પરમ સખા Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ સખા

પરમ સખા

નીલમ દોશી

ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો. દીકરોવહુ તો સાથે જ હતાં. દીકરીજમાઈ પણ આવી પહોંચ્યાં હતાં. આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ હતો. છોકરાંઓએ માની ષષ્ઠિપૂર્તિ ઊજવવાની જોરદાર તૈયારીઓ આદરી હતી. મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઈ માન્યાં નહોતાં. હવે આ ઉંમરે જન્મદિવસના ઉધામા શા? મંજરીએ તો હસીને કહ્યું હતું,

બેટા, આજ સુધી મારી ઉંમરમાં બે- ચાર વરસ ઓછા કરીને કહી શકતી. હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઈ હવે સાઠ વરસની ડોસી થઈ ગઈ છું. તમારે એની જ જાહેરાત કરવી છે ને? કે મારી મા ગમે તેટલાં વરસો કહે પણ એ પૂરા છ દાયકા વીતાવી ચૂકી છે.

મંજરીએ મોં બગાડતાં કૃત્રિમ ગુસ્સો કર્યો.

અને બધા ખડખડાટ હસી પડ્યાં હતાં.

યસ, અંશુ, મમ્મીની આ વાત સાવ સાચી છે. હવે એને આ તકલીફ પડવાની. આપણે એનો તો વિચાર જ ન કર્યો? હવે એ બિચારી બેચાર વરસ ઘટાડી નહીં શકે? આપણે આ પોઇન્ટથી તો વિચાર જ ન કર્યો.

ઓકે. પપ્પા, તો આપણે ફકત મમ્મીનો જન્મદિવસ છે એટલું જ કહીશું. સાઠમો છે એ કહીશું જ નહીં. પુત્રવધૂ આરતીએ ટહુકો કર્યો.

યસ, આમ પણ મારી મમ્મી તો આ ઉંમરેયે ચાળિસ જેવી જ લાગે છે. દીકરી કેમ પાછળ રહી જાય?

એય, તાની, આ ઉંમરે એટલે? એમ કહીને તેં મારા મમ્મીજીને સંભળાવી તો દીધું જ ને?

આરતી, તારા મમ્મીજી, પણ મારી તો મમ્મી, મારી એકલીની.

તાની, સોરી, પહેલાં મારી મમ્મી હોં. પહેલાં હું આ ઘરમાં આવ્યો હતો અને પહેલી વાર મેં મમ્મી શબ્દ ઉચ્ચાર્યો હતો. માટે મારી એકલીની એવો શબ્દ તો ઉચ્ચારતી જ નહીં. તારો નંબર તો હંમેશાં બીજો જ. તું બે નંબરી.

અંશુ બહેનને ચીડવવામાં પાછળ પડે તેમ નહોતો.

તમે બંને રહેવા દો. જુઓ હું આ ઘરની પુત્રવધૂ અર્થાત્ પુત્રથી વધારે એવી વધૂ. એટલે સૌથી પહેલો હક મારો.

આરતી, હક જમાવવામાં આમ પણ તારો જોટો જડે એમ નથી. આ ઘરમાં સૌથી છેલ્લે આવીને પહેલો હક જમાવવો છે.

ખાસ્સી વાર હસીમજાકનો આ દોર ચાલુ રહ્યો. ત્યાં નાનકડી જિયા અને જિનલ આવી અને મંજરીને વળગી પડી.

મંજરી હસી પડી.

તમારાં બધાંની આ વાત ખોટી છે. હું તો સૌથી પહેલાં મારી આ પરીઓની. જિનલ અને જિયાની. કહેતા મંજરીએ જિયાને તેડી લીધી. અને જિનલની આંગળી પકડી.

લો હવે બધાંના હકદાવા રદબાતલ. હવે આમાં કોઈનું ચાલવાનું નહીં. મારો તો વારો જ ન આવ્યો.

અનિકેતે પત્ની સામે જોતા કહ્યું.

પપ્પા, તમે તો મમ્મીના ચમચા છો.

હવે અંશુ અને તાન્યા. ભાઈબહેન એક થઈ ગયાં.

બધાં ખડખડાટ હસી પડ્યાં. જિનલ અને જિયા કશું સમજયા સિવાય તાળીઓ પાડવા લાગ્યાં.

દાદી, તમે પણ આમ ક્લેપ ક્લેપ કરો. જિયાએ દાદીના બે હાથ પકડીને દાદીને શીખવ્યું.

બધાં અમારી જેમ ક્લેપ કરો. હાસ્યના ફુવારા વચ્ચે બધાંની તાળીઓના ટહુકા ભળી રહ્યા.

