુ ફેલાતી હતી અને આબુમાં તો હવે ગરમ કપડા જોઈયેજ માની બધાએ પોતપોતાની રીતે પેકીગ શરુ કરી દીઘું.

આમતો આ કોઈ વેકેશન નહોતું છતાં પણ બધા ઉત્સાહ માં હતા કે કદાચ થવાથી બીનાની હાલતમાં સુધારો આવી શકે તેમ છે.

બીના બસ બધાને અનુસરતી હતી મહેન્દ્રભાઈ સ્મિતાબેન યસ અને તેની પત્ની તથા બકુલ અને તેના માતા પિતા કુલ આઠ માણસો આરામથી બેસી સકે તેવી ગાડી પસંદ કરી સવારના ચાર વાગે ડ્રાઈવર દાથે ગાડી આબુના રસ્તે રવામાં થઇ ,લગભગ સાત કલાકનો રસ્તો હતો ,સવારના બધાએ સારી એવી ઊંઘ ખેચી નાખી બીનાની એક તરફ સ્મિતાબેન અને બીજી બાજુ જાણી જોઈ તોરલબેને બકુલાને બેસાડ્યો હતો ,બકુલને આજે મમ્મી એક દોસ્ત કરતા પણ વધારે લાગી તે સમજી ગયો કે મમ્મીનું આમ કરવા પાછળનું કારણ તે બીનાને તેની તરફ ઘકેલાવાનું છે ,આથી બકુલના મનમાં હવે હિમત વધી રહી હતી કે જે માં એ તેને તેના પ્રેમ થી દુર કરવા ફાળો આપ્યો હતો તે આજે સામે ચાલીને તેના ખોવાએલા પ્રેમને તેની તરફ ઘકેલી રહી છે. નીંદમાં સારી પડેલી બીના નું માથું આજે ફરી વરસો પછી બકુલના ખભે હતું આ અહેશાસ બકુલને સુવા દે તેમ નહોતો તે બીનાનાં આ સ્પર્શને માણી રહ્યો ,આચકો આવતા બીના અચાનક જાગી ગઈ ત્યારે તેને ભાન આવ્યું કે તે બકુલના ખભે માથું રાખીને સુઈ ગઈ છે તેને માથું ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ બકુલે કઈ પણ બીલ્યા વિના તેનું માથું ખભા ઉપર દબાવી રાખ્યું અને જવાબમાં બીના પણ ચુપચાપ પડી રહી

આજે પચાસે પહોચવા આવેલા આ બે હૈયામાં કેટ કેટલા સ્પંદનો અને મુંઝવણ ના હોડકા લાગણીના દરિયાને ડહોરતા હતા.

અગિયાર વાગતા સુધીમાં આબુ આવી ગયું , આબુ શહેર થી સહેજ દુર એક સુંદર રિસોર્ટ જેવી હોટલમાં તેમનું બુકિંગ નક્કી હોવાથી બધા સીધા ઉતારે આવી પહોચ્યા. જગ્યા ઉચાઇ ઉપર આવેલી હોવાથી ચારેબાજુ નરી સુંદરતા વેરાએલી પડી હતી કે રૂમની પાછળની બાલ્નીમાં ઉભા રહો તો પણ આખો દિવસ નીકળી જાય ,છતાં પણ બધા તૈયાર થી નાખીલેક અને દેલવાડાના દેરા જોવા નીકળી પડ્યા , સાંજે યસ અને તેની પત્ની એકલા લટાર મારવા નીકળ્યા ત્યારે તોરલબહેને બકુલને કહ્યું

‘‘અમે હવે થાક્યા છીએ અને અમે ચારે તો ગયા વર્ષે પણ અહી આવીને ચાર દિવસ રોકાઈ ગયા છીએ,માટે તું બીનાને સનસેટ જોવા લઇ જા ,તેને આબુ આવ્યે પચ્ચીસ વર્ષ થી પણ વધુ થઇ ગયા છે તેને ત્યાં જવું ગમશે ’’

બીનાએ આનાકાની કરી પણ બધા ની સામે તેનું કઈ ના ચાલ્યું છેવટે બકુલ બીનાને લઇ આબુના પ્રખ્યાત સનસેટ પોઈન્ટ ઉપર આવી પહોચ્યો ,થોડી ઠંડી વધુ હતી આથી ખાસ કોઈ સહેલાગાણીઓ દેખાતા નહોતા છતાં પણ સૌદર્યના ચાહકો ને ટાઢ તડકો નડતો નથી , આવા કેટલાક શાલ અને કામળા ઓઢી સૂર્યને સંધ્યામાં લપેટાઈ રાતમાં વિલીન થતો જોવા બેઠા હતા

આ બધાથી થોડે દુર એક ઊંચા પથ્થર ઉપર બકુલ અને બીના ગોઠવાઈ ગયા

બકુલે બીનાને સાલ સરખી લપેટી આપી પછી પોતાના જેકેટની ચેન બરાબર બંધ કરી અને મફલરને ગળે ફરતું વિટાળી ગરમાવાનો અહેસાસ કરતો થોડીક ક્ષણો ચુપ બેસી રહ્યો ,છેવટે આ ચુપ્પી બહુ ભારે લાગતા તેણે આસ્તેથી બીનાનો હાથ પોતા નાં હાથમાં લીધો ’’ બીના યાદ છે તને આપણે આજથી અઠ્ઠયાવીસ વર્ષ પહેલા આજ રીતે અહી બેસીને સનસેટ જોતા હતા અને ‘‘તું આથમતા સૂર્યને જોતા જોતા વચમાં મને જોઈ લેતી હતી અને હું તને...યાદ છે તને ?‘‘

હા અને તે પહેરેલા કાળા ગોગલ્સ માંથી મને તારી આંખો બરાબર દેખાતી નહોતી આથી મેં તેને ખેચી નાખ્યા હતા અને તે ખેચાતાનીમાં તારા ગોગલ્સ નીચે ખાઈમાં પડી ગયા હતા ,અને તું ગુસ્સે થઈ ગયો હતો ,પહેલી વખત તને આ રીતે મારા ઉપર ગુસ્સે થતા જોઈ હું રડી પડી હતી અને તારાથી રિસાઈને આખી સાજ કશુજ બીલી નહોતી ’’ બીના પહેલી વાર આટલું બધું બોલી ઉઠી

હા બીના ત્યારે તો તું રિસાઈ હતી અને ચુપચાપ બેઠી હતી અપ આજે તો હું તારા ઉપર ગુસ્સે નથી છતાં પણ તું ચુપ બેઠી છે ,તને આવ્યાને આટલા દિવસ થયા પણ તે એક વાર મારા તરફ મનભરીને નજર પણ નથી નાખી ’’ બકુલ કરગરી ઉઠ્‌યો.

