કોલંબસ લોકો Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલંબસ લોકો

કોલંબસ લોકો

તુમુલ બુચ

દર્શન પટેલ અમદાવાદના   સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈ અડ્ડા પરથી ન્યૂ યોર્ક જતી ફ્લાઇટમાં ચડ્યો. બેગ પ્લેનની સીટના ઉપરના ખાનામાં ગોઠવી અને સીટબેલ્ટ બાંધીને બેઠો. તેની બાજુમાં એક દાઢીવાળો માણસ આવીને બેઠો. દર્શને સ્મિત આપ્યું. પેલાએ કરડાકીભરી નજરે જોયું અને કંઈક અસ્પષ્ટ બબડાટ કરવા લાગ્યો.

તારકોન તિલચટ્ટા તેના વહાલાં પરિવારજનોને છોડીને એક લાંબી, અનિશ્ચિત મુસાફરી પર જઈ રહ્યો હતો. કદાચ હંમેશને માટે.

દર્શન એના પરિવારમાંથી અમેરિકા જઈ રહેલી પહેલી વ્યક્તિ હતી. ભલે એના દૂરના કાકાઓ અને પપ્પાના કેટલાક મિત્રો કેનેડા, લંડન અને સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા, પણ અમેરિકા તો બોસ અમેરિકા જ. અને હવે જો આવતાં બે વર્ષમાં બધું એની ગણતરી મુજબ થયું તો એ છેલ્લો તો નહીં જ હોય.

તારકોનનો પરિવાર તો વણઝારો હતો. પરિવાર જ કેમ એની સમગ્ર પ્રજાતિ જ રખડુ હતી. દુનિયાના કોઈ પણ ખૂણે તમને એમનાં સગાંવહાલાં મળી આવે. તારકોનને પણ એનો પરિવાર આજે આ વિશાળ દુનિયાના કોઈ અજાણ્યા ખૂણે મોકલી રહ્યો હતો. ફેમિલી ગુરુ તંતુસ્વામીએ એને આશીર્વાદ આપેલા: જા વત્સ, તુચ્છતામાંથી ઉચ્ચતામાં સફર કર.

દર્શનને જ્યારે અમેરિકામાં ભણવા જવા માટે વિઝા મળ્યા ત્યારે એના પપ્પાનો હરખ સમાતો નહોતો. આખા મણિનગરને એમણે પેંડા ખવડાવ્યા હતા. પણ જેમ જેમ એના જવાની તારીખ નજીક આવતી ગઈ એમ એ ઢીલા પડવા માંડ્યા હતા. અને અંતે જ્યારે આજે એરપોર્ટ પર વળાવીને ગયા ત્યારે તેમની આંખો ભીંજાઈ ગઈ હતી.

તારકોનના જન્મથી જ એના પપ્પાએ એનું ભાવિ નક્કી કરી રાખ્યું હતું. છેલ્લી ત્રણ ત્રણ પેઢીથી તેમનો પરિવાર એક જ જગ્યાએ સ્થાયી થયો હતો અને હવે સમય પાકી ગયો હતો વિસ્થાપનનો, નહીંતર એમનો વંશવેલો આ સિમેન્ટ, કોંક્રિટ અને કાચના વિશ્વમાં જ કેદ રહી જશે. આજે એ મોકો આવી ચૂક્યો હતો જ્યારે તારકોન ઊજળા ભાવિ માટે ઘર છોડીને જઈ રહ્યો હતો.

દર્શનના પપ્પા કરતાં મમ્મી ઘણી જ સ્વસ્થ જણાતી હતી. તેને પહેલી વાર એકલા જઈ રહેલા અને એ પણ વિદેશ જઈ રહેલા દીકરાની ચિંતા નહોતી એવું તો નહીં પણ સાથે આપેલાં બસો થેપલાં અને ખૂબ બધો સૂકો નાસ્તો તેનું ધ્યાન રાખશે એવી ધરપત હતી. બીજું કાંઈ પણ થાય છોકરાને ભૂખ્યા પેટે સુવાનો વારો તો નહીં જ આવે. કદાચ યુનિવર્સિટીની લાખો રૂપિયાની ફી ભરીને પણ બાપ નિશ્ચિંત નહીં થઈ શકતો હોય અને છોકરું ભૂખ્યું નથી એટલી જાણ માત્રથી મા ને હૈયે ટાઢક થઈ જતી હશે.

તારકોનની મમ્મીએ તેને કોલંબસ, સિકંદર, સિંદબાદ જેવા જવાંમર્દોની વાર્તા કહીને મોટો કર્યો હતો. તેમનાં લોકોમાં સૌથી નાના પુત્રે યુવાન થતાં નવી જગ્યાએ જઈને વસી જવાનું આવતું. તારકોનને એના ઘરવાળા ખૂબ દૂર મોકલીને મોટો માણસ બનાવવા માંગતા હતા.

દર્શનને ગઈ કાલ સાંજની ઘટનાઓ યાદ આવી રહી હતી. કેવા એના દોસ્તો અને કઝિન્સ એક સારી હોટેલમાં પાર્ટી મેળવીને ખુશ થઈ રહ્યા હતા. “ભાઈબંધ, અમને ભૂલી તો નહીં જાય ને?” “હવે, તો આપણો દક્કુ દર્શન શેઠ બની જવાનો” “આવી પાર્ટીઓ તો ત્યાં રોજ રોજ કરશે. સ્પોર્ટ્સ કાર, મોંઘી શેમ્પેન, કેસીનો આ બધું તો ત્યાં જ કરી શકાય. અહીં તો.” દોસ્તોની લવારીમાં તેમની ઇર્ષાની ગંધ પણ હતી.

તારકોન જ્યાં રહેતો એ વિસ્તાર ચોવીસે કલાક ધમધમતો રહેતો. તે હંમેશાં ક્યાંક જઈ રહેલા અથવા ક્યાંકથી આવતાં માણસોને જોયા કરતો. તેઓ ક્યાં જતાં અને ક્યાંથી આવતાં એ વિશે તેને બહુ સમજ ન પડતી. તેના પપ્પા એ બધું બરોબર સમજતા. તેઓ તારકોન થોડો સમજણો થાય એ ભેગો એને ક્યાં અને કઈ રીતે મોકલવો એની તૈયારી કરીને બેઠા હતા. તારકોન પણ એ દિવસનાં સપનાંઓ જોઈને દિવસો વિતાવતો કે જ્યારે એ આવું કીડીમંકોડા જેવું જીવન છોડીને માણસો જેવું જીવન પામશે.

પિઝામાંથી વંદો નીકળ્યો અને દર્શનનો પાર્ટીનો મૂડ જ ખરાબ થઈ ગયો હતો. તે વેઇટર પર અને પછી હોટેલના મેનેજર ઉપર કેવો ભડકી ગયો હતો. ત્યારબાદ ભારતની ગંદકી, ભીડ, ઘોંઘાટ, ગરમી, ગરીબી અને ભ્રષ્ટાચાર પર દોસ્તોને નાનકડું ભાષણ આપી દીધું હતું. માખી ઊડતી હોત તો હજી ચલાવી લેત પણ વંદા માટે એને ઘૃણા હતી. જોઈને જ ચીતરી ચડે એવો જીવ. એમાંય પાછું પોતાને ખાવું તો હોય આટલું અમથું અને આપણો આખો પિઝા બગાડે. ઉકરડામાં પડ્યા પડ્યા પણ એના પૂરતું તો ખાવાનું મળી જ રહેવાનું હતું ને.

દર્શન ફ્લાઇટની ફિક્કી ફિક્કી કોર્ન સેન્ડવિચને મોળી મોળી કોફીના ઘૂંટડા વડે ગળે ઉતારતો હતો. હવે તો આવનારાં થોડાં વર્ષોમાં આવું જ ખાવાની આદત પાડવાની હતી. દોસ્તો માટે કહેવું સહેલું હતું કે ત્યાં રોજેરોજ પાર્ટી પણ ભણવાની સાથે કમાવું અને રાંધવું એ કંઈ સહેલી વાત નહોતી. જ્યાં સુધી ગ્રીનકાર્ડ ન મળે ત્યાં સુધી તો મમ્મી-પપ્પાને પણ બોલાવી નહીં શકાય. માન્યું કે ત્યાં સામાજિક બંધનો ઓછાં. એ પણ માન્યું કે ઇન્ડિયામાં તો માણસ બે છેડા ભેગા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય અને ત્યાં ખૂબ પૈસો છે. પણ તેનું શું? પોતે એકલો, પોતાનો સ્વાર્થ પૂરો કરશે ને. દોસ્તો, મમ્મી-પપ્પા, પરિવારવાળા તો અહીં જ હેરાન થશે ને. તેને અચાનક પોતાની સ્થિતિ પેલા પિઝાના વંદા જેવી લાગવા મંડી. જીવનના આ ઉચ્ચ મોડ પર એને કેમ આવા તુચ્છ વિચાર આવી રહ્યા છે! એણે કપાળ પરથી પરસેવો લૂછ્યો.

તારકોનને ખાવાની સુગંધ આવી રહી હતી. તે ભંડકિયામાંથી બહાર નીકળીને આ નવું વિશ્વ જોવા નીકળ્યો જ્યાં લોકો અવરજવર કરવાને બદલે લાઇનબંધ બેસીને ખાઈ રહ્યા હતા.

દિવાસ્વપ્નોમાં ખોવાયેલા દર્શન સાથે તેની બાજુમાં બેસેલા માણસનો હાથ અથડાઈ ગયો જેથી કોફી અને સેન્ડવિચ તે બંનેના શર્ટ પર અને નીચે જમીન પર ઢોળાયાં. તેને બરોબરની ખીજ ચડી પણ પેલાને કઈ કહેવાય એવું નહોતું કારણકે એક તો પોતે જ બેધ્યાન હતો અને બીજું પેલો ઊંચો તગડો હતો. તે હજુ કંઈ અસ્પષ્ટ બબડાટ કરી રહ્યો હતો. દર્શન ડાઘ સાફ કરવા વોશરૂમ તરફ ચાલ્યો.

તારકોને એક ખૂણામાં થોડાં કોફી અને કોર્ન સેન્ડવિચ પડેલાં જોયાં. તરત તેણે આ બંને વસ્તુનો સફાયો બોલાવી દીધો. તેને એક ખાસ જાતની ગંધ આવી રહી હતી જે તેના ઘર જેવી હતી. પોતાની મૂછોને નચાવતો નચાવતો તે ગંધની દિશામાં આગળ વધ્યો.

દર્શન બાથરૂમના અરીસામાં જોઈને શર્ટ પર લાગેલા ડાઘને સાફ કરવામાં લાગ્યો હતો. તેણે વોશબેસીનનો નળ ખોલવા હાથ લંબાવ્યો અને ત્યાં.

તારકોનને ગંધ પરથી નક્કી લાગી રહ્યું હતું કે આ તેનું ઘર જ છે. કાંઈક ગેરસમજ થઈ છે અને પોતે ખોટા માણસના થેલા પર ચડીને આવ્યો છે. એમ તો પપ્પાએ પૂરતી તપાસ કરીને જ બેસાડ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે “આ માણસનો થેલો જ્યાં ઊતરશે તે એક નવી જ દુનિયા હશે. આપણામાંથી કોઈએ ન જોઈ હોય, સપનામાં પણ ન વિચારી હોય એવી કોઈ જગ્યા. જ્યાં રહેવા-ખાવાની કોઈ ચિંતા જ નહીં. એટલું અઢળક ખાવાનું અને એટએટલા પ્રકારનું ખાવાનું જે આપણે ત્યાં લગ્નમાં પણ ન હોય. અને એ ખાવા માટે ખાસ કોઈ હરીફાઈ પણ નહીં. ખાવ તમારાથી જેટલું ખવાય એટલું અને તગડા થાઓ. રહેવા માટે પણ મસમોટી વસાહતો હોય છે ત્યાં. એવું નહીં કે અહીંની જેમ એક ખૂણામાં ભરાઈ રહેવાનું કે જ્યાંની દુર્ગંધથી જ કાચાપોચા તો મરી જાય. દરેક માટે સ્વતંત્ર મકાન. બસ તું ત્યાં જા અને મોજ કર. ત્યાં જ કોઈ સારું પાત્ર જોઈને પરણી જજે અને થાય એટલાં છોકરાં પેદા કરજે. અમારો તો ત્યાં આવવાનો કોઈ ભરોસો નહીં પણ તું આપણા કુળનું નામ રોશન કરજે”. પોતે અત્યારે જ્યાં આવી ગયો હતો એ તો પપ્પાએ કીધેલી વાત સાથે જરાય મેળ નહોતું ખાતું. તે વધુ તપાસ કરવા ગંધ તરફ ગયો.

તારકોન પાણીની પાઇપ પર થઈને ઉપર પહોંચ્યો, ત્યાં એના પપ્પાએ જેનાથી સૌથી વધારે સાચવીને ચાલવા કહ્યું હતું એ પરિસ્થિતિ આવી ગઈ. એક વિશાળ કદનું પ્રાણી કે જેની પ્રજાતિ પોતાને પૃથ્વી પરના સૌથી હોશિયાર જીવ માનતા હતા, તેનો કદાવર હાથ પોતાના તરફ આવી રહ્યો હતો. જોવાની વાત એ હતી કે આ પ્રાણીઓ પૃથ્વી પર ફક્ત બે લાખ વર્ષ જૂનાં હતાં અને તેમને ગમે તે ઘડીએ તેમની સમગ્ર પ્રજાતિનો વિનાશ થવાનો ડર સતાવતો હતો. જ્યારે પોતાની પ્રજાતિ તો બત્રીસો લાખ વર્ષથી પૃથ્વી પર જીવતી આવી છે અને હજી પૃથ્વીના અંત સુધી જીવવાની ધગશ પણ ધરાવતી હતી. તેમ છતાં પેલા લોકો પોતાને હોશિયાર સમજતા હતા અને આવા વિશાળકાય લોકોથી બચીને ચાલવામાં જ ખરી હોશિયારી છે એવી સમજણ પપ્પાએ કહ્યા વગર જ તારકોનમાં હતી.

“સાલા આ જ પ્રોબ્લેમ છે ઇન્ડિયાનો” દર્શન મનોમન બબડ્યો “ફ્લાઇટ જેવી જગ્યાએ પણ વોશરૂમ સાફ નથી રાખતા. આ નળ પર વંદા ફરે છે” નળ તરફ જતો તેનો હાથ રોકાઈ ગયો. ઘડીભર માટે તે વંદાને જોતો રહ્યો. એક વાર તો તેને થયું કે લાવ એક ઝાપટ મારીને આને ખતમ કરી નાખું. કઈ નહીં તો એક ટીચકી મારીને દૂર ક્યાંક ઉડાડી દઉં. પણ પછી એના મનમાં થોડી વાર પહેલાના વિચારોને લીધે અનુકંપા ઊપજી આવી અને એ બાજુના બેસિન તરફ ખસી ગયો.

તારકોન તરફ આવતો પેલો રાક્ષસી હાથ અટકી ગયો અને એ આંખોમાં આંખો નાખીને થોડી વાર સુધી એમ જ ઊભો રહ્યો એની તારકોનને બહુ જ નવાઈ લાગી. એને તો એમ હતું કે બસ હવે મારું આયુષ્ય પૂરું. યાદ આવ્યા તે બધાં જ દેવીદેવતાઓનું સ્મરણ તેણે કરી લીધું. અને સાચે જ તેમની કૃપાદૃષ્ટિ પોતાના તરફ ફરી અને પેલો દાનવ હાથ પાછો ખેંચી લઈને દૂર ચાલ્યો ગયો. તારકોને હાશકારો લીધો અને ભયથી છૂટેલો પસીનો સાફ કરતાં વિચારવા માંડ્યો: ગુરુજીના આશીર્વચન પ્રમાણે એ ઉચ્ચતા તરફ ગતિ કરી રહ્યો છે.