આજે જમવામાં મમ્મીની પસંદગીનું મેનુ છે.

પણ મારો બર્થ ડે તો હજુ કાલે છે. આજે તમને બધાંને ભાવે એવું બનાવો.

મમ્મી, આજે બર્થ ડેનું પ્રી લંચ છે. રિહર્સલ. આગોતરી ઉજવણી. જે કહે તે. અને આ બે દિવસ તારે અમને ફોલો કરવાનું છે. ઓકે?

ઓકે. બાબા ઓકે. ખુશ?

ધેટસ લાઇક અ ગુડ ગર્લ. આઇ મીન માય ગુડ મોમ.

નો પાપા. માય ગુડ દાદી. પાંચ વરસની જિનલ બોલી ઊઠી.

અને ત્રણ વરસની જિયા તો જિનલની પૂરી કોપી કેટ.

માય ગુડ દાદી.

નો તારી ગુડ નાની. એમ કહેવાય.ઓકે?

ઓકે. આપણા બેયની નાની.

હાસ્યનાં વાદળો મન મૂકીને વરસતાં રહ્યાં.

પપ્પા, તમે આજે મમ્મીને પિક્ચર જોવા લઈ જાવ. કાલે તો એવો સમય નહીં મળે.આજે અમે તૈયારીમાં બિઝી રહેવાનાં. સમ સ્પેશિયલ પ્રોગ્રામ.

અને હા, પપ્પા, તમારી પસંદગીનું ફાઇટિંગવાળું પિક્ચર નહીં હોં.

મમ્મીને ગમે એવું ક્લાસીક મૂવિ

એટલે કે રોવાધોવાવાળું એમ જ ને?

નો પપ્પા. આજનાં બધાં ક્લાસીક મૂવિ કંઈ રોવાધોવાના નથી હોતા. એ જમાના ગયા.

ના. મારે મૂવિ જોવા નથી જવું. એના કરતાં હું ને પપ્પા, જિયા અને જિનલને લઈને સાંજે સરકસ જોવા જશું. હમણાં સરકસ આવ્યું છે ને છોકરીઓને મજા આવશે.

પણ મમ્મા, આજે તમારી ચોઇસનું.

મંજરીએ દીકરીને વચ્ચે જ અટકાવી,

મારી પહેલી ચોઇસ તો મારી આ દીકરીઓ છે. તેની તમને ખબર છે ને?

તાની, હવે આ વાતમાં તારી મમ્મી નહીં માને. એની આપણને બધાને ખબર છે. મને પણ એ ગમશે. તો સાંજનો અમારો પ્રોગ્રામ પાક્કો.

અનિકેત પત્ની સામે સ્મિત વેરી રહ્યો.

ઓકે પપ્પા, હું હમણાં બહાર જવાનો છું ત્યારે ટિકિટ લેતો આવીશ.

ઓકે.

અને આજે મમ્મીની પસંદગીનું મેનુ છે અર્થાત્ ખીચડી, કઢી, રોટલા, ઓરા, છાશ, પાપડ અને સલાડ. પૂરું કાઠિયાવાડી મેનુ બરાબર?

યસ. આજે પ્યોર દેશી ખાણું.

સાથે તમને અને આ છોકરીઓને ભાવે એવું પણ કંઈક બનાવજો હોં.

એ બધું અમારા ચાર્જમાં છે. યુ નીડ નોટ વરી. મમ્મા.

ત્યાં અનિકેતનો ફોન વાગતા બધા વિખેરાયા. અને પોતપોતાને કામે વળગ્યા.

ઘરમાં ઘણી વાર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો તેથી અનિકેત બાલ્કનીમાં ગયો.

મંજરી જિયા, જિનલને વાર્તા કરવામાં ગૂંથાઈ હતી.

ફોન પૂરો કરી અનિકેત ઘરમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત ગાયબ હતું. તેની જગ્યાએ ગંભીરતાએ સ્થાન લીધું હતું

મંજરી, ચાલ, આપણે બહાર જવાનું છે.

બહાર? અત્યારે? કયાં?

અનિકેત બેપાંચ ક્ષણ પત્ની સામે જોઈ રહ્યો.

જવાબ આપવો પડે એમ હતો.

મારા એક મિત્રને અકસ્માત થયો છે. હોસ્પિટલમાં છે. તેની પાસે બીજું કોઈ નથી. તાત્કાલિક જવું પડે એમ છે.

કયો ફ્રેંડ? ત્યાં તમે એકલા જઈ આવો. મારું શું કામ છે?