બીના તેનો હાથ છોડાવતા બોલી બકુલ હવે પરિસ્થિતિ અને સમય બદલાઈ ચુક્યા છે ,હવે હું તે નાદાન બીના નથી અને એ બકુલ નથી ,તું તો બહુ સમજુ છે જે જાણે છે બીનાથી પીછો કેમ છોડાવાય.મને આજે નવાઈ લાગે છે કે તું મારા આવવાના ખબર સાભળીને પણ કામનું બહાનું આગળ કરી ચાયના કે બીજે ક્યાય ગયો નહિ ’’ બીનાની આંખ માંથી બે આંસુ ટપકી પડ્યા જે જતા જતા સૂર્યના લાલ પ્રકાશમાં પરવાળા જેવા ચમકી ઉઠયા ,આ જોઈ બકુલ વિચલિત થઈ ગયો

બીના મને માફ કરી દે ,તેવું કરવામાં મને કેટલી તકલીફ પડી હતી તે મારું મન જાણે છે ,તે વખતે હું ઈચ્છતો હતો કે તું અને સુર્યભાઈ એકબીજા સાથે સુખે થી જીવો ,હું જાણતો હતો કે હું નજીક હોઈશ તો આપણે બેવને તકલીફ થી વધારે કશુજ હાથ નહિ લાગે ,અને તારી ખુશી માટે હું દિલ ઉપર પથ્થર મૂકી ભાગી ગયો હતો.

‘‘છેવટે સૂર્ય ડૂબી ગયો !’’ બોલતી બીના બેવ હાથમાં મ્હો છુપાવી ધ્રુસકે ચડી ... સુર્યાસ્ત થઇ ચુક્યો હતો ઘરે પાછા ફરતા લોકો આ આઘેડ યુગલને રડતું જોઈ નવાઈ પામતા હતા ,આ જોઈ બકુલે બે હાથ વડે બીનાને સંભાળીને ઉભી કરી પછી કાર તરફ વળ્યો

છતાં પણ લાગણીની આટલી આપમેલ પછી બીનાના અબોલા તૂટ્યા હતા તે હવે બકુલ સાથે વાતો કરતી થઈ હતી ,બંને કુટુંબના સભ્યો બધાને માટે આટલું ઘણું હતું ....

૧૮) પ્રેમનું મુલ્ય

નરેશ કે ડૉડીયા

થોડા દિવસ માતા પિતા સાથે રહેવાથી બીના રાહત અનુભવતી હતીબકુલને ખબર હતી કે હવે બીનાનો પતિ આ દુનિયામાં નથીતેથી એ રોજ સાંજે ઘરે વહેલો આવ્યા લાગ્યોઅને સીધો બીના પાસે પહોચી જતો.પચાશ વર્ષ પાર કરી ચુકેલા હૈયાઓમાં શારિરીક નીકટતા કરતાં માનસિકતા કેળવી શકે એવા સાથીની જરૂર હોય છેબીનાની જિંદગીમાં બકુલ હવે મલમનું કામ કરતો હતો.એક પુરુષ જાતનું મતલબી પણું છાને ખૂણે તો દેખાય જ આવે છે..અને બકુલ જાણતો હતો કે બીનાનાં જીવનમા હવે મારા સિવાઇ કોઇ પુરુષ નથી.એટલે જાણે બીના માટે પાછલી કોઇ ફરિયાદ કરવાને બદલે બીનાને પળેપળ ખૂશ રાખી શકે એ બધો ખ્યાલ રાખવા માંડ્યો.

બકુલ બીનાને ક્યારેક સાંજે જે જગ્યાએ બેઉ છુટા પડ્યા હતા એ નદી કીનારાવાળી જગ્યાએ લઇ જતો.એ સમય હતો ત્યારે તે ટેપરેકોર્ડર સાથે લઇ જતા હતા.હવે ડીઝીટલ યુગ આવી ગયો હોવાથી બકુલ પોતાનાં મોબાઇલમાં બીનાં પંસદગીનાં ગીતો એ જગ્યા એને અચુક સંભળાવતો હતો.કારણકે બકુલ જાણતો હતો કે બીના અને એને જોડી રાખતો શોખ હતો ગીત અને ગઝલ.બકુલ જ્યારે પણ મોબાઇલમાં બીનાની પંસદગીનાં ગીત કે ગઝલ વગાડતો ત્યારે બીના આંખો બંધ કરીને બકુલનો એક હાથ પકડીને એનાં ખંભે માથું રાખીને કયાંક ખોવાઇ જતી હતી..આ દરમિયાન બીનાને ખલેલ ના પહોચે એટલે બકુલ જરા પણ હલનચલન કર્યા વગર સ્થિતપ્રગ્ન અવસ્થામાં બેઠો રહેતો..

સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ભલે બેઠેલા હો પણ બાજુમાં પ્રિય પાત્ર હોય ત્યારે આંખો સ્થિતપ્રજ્ઞ રહી શકતી નથી.બકુલ જોતો કે બીનાનાં જે કાળા ઘટ્ટ વાળ હતા આજે એની જગ્યા એ થોડા પાંખા થયાં હતા અને અમુક જગ્યાએ સફેદી ચોક્ખી દેખાય આવતી હતી.છતાં પણ પોતાનાં પ્રિય પાત્રને સ્પર્શવાની એ લાલચ રોકી શકતો નહી.થોડી થોડી વારે હવામાં ઉડતી બીનાની એકલદોકલ લટ્ટને ઉડતી જોઇને બકુલ એને કાન પાછળ સેરવી દેતો હતો.

આંખો બંધ કરીને બેઠેલી બીનાને ચહેરાને એ અપલક જોયાં કરતો હતો.એ જોતો કે પરણીને ગઇ ત્યારે બીનાનો ચહેરો ધવલશ્યામ રંગનાં મિશ્રણવાળૉ હતો,જે આટલા વર્ષોમાં યુરોપમાં રહીને એકદમ ગૌરવર્ણૉ અને ગુલાબી થઇ ગયો હતો.પચાસની ઉમરમાં પણ બીનાનાં ચહેરા પર એક પણ કરચલી દેખાતી ના હતી.બીનાં ચહેરાને જ્યારે બકુલ જોતો હોય ત્યારે બકુલ પણ ભૂતકાળમાં સરી જતો હતો.એક ચંચળ હરણી જેવી મુગ્ધ બીનાં સમયની થપાટૉ ખાઇને એક ધીરગંભિર પાણીથી છલોછલ શાંત નદી જેવી લાગતી હતી.

બીનાના ચહેરાને નિહાળતી વખતે એક જગ્યાએ બકુલની નજર એક જગ્યાએ જરૂર અટકી જતી અને ત્યાંથી હટવાનું નામ નહોતી લેતી.એ જગ્યા હતી બીનાનાં હોઠની ઉપરનો કાળૉ અને પાકટ બની ગયેલો તલ.જ્યારે બીનાં લગ્ન કરીને ગઇ ત્યારે આ તલમાં લાલાશ દેખાતી હતી એ તલ આજે પાકીને કાળા ઘટ્ટ રંગનો બની ગયો હતો.

સમય માત્ર અને માત્ર પ્રેમ કરનારની પવિત્ર ભાવનાને જુએ છે..આટલાં વર્ષોથી દૂર રહીને અંદર અંદર બંને વચ્ચે ધુંટાયેલો પ્રેમ જાણે ઘોળાયેલો ચંદન જેવો સુંગંધી અને પવિત્ર બની ગયો હતો.કારણકે બકુલની નજરમાં કે સ્પર્શમાં કોઇ વાસનાં કે વિકાર નહોતો.જે હતું એ પવિત્ર પ્રેમનું અમુલ્ય કહી શકાય એવું તથ્ય હતું.

બીનાને ક્યારેક બેઠા બેઠા પણ થાક લાગતો હતો..બકુલનાં ખંભે માથુ રાખીને બેઠી હોય ત્યારે ઘણીવાર એ ઝોકુ ખાઇ લેતી હતી. આવી જ એક ઘટનાં એને યાદ આવી ગઇ હતી.કોલેજમાં બંને સાથે હતા ત્યારે એક પ્રવાસમાં બીના બકુલનાં ખભે માથુ રાખીને સુઇ ગઇ હતી.ત્યારે બકુલે આ જ રીતે બીનાંને આરામથી સુવા મળે માટે પોતાનાં ગોઠણ પર એનું માથું રાખી દીધું હતુ.એ સમયે થોડી મસ્તી અને અલ્લડતા હતી જ્યારે આજે પ્રગલભ કહી શકાય એવું સમજદારી ભર્યું આચરણ હતુ.યુવાનીની મુગ્ધાવસ્થા અને વાનપ્રસ્થ અવસ્થાની સભ્યતાં વચ્ચેનાં ગાળામાં બકુલ અને બીનાએ સેવેલા કંઇક શમણાઓ દબાયેલી અવસ્થામાં રહી રહીને સળવળતાં હતાં.

ક્યારેક એની નવી કારમાં લોંગ ડ્રાઇવ પર લઇ જતો અને પહેલાની જેમ બીના ક્યારેક ખોવાએલી લાગે તો હાથમાં તેનાં હાથને પકડીને ઉષ્માનો સંચાર કરતો બંનેનો પ્રેમ આત્માનો પ્રેમ હતો જે હમેશા શારીરિક આકર્ષણથી પરે હોય છે.

એક વાર બકુલને અમદાવાદ કોઇ વ્યવસાયીક કારણૉસર જવાનું હતુ.બકુલ એકલો જતો હોવાથી એને બીનાને કહ્યું,’’ચાલ આજે હું અમદાવાદ જાંઉ છુ અને એકલો જાઉ છુ તુ સાથે આવશે તો મને કંપની રહેશે.’’

કશું પણ બોલ્યા વિનાં બીના ધરમા ગઇ અને પોતાનું પર્સ અને માથામાં બાંધવાનો સ્કાર્ફ લઇને બકુલ સાથે જવાં તૈયાર થઇ ગઇ.આખાં રસ્તે જવલ્લે જ બંને વચ્ચે સંવાદ થયા પણ કારટેપમાં વાગતાં સહિયારા પંસંદગીનાં ગીતો બંનેની અંદર ખળભળતાં મૌનને વાંચા આપતાં હતાં,

હવે જ્યારે જ્યારે બકુલ બીનાને સ્પર્શ કરતો ત્યારે એની અંદર એક નવી ઉષ્માનો સંચાર થતો હતો.સૂર્યનાં મૃત્યુ પછી સંવેદનાઓથી અલિપ્ત થઇ ગયેલી બીના હવે સંવેદનાઓનાં નવા આવિષ્કારને આવકારતી હતી.એ જાણતી હતી કે આ સ્પર્શ સૂર્યનો નથી અને એ પણ જાણતી હતી કે જ્યારથી સૂર્યએ એની ડાયરી વાંચી હતી ત્યારથી લઇને એનાં મૃત્યુ સુધીનાં સમયમાં સૂર્યનાં સ્પર્શને એ કદી પણ આબાદ જીલી શકી નહોતી.

જ્યારે અત્યારે બીનાં બકુલનાં આ નવતર સ્પર્શને આબાદ જીલી શકતી હતી અને એ સ્પર્શથી એની અંદર એક હુંફાળી સૃષ્ટી જન્મ લેતી હતી.બીના બકુલનાં એ સ્પર્શમાં ચોક્ખું અનૂભવી શકતી હતી

અમદાવાદ પહોચીને બપોર સુધીમાં બકુલનું વ્યવસાયને લગતું કામ પુરું થઇ ગયું હતુ.બપોરનાં દોઢ વાગ્યાની આસપાસ બંનેએ એક શાનદાર રેસ્ટોરન્ટમાં સાથે ભોજન લીધું.ત્રણ વાગ્યા એટલે નવું કાયાપલટ થયેલ કાકરીયા જોવાનું નક્કી કર્યું.સાજનાં પાંચ વાગ્યા સુધી બનેએ સાથે સમય પસાર કર્યો.આજે બકુલે જોયું કે અત્યાર સુધી કારણ વગર એક શબ્દ ના બોલતી બીનાએ એ આજે ધણી જુની વાતો યાદ કરીને કહેતી હતી.બીનાની આ વાતમાં જ્યારે જ્યારે બકુલનો ઉલ્લેખ આવતો ત્યારે ખૂશ થતો હતો..

આજે બીનાં સભાન અવસ્થામાં હતી.આજે એ થોડી ખીલી હતી.બંનેનાં હૈયામાં આજે ઉંમંગોની લાપસીનાં આંધણ મુકાય ગયા હતા.હરખને તેડા ના હોય.આજે પચાસની આસપાસ બે હૈયાઓને પોતપોતાની સૃષ્ટીની ભૂમિ પર લાગણીના વાવેતર કર્યા હતા.

બકુલે આજે બીનાને કહ્યુ,’’બીના,તું જાણે છે તારામાં મને શું ગમે છે?’’