પોતપોતાની જિંદગીનો એક અતિ મહત્ત્વનો પ્રવાસ ખેડી રહેલા બે પ્રવાસીઓ એ વાતથી સાવ અજાણ હતા કે થોડી વાર પહેલા જ્યાં મરવા-મારવાની વાત હતી ત્યાં હવે તેઓ ચોવીસ કલાક માટેના હમસફર બનીને જઈ રહ્યા હતા.

દર્શન પાછો આવીને પોતાની સીટ પર, પેલા દાઢીવાળાની બાજુમાં બેસી ગયો.

પ્લેન આકાશમાં જેમ જેમ ઊંચે ચડી રહ્યું હતું તેમ તેમ દાઢીવાળાનો ઉચાટ અને સાથે બબડાટ પણ વધી રહ્યો હતો. નાનપણથી જે કામ માટે મોટો થયો છે એ આજે પાર પાડવાનું હતું. તેને ખૂબ આનંદ અને રોમાંચ થવો જોઈતો હતો. કારણ જન્નત હવે સાવ પાસે હતું. તેના આ એક કામથી એનું માણસ તરીકેનું જીવન સફળ થઈ જશે. એટલું જ નહીં મર્યા પછીનું જીવન પણ આબાદ થઈ જશે. એના લોકોની લડાઈ વિશે આખી દુનિયા જાણી જશે. તેને પોતાની જાત માટે ગર્વ હોવો જોઈતો હતો. પરંતુ એની જગ્યાએ તેને શંકા થઈ રહી હતી. જો આ કામ પાર પડ્યું તો પોતે મરી જશે એ નક્કી હતું. અને મરી ગયા પછી જીવન સફળ થાય એનો શું ફાયદો? જો કામ પાર પડ્યું તો પોતે જ નહીં બીજા પણ કેટલાય નિર્દોષ લોકો પણ મરી જશે. તેણે બાજુમાં બેઠેલા કુમળા યુવાન તરફ જોયું. કેટકેટલાં સપનાં હતાં તેની આંખોમાં. તેનાં સપનાં રોળીને પોતાની જમાતનું ભલું કઈ રીતે થઈ શકે? એના ખયાલોને પસીનો આવી ગયો — એ ખરેખર કોઈ ઉચ્ચ મિશન પર છે કે તુચ્છ માનસિકતા?

પણ જો આ કામ કર્યા વગર જ પાછો ગયો તો એરપોર્ટ પર જ અમેરિકાની પોલીસ પકડી લેશે અને ખૂબ ત્રાસ ગુજારશે. ત્યાંથી બચી પણ ગયો તો એના સાથીઓ એને જીવતેજીવ જહન્નમ બતાવી દેશે. એવા તુચ્છ કીડીમંકોડાનાં જીવન કરતાં તો માણસનું મોત સારું.

“આર યુ ઓલરાઇટ સર?” એરહોસ્ટેસનો અવાજ સાંભળીને તે તંદ્રામાંથી બહાર આવ્યો. આ એક નિર્ણાયક ઘડી હતી. “યસ આઇ એમ ફાઇન. એક્સક્યુઝ મી”, એટલું બોલીને તે ઊભો થયો અને.

“અમદાવાદ ન્યૂ યોર્કની ફ્લાઇટમાં ધડાકોૹ ૧૪ ભારતીયો, ૫ ગુજરાતીઓનાં મોત” બીજા દિવસનું અખબાર દર્શનના પપ્પાના હાથમાંથી પડી ગયું. પડેલા અખબાર પરથી એક વંદો દોડી ગયો.