અકબંધ રહસ્ય - 24 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 24

એકબંધ રહસ્ય

ભાગ - 24

Ganesh Sindhav (Badal)

વિઠ્ઠલભાઈ સુમનને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કહે, “ આ દવાથી એને આરામ થઈ જશે. માનસિક તનાવને કારણે એને તાવ આવ્યો છે. દવા લેવાથી આરામ થશે.” દવાથી સુમનની તબિયત સુધરી.

એ જૂનાગઢ જવા તૈયાર થયો. એની સાથે વિઠ્ઠલભાઈ તૈયાર થયા. એ બંને જૂનાગઢ પહોચ્યાં. વિઠ્ઠલભાઈ પ્રયોગોના રસિયા માણસ હોવાથી એમને ગુજરાત કૃષિ યુનિવર્સીટી જોવાની ઈચ્છા હતી જ. અહીંના જુદા-જુદા વિભાગોમાંથી એમને જે જાણવા લાગે તે પોતાની નોટબુકમાં નોંધી લેતા. એમણે અહીંની પ્રયોગશાળ જોઈ, ખેતરનું પ્લોટીંગ જોયું. એમાં જુદા જુદા પાકના સંશોધન અને સંવર્ધન માટેની પદ્ધતિનું નિરીક્ષણ કર્યું. જે તે વિભાગના અધ્યાપકોને મળીને પોતાને ઉપયોગી મુદ્દાની ચર્ચા કરી. વિઠ્ઠલભાઈને સુમનનું પ્રાયોગિક કામ ખાસ જોવું હતું. તેથી એમણે એના પ્લોટનું નિરીક્ષણ કર્યું. આ સમયે વિભા ત્યાં હાજર હતી. તેથી સુમને વિઠ્ઠલભાઈને કહ્યું, “દાદા, આ વિભા આપણી સંસ્થા પાસેના લુસડીયાની વતની છે. મિશનરી સ્કૂલમાં ભણેલી હોવાથી અંગ્રેજી ભાષા પર એનો સારો કાબુ છે. અહીંના મારા અભ્યાસમાં એની મદદ મને મળી છે. એના પપ્પા એમ.આર. ભગોરા જિલ્લા ખેતીવાડી અધિકારી છે.” સુમને પોતાની વાત આગળ ચલાવી.

“રતનપરથી મારી મમ્મી અને નાના-નાની અહીં આવ્યા હતા. અહીંના જોવા જેવા સ્થળોએ અમે આખો દિવસ ફર્યા. વિભા પણ અમારી સાથે હતી. વળતી વખતે આગ્રહ કરીને વિભા અમને એના ઘરે લઈ ગઈ. એણે હોંશથી ચા-નાસ્તો બનાવીને અમારી આગળ મૂક્યો. એ ખ્રિસ્તી હોવાની જાણ થતા મમ્મી કે નાના-નાનીએ નાસ્તાને હાથ લગાવ્યો નહીં. આ કારણે વિભાને મારી પ્રત્યે માઠું લાગ્યું છે. તે દિવસથી એ મારી સાથે બોલતી નથી. મને અભ્યાસમાં મદદ કરતી નથી. એની સાથે તમે વાત કરીને એને સમજાવો એ મારી સાથે પૂર્વવત સંબંધ રાખે.”

ઘડીભર વિઠ્ઠલભાઈ વિભા સામે જોઈ રહ્યા, વિભાએ એમને નમસ્કાર કર્યા. એણે વિઠ્ઠલભાઈને કહ્યું, “દાદા, તમે એના ક્યારાના ઘરુ સામે જુઓ, સુમનની ગેરહાજરીમાં મેં મારા ક્યારાની જેમ જ એના ક્યારાના ઘરુનું જતન કર્યું છે. એના ઘરુને નિયમિત પાણી આપીને મુરઝાવા દીધા નથી. સુમન વધારે પડતો લાગણીશીલ છે. એ બીમાર પડ્યો ત્યારે એના ક્યારાની સંભાળ રાખવાનું એણે મને કહેવું જોઈએ ને ?”

એણે પોતાની વાત આગળ લંબાવી. “હું ખ્રિસ્તી હોવાથી સુમનની મમ્મી અને એના નાના-નાની મારા ઘરનું પાણી પણ ન પીવે. એનો અર્થ કે ખ્રિસ્તી ઘર્મ હિન્દુ ધર્મથી ઉતરતી કક્ષાનો છે. ધર્મની વાત જવા દો. કોઈ માણસ વ્યક્તિની લાગણીને જોયા વિના એનો તિરસ્કાર કરે એ એની શ્રેષ્ઠતા છે કે હિનતા ?”

વિઠ્ઠલભાઈ કહે, “વિભા તને જે અનુભવ થયો, એની વાત તેં કરી. એ તારા શિક્ષણની તેજસ્વીતા છે. એના માટે હું તારો ને તારા શિક્ષણનો આદર કરું છું. સ્વાભિમાન વિનાના એ લોકોની લાગણીને ઠેસ વાગતી જ નથી. જે લોકો બીજાને હલકા સમજે છે એથી એ પોતે હલકા બને છે.”