બીનાએ નકારમાં ડૉકુ હલાવીને કહ્યું,’’હું નથી જાણતી.’’

બકુલે કહ્યું,’’આ તારા હોઠ ઉપરનો તલ છે એ મને ખૂબ જ ગમે છે.’’

બકુલની વાત સાંભળીને કોલેજ કાળની બીનાં અંદરથી સળવળી ઉઠી અને બીનાં ગૌર ચહેરા પર એ જુની મુગ્ધતાની લાલિમાની ઝાંખી અસર ઉપસી આવી .

બકુલે પોતાનાં જમણા હાથની આંગળી એ તલ પર મુકી અને બોલ્યો,’’બીનાં આ તલની નિશાનીના કારણે તું ગઇ પછી જ્યારે જ્યારે સપનાંમાં આવતી હતી ત્યારે મારી પ્રથમ નજર તારા તલ પર પડતી હતી એટલે જ હક્કીતમાં જ્યા સુધી તું સામે ના આવી ત્યા સુધી તારો આ તલ મારા માટે સલામત રહ્યો છે.’’

‘‘શું તું પણ બકુલ ! કેવી વાત કરે છે.હવે આપણે એ કોલેજનાં કાળનાં બકુલ અને બીના નથી.’’બીના શરમાયને નીચું જોઇને બોલી.

એટલે બકુલે હળવેથી કહ્યુ,’’બીના,તું જાણે છે જ્યારથી તું લગ્ન કરીને ગઇ હતી ત્યારથી મારી આંખોએ તો તને એ જ કોલેજ કાળની બીના હતી એને અકબંધ સાચવી રાખી છે.તું ભલે ઉમરનાં કારણે ઉપરથી બદલી ગઇ છે પણ અંદરથી એ જ બીના છે જેને મે વરસોથી મારી આંખોમાં સાચવી રાખી છે.’’આટલું બોલ્યા પછી બીનાએ જોયું કે ઉપરથી સખત દેખાતા બકુલની બંને આંખોની કિનારીમાં ભીનાશ તરવરી ઉઠી હતી.

બીનાએ બકુલનો હાથ સખ્તાયથી દાબી દીધો અને બોલી,’’બકુલ., તે ભલે એ બીનાને સાચવી રાખી હતી મે પણ એ જ બકુલને મારા હૃદયનાં એક ખૂણે સાચવી રાખ્યો હતો.હું જ્યારે પણ એકલી પડતી હતી ત્યારે અચુક તને યાદ કરતી હતી અને તારી કમીને હું મારા જીવનની પ્રત્યેક પળે અનૂભવતી હતી.’’બીનાએ લાંબો નિસાસો ખાઇને વાત આગળ વધારતા કહ્યુ,’’ બકુલ..,પ્રેમ કરવો એટલે માત્ર પામવું જ જરૂરી જ નથી.દુનિયાના દરેક પ્રેમીમાંથી કોઇને રાધાનાં નશીબનું મળે છે તો કોઇને મીરાનું નશીબ મળે છે.પ્રેમ તો આરાધનાં છે એમાં ડુબી જાઓ તો જ પ્રેમનું અંતિમ સમજી શકો છો.’’

બીનાને આજે આવી વાતો કરતી જોઇને બકુલ સમજી ગયો કે પ્રેમ માત્ર પ્રેમ છે.એ કદી મરતો નથી.પાત્ર ભલે વિખુટુ પડી જાય પણ બેઉનાં હૃદયમાં પાંગરેલો પ્રેમ એ મુક હોય કે બોલકો હોય,પ્રેમ કદી મરતો નથી,જેને જાણે અજાણ્યે એક વાર ચાહ્યા હોય એ પાત્રની યાદ તો રહી જાય છે.એટલે જ સાત દરિયા દૂર ગયેલી બીનાંનાં હૃદયમાં પ્રેમ અકબંધ રહી ગયો અને એનાં ખુદનાં હૃદયમાં બીના માટેનો પ્રેમ અકબંધ રહી ગયો..અત્યાર સુધી જે અવ્યક્ત રહેલો બંનેનાં હૃદયનો પ્રેમ વ્યક્ત થવાં માટે આકુળ વ્યાકુળ થતો હતો.

કાકરીયાએથી રવાનાં થયા બાદ બકુલે પોતાની કાર એક વિશાળ કપડાનાં શોરુમ પાસે ઉભી રાખી અને બીનાને કહ્યું ચાલ મારી સાથે આજે મારે તારા માટે કંઇક લેવું છે. મારે એક સ્વેટર લેવું છે.

બીના કશી આનાકાની કર્યા વિનાં બકુલ સાથે એ વિશાળ શોરૂમ પ્રવેશ કર્યો.પહેલા માળે જ્યા ગરમ કાપડનો વિભાગ હતો ત્યાં ગયા અને બકુલ પોતાનાં માટે સ્વેટરની શોધ કરવા લાગ્યો.થોડી વારમાં બકુલે જોયું તો બીનાં હાથમાં આખી બાંયનું વી ગળાનું દુધિયા રંગનું સ્વેટર લઇને ઉભી હતી.બકુલને યાદ આવ્યુ કે બીનાને આજે પણ ખબર છે કે મને દુધિયાં રંગનું સ્વેટર ગમે છે.બકુલે કશી આનાકાની કર્યા વિનાં એ સ્વેટર પોતાના માટે ખરીદી લીધુ અને બીનાને કહે,’’તું અહીંયા જ ઉભી રહેજે,હું તારા માટે કંઇક લઇને આવુ.’’

થોડી વાર પછી બકુલ આવ્યો તો બીનાએ જોયુ કે બકુલનાં હાથમાં કોલેજકાળથી એને પ્રિય હતી એવી કાળા અને લાલરંગની શાલ હતી.કશું બોલ્યા વિનાં બકુલે એ શાલ બીનાનાં ખભા ફરતે વિટાળી દીધી.ત્યારે શાલ ઓઢીને ઉભેલી બીનાને બકુલ જોતો જ રહ્યો.જાહેરમાં બધા સામે બકુલનું આ રીતે જોતા રહેવું બીનાની નજરથી સહન ના થતા બીનાં શરમાઇને નીચું જોઇ ગઇ અને બોલી,’’ચાલો બકુલ,હવે આપણે નીકળીએ ઘરે પહોચતાં રાત થઇ જશે.’’

