ભ્રમ હતો એ! Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભ્રમ હતો એ!

ભ્રમ હતો એ!

મનોજ સોલંકી

હા, ગઈ કાલની સવારથી જ એક અજબ પ્રકારની ખુશી એના ગોરા મોં પર ચોટી ગઈ હતી. નોકરીના અપ-ડાઉનનો થાક રોજની જેમ તેના મોં પર વર્તાતો નહોતો. પહેલાંની જેમ વિચારહીન માથે હવે, તે સૂઈ નહોતો જતો. નવા-જૂના અને મીઠા વિચારોનો થોડોઘણો ભાર પોપચાં પર મૂકી વહેલી આવી જતી ઊંઘને એકબે કલાક દૂર રાખતો, સ્કીનટચ મોબાઇલમાં રાખેલા પોતાના ફોટાને હટાવી લવબર્ડસવાળું વોલપેપર મૂકવાનું તેને મન થઈ આવ્યું. અને મૂક્યું પણ ખરું એકદમ શાંત ચિત્તે એ વોલપેપરને જોયા જ કરતો. જાણે એમાંથી કંઈ તથ્ય શોધવા મથતો હોય એ રીતે. એ જોતાં જોતાં આંખો ટાઇમ એન્ડ ડેટ પર પણ ગઈ. મોબાઇલની ડીસપ્લે પર ડેટ હતી — પાંચમી મે. એને થયું, પાંચમી પછી સીધી આઠમી તારીખ આવી જાય તો કેવું સારુ! આઠમી મે એના માટે ખૂબ મોટો દિવસ હતો. એ દિવસે એના ફ્રેન્ડ રોનકના મેરેજ છે. ત્રણ વર્ષથી અદૃશ્ય થઈ ગયેલા મિત્રો સાથેનાં સ્મરણો એ દિવસે બધા મળીને વાગોળવાના છે. અમુક ખાસ ચહેરાઓ ફ્રીઝ જેવી સ્મૃતિમાં જે હજીયે તાજા છે, એ પ્રત્યક્ષ થવાના છે. એ જાણતો હતો ત્યાં સુધી તો એમના ફ્રેન્ડસર્કલમાંથી રોનક જ પરણવાની શુભ શરૂઆત કરી રહ્યો હતો, બાકીના બધા તો હજી. બધા જ આવશે મોંઘેરા એ દિવસે રાહુલ, કપિલ, ડિમ્પી, સ્વાતિ, અક્ષય, તેજુ અને એ પણ. એના લીધે તો ખાસ એ જવાનો છે. સૌથી વધારે ઉતાવળ તો એની માંજરી આંખોને એને જોવાની જ હતી. ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ એ રિન્કુને મળશે. અને એ પણ એટલી જ આતુરતાથી. કોઈ બહાનું કાઢી પહેલાંની જેમ જ વગર ફોગટની માથાકૂટ કરી એની નસ ખેંચશે. એ પણ મીઠો ગુસ્સો મોં પર લાવી કહેશે, ‘મંથન પ્લીઝ બંધ કર હવે, હું તો કંટાળી ગઈ.’ પરમ દિવસે જ રોનકે ફોન પર પોતાના મેરેજનું ઇન્વિટેશન આપ્યું હતું. એ યાદ આવ્યું. એને કંકોતરી નહોતી મળી તેય યાદ આવ્યું. કંકોતરી ન આપવા બદલ એને વ્યંગમાં ઠપકો આપવાનું મન થઈ આવ્યું. મેનુ ખોલી ફોનબુકમાં જઈ એણે રોનકનો નંબર ડાયલ કર્યો. મંથનનો નંબર જોતા જ એ બોલ્યો, ‘હેલ્લો! બોલ મંથન કેમ છે, મજામાં ને?’

‘અલા, મજા-બજાની વાત છોડ મને કંકોતરી કેમ ન આપી? સાલા, એટલો બધો પારકો કરી નાખ્યો?’

‘અલા, યાર એવું નથી. પણ બધા મિત્રોને ફોનથી જ કહ્યું છે.’ શબ્દોમાં દિલગીરી જેવું કંઈક વર્તાતા એણે વાતને આટોપી લીધી. જો કોલેજમાં હોત તો મિત્રની આ ભૂલને જતી ન જ કરી હોત પણ, એના થકી જ વર્ષો પછી રિન્કુ સાથે. એટલે તેણે આ ભૂલને જતી કરી. નહીં તો બધા મિત્રોને કેન્ટીનમાં લઈ જઈ નાસ્તો કરાવીને ભૂલની ભરપાઈ કરવી જ પડે. કંકોતરીનું નામ સાંભળ્યા પછી મનમાં કોઈ કાર્ડનો આકાર આકારિત થયો. એ હતું, ફ્રેન્ડશિપ કાર્ડ. બેત્રણ મહિનાની દેખાદેખી પછી પોતાના ઇગોની જરાય પરવા કર્યા વગર, ટોળામાં ઊભેલા એને રિન્કુ હાથમાં ગુલાબ પકડાવતી હોય એમ ફ્રેન્ડશિપ ડે પર ફ્રેન્ડશિપ કાર્ડ પકડાવ્યું. તે દિવસથી એનો ઇગો નીલગિરિનું ઝાડ થઈ ગયો હતો. પણ ક્યાં સુધી? ગરજ એકલી રિન્કુની થોડી હતી! અને એનો ઇગો થોડાં જ દિવસો પછી પાણીમાં પડેલા મટોડાની જેમ ઓગળી ગયો. બંનેની અતૃપ્ત આંખો એક બીજાથી છાની રહી, એકબીજાને જોઈ તૃપ્ત થઈ જ હતી. એ બંનેના હોઠ શાંત પાણીમાં થતાં તરંગો બની ગયા હતા. પણ ક્યાં સુધી મૌનની લગામ હોઠ પર રહે? પછી તો હોઠોએ પણ પૂર રેલાવા માંડ્યું. અવારનવાર એમના વચ્ચે ઝઘડા થયા જ કરતા. ના, એ જાણીજોઈને કરતા હતા, મીઠા ઝઘડા લખવામાં, વાચંવામાં, નાસ્તો કરવામાં, સ્ટેશનેથી કોલેજ સુધી ચાલવામાં, દરેક કામમાં ઉતાવળ ન કરતી હોવાથી મંથન એના પર હંમેશાં ચિડાતો.

મેડમે રિન્કુને આપેલી પેમ્ફલેટની ઝેરોક્ષ કઢાવવાની હતી. એ લાઇબ્રેરીમાં એસાઇનમેન્ટ લખતી હતી ત્યારે એને બેચાર મેસેજ કર્યા હતા. માત્ર એક જ રિપ્લાય આવ્યો હતો, ‘જસ્ટ વેઇટ.’ બરાબર વાકેફ હતી એ વાત વાતમાં નાકે ગુસ્સો લાવી દેતા મંથનના સ્વભાવથી, એટલે જ જાણીજોઈને આમ કરતી હતી. ખરેખર તો મજા આવતી હતી એને લાઇબ્રેરીમાં બોલાવવાની, એને ચીડવવાની એ જાણતી હતી કે, ચઢેલા મોંએ લાઇબ્રેરીમાં આવશે જ. એ પ્રમાણે થતું પણ ખરું. ચઢેલા મોંથી જ ઇશારો કરીને એને બહાર બોલાવતો અને શબ્દોના આક્રમણ દ્વારા એના પર ત્રાટકી પડતો. ‘શિયાળામાં પેદા થઈ હતી તું?’ દવાની જેમ આ યક્ષપ્રશ્ન ગળે અટક્યો. ચઢેલું અને પાછું ગુસ્સાવાળું મોં જોઈને એને હસવું આવ્યું પણ હાસ્યને મોંનુ બનાવટી ગંભીરપણું બનાવી દીધું ‘ના. કેમ?’

‘તો પછી હંમેશાં ઠંડા બરફ જેવી કેમ રહે છે? ફટાફટ એસાઇનમેન્ટ લખી બહાર ન આવી શકે!’ આ સાંભળી એણેય હવા ગાલમાં ભરી મોં ફુલાવી, પેમ્ફલેટ લઈ એના હાથમાં પછાડ્યું. ‘તું ઉનાળામાં પેદા થયો હતો?’

‘નહીં તો! કેમ?’

