વરસાદ અને વિમાન
કિરણ વી. મહેતા
“આ ચા ઠરી ગઈ પપ્પા, તમે હજુ પીધી નહીં?” પુત્ર નિહારની પત્ની નિયા ઓસરીમાં ટિપાઈ પર પડી રહેલા ચાના કપને જોઈને બોલી.
પપ્પા ઓસરીમાં હથેળીના ટેકે ચહેરો ટેકવીને બેઠા હતા. એ નિયાનો અવાજ સાંભળીને એકાએક જાગ્યા, “હા બેટા, હું ચા પીવાનું જ ભૂલી ગયો!” એમ બોલતાં એમણે ચાનો કપ ઉઠાવ્યો.
“ચા તો ઠરી ગઈ છે પપ્પા, મેં તમને ચા આપ્યાને ય કલાક-દોઢકલાક થઈ ગયો. લાવો ફરીથી ગરમ કરી આપું,” એમ કહી નિયા એમની પાસેથી ચાનો કપ લઈને ઘરમાં ગઈ.
મધ્યાહ્નથી વરસાદ ચાલુ હતો, એ હવે ધીમો પડ્યો હતો. ઊંચા ટાવરની ઉપર ભીંતોની આડશે બેઠેલાં કબૂતરો શાંત અને સ્થિર હતાં, ચણવા ગયેલા પોપટો આછા વરસાદમાં ખૂબ જોશથી પાંખો ફફડાવતા પોતાનાં રાતનાં સ્થાનો તરફ પાછા ફરવા લાગ્યા હતા, એમના પોપટી કલરવો હવામાં ફુગ્ગાઓની જેમ તરતા હતા. સામેના મકાનના છજા નીચે બારીના સળિયા પર ત્રણ કાબરો બેઠી હતી અને વરસાદ ઓછો થયાની ખુશી જાહેર કરતી હોય, એમ એમની રાયણના ફળ જેવી ચાંચોથી જોરજોરથી કલબલવા લાગી હતી. પપ્પાને યાદ આવ્યું, મમ્મી, પપ્પાની પત્ની, કાબરોને બહુ પસંદ કરતી એ કાબરોને દાણા નાખતી, ભેગી થયેલી કાબરોના કલશોરથી એનું હૃદય પણ કલરવી ઊઠતું. મમ્મી પણ ભોળી કાબર જેવી જ હતી, ઠસ્સાથી ચાલતી, કલબલાટ કરતી!
ગોરંભાયેલું ગગન વિખેરાતું જતું હતું. વર્ષાના સઘન આશ્લેષમાં સમાઈ ગયેલો સૃષ્ટિનો નાનેરો ટુકડો આશ્લેષમાંથી ધીમે ધીમે છૂટીને પુનઃ અળસિયાની માફક સળવળવા લાગ્યો હતો. પપ્પાના દિલમાં પણ ઘણું બધું સળવળ સળવળ થઈ રહ્યું હતું, પપ્પા એ સળવળાટમાં ડૂબી ગયા હતા અને એથી જ ચા પીવાનું ભૂલી ગયા હતા. એમને સ્થિર બેસી રહેલા જોઈને જોનારને અવશ્ય પ્રશ્ન થાય કે જીવતોજાગતો આ માણસ શિલ્પની જેમ ક્યારનોય સ્થિર બનીને શા માટે બેસી રહ્યો હશે? ઘણી વરસાદી બપોરે પપ્પા સ્થિર, મૂર્તિવત્ બનીને બેસી રહેતા, અજાણ્યાને એનું કારણ ખબર ન હોય, એટલે એ પપ્પાને દિવાસ્વપ્નવિહારી કે વિચારવિહારી સમજે, પરંતુ, નિહારને ખબર હતી કે, પપ્પા —