કહ્યા વિનાં ઘણુ બોલી ગયેલા બે હૈયાઓ શીયાળાની ઠંડી રાતે અમદાવાદથી પોતાનાં ગામ જવાં માટે રવાનાં થયા.જતી વખતે બે મૌન સંવાદો આંખોથી રચાતા હતા એ બધાં સંવાદો વળતી વેળાએ બોલકા બનીને હોઠો પર આવી ગયા હતા. આખા રસ્તે બીના અને બકુલે બીનાંનાં લગ્ન પછી બંને એ કેવી રીતે સમય પસાર કર્યો એની બંને તરફ આપવિતિ એક બીજાને સંભળાવતાં રહ્યા.જુનાં સ્મરણૉનાં એક પછી એક પોટલા ખુલતાં જતાં હતાં.એ બધી જુની યાદોની મહેક બંનેનાં અંતરને તરબતર કરતી હતી......

૧૯) જીવનની સાચી ખુશી

રેખા વિનોદ પટેલ

બીનાને બકુલની સોબતની અસર દવા જેવી કામ કરી ગઇસાચો પ્રેમ ગમેતેવા દુઃખ ના ઘા રુઝાવવામાં મદદ કરે છે, કહેવાય છે ને કે ક્યારેક દવા નહિ પણ દુવા કામ લાગે છે બસ આવું જ કઈક આ ઘટનામાં બન્યું હતું.!!

બકુલાનો સતત સહેવાસ બીનાને જીવન જીવવાની નવી હામ આપતો જતો જતો અને તેના પરિણામ સ્વરૂપે તેનું મન સાથે શરીર પણ તંદુરસ્તીની ચાડી આપતું હતું અહીંયા આવ્યાને ત્રણ મહિનામાં બીનાનો વાન ફરી ખીલવા લાગ્યો અને બીના પણ પોતાના શરીરનું ધ્યાન રાખતી હતી.દરેક કામ માં હવે ધીમે ધીમે તેનો જીવ પરોવાતો હતો ,બીના હવે પહેલાની જેમ બધા સાથે બેસી ઘરની અને બહારની વાતોમાં રસ લેતી થઈ અને વધારે કરી તેનો જુનો શોખ વાંચન નો ફરી પાછો સજીવન થયો ,કારણ નાનપણ થી વાંચન તેની ગમતી પ્રવૃત્તિ ઓ માની એક પ્રવૃત્તિ હતી તે પહેલેથી માનતી હતી કે સુખ અને દુઃખ માં હંમેશા આ શોખ તમારો સાથીદાર બની તમને સાચો માર્ગ બતાવે છે. પહેલા પણ રજાઓના દિવસોમાં તે કલાકો બેસીને વાંચ્યા કરતી આનાથી વિપરીત બકુલને પુસ્તકો સાથે જાણે બાપે માર્યું વેર હતું ,તેના તોફાની મગજને એક જગ્યાએ બેસીને કલાક વાંચવું એક સજા થી કઈ ઓછું નહોતું ,આથી તે બીનાની ટેવથી ચિડાતો હતો.

’’ શું આખો દિવસ આમ પુસ્તકિયા કીડા ની જેમ ચોપડીમાં માથું નાખીને બેસી રહે છે ,આવું કરીશ તો તારે કોઈ મિત્રો નહિ રહે અને હું તો ખાસ ’’ કહી તેના હાથ માંથી ચોપડી ખૂંચવી લેતો ‘‘

ત્યારે જવાબમાં ગુસ્સે થઇ બીના કહેતી ’’ તને વાંચવું પસંદ નથી એથીજ તું આમ દિવસે દિવસે લાગણી વિહીન જાડી બુધ્દીનો થતો જાય છે ‘‘

આજે બીનામાં આવી રહેલા આવા પરિવર્તનથી બકુલ સાથે ઘરમાં બધા ખુશ હતા..

છેલ્લા કેટલાય વખત થી બેજવાદાર અને કઠોર બની ગયેલો બકુલ અત્યારે જવાબદાર ને સંવેદનશીલ બની જે રીતે બીનાનો ખ્યાલ રાખતો હતો આ વાત બકુલની માતા તોરલબેનનાં ખ્યાલમાં પણ બરોબર આવી ગઇ હતી.તે જાણતા હતા કે બકુલના આજ દિવસ સુધી ના પરણવાના નિર્ણય પાછળ બીના હતી તેથી મનોમન નક્કી કર્યુ કે એક બીજા માટે બનેલા હૈયાને આટલા વરસો નોખા પાડ્યા છે તો હવે બંનેને એક કરવાનું પુણ્યનું કામ બને તેટલી ત્વરાથી પૂરું કરી નાખવું જોઇએ.

તોરલબેનથી અજાણતા થયેલી ભૂલને સુધારવાનો તેમને આ બીજો મોકો મળ્યો હતો.હવે આ ભૂલને સુધારવા માટે તે બને તે કરી છૂટવા પ્રયત્નશીલ બની ચુક્યા અને આ મારે તેમને સહુ પ્રથમ એક દીવસ મોકો જોઇને બીનાનાં માતા-પિતા સમક્ષ આ લગ્નનો પ્રસ્થાવ મુક્યો,

જુવો સ્મિતાબેન આપણાથી જાણે અજાણે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે . આપણા બંને બાળકો નાનપણ થી એકબીજાને સાચો પ્રેમ કરતા હતા ,પરંતુ આપણી ખુશી અને સમાજના કારણે ચુપચાપ તેમણે તેમના પ્રેમને દિલમાં દફનાવી દીધો હતો’’

તોરલબેન આ શું બોલો છો તમે? મને તો હતું કે બને વચ્ચે ભાઈચારો અને મિત્રતા છે ’’ અચંબો પામતા સ્મિતાબેન બોલ્યા

જુવો આ વાતની જાણ મને પણ ત્યારે થી જ્યારે બીના બીજી વાર અહી ઈન્ડીયા આવી હતી અને બકુલને અહી ના જોતા મારા ઘરે આવી મને વળગી તે બહુ રડી હતી ત્યારે તેની આ હરકતમાં મને કંઈક જુદી લાગણી દેખાતી હતી.. અને ત્યાર બાદ તેના લંડન ગયા બાદ જ્યારે બકુલ ચાયના થી પાછો આવ્યો અને મેં તેને આ બધી વાત કરી ત્યારે બકુલ ખાસ કઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો અને ત્યાર બાદ તેના રૂમમાં તેને બે હાથોમાં મ્હો છુપાવી રડતો હતો ’’ તોરલબેનનાં અવાજમાં દુઃખ તરવરતું હતું તે પોતાની વાત આગળ ચલાવતા બોલ્યા

તમે બને જો હા કહો તો હું મારા દીકરાની ખુશી માટે બીનાનો હાથ માગું છું

તોરલબેનનો હાથ પકડીને સ્મિતાબેન બોલ્યા’’ મારી બહેન આ સબંધ બંધાય તો મારી દીકરીનું ભવિષ્ય પણ સુધરી જશે ,પણ સમાજ શું કહેશે ? બીના તો વિધવા છે એક દીકરી છે તે પણ પરણાવેલી છે, ‘‘

બહેન તમે સમાજની પરવા છોડી દ્યો ,સમાજ આપણા બાળકોના દુઃખમાં ક્યા આવ્યો છે કે તેના સુખ માટે તેમની પરવા કરવી જોઈએ.હું એમ નથી કહેતી કે સમાજ નું બંધારણ ખોટું છે પરતું જ્યારે બાળકોના સુખ અને ભવિષ્યની વાત આવે ત્યારે આપણે તેમનો પણ વિચાર અવશ્ય કરવો જોઈએ ,દીકરો મારે પરણાવવાનો છે મારી હા છે બકુલના પપ્પાની હા છે બસ તમે બંને હા કહો તો હું લંડન મારા ફોઈને વાત કરી સમજાવું અને અહી બોલાવી લઉં ,હું ફોઈને જાણું છું તે બહુ ઉદારવાદી વિચારો ધરાવે છે બહુ સમજુ છે ’’ તોરલબેન ખુશ થતા બોલ્યા

છેવટે તેમની સમજાવટ ભરી વાતો થી બીનાના માતાપિતાના જીવનમાં સુખના કિરણો દેખાવા લાગ્યા તેમને લાગ્યું કે સુખના ધેરા વાદળા બસ હવે વિખરાઈ જવાની કગાર ઉપર છે .,તેમની વાત સાભળતા બધાને એક આશા ભર્યા જીવનનો ચમકારો દેખાયો અને યોગ્ય સમયે બઘાએ સાથે મળી આ વાત બકુલ અને બીનાને સમજાવવાનું નક્કી કર્યું.

આ પહેલા તોરલબેને લંડન ફોઈને ફોન જોડ્યો અને બધી વાત વિગતે સમજાવી એ પણ જણાવ્યું કે બકુલ સાથે બીના બહુ ખુશ રહેશે અને અમારી નજર હેઠળ રહેશે ,વધારામાં ફોઈ તમે પણ હવે અહી મારી પાસે આવીને રહેશો તો એકલવાયું નહિ લાગે અને દીકરો વહુ ફરી થી તમારી પાસે હશે.

ફોઈ બહુ સમજુ હતા આથી તરત તેમની વાત માની ગયા અને હા કહી ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું

હવે વાત બકુલને સમજાવવાની જ્યાં બકુલ તો પહેલે થીજ હામી ભરી બેઠો હતો પરંતુ બીના શરૂવાતમાં આનાકાની કરતી હતી ,

’’ મમ્મી જુવો હું અને બકુલ એકબીજાને પસંદ કરતા હતા તે વાત સાચી પણ હવે હું તેની માટે યોગ્ય નથી ,હું એક પરણાવેલી દીકરીની માં પણ છું અને વધારામાં હું હવે પહેલા જેવી ચતુર અને સ્ફૂર્તીવાળી બીના નથી રહી ,મારું શારીરિક અને માનસિક સંતુલન પહેલા જેવું નથી જ્યારે બકુલ હવે પહેલા કરતા પણ વધુ સ્માર્ટ બની ગયો છે,એક સારો બિઝનેશમેન બન્યો છે ’’ બીના નીચી આંખો રાખી બોલી.

ત્યાંજ બકુલ આવી પહોચ્યો ’’ બીના નો હાથ હાથમાં લઇ બોલ્યો ’’ બીના કોણ કહે છે તું પહેલા જેવી નથી ,તું એકવાર અમારા બધાની નજરે જો, તને સમજાઈ જશે તું કોણ છે તારું શું મહત્વ છે અમારી જીંદગીમાં , અને બીના હું કબુલ કરું છું તારા વિના મારું કોઈ અસ્તિત્વ બાકી નથી રહેતું , તું અહી નહોતી છતાં પણ તું અને તું જ હતી અને એજ કારણ છે કે મારી જીંદગીમાં કોઈ બીજુ આવી નથી શક્યુ અને કોઈ આવશે પણ નહિ. હવે તારી ઈચ્છા ઉપર બધુ આધારિત છે કે આપણે શું કરવું ’’ આટલું બોલી બકુલ ચુપ થઈ ગયો.

છેવટ દરેકની સમજાવટ અને બકુલનો પ્રેમ કામ કરી ગયો, અને છેવટે આવતા મહિનાનું એક સારૂ મુર્હત જોઇને બંનેના એક કરવાની તારીખ નક્કી થઈ ગઈ .

બધાની હા થતા બકુલના જીવનમાં જાણે વસંત ફરી પાછી આવી ગઈ. તેના અકાળે મુરઝાએલા ચહેરા ઉપર ફરી યૌવન ભરી સુરખીઓ લહેરાવવા લાગી ,અને કેમ નાં લહેરાય ? જે બચપણનો અધુરો પ્રેમ ડચકા ખાઈને જીવતો હતો તેને આજે આટલા વર્ષો પછી અકાળે જીવતદાન મળ્યું હતું

આ દિવસની ઉજવણી માટે અને અત્યાર સુધી ભરી રાખેલી લાગણીઓને ઉલેચી નાખવા માટે તે બીના સાથે થોડો સમય એકાંતમાં વ્યતીત કરવા માગતો હતો , જ્યાં ફક્ત તે અને તેનો જુનો પ્રેમ માત્ર હોય .

બકુલ તેની ગાડીમાં બીનાને લઇ આજે નદી કિનારે આવ્યો ,પરંતુ આજે બંનેના વર્તનમાં રોજ કરતા કંઈક અલગ ભાવ હતા , બીનાને એક સંકોચ મુંઝવતો હત જ્યારે બકુલને બધું બીના સમક્ષ કહી દેવાનો ઉશ્કેરાટ પજવતો હતો.

નદી કિનારે પંચાયત દ્વારા મુકાવેલા એક બાંકડા ઉપર બીનાની લગોલગ બેસીને બકુલ બોલ્યો

‘‘બીના ‘‘તેના અવાજમાં કોઈ માદકતા ઝરતી હતી જાણે ચારે તરફ કોઈ સંગીત ગુંજી ઉઠ્‌યું, પાસેના ઝાડ ઉપરથી બે પૂર્ણ ખીલેલા પુષ્પો અચાનક ખરીને બીનાની સેથીમાં પોરવાઈ ગયા અને એક સુગંધ બંનેની વચ્ચે ફેલાઈ ગઈ જેની તરસ આ બે આધેડ હૈયાઓને વર્ષો થી એક અજંપામાં ઘેરીને બેઠી હતી.

બકુલે બીનાના માથામાં થી પેલું પુષ્પ ઊંચક્યું અને એના હોઠે અડાડ્યું. એમાંથી આવતો રસ સુગંધ જાણે તેની જૂની તરસ છીપાવવા સક્ષમ હોય ,અને બન્યું પણ એવું એક અજીબ સંતોષ થી બકુલની આંખો બંધ થઈ ગઈ , આ એજ સુગંધ હતી જે વર્ષો પહેલા બીનના ઘુંઘરાળા વાળ માંથી ઝરતી હતી અને દુરથી પણ તે માદકતા અનુભવતો હતો ત્યાર પછી બીના તેની જીંદગીમાં દુરદુર સુધી નહોતી છતાં આ સુગંધે તેનો પીછો છોડયો નહોતો અને આજે તે સામે ચાલી આમ તેના ખોળામાં આવી પડી હતી ,આજ તો નશીબ હશે તે બંધ આખે બબડયો .

તેના મુખ ઉપરનો અજબ સંતોષ જોઈ બીના સામે ચાલી બકુલના હાથ ઉપર મૂકી દીધો અને બોલી

’’ બકુલ તું ખુશ છે ને ? મારા જીવનમાં સહુથી મોટી ખુશી છે તારી ખુશી ‘‘

હા બીના ,આજે મારી વર્ષોની તપસ્યા ફરી છે , તું નથી જાણતી તારી એક હા મને બધુજ આપી ગઈ છે , દોસ્તીના નામે આપણે જે એક નાનકડું બીજ વાવ્યું હતું તે મારા મહી છેક ઊંડે મુળિયા નાખીને બેઠું હતું પરંતુ તારા ગયા પછી તેનાં ઉપર પાનખરે કબજો હતો જે આજે તારી એક હા થી વસંતમાં ફેરવાઈ ગયો છે અને આ વસંતને હવે હું સદાને માટે કેદ કરી લેવા માગું છું ’’ બોલતા બકુલના ચહેરા ઉપર આજે જુનું પુરાણું મીઠું સ્મિત ફેલાઈ ગયું.

‘‘બકુલ તારા આ સ્મિત માં અજબ મીઠાશ હતી જેની ઝંખના મને વર્ષો થી હતી ’’ બીના બોલી

બીના આ સ્મિત માત્ર તારી માટે હતું ,પણ તારા ગયા પછી તે પણ કોણ જાણે ક્યા વિલીન થઇ ગયું હતું ,તને ખોયા પછી સમજાઈ ગયું હતું કે તારા વિના જીવનમાં બીજા સુખોનું કોઈ મહત્વ નથી ,બસ હું જાણે પાણી પીતો પણ મારી તરસ કદી છીપાતી નહોતી ‘‘કહેતા બકુલની આંખોમાં ભીનાશ તરવરી ઉઠી

આ જોઈ બીના ઉઠી ‘‘પ્રેમ સાચો હોય ત્યાં સમય પણ રોકાઈ જાય છે,અને ખુદા પણ ઝુકી જાય છે’’

આપણા નસીબમાં એક થવાનું નિર્માયું હશે પણ આજે મને કોણ જાણે સૂર્યની યાદ આવી ગઈ ,હું મને નશીબદાર માનું છું કે મને મારા જીવનના બંને પુરુષો એ સાચો પ્રેમ કર્યો પણ હું કમનશીબ એકને જ સાચો પ્રેમ કરી શકી અને કદાચ મારા આ ગુનાની સજા સૂર્યને મળી હશે કે તે અકાળે આ દુનિયાથી વિદાય થઇ ગયો , આજ વિચારોને કારણે હું ડીપ્રેશન તરફ ધકેલાઈ ગઈ હતી ’’ કહી તે રડવા લાગી

તેને બરડે હાથ પ્રસારતા બકુલ બોલ્યો ’’ તું આમ વિચારીને ઓછુ ના લાવ ,તે મારો પણ ભાઈ હતો અને આપણે તેનું અહીત કદી કર્યું નથી અને વિચાર્યુ પણ નથી ,તેના રહેતા હું કદી તારી નજીક આવ્યો નથી ,આજે તે આપણી વચ્ચે નથી તે બધા નસીબના ખેલ છે , બસ આમ માની હવે તું આવનારી આપણી જીંદગીને હસતા અપનાવી લે ‘‘

અને બીનાએ સમંતી માં હકારમાં ડોકું હલાવ્યું

હવે બીનાના વિઝા પુરા થતા હતા તો વિઝાની આ મુદતમાં વધારવા માટેની અરજી દાખલ કરી દીધી . બસ હવે બકુલ અને બીનાને એક થવાની તારીખ પણ નજીક આવી ગઇ.પેરીશથી બીનાની દીકરી પૂજા અને એનો પતિ આવી પહોચ્યા હતાં..બીનાના સાસુ પણ લંડનથી આવ્યા હતાં..પૂજા આજે બહુ ખુશ હતી કારણ તે જાણતી હતીકે તેની મોમને આજે તેના જીવનની સાચી ખુશી મળવાની હતી ,તે તેના હાથે મોમને સજાવવાની હતી તેનો ઉત્સાહ અને ખુશી જોઈ ઘરમાં બધા પ્રભાવિત હતા કે બીનાની છોકરી બીના જેવીજ સંસ્કારી અને સૂર્ય જેવીજ સમજુ છે ,બહુ સાદાઈ થી બકુલ અને બીનાના લગ્ન પાસેના મંદિરમાં નક્કી કાર્ય હતા ,

બીનાને તેની ઉમરને શોભે તેવા વસ્ત્રોમાં પૂજાએ તેને તૈયાર કરી હતી , આજે મંદિર આખું ફૂલો થી સજાવ્યું હતું ભગવાનની સાક્ષીએ મંદિરમાં વિધિવત રીતે બકુલ અને બીનાના લગ્ન થઈ ગયા.

બીનાને સુંદર રીતે તૈયાર થયેલી જોઇને પૂજાના પતિએ મજાકમાં કહ્યું.’’પૂજા સી’ઇઝ લુકસ લાઇક યોર ઓલ્ડર સિસ્ટર..’’

બધાને ચહેરે એક ખૂશી સભર સ્મિત આવી ગયુ.ફકત એક બીનાના ચહેરે આજે શરમનો ભાવ ઉપશી આવ્યો હતોઅને ગાલો પર લાલી ઉપશી આવી હતી.પૂજાએ એની મમ્મીના બંને ગાલોને ચૂમી લીધાઆને બોલી’’માઇ બ્યુટીફૂલ મોમલુકીંગ ગોર્જિયસ..લવ યુ મોમ..ગોડ બ્લેસ યુ એન્ડ માઇ લવલી ડેડ’’ આટલું બોલતા તેણે ઉપર આભ તરફ નજર કરી કે જાણે દુરથી પણ સૂર્યનો આત્મા ખુશી પોતાની ચમકમાં દર્શાવી રહ્યો એવું લાગ્યુ.

