અકબંધ રહસ્ય - 25 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 25

એકબંધ રહસ્ય

ભાગ - 25

Ganesh Sindhav (Badal)

સુમન પર વિઠ્ઠલભાઈનો પત્ર આવ્યો.

ચિ. સુમન,

તારી તબિયત સારી હશે. આ હોળીના તહેવારની રજાઓમાં તું અહીં આવજે. તારી સાથે ભગોરા સાહેબના પરિવારને લેતો આવ એવું ઈચ્છું છું. તું એમને મળીને મારો આ પત્ર બતાવજે. એમને મારું નિમંત્રણ છે. તેઓ ખેતીવાડી અધિકારી હોવાથી એમને અહીં આવવું ગમશે. એમની સાથે વિભા આવે એ જરૂરી છે. કારણ કે અહીં આવે તો સંસ્થાનું વાતાવરણ જુવે. આપણી લેબોરેટરી જુવે. એણે અહીં કામ કરવું હોય તો સંસ્થા જોવી જરૂરી છે.

લિ. દાદા ના આશિષ

સુમન એમ.આર. ભગોરાને મળ્યો. વિઠ્ઠલભાઈનો પત્ર બતાવ્યો. તેઓ સહપરિવાર સંસ્થાના મહેમાન બને એવો એણે આગ્રહ કર્યો.

ભગોરા કહે, “તું વિઠ્ઠલભાઈને પત્ર લખીને જણાવી દે કે અમે જરૂરથી આવીશું.”

હોળીના પર્વ નિમિત્તે વતનમાં જવાનું નિમંત્રણ મળ્યું એથી ભગોરાને ખુશી થઈ હતી. વિભા એની મમ્મી અને સુમન સમયસર વનવાસી ઉત્કર્ષ સંસ્થાએ પહોંચી ગયા.

હોળીનું પર્વ એટલે આદિવાસીઓ માટે અમૂલો અવસર. આખો મલક હિલોળે ચડે. મેઘરજ પટ્ટો, પાલપટ્ટો અને શામળાજી પંથક રાતભર જાગે. ઢોલના તાલે ડુંગરા ડોલે. જોબનઘેલી ચપલા નાચે. મુગ્ધભાવે તારલા જુવે. રવિના રથની રજ ઊડતી ભાળે ત્યારે એ તારલા ગાયબ બને.

વતન એટલે વતન. એની ધૂલીના સ્પર્શથી માણસનો ભૂતકાળ સજીવ બનીને હોંકારા આપે. ભગોરાએ એની દીકરી વિભાને કહ્યું, “તમે બધા બહાર રહીને મોટા થયા, ભણ્યા એથી શામળાજીના મેળાની મોજનો ખ્યાલ તમને ન હોય. અમે સર્વોદય આશ્રમ શામળાજીમાં રહીને ભણેલા તેથી એ મેળો હજી ભૂલાતો નથી. તારી મમ્મીને પૂછી જો, એને આ બધું યાદ હશે. મારી દાદી મહુડા વીણીને લાવે. સુકવીને કોઠીમાં ભરે. કૂવાવાળા મહુડાની સુગંધથી મગરા (ડુંગરા) મહેકી ઊઠે.”

સંસ્થા જોઇને ભગોરા ખુશ થયા. એમણે વિભાને કહ્યું, “તું શહેરની સુવિધા છોડીને અહીં કામ કરીશ તો વતનનું ઋણ અદા કર્યાનો સંતોષ થશે.” એ બધા સુમન સહિત લુસડિયા ગયા. ત્યાંથી જૂનાગઢ રવાના થયા.

વૈશાખની કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો તંગ હતા. સુમનની પરીક્ષા ચાલતી હતી. એ સમયે એમી મમ્મી જયાનો પત્ર આવ્યો. એના લાંબા પત્રમાં એણે સુમન આગળ બળાપો કાઢ્યો હતો.