‘તો પછી હંમેશાં તાપમાં તપેલા પથ્થરની જેમ આટલો બધો ગરમ શા માટે રહે છે?’ ગુસ્સાને દાંતમાં ભીંસી એણે ઝટપટ પગ ખસેડ્યા પણ એ પગને અવાજની સાંકળ નાંખી થંભાવ્યા. ‘સાંભળ, મારી પણ ઝેરોક્ષ કઢાવી લાવજે. પૈસા આપી દઈશ.’

‘તારે ઝેરોક્ષ કઢાવી હોય તો જાતે જજે. હું કંઈ તારો નોકર નથી’ પાછળ જોયા વગર જ એણે કહી દીધું.

ગંભીર બનાવી રાખેલા હાસ્યને હવે, તેણે બહાર કાઢ્યું અને આ હાસ્યનો એક જ અર્થ હતો. કાલે સવારે પેમ્ફલેટ સાથે ઝેરોક્ષ પણ એને મળી જ જશે. ઓફિસમાં પંખાની હવા સાથે પકડદાવ રમતાં કેલેન્ડરમાં બુધવાર અને સાતમી તારીખ એણે જોઈ. જાણે બાર બાર મહિનાની બળતરા વેઠ્યા પછી આવ્યો હતો. ગુરુવારની નજીકનો આ બુધવાર અને આવતી કાલે તો ગુલાબજાંબુ જેવો ગુરુવાર જ! હજુ તો, આજનો આખો દિવસ, આખી રાત પછી આવતી કાલની સવાર, પછી બપોર અને પછી અને પછી સતત એકધારું ચાલીને થાકી ગયેલા પંખાએ પોતાની પાંખોનો ફફડાટ બંધ કરી દીધો. કેલેન્ડર પોતાની જગ્યાએ શિષ્ટ દાખવતું હોય એમ અદબવાળીને સ્થિર ઊભું થઈ ગયું. ટ્યૂબલાઇટ સૂર્યની માફક નહીં પણ એકદમ જ આથમી ગઈ અને ભ્રમ જેવા આછા અંધારા સાથે ઓફિસમાં થોડી રાત પેસી ગઈ. આછા અંધારાને એ ઓળખવાની મથામણ કરી રહ્યો હતો. એ પૂરેપૂરું કાળું છે કે જરા શામ? કદી કોઈના તરફ ન આકર્ષાતું મક્કમ મન હૃદય કેમ એના તરફ આકર્ષાયું હતું? વારંવાર સમજવાનો પ્રયત્ન કરવા છતાં એને સમજાતું નહોતું. સમજતી હતી એને માત્ર પોતાના તરફ એ આકર્ષાઈ હતી, એ વાત. સ્વાભાવિક જ હતું એ કેમ કે, એની કાળી નહીં પણ જરા શામળી કાયા સામે પોતે તો દૂધ જેવો સફેદ હતો ને! પણ એ કેમ આકર્ષાયો હતો? રોજ સવારે બ્રેકફાસ્ટમાં જોઈતા બ્રેડ જેવા એના પોચા ગાલને લીધે કે સાફ હોવા છતાં રૂમાલથી વારેવારે લુંછાયા કરતાં, ખૂણામાં ઊગેલા તલવાળા, સલાડમાં ભાવતા બીટ જેવી લાલાશ વધારતા હોઠને લીધે? પાંદડા જેવા પહોળા કપાળ પર તાજા જ જન્મેલા ઝાકળના બિંદુ જેવી લાલ કે મરુન રંગની નાની અમથી ચાંદલીને લીધે કે પછી શાવરમાંથી નીકળતા પાતળા ફુવારા જેવા એના પાતળા, સોનેરી વાળને લીધે? કે પછી ખાઈ જવાનું મન થાય એવા ભીના, સુગંધિત કાળ મટોડા જેવી શામળી કાયાને લીધે? ગમે તે હોય પણ બંને એકબીજા માટે ચુંબકનું કામ કરતા હતા. ઓફિસેથી ડે નો હાફ ડે કરી એ વહેલો ઘરે આવ્યો. રોજ કરતાં આજે નહાતા એને વાર લાગી. શરીર એકદમ ફ્રેશ કરી નાંખ્યુ. ફરી પાછું કંઈક યાદ આવતાં બાથરૂમ તરફ એના પગ વળ્યા. મોં ફ્રેશ કરવાનું બાકી હતું. ગાર્નિયર ફેસવોશથી મોં બરાબર ધોયું અને ફેસવોશની સુગંધે મોંની સાથે જૂના વિચારોને પણ ફ્રેશ કર્યા. ‘તારી સ્કીન કેટલી સોફ્ટ છે, ક્યું ફેસવોશ યુઝ કરે છે, ગાર્નિયર?’ એણે આંગળીઓના સ્પર્શ વડે અરીસામાં જોઈને સ્કીન સોફ્ટ છે કે નહીં, એ બરાબર ચકાસી લીધું. હા, સ્કીન સોફ્ટ જ હતી. વારંવાર જોવાનું, સ્પર્શવાનું મન થાય એવી.

ખાસ લગ્નપ્રસંગમાં પહેરવા માટે જ કબાટમાં રાખી મૂકેલો, જુદાં જુદાં કપડાંનો ખજાનો એણે ખોલ્યો. ડાયમંડવાળી ભરાવદાર રેડ કલરની શેરવાની, રેમન્ડ કાપડનો નવી પેટર્નમાં સિવડાવેલો બ્રાઉન કલરનો સૂટ, શુદ્ધ સફેદ રંગની પઠાણી એવા કેટલાય રંગીન પોષાક પર એની નજર હીંચકાની જેમ ઝૂલતી રહી. પણ એ ઝૂલતી નજર બધા જ રંગોને કુદાવી પર્પલ કલરની ટી-શર્ટ પર સ્થિર થઈ. અને એની આંખો પર્પલમય થઈ ગઈ.

‘યુ આર લુકિંગ સો હેંડ્સમ ટુડે ઇન પર્પલ કલર.’ ઊંચા રાખેલા ટી-શર્ટના કોલરને એણે સરખો કર્યા.

‘ઓહ, રીઅલી! કે પછી મને ચણાના ઝાડ પર ચડાવે છે?’કોલર ને ઊંચા કરતો એણે સામે પ્રશ્ન કર્યો. ‘રીઅલી કહું છું, યાર. તને પર્પલ કલર ખૂબ શોભે છે. યુ નો, મારો ફેવરિટ કલર પણ.’ શબ્દોમાં શરમ બેસી ગઈ ત્યાંથી જતું રહેવાનું મન થયું પણ, મંથનનું મૌન બેસવા માટે આમંત્રિત કરતું હતું.’

‘બસ, તને પર્પલ કલર જ ગમે છે, હું નહીં?’ નીકળું નીકળું થઈ રહેલા શબ્દો શ્વાસની જેમ એણે પાછા અંદર ખેંચી લેવા પડ્યા. ખેંચી જ લેવા પડે એમ હતું. હિંમત ક્યાં હતી એની પાસે આવું કંઈક બોલવાની! પોતાની લાગણીને એની સામે જાહેર કરવામાં ‘આજે નહીં, કાલે તો ચોક્કસ.’ એમ એની આજ કાલે કોલેજના ત્રણચાર વર્ષ વિતાવી, એમના અનામી સંબંધને ભીતરથી એકદમ પાક્કો બનાવી દીધો હતો. પણ ક્યારેય હિંમતની ધારે પોતાની લાગણીને વહેતી કરી નહોતી. કંઈક હિંમતપૂર્વક બોલવાની બાબતમાં ગભરાતા મિત્રોને એ રમૂજમાં મફતિયા સલાહ આપતો, ‘ડેરિંગ રખ્ખેગા તો ભાઈ બનેગા.’ જાણે પોતે તો ડેરિંગનો દરિયો ન હોય! પણ કદાચ, આવું એ બોલવા પૂરતું જ બોલતો હતો. એટલે જ ગંભીરતામાં રમૂજની ભેળસેળ કરી કહેતી, ‘હા, હા. તું કેટલો ડેરિંગવાળો છે, એ ખબર છે મને.’