રેખા પટેલ (વિનોદિની )

ડેલાવર (યુએસએ )

હતતપઃ//વાનદ્વદાના૧૩.દ્યદ્વરદપરઇસસ.ચદ્વમ

સમાપ્ત આભાર સાથે

મારો પરિચય રેખા

હું રેખા વિનોદ પટેલ.. છેલ્લા ચોવીસ વર્ષથી હુ અમેરીકા સ્થિત ડેલાવર સ્ટેટ માં રહુ છુ . હું ગૃહીણી અને બે દીકરીઓની માતા છું . લેખન અને સાહિત્યનો શોખ છેક નાનપણથી સચવાએલો છે, તે વખતે વાંચવી, લખવી ગમતી હતી તેમાય વાર્તાઓ વાંચવાનો મને જબરો શોખ હતો .

નાનપણ થી હું માનતી હતી કે ઉત્તમ પુસ્તક જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે

મારા લેખન અને કાવ્યોનો સાચો અધ્યાય આમ જોવા જઇએ તો પાંચ વર્ષ પહેલા ફેસબુકમા આવી ત્યારથી શરૂ થયો..એ સમયગાળામાં ઘણા કવિઓ અને લેખકોને ફેસબુકમા લખતા જોઇને મારી અંદરનો કવિજીવ જાગૃત થયો..મારા પતિ( વિનોદ) ના મજબુત સાથને લઈને હું આજે આ સ્થાને પહોચી છુ.. કાવ્યો અને ગઝલોની સાથે અન્ય લેખો ,નિબંધો અને છેવટે વાર્તા થી શરુઆત કરી આજે નોવેલ લખવા સુધીની સફર પૂરી કરી.

મારી ફેસબુક ઉપર ત્રીજી લખેલી ટુંકી વાર્તા ’’ મારો ખરો ગૃહપ્રવેશ ’’ ને ‘ચિત્રલેખા‘ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું, ત્યાર બાદ ‘‘માર્ગી‘‘ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમા મારી અન્ય વાર્તા ‘રૂપ એ જ અભિશાપ‘ને સ્થાન મળ્યુ હતુ. ત્યાર બાદ ફીલીંગ્સમાં પણ આજ રીતે વાર્તા પબ્લીશ થઈ હતી આમ ઘણી ટુકી વાર્તાઓને આ બધા મેગેઝીનમાં સ્થાન મળ્યું છે.

આજે ફીલિંગ્સ મેગેઝીનમાં અમેરિકા વિશેના અલગ અલગ લેખ ‘‘અમેરિકા અમેરિકા ’’ નામની મારી કોલમ દ્વારા પબ્લીશ થાય છે.અને આજ મેગેઝીન દ્વારા પબ્લીશ સ્પેશિયલ ઈસ્યુમાં જુદા જુદા વિષયો ઉપર લખવાનું મળે છે જે મારી માટે ચેલેન્જ રૂપ હોય છે.

અહી અમેરીકાના અમુક પખવાડીક અને માસિક મેગેઝિનમા પણ મારી કવિતાઓ અવારનવાર પ્રગટ થતી રહે છે......

ફેસબુક દ્વારા મને સાહિત્યની નિસ્વાર્થ ભાવે સેવા કરતા હ્યુસ્ટન સ્થિત શ્રી વિજયભાઈ શાહ ના સહિયારા સર્જન ના ગ્રુપ દ્વારા મારી બે ટુકી વાર્તા ’’ રૂપ એજ અભિશાપ ’’ અને ‘‘લોહીનો સાદ ’’ નોવેલમાં રૂપાંતર થઈ છે. જે હાલ એમેઝોન ઉપર ઉપલબ્ધ છે,

શ્રી વિજયભાઈ શાહની હું આભારી છું તેમની મહેનત અને પ્રેરણાથી હાલમાં મારૂ આગવું પુસ્તક ’’ લાગણીઓનો ચક્રવાત ’’ પબ્લીશ થયું છે , અને આજ સહિયારા સર્જનના ગ્રુપના સાથ સહકાર થી આજે મારૂ ચોથું પુસ્તક ‘‘જીંદગી પ્યાર કા ગીત હૈ‘‘બહાર આવી રહ્યું છે .

વરસોથી દેશથી દુર છુ, છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથીજ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે. હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે

એક સર્જક તરીકે મારૂ માનવું છે કે,ઉત્તમ પુસ્તક જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે તે ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ., પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે..સારાં પુસ્તકો મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે, અને જીવનપંથ પર આગળ વધવામાં આત્મવિશ્વાસ અને સાથ આપે છે..

જેમ જેમ સત્તા,સંપતિ,વઘે તેમ જીવન જીવવાની શૈલી બદલાય છે તેમજ સારા પુસ્તકોના વાચનને કારણે વાણી વિચારોમાં નમ્રતાનો પડઘો પડે છે.અને કીર્તિ પણ આપોઆપ વધે છે તેની માટે દેખાડા કે આડંબરની જરૂર પડતી નથી

મારી ટુંકી વાર્તાઓનો સમૂહ જાણે અવનવા ફૂલોનો ગુલદસ્તો બની એક પુસ્તકના સ્વરૂપમાં ટુક સમયમાં આપ સહુ સમક્ષ આવવા થનગની રહ્યો છે..પરંતુ હાલમાં મારું આ પુસ્તક આપ સહુ વાચકગણ દિલથી આવકારશો તેવી અનુભૂતિ સાથે અર્પણ કરું છું..

આપ સહુ મારા બ્લોગની મુલાકાત લઇને ત્યાં મારા શબ્દોની જુગલબંધીને માણી શકો છો..એ માટે નિચે મુકેલ મારી બ્લોગની લિંક આપેલ છે

હ્યટટષઃ//શ્વણિષ્ડણિિ૧૩.દ્રષ્ત્ડષત્ઈશશ.છષ્હ્મ

રેખા વિનોદ પટેલ

ડેલાવર (યુ એસ એ )

નીચે આપેલ ઈ મેલ આઈડી માં શક્ય બને તો મારી આ વાર્તા વિષે તમારો અમુલ્ય અભિપ્રાય જરૂરથી આપશો

ત્ઈખહ્યસ્શ્વષ૧૩રુઘહ્મસ્ળિ.છષ્હ્મ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED