જમડાદેવનો ટેંબો Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

જમડાદેવનો ટેંબો

જમડાદેવનો ટેંબો

હસમુખ કે. રાવલ

ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં વાર્તા, કવિતા, નિબંધ, અનુવાદ પ્રગટ થતાં રહે છે. ઉપરાંત પુસ્તક અને નેટ પર સતત વાંચનથી મારો શબ્દ સહેજ ઊજળો બન્યો છે. સાંપ્રત ગુજરાતી સાહિત્ય કરતાં વૈશ્વિક ભાષાઓમાં થતું કામ વિશેષ ગમે છે. હારકી મુરાકામી મને ગમે છે, કે. સત્ચિદાનંદનની કવિતા ગુજરાતીમાં ઢાળવાનું કામ આજકાલ ચાલે છે.

***

અરે પંડ્યાજી, મને ક્યાં ઘસડી લાવ્યા છો? આ તો ભરોસાના પંડ્યાએ પોદડો બતાવ્યો. છી છી છી વિષ્ટા.

ક્યાં છે વિષ્ટા?

પેલા ત્રણ જણા પાણી ભરેલાં ડબલાં લઈ બાવળ પાછળ કેમ સંતાય છે? અને આ.

શું?

સાપની કાંચળી. જાળામાં કેવી ફગફગે છે. બાપ રે.

કાંચળીથી ડરવાનું?

કાંચળી હશે તો સાપ પણ હશે ને.

શર્માજી, વગડાના જીવ વગડામાં જ હોય ને. અહીં ટપકતાં મધપૂડાય હોય ને ભટકતાં ભોરિંગ પણ હોય.

પંડ્યાજી ઇતિહાસના અધ્યાપક અને શર્માજી ફોટોગ્રાફર. બંને જણા વીક એન્ડમાં નીકળી પડ્યા હતા. પંડ્યાજીને અજંટાની ગુફા જેવું સંતાયેલું ઇતિહાસનું કોઈ પાનું ઉજાગર કરવાનાં અરમાન હતાં ને શર્માજીને તેના ફોટા પાડી મીડિયામાં છવાઈ જવાના અભરખા હતા.

પંડ્યાજી, સવાર-સાંજ સેંકડો ગાયો આવનજાવન કરતી હતી એ તમારો ગેટ, નચ્યા ગેટ ક્યાં છે?

નચ્યા ગેટ તો સાધારણ લોકો બોલતા. બાકી શિષ્ટ લોકો નચિકેતા ગેટ કહેતા. પ્રકરણ નંબર સાત. ‘ગોધૂલિ’માં તેનું વિગતે વર્ણન છે.

તમે તો સગી આંખે દેખ્યું હોય એમ વાતો કરતા હતા.

મેં પાંચ વખત નોવેલ વાંચી છે. કહો કે ગોખી છે. દસમાં પ્રકરણમાં સાવિત્રી સરોવરની વાત આવે છે લોકો એને સતિયું સરોવર કહેતા. વિવેચકોને તેના વર્ણનમાં કાદમ્બરીના અચ્છોદ સરોવરનો પ્રભાવ વર્તાય છે.

અને હું તમારા વાણીપ્રભાવમાં ઘસડાતો છેક અહીં આવી ગયો. પંડ્યાજી, આ તો વાર્તા કહેવાય. ફિક્શન. બધું કાલ્પનિક.

પણ પ્રસ્તાવના તો કાલ્પનિક ના હોય ને. લેખકે ચોખ્ખું લખ્યું છે. પુસ્તકમાં મારાં ગામ અને આસપાસના પ્રદેશના ઇતિહાસ અને ભૂગોળનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે. વળી મધ્યકાલીન કવિ નરભેરામ પણ તેના ‘યમાખ્યાન’માં ગાય છેૹ

ટીંબે બેઠા જમડાજી રાજી,યમનગરીમાં નિત્યે દિવાળી

નીચે નચિકેતાનો વાસ, સૂતું સાવિત્રી-સ્રોવર પાસ

જળમાં કમળ ક્રીડા કરે,ગોચરે ગાયો ઘણી ચરે.

ઓ કાકકંઠી પંડ્યાજી, ક્યાં છે જળ? ક્યાં છે કમળ? ક્યાં છે ગાયો? ગાયો નહીં તો ગાય બતાવો. અરે, ગાય નહીં તો ઘેટું બતાવો. ડચકારતો રબારી બતાવો. રૂપાળી રબારણ બતાવો. એમના ફોટા લેવા તો લગ્નનો ઓર્ડર જતો કરી વગડો વહાલો કર્યો.

શર્માજી, જરા સમજો. સ્થળ તો જાણે એ જ છે. કાળ જુદો છે. મને તો એમ કે તમનેય મારી જેમ ખંડેરો ખોતરવામાં રસ હશે. તમારી તસવીરોથી મારા આર્ટિકલને ચાર ચાંદ લાગી જશે.

ઠીક છે. તમારી યમનગરી ક્યાં છે?

ટીંબે બેઠા જમડાજી રાજી, યમનગરીમાં નિત્યે દિવાળી. આપણે બેઠા છીએ એ જમડાદેવનો ટીંબો ને ચોમેર વેરવિખેર પડ્યું છે એ યમનગર.

બસમાંથી ઊતર્યા એ ગામનું નામ તો સૌરભનગર છે.

લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યું છે કે સૌરભનગરનું જૂનું નામ સંયમનગર હોવું જોઈએ. હવે મારો તર્ક એમ છે કે યમનગર નામ લોકોને પસંદ ન પડ્યું હોય તેથી કાળક્રમે એનું નામ સંયમનગર થયું હોય અને આ પ્રદેશમાં ફૂલો વધારે થતાં તેથી કાલાંતરે સંયમનગર જ સૌરભનગર તરીકે ઓળખાતું હોય.

અહીં તો આપણે ઠૂંઠા પીપળા નીચે બેઠા છીએ. ફૂલોને નામે ધતૂરા ને બાવળ સિવાય કંઈ નથી.

તોય લોકોને નામ તો સૌરભનગર જ ગમે ને.

હા ભૈ, મેરા ભારત મહાન.

એટલામાં પેલા ત્રણે ડબલાધારી ડોલતી ચાલે નજીક આવ્યા. ચાનું થર્મોસ બંધ કરતાં ચોટીધારી પંડ્યાજીને રૂમાલથી મોં લૂછતા હેટધારી શર્માજીને જોઈ રહ્યા.

શર્માજીએ શરૂઆત કરી.

મિત્રો, તમે લોકલ કે?

એટલે? છોકરાં ગૂંચવાયાં. પંડ્યાજી વારે ધાયા, ‘દીકરાઓ, તમે અહીંના?’ પણ દીકરાઓ ખાતાપીતા ઘરના ને થોડા વંઠેલા. પહેલાએ જવાબ વાળ્યો, ‘ના, અહીંના નહીં. બહારગામના. એસ.ટી.માં આવ્યા. આ ડબલાં લઈને.’ પંડ્યાજી નારાજ થયા, ‘ભૈ, વાંકું કેમ બોલે છે?’ બીજો છોકરો વચ્ચે પડ્યો, ‘એ વાંકા મોઢાળાનો સભાવ જ એવો છે’ ‘ભણો છો?’ ત્રીજાએ જવાબ વાળ્યો, ‘હંઅં. કોલેજમાં ભણીએ છીએ, અમદાવાદ.’ પંડ્યાજીની જિજ્ઞાસા વધી. ‘કઈ કોલેજમાં?’ માથું ખંજવાળતા ત્રીજો બોલ્યો, ‘કોલેજનું નામ તો તલાટીકાકા જાણ. બધાંનાં સર્ટિ. અને ફી એ ઉઘરાવી ગયેલા.’ બીજો બોલ્યો. ‘શાયેબ, પરીક્ષા આપ્પા જવાનું. બાકી રેવાનું ગામમાં ન ભણવાનું અમદાવાદમાં, એ વાત પાકી’.

પંડ્યાજી અને શર્માજી પોતાની પાકટ નજરથી છોકરાંઓને માપતા રહ્યા. પંડ્યાજીએ આગળ ધપાવ્યું, ‘મિત્રો, અહીં નચિકેતા ગેટ ખરો?’ છોકરાં વળી ગૂંચવાયાં. શર્માજીએ વાત સરળ કરી. ‘નચિકા, નચિકો, નચિકું, નચ, નચ્યા કે એવા નામનો કોઈ ગેટ કે દરવાજો કે એવું કંઈ અહીં ખરું?’ બીજા છોકરાને લાઇટ થઈ. ‘હંઅં. નચ્યાદાદાનો પાળિયો સ. આ ટેબા (ટેકરા) પર ચડતાં શેંદૂરી થાપાવાળી મોટી શલ્યા સ એ નચ્યાદાદાનો પાળિયો. ચાંમાહામાં મેળો ભરાય સ. ન ગાંમ આખું નાચ સ.’