મંજરી પ્લીઝ. કોઈ સવાલ કર્યા સિવાય મારી સાથે નહીં આવી શકે? જરૂરી હોય તો જ કહેતો હોઈશ ને?

ત્યાં દીકરો, દીકરી બધાં આવી ગયાં.

પપ્પા, તમે એકલા જ જઈ આવો. મમ્મી ત્યાં આવીને શું કરશે? મમ્મી, તમારા ફ્રેન્ડને કયાં ઓળખે છે?

પપ્પા, કયા મિત્રને, કઈ જગ્યાએ અકસ્માત થયો છે?

એ મિત્રને તમે કોઈ નથી ઓળખતા.અમેરિકા રહે છે. બે દિવસ પહેલાં જ અહીં આવ્યો હતો. અને આજે સુરેન્દ્રનગર પાસે અકસ્માત થયો છે.

ઓહ. એટલે તમારે અમદાવાદથી ત્યાં છેક જવું પડશે? તેના બીજા કોઈ સગાં અહીં નથી? આજે ન જાવ તો ચાલે એમ નથી? બધો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ જશે.

ના. જવું પડે એમ છે. અને મમ્મી પણ મારી સાથે આવશે. હવે વધારે સવાલ- જવાબ કર્યા સિવાય મંજરી જલદી તૈયાર થા. આપણે નીકળવાનું મોડું થાય છે.

મંજરીને થયું ગયા સિવાય ચાલશે નહીં. આ વળી કયો મિત્ર પાતાળમાંથી ફૂટી નીકળ્યો?

ઓકે. હું કપડાં બદલીને આવું છું.

કહેતા મંજરી તેના રૂમમાં ગઈ. તેની પાછળ અનિકેત પણ ગયો.

મંજરી, આજે આ યલો કલરની સાડી પહેરને. કેટલા સમયથી હું લાવ્યો છું પણ તેં કદી હાથ નથી અડાડ્યો.

યલો? અત્યારે કંઈ સાડીના કલરની પસંદગી કરવાની છે?

વાત શું છે? અનિકેત મને કંઈક વિચિત્ર લાગે છે બધું.

અનિકેત એકાદ ક્ષણ મંજરીની આંખોમાં ન જાણે શું નીરખી રહ્યો. પછી હળવેથી બોલ્યો.

મંજરી, અનીશને અકસ્માત થયો છે.

અનીશ? મંજરીની ભીતર જાણે સુનામીનાં મોજાં ઊછળી આવ્યાં.

અનિકેતના મોઢામાં અનીશનું નામ? જે નામને પોતે કદી હોઠ સુધી પહોંચવા નથી દીધું એ નામ અનિકેત પાસેથી?

મંજરી આખ્ખેઆખ્ખી થરથરી ઊઠી.

અત્યારે? આ ક્ષણે? જે અનીશ તેની ભીતરના કોઈ ઊંડા, અજાણ્યા ખૂણામાં વરસોથી અડ્ડો જમાવીને ચૂપચાપ બેઠો છે. એ આજે કેવી રીતે બહાર આવ્યો? અને તે પણ પતિને હાથે? અર્થાત્

મંજરી અનિકેતની સામે જોઈ રહી કશુંક ઉકેલવા મથી રહી.

મંજરી, અત્યારે બધી વાત કરવાનો સમય નથી. રસ્તામાં કહું છું. તું અત્યારે જલદી કર. બહું મોડું થઈ જાય એ પહેલાં આપણે પહોંચવાનું છે.

મંજરી, બને તો પેલી યલો કલરની જ પહેર ને! અનીશને સારું લાગશે. તું કપડાં બદલી લે ત્યાં હું પણ બે મિનિટમાં ફ્રેશ થઈને આવું પછી નીકળીએ કહેતો અનિકેત ઓરડાની બહાર નીકળી ગયો. કદાચ મંજરીને થોડી સ્પેસ, મોકળાશ આપવા માગતો હતો. આ પળે મંજરીને એના આગવા, નાનકડા એકાંતની જરૂર હશે. ઠલવાવા માટે તેને એ મળવું જ જોઈએ.

હાથમાં પીળી સાડી લઈને મંજરી સ્તબ્ધ બની ઊભી રહી.

અનિકેતને બધી ખબર છે? ક્યારથી? આજ સુધી પોતાને કોઈ અણસાર સુધ્ધાં નથી આવવા દીધો.

સોનેરી પીળો. અનીશનો સૌથી પ્રિય રંગ. એ રંગનાં વખાણ કરતા એ કદી થાકતો નહીં. મંજરીએ ધ્રૂજતા હાથે સોનેરી પીળા રંગની સાડી કાઢી. પહેરતાં પહેરતાં આખા અસ્તિત્વમાં જાણે એક ઝણઝણાટી ફરી વળી. ને કાનમાં પડઘાઈ ઊઠ્યા અનીશના વરસો પહેલાંના શબ્દોૹ

મંજરી, આ તો ઊઘડતા સૂરજનો રંગ. એના ઉજાસમાં અનેક પ્રતિબિંબો આપોઆપ ઊઘડી રહે. તું સોનેરી પીળી સાડી પહેરે છે ત્યારે મને હંમેશાં એમ જ લાગે કે સૂરજનો રંગ લઈને જાણે કોઈ પરી સીધી આકાશમાંથી ઊતરીને મારે આંગણે આવી છે. ઝગમગ સૂર્યનાં કિરણો જેવી દેદીપ્યમાન બની રહે છે તું. મારું ચાલે ને તો હું તારા દરેક કપડાં આ એક જ કલરના લઉં. સોનેરી પીળો રંગ એ તારી પહેચાન બની રહે. સૂરજની જેમ.

વરસો પછી આજે મંજરીએ પીળા રંગની સાડી હાથમાં લીધી હતી. આજે પણ રૂંવે રૂંવે રોમાંચ ફૂટી નીકળ્યો.

નસીબ તેને અનીશને બદલે અનિકેતને ઘેર લાવ્યું હતું. અનિકેતની સહૃદયતા જોઈને ઘણી વાર મન થતું કે અનીશને પોતાના પહેલા પ્રેમની બધી વાત કહીને ખાલી થઈ જાઉં. ઠલવાઈ જાઉં. પણ બધાની સલાહ તેને રોકતી રહી. મંજરી, એવી ભૂલ ન કરતી. ક્યારેક એ ભારે પડી જાય. પુરુષની જાત રહી વહેમીલી. કઈ પળે શંકાની કોઈ નાનીશી ચિનગારી તારા સુખી સંસારમાં આગ લગાડી દે. માતાપિતાએ, મિત્રોએ બધાએ એ સલાહ વારંવાર ગણીને ગાંઠે બંધાવી હતી. આજ સુધી ક્યારેય પોતે એ ગાંઠ છોડવાની હિંમત કરી શકી નહીં.

અને આજે. અચાનક. સાવ અચાનક એ અનાવૃત થઈ ગઈ હતી. પૂરા ચાર દાયકા પછી સાવ અચાનક કોઈએ તેના ભીતરનાં વસ્ત્રોને ખેંચીને જાણે તેને ઉઘાડી કરી દીધી હતી.

શરૂઆતનાં વરસોમાં અનિકેતમાં અનીશને કલ્પીને જ જીવાયું હતું. બાજુમાં અનિકેત હોય અને ભીતરમાં અનીશ શ્વસતો રહેલો. કદીક પોતે અનિકેતને અન્યાય કરે છે એવી અપરાધભાવના પણ ઘેરી વળતી. પણ મનના ખેલ તો હંમેશાં નિરાળા જ રહ્યા છે ને? મન આગળ ભલભલા મજબૂર બની રહેતા હોય છે તો તેનું શું ગજું?

પણ ધીમે ધીમે પતિના અપાર સ્નેહને લીધે અનીશ આપોઆપ અનિકેતમાં ઓગળતો ગયો. બંને અસ્તિત્વ જાણે એકાકાર બની ગયા. મંજરી પૂરી અનિકેતમય બની રહી.

અનિકેતે કદી કોઈ લપ્પનછપ્પન કરી નથી. સાવ સરળ વ્યક્તિત્વ. બધી વાતનો સ્વીકાર. શરૂઆતમાં પોતે ભીતર ન ખોલી શકી. અને પછી એવી જરૂર ન અનુભવાઈ. હવે મંજરી માટે અનિકેત એ જ તેના જીવનનું એકમાત્ર સત્ય. વર્તમાન, ભૂત, ભવિષ્ય. બધું એકમાત્ર અનિકેત.

સૂરજવર્ણી સાડી શરીર પર યંત્રવત્ વીંટાતી રહી. સાથે. મનના તાણાવાણા ઉકેલાતા હતા કે વીંટાતા હતા એ સમજાતું નહોતું. બસ. અનિકેતે આ સાડી પહેરવાનું કહ્યું હતું અને એ પહેરશે. અનિકેત જે કહેશે એ કરશે. એ જ એકમાત્ર સત્ય.

થોડી વારે બંને કારમાં બેઠાં. અનિકેતે ગાડી ભગાવી. હજુ સુધી મૌનનો પરદો અકબંધ હતો. અનિકેત શું કહેશે? શું બોલશે? એવો વિચાર આવતો હતો. પણ કોઈ ફફડાટ નહોતો. સાવ અચાનક, અણધારી રીતે અનાવૃત થવાથી બેપાંચ ક્ષણ ફફડાટ અવશ્ય જાગ્યો હતો. પણ એને શમી જતા વાર નહોતી લાગી. અનિકેત જે પૂછશે એના સાચા જવાબ જ આપશે.વરસો પછી એક અતીતના દરવાજાઓ ખોલવા અણગમતા જ બની રહેવાના. પણ એ સિવાય કોઈ ઉપાય પણ નહોતો. વહેલોમોડો અનિકેત એક વાર કુતૂહલ ખાતર પણ પૂછશે તો ખરો જ ને?

અનિકેતને અનીશની જાણ છે. એના પ્રિય રંગની સુધ્ધાં જાણ છે. એનો અર્થ શું? એ અનીશને ઓળખે છે? ક્યારથી? કેવી રીતે? અનીશ ઠીક તો હશે ને? અનેક તર્ક, શંકા, પ્રશ્નો ખળભળાટ મચાવતા રહ્યા. પણ કશું પૂછવાનું મન ન થયું. મૌન ઓઢીને એ બેસી રહી.

અનિકેતે ડ્રાઇવિંગ કરતાં કરતાં તેના હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂક્યો.

મંજરી, તારા મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હશે. મને કેમ, ક્યારે જાણ થઈ?

મંજરી, સોરી, એક વાર મારા હાથમાં અનીશનો પત્ર આવી ગયેલો. ને હું વાંચ્યા સિવાય નહોતો રહી શક્યો. કોઈ શંકાને લીધે નહીં. માનવસહજ કુતૂહલ માત્ર. અને મેં તારી જાણ બહાર, એ વાંચી લીધો હતો. એમાં છલકતી તારી પીડાનો એહસાસ કરી શક્યો હતો. પણ ત્યારે અંશુ તારા ગર્ભમાં હતો એટલે કશું કહેવું કે પૂછવું યોગ્ય ન લાગ્યું. એમ જ સમય પસાર થતો રહ્યો. તારા અતીત સાથે મારે કોઈ સંબંધ ન હોય. એના પર ફકત તારો જ અધિકાર હોઈ શકે. તારી અંગતતાનો પૂરા આદર સાથેનો એ સ્વીકાર હતો. મારે મન એ જ પ્રેમનો સાચો અર્થ હતો. મારે ફકત પતિ જ નહોતું બનવું. મારે તો બનવું હતું તારો પરમ મિત્ર. તારો સખા.

એક દિવસ બિઝનેસ ટૂરમાં હું ને અનીશ મળી ગયા હતા. હું તેને ઓળખતો નહોતો. તેની નિખાલસતા મને સ્પર્શી ગઈ હતી. થોડા સમયમાં અમે ખાસ મિત્રો બની ગયા હતા. એક દિવસ અનીશે એની ભૂતપૂર્વ પ્રિયતમાનો ફોટો મને બતાવ્યો. અનીશ ધરાઈને તારી વાતો કરતો. હું થાક્યા સિવાય સાંભળતો રહેતો.

અને.

મેં તેને કદી જાણવા ન દીધું કે એની મંજરી મારી પત્ની અને મારાં બે બાળકોની મા બની ચૂકી છે.

બસ. એ તેનો પ્રેમ, પીડા ઠાલવતો રહ્યો. નિર્દોષ ભાવે. એણે તારે માટે થઈને લગ્ન નહોતા કર્યાં. થોડાં વરસ અમેરિકા ચાલ્યો ગયો હતો. તમારાં લગ્ન શા માટે ન થયા. હું એમાં કેવી રીતે પ્રવેશી ગયો એ ત્યારે સમજાયું.

અને આજે આ અકસ્માત? મને થયું અનીશને મળવા તારે જવું જ જોઈએ.

બસ. મંજરી. તારી પીડાનો મને અંદાજ છે. પણ

મંજરીની આંખો વહેતી રહી.અનિકેતના, પરમ સખાના હાથના હૂંફાળા સ્પર્શની શાતા તેના અસ્તિત્વને વીંટળાઈ વળી. અને કાર ફુલ સ્પીડમાં હોસ્પિટલ તરફ દોડી રહી.