બ્લેક નેરો, પર્પલ કલરની ટી-શર્ટ અને ઉપર બ્લેક ઓવરકોટ પહેરી પોતાની જેટલાં જ ઊંચા અરીસાને પોતે કેવો લાગે છે, એવું પૂછતો હોય એમ પોતાને આખે આખો અરીસા સામે ધર્યો. હજુ, કશાકની ખોટ વર્તાતી લાગી. હા, પરફ્યુમની. પરફ્યુમના છંટકાવથી પહેરેલાં કપડાંમાં થોડી ભીનાશ રેલાવવાનું મન થયું. પણ એ પરફ્યુમની સુગંધ રોજ નહીં ને આજે ગંધ લાગી. હાથમાં પરફ્યુમ પકડીને અરીસાની સામે જ અનિમેષ નજરે સ્થિર ઊભો રહ્યો. અને પરફ્યુમની ગંધાતી ગંધ કપાળના છિદ્ર મારફતે એના મગજમાં ઘૂસી ગઈ. ‘આ કેવું પરફ્યુમ વાપરે છે તું? તારા કરતાં રોનક બહુ જ સારું પરફ્યુમ વાપરે છે. મને બહુ જ ગમે છે એ.’ ફરી પાછી કપાળના એ જ છિદ્રમાંથી ગંધ નીકળી ગઈ. હાથમાં પકડેલું પરફ્યુમ છાંટ્યા વગર જ, એને બાજુ પર હડસેલી એ રોફભેર નીકળી ગયો. જતાં જતાં મનમાં જાત જાતની શંકાકુશંકાઓ ઊડાઊડ કરતી હતી. રોનકને કોલ કરી પૂછવાનું મન થયું કે રિન્કુને ઇન્વાઈટ કરી છે કે નહીં? એ આવશે કે નહીં? ના, ના, એ ચોક્કસ આવશે. ભલે, એ બાજુના કલાસની હતી, પોતાના ફ્રેંડસર્કલમાં નહોતી પણ રોનકની તો ક્લોઝક્રેડ હતી ને! ફેર એન્ડ હેન્ડસમ લગાવેલ એના મોં પર બેચેની સાફ દેખાતી હતી. પણ લગ્નમાં મળીને પોતાની લાગણી જણાવી, સરપ્રાઇઝ આપવાના મધુર વિચારે એ બેચેનીને ગાયબ કરી દીધી. એના મોઢા પર મોરની કલગીની જેમ આનંદની લહેરખી છવાઈ ગઈ. ડ્રાઇવિંગ કરતી વખતે ધૂળ આંખોમાં ન ઊડે એ માટે એણે ગોગલ્સ પહેર્યા, પણ વર્ષો જૂનાં સ્મરણો ધૂળ બનીને! લગ્નમંડપમાં એ પહોંચ્યો ત્યારે તડકો તિમિરમાં ફેરવાઇ ગયો હતો. થોડી વારમાં તો આંખો મંડપનો ખૂણે ખૂણે ફરી વળી. જુદા જુદા ડ્રેસ, સાડીઓમાં વીંટાયેલા જુદી જુદી યુવતીઓના દેહમાં એ પેલા શામળા દેહને જ શોધતો રહ્યો, પણ ક્યાંય ન જડ્યો. જુદી જુદી યુવતીઓના ભીની ટાઇલ્સ જેવા લીસાદેહ એને બિલકુલ આકર્ષી ન શક્યા પણ, બ્લેક નેરો અને પર્પલ ટી-શર્ટમાં વીંટાયેલો એનો દૂધ જેવો દેહ ચોક્કસ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. ક્યારની અહીં તહીં મંડપ ફંફોસતી આંખોને મિત્રો મળતાં જરા ટાઢક વળી. મિત્રોને જોતા જ ઉમંગથી ભેટી પડ્યો. ‘હાય કપિલ! હાય ડીમ્પી! હાય વિનુ!’ વર્ષો પછી પણ મિત્રોનાં મોઢાં તો એ જ હતાં, પણ પહેલા જેવી સ્વભાવની સ્વતંત્રતા, શબ્દોની મીઠાશ શોધવા છતાં ન જડી પોતે નહોતો બદલાયો એટલે બદલાયેલું બધું એને વિચિત્ર લાગતું હતું. ‘રિન્કુ આવી છે? તમે જોઈ એને!’ મિત્રોને પૂછવાનું મન થયું, પણ પુછાયું નહીં. એમ પણ ક્યાં કદી કોઈનેય પૂછ્યું હતું રિન્કુ વિશે એણે? અરે! ખુદ રિન્કુને પૂછ્યું હતું? બસ, પોતાની જાતને પૂછી પૂછીને ખોતર્યા કરી હતી અને ખોતરાયેલી જાતમાંથી નીકળેલો જવાબ પોતાને જ સમજાતો નહોતો. ‘હશે તો અહીં જ હશે ને, ક્યાં જવાની છે!’ એમ મન મનાવી આજુબાજુ દૃષ્ટિ દોડાવી. કદાચ, પોતાને હંમેશાં આકર્ષતો રિન્કુનો એ શામળો દેહ અને હા, એ શામળો દેહ ઝળહળ્યો. શ્વાસના બહાને લાંબો હાશકારો છેક ઊંડે સુધી ખેંચ્યો. મિત્રોને એક્સક્યુઝ મી કહી, પોતાનાથી આઘા ઊભેલાની ખૂબ જવા માટે પગલાં ઉપાડ્યાં. પગ તળેની જમીન આજે કંઈક નવો અનુભવ આપતી હતી. પગ જાણે ફૂલોની ચાદર પર ન ચાલતા હોય! એ જ પીઠ, એ જ ફિગર. સાડી ડેમાં પહેરતી હતી એવી જ પર્પલ કલરની સાડી એજ પાતળો દરિયા જેવો રેતાળ ભાગ, એ જ પાતળા અને છૂટા સોનેરી વાળ. એને બોલાવવી એ સાજતું નહોતું અને એના સુંવાળા ખભાને હાથના સ્પર્શ વડે પોતાની તરફ વાળતાં જ આંખોનો ભ્રમ તૂટી ગયો. મોં જોતા જ એના મોં પર આશ્ચર્યચિહ્ન ઉપસી આવ્યું.

