એકબંધ રહસ્ય
ભાગ - 2
Ganesh Sindhav (Badal)
સુરેશને અહીં રહેવું હિતાવહ લાગતું ન હતું. તેથી એણે બીજી જગ્યાએ ભાડેથી મકાન રાખ્યું. એણે એનો સામાન ફેરવી લીધો. શહેરના કોટ વિસ્તારમાં શાહપુરની એક પોળમાં એ રહેવા લાગ્યો.
મકાન માલિક જશુભાઈએ સુરેશને કહ્યું, “આપણી પાડોશના મુસલમાનો સારા માણસો છે. ગઈ વખતના તોફાનોમાં શહેરના ઘણા વિસ્તારો સપડાયા હતા. અહીં આપણી પોળમાં શાંતિ હતી. હિન્દુ કે મુસલમાન બંને કોમો શાંતિ ઝંખે છે. બંને કોમના સ્થાનિક લોકો વચ્ચે વેરઝેર અને દુશ્મનાવટ રાજકીય પક્ષોના દોરી સંચારથી થાય છે. સત્તા હાંસલ કરવા માટે તેઓ વેરની આગને ઠરવા દેતા નથી. આગને સળગતી રાખવી એ જે તે પક્ષ માટે ફાયદાનો વેપાર છે. હિન્દુ મુસલમાન બંને કોમોમાં ઢગલાબંધ અશિક્ષિતો છે. એમાંયે કેટલાક પોતાની જાતને દાદા તરીકે માને છે. એ દાદાને કોઈક રાજકીય નેતા સાથે છેડાછેડી જેવો સંબંધ હોય છે. એના બળથી એ ધર્મને નામે અધર્મ કામ કરીને ગૌરવ લે છે. આ રાજકીય પક્ષો પાસે બીજી હરોળના અર્ધશિક્ષિતોના નામની યાદી તૈયાર હોય છે. એ બધા પોતાના હાથમાં પોસ્ટરો લઈને રોડ પર નારાબાજી કરે છે. એમની નારાબાજી લોકમાનસને ઉશ્કેરવાનું કામ કરે છે. લોકોને ભ્રમિત કરવાની એ તરકીબ છે. નારા બોલનારા લોકો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે.”
હિન્દુથી મુસલમાનોનું ધર્મઝનુન ઘણું આગળ છે. “ઇસ્લામ ખતરેમેં હૈ” જેવા ઉશ્કેરણીજનક નારાથી કબરમાં સૂતેલાં મડદાં બેઠા થઈને તરખાટ મચાવે છે. માંડ વાંચતા લખતાં શીખેલા એ નારાબાજોએ કુરાન સિવાયના કોઈ પુસ્તકને કદીએ હાથમાં લઈને વાંચ્યું હોતું નથી. અન્ય ધર્મનું અધ્યયન કરવું એને એ પોતાના મઝહબ વિરુદ્ધનું સમજે છે. આ અર્ધશિક્ષિતોમાં એવા લોકો છે જે પોતાની જાતને લીડર માને છે. આ દાદા કે લીડરના ગોડફાધરને ઓળખવા કઠીન છે. કારણ એમના ચેહરા ને મહોરાં અલગ હોય છે.
સુરેશે જશુભાઈને કહ્યું, “તમારી વાતો સંભાળીને મારા મનનું સમાધાન થયું છે. મારો અનુભવ સાચો છે.”
સુરેશના વિશાળ વાંચનને કારણે એ દેશ દુનિયાના સળગતા પ્રશ્નોની સમીક્ષા મિલ કામદારો આગળ કર્યા કરતો. એથી મિલ કામદારો અંદરોઅંદર કહેતા, ‘આ પટેલનો છોકરો મિલમાં ખોટો આવ્યો છે.’ એ મિલ મજૂરોની વાત સાચી હતી. સુરેશના મનમાં શિક્ષણનું મહત્વ હતું જ. એણે મિલની નોકરી ચાલુ રાખીને બહારના વિદ્યાર્થી તરીકે કોલેજનું ફોર્મ ભર્યું હતું. ત્રણ વરસને અંતે એ ગ્રેજ્યુએટ થયો. એજ રીતે અભ્યાસ ચાલુ રાખીને એણે સમાજશાસ્ત્રના ખાસ વિષય સાથે એમ.એ. ની ઉપાધી મેળવી. આ પછી એણે જી.પી.એસ.સી. ની પરીક્ષા આપી. એમાં એ ઉત્તીણ થયો. એક દિવસે સરકારી કોલેજના લેકચરરની જગ્યા પર નિમણુંક પામ્યાનો પત્ર એના હાથમાં આવ્યો. આ દિવસે સુરેશ માટે સોનાનો સુરજ ઊગ્યો હતો. મિલની નોકરી છોડીને એણે કોલેજની સર્વિસ શરુ કરી.
સુરેશનું શરીર પ્રમાણસર અને માંસલ હતું. એની આંખો મોટી અને મોહક હતી. પાર્થ જેવું વિશાળ ભાલ હતું. એના વાળ સુંદર હતા. એ વર્ગખંડમાં વિદ્યાથીઓને મુદાસર નોટ લખાવતો. છેલ્લે વિષયને ધ્યાનમાં રાખીને ટૂંકી સમીક્ષા કરતો. એનું એ વક્તવ્ય સાંભળીને છાત્રો તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરતા. આમ એના આગવા વ્યક્તિત્વને કારણે એ વિદ્યાર્થીઓમાં પ્રિય હતો. એના પિરીયડમાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો.