ડુ યુ નો ધિસ પર્સન Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડુ યુ નો ધિસ પર્સન

‘ડુ યુ નો ધિસ પર્સન?’

નિખીલ વસાણી

મોબાઇલની સ્ક્રીન પરનો મેસેજ તેણે વાંચ્યો. યસ, હું તેને જાણું છું, ઓળખું છું. તે મારી સામે જ રહે છે. તેણે મનોમન વિચાર્યુંૹ “આ સાલા ફેસબુકવાળા કોઈને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીએ ત્યારે આવું શા માટે પૂછતા હશે?”

તેણે ‘કન્ફર્મ’ ઓપ્શન પર ક્લિક કર્યું. ફેસબુકનો મેસેજ આવી ગયો,

“ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ટ”.

ગાયત્રી પંડ્યા — આ એ નામ હતું જેને તે શ્વસતો હતો. અરે ઘરની સામે જ તો રહેતી. નાનપણમાં સાથે રમતી અને હાઈસ્કૂલમાં આવ્યા પછી સામું પણ ના જોતી એ ગાયત્રી. એ ગાયત્રી જેની પાછળ રખડી ખાધું, દિનરાત જેના વિચારો કર્યા. એ ગાયત્રી કે જેની મમ્મી ચીંધતી એ બધું, દૂધ લઈ આવી આપવાનું, સ્કૂટી પંક્ચર કરાવી આપવાનું, મહેમાનો માટે ઠંડું લઈ આવી આપવાનું, ગાયત્રીના નાના ભાઈને ફરવા લઈ જવાનું, તેને ચોકલેટ્સ અપાવી દેવાનું, ફોનનાં, લાઇટનાં બિલ્સ ભરી આવવાનાં, ચોખાનું બાચકું લઈ આવી આપવાનું, બધાં કામ હોંશે હોંશે કર્યાં છે. હવે આવું બધું સાલા ફેસબુકવાળાને કેમ સમજાવવું? આજકાલ, આજકાલ કરતા ગાયત્રી ડોક્ટર થવા આવી. તેની પાછળ પોતે ખુવાર થયો. અને તેને સામું જોવાની પણ પડી નથી! કાઈ વાંધો નહીં, એક વાર ફેસબુક ફ્રેન્ડ થઈ જાય પછી તો એ છે ને હું છું. મારું ફ્રેન્ડલિસ્ટ જોઈને જ તે છક થઈ જશે. ‘ચાર હજાર ત્રણસોને બાવીસ’ અને એમાં પાછા ત્રણ હજાર એકસો સત્યાશી તો ફીમેલ ફ્રેન્ડસ! વાઉ!

તેણે આખો દિવસ રાહ જોઈ. ફ્રેન્ડ રિકવેસ્ટ હજી એક્સેપ્ટ નહોતી થઈ. ગાયત્રીએ એકાઉન્ટ નહીં ખોલ્યું હોય? હમમમ કદાચ ટાઇમ જ નહીં મળ્યો હોય. બીજા બે દિવસ વીત્યા. રિકવેસ્ટ હજી એક્સેપ્ટ નહોતી થઈ. તેણે ગાયત્રીની વોલ ચેક કરી. ઓહ યસ વોલમાં તો એક્ટિવિટી બતાવે છે. હજી અડધા કલાક પહેલાં તેણે ડો. ચિરાગ શાહની ટાઇમલાઇન પર રેડ રોઝ પોસ્ટ કર્યું છે! તો શું મારી રિકવેસ્ટને “નોટ નાઉ” કર્યું હશે? બને જ નહીં. ગાયત્રીની વોલ પર સ્ક્રોલ ડાઉન કરી તેણે “કેન્સલ ફ્રેન્ડ રિકવેસ્ટ” પર ક્લિક કર્યું. ફરી પાછું ગાયત્રીના એકાઉન્ટ પર જઈ “એડ ફ્રેન્ડ” પર ક્લિક.

“ડુ યુ નો ધિસ પર્સન?”

મોબાઇલની સ્ક્રીન પર મેસેજ ફ્લેશ થયો.

‘અરે હા ભાઈ હા, હું ઓળખું છું તેને. એટલી નજીકથી તો તેનાં મમ્મી પણ નહીં ઓળખતા હોય! એની પાસે કેટલાં કલરની હેરપિન્સ છે, વ્હાઇટ બો કેટલાં છે, બ્લેક સૂટ એ ક્યારે પહેરે છે, પફ્ડ હેર ક્યારે હોય છે, બ્લન્ટ ક્યારે, ઉફ્ફ તેનો રેડ કલરનો હેર બેન્ડ, તેનાં શૂઝ, ટીપટોપ ફૂટવેરમાંથી લીધેલ ‘જીમ્મી ચુ’ ની ડુપ્લિકેટ બ્રાંડ, તેના વોર્ડરોબની રેંજ, અરે ઝુકરિયા હું ઓળખું છું તેને, સાવ નજીકથી.’

ફરી તેણે “કન્ફર્મ” ઓપ્શન પર ક્લિક કર્યું. “ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ટ” હવે ફરી પાછી રાહ જોવાની. ઘડીભર તો થયું કે લાવને તેને કહી આવું કે એફ્બીમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. પણ એ તો અમદાવાદ હશે. બી. જે. મેડિકલની વિમેન્સ હોસ્ટેલના રૂમ નં. ૧૭ મા. શીટ્ટ. તેણે કેલેન્ડર સામે નજર કરી. આજે રવિવાર. ગાયત્રી ફ્રી જ હશે. કેટલી રાહ જોવી? કેલેન્ડરની બાજુમાં એક ગરોળી ધીરે ધીરે થોડે દૂર બેઠેલી માખી પર તરાપ મારવા સરકી રહી હતી. બસ, જીભનો એક જ શાર્પ લબકારો અને માખી સ્વર્ગસ્થ. નહીં, નહીં પેટસ્થ. તેને પોતે કોઈન કરેલા શબ્દ પર હસવું આવ્યું.

સોમવાર, મંગળવાર, બુધવાર-ગાયત્રીની વોલ રોજે રોજ અપડેટ થતી હતી. ધેટ મિન્સ તેની ફ્રેન્ડ રિકવેસ્ટ ફરી પાછી “નોટ નાઉ” થઈ. તે નિરાશ થયો. કાઈ વાંધો નહીં. હજી એક વાર. “એડ ફ્રેન્ડ” પર ક્લિક. અને આ શું? “ધિસ રેક્વેસ્ટ કાન્ટ બી સેન્ટ” તે ધક્કો ખાઈ ગયો. હવે? અક્કલ નથી ગાયત્રીને. કદાચ હાડપિંજર અને મૃતદેહો ચૂંથી ચૂંથી જડ થઈ ગઈ હશે? શું કરવું? ગમે તે થાય તેને ફેસબુક ફ્રેન્ડ બનાવવી જ છે. કાલથી ટી. વાય. ની એક્ઝામ શરૂ થાય છે. હજી તો કાઈ વાચ્યું જ નથી. ખેર, છોડો એ બધું. આર્ટ્સમાં વળી શું વાંચવાનું? કૌટિલ્ય પર નજર ફેરવી જઈશું. અત્યારે તો બસ મિશન ગાયત્રી.

મોબાઇલ ઓન-ઇન્ટરનેટ-ગુગલ-ફેસબુક, લોગઇન-આઈ. ડી. પાસવર્ડ અને સ્ક્રીન પર એક પોર્ન પીક. ફ્લેશ થયુંૹ

“અવિકા અગરવાલ એડેડ અ ફોટો ઓફ યુ”

તેણે પિક્ચરને ધ્યાનથી જોયું. સેમી ન્યુડ હતું. કદાચ સની લિયોની જ હતી. તેણે સની લિયોનીની જગ્યાએ ગાયત્રીને કલ્પી જોઈ. તેના શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. અવિકા અગરવાલ? તેને હસવું આવ્યું. લોકો આવા ફેક આઈ.ડી. શા માટે ખોલતા હશે? નામ છોકરીનું અને કામ છોકરાનું. બેવકૂફો. પણ સાલું આવા ફેક એકાઉન્ટમાં હોય છે બધું ઇન્ટરેસ્ટિંગ હો! ઓહ્હ આઇડિયા! ગાયત્રીને ફેક એકાઉન્ટ પરથી રિકવેસ્ટ મોકલી હોય તો? યસ, ફેક એકાઉન્ટ માટે નવું આઈ. ડી. બનાવવું પડશે. એમાં શી મોટી વાત છે? નવું સિમ, નવું આઈડી! નામ શું રાખવું? રાધિકા? સોનલ? ગૌરી? ઇલા? હાં, ઇલા બરાબર છે. ઇલા દેસાઈ. પ્રોફાઇલ પિક્ચર કયું રાખવું? આમેય મોટા ભાગની છોકરીઓના પ્રોફાઇલ પીક.માં બાળકોના જ ફોટા હોય છે ને! તેણે નેટ સર્ફ કર્યું. એક સરસ મજાની ક્યૂટ બાળકીનો ફોટો ડાઉનલોડ કર્યો. એકાઉન્ટ ખૂલી ગયુંૹ ઇલા દેસાઈ, સ્ટડિઝ એટ એસ.એન. કે. કોલેજ. સેક્સૹ ફીમેલ, બર્થ ડેૹ બીજી જાન્યુઆરી નાઇન્ટીન નાઇન્ટી ટુ — ના, ના તેણે સાલ ડિલિટ કરી નાખી. ફક્ત બીજી જાન્યુઆરી રાખ્યું. છોકરીઓ પોતાની ઉંમર થોડી જણાવે? તેને હસવું આવ્યું. પ્રોફાઇલ ફિલ્ડ હજી અધૂરું હતું. કરન્ટ સિટીૹ રાજકોટ, હોમ ટાઉનૹ રાજકોટ, રિલેશનશિપૹ ઇન એન ઓપન રિલેશનશિપ. ઇન્ટરેસ્ટેડ ઇનૹ વીમેન એન્ડ મેન, લેન્ગ્વેજિસૹ ઇંગ્લિશ, ગુજરાતી એન્ડ હિન્દી. પોલિટિક્સૹ નો વે, રિલિજનૹ હ્યુમન. એક્ટિવિટીઝૹ હંઅ હવે વિચારવું પડશે. ગાયત્રીની આઇડીમાં એક્ટિવિટીઝમાં એક્ટિંગ એન્ડ કૂકિંગ છે. સ્પોર્ટ્સમાં બેડમિન્ટન અને ચેસ છે, મ્યુઝિકમાં ક્લાસિકલ અને વેસ્ટર્ન છે, ટીવી શોઝમાં દિયા ઔર બાતી, સંજીવની, ઇન્ડિયન આઇડલ જુનિયર અને તારક મેહતા કા ઊલટા ચશ્માં છે, મૂવિઝમાં રોમેન્ટિક અને કોમેડી છે, બુક્સમાં ચેતન ભગત સિરીઝ છે. બસ આની જ તો કોપી કરવાની છે. તેણે કરી. નવા એકાઉન્ટ પરથી ગાયત્રીને ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ટ કરી. તેણે ઉત્તેજનાપૂર્વક જોયા કર્યું. છેક સાંજે મેસેજ આવ્યોૹ

“ગાયત્રી પંડ્યા હેઝ એક્સેપ્ટેડ યોર રિકવેસ્ટ, એડ હર ટુ લિસ્ટ +૧” ની નિશાની સાથે. તે ઊછળી પડ્યો. નીચે લખ્યું હતુંૹ

“રાઇટ ઓન ધ વોલ ઓફ ગાયત્રી”

“હાય ગાયત્રી”

તેણે લખ્યું. મને ઓળખ્યો? હું તે અટકી ગયો. ઓહ માય ગોડ આ તો ઇલાના નામનું એકાઉન્ટ છે. “મને ઓળખ્યો?” એમ થોડું લખાય? શું લખું? “હાય ગાયત્રી” તો બરાબર છે. છોકરીઓ એકબીજાને મળે ત્યારે શું કહેતી હશે? અત્યારે તો “હાય ગાયત્રી, થેન્ક્સ” એટલું લખીને પોસ્ટ કર્યું. આખી રાત તેણે ઉજાગરામાં કાઢી. કાલથી ગાયત્રી સાથે કન્ટીન્યુઅસ ચેટિંગ શરૂ કરવું છે. પણ લખવું શું? સવારે એક મેસેજ કર્યોૹ “હાય” થોડી રાહ જોઈ. ઇનબોક્સમાં મેસેજ (૧) ફ્લેશ થયું. ગાયત્રીનો મેસેજ હતોૹ “હાય ઇલા! વોટ’સ અપ?” તેણે ફટાફટ રિપ્લાય ટાઇપ કર્યોૹ “વોચિંગ ટીવી. તું શું કરે છે?” ઇનબોક્સ ફ્લેશૹ “ગોઇંગ ટુ હેવ અ બાથ. બાય tyl “ તેનું હૃદય ધડકી રહ્યું. ગાયત્રી નાહવા જઈ રહી હતી. આ “tyl” શું હશે? આખો દિવસ તેણે વિચાર કર્યો. કેટલાને પૂછું? કેતનને ફોન લગાવ્યો. કેતનને ખબર હતી. તેણે સમજાવ્યુંૹ “tyl” એટલે ટોક ટુ યુ લેટર. ઓહ્હ મતલબ કે ગાયત્રી પછી વાત કરશે? કેટલાં વરસ પછી ગાયત્રી વાત કરશે! હાશ ભગવાન તે આખરે સામું જોયું ખરું! હવે તો તું હાથવેંતમાં મિસ ગાયત્રી પંડ્યા. તેણે ફેસબુક ખોલ્યું. એક ફોટો ગાયત્રીએ અપલોડ કર્યો હતો. તેણે ફટાફટ લાઇક આપ્યું. ઊગતા સૂર્યનું ચિત્ર હતું અને નીચે લખ્યું હતુંૹ “ગુડ મોર્નિંગ ફ્રેન્ડસ”

“ગુડ મોર્નિંગ” તેણે કોમેન્ટ કરી.

થોડી વાર પછી ડો. ચિરાગ શાહની કોમેન્ટ આવીૹ “સ્વીટ મોર્નિંગ સ્વિટી” તેને જરાય ના ગમ્યું. કોણ છે આ ચિરાગ શાહ? તેણે ડો. ચિરાગ શાહની આઈ.ડી. ચેક કરી. તે પણ બી.જે. મેડિકલમાં ભણતો હતો. લીવ્ઝ ઇન અમદાવાદ, હોમટાઉન વડોદરા. કોણ હશે આ ખચ્ચર? ગાયત્રીને સ્વિટી કહે છે. ચશ્મીસ સાલો.

“કોલેજનો ટાઇમ શું છે?” મેસેજ ફોરવર્ડ.

“હું આજે નથી જવાની”

“કેમ?”

“અરે યાર પહેલો દિવસ છે. ઇટ્સ પેઈનિંગ”

“શેનો?”

“મેન્સિસનો, સ્ટુપીડ.”

“મેન્સિસ એટલે?” તેણે લખ્યું.

ગાયત્રીનો રિપ્લાય આવ્યોૹ “સ્ટુપીડ એટલી ખબર નથી પડતી? હું પિરિયડમાં છું, આજે પહેલો દિવસ છે. આખું શરીર કળે છે.”

ઓહ્હ તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. છોકરીઓને માસિક આવે એટલે ‘મેન્સિસ’ કહેતા હશે? તેને તો ખબર જ નહોતી. હમણાં પકડાઈ જવાત. ગાયત્રીને શંકા ના આવી હોય તો સારું. તેણે કેલેન્ડર સામે જોયું. પાંચ ઓગસ્ટ. આજે પહેલો દિવસ. વાઉ ગાયત્રીને મેન્સિસ પાંચ તારીખે શરૂ થાય છે! આ તો સિક્રેટ કહેવાય. ગાયત્રીએ આ સિક્રેટ તેની સાથે શેર કર્યું! તેને રોમાંચ થયો. હમ્મ્મ્મ. આજે વિનય, જેનીસ, મિલન, કેતન બધાને કહી દેવું છે, ઇડીયટસ મને ખબર છે કે ગાયત્રી પિરિયડમાં ક્યારે આવે છે!

“આરામ કરજે” તેણે લખ્યું. વળી લખ્યુંૹ “આ ડો. ચિરાગ શાહ કોણ છે?” રિપ્લાય આવ્યોૹ “ઓ હલો, ઇલા ડોન્ટ બી પર્સનલ યાર. હી ઇઝ અ કલાસમેટ. અમે બંને ગાયનેક કરીએ છીએ.”