‘ઓહ, સોરી! મને એમ કે,’

ખાસા કલાક મંડપમાં, મંડપની આજુબાજુ પરિક્રમા કરીને એ ઢીલોઢસ થઈ ગયો. ટી-શર્ટની અંદર વીંટાયેલ છાતી જરા ભીની થતી લાગી એટલે ઓવરકોટ કાઢી નાખ્યો. માથું દુખતું નહોતું, પણ માથે હાથ દઈને બેસવાનું ઠીક લાગ્યું. હવે, વિચારો પણ નકારાત્મક સાદ સંભળાવા લાગ્યા. નહીં જ આવી હોય એ! કોઈ દિવસ નહીં ને આજે રોનક પર ચીતરી ચડી. કદાચ, એ સાલાએ જ ઇન્વાઈટ નહીં કરી હોય. રોનકને મળી, મેરેજ ગિફ્ટ આપીને બધા મિત્રોને ઘરે જવાની ઉતાવળ હતી. એમના ફ્રેંડસર્કલમાંથી કોઈકે મંથનને બૂમ મારી, ચોરીમાં બેઠેલા રોનકને એક પછી એક બધા મિત્રો મળવા ગયા. મંથન હજુ ચોરીમાં પગ જ મૂકવા જતો હતો ત્યાં જ ધરતીકંપ જેવો આંચકો લાગ્યો. મંગળ ફેરા જોઈને એનું આખું શરીર ચકરાવા લાગ્યું. ચોરીના ધુમાડાથી આંખો લાલચોળ થઈ ગઈ. જાણે હમણાં લોહી ફૂટે! પગ ત્યાંથી જ પાછા ફરી ગયા અને તરત જ ઘર ભેગા થઈ ગયા.

થાકથી એનું શરીર બેવડ વળી ગયું હતું. એને કશાકનું વજન લાગતું હતું થાકનું કે વિચારોનું? બૂટ કાઢ્યા વગર, નાઇટડ્રેસ પહેર્યા વગર જ, એકદમ અંધારુ કરી પલંગ પર લંબાવી દીધું, સવારે ઊઠીને રાતે વિચારોથી દુખેલા માથાને આંગળીઓથી સહેજ દબાવ્યું અને સવારે પણ એ જ વિચારે પીછો ન છોડ્યો. ‘રોનક સાથે એને મંગળ ફેરા ફરતી જોઈએ મારી આંખોનો ભ્રમ હતો, કે પછી એ મને ચાહતી હતી એ મારો!’