પપ્પા મમ્મી સાથે ભારતભરમાં ફર્યા હતા. મમ્મીને ફરવાનો બેહદ શોખ હતો. કેટકેટલાં દૃશ્યો-પ્રતીતિઓ મનની જમીન પર એમનાં પદચિહ્નો મૂકતાં ગયાં હતાં! જંગલોમાં નદીઓનાં જળની સ્ફટિકીય પારદર્શકતા, ગુફાઓનું નીરવ ભૂખરું અજવાળું, પર્વતોની ઊંચી ડરામણી ચટ્ટાનો પર ચરી રહેલી બકરીઓની બેફિકરાઈ, લીલા રંગના પર્વતો પર પથરાયેલા પર્વતોના જ પડછાયાઓના બહુકોણીય ટુકડાઓ, ઘાસ વચ્ચે ક્યાંક દેખાઈ જતી બદામી માટી, ચોવીસ કેરેટના તડકામાં પ્રફુલ્લિત લાગતી લીલી, પીળી, સફેદ, પોપટી, મરુન, મોસંબી રંગની વનસ્પતિઓ, સૈનિકો સરખાં સાવધાનની મુદ્રામાં ઊભેલાં તોતિંગ તરુઓની હારમાળાઓ, લાંબી પર્વતમાળાઓને કારણે ઝીગઝેગ આકારે કોરાઈ ગયેલી ક્ષિતિજો, પાણીના પ્રપાતનો એકસરખો એકધારો આવતો અવાજ, તમરાંઓનું એકશ્વાસે ગૂજતું સંગીત, ઊંચાં ઘાસમાં દોડીને અદૃશ્ય થઈ જતાં થરકતી ચામડીવાળા ગેંડાઓ, જળકાંઠે નિરાંતે લંબાઈને પડેલા આળસુ મગરો, મંદિરોના ગર્ભગૃહોનું આધ્યાત્મિક મૌન, ભૂતકાળની દીર્ઘ ચાદર ઓઢીને સૂઈ ગયેલાં શિલ્પ-સ્થાપત્યો, સૂનમૂન ઊભેલાં ખેતરો વચ્ચે અવાજ કરતી દોડી રહેલી ટ્રેન, મ્યુઝિયમોનાં સહેજ ધૂળવાળાં કાચનાં ખોખાંઓમાં પુરાઈ ગયેલો ધૂંધળો ઇતિહાસ, શહેરી બજારોનો ગીચ કોલાહલ, બક્ષિસ મેળવવા અને બે જણ વચ્ચેની ખાનગી વાતો જાણવા લાળ ટપકાવી રહેલા શ્વાનો જેવા વેઇટરો, ઢાબાઓની મસાલેદાર લજીજ ચના-પુરીઓ, દાલમખનીઓ, શાહી પુલાવો, તરબતર મલાઈ કોફ્તાઓ પર્યટનોથી જિંદગીનો ખાલીપો સમૃદ્ધ થતો હતો અને ખુશીઓ બેવડાઈ જતી હતી. બહાર ખુલ્લી હવામાં મમ્મી બેઇન્તહા ખૂલી જતી ગળું થાકી જાય અને હોઠ ચોંટવા માંડે ત્યાં સુધી એ પપ્પા સમક્ષ બોલતી રહેતી અને લેશમાત્ર પણ અરસિક કે અન્યમનસ્ક થયા વગર પપ્પા એને સાંભળ્યા કરતા, એ ઘણી વાર તો એકરાર પણ કરતીૹ
“હું ઘણું બોલી શકું છું, કારણકે તમે ઘણું સાંભળી શકો છો!”
પ્રતિભાવમાં પપ્પાના મુખ પર ઝીણું-ઝીણું સ્મિત રેલાતું.
સૂરજમુખીનાં પીળચટ્ટાં ફૂલો મમ્મીનાં પસંદગીનાં ફૂલો હતાં, એ કહેતીૹ “સૂર્યનાં લોકો ભલે ગમે તેટલાં વખાણ કરતાં હોય, પણ સકળ સૃષ્ટિમાં સૂર્યને જો કોઈ સાચો પ્રેમ કરતું હોય તો તે માત્ર સૂરજમુખી જ! એટલે જ સૂર્યના પ્રકાશમાં બીજાં કોઈ પણ ફૂલ કરતાં સૂરજમુખીનો પીળો રંગ એકદમ સાફ અને શાર્પ હોય છે!”
“તો મારું સૂરજમુખી કોણ હશે?” પપ્પા રોમેન્ટિક બની જતા.
પ્રત્યુત્તરમાં મમ્મીના મુખ પર સૂરજમુખીનાં વનો લહેરાતાં.
નદીની કરકરી અને સોનેરી ઝાંયવાળી રેત માટે મમ્મીને ખૂબ લગાવ. નદીની રેતને હથેળીમાં લઈને એ ભાવુક બનીને બોલતીૹ
“મને નદીની રેત બહુ ગમે છે. મારે પણ રેત બની જવું છે અને નદીના કિનારે ભીનાશની લહેરખીઓ સાથે રમતાં રહીને સૂર્યનાં કિરણો નીચે ચમકતાં ચમકતાં અનંતકાળ સુધી પડ્યાં રહેવું છે!”