“તારા ફેવરિટ ફિલ્મસ્ટાર કોણ છે?” તેણે ગાયત્રીને પૂછ્યું.

“આઈ હેટ ટીન્સેલ ટોયઝ, બસ મૂવિ જોવાનું, બીજું કશું નહીં.”

“તારા, ઇલા?”

“ઇમરાન હાશમી.”

“ઓહો, સિરિયલ કિસર એમ ને.”

“હાં” તેણે જવાબ આપ્યો. જવાબ આપતી વખતે કેમ શરમાયો તેની તેને ખબર ન પડી. આજ સુધી તો ક્યારેય શરમ નથી આવી. આમેય છોકરાઓને થોડી શરમ આવે? પણ આજે કેમ શરમ આવી હશે? ખૈર, કેલેન્ડર પરનાં પાનાં ફરતાં ગયાં. મેન્સિસ, કિસિંગ, સેનેટરી નેપકીન્સ, પીસીઝ, પેડેડ બ્રા, પેન્ટીઝ, લિપ્સ્ટીક, ચોકલેટ રોલ્સ, કેક્સ, મસ્કારા, લેગીઝ, ૧૮+ પરફ્યુમ્સ, ફ્રેન્ડશિપ બેલ્ટ, અહાહા. ટીનેજ વર્લ્ડ-એમાંય પાછું ગર્લ્સ વર્લ્ડ! વાતો શેર થતી ગઈ. તે હંમેશાં સેઇફ ગેમ રમતો. આવું બધું હોય તેવી કશી ખબર નહોતી. પણ હવે તે એક્સપર્ટ થઈ ગયો હતો. તેની દુનિયામાં એક નવા અને અજીબ રોમાંચે પ્રવેશ કર્યો હતો. અરે, કોઈને ખબર ના પડે તેમ એક વાર બજારમાંથી પેડેડ બ્રા લઈ આવી પોતે બાથરૂમમાં તેની ટ્રાય પણ કરી જોઈ હતી. દુકાનદારે પૂછેલુંૹ “કઈ સાઇઝ?” ત્યારે તે બઘવાઈ ગયેલો અને બાફી મારેલુંૹ “મારી સાઇઝ.” દુકાનદાર મૂછમાં હસેલો. કોલેજમાં એટીકેટીનું ફોર્મ ભરતી વખતે સેકસના ખાનામાં ફીમેલ લખાઈ ગયેલું. કલાર્કે તેની મશ્કરી પણ કરેલી. વિનય, જેનીસ, મિલન, કેતન કોઈ હવે ગમતા નહોતા. મમ્મી પાસે પરાણે જીદ કરીને સાડી પહેરતા શીખેલું. મમ્મીને નવાઈ લાગેલી. તેણે બહાનું ચલાવેલુંૹ “કોલેજના નાટકમાં પહેરવાની છે.” રાત્રે ઓશીકું પગ વચ્ચે દબાવવું ગમવા લાગ્યું હતું. બજારમાં જતો ત્યારે સેન્ડલ્સ, મોજડી, ડ્રેસીસ, ચુની, પફ, પાઉડર, ફેર એન્ડ લવલી, નોવેલ્ટી શોપ આમાં જ ધ્યાન રહેતું. ગાયત્રી તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. તેની સાથે બધા જ સિક્રેટ શેર કરતી. મોડી રાત સુધી ચેટિંગ ચાલતું. એક વખત ગાયત્રીએ પૂછી લીધેલુંૹ “ડુ યુ માસ્ટરબેટ?” છેલ્લે ક્યારે કરેલું તે તેને યાદ ના આવ્યું. આમ તો તેની રેગ્યુલર હેબીટ હતી પણ જવાબ દેતી વખતે શરમથી પાણી પાણી થઈ જવાયેલું. આજે ઘણા દિવસ પછી રાત્રે ઊંઘ આવી હતી. રાત્રે તેને પથારીમાં કશુક ચીકણું લાગ્યું. તેણે મેસેજ કર્યોૹ “હાય ગાયત્રી, હું મેન્સિસમાં છું.”