ઊભો રે, ઊભો રે. કરંટ લાગ્યો હોય ઓમ પંડ્યાજી ઉછળ્યાને ખિસ્સાનો મોબાઇલ કાઢી કટ કટ કરી છોકરાના મોં આગળ ધર્યો. ‘હવે બોલ બેટા, ફરી બોલ.’

આ નેંચ પેલી મોઓટી શલ્યા દેખાય એ નચ્યાદાદાનો પાળિયો ત્યાં વરહાદમાં મેળા ભરાય, ઉજાણી થાય. લોક નાચ.

પહેલો છોકરો સિગારેટ પીવામાં રત હતો એણે બીજાને ચેતવ્યો, ‘અલ્યા, ધ્યાન રાખ. તન મોબાઇલમાં પૂર સ. પસ પોલીસમાં પુરાઈ દેહે.’ બીજો તાનમાં હતો. ‘જમડાદેવના ખોળામાં રમવું અને બીવું એ કુણે કીધું? નચ્યાવીરની વાત કરતાં ડરઅ એ બીજા. આ મંગો ભાથી નૈ’.

પંડ્યાજીને છીંડું મળ્યું. ‘શર્માજી, શિલાના ફોટા લઈએ.’ ત્રીજાને નવાઈ લાગી. ‘પથરાના ફોટા? ફોટા પાડવા વોય તો અમારા પાડાં ક. બીજો બોલ્યો, ‘આપડ ચ્યાં રણબીર કપુર ક સલમાન ખાન છિયે’. પણ પંડ્યાજી ઉત્સાહમાં હતા. ‘ના ના દોસ્તો, તમારા ફોટા પાડવાના ય ખરા ને છાપવાના ય ખરા.’ પહેલાવાળો ધુમાડો છોડતાં બોલ્યો

‘એ ભાથીવાળા, કઉ સુ, ચેતી જા. છાપે છપાવશે.’ પંડ્યાજીએ ખુલાસો કર્યો. ‘એવું નથી. અમે તો તમારા ગામની જૂની વાતો, ઇતિહાસ જાણવા માગીએ છીએ. ત્રીજો બોલ્યો, ‘અમન તો આજની જ ખબર. જે સ એ તમારી નજર આગળ સ. કાંય ઢાંક્યું ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા પેશાબમાં આળોટતું ધૂળિયું ગાંમ સ. ન આંયથી જૂઆં તો ડાબી બાજુ કબરો ન જમણી બાજુ સમશાંન સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલુ હૂકું, જંગલી ઈમારતી લાકડું રાતદાડો વેરાતું રે સ ન ઈથી જરા નેંચા ઉતરાં તો મહાદેવની નાનકી અપૂજ દેરી આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, માંદલું.’ બીજો બોલ્યો, ‘જૂની વાતો ઘૈડિયાં જાણ.’ ત્રીજો બોલ્યો. ‘ઘૈડિયાં તો કીસઅ પાધરમાં સાક્ષાત જમડાદેવ રે સ. આપડ ઈનાં સોરું, ન એ આપડો બાપ. ઈના ચારે હાથ ગામ પર સ. ગામમાં ભૈનું પગલું ય જોવા નોં મળ. ગોરભા ઈમના નામનો દોરો બાંધ તો તાવતરિયો તો ઠીક સ કેન્સર જેવું કેન્સર પણ કેન્સલ થઈ જાય. મારાં પશીફઈનો એક થાંન દાકતરોએ ચૂંટી લીધેલો. પણ દોરો બાંધ્યો તે હજુય જીવ સ.’ બીજો બોલ્યો, ‘મારા ભા હાત વરહથી કોમામાં પડ્યા સ પણ સ. હાજરાહજૂર. જમડાદેવની કરપા. બીજું હું.’

પંડ્યાજી અકળાયા, ‘ભૈલાઓ, દોરાધાગા નહીં, અમારે તો જૂનું મંદિર, તેની મૂર્તિઓ, શિલાલેખ, સ્થાપત્ય, સંસ્કૃતિ વિશે.’

બીજો બોલ્યો, ‘સંસ્કૃત ન ગુજરાતી એ બધું તો મોહન માસ્તર જાંણ. લ્યો, નસીબદાર સો. ગાડાના રાહ જોતા તા ને મોટર મળી આ બારોટજી આયા. હોં દરદોની એક દવા એટલે બારોટજી. એ રાંમરાંમ, બારોટ બાપા. આવાં, આવાં. પાય લાગીએ બાપા.’

એ રાંમરાંમ, રાંમરાંમ. જમડો બાપો હૌની રખા કરે. ચમ હવાર હવારમાં રસ્તા વચી રાવઠી જમાઈન બેઠા સો?

છોકરાંએ મહેમાનોનો પરિચય કરાવ્યો. બારોટને પોરો ચડ્યો. મૂછે તાવ દીધો. મોટો ખોંખારો ખાધો ને વાણી વહેતી કરી.

અરે ધન ઘડી ધન ભાગ. અમારા ગામમાં તમારા જેવા વિધવાન મેમાન ચ્યાંથી? ભલ્લા આયા, ભા. જમડો દેવ હૌનું કહોળ કર. તો વાત કેતાં વાત ઈમ સ ક આ ગામ વેદવારીનું સ ઈ વાતમાં જરાય મીનમેખ નથ. ભંમા-વિશ્નુની જેમ અમારા જમડાજીને ય ચાર હાથ. તૈણ હાથે તારઅ ન ચોથા હાથે માર. માભારતમાં વિયાસજી એક પરસંગ લખવો ભૂલી જ્યા સ. તે એ ક યુદ્ધ પહેલાં કૃષ્ણ કુંતાજી ન યુધિષ્ઠિર આ ટેંબા પર આયેલાં. ન જમડાજીન નમેલાં. જમડાજીએ તૈણાંના માથે તૈણ હાથ મૂકી આશરવાદ દીધા. પછ આયો દુર્યોધન. અભિમાનથી ભરેલો. એણે જીદ કરી ક દેવ નેંચ તળેટીમાં આવી આશરવાદ આપ. હવ તમે જ કાં, બેટા થઈન આસરવાદ લેવાય. બાપ થઈન ઓસા લેવાય? તે દેવે ચોથો હાથ ઈના માથે મૂક્યો. બોલાં મેમાનો, મારી વાત ખોટી હોય તો પાશી આલજો. મન જરાય ખોટું નૈ લાગ. બોલાં, બીજું હું કઉં?

અહીં યમ ટેમ્પલ હતું?

હતું જ ન, બાપા. જમડા બાપાના ટેમ્પલના જશ ચારેકોર ગવાતા. ઈના શિખરનાં અજવાળાં શિધપુરના રુદરમાળ પર પડતાં. ન ઝાલરુંનો રણકાર પાટણની પનિહારીઓ હાંભળતી. ઈમ અંગરેજો કે'તા. અર, માભારતવાળી વાત હાંભળી અકબર-ઔરંગજેપ નીચી મૂંડીએ આવી દેવને કગરેલા, દેવન તો બધાં ય સોરાં હરખાં. એ તો હરખથી ભેટ્યા ન આશરવાદ દીધા. એનોય એક સમો હતો. તો આજનો ય એક સમો છે. બાપ, કાલ કાલ હતી તો આજ આજ સ. એકબીજાના વાદ નોં લેવાય. બેનીય પૂજા કરાય.

બારોટની સરસ્વતીના પૂરમાં પંડ્યા-શર્માનો ઘસડાયા સિવાય છૂટકો ન હતો. તણાતાં તણાતાં ય અધ્ધર શ્વાસે પંડ્યાએ પ્રશ્ન કર્યોૹ ટેમ્પલ હોવાના પુરાવા એટલે કે સ્થાપત્ય, મૂર્તિઓ, શિલાલેખ, પોથી-પાંદડાં કંઈક તો?

ફૂટેલા કોડિયાનાં ઠીકરાંના પુરાવા તો મું અભણ માંણહ હું આપું? મું તો કોડિયું નહીં, કોડિયાનું અજવાળું જોનારો માંણહ. અજવાળું ભાળું. મારો બાપ આજ શરીરથી નથ. પણ મારા હિવડામાં એવોન એવો જ સ. મિલિટેય વિહરાતો નથ. એવું જ તમારા ટેમ્પલનું સ. તમે બહાર, વસ્તુઓમાં ગોતો સો. અમે હિવડામાં તીરથ માણીએ સીએ. મારા શાયેબો, ઈંટ-મટોડાંમાં હું ભર્યું સ? ગામના એકેએક માંણહમાં જમડો દેવ ધબક સ ક નૈ.એ જુઆં ન. અમારા જ ગાંમમાં માધેવની દેરી અપૂજ પડી સ. કોઈ ઈના હાંમે તાકતું ય નથ. એ હાચી ન હાજરાહજૂર જમડા દેવના પુરાવા હોગવા પડ? નચ્યાગેટ ચાં સ? એક પથરો સ. પણ ગામન આસ્થા સ. ઈની કરપાથી ગામમાં કહોળ કહોળ સ. સાવિત્રી સરોવર કોઈ રાજાએ બંધાવેલી રાણકીવાવ નથ. ઈમાં નથ નકશી ક નથ ઘાટ. બાપડું કુદરતી તળાવડું સ. પણ ઈના સતની વાત કાંય ઓર જ સ હાં, મારા વાલિડા. મંદિર તૂટ્યું, દરવાજા ભાંગ્યા પણ સરોવર તો જળનો અખૂટ ભંડાર. આકરામાં આકરા દુકાળમાંય એનાં પાણી હુકાયાં હોય એવું હૌંભળ્યામાં નથ. આયા સાં તો બાપલા, ઈમાં નાતા જજો. ખોળિયું પવિતર થૈ જહેં

મૌન છવાયું.

શર્માજીની આંગળીઓ કેમેરા પર સળવળ્યા કરી. એમને થાય બારોટની છટાઓ તો કેમેરામાં કંડારી પણ એની વાણીના ફોટા કેમના પડાય? પંડ્યાજીનો મોબાઇલ ચૂપચાપ બધું સાંભળતો હતો. તક મળતાં પંડ્યાજીની જીભ સળવળી.

વાત એમ છે કે

જૂઆં બાપ, કાલ કાલનો કકળાટ છોડી દ્યો. કાલના અંધારિયા પેટમાં બધું હમાય. એક અજવાળું નોં હમાય. લાખો વરસનાં અજવાળાં લઈ આજનો સૂરજ ઉગ સ. કઉ સુ એ ધ્યાંન દઈન હાંભળાં. આ જમડાદેવના આંગણેથી હવારે નેંકળ્યા છિયે. તો આજની તડકીછાંયડીને વા'લ કરાં. ઈની હારે રમાં, ઈન રમાડાં ને ઈમાં રમમાંણ રહાં હાંજે પાસું આંય જ આવવાનું સ. પસ વાજાં વગાડતા આવાં ક થાકીહારીન આવાં. અમાર તો ગાંમમાં કુણું મૈણું વોય ક પાકું. વાજતાં ગાજતાં જમડાદેવના ખોળામાં પધરાવાનો રિવાજ સ. એટલામાં બધું આઈ જ્યું. જમડોદેવ તમારી રખા કર ન એયન આખી દનિયાંમાં કહોળ કહોળ કર. મેમાંનો, ગળું હુકાય સ. પાંણી હોય તો

બારોટે પાણી પીધું. એટલામાં એક ટ્રેક્ટર આવ્યું ને બાજુમાં કચરો ઉલાળી ચાલતું થયું.

ધૂળ ધૂળ. બારોટથી ન રહેવાયું.

નખોદિયા, તારું બેટ જાય. જીવતાં માંણહ નથ દેખાતાં? જરા આઘો મૂઓ હોત તો?

ધૂળ ઓછી થઈ. પંડ્યાજી કચરામાં પડેલા મેટરનિટી હોમના ગાભા ને મરેલા કૂતરાનાં આંતરડાં જોઈ રહ્યા.

શર્માજી તૂટેલાં રમકડાં જોઈ રહ્યા. સુપરમેન, સ્પાઈડરમેન, આયર્નમેન, બાર્બી ડોલ, કાર, વિમાન, બંદૂક ને ઘણું બધું. શર્માજીના કેમેરાએ તેમના ફોટા લીધા.

બારોટ બોલ્યા

હમણાં રોલર આવશે. બધે ફરી વળશે ને થઈ જશે બધું સપાટ. પછ વરહાદના ચાર છાંટા પડવાની વાર. આ રુખડો ટેંબો લીલોછમ થઈ જશે. ન ગોચરમાં ધોડ્યા આવશે પેલા હિજરાત કરી ગયેલા હિજરાતા માલધારીઓ ન ઈમનો માલૹ ગાયો, ભેંહો, બકરાં, ઘેટાં. બેહાં બાપ, માર તો હાંમા ગાંમ જવું સ ન તડકો છ. લ્યાં તમારા પગલે આભલામાં પેલ્લી વાદળી ડોકાંણી. અલ્યા ઓ છોકરાંઓ, મેમાંનન ભૂશ્યા જવા દેવાના નઈ. અન્નક્ષેત્રમાં લઈ જજો. ભૂલતા નહીં લ્યાં રાંમરાંમ.

ગઈ કાલને જોવા આવેલા પંડ્યાજી ને શર્માજી આજમાં રમતા રહ્યા.