હિંદુસ્તાનનાં અગણિત સ્થળો જોઈ લીધા બાદ મમ્મીની તૃષા વિદેશ તરફ લંબાતી જતી હતી, એણે કહેલુંૹ
“આપણે એક વાર ફોરેન જઈશું આપણો નિહાર થોડો મોટો થઈ જાય પછી, આપણે ત્રણેય જણાં ફોરેન જઈશું, વિમાનમાં બેસીને, ભૂરા વ્યોમ સાથે વાતો કરતાં કરતાં.”
“વ્યોમ સાથે વાર્તાલાપ કરતાં કરતાં આપણે જીવનપ્રવાસીઓ ક્યાં જઈશું? દુનિયા બહુ મોટી છે અને આખી દુનિયા જોવી અશક્ય છે”, પપ્પાએ કહ્યું હતું.
“હં”. બોલતી મમ્મી વિચારવા માંડી હતી, “વિરાટ દુનિયાનાં અનેક નામે સ્થળોમાંથી ફરવા માટે ક્યાં જવું? વિકટ પ્રશ્ન છે, ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાના પૂર્વકિનારે પથરાયેલું એ અજાયબ સ્થળ! આવડે તો માસ્ક અને માછલીની પાંખોવાળો પોશાક પહેરીને દરિયામાં ઝંપલાવી દેવાનું! અથવા તો નૌકા ભાડે કરીને કાચબાઓ, પરવાળાં, શાર્ક અને જુદા જુદા રંગોની માછલીઓનો વિસ્મિત કરે તેવો ખજાનો જોવા નીકળી પડવાનું! કે પછી યલો સ્ટોન જઈએ? ત્યાં ઊંચી સીધી પર્વત ટેકરીઓ છે, વરાળો નીકળતા ગરમ પાણીના ઝરા છે કે પછી બોરાબોરા ટાપુ પર જઈએ? દુનિયાના સુંદર ટાપુઓમાં બોરાબોરાનું નામ ટોચ પર છે! પેસેફિકનું તે સુંદર મોતી છે! હૂંફાળું પાણી અને એમાં પ્રતિબિંબ જોઈ શણગાર સજતું આકાશ જોકન્સબર્ગ પણ કંઈ ઓછું લોભામણું નથી! દક્ષિણ આફ્રિકાના ઝુલુ લોકો એને ઉખાહલંબા પણ કહે છે. ઉન્નત પહાડો અને ઉન્નત જળપ્રપાતો એને આકર્ષક બનાવે છે. ઊંચા બેસાલ્ટ ખડકો જોકન્સબર્ગ પર્વતને રાક્ષસી દેખાવ આપતા હોવાથી એને ‘રાક્ષસી પહાડ’ પણ કહેવાય છે. રણની ઉષ્ણતાને પોતાનામાં સમાવીને શુષ્ક બેજાન થઈ ગયેલા પિરામિડો પણ જોવા જેવા છે”
મમ્મીએ બહુ મનોમંથન પછી કહ્યંુ હતું, “આપણે પેરિસ જઈશું!”
“પેરિસ? કેમ?” પપ્પાનો વિસ્ફારિત સવાલ
“પેરિસ તો કલાનું. કલાકારોનું શહેર છે! ફેશનની એ આંતરરાષ્ટ્રીય રાજધાની ગણાય છે, તેને ફેશનનું ગ્લોબલ હબ કહેવાય છે! ત્યાં કેટલાયે ફેશન બુટિક્સ છે. ત્યાંની ઇન્ટરનેશનલ ફેશન એકેડેમીની તો આપણે અવશ્ય મુલાકાત લઈશું. પેરિસ આધુનિક ફેશનની નગરી છે, નિતનવીન ફેશનનાં વસ્ત્રો ધારણ કરેલાં શ્વેત ત્વચાઓવાળાં લોકો”
“તો પેરિસનાં લોકો જોવામાં તને રસ પડ્યો એમને?”
“હા, પણ એ જ એકમાત્ર કારણ નથી પેરિસ જવાનું”
“બીજું કયું કારણ છે?” પપ્પા વિમાસી રહેલા.
“મારે એફિલ ટાવરને એના તળિયેથી ઊંચી ટોચ સુધી જોવો છે. એફિલ ટાવર એ માણસે બનાવેલું સ્થાપત્યકળાનું રળિયામણું ફૂલ છે, જે આકાશના આંગણામાં જઈને પડ્યું છે!”
“આપણે ચોક્કસપણે ત્યાં જઈશું, નિહારને થોડોક મોટો થવા દે. બિનભારતીય સભ્યતાની એક નવી ઝલક પામવા હું પણ અવશ્ય ઉત્સુક છું.” પપ્પા મમ્મીના વિચારોથી પ્રભાવિત થઈ ગયા હતા.
પપ્પા કોમર્સમાં પીએચ.ડી. સુધી ભણ્યા હતા, છતાં, એમના પિતાનો વંશપરંપરાગત ખેતીનો વ્યવસાય એમણે પકડી રાખ્યો હતો. જ્યારે મમ્મી આર્ટ્સમાં પીએચ.ડી. હતી, બંને જણાં એકબીજાનો ટેકો બનીને ખેતી કરતાં. પપ્પાનો જીવ પહેલેથી જ સતપતિયો એટલે કે, બહુ એક્ટિવ એ ખેતીમાં અવનવા પ્રયોગો કરતા. ગામનો તલાટી અવારનવાર એમના વિશે ‘તકિયાકલામ’ જેવાં વાક્ય લોકોની વચ્ચે ઉચ્ચારતોૹ
“આવો ભણેલોગણેલો માણસ અને એય ખેતીમાં! આને નવા જમાનાનું અચરજ કહેવાય અચરજ! ધન્ય ધરા અને ધન્ય એનાં આવાં છોરું!”
પપ્પા શર્ટ-પેન્ટ પહેરનારા અને આધુનિક યંત્રોથી ખેતી કરનારા ખેડૂત હતા. એ મોટે ભાગે ભૂરા રંગનું જિન્સનું પેન્ટ અને જર્સી પહેરતા. એમણે રાજ્યમાં સૌથી મોટી કેસર કેરી પકવી હતી અને એ બદલ એમને સરકારના કૃષિખાતાએ પારિતોષિક આપેલું.
મમ્મી મુંબઈમાં મોટી થઈ હતી. પરણીને મમ્મી ભલે ગામડામાં આવી હતી, પણ એ જન્મી, ઊછરી, ઘડાઈ હતી મુંબઈમાં, શહેર એના રક્તમાં ભળી–ઓગળી ગયું હતું. ગામડાના જીવન માટે એના દિલમાં અણગમો નહોતો, પરંતુ, શહેર માટેની એની ચાહના અનંત હતી, એણે પપ્પાને કહ્યું હતુંૹ
શહેરી જિંદગીની ભાગદોડની પણ એક અલગ મજા છે. નિરાંતની જિંદગીનો એક સ્વાદ છે, તો ભાગદોડની જિંદગીનો પણ બીજો સ્વાદ છે. મને શહેર-નગરની ચેલેન્જિંગ લાઇફ જીવવી ગમે. કવિ નિરંજન ભગતે એમની એક કવિતામાં મુંબઈ વિશે કહ્યું હતું કે, ‘ચલ મન મુંબઈ નગરી!’ મુંબઈની હવા છાતીમાં ભરીને હું યુવાન થઈ છું, હજુ પણ મારી છાતીમાં મુંબઈની હવા ઘૂમરાય છે. મુંબઈ તો મારી નસોમાં વહે છે, એટલે હું પણ કવિની, સોરી, કવયિત્રીની જેમ કહું કે, ચલ મન પેરિસ નગરી!”
ગામડામાં હોવા છતાં એમનું ઘર સુસંસ્કૃત શહેરીના ઘરની માફક અનેક અવનવાં પુસ્તકોથી ભરેલું હતું. મમ્મી અને પપ્પા બંને જણાં આરામખુરશીઓમાં કે હેમકસમાં આરામ ફરમાવતાં કલાકો સુધી વાંચતાં અને વાચનની આવી પળો વચ્ચે જગતની અનેક પળોજણો ચર્ચાતી રહેતી.
એક ચોમાસું બપોરે પપ્પા ખેતરમાં ટ્રેક્ટરથી વાવણી કરી રહ્યા હતા, મમ્મી શેઢા પર હતી અને ભેંસો માટે શેઢા પરનું ઘાસ કાપવા આવનાર મજૂરણની રાહ જોતી હતી. આકાશમાં કાળાં ભમ્મર તોફાની વાદળો ધસી આવ્યાં હતાં. પહેરેલાં કપડાં પણ ધજાની માફક ફરફરવા માંડે એવો સુસવાટા મારતો પવન મોટાં ફોરાંનો વરસાદ તાણી લાવ્યો હતો. બપોર હોવા છતાં જાણે રાત પડવાની તૈયારી હોય, એમ વાતાવરણ શ્યામલ થઈ ગયું હતું. આકાશમાં વીજળીનો એક કડાકો થયો અને એના ધ્વનિસ્ફોટથી મમ્મી કંપી ઊઠી, એને પપ્પાની ચિંતા થઈ. એણે શેઢેથી સમગ્ર શક્તિથી પપ્પાને બૂમ મારીૹ
“દિગંત કામ છોડો ને જલદી ઘરે ચાલો, વીજળીઓ થાય છે!”
પપ્પા ખેતરમાં દૂર હતા. એમના કાને પૂરા શબ્દો પહોંચે એ પહેલાં જ વાદળોની ગર્જનાઓ, પવનના સુસવાટા, ટ્રેક્ટરના ઘોંઘાટ અને વરસાદના અવાજ વચ્ચે એ શબ્દો હવામાં ક્યાંય ડૂબી ગયા, પણ પપ્પાને ખ્યાલ તો આવ્યો જ કે મમ્મીએ કશાકની બૂમ મારી છે. એમણે મમ્મી તરફ જોયું, હાથ ઊંચો કરીને મમ્મી કંઈક કહી રહી હતી. બંને એકબીજાંને પૂરેપૂરાં સમજી શકનાર અને એકબીજાંને પૂરેપૂરા દિલથી ચાહનાર પતિ-પત્ની હતાં, એટલે પપ્પા તરત જ સમજી ગયા કે મમ્મી એમને કામ છોડીને સલામત સ્થળે આવવા કહી રહી છે. એમણે ટ્રેક્ટર ઊભું રાખ્યું અને એ જ ક્ષણે એક મોટો તેજલિસોટો વાદળોમાંથી વિશાળ તલવારની જેમ જમીન પર વીંઝાયો અને પપ્પાની આંખો દાઝી હોય એમ અંજાઈને, ગભરાઈને બંધ થઈ ગઈ. એમની આંખો ઊઘડી ત્યારે લીલો શેઢો કાળો પડી ગયો હતો અને મમ્મી વર્તમાનકાળને બદલે ભૂતકાળ બની ગઈ હતી.
મમ્મીની અણધારી અલવિદા પછી પપ્પા એકાદ-બે વર્ષ ગામમાં રહ્યા હતા, ત્યારબાદ એ નિહારને આગળ ભણાવવા માટે શહેરમાં રહેવા આવ્યા હતા. એમને એક સહકારી બેંકમાં નોકરી મળી ગઈ હતી. એમનું ભગ્ન હૃદય પુનઃ જીવન સાથેનો સેતુ બાંધવા મથી રહ્યું હતું. એમણે મમ્મી વગરના થઈ ગયેલા છોકરાને ઉછેરવાનો હતો, ભણાવવાનો હતો અને મમ્મીની યાદોના સમુદ્રમાં બાવડાં વીંઝતાં જીવવાનું હતું.
નિહાર નાનો હતો, પણ ઘણો સમજણો થઈ ગયો હતો. એને પણ મમ્મી સખત સતત યાદ આવ્યા કરતી, શરૂ શરૂમાં તો એ મમ્મીને યાદ કરીને રડતો, પરંતુ, પછી એ રડતો નહીં. આંસુઓને પીતાં એ શીખવા લાગ્યો હતો. એક વાર મમ્મીના ફોટા સામે જોઈને એ બેઠો હતો અને એની આંખોમાં આંસુઓનો ભેજ બેસવા લાગ્યો હતો.
“મમ્મી યાદ આવે છે બેટા?” ખભે હાથ મૂકીને પપ્પાએ જવાબ જાણતા હોવા છતાં પ્રશ્ન કર્યો હતો.
“ના” નિહારે જવાબ આપ્યો હતો, કારણકે, એ પણ જાણતો હતો કે, એના સાચા જવાબથી પપ્પા પણ રડી ઊઠશે.
“તું ઘણો મેચ્યોર્ડ થઈ ગયો છે, તારી મમ્મી જેવો. એ પણ હંમેશાં એના સુખથી મને સુખી કરતી, પણ એના દુઃખથી ક્યારેય મને દુઃખી કરવા પ્રયત્ન ન કરતી, તું પણ એમ જ કરી રહ્યો છે મારા વહાલકુડા દીકરા.”
પપ્પાએ શહેરમાં મકાન બનાવડાવ્યું હતું. ક્યારેક એમણે કહેલુંૹ
“તારી મમ્મીની નસોમાં શહેર હતું, એનાં સગાંવહાલાં શહેરોમાં રહેતાં હતાં, છતાં એ મારી સાથે ગામમાં રહી, ખેતીમાં પણ રસ લેતી, મદદ કરાવતી, મારો સહારો બની. એનું એક સપનું હતું કે, આપણું પણ શહેરમાં એક સુંદર ઘર હોય, મોટો બગીચો હોય, બ્લૂ કલરની કાર હોય, આપણું ઘર બીજા બધાંનાં ઘરોથી અલગ પડી આવે એવું ખાસ હોય, એવું મોહક ઘર કે જોતાં જ એના પ્રેમમાં પડી જઈએ!”
પપ્પાએ મોટી જગ્યા લઈને ઘર તૈયાર કરાવ્યું હતું. એ ઘરની આકૃતિમાં અને નયનરમ્યતામાં મમ્મીનાં સપનાંઓની સુગંધ હતી, જોતાં જ નજરમાં વસી જાય એવું બેનમૂન ઘર! એ ઘરની બાજુની જગ્યામાં પપ્પાએ એફિલ ટાવર જેવો ટાવર બંધાવવાનું શરૂ કર્યું ત્યારે દૂર દૂર સુધીનાં લોકો આશ્ચર્ય પામી ગયા હતા. પપ્પાએ એફિલ ટાવરની પ્રતિકૃતિ સમો ટાવર ઊભો કરવા માટે પૈસો પાણીની જેમ વહાવી દીધો હતો. એ માટે એમને એક ખેતર પણ વેચી દેવું પડ્યું હતું. છેક ફ્રાન્સથી એક આર્કિટેક્ટ બોલાવેલો અને કલકત્તાથી ચાર અનુભવી કારીગરો બોલાવેલા. અખબારો, રેડિયો, ટીવી જેવાં સમૂહ-માધ્યમોમાં પપ્પાએ બનાવેલા પ્રમાણમાં નાના છતાં એફિલ ટાવર જેવા ટાવરની ચર્ચાઓ થયેલી, પપ્પાનાં ઇન્ટરવ્યૂ પણ પ્રસારિત થયેલાં. મોટા મોટા રાજનેતાઓ–અભિનેતાઓ આ ટાવરને જોવા આવે છે. શાળાનાં બાળકો પણ અવારનવાર આ ટાવરની મુલાકાતે આવે છે. આ ટાવરના પ્રવેશદ્વાર પર પપ્પાએ લખાવડાવ્યું હતુૹ “ભારતનો એફિલ ટાવર નામેૹ પ્રિયંકા ટાવર” મમ્મીનું નામ પ્રિયંકા હતું.
ઘણી વરસાદી બપોરે પપ્પા સ્થિર, મૂર્તિવત્ બનીને બેસી રહેતા. અજાણ્યાને ભલે એનું કારણ ખબર ન હોય પરંતુ નિહારને ખબર હતી કે, પપ્પા એમના જીવનની કરુણતમ વરસાદી બપોરને વીસરી શકતા નથી. એમની આંખોમાં એ જ વરસાદી બપોરનું હૃદયદ્રાવક દૃશ્ય તરી આવતું હશે.
શહેર છે, રમ્ય ઘર છે, પણ પ્રિયંકા નથી, એની ઉદાસી પપ્પાને ઘેરી વળતી.
નિહાર થર્મલ પાવર પ્લાન્ટમાં એન્જિનિયર છે. પપ્પાના એક મિત્ર છે મનહરભાઈ. એમની દીકરી આભા એમ.બી.એ. થયેલી છે. મનહરભાઈના કુટુંબને પપ્પા વર્ષોથી ઓળખતા. એમણે વિચાર્યું કે, નિહારનું સગપણ આભા સાથે કરી શકાય તો નિહારનું દામ્પત્યજીવન સુખેથી વ્યતીત થશે, કારણકે, આભા ભણેલી, ઠરેલ સ્વભાવની હતી. હા, દેખાવમાં બહુ રૂપાળી નહીં, પણ સાવ લાવણ્યવિહોણી નહોતી. આથી, એમણે નિહારને આભા વિશે વાત કરી, પરંતુ, નિહારે એમની વાતોમાં રસ દાખવ્યો નહીં — એ ખ્યાલ એમને આવી ગયો, છતાં, એમણે વિચાર્યું કે, આભા મિતભાષી અને હસમુખી છે, એટલે નિહાર એક વાર આભાને મળશે, પછી એને આભાના ગુણો સ્પર્શી જશે, એટલે નિહાર આભા માટે હા નહીં જ પાડે એવું ધારી લેવું યોગ્ય નથી. ઘણી વખત શરૂઆતમાં સાવ અશક્ય લાગતું ટાર્ગેટ પ્રયાસો કરતાં રહેવાથી ઘણી સરળતાથી સિદ્ધ થઈ જતું હોય છે. આથી, નિહાર એકબે વખત આભાને મળે તો શક્ય છે કે બાત બન જાયે! હા, આભા આ સગપણ માટે ના પાડે તો પછી આ બાબતે આપણે માંડી વાળવાનું. એમણે ખૂબ સમજાવીને નિહારને આભાને મળવા તૈયાર કર્યો. નિહાર આભાને મળવા એના ઘરે ગયો, એટલે એમને હાશ અનુભવાઈૹ ચાલો પહેલું સ્ટેપ તો પત્યું.