“વિભા, તારું ગામ લુસડિયા મેં જોયું છે. મિશનરી હોસ્પિટલ મેં જોઈ છે. લુસડિયા અને વનવાસી ઉત્કર્ષ સંસ્થા વચ્ચે લાંબુ અંતર નથી. હું જાણતો નથી કે તારા લગ્ન થયા છે કે નહીં ? તું જો વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં કામ કરવાનું સ્વીકારીશ તો તારા વડે ગરીબ અભણ આદિવાસીઓની સેવાનું કામ થશે. એ બધાને તારી શિક્ષણ સંપદાનો લાભ મળી શકશે. તારા પ્રિય વિષયનું કામ સંસ્થામાં તને મળશે.”

વિભા કહે, “હાલ મારો અભ્યાસ ચાલુ છે. તમારી સંસ્થામાં જોડાવા બાબત તમારે મારા પપ્પાને મળીને વાત કરવી જરૂરી છે. સાંજે આઠ વાગે એ તમને ઘરે મળશે.”

સુમન અને વિઠ્ઠલભાઈ આઠ વાગે વિભાને ઘરે પહોંચી ગયા. એમ.આર. ભગોરાએ આવકાર આપ્યો. વિભા વિઠ્ઠલભાઈનો પરિચય આપતી હતી ને વચ્ચે ભગોરાએ એને રોકી. એ કહે, “તમે પોતે જ વિઠ્ઠલભાઈ પટેલ ? મેં છાપામાં તમારા વિશે વાંચ્યું છે. કૃષિ ક્ષેત્રે તમે સંશોધનનું મોટું કામ કર્યું છે. એનાથી તમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. તમારા દીકરા સુરેશભાઈને હું જાણું છું. અમારા વિસ્તારમાં એ પલાંઠી વાળીને બેઠા છે. એમના શિક્ષણના કામથી હું પરિચિત છું. આ સુમન અહીં અવારનવાર આવે છે. એણે કોઈ દિવસ સુરેશભાઈ કે તમારા વિશે વાત કરી જ નથી.”

વિઠ્ઠલભાઈએ કહ્યું, “તમારી દીકરી વિભાનો અભ્યાસ પૂરો થયા પછી એને મેં વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં જોડાવા માટેની વાત કરી છે. એણે આપણી ઈચ્છાને માન આપવાનું કહ્યું છે. એથી હું સુમન સાથે આપણે મળવા આવ્યો છું. અમારી કૃષિ પ્રયોગશાળામાં એ કામ કરશે તો એના જ્ઞાનનો લાભ સંસ્થાને મળશે.”

ભગોરા કહે, “વિભાએ તમારી સંસ્થામાં જોડાવું હોય તો એમાં મને કોઈ હરકત નથી. અભ્યાસ પૂરો થયા પછીથી એણે ક્યાં કામ કરવું એનો નિર્ણય એ પોતે લે એ જરૂરી છે.”

રાતની ટ્રેનમાં વિઠ્ઠલભાઈને બેસાડીને સુમન હોસ્ટેલ પર આવ્યો. એણે મનોમન દાદાનો આભાર માન્યો. બીજા દિવસે યુનિવર્સીટીની પ્રયોગશાળામાં સુમનને વિભા મળી. એ કહે, “સુમન, આજકાલ બનાવટી નોટ બજારમાં ફરે છે. લોકો એનાથી લેવડ-દેવડ કરીને છેતરાય છે. લોકો નકલી સ્ટેમ્પ પેપર ખરીદીને જોયા વિના દસ્તાવેજ કરાવીને પણ છેતરાય છે.”

“જેની સાથે લગ્ન કરીને જિંદગીભર જીવવું હોય એની પરખ કરવામાં શું ખોટું છે ? તારી મમ્મી શિક્ષિકા હોવા છતાં એના વિચારો સંકુચિત છે. બિચારા નાના-નાનીની ટીકા કરવી યોગ્ય નથી. વિઠ્ઠલદાદાને મળ્યા પછી મારી શંકાનું નિવારણ થઈ ગયું છે.”

સુમન કહે, “મારી પરખ થઈ છે કે હજુ બાકી છે ?”

“માણસને ઓળખવો મુશ્કેલ છે. એ જે બોલતો હોય એનાથી જુદી જ વાત એના દિલમાં સંતાડીને એ રાખે છે. આમ છતાં નાની મોટી ઘટના બને ત્યારે એના આંતરિક મનના પ્રતિબિંબની ઝલક બહાર આવે છે. એ જોઈને એની પરખ થઈ શકે છે. તારી સાથે મારું બોલવાનું બંધ થયું ને તારી તબિયત બગડી એથી હું તારી યાતના અને સંવેદના પામી શકી. એથી હું પણ ત્રસ્ત હતી.”