એણે લખ્યું હતું- ‘મને જાણવા મળ્યું છે કે તું હોળીની રજાઓમાં તારા પપ્પા અને દાદા-દાદી પાસે ગયો હતો. અહીં મારી પાસે આવીને મોઢું બતાવવા જેટલો સમય તને મળ્યો નહીં. હું કાગડોળે તારા પત્રનો ઈન્તેજાર કર્યા કરું છું. ત્યાં તને તારા સાગલાંઓ મળી ગયા હવે તારે મારી શી જરૂર છે ? તારો ઉછેર કર્યો, ભણાવ્યો એ પછીથી મારી કોઈ અપેક્ષા ખરી કે નહીં ? ઠેઠ સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર સુધી લાંબુ થવાય છે. અહીં મમ્મી પાસે આવવું તને કાઠું પડે છે ? ખાસ લખવાનું કે હું અને નાના તારા માટે છોકરી જોવા ગયા હતા. વિહાર ગામ આપણા ગોળનું છે. આ ગામના દેવચંદ પટેલની દીકરી ચંદા સાથે સગાઈ કરવાનું અમે નક્કી કર્યું છે. દેવચંદ પટેલ કરોડપતિ છે. એમની એકની એક દીકરી છે. શહેરમાં એમનો મોટો ધંધો ચાલે છે. એનો વહીવટ તને સોંપવા સુધીની વાત એમણે સ્વીકારી છે. ચંદા રૂપાળી છે. એનું ભણતર તારા જેટલું છે. આ દેવચંદ પટેલ વિરમ મામાના મિત્ર હોવાથી એમણે તારા માટે સગું બાંધવાની વાત ચલાવી છે. કદાચ તારી પરીક્ષા ચાલતી હશે. પરીક્ષા પત્યા પછી તું સીધેસીધો અહીં આવજે. ચંદા સાથે બેસીને તારે વાત કરવી જોઈએ. તને પસંદ પડશે જ. તારી હા થયા પછી સગાઈની તારીખ નક્કી થશે. તું અહીં આવવાની તારીખ જલદીથી જણાવજે. જેથી સામે વાળાને હું જણાવી શકું.’

સુમન પરીક્ષામાં વ્યસ્ત હોવાથી એણે એની મમ્મીનો બળાપો શાંત થાય એ માટે એક પોસ્ટકાર્ડ લખ્યો. એમાં એણે લખ્યું, ‘મમ્મી, તારો પત્ર મળ્યો છે. હાલ મારી પરીક્ષા ચાલુ છે. એ પત્યા પછી હું તને મળવા આવીશ. તેં મારી સગાઈની વાત લખી છે. તે અંગે જણાવવાનું કે હમણાં હું લગ્ન કરવા માગતો નથી. તેથી ચંદા સાથે બેસીને વાત કરવાનો કોઈ અર્થ નથી.’

પરીક્ષા પુરી થઈ. સુમને વિભાને એની મમ્મીનો પત્ર બતાવ્યો.

વિભા કહે, “તારી મમ્મીને તેં શું લખ્યું ?”

“એને મેં મારી સગાઈની વાત કરવાની સાફ ના પાડી છે. એ જ વાત હું રૂબરૂ જઈને કરીશ.”

જયાએ પોતાના અરમાનનો મહેલ રચીને રાખ્યો છે. સુમનના લગ્ન થશે. એની વહુને પોંખવાનો લહાવો મળશે. ચંદા કરોડપતિ બાપની એકની એક દીકરી હોવાથી લાખો રૂપિયાનો કરિયાવર લાવશે. શહેરના સુખી પરિવારો વચ્ચે સુમન સ્થિર થયો હશે. એક દિવસ હું નોકર-ચાકર અને ગાડી-બંગલાનો વૈભવ સુરેશને બતાવીને કહીશ, ‘હું સુમનની મા અને બાપ બંને છું.’

સુમન એની મમ્મીના મળવા રતનપર આવ્યો. ઉનાળુ વેકેશન હોવાથી જયા ત્યાં જ હતી. એણે એની મમ્મીને કહ્યું, “તું મારા લગ્નની ઉતાવળ કરીશ નહીં. મારે હમણા લગ્ન કરવા નથી.”

જયા કહે, “હું ઘરમાં એકલી રહીને થાકી ગઈ છું. જ્યારથી મેં ચંદાને જોઈ છે ત્યારથી એને હું તારી વહુ માનીને બેઠી છું. તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. શહેરમાં દેવચંદ પટેલનો મોટો ધંધો છે. એનો વહીવટ તારા હાથમાં સોંપવાની એમણે તૈયારી બતાવી છે. એકવાર તું અને ચંદા સાથે બેસીને વાત કરી લ્યો. તારે ચંદાની તમામ વાતોની હા કહેવાની છે. તારા લગ્નની તમામ જવાબદારી વિરમમામાને માથે છે. એ કહે છે, સુમનના લગ્ન ધામધૂમથી કરવા છે. દેવચંદ પટેલ આગળ વિરમમામા તારા મોંફાટ વખાણ કર્યા કરે છે. એમને તારા પર અઢળક વિશ્વાસ છે. એમના વિશ્વાસનો ભંગ ન થાય એ તારે જોવું જોઈએ.”

સુમન કહે, “લગ્ન જેવી બાબતમાં વિરમમામાએ મારા પર આંધુળુંકિયો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. એમને તું કહી દેજે સુમન માનતો નથી. તું શાંત ચિત્તે સમજી લે. એ ધનાઢ્ય પરિવારની ચંદા આપણા ઘરની વહુ બનીને તને સાસુનું સુખ કદીએ ન આપે. લગ્ન બાબત તું મારી ચિંતા કરીશ નહીં.”

સુમનની વાત સાંભળીને જયાની આંખના ખૂણામાં ભીની લકીર ફૂટી.