નિહાર ઘરે પાછો આવ્યો, પણ એ કશું ફોડ પાડીને કહેતો જ નહોતો, એ ગોળ-ગોળ જવાબો આપતો હતો. આથી, આખરે પપ્પાએ સીધેસીધું પૂછી જ નાખ્યું,
“હવે આભા સાથે તારું એન્ગેજમેન્ટ નક્કી સમજું? આભા સુશીલ, ડાહી અને ઘરરખુ છોકરી છે!”
“ના” — નિહારે હિંમતથી સ્પષ્ટ જવાબ આપ્યો.
પપ્પાનો ચહેરો આ એક જ શબ્દ સાંભળીને લેવાઈ ગયો.
“હું નિયા સાથે મેરેજ કરવાનો છું! એ કેરલાઇટ છે, પણ એકાદ વર્ષથી ગુજરાતમાં જોબ પર છે. એનાં પેરેન્ટસ એગ્રી છે. આવતી કાલે હું નિયાને મળવા લઈ આવીશ”.
નિહાર એકધારું કેટલું બોલી ગયો! પપ્પાએ વિચાર્યું, નિહાર મોટો થઈ ગયો છે, એની તો ખબર હતી, પણ એ આટલો મોટો થઈ ગયો હશે, એની ખબર આજે પડી! એણે એના જીવનના આટલા મોટા નિર્ણયમાં પપ્પાની સહમતી-અસહમતીની પણ જરાસરખીયે દરકાર ન કરી! એણે તો બધું નક્કી કરી લઈને મને માત્ર જાણ કરી છે, એ મારે સ્વીકારી લેવાનું? પપ્પા કશું બોલ્યા નહીં. એમની આંખો ભરાઈ આવી. એ મમ્મીના ફોટાને જોઈ રહ્યા. નિહાર બીજા રૂમમાં ચાલ્યો ગયો.
થોડી વાર પછી એ પાછો આવ્યો. એના હાથમાં મોબાઇલ હતો. એ જોઈ રહ્યો હતો કે, પપ્પા દુઃખી થઈ ગયા છે અને લાચાર બનીને મમ્મીના ફોટાને જોઈને કદાચ પોતાના દીકરાની ફરિયાદ કરી રહ્યા છે. પપ્પાના દુઃખમાં ભાગ પડાવવા, એમને માથે વહાલનો હાથ ફેરવવા મમ્મી નથી. નિહાર વાંચી રહ્યો હતો પપ્પાના ચહેરાને.
ભારે અવાજે એ બોલ્યો, “પપ્પા, સોરી, તમે કહેતા હોવ તો હું અત્યારે જ ફોન કરીને નિયાને ના પાડી દઉં”
“ના,” પપ્પા બોલ્યા, “મને તારું આ રીતે નિર્ણય લેવો અને મને છેલ્લે જણાવવું, મારો અભિપ્રાય પણ ન લેવો મને જરાય ગમ્યાં નથી જ” પપ્પાના ‘જ’માં અતિશય વજન હતું એમણે એક પળ નિહારની આંખોમાં જોયું અને એ બોલ્યાૹ
“તારાં સુખો મારી સાથે જોડાયેલ હોય કે ન હોય, પણ મારું સુખ તારી સાથે સંકળાયેલું છે, તું હેપ્પી તો હું પણ હેપ્પી!”
એમના ચહેરા પર વાત્સલ્યભાવની આભા હતી!
નિહાર અને નિયાનાં લગ્ન થઈ ગયાં.
બંને પતિ-પત્ની પપ્પાને સાચવતાં.
એક વાર પપ્પાએ પોતાની અભિલાષા પ્રગટ કરીૹ
“આજે તારી મમ્મી હોત તો એનાં બધાં સપનાં પૂરાં કરીને મને જીવનના બધા તબક્કાઓનો આનંદ મળી ગયો હોત. આપણે બધાં ફોરેન જાત ફરવા.”
“ક્યાં? પેરિસ જ ને?” નિહાર સહસા પૂછી બેઠો. એને યાદ હતી મમ્મીની ઇચ્છાઓ.
“હા, મારા દીકરા હા, પેરિસ જ! તું પણ હજુ તારી મમ્મીની ઇચ્છાને ભૂલ્યો નથી! તારી મમ્મી હોત તો આપણે બધાં અવશ્ય જાત એફિલ ટાવર જોવા. આપણા ઘરે જે ટાવર છે, તેની મૂળ પ્રેરણા તો એફિલ ટાવર જ છે! આપણે એફિલ ટાવર અવશ્ય નિહાળત! કહેવાય છે કે, પેરિસમાં આપણે ક્યાંય પણ ઊભા હોઈએ, તોય એફિલ ટાવરની ટોચ દેખાય જ!”
“તો પપ્પા તમે રિયલ એફિલ ટાવર જોઈ આવો અને પેરિસ ફરી આવો!”
“હું એકલો નહીં જાઉં. આપણે બધાં જઈએ, મોજ કરીશું!” પપ્પાના અવાજમાં ઉત્સાહની છાલક હતી.
“પણ પપ્પા”, નિયા ધીમા અવાજે બોલી, “અમારાંથી તમારી સાથે નહીં અવાય.”
પપ્પાને નિયાની વાત ગમી નહીં. એમણે તે જ ક્ષણે એક શબ્દી પ્રશ્ન ફેંક્યો, “કેમ?”
“કેમ કે—” નિયા હસતાં હસતાં લજામણીના છોડની જેમ શરમાઈ ગઈ.
સસ્મિત નિહાર બોલ્યો, “નિયાને સારા દિવસો જાય છે. પાંચ મહિના પછી તમે ગ્રાન્ડપા બનશો અને હું પા!”
પપ્પા ખુશ થઈ ગયા. નિયાના માથે વહાલભર્યો હાથ પસવારતા એ બોલ્યાૹ “તો પછી મારું જવાનું પણ કેન્સલ! તમને આ પરિસ્થિતિમાં મૂકીને મારાથી કેમ જવાય? આપણે પછી જઈશું ક્યારેક પેરિસ. આવનાર બાળક મોટું થાય પછી.”
“ના પપ્પા,” નિહાર અને નિયા એકસાથે બોલ્યાં, પછી નિહાર બોલ્યો, “તમે જઈ આવો હું એ માટેની બધી જ વ્યવસ્થા કરી આપીશ. તમે લેશમાત્ર પણ ફિકર ના કરશો પ્લીઝ પપ્પા. મમ્મીની ઇચ્છા હતી, પણ મમ્મી નથી, તો મમ્મીનો ફોટો સાથે લઈ જજો. એફિલ ટાવર આગળ ઊભા રહીને એ ફોટો કાઢીને ફોટાને — મમ્મીને — એફિલ ટાવર બતાવજો. મમ્મીના આત્માને અપાર આનંદ થશે. પ્લીઝ! ડોન્ટ સે નો. પ્લીઝ!” નિહારના અવાજમાં પપ્પાને કિશોરવયના નિહારનો મીઠડો લહેકો સંભળાયો.
સમગ્ર તૈયારીઓ પૂરી થઈ.
નિહાર, નિયા અને બીજાં આઠદસ સગાંવહાલાં પપ્પાને મૂકવા એરપોર્ટ પર ગયાં. ઘોંઘાટ કરતાં પ્લેને ટેક ઓફ કર્યું અને પેરિસની દિશા પકડી. એરપોર્ટ પર ઊભાં ઊભાં નિહાર અને નિયા એક શમણાને સાકાર થતું જોઈને હર્ષિત બન્યાં
નિહાર ઘરે જઈને માંડ સૂતો જ હતો અને ફોન આવ્યો. પપ્પા જેમાં બેઠા હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને એમાં સવાર બધાજ માણસો મોતના ઊંડા કૂવામાં સમાઈ ગયા હતા.
પપ્પાના ગયા પછીની બધી વિધિઓમાંથી નિહાર મુક્ત થયો હતો. એના ટાલિયા માથા પર વાળના નાના નાના ફણગા ફૂટવા માંડ્યા હતા. રાતના દસેક થયા હતા, એણે ઉડાન ભરીને આકાશમાં ઊંચે દૂર જઈ રહેલા વિમાનની ઘરઘરાટી સાંભળી એ બેબાકળો બનીને બારી આગળ ધસી ગયો, બંધ બારીને સ્ટોપર ખોલી એકઝાટકે ખોલી નાખી. બહાર તરફ દીવાલ સાથે બારી અથડાઈ. કાળા આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા અને રંગીન ઝગમગાટ વેરતું એક વિમાન પેરિસની દિશામાં જઈ રહ્યું હતું. નિહાર અપલક આંખે એ વિમાનને નિહાળી રહ્યો અને એના ગાલ પર ઉષ્ણ આંસુઓની બે લકીરો
ખેંચાઈ